જ્યારે આપણે શ્રીરામકૃષ્ણ વિશે વિચારીએ છીએ ત્યારે, આપણા મનમાં જે ચિત્ર ખડું થાય છે તે તેમની બેઠકની મુદ્રામાં લીધેલી છબિ છે. આ છબિમાં શ્રીરામકૃષ્ણ ઊંડી સમાધિમાં નિમગ્ન દેખાય છે. તે સ્વસ્થ અને સમભાવી, પુષ્ટ અને ઈશ્વરી કરુણાથી સભર દેખાય છે. તેમનો પ્રસન્ન અને સપ્રમાણ દેહ અવર્ણનીય અને આકર્ષક સૌંદર્યથી ભરપૂર લાગે છે. કમર અને તેની નીચેના ભાગને ઢાંકતું તેમણે ધોતિયું પહેર્યું છે. નીચેનો ભાગ અને પગ પૂરેપૂરા ખુલ્લા છે. ધોતિયાનો છેડો ડાબા ખભા પર જનોઈની પેઠે વ્યવસ્થિત ગોઠવાયેલો છે. તેમણે બીજું કશું પહેર્યું નથી. એક નાના આસન પર તે આરામથી બેઠા છે. તેમના ડાબા પગની એક ટચલી આંગળી સિવાય બીજી બધી આંગળીઓ દેખાય છે. તેમના હાથની આંગળીઓ ઉચ્છંગથી સહેજ નીચે સાથે ગુંથાયેલી છે. બન્ને અંગૂઠા પરસ્પર સ્પર્શેલા અને આંગળીઓ ગુંથાયેલી છે. તેમના ડાબા હાથનો નીચેનો ભાગ જરા વળેલો અને આંખો સહેજ ખુલ્લી છે. આથી નયનો જાણે અંતર્નિરીક્ષણ કરતાં હોય તેમ પૂરેપૂરાં અંતર્મુખ છે. નાસિકા સુડોળ અને તીક્ષ્ણ છે. તેમના નયનાભિરામ ચહેરા પર સ્મિત વિલસી રહ્યું છે. અર્ધ ખુલેલા, સહેજ સ્થૂળ લાગતા હોઠ વચ્ચે ઉપરના બે દાંત દેખાય છે. ડાબા કરતાં જમણો ખભો સુસ્પષ્ટ દેખાય છે. વ્યવસ્થિત દાઢીવાળો તેમનો શાંત અને સ્વસ્થ ચહેરો પ્રેમ, કરુણા અને દૈવી મમતાથી સભર લાગે છે. વાળ સરસ રીતે ઓળેલ છે અને તેમની આકૃતિ અદ્ભુત અને દિવ્ય પ્રભાયુક્ત દેખાય છે.

આ છબિ વિશે શ્રીરામકૃષ્ણે એકવાર કહેલું, “આ એક ઉચ્ચ યૌગિક અવસ્થાનું ચિત્ર છે. એનું ચિંત્વન અને ધ્યાન કરવું અગત્યનું બની રહેશે. એક દિવસ તમે જોશો કે આ છબિ ઘેરઘેર પુજાશે.” એટલું જ નહિ એક વાર તો આ છિબ પર ફૂલ ચડાવી પોતે જ તેની પૂજા કરી હતી.

