“Homage to the Legacy of Swami Vivekananda” એ નામે ન્યુયોર્કના હાફ્‌ટ ઓડિટોરિયમમાં તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ યોજાયેલ આંતરરાષ્ટ્રિયપરિષદમાં રામકૃષ્ણ મિશન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કોલકાતાના સેક્રેટરી સ્વામી પ્રભાનંદજી મહારાજે અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાનનો શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

જૂનના છેલ્લા અઠવાડિયામાં, કેનેડાના આલ્બર્ટા પ્રાંતના કેલ્ગેરીમાં ‘મડ પીપલ’ અને બીજાં મંડળો મળ્યાં હતાં; તેમનો હેતુ ટોચ પરનાં આઠ (રાષ્ટ્રો) વૃંદનો વિરોધ કરવાનો અને સંતુલનની, છોળની અને આનંદની નવી સંસ્કૃતિ માગવાનો હતો. સભ્યતાના આરંભકાળથી જ, લગભગ, મનુષ્યોએ આદરેલા મહાન સંઘર્ષનું આ એક ચિહ્‌નમાત્ર હતું. ધર્મ, ફિલસૂફી, વિજ્ઞાન, ટેક્નોલોજી, સાહિત્ય, કલા-સંગીત, ખેલકૂદ, રાજકારણ, શ્રમજીવી આંદોલનો, નારી-આંદોલનો ઈત્યાદિ તમામ એ એક જ સંઘર્ષની વિવિધ અભિવ્યક્તિઓ છે.

દૃશ્ય અને અદૃશ્ય બંધનોથી માનવીઓ બંધાયેલાં છે. કેટલાંક બંધનો ભીતર છે અને કેટલાંક બહાર છે. કેટલાંક એટલાં ઊંડાં અને ભ્રામક છે કે, એમના અગત્યની લોકોને ઘણી વાર ખબર જ પડતી નથી. તેમ છતાં એ બંધનો ગમે તેટલાં મજબૂત હોય તો પણ, મનુષ્યો એમને તોડવાનો પ્રયત્ન કરે છે. પોતાનાં વિશાળ, પરિપ્રેક્ષ્યથી મહાન દૃષ્ટા વિવેકાનંદે કહ્યું છે કે, ‘સમસ્ત પ્રકૃતિ અણુએ અણુ દ્વારા એક વસ્તુને માટે પોકારી રહી છે : પોતાની સંપૂર્ણ મુક્તિ.’ દરેક સંઘર્ષની પાછળ વૈશ્વિક આત્મા રમી રહ્યો છે જે મનુષ્યોના પ્રત્યેક આવેગને મુક્તિ તરફ ધકેલી રહ્યો છે. મુક્તિ એ મનુષ્યનો જન્મસિદ્ધ અધિકાર છે, બધા પ્રકારનાં બંધનોમાંથી મુક્તિ, પછીએ બંધન શિથિલ હોય કે ધીંગું હોય.

પરંતુ, જે મૂંઝવણો માનવી અનુભવે છે તેમાં સૌથી કષ્ટદાયક છે વ્યક્તિ-વ્યક્તિના સ્વાર્થ વચ્ચેની ટક્કરની, વ્યક્તિ અને સમૂહો વચ્ચેની ટક્કરની, અને વ્યક્તિ અને સમાજ વચ્ચેની ટક્કરની. વધારે ભપકા અને સત્તાની તૃષ્ણાને કારણે આ બધી ટક્કરો ઊભી થઈ છે. અને એને કારણે સમાજમાં અવિરત વૃદ્ધિ પામતાં અસંતુલન અને અસમાનતા પેદા થયાં છે. પરિણામે, ભ્રષ્ટાચાર, આતંકવાદ, આત્મહત્યા, આણ્વિક વિધ્વંસ ઇત્યાદિથી સમાજો પીડાય છે. તે ઉપરાંત, કૌટુંબિક બંધનો, સામાજિક સંબંધો અને ધાર્મિક મૂલ્યોનું પણ પતન થયું છે. સ્પષ્ટ આદર્શો નથી, સ્પષ્ટ નિયમો નથી, નક્કર મૂલ્યો નથી એમ, નિરાશાથી લોકો પોકારે તેનું આશ્ચર્ય નથી. અને આ સઘળા માટે જવાબદાર કોણ તે પણ આપણે જાણતા નથી.

વિવિધ ક્ષેત્રોમાં મનુષ્યોએ અદ્‌ભુત પ્રગતિ કરી છે. પરંતુ આપણા મૂળ અસ્તિત્વના ખતરારૂપ એવી શોધોએ વિજ્ઞાન અને ટેક્નોલોજીની બધી પ્રગતિને ઢાંકી દીધી છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી અગ્રેસર બન્યાં તેની પૂર્વે લોકોના ધ્યાનને કેન્દ્રે ધર્મ હતો. પરંતુ સમય જતાં ધર્મને સંપ્રદાયવાદ, જડતા અને ધર્માંધતાનો રોગ લાગ્યો અને એને પરિણામે હિંસા, રક્તપાત અને વહેમના દુષ્ટતમ પ્રકારની કાલિમા પૃથ્વી પર છવાઈ ગઈ. પછી માનવજાતિના ઉત્કર્ષ માટે અને સૌને સમાનતા આપવાના આશયથી રાજકારણ મોખરે આવ્યું અને વિવિધ ‘વાદો’ અસ્તિત્વમાં આવ્યા. પણ એ સર્વ સોનેરી સિદ્ધાંતોની પોકળતા અનુભવે ખુલ્લી પાડી બતાવી છે. એક સો વર્ષ અગાઉ વિવેકાનંદે લખ્યું હતું: ‘મેં તમારી પાર્લામેન્ટ, તમારી સેનેટ, તમારો મત, બહુમતિ, ગુપ્ત મત, એ બધાં જોયાં છે. ભાઈ! એ બધું બધે એનું એ જ છે. દરેક દેશમાં થોડાક શક્તિશાળી માણસો પોતાને ઠીક લાગે તે રસ્તે સમાજને લઈ જાય છે, અને બાકીના તો માત્ર ઘેટાનાં ટોળાં જેવાં છે.’

પરંતુ સામાન્ય પ્રજાજનોમાં તોડવાની શક્તિ ન હોય તેવાં બંધનો ઊભાં કરતા પોતાના અભિપ્રાયો તેમની ઉપર લાદતા બૌદ્ધિકોની પણ, વધારે નહિ તો એટલી જ ટીકા તેઓ કરતા. દુર્ભાગ્યે, સ્વામીજીની વિદાયને સૈકો વીતી ગયા છતાં, પરિસ્થિતિ જરા પણ સુધરી નથી. વૈશ્વિકરણનાં, મુક્ત-બજાર-અર્થતંત્રનાં વચનોમાં અનેક ઉપર થોડાક લોકોના વર્ચસ્વની ગંધ આવે છે. બધા પ્રકારની પ્રગતિ છતાં, પોતે વધારે બેડીઓમાં જકડાયાં છે એમ લોકોને લાગે છે. લોકો જાણે કે વામણાં બની ગયાં છે.

ઉત્ક્રાંતિવૃક્ષની ટોચ પર મનુષ્યો બેઠેલા હોવા છતાં, પોતાના સ્વકેન્દ્રીપણા દ્વારા, તેમણે જીવનનો સંકુચિત મર્યાદિત માનવહિત અભિગમ વિકસાવ્યો છે. પોતાની જાતને તેમણે પ્રકૃતિવિમુખ બનાવી છે, ઈશ્વરવિમુખ બનાવી છે અને, ભવ્ય તથા ગૂઢથી પણ વિમુખ બનાવી છે. વહેમ અને જડ માન્યતાઓથી જાતને મુક્ત કરવાને બહાને, અત્યાર સુધી પોતાને ટકાવી રાખનાર સરળ અને સહજ માન્યતાઓને અને પરંપરાઓને માનવીઓએ જાકારો આપ્યો છે. આમ, પ્રગતિના અંચળા હેઠળ, અગાઉ પોતે ભોગવતાં હતાં તે સ્વાતંત્ર્યનો મોટો ભાગ લોકોએ ગુમાવ્યો છે.

આ ભૂમિકા સાથે વિવેકાનંદને સ્વાતંત્ર્યસેનાની તરીકે આપણે અવલોકીએ. એ કેવા હતા? પોતાનાં સંસ્મરણોમાં સિસ્ટર ક્રિસ્ટીન ગ્રીનસ્ટાઈડેલે લખ્યું છે કે, ‘અમે એક એવા આત્માનાં દર્શન કર્યાં કે જે માયાના બંધનોમાંથી છૂટવા સતત પ્રયત્નશીલ રહેતો.. જેને માટે દેહ માત્ર એક અસહ્ય બંધન હતું, માત્ર મર્યાદા નહિ પરંતુ અધમતા તરફ લઈ જતા અપમાન જેવો હતો. ‘આઝાદ, આઝાદ’, એ પોકારતા અને તેમ પોકારતી વેળા પાંજરે પુરાયેલા સિંહની જેમ એ ચાલતા. પણ, પાંજરામાંના સિંહની માફક પાંજરાના સળિયા એમને લોઢાના નહિ પણ વાંસના લાગતા.’ એમના ગુરુ જાણતા હતા કે એ ગમે ત્યારે પાંજરું તોડી નાખી શકે તેમ છે, પરંતુ ગુરુના આદેશથી એમણે મહાનકાર્ય શિર પર લીધું હતું. પોતાની સાથેના લોકોના જીવનના એ સહભાગી બનતા. એમનાં સુખદુ:ખમાં ભાગ પડાવતા. એમની સાથે આનંદ માણતા અને રુદન પણ કરતા. તેમ છતાં, ભયમાંથી એમને મુક્ત કરવા અને તિમિરમાંથી તેજે લઈ જવા માટે તેઓ સતત ચિંતાતુર હતા – તે એટલા કે તેમણે પ્રતિજ્ઞા લીધી – ‘જગતને ભાન થાય કે પોતે પરમાત્મા સાથે એકરૂપ છે ત્યાં સુધી હું કામ કરવાનું ચાલું રાખીશ.’ એ સાચા સંન્યાસી હતા. એ આત્માના સૈનિક હતા. વર્ણ, ધર્મ, રાષ્ટ્રકક્ષાના ભેદભાવ વિના અને ખાસ તો, સ્વાતંત્ર્યને સાવ નીચલે પગથિયે છે તેવાંઓની મુક્તિના એ લડવૈયા હતા.

ભગિની નિવેદિતા (માર્ગરેટ નોબલ) પણ સ્વામીજીની આ ભાવનાને બરાબર જોઈ શક્યાં હતાં કે સ્વામીનો અભિગમ ભવ્ય મુક્તિથી ઓતપ્રોત હતો. તેમજ એ સૌને મુક્ત કરાવવા ચાહતા હતા. ભગિની એક ઘટના વર્ણવે છે. જે ખૂબ પ્રેરક છે : ‘કોઈ મનુષ્યને સહાયરૂપ થવા માટે હું ખોટું કરવા અને નરકે જવા પણ તૈયાર છું.’ એમ લાગે છે કોઈ એમને ગણગણતા સાંભળે તો તેને સ્વામીજી પ્રાર્થના કરતા સંભળાયા કે ‘હે પ્રભુ! મનુષ્ય, મનુષ્યનો બંધુ ક્યારે – ક્યારે બની રહેશે?’ આથી, પોતાના જીવનના અંત તરફ, અપ્પયાદિક્ષિતના અદ્વૈત દર્શન તરફ સ્વામીજી વળ્યા. એમાં આશ્ચર્ય નથી; દિક્ષિતને મતે વ્યક્તિગત મુક્તિ નહિ પણ સામુહિક મુક્તિ જ સાચી મુક્તિ છે. વિવેકાનંદે કહ્યું છે કે, ‘મુક્તિની બાબતમાં બીજાઓને મૂકીને એટલા આગળ જવું એ ખોટું છે. વહેલેમોડે માણસે સમજવું જોઈએ કે પોતાના ભાઈઓની મુક્તિ માટે પ્રયાસ ન કરનારને મુક્તિ ન મળી શકે.’

ભારતની આધ્યાત્મિક પરંપરાના અગ્નિમાં શ્રીરામકૃષ્ણ વડે ઘડાઈને યુવાન વિવેકાનંદે પોતાની સમાધિમાં અદ્વૈતસમાધિના આનંદનો અનુભવ કર્યો હતો. આલ્મોડામાં સમાધિદશામાં પિંડ અને બ્રહ્માંડની એકતાનો સાક્ષાત્કાર એમને થયો હતો. તેને લઈને એમની આ અનુભૂતિ વધારે દૃઢ થઈ હતી. પછીનાં ત્રણ વર્ષમાં ભારતમાંના એમના સાર્વત્રિક પરિભ્રમણના અનુભવોએ એમને ભારતની પ્રજાની દશાનું સત્ય દર્શન કરાવ્યું હતું. ભૂખ અને રોગથી મુક્તિની એમને તાત્કાલિક આવશ્યકતા હતી. અંતમાં, પોતાનાં લગભગ ત્રણ વર્ષોના અમેરિકાના પ્રવાસ દ્વારા એમણે ત્યાં જે મુક્તિનાં અને સ્વાતંત્ર્યતાનાં દર્શન કર્યાં તેથી, સમગ્ર માનવજાતની મુક્તિ માટેની એમની ઇચ્છા પ્રજ્વલિત થઈ ઊઠી. જગતનાં ઉપેક્ષિતો અને પીડિતોની પણ,વિશેષે કરીને, ભારતના લોકોની મુક્તિનું સ્વપ્ન તે સેવતા હતા – ભારત એ દેશ છે જ્યાં આધ્યાત્મિક કક્ષાએ સૌ સમાન છે, બધા પ્રકારના ભયથી સૌ મુક્ત છે.

મુક્તિ અને સ્વતંત્રતા માટેના અમેરિકાના સંઘર્ષનું મૂળ આધ્યાત્મિક હતું અને માનવજાતની વૈશ્વિક પરિમાણમાં મુક્તિનો એ પ્રથમ પોકાર હતો, એમ સ્વામીજી માનતા હતા. એક વાર, ૧૮૯૮માં, કેટલાક અમેરિકન ભક્તો માટે, અમેરિકનાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે, અમેરિકી સ્વાતંત્ર્ય ભાવનાથી, પ્રેરાઈને તેમણે એક કાવ્ય રચ્યું હતું. માનવજાતિ માટેના દીપસ્તંભ તરીકે અમેરિકાને સન્માનીને એમણે લખ્યું હતું:

ઉત્ક્રાન્તિ હો તારી અ-રોધ્ય પંથે;
મધ્યાહ્‌ન તારો વરસો ઝળાંઝળાં
સમગ્ર પૃથ્વી પર ખંડ ખંડમાં;
નારી – નરો ઉન્નત મસ્તકે જુએ
તૂટી ગઈ સૌ દૃઢ શૃંખલાઓ;
આનંદ કેરા ઉભરા ભરેલી
માણે પુનર્જન્મ મનુષ્યજાતિ.

અમેરિકાની સ્વાતંત્ર્ય-વિભાવના માનવીના મર્યાદિત દર્શન પર આધારિત હોઈ તેની મર્યાદાઓથી વિવેકાનંદ પરિચિત હતા. હેગલિયન આદર્શવાદ, માર્ક્સનો ભૌતિકવાદ કે અસ્તિત્વવાદીનો આત્મલક્ષીવાદ જીવનના આખરી પ્રશ્નોના ઉત્તરો આપી શકતા નથી કે, પીડિત મનુષ્યજાતને સુખ કે સાંત્વન આપી શકતા નથી. ‘રાજકીય સ્વતંત્રતાના આદર્શ સ્વરૂપથી અપાયેલી બાંહેધરીવાળું ઐતિહાસિક સ્વાતંત્ર્ય માનવ ઇતિહાસની બધી જ્વલે જ જોવા મળતી વસ્તુઓની માફક જ્વલ્લે જ જોવા મળે છે’, એવા પોલટિલિકના કથનને યાદ કરવા જેવું છે.

માર્ક્સ તેમજ દર્ખાઈમ માનતા હતા કે સમષ્ટિસમાજ વ્યક્તિનું જીવન નિર્ણીત કરે છે. આવી સામાજિક નિર્ણીતતાના વિવેકાનંદ જોરદાર વિરોધી હતા. એમને મતે, માનવજીવનનું ધ્યેય કેવળ આત્મસાક્ષાત્કાર છે, પોતાના આત્માનો સૌના આત્મા તરીકેનો સાક્ષાત્કાર છે અને તે ધ્યેય સિદ્ધ કરવા માટે જ સમાજની રચના, તેનું ઘડતર અને પુન: ઘડતર થવું જોઈએ. તો જ મનુષ્યને સાચી મુક્તિ સાંપડે અને એ ઉચ્ચતમ સિદ્ધિને પામી શકે. સૌના સંપૂર્ણ શ્રેયને પોતે સમર્પિત હોઈને એક દિવસ એમણે કહેલું કે, ‘મનુષ્ય સાથે હું પ્રેમમાં પડ્યો હોઈ, મારે કદાચ ફરી જન્મ લેવો પડે.’

પ્રકૃતિથી, સમાજથી કે આદિમ વાસનાઓથી માનવીને મુક્તિ નથી એમ માનનારા પાકા ભૌતિકવાદીઓ કરતાં વિવેકાનંદ જુદો મત ધરાવતા હતા કે મનુષ્ય તત્ત્વત: દૈવી છે તે મત માનવીના મુક્તિ સંઘર્ષમાં આશા, આનંદ અને બળ પ્રેરે છે. માનવીના ઐતિહાસિક સત્ય વિશે જાણતાં હોવા છતાં આદર્શવાદી વિવેકાનંદમાં વ્યક્તિગત આત્માઓની શક્તિમાં ઊંડી શ્રદ્ધા હતી. આદર્શની દૃષ્ટિએ કહેતાં, દરેક મનાવી પોતાના ભાગ્યનો ઘડનાર છે, એમ એ માનતા હતા. વિશેષમાં એ એમ પણ માનતા હતા કે દસ આજ્ઞાઓ (Ten Commandments) જેવી નૈતિક અને આધ્યાત્મિક નિયમાવલીઓ દેખીતી રીતે માનવમુક્તિને બંધનકર્તા લાગતી હોવા છતાં, તત્ત્વત: એ માનવીને ઉર્ધ્વતર અને વધારે કીર્તિમાન મુક્તિ ભણી લઈ જાય છે. એ જ રીતે, સ્વામીજી માનતા હતા કે, રાજકીય બંધનો, સામાજિક મર્યાદાઓ વગેરે ઇન્દ્રિયોનાં બંધનો કરતાં આપણી મુક્તિ ભણીની પ્રગતિ આડે વધારે ગંભીર નડતરરૂપ નથી. શ્રોતાની નિમ્નતર પ્રાણી પ્રકૃતિથી મુક્તિ આંતરિક મુક્તિ માટેની ભૂમિકા તૈયાર કરે છે અને ઉર્ધ્વતર મુક્તિ માટે આવશ્યક છે. પરંતુ, અહંભાવ પર વિજય મેળવી બ્રહ્મ સાથે તાદાત્મ્ય સાધવું એ, વિવેકાનંદને મતે, શ્રેષ્ઠ મુક્તિ છે. સૌના કલ્યાણ માટે મનુષ્ય કટિબદ્ધ બને અને એ સૌને બધાં બંધનોમાંથી મુક્ત થવા મથે તે આનો સૂચિતાર્થ છે.

સર્વત્ર મનુષ્યોને સ્વામીજીએ અપીલ કરી હતી કે, ‘અરે! દરેકે દરેક સ્ત્રીપુરુષ અને બાળકને કોઈ પ્રકારની જ્ઞાતિની કે વંશની, સબળતાની કે નિર્બળતાની ગણતરી વગર સંભળાવો અને શીખવો કે સબળા અને નબળાની પાછળ, ઊંચા અને નીચાની પાછળ દરેકે દરેકેની પાછળ, સર્વ કોઈને સારા અને મહાન થવાની અનંત શક્યતા અને અનંત શક્તિની ખાતરી આપનારો પેલો સનાતન આત્મા બિરાજી રહ્યો છે.’ ૧૦ સર્વ પ્રકારનાં બંધનોમાંથી મનુષ્યો સર્વત્ર મુક્ત થઈ શકે એ હેતુ માટે, પરમ ચેતના સાથે એકરૂપ છે. તે પોતાની પ્રકૃતિને તેઓ પ્રગટ કરતાં શીખે. જગતના પરિવર્તિત દૃષ્ટિકોણ આધારિત આદર્શ પ્રકારનું શિક્ષણ આને સત્ય બનાવી શકે તો એ દિશામાં જવા માટે આપણે સૌ સહિયારો પ્રયત્ન નહિ કરીએ શું?

સંદર્ભો : (૧) સ્વા.વિ.ગ્રં.મા. ભાગ – ૬, પૃ.૧૯૩ (૨) એજન : ભાગ – ૬, પૃ.૨૮૨ (૩) એજન : ભાગ – ૮, પૃ.૨૩૪ (૪) હિઝ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન એડ માયર્સ, રેમિનિસન્સિઝ ઓફ સ્વામી વિવેકાનંદ (અદ્વૈત આશ્રમ, કલકત્તા, આવૃત્તિ – ૩) પૃ. ૧૭૧ (૫) ધ કંપ્લીટ વર્ક્સ ઓફ સિસ્ટર નિવેદિતા (સિસ્ટર નિવેદિતા ગર્લ્સ સ્કૂલ, ૧૯૬૧, કલકત્તા) પૃ. ૧૩૫ (૬) સ્વા.વિ.ગ્રં.મા. ભાગ – ૧૧, પૃ.૧૯૩ (૭) એજન : ભાગ – ૪, પૃ.૨૯૬-૯૭ (૮) એજન : ભાગ – ૬, પૃ.૨૬૬ (૯) મેરી લુઈઝ બર્ક, સ્વામી વિવેકાનંદ ઈન ધ વેસ્ટ: ન્યુ ડિસ્કવરીઝ (અદ્વૈત આશ્રમ, કલકત્તા, ૧૯૮૬) વો. ૬, પૃ.૭૯ (૧૦) સ્વા.વિ.ગ્રં.મા. ભાગ – ૪, પૃ.૭૮

Total Views: 10
By Published On: September 6, 2022Categories: Prabhananda Swami0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram