ભારતીય ઇતિહાસના ક્ષેત્રમાં ડો.બાશામનું નામ સુપ્રસિદ્ધ છે. તેઓ ઈ.સ. ૧૯૪૮માં લંડન વિશ્વવિદ્યાલયમાં ભારતીય ઇતિહાસ વિષયના વ્યાખ્યાતા હતા. તેમની નિમણૂક ઈ.સ. ૧૯૬૫માં ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રિય વિશ્વવિદ્યાલયમાં એશિયાઈ સંસ્કૃતિ વિભાગના પ્રાધ્યાપક તરીકે થયેલી. તેમના પ્રસ્તુત લેખનો શ્રીચંદુભાઈ ઠકરાલે કરેલ ગુજરાતી ભાવાનુવાદ વાચકો સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ. – સં.
સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેમના જન્મ પછી સો વર્ષે પણ આજે વિશ્વ- ઇતિહાસના ત્રાજવામાં તેમના મહત્ત્વનું મૂલ્યાંકન કરવાનું કામ અત્યંત કઠિન છે. કોઈ પણ પાશ્ચાત્ય ઇતિહાસકાર અથવા મોટા ભાગના ભારતીય ઇતિહાસકારો માટે પણ આ કાર્ય તેમના અવસાન સમયે જેટલું કઠિન હતું, તેનાથી વધારે કઠિન બની ગયું છે. આનું કારણ એ છે કે ત્યારથી માંડીને આજ સુધીના ગાળામાં બની ગયેલી વિસ્મયજનક અને અનપેક્ષિત ઘટનાઓ પરથી એવો સંકેત મળે છે કે હવે પછીની શતાબ્દિઓમાં, ખાસ કરીને એશિયાને લાગે વળગે છે ત્યાં સુધી સ્વામીજીને આધુનિક વિશ્વના ઘડવૈયાઓમાંના એક તરીકે યાદ કરવામાં આવશે. વળી ભારતીય ધર્મના સમગ્ર ઇતિહાસમાં તેમને સર્વાધિક મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓમાંની એક તરીકે ગણવામાં આવશે. તેમની મહત્ત્વની સરખામણી શંકર અને રામાનુજ જેવા આચાર્યો સાથે જ કરી શકાય એમ છે. પરંતુ કબીર, ચૈતન્ય અને દક્ષિણ ભારતના આલવાર અને નયનાર આદિ સ્થાનિક અને પ્રાંતીય સંતોની તુલનામાં તો તેઓ બેશક વધારે મહત્ત્વપૂર્ણ હતા.
બીજી બાજુ આપણે હિંદુધર્મના ઇતિહાસનું સર્વાંગી દૃષ્ટિએ અવલોકન કરીએ તો આપણે સ્વામી વિવેકાનંદને નવા પંથનું નિર્માણ કરતા કે પ્રતિક્રિયાવાદી સ્વરૂપે જોતા નથી. આ શતાબ્દિની શરૂઆતમાં કેટલાક મિશનરીઓ સ્વામીજીને એવા માનતા હતા. અહીં ખાસ કરીને હું રેવરંડ જે. એન. ફરકુહાર વિશે વિચાર કરી રહ્યો છું. તેઓ પોતાના જીવનકાળ દરમિયાન હિંદુધર્મના ઇતિહાસના એક મોટા જ્ઞાતા હતા અને સ્કોટિશ પ્રેસબિટેરિયન દૃષ્ટિકોણની મર્યાદામાં રહીને સ્વામીજી પ્રત્યે તેઓ બને ત્યાં સુધી સહાનુભૂતિ દાખવતા હતા. ફરકુહારે સ્વામીજીને મૂલત: પુરાતનપંથી અને પ્રતિક્રિયાવાદી શક્તિ સ્વરૂપે જોયા હતા. આવા લોકો વીતી ગયેલા ભૂતકાળને ફરીથી લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
વસ્તુત: આ બંને રેખાચિત્રોમાંથી કોઈ સંપૂર્ણરીતે ન્યાયસંગત નથી. જ્યારે આપણે તેમના પુરોગામીઓ પ્રત્યે પણ ન્યાય કરીએ ત્યારે જ સ્વામીજીના મહાન વ્યક્તિત્વ પ્રત્યે ન્યાય કરવા સમક્ષ બનીશું. તેમના પૂર્વવર્તીઓએ તેમની પહેલાં હિંદુધર્મમાં પુનર્જાગરણની પ્રક્રિયાનો આરંભ કર્યો હતો. તે પ્રક્રિયા પછીથી શ્રી અરવિંદ, મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે જેવા શિક્ષકોના માધ્યમ દ્વારા ચાલુ રહી હતી. આપણે રામમોહન રાયને યાદ કરવા પડશે. તેઓ આ બધામાં અગ્રણી હતા. તેમણે અનેક અર્થોમાં પોતાના પછીના સુધારકોથી આગળ વધીને પાશ્ચાત્ય વિચારો, આદર્શો અને મૂલ્યોની સાથે સમાધાન કરી લીધું હતું. તેમણે તર્કસંમત વિચારો પર આધારિત હોય એવા પ્રકારના હિંદુવિચારધારાને અનુરૂપ યુનિટેરિયનિઝમ (એકવ્યક્તિવાદ)નો પ્રચાર કર્યો. તે વાદના મોટા ભાગના સિદ્ધાંતો તેઓ પોતાના ખ્રિસ્તી મિશનરી મિત્રો પાસેથી શીખ્યા હતા. તદુપરાંત દેવેન્દ્રનાથ ઠાકુર હતા. તેમણે બ્રાહ્મસમાજને થોડોક વધારે રહસ્યવાદી વળાંક આપ્યો. તે પછી કેશવચંદ્ર સેન થયા. તેઓ પોતાના ધર્મવિષયક વિચારધારામાં ખૂબ ઉદારવાદી હતા, વ્યવહારમાં પોતાના પુરોગામીઓ કરતાં ક્યાંય વધુ રાષ્ટ્રવાદી હતા. તેમણે બ્રાહ્મ-આંદોલનને થોડીક વધારે ભારતીયતા પ્રદાન કરી, પણ સાથે સાથે તેમણે એનું વિભાજન પણ કર્યું અને એ રીતે સંભવત: ઝડપી ભંગાણમાં સહાયતા કરી.
સ્વામી વિવેકાનંદ જે લોકોને અથવા જેમના વિશે જાણતા હોય, તેવા લોકો વિશે પણ આપણે વિચાર કરવો પડશે. અહીં મને ખાસ કરીને દયાનંદ સરસ્વતી વિશે વિચાર આવે છે. તેમને જે.એન. ફરકુહારે વિવેકાનંદની સાથે જ પ્રતિક્રિયાવાદીની હરોળમાં મૂક્યા છે. વસ્તુત: દયાનંદજી પોતે જ એક મહાન સુધારક હતા અને તેમના સુધારા અત્યારે પણ આર્યસમાજ સ્વરૂપ મોજૂદ છે. પરંતુ વેદોની પોતે કરેલી મનમાની વ્યાખ્યાને જ તેમણે પોતાના સિદ્ધાંતોનો અધાર બનાવી. પણ તે વ્યાખ્યા (કે ભાષ્ય) યુક્તિવાદી વિશ્લેષણના પ્રકાશમાં ટકી શકતી નથી. તેમના આંદોલનનો પ્રભાવ ભારતના ઉત્તરભાગના પ્રદેશો સિવાય ક્યાંય બહુ થયો નથી.
આપણે વિવેકાનંદના અદ્ભુત ગુરુ શ્રીરામકૃષ્ણ પરમહંસનું સ્મરણ કરવું પડશે. તેઓ ખૂબ સરલ પ્રકૃતિની વ્યક્તિ હતા. તેમણે કશું લખ્યું નથી, પરંતુ પોતાના સમયની બંગાળી વિચારધારાના સમસ્ત વાતાવરણ પર અદ્ભુત પ્રભાવ પાડ્યો હતો. રામકૃષ્ણ-વિવેકાનંદ તથા ઈસુ-સેન્ટપોલની સમરૂપતામાં સંભવ છે કે કોઈક તાત્પર્ય રહેલું હોય. એ બાબતમાં કોઈ સંદેહ નથી કે વિવેકાનંદને પોતાના અનેક મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતો અને મોટા ભાગની પ્રેરણા પોતાના ગુરુદેવ પાસેથી પ્રાપ્ત થયેલાં. પરંતુ તેમણે તેમના પર પોતાની આગવી વ્યાખ્યા (ભાષ્ય) કરેલ.
મને વિશ્વાસ છે કે મહાન સ્વામી વિવેકાનંદનું મહત્ત્વપૂર્ણ સ્થાન વિશ્વઇતિહાસમાં કાયમ માટે બની રહેશે. આનું કારણ એ છે કે તેમના સમયના ભારતવર્ષના કોઈ પણ અન્ય શિક્ષકની સરખામણીમાં વધારે પ્રભાવશાળી રીતે તેમણે પોતાના દેશવાસીઓને પ્રાચીનની સાથે અર્વાચીનનો સમન્વય કરવાનું શીખવ્યું હતું.
ઓગણીસમા સૈકાના ઉત્તરકાલમાં તથા વર્તમાન સૈકાના પ્રથમ દસકામાં ભારતની સમસ્ત ધાર્મિક, સાંસ્કૃતિક, કલાવિષયક અને સાહિત્યિક પરંપરાઓનો ધીરે ધીરે, પણ નિશ્ચિત રૂપે લોપ થઈ જવાનો ખતરો ઊભો થયો હતો. શિક્ષિત લોકો વધારેમાં વધારે સંખ્યામાં સંપૂર્ણ રીતે પશ્ચિમની વિચારધારા અને જીવનપદ્ધતિને અપનાવવા લાગ્યા હતા અને મોટે ભાગે જાણી જોઈને પોતાના દેશની પ્રાચીન સંસ્કૃતિને ભૂલવા લાગ્યા હતા.
ઓગણીસમા સૈકાના અંત સુધીમાં (વિશ્વના) મોટા ભાગના લોકો – ભારતવાસીઓ પણ – માનવા લાગ્યા હતા કે એકાદ પેઢીમાં જ આખું ભારત ધર્માન્તર કરી નાખશે અને એક યા બીજા ખ્રિસ્તી સંપ્રદાયને અધીન બની જશે. પછી આગળ જતાં એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે ભારત ભલે ખ્રિસ્તી ન બને, પણ સંભવ છે કે ભારતનો શિક્ષિત વર્ગ તો અવશ્ય જડવાદી નાસ્તિક બની જશે. આ ખતરો હજી પણ એવો ને એવો જ છે. (આ ખતરાને ઘણા લોકો ખતરો નહિ, પણ સારી વાત માને છે.)
પોતાના પેઢીના કોઈ પણ આચાર્ય કરતાં કેટલુંય વધારે, વિવેકાનંદે ભારતવર્ષને સ્વાભિમાન શિખવ્યું, પોતાના દેશવાસીઓને પોતાની પરંપરાગત સંસ્કૃતિ, પોતાનાં પરંપરાગત મૂલ્યો અને પોતાના પરંપરાગત જીવનદર્શનને અપનાવવાની ખૂબ પ્રેરણા આપી. પરંતુ સાથે સાથે તેમણે એમ પણ કહ્યું કે તે બધાંને જે તે સ્વરૂપે જ ગ્રહણ ન કરો, પણ આવશ્યકતા અનુસાર તેમનું ઘડતર કરો, બદલી નાખો, સૂકાં ઝાંખરાં કાપી નાખીને નવી શાખાઓ ઉગાડો; પાશ્ચાત્ય અને અન્ય સ્રોતો પાસેથી ગ્રહણ કરવામાં આવેલી નવી વિચારધારાને અહીંતહીં આરોપિત કરી લો. પણ ધ્યાન રાખો કે મૂલવૃક્ષ જીવંત અને સમૃદ્ધ બની રહે. આ કાર્ય માટે ભારતવર્ષ અન્ય કોઈ વ્યક્તિ કરતાં સ્વામી વિવેકાનંદનો વધારે ઋણી છે. અને જે મહાન નેતાગણ તેમના કાર્યને અલગઅલગ રીતે આગળ વધારતો હતો, તે પણ મોટે ભાગે પોતાને મળેલી પ્રેરણા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વિવેકાનંદનો ઋણી છે. આ લોકોમાંથી હું ખાસ કરીને મહાત્મા ગાંધી વિશે વિચારું છું. ત્યારે મને લાગે છે કે તેમણે પણ મૂળભુત પ્રાચીન હિન્દુશરીરમાં અભિનવ વિચારોને આત્મસાત્ કરવામાં અને તેમને સંપૂર્ણરીતે સ્વાભાવિક સ્વરૂપ પ્રદાન કરવામાં અદ્ભુત પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો.
વિવેકાનંદે પોતાના દેશવાસીઓને પોતાના વારસા પર ‘લજ્જા અનુભવવાને બદલ ગર્વ કરવાનું શિખવ્યું.’ ‘આપણી આસ્થા ખૂબ ખરાબ અવસ્થામાં મૂકાઈ ગઈ છે! જરા સતીપ્રથાને તો જુઓ!’ વગેરે. એવા વિચારો કરતા અટકાવ્યા. માત્ર આટલું જ નહિ, તેમણે પોતાના દેશબાંધવોને આશાવાદી બનવાનું પણ શિક્ષણ આપ્યું. તેમણે પાછળ મુખ ફેરવીને દૂર દૂરના ભૂતકાળ તરફ, પૌરાણિક સત્યયુગ તરફ ન જોતાં, ભવિષ્યમાં તેની પુન:સ્થાપનાની સંભાવના પર ધ્યાન આપવાનો પડકાર કર્યો અને કહ્યું કે આપણે આપણી ગુલામીની મનોવૃત્તિને વશ થઈને આપણા અલ્પકાલિક શાસકોનું અંધાનુકરણ ન કરતાં, તેમનામાં જે કાંઈ સારું હોય તેને જ ગ્રહણ કરીએ; અને જે કંઈ આવશ્યક હોય તે જ તેમની પાસેથી શીખીએ.
વિવેકાનંદના સંદેશની એક અત્યંત મહત્ત્વપૂર્ણ વિશેષતા એ છે કે તેમણે નિર્ધન અને પીડિતોની સેવાને માનવના મૂળભૂત ધાર્મિક કર્તવ્યોમાંના તરીકે બતાવી અને એક નવા જ માર્ગના શ્રીગણેશ કર્યા. એવું પણ હોઈ શકે કે ચૈતન્ય મહાપ્રભુ અને કેશવચંદ્ર સેને પણ આ દિશામાં તેમની પહેલાં કેટલાંક પગલાં ભર્યાં હોય. એમ કહેવું બરાબર નથી કે હિંદુ ધર્મગ્રંથો પોતાના માનવ ભાઈઓ પ્રત્યે આવી વ્યાવહારિક સ્નેહપૂર્ણ સેવા પર ભાર મૂકતા નથી; તેઓ ચોક્કસપણે આવો ભાર મૂકે જ છે. પ્રાચીન ભારતના અને ખાસ કરીને દક્ષિણના ધર્મગ્રંથોમાંથી કેટલાંક ઉદ્ધરણો આપી શકાય એમ છે. એમાં આ સદ્ગુણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે અને તેમને ખ્રિસ્તી ધર્મગ્રંથોના આવો સંદેશ આપનારા અનેક સુપ્રસિદ્ધ અંશોના સમકક્ષ ગણી શકાય તેમ છે. પરંતુ ભારતમાં આ ક્ષેત્રમાં વિવેકાનંદ જ મહાત્મા ગાંધીના સર્વાધિક મહત્ત્વપૂર્ણ પુરોગામી હતા. તેમણે નિર્ધન અને પીડિત લોકોના કલ્યાણ માટે રચનાત્મક સેવાકાર્યોને પ્રોત્સાહન પૂરું પાડ્યું.
મને એ પણ વિશ્વાસ છે કે વિવેકાનંદને વિશ્વઇતિહાસમાં પોતાના એક વિશેષ કાર્યનો આરંભ કરવા માટે યાદ કરવામાં આવશે. આ કાર્યને ડો. સી.ઈ.એમ. જોડે એકવાર ‘the counter-attack from the East’ (પૂર્વનું પ્રતિઆક્રમણ) કહેલું. લગભગ એક હજાર વરસ પહેલાં દક્ષિણે-પૂર્વ એશિયા અને ચીનમાં બૌદ્ધ અને હિંદુધર્મનો પ્રચાર કરતાં કરતાં ભ્રમણ કરનારા ભારતીય ધર્મપ્રચારકો પછી (આધુનિક કાળમાં) જ સર્વપ્રથમ તેઓ જ એક એવા ધર્મશિક્ષક થયા, જેમણે ભારતની બહાર પ્રભાવનો વિસ્તાર કર્યો. અહીં આપણને કેશવચંદ્ર સેનનો એક નાનો એવો અપવાદ મળી આવે છે. તેમણે લંડન તથા અન્ય સ્થળોએ કેટલાંક વ્યાખ્યાનો આપ્યાં. પરંતુ તેમનો પ્રભાવ નગણ્ય હતો. તે સમયે પહેલેથી જ હિંદુધર્મના મહિમા તથા તેમાં રહેલા સૌંદર્યની થોડી સમજ ધરાવનારા વિદ્વાનો પશ્ચિમમાં હતા અને તેના પ્રત્યે તેઓ પ્રશંસાનો ભાવ ધરાવતા હતા. પરંતુ આધુનિક જગતના ઇતિહાસમાં એવું પહેલી વાર જ બન્યું કે એક ભારતીયે ભારતની સીમા બહાર જઈને ઉપદેશ આપ્યો અને તેઓ પોતાનાં વૈયક્તિક આકર્ષણ, ગહન આધ્યાત્મિક ભાવ તથા અદ્ભુત વાક્છટા દ્વારા પાશ્ચાત્ય લોકોને પોતાના અનુયાયીરૂપે ભારતમાં લાવ્યા અને તેમને પોતાના કાર્યમાં જોડવામાં સમર્થ થયા.
એશિયાનું આ પ્રતિઆક્રમણ અત્યારે પણ એક યા બીજા સ્વરૂપે ચાલુ જ છે અને તેનો પ્રભાવ પણ સારો એવો પડી રહ્યો છે. આપણે આશા રાખી શકીએ છીએ કે આ એક મોટું મૈત્રીપૂર્ણ અનાક્રમક પ્રત્યાક્રમણ છે. ધીરે ધીરે, પરંતુ નિશ્ચિતરૂપે હવે આપણને નિષ્ઠાવાન અને ઉપર ઉપરથી કટ્ટરવાદી લાગતા ખ્રિસ્તીઓ, યહૂદીઓ અને ધર્મહીન અવિશ્વાસી લોકોને મોઢેથી પણ હિંદુ વિચારધારા અથવા ભારતીય પ્રકારના વિચારો સાંભળવા મળી જાય છે. તે જ રીતે હવે હિંદુઓને મોઢેથી ખ્રિસ્તીધર્મ દ્વારા પ્રેરિત અથવા ખ્રિસ્તી પ્રકારની વાતો સાંભળવા મળી જાય છે. આ ઉભયમુખી આવનજાવન છે. યહૂદી, ખ્રિસ્તી વગેરે પાશ્ચાત્ય ધર્મો અને કેટલીક હદે ઇસ્લામ પણ ક્યારેક મૂસા દ્વારા સાંભળવામાં આવેલ યહોવાના આ વાક્ય- ‘તમે મારા સિવાય બીજા કોઈ ઈશ્વરને માનશો નહિ.’ – ને આધારે બીજાઓનો બહિષ્કાર કરતા હતા. હવે વધારેમાં વધારે પ્રમાણમાં બધાનો સ્વીકાર કરવા લાગ્યા છે. ઉપર્યુક્ત ઉદ્ધરણ મેં યહૂદી ધર્મગ્રંથ Exodus (નિષ્ક્રમણ)માંથી આપ્યું છે. એ ઉદ્ધરણ ખ્રિસ્તી બાઈબલનો પણ એક ભાગ છે. તેની સરખામણી ભગવદ્ગીતાની નિમ્નલિખિત પંક્તિ સાથે કરી શકાય એમ છે – ‘તમે ગમે તે દેવતાની ઉપાસના કેમ ન કરતા હો, હું જ તમારી પ્રાર્થનાનો જવાબ આપું છું.’
આખું ય વિશ્વ અથવા કમ સે કમ એના ધાર્મિક લોકો તો વધારે ને વધારે અનુભવ કરવા લાગ્યા છે કે પારસી લોકો જેને ‘પ્રકાશ અને અંધકાર વચ્ચેની લડાઈ’ કહે છે, તે પ્રકારનું યુદ્ધ અન્ય ધર્મના લોકો પણ પોતપોતાની રીતે લડી રહ્યા છે. ખ્રિસ્તી, હિંદુ, બૌદ્ધ અને સૈદ્ધાંતિક દૃષ્ટિએ મોટા ભાગના શાંતિપ્રિય ધર્મોમાં એક ધાર્મિક વ્યક્તિના જીવનની સરખામણી સૈનિક સાથે કરવામાં આવે છે અને કેટલીક દૃષ્ટિએ એ બરાબર પણ છે. આથી આ ઉપમાને હવે આપણે જો આગળ વધારીએ તો ભલે હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી તથા અન્ય ધર્મોના લોકો સ્વાભાવિક રીતે પોતપોતાની સેનાઓની ચાલઢાલને સર્વશ્રેષ્ઠ માને છે, પરંતુ તેઓ હવે અન્ય ધર્મના લોકોને પોતાના શત્રુ માનવાને બદલે પોતાના મિત્રો માનવા માટે મોટેભાગે તૈયાર થવા લાગ્યા છે. સેંટપોલના શબ્દોમાં કહીએ તો હવે અહંકાર, અશ્રદ્ધા અને ‘ઉચ્ચસ્થાનોમાં આધ્યાત્મિક દુર્બળતા’ જ તેમના સાચા શત્રુઓ છે. પ્રત્યેક ધર્મ હજારો વર્ષોથી અંધકારની શક્તિઓ સામે પોતાનું યુદ્ધ લડી રહ્યો છે. અને તેનો નેતાગણ પણ પોતાની મુખ્ય લડાઈમાંથી વિમુખ થઈને જે લોકો પોતાના શત્રુઓ સામે લડી રહ્યો છે, તેમની સાથે ભળવા લાગ્યા છે. આ રીતે વિવિધ ધર્મોની વચ્ચે પરસ્પર મિત્રતા સ્થાપિત કરવાનો પ્રયાસ કરનારા લોકોમાં અગ્રગામી હોવાને લીધે આ જગત સ્વામી વિવેકાનંદનું ખૂબ ઋણી છે.
સ્વામી વિવેકાનંદના સંદેશને સર્વોત્કૃષ્ટ રીતે રજૂ કરવા માટે સંભવત: તેમનાં જ લખાણોમાંથી ઉદ્ધરણો આપવાં યોગ્ય થશે.
ભારતની મારી યાત્રા દરમિયાન અને મારા કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન મને ક્યારેક સ્વામી વિવેકાનંદની ખૂબ વિચિત્ર વ્યાખ્યા સાંભળવા મળી છે. – ‘સ્વામી વિવેકાનંદ એક માનવતાવાદી હતા. તેમને માટે માનવતા જ ઈશ્વર હતી. તેમણે એ જ શિક્ષણ આપ્યું કે આપણે બીજાનું ભલું કરીએ અને દીનદુ:ખી લોકોને સહાય કરીએ. આજે જો તેઓ જીવતા હોત તો સંભવ છે કે તેઓ એક સામ્યવાદી અથવા સમાજવાદી હોત. રામકૃષ્ણ મિશને ધ્યાન તથા અતીન્દ્રિય તત્ત્વોને મહત્ત્વ આપીને તેમના સિદ્ધાંતોને વિકૃત કરી દીધા છે,’ આવા વિચાર પ્રાય: યુવાન ભારતવાસીઓ પાસેથી સાંભળવા મળે છે કે જેઓ તેમના પ્રત્યે સન્માનનો વિશેષ ભાવ ધરાવે છે.
શ્રીયુત કેનેથ વોકરે એક પ્રભાવશાળી વિધાન કર્યું છે – ‘માનવતાવાદી અર્થાત્ એક ઢીલો અનુત્સાહી જીવ’. સ્વામી વિવેકાનંદ સાચા અર્થમાં આપણા સૌની પેઠે જ એક માનવતાવાદી હતા. પણ તેઓ તેનાથી પૂરતા, વધારે પણ હતા. આપણે સૌ માનવતાવાદમાં વિશ્વાસ ધરાવીએ છીએ. આપણે માનવજાતિની સેવા કરવામાં, ભલું કરવામાં આસ્થા ધરાવીએ છીએ અને એકદૃષ્ટિથી કહીએ તો માનવતાવાદી થયા વિના કોઈ પણ ભલો માણસ થઈ શકતો નથી. પરંતુ આપણે સૌ માનવતામાં જ સંકોચાઈને રહી જઈએ છીએ. અને માત્ર ભૌતિકદૃષ્ટિએ જ માનવતાના ભલામાં લાગી જઈએ છીએ. ત્યારે આપણે સ્વામીજીથી ખૂબ પાછળ રહી જઈએ છીએ. અને તેથી સંભવ છે કે આપણા કાર્યનું પરિણામ આપણે આશા રાખી હોય તેથી અલગ જ આવે.
અમેરિકા અને યુરોપમાંથી અનેક મુખ્ય બુરાઈઓને દૂર કરી દેવામાં આવી છે, સંક્રામક બીમારીઓ પર નિયંત્રણ આવી ગયું છે, ભાગ્યે જ કોઈ ભૂખમરાનો શિકાર બને છે, મોટા ભાગના લોકો સાક્ષર બની ગયા છે, અને કેટલાક દેશોમાં તો ઘરઘરમાં કાર, ફોન, ટી.વી. અને ફ્રીઝ આવી ગયાં છે. પણ પશ્ચિમના જગતને આજે પાછલા કેટલાક સમયથી સમૂલ વિનાશનો મોટો ખતરો અનુભવ થઈ રહ્યો છે. વળી જે પ્રમાણમાં શારીરિક રોગો ઓછા થઈ રહ્યા છે, તે જ પ્રમાણમાં માનસિક રોગોમાં વધારો થઈ રહ્યો છે. યુરોપ અને અમેરિકા જે રૂસોના સમયથી માનવતાવાદને એક યા બીજા સ્વરૂપે પોતાનો સૌથી મહત્ત્વપૂર્ણ આદર્શ માનતા આવ્યા છે, હવે વીસમી શતાબ્દિમાં તેઓ તેનો ઢંઢેરો પીટતા નથી.
અસ્તુ, સ્વામી વિવેકાનંદના ગ્રંથોમાં આપણને કેટલાંક એવાં ઉદ્ધરણો મળી આવે છે કે તેમને આપણે જો સંદર્ભથી અલગ કરીને વાંચીએ તો તેમને લગભગ સામ્યવાદીના નમૂના સ્વરૂપે લઈ શકીએ. જેમ કે મર્દ બનાવનારા ધર્મની આપણને જરૂર છે; મર્દ બનાવનારા સિદ્ધાંતોની આપણને જરૂર છે. ચોમેર મર્દ બનાવનાર શિક્ષણની આપણને જરૂર છે… જે કંઈ તમને શારીરિક રીતે, બૌદ્ધિક રીતે અને આધ્યાત્મિક રીતે દુર્બળ બનાવે તેને ઝેર ગણીને છોડી દો. એવી વસ્તુમાં જરાય પ્રાણ નથી; એ સાચું હોઈ શકે જ નહિ. સત્ય એટલે શક્તિ, સત્ય એટલે પવિત્રતા, સત્ય એટલે સર્વજ્ઞતા! સત્ય તો માણસને બળદાયક નીવડવું જોઈએ, પ્રકાશ આપનારું હોવું જોઈએ, જોમદાયક હોવું જોઈએ… આ બધાં છાનગપતિયાં છોડી દઈને બળવાન બનો… આ બધી રહસ્યમય બાબતોથી અલગ થઈ જાઓ. આ તત્ત્વજ્ઞાનને અપનાવી લો; જગતમાં મહાન સત્યો સાવ સાદાંમાં સાદાં હોય છે; અરે, આપણા પોતાના અસ્તિત્વ જેટલાં સાદાં હોય છે.’ (સ્વા. વિ.ગ્રં.મા.,ભાગ – ૪, પૃ.૧૦૪-૦૫)
અથવા – ‘આવતા પચાસ વરસ સુધી આપણો આ એક જ મુખ્ય સૂર બનવો જોઈએ : આપણી મહાન માતૃભૂમિ ભારત! એટલા સમયને માટે બીજા બધા ફાલતું દેવોને આપણા મનમાંથી રજા આપી દઈએ. આ એક જ દેવ, આપણી પોતાની ભારતીય પ્રજા અત્યારે જાગ્રત છે. ચારે દિશામાં તેના હાથ છે, ચારે દિશામાં તેના પગ છે, ચારે દિશામાં તેના કાન છે; સર્વને તે આવરી રહેલ છે. બીજા બધા દેવો ઊંઘી ગયા છે. આપણી ચારેબાજુ દેખાય છે તે વિરાટ દેવને આપણે જો ન આરાધી શકીએ તો વળી બીજા કયા ફાલતું દેવની પાછળ પડીશું?… બધી પૂજાઓમાં અગ્રપૂજા વિરાટની – જેઓ આપણી ચારે બાજુ રહેલા છે તેમની કરવાની છે. એમનું પૂજન કરો.’ (એજન, પૃ.૧૭૨)
આ વાક્યો આખી માનવજાતિની એક વિસ્મયકારક અને લજ્જાસ્પદ ટીકા છે. અને એ સ્વામીજીના વ્યાખ્યાન વખતે સત્ય હતાં તેટલાં જ આજે પણ છે. માનવજાતિની પુનર્જાગૃતિ માટે, નિર્ધનોના ઉત્થાન માટે અને પ્રત્યક્ષ દેખાતી માનવોની દુ:ખદુર્દશાને દૂર કરવા માટે વિવેકાનંદે પચાસ વર્ષનો સમય આપ્યો હતો. તે આજે વીતી ગયો છે, ભલે આ દુ:ખો તેમના કાળનાં દુ:ખોથી ભિન્ન પ્રકારનાં હોય પરંતુ જો આપણે આ ઉદ્ધરણોને તેમના બાકીના સંદેશ સાથે મેળવીને વાંચીએ તો સ્પષ્ટ થઈ જાય છે કે સર્વાંગી આધ્યાત્મિક જીવન માટે પોતાનાં માનવ-ભાઈઓની સેવા જ પૂરતી નથી. સેવા જ પોતે સાધ્ય ન હોવી જોઈએ. ‘પત્ની માટે પત્ની પ્રિય નથી હોતી પણ આત્મા માટે પત્ની પ્રિય હોય છે.’ ઋષિ યાજ્ઞવલ્ક્યે જ્યારે બૃહદારણ્યક ઉપનિષદનાં આ સુપ્રસિદ્ધ વાક્યોનું ઉચ્ચારણ કર્યું હતું ત્યારે તેમનું તાત્પર્ય આધ્યાત્મિક આત્મા સાથે હતું. ભક્તિની દૃષ્ટિએ આપણે ‘આત્માને માટે’નો અનુવાદ ‘ઈશ્વરને માટે’ કરી શકીએ છીએ.
એ વાતમાં કોઈ સંદેહ નથી કે સ્વામી વિવેકાનંદ દીન-દરિદ્રોની ઉન્નતિમાં, શિક્ષણના પ્રસારમાં, ચિકિત્સા-સેવાઓના વિસ્તારમાં વિશ્વાસ ધરાવતા હતા અને ઇચ્છતા હતા કે યુવાન ભારતવાસી પોતાના પગ ઉપર ઊભા રહીને પોતાની સ્વાધીનતા તથા ઉચ્ચતર વસ્તુઓ માટે સંઘર્ષ કરે. પરંતુ આની સાથે સાથે જ તેમને આત્માના જીવનમાં પણ અત્યંત ઊંડી આસ્થા હતી. આ માટે હું સ્વામીજીનાં બીજાં કેટલાંક વાક્યો પણ ઉદ્ધૃત કરું છું –
‘આપણે જોઈએ છીએ કે આ બધા વિવિધ સંપ્રદાયો અંતે પૂર્ણ ઐક્યના સાધારણ કેન્દ્રમાં જઈને મળે છે. આપણે આરંભ હંમેશાં દ્વૈતથી કરીએ છીએ. ઈશ્વર એક અલગ સત્તા છે અને હું એક અલગ સત્તા છું. પછી બંને વચ્ચે પ્રેમ ઉત્પન્ન થાય છે. મનુષ્ય ઈશ્વર તરફ જવા લાગે છે અને માનો કે ઈશ્વર મનુષ્ય તરફ આવવા લાગે છે. મનુષ્ય ઈશ્વર પ્રત્યે પિતૃભાવ, માતૃભાવ, સખ્યભાવ, મધુરભાવ ઇત્યાદિ જીવનના વિભિન્નભાવોને ગ્રહણ કરે છે; અને અંતિમ લક્ષ્યની પ્રાપ્તિ ત્યારે જ થાય છે જ્યારે પોતાના ઉપાસ્ય સાથે એકરૂપ થઈ જાય છે. તું જ હું, હું જ તું (તૂ હી મૈં, મૈં હી તૂ) ‘તારી પૂજા કરીને હું મારી જ પૂજા કરું છું અને મારી પૂજા કરીને તારી.’ જે વિચારને લઈને તેણે પોતાની સાધનાનો આરંભ કર્યો હતો, તેની જ આ પરાકાષ્ઠા છે. આરંભમાં મનુષ્યનો પ્રેમ વસ્તુત: આત્મા સાથે જ હતો, પરંતુ ક્ષુદ્ર અહંકારના પ્રભાવને લીધે તે પ્રેમ સ્વાર્થી બની ગયો હતો. અંતે જ્યારે આત્માનો ક્ષુદ્ર ભાવ નાશ પામ્યો અને તેનું અનંત સ્વરૂપ પ્રકાશિત થયું, ત્યારે તે પ્રેમની પૂર્ણ જ્યોતિ પ્રકટ થઈ ઊઠી. જે ઈશ્વર આરંભમાં ક્યાંક દૂર દૂરના સ્થાનમાં રહેલો માલુમ પડતો હતો, તે હવે અનંત પ્રેમ સ્વરૂપ બની ગયો. સ્વયં મનુષ્યનું જ રૂપાંતર થઈ ગયું. તે ઈશ્વરની નજીક આવતો રહ્યો હતો, પોતાનામાં ભરેલી નિ:સાર વાસનાઓને હટાવતો જતો હતો. વાસનાઓનો લોપ થતાં જ તેની બધી સ્વાર્થબુદ્ધિનો લોપ થઈ ગયો અને ચરમ લક્ષ્ય પર પહોંચીને તેણે જોયું કે પ્રેમ, પ્રેમી તથા પ્રેમાસ્પદ બધાં એક જ છે.’ (એજન, ખંડ ૩, પૃ.૨૫૭)
ઉપસંહારમાં હું સ્વામી વિવેકાનંદના શિકાગોની ધર્મપરિષદમાં આપવામાં આવેલા અંતિમ વ્યાખ્યાનમાંથી તેમને જે શબ્દોએ આંતરરાષ્ટ્રિય ખ્યાતિપ્રાપ્ત વ્યક્તિ બનાવી દીધા હતા એ સુપ્રસિદ્ધ અને મર્મસ્પર્શી શબ્દોને દોહરાવવા ચાહું છું:
‘હિંદુઓ જેને બ્રહ્મ કહે છે તે, જરથોસ્તીઓ જેને અહુરમઝ્દ કહે છે તે, બૌદ્ધધર્મીઓ જેને બુદ્ધ કહે છે તે, યહૂદીઓ જેને જીહોવા કહે છે તે અને ખ્રિસ્તીઓ જેને સ્વર્ગના પિતા કહે છે તે, સહુ પૂરતી શક્તિ આપો… ખ્રિસ્તીધર્મીએ હિંદુધર્મી કે બૌદ્ધધર્મી થવાનું નથી, હિંદુધર્મી કે બૌદ્ધધર્મીએ ખ્રિસ્તી થવાનું નથી, પણ એકબીજાએ એકબીજાનાં તત્ત્વને પચાવવાનાં છે અને તે સાથે પોતાનું મૂળસ્વરૂપ જાળવી રાખવાનું છે, પોતાના વિકાસના નિયમાનુસાર વિકાસ મેળવાનો છે… પવિત્રતા, શુદ્ધિ, અને દયા એ જગતના કોઈ એકાદ ધર્મનો સુવાંગ ઇજારો નથી. દરેક ધર્મે ખૂબ જ ઉચ્ચચરિત્રવાળાં સ્ત્રી અને પુરુષો આપ્યા છે… ગમે એટલો સામનો કરવામાં આવે છતાં પણ દરેક ધર્મના ધ્વજ પર સત્વે આ પ્રમાણે લખાશે : – ‘સહાય; પરસ્પર વેર નહિ.’ ‘સમન્વય; વિનાશ નહિ.’ ‘સંવાદિતા અને શાંતિ; કલહ નહિ.’ (એજન, ભાગ -૪, પૃ.૧૭,૨૧)
Your Content Goes Here