શ્રીરામકૃષ્ણની આ છબિ દક્ષિણેશ્વરમાં રાધાકાંત મંદિરની આગલી પરસાળમાં લેવાઈ છે. તેમના ભક્ત શ્રી ભવનાથ ચેટર્જીના પ્રયત્નથી આ બની શક્યું. તેમના એક બીજા ભક્ત વરાહનગરના કુટીઘાટ રોડના શ્રી અવિનાશ ચંદ્ર દાએ ઈ.સ. ૧૮૮૩ના ઑક્ટોબરના એક રવિવારે સવારે ૯.૩૦ વાગ્યે તે છબિ લીધી. ભવનાથ પણ વરાહનગરના રહેવાસી હતા અને અવિનાશને નિકટથી ઓળખતા હતા. બાર્ન ઍન્ડ શેફડર્સ નામે ફોટોગ્રાફરની એક પ્રખ્યાત પેઢીમાં તે શિખાઉ તરીકે કામ કરતા હતા. એમણે જાતે કેમેરો ખરીદ કરેલો અને તેના વડે આ કલા શીખતા હતા. હજુ તે પૂરા પારંગત નહોતા. ભવનાથ તે જાણતા છતાં અવિનાશ પાસે શ્રીરામકૃષ્ણની છબિ ખેંચાવવાની ઇચ્છા થઈ. પોતાની આ દરખાસ્તને મંજૂરી આપવા એક દિવસ તેમણે શ્રી ઠાકુરને આજીજી કરી. પોતાના પ્રિય શિષ્યની ઇચ્છાને ઠાકુર નકારી શક્યા નહિ છતાં તેમને આ ગમતી વાત નહોતી એટલે તેમણે મૌન સેવ્યું. ભવનાથે આ મૌનને સંમતિ માની.

નક્કી કરેલ દિવસે ભવનાથ અવિનાશને પોતાની સાથે લઈને સવારે નવ વાગે દક્ષિણેશ્વર આવી પહોચ્યા. ઠાકુર ત્યારે સ્નાન પછી મા ભવતારિણીની સ્તુતિ કરી ખુશમિજાજમાં આમ-તેમ નાટમંદિરમાં ફરતા હતા. જગન્માતા પ્રત્યેના પ્રેમથી સ્વર્ગીય મૃદુતાથી તેમની આંખો ચમકતી હતી. તેમાં દિવ્યતા અને ગાઢ શાંતિનાં દર્શન થતાં હતાં. ધોતિયાનો છેડો તેમના ડાબા ખભાને શોભાવી રહ્યો હતો. સીંથીના મહેન્દ્ર કવિરાજ અને બીજા મિત્રો હાજર હતા.

મા ભવતારિણીના મંદિરમાં દર્શન કરીને અવિનાશ અને ભવનાથે શ્રી ઠાકુર પાસે આવી તેમને પ્રણામ કર્યા. શ્રી ઠાકુર ભવનાથને જોઈને ખૂબ રાજી થયા અને એમણે તેમના સાથીદાર વિશે પૃચ્છા કરી. ભવનાથે શ્રી ઠાકુરને અવિનાશની ઓળખાણ આપી અને તેમની વિનંતી પહોંચાડી. પોતાના વહાલા ભક્તની વિનંતી સાંભળીને શ્રી ઠાકુરે સ્મિત કર્યું.

ત્યાર પછી શ્રીરામકૃષ્ણ રાધાકાંતના મંદિરે ગયા અને બધા ભક્તો પણ તેમની પાછળ ગયા. શ્રી રાધાકાંત પ્રભુને ઘુંટણિયે પડી, પ્રણામ કરી શ્રી ઠાકુર મંદિરની ઉત્તર તરફની ઓસરીમાં ઊભા રહ્યા. સન્મુખે રહેલા શ્રી સદાશિવ મહાદેવના મંદિરમાં તેમની દૃષ્ટિ દેવતા પર સ્થિર થયેલી હતી દરમિયાન ભવનાથે ત્યાં એક નાનું આસન પાથર્યું અને ઠાકુર તેના પર બેઠા અને તરત જ ઊંડી સમાધિમાં મગ્ન થયા. અનુકૂળ તક મળેલી જોઈ ભવનાથે અવિનાશને છબિ ખેંચવાનો ઈશારો કર્યો અને અવિનાશ તરત જ તૈયાર થઈ ગયા.

શ્રીરામકૃષ્ણનું શરીર નમેલું હતું અને તે આકસ્મિક સ્થિતિમાં બેઠા હતા. છબિકારે કૅમેરાના કાચમાંથી તે જોયું અને તેમની બેસવાની રીત ઠીક કરવા એ તેમની નજીક આવ્યા. તેમને શ્રી ઠાકુરની સમાધિનો કશો ખ્યાલ ન હતો. અવિનાશે ઠાકુરના ખભા અને ઘૂંટણને સરખા ગોઠવવા જતાં જોયું કે તેમનું શરીર અતિશય મૃદુ અને હલકું હતું. તેમનો એક પગ ઠીક કરવા જતાં તેમનું આખું શરીર જાણે ઊંચું થતું લાગ્યું. પરિણામે અવિનાશ ખૂબ ગભરાયા અને ઢીલા પડી ગયા. શ્રેષ્ઠ આધ્યાત્મિક અવસ્થામાં રહેલા પવિત્ર શરીરને સ્પર્શતાં જાણે તેમનાથી ગુનો થઈ ગયો હોય તેવું તેમને લાગ્યું.

ભવનાથ અને અન્ય ભક્તો ઉપસ્થિત હતા તે સૌએ જોયું કે શ્રીરામકૃષ્ણનું શરીર નિશ્ચેતન પદાર્થની જેમ સ્થિર અને ગતિહીન હતું. તેમની આંખો લગભગ બંધ હતી. તેમના ચહેરા પર પ્રેમ અને કોમળતા હતાં. ચહેરો સ્વર્ગીય હાસ્યથી ઊભરાતો હતો. તેમનું સમગ્ર શરીર અગાધ પ્રેમના મોજાથી આંદોલિત હતું. ત્યાર પછી તેઓએ શ્રીરામકૃષ્ણને અનેકવાર સમાધિમગ્ન જોયેલા હતા પણ સમાધિમાં આટલા નિમગ્ન જોયા ન હતા.

ભવનાથે અવિનાશને શ્રીરામકૃષ્ણની આ સમાધિમગ્ન છબિ ખેંચી લેવા કહ્યું. ગમે તેમ પોતાની જાત પર કાબૂ મેળવી અવિનાશે ‘સ્નૅપ’ ખેંચી લીધો. પણ અસ્વાભાવિક ઉતાવળને લીધે, ‘નૅગેટિવ’ રાખવાનું લાકડાનું ખોખું, કૅમેરામાંથી કાઢતાં પડી ગયું અને કાચની નૅગૅટિવ ફૂટી ગઈ. પણ સદ્ભાગ્યે નૅગેટિવનો ઉપરનો ભાગ જ ફૂટ્યો હતો અને છબિને કશું નુકસાન થયું નહોતું.

આમ પોતાના ભક્તની ઇચ્છા પૂરી કરીને શ્રીઠાકુરે ધીરેધીરે બાહ્ય સંજ્ઞા પ્રાપ્ત કરી અને તેઓ પોતાના ઓરડામાં ગયા. ભવનાથે તેમને ઘૂંટણિયે પડીને પ્રણામ કર્યા અને પોતાની ઇચ્છા પૂરી થયાની બે હાથ જોડીને જાણ કરી. પ્રેમાળ દૃષ્ટિથી શ્રી ઠાકુરે મધુર સ્મિત કર્યું. અવિનાશે પણ ઘૂંટણિયે પડી પ્રણામ કર્યા અને એકબાજુ ઢીલા થઈ વ્યગ્રરીતે ઊભા રહ્યા. તે મૂંઝવણમાં છે એ શ્રી ઠાકુર કળી ગયા અને ફૉટો-માસ્ટરના પ્રેમાળ સંબોધનથી તેમને સંબોધી તેમના મનનો ભાર હળવો કરી નાખ્યો. શ્રી ઠાકુરનો આ રીતે વણમાગ્યો પ્રેમ મળવાથી અવિનાશ ધન્ય અને કૃતાર્થ થયા. અવિનાશની નાણાંકીય સ્થિતિ વિશે જાણીને શ્રીઠાકુરે પોતાના ભક્તોને આ છબિના પૈસા આપવા કહ્યું. મહેન્દ્ર કવિરાજે દસ રૂપિયાની નોટ આપી; થોડી આનાકાની પછી એમણે તે સ્વીકારી લીધી. હાજર હતા તે સૌને તેમણે ધારણા આપી કે છબિ એક અઠવાડિયામાં તૈયાર થઈ જશે.

તે પછી ત્રણ અઠવાડિયાં વહી ગયાં પણ અવિનાશ પાછા ન આવ્યા. ફોટો પાડ્યાના રવિવાર પછીના મંગળવારે તેને ત્યાં પુત્ર જન્મ થયો એટલે પૈસાની અછતમાં પેલા દસ રૂપિયા વપરાઈ ગયા. પૈસા વપરાઈ જતાં જરૂરી રસાયણ અને ફૉટોની નકલ માટેના કાગળ ખરીદી શક્યા નહિ, એટલે આ સ્થિતિમાં તે શ્રીરામકૃષ્ણ પાસે જઈ શક્યા નહિ. શ્રી રામકૃષ્ણે પોતે પૂછ્યું કે ત્રણ અઠવાડિયાં થયાં છતાં ‘ફૉટો માસ્ટર’ કેમ આવતા નથી? શી બાબત છે? શ્રી ઠાકુરની આ બાબતની આતુરતા જોઈ ભવનાથે પૂછ્યું કે હું જાતે પૂછી આવું? શ્રી ઠાકુરે હકારમાં જવાબ આપ્યો.

શ્રી ઠાકુરના આગ્રહને કારણે ભવનાથ અવિનાશને ઘેર ગયા અને મોટેથી તેનું નામ લઈ બોલાવવા લાગ્યા. થોડીવારે તે બહાર આવ્યા. તેમના એક પગે પાટો બાંધ્યો હતો અને લાકડીના ટેકે ખોડંગાતા ચાલતા હતા. તે જોઈ ભવનાથને દુ:ખ થયું અને આનું કારણ પૂછ્યું, ત્યારે જવાબમાં કહ્યું કે છબિ પાડ્યાના દિવસે સાંજે પોતાના ફળીમાં લપસીને પડી ગયા અને શ્રી ઠાકુરની દયાથી જ માંડ બચ્યા. પાટો બાંધેલ પગે હાથ અડાડી, અત્યંત દુ:ખી ચહેરે ઉમેર્યું કે હજુ ઘણી પીડા થાય છે. એટલે પેલી છબિ તૈયાર કરી શક્યા નથી.

ભવનાથે દિલસોજી બતાવી, “સારું થયું કે હાડકું ભાંગ્યું નથી! તમારે ધ્યાન રાખવું. બહુ હરશો-ફરશો નહિ અને જલ્દી સાજા થઈ જશો.” દક્ષિણેશ્વર આવીને શ્રીરામકૃષ્ણને બનેલી હકીકત કહી. શ્રી રામકૃષ્ણ સહેજ પણ દયા બતાવ્યા સિવાય જરા હસ્યા અને કહ્યું, “તેને અહીં બોલાવી લાવશો?” બીજે દિવસે સવારે થોડા મિત્રો સાથે ભવનાથ અવિનાશને ઘેર ગયા અને તેને દક્ષિણેશ્વર લઈ આવ્યા.

અવિનાશ શ્રી ઠાકુર પાસે આવ્યા. પગે પાટો, લાકડીનો ટેકો અને ચહેરા પર વેદના! શ્રીરામકૃષ્ણે તેમની સામે જોઈને પૂછ્યું, “શું થયું ફૉટો – માસ્ટર?” અવિનાશે ફરી તે જ વાત કહી બતાવી. પુત્ર ભૂલ કરતો હોય અને બાપ જે સૂરથી બોલે તેમ શ્રી ઠાકુર બોલ્યા, “અહીં આવ ફૉટો-માસ્ટર! એ બધું જ ખોટું છે. ઘેર પુત્રજન્મ થતાં બધા પૈસા વપરાઈ ગયા છે એ શા માટે તું કબૂલતો નથી?”

અવિનાશ ડઘાઈ ગયા. શ્રી ઠાકુરના મુખેથી સાચી વાત સાંભળી તેનું હૃદય ધ્રૂજી ઊઠ્યું. લોહી ઊડી ગયું હોય તેમ મૂક ઊભા રહ્યા. તેમને આવી રીતે ઊભેલા જોઈ શ્રીઠાકુરે તેમને ગંગામાં એક ડૂબકી મારી આવવા અને સામે ઊભા રહી એક ભજન ગાવા કહ્યું. અવિનાશે તરત પાટો કાઢી નાખ્યો અને પવિત્ર ગંગાજળમાં ડૂબકી મારી અને મૂંઝવણ ખંખેરી નાખી. તે પાછા આવ્યા ત્યારે શ્રી ઠાકુરે પોતાના હાથે જ ફળ-મીઠાઈ અને પ્રસાદ આપ્યાં. તે ખાધા પછી અવિનાશને વધુ ટાઢક વળી. અવિનાશનો કંઠ સુંદર હતો અને પખવાજ સારું વગાડી જાણતા. શ્રીઠાકુરના આગ્રહથી તે મા કાલીનું ભજન ગાવા લાગ્યા. અવિનાશના મધુર અને સજીવ સંગીતથી શ્રી ઠાકુરમાં સખ્ય, હાસ્ય, વાત્સલ્ય અને મધુર એમ વિવિધ ભાવ ઊભરાયા. પોતાના સંગીતથી શ્રી ઠાકુરમાં થયેલા ફેરફાર જોઈને અવિનાશ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. શ્રી ઠાકુરની વિનંતીથી અવિનાશને બીજા દસ રૂપિયા અપાયા. પોતે ખોટા બહાના અગાઉ બતાવેલા તે બદલ અવિનાશને ખૂબ પસ્તાવો થયો. તેણે ફરી ફરીને શ્રી ઠાકુરની-માફી માગી. આશીર્વાદ આપતાં શ્રી ઠાકુર બોલ્યા, “સત્યને વળગી રહો, આ કળિયુગમાં સત્ય એ જ તપસ્યા છે.”

ઘેર આવી મળેલ પૈસાથી અવિનાશે છબિ માટેની સામગ્રી ખરીદી. નૅગેટિવનો ઉપરનો ભાગ ફૂટી ગયો હતો તેથી તેણે એ ભાગ અર્ધ ગોળાકારમાં કાપ્યો. તેમાંથી નૅગેટિવ પ્રિન્ટ છાપી અને નૅગેટિવ પ્લેટને તૈયાર કરવાની કળા તે જાણતા હતા તેથી પહેલી નૅગેટિવમાંથી બીજી તૈયાર કરી અને તેમાંથી પૂરા કદની કેટલીક છબિ તૈયાર કરી ભવનાથને આપી. મૂળની છબિમાં અર્ધગોળ વળાંક દેખાય છે તેનો ખુલાસો આમાંથી મળે છે.

ભવનાથ તે છબિ શ્રીરામકૃષ્ણ પાસે લઈ ગયા તે જોતાં શ્રી રામકૃષ્ણ સમાધિમગ્ન બની ગયા. આ છબિને વારંવાર મસ્તક અડાડી અને લાગણીભર્યા અવાજે કહ્યું, “ખરેખર! ફૉટો ખૂબ સરસ આવ્યો છે. અવસ્થા ખૂબ ઉચ્ચ છે. ઈશ્વર સાથેના ઐક્યની અવસ્થા છે – તે ઈશ્વરની પોતાની જ છબિ છે.” નિષ્ઠાવાળા કલાકારની ભક્તિને લીધે શ્રીરામકૃષ્ણનું દિવ્ય શરીર તે છબિમાં ઝિલાયું છે. ખરેખર! તે છબિ દરેક ઘરમાં પુજાય છે. ભવનાથ અને અવિનાશને ખરેખર ધન્ય છે. આ છબિ માટે તેમને દુનિયાભરમાંથી ખૂબ આભાર અને ચિરંજીવી કીર્તિ મળશે. આ ઉપહારને કારણે સમગ્ર માનવજાત તેમને અહર્નિશ આભાર અને અપાર આદરથી યાદ કરશે.

(“પ્રબુદ્ધ ભારત” સપ્ટેમ્બર ૧૯૭૮માંથી સાભાર)

Total Views: 127

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.