ભગવાન વિષ્ણુએ દશ અવતાર લીધા હતા. વામનદેવ એમનો પાંચમો અવતાર હતા. અસુરોના ગુરુ શુક્રાચાર્યની સહાયથી અસ૨ રાજા મહાબલિ શક્તિશાળી બન્યા. સ્વર્ગના ભવ્ય રાજ્ય પર વિજય મેળવવાની ઇચ્છા કરીને પોતાના સૈન્ય સાથે ઈન્દ્ર રાજા પર વિજય મેળવ્યો. મહાબલિના ભયથી ભયભીત દેવો ગુરુ બૃહસ્પતિના શરણે ગયા. સમય આવ્યે પોતાના ગુરુના વચનનું ઉલ્લંઘન કરતાં બલિનું પતન થાય ત્યાં સુધી દેવોને કોઈ છૂપા સ્થળે ચાલ્યા જવા કહ્યું. બૃહસ્પતિની સલાહ પ્રમાણે દેવો છૂપાવેશે સ્વર્ગ છોડીને અજ્ઞાત સ્થળે છુપાઈ ગયા. સ્વર્ગના રાજ્યને પોતાના રાજ્યમાં ભેળવીને મહાબલિ ત્રિભુવનનો સ્વામી બન્યો.

દેવમાતા અદિતિ દેવોની આ અવદશા જોઈને દુઃખી દુઃખી થઈ ગયા. એમણે પોતાના પતિ કશ્યપ ઋષિને દેવોનું સ્વર્ગમાં પુનઃ સ્થાપન કરવા કંઈક ઉપાપ બતાવવા વિનવણી કરી. એમણે અદિતિને સલાહ આપી: ‘સર્વના સ્વામી ભગવાન વિષ્ણુનું શરણ સાથે. પયોવ્રત ધારણ કરીને એકાગ્ર ચિત્તે, પૂર્ણભક્તિભાવથી વિષ્ણુને ભજો. ભગવાન તમારી ભાવભક્તિથી પ્રસન્ન થઈને તમારી મનોકામના પૂર્ણ કરશે.’

પોતાના પતિની સલાહ પ્રમાણે અદિતિએ બાર દિવસ સુધી પ્રતિજ્ઞાપૂર્વક આરાધના કરી. એકાગ્ર અને ભક્તિભાવભર્યા મનથી એમણે ભગવાન વિષ્ણુનું ધ્યાન ધર્યું. અદિતિનાં તપ-ધ્યાન-ભક્તિથી પ્રસન્ન થઈને પીતાંબર ધારણ કરીને હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરીને ભગવાન વિષ્ણુએ દર્શન દીધાં. ભગવાન વિષ્ણુને પ્રત્યક્ષ જોઈને હાર્ષોન્મિત બનીને તેઓ ઊભા થયાં અને પ્રભુને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. પ્રેમભક્તિપૂર્ણ સ્વરે એમનાં ગુણગાન કર્યાં. અદિતિની પ્રાર્થના સાંભળીને કમળનયન વિષ્ણુએ કહ્યું, ‘અરે હું તમારી મનોકામનાને જાણું છું. તમારી પૂજા મનોવાંછિત ફળ આપશે. તમારા પુત્ર રૂપે જન્મીને અને એમનાં સમૃદ્ધિ-સ્થાન પાછા આપવાની દેવોને સ્વર્ગમાં પુનઃસ્થાપિત કરવાની તમારી મનોકામના હું પૂર્ણ કરીશ.’ નામ કહીને ભગવાન વિષ્ણુ અદૃશ્ય થઈ ગયા.

આ વિરલ આશીર્વાદ રૂપે શ્રી હરિ જ પોતાને ત્યાં જન્મ લેશે એ વાતથી અદિતિ તો આનંદવિભોર બની ગયાં અને પોતાની મનોકામના પૂર્ણ થયાના ભાવ સાથે પોતાના પતિદેવ પાસે આવ્યાં. અહીં સત્યદૃષ્ટા કશ્યપને પણ શ્રી હરિનો અંશ એમનામાં પ્રવેશ્યો હોય તેવી દિવ્ય અનુભૂતિ થઈ.

થોડા સમય પછી અદિતિએ ભગવાન વિષ્ણુને એક પુત્ર રૂપે જન્મ આપ્યો. એમનાં માતાપિતા એમને દિવ્ય અવતાર રૂપે ઓળખી શકે તેવાં ચિહ્નો અને ઓજસ્ સાથે પુત્ર જન્મ્યો. પછી માતાપિતાની નજર સમક્ષ એમણે બ્રહ્મચારી-વામનનું રૂપ ધારણ કર્યું.

વય થતાં વામનનો ઉપનયન સંસ્કાર વિધિ યોજાયો. સૂર્યદેવે પોતે જ એમને ગાયત્રીમંત્ર આપ્યો અને ગુરુ બૃહસ્પતિએ યજ્ઞોપવીત ધારણ કરાવ્યા. બ્રહ્મપ્રજ્ઞાસંપન્ન બ્રહ્મર્ષિ કરતાં પણ વામન તેજસ્વી બની ગયા. અહીં એ ભૃગુકુલના ઋષિઓની નિશ્રામાં ગુરુ શુક્રાચાર્યના માર્ગદર્શન હેઠળ મહાબલિ રાજાએ અશ્વમેધ યજ્ઞ આરંભ્યો. આ સમાચાર સાંભળીને વામનજી એ યજ્ઞભૂમિએ જવા ઉપડ્યા. પોતાના હાથમાં છત્રી, પાણીનો ભરેલો કુંભ અને એક સહાયક સાથે યજ્ઞભૂમિ પર આવી પહોંચ્યા. એમણે કમ૨ ૫૨ મુંજ (ઘાસ)નું વસ્ત્ર વીંટ્યું હતું, યજ્ઞોપવીતની જેમ કાળું મૃગચર્મ શોભતું હતું, એમના વાળ ગૂંથેલા હતા. જેવા વામનજી યજ્ઞમંડપમાં પ્રવેશ્યા કે ભૃગુઓ અને તેમના શિષ્યો એમની ચોતરફ ફેલાયેલી તેજસ્વિતા નિહાળીને મુગ્ધ બની ગયા. એમનું અભિવાદન કરવા અતિ સન્માન સાથે સૌ ઊભા થઈ ગયા. આવા અપ્રતિમ સુંદર અને આકર્ષક તેજપ્રભાવાળા અતિથિને નિહાળીને મહાબલિ રાજા અત્યંત પ્રસન્ન થયા. તેમણે વામનજીનો પુરાં માન સાથે આદર સત્કાર કર્યો, એમને આસન ગ્રહણ કરવા વિનંતી કરી; એમના ચરણ પખાળ્યા અને એમની પૂજા કરી. પછી બલિએ વામનજીને કહ્યું: ‘અરે પવિત્ર પુરુષ ! આપનું અભિવાદન કરું છું, મારા પ્રણામ સ્વીકારો, મહારાજ ! આપે અહીં પધારીને મને પાવન કર્યો છે; મારા પૂર્વજોને, મા૨ા રાજવંશને પાવન કર્યા છે. અને મારા યજ્ઞને પરિપૂર્ણ કર્યો છે. હું અશ્વમેઘ યજ્ઞ કરું છું અને હું ધારું છું કે આપ અહીં કોઈ મનોકામના કરીને પધાર્યા છો. આપ જે ઇચ્છશો તે આપને મળી રહેશે. એ માગણીમાં ગાયો – સુવર્ણમુદ્રા – ગૃહો – સમૃદ્ધ ગામો કે ગમે તે માગશો તે બધું મળશે.’

રાજા મહાબલિની વિનયવિવેકપૂર્ણ વાણી સાંભળીને વામનજી ખૂબ પ્રસન્ન થયા. તેમણે કહ્યું: ‘હે રાજા, તમારી વાણી મધુર છે. સર્વ લોકના સ્વામી, ઉદાર અને દાનવીર એવા આપની પાસેથી હું તો મારાં ત્રણ ડગલાં ભૂમિ ઇચ્છું છું. આટલાથી જ મને સંતોષ થશે.’ આટલા નાના ભૂમિભાગની માગણીથી રાજા બલિને હસવું આવ્યું. વામનની ઇચ્છા પ્રમાણે દાન આપવા એમણે પાણીનો કુંભ હાથમાં લીધો અને કહ્યું, ‘આપે જે કંઈ માગ્યું તે આપને અર્પણ કરું છું.’

તેમના ગુરુ શુક્રાચાર્ય વિષ્ણુની આ યોજનાને જાણતા હતા. તેમણે રાજા મહાબલિને ચેતવતાં કહ્યું: ‘અરે રાજા, આ બટુક વામન મહાવિષ્ણુ પોતે જ છે. દેવોના કલ્યાણ માટે તેમણે અદિતિ અને કશ્યપને ત્યાં બાળક રૂપે અવતાર લીધો છે. ભાવિના પરિણામનો ખ્યાલ કર્યા વગર તમે એમને ત્રણ ડગલાં ભૂમિ આપવા તૈયાર છો. એ કાર્ય સૂઝબૂઝ વિહોણું છે. અસુરો પર આપત્તિ આવવાની છે. વામન-બ્રહ્મચારીના રૂપે સ્વયં વિષ્ણુ છૂપાવેશે આવ્યા છે. એ જ તમારાં માનપાનસ્થાન, સુખસમૃદ્ધિ અને સ્વાતંત્ર્ય હરી લેશે અને એ બધું ઇન્દ્રને ધરી દેશે. આ વામન બ્રહ્મચારી ચમત્કારિક શક્તિ ધરાવે છે અને એમનાં ત્રણ ડગલાંમાં સમગ્ર બ્રહ્માંડ આવી જશે. વાસ્તવમાં તમે તમારું સર્વકંઈ એમને આપી દીધું છે. એમના એક ડગલે સ્વર્ગ લઈ લેશે, બીજે ડગલે પૃથ્વી લઈ લેશે એમનો દેહ આકાશમાં વ્યાપી જશે. ત્રીજું ડગલું ભરવા માટે કોઈ સ્થાન રહેશે ખરું ?’

શુક્રાચાર્યના શબ્દો સાંભળીને પળભર માટે મહાબલિ નિરવ થઈ ગયા; પણ મક્કમ મને જવાબ આપ્યોઃ ‘મહારાજ, આપ કહો છો તે સાચું છે પરંતુ મહાન ભક્ત પ્રહ્લાદના પુત્રે, મેં આ બ્રહ્મચારીને જે આપવાનું વચન આપ્યું છે એનો એક ધૂર્તની જેમ ઈન્કાર કેમ કરી શકું ? વચનભંગથી વધુ દુષ્ટકાર્ય કોઈ નથી. પવિત્ર માણસને હતાશ કરવા જેવું કોઈ ભયાનક કાર્ય કે પાપ નથી. સુખસમૃદ્ધિ અને બીજી પાર્થિવ ચીજવસ્તુઓ તો મૃત્યુ સાથે જ દૂર થવાની. એટલે જીવતાં જ સત્કાર્ય માટે આ બધું આપી દેવામાં મારે શું ગુમાવવાનું છે ? યજ્ઞયાગમાં આપણે ભગવાન મહાવિષ્ણુને હવિ રૂપે, નૈવેદ્ય રૂપે આવું બધું ભક્તિભાવપૂર્વક અર્પણ કરીએ છીએ. અને તમે કહો છો તેમ આ બ્રહ્મચારી વિષ્ણુજી હોય અને તેઓ આપણું ક્ષેમકલ્યાણ કરવા કે પછી આપણો વિનાશ કરવા આવ્યા હોય પણ હું તો એમણે જે કંઈ માગ્યું છે એ બધું એમને આપી દેવાનો છું; પછી ભલેને આખી ધરતી આપી દેવી પડે તો પણ શું ?’

પોતાની સલાહની અવગણના કરવા માટે શુક્રાચાર્ય બલિ રાજા પર ક્રોધે ભરાયા અને તેમણે અભિશાપ આપ્યોઃ ‘મારી અવગણના કરવા માટે તું તારાં સમૃદ્ધિ કીર્તિ સર્વકંઈથી વંચિત બનીશ.’

આવો અભિશાપ મળવા છતાં ઉમદા અને મહાન રાજા બલિ પોતાના સત્યના માર્ગેથી જરા પણ ડગ્યા નહિ. એમણે તો વચન પ્રમાણે આપવાનું શરૂ કરી દીધું. રાણી વિંદ્યાવલિ પાણીનો કુંભ લાવ્યાં અને પતિને આપ્યો. કુંભમાંથી દાન-અર્પણ કરવા પાણી મૂકવા લાગ્યા. છેલ્લા ઉપાય તરીકે શુક્રાચાર્યે કુંભના પાણી વહેવાના નાકામાં એક માખી બનીને પાણીને બહાર નીકળતું બંધ કર્યું. આ જાણીને વામનજીએ દર્ભનું એક ધારદાર તરણું લીધું અને કુંભનું મોઢું જ છેદી નાખ્યું. ધારદાર દર્ભે શુક્રાચાર્યની આંખ વીંધી નાખી. એ દિવસથી તેઓ એક આંખવાળા બની ગયા. વામનના ખોબામાં કુંભમાંથી પાણી વહેવા માંડ્યું. પછી રાજાએ વામનદેવના ચરણો પખાળ્યા અને વિશ્વને પાવન કરતા એ જળને પોતાના મસ્તક પર છાંટ્યું. બધાંના આશ્ચર્ય સાથે વામને પોતાનું મૂળ ચમત્કારિક વિરાટરૂપ ધારણ કર્યું અને પળવારમાં સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપી ગયા. મહાબલિ રાજાએ પૃથ્વી, સ્વર્ગ, આકાશ, તારાઓ ગ્રહો-નક્ષત્રો, સૂર્ય-ચંદ્ર વગેરેને એ મહાવિરાટરૂપના એક માત્ર અવયવ રૂપે નિહાળ્યાં. એમાં બધાં દેવદેવીઓ પણ સમાઈ ગયાં ! આ મહાવિરાટરૂપમાં ચલ-અચલ, જડ-ચેતન, સર્વકંઈ સમાયેલું હતું.

હવે વામને એક ડગલામાં આખી પૃથ્વી લઈ લીધી, બીજા ડગલે સ્વર્ગ અને સત્યલોકને લઈ લીધાં. ત્રીજા ડગલા માટે કંઈ બાકી ન રહ્યું. વામને કહ્યું, ‘તમે મને ત્રણ ડગલાં ભૂમિ આપવાનું વચન આપ્યું છે. બે પગલાંમાં તો સર્વલોક લઈ લીધાં. હવે ત્રીજું ડગલું ક્યાં ભરવું તે મને બતાવશો ? અને તમે તમારું વચન ન પાળી શકો તો બહેતર છે કે તમે પાતાળમાં ચાલ્યા જાઓ.’ આમ પ્રભુથી ભોળવાઈ ગયેલા અને બધું આપી ચૂકેલા રાજાએ અડગ રહીને, સત્યનિષ્ઠ રહીને મનથી જરાય ચલિત થયા વિના જવાબ આપ્યોઃ ‘હે મહારાજ ! જો તમારો ઇરાદો મને વચનભંગ કરાવવાનો હોય તો મારો ઇરાદો પણ ગમે તે ભોગે એ વચનપાલન કરવાનો છે. મારાં વચન વૃથા ન જ થાય. જૂઠા સાબિત થવું એના કરતાં તો નરકમાં જવું વધારે સારું છે. એટલે પ્રભુજી આપ આપનું ત્રીજું ડગલું મારા શિરે રાખીને ભરો.’

વામને ત્રીજું ડગલું બલિના શિરે મૂક્યું અને એને પાતાળે મોકલ્યો. ત્યાં એકઠા મળેલા દેવોને વામને કહ્યુંઃ ‘હું જેમને જેમને આશિષ આપવા ઇચ્છું છું, સૌ પ્રથમ તો તેમની સર્વસંપત્તિ હરી લઉં છું; કારણ કે આ સંપત્તિ જ માનવને અહંભાવી અને ગર્વિષ્ઠ બનાવી મૂકે છે. એને લીધે વિશ્વને અને પ્રભુને ધુત્કારે છે. આ દૈત્યરાજ, દાનવરાજ મહાબલિ કે જેમણે એમના લોકોને માટે યશકીર્તિ, સુખસમૃદ્ધિ અપાવ્યાં છે, એમણે અજેય એવી મારી માયાને પણ જીતી લીધી છે. એટલું જ નહિ પણ આટલું બધું ગુમાવવા છતાં પણ, આટલાં બધાં અધોગતિ અને પરિતાપ મળવા છતાં તે ધીરસ્થિર અને અચલાયમાન રહ્યો. અત્યંત દરિદ્ર અવસ્થામાં આવી જવા છતાં, પોતાના સત્તા સ્થાને દૂર થવા છતાં, દુશ્મનોએ કારમા બંધનમાં નાખ્યો હોવા છતાં, મિત્રોએ -શુભેચ્છકોએ છોડી દીધો અને પોતાના ગુરુએ જ ઠપકો અને અભિશાપ આપ્યો હોવા છતાં પણ મહાબલિ પોતાના સત્યપ્રતિજ્ઞાના પથે અડગ રહ્યો અને વચનભંગ થવા ન દીધો. અરે ! મેં ધર્મનું ખોટું સ્પષ્ટીકરણ કે મિથ્યા તર્ક આપ્યો હોત તો પણ તેઓ પોતાના સત્યના પથેથી એક તસુ પણ ખસ્યા ન હોત.’

‘જે મારી સંપૂર્ણ શરણાગતિ સાધે છે એને હું સ્વર્ગથી પણ ચડિયાતાં આશિષ-આનંદ, સુખ આપું છું. મનુ સાવર્ણીના યુગમાં તે ઇંદ્ર બનશે. ત્યાં સુધી તે સુખેથી સુતલમાં ૨હે. આ સુતલમાં વિશ્વકર્માના હાથે સજેલી ઘણી સુકૃતિઓ છે. અહીં જે વસે છે તે મારી પરમકૃપાથી બધાં આધિવ્યાધિ, રોગદોષ, નિર્બળતા-પ્રમાદ, જયપરાજય, નિરાશાથી દૂર રહે છે. એટલે કે મહાશાસક મહાબલિ ! તમને સર્વસમૃદ્ધિ સાંપડો. તમે તમારા મિત્રો, પરિવારજનો, સગાંસંબંધીઓ, સેવકો સાથે સ્વર્ગની પણ પહોંચની બહાર એવા સુતલમાં વસો. ત્યાં તમારા પર કોઈ વિજય નહિ મેળવી શકે. અરે દેવોના રક્ષકોથી પણ તમે ત્યાં અજેય બનીને રહી શકશો. અને કોઈ પણ અસુર તમને પીડવાનો પ્રયત્ન કરશે તો તેનો મારા સુદર્શનથી વધ થશે. સુતલમાં નિવાસ માટે હું તમને સૌની રક્ષા કરવાનું અભયવચન આપું છું. ત્યાં હંમેશાં તમે મારી ઉપસ્થિતિ અનુભવશો. સુતલમાં દૈત્યો – અને દાનવોની સાથે રહેતાં રહેતાં કોઈ પણ આસુરી પ્રકૃતિ કે માયા તમારી સમક્ષ આવશે તે બધી આસુરીશક્તિઓ મારી સદૈવ જાગ્રત સચેતન દિવ્ય શક્તિથી શક્તિહીન બની જશે.’

Total Views: 27
By Published On: September 5, 2022Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram