મંત્રદીક્ષા શું છે?

સંસ્કૃતના દીક્ષા શબ્દનો અર્થ ‘આરંભ કરવાની પ્રતિજ્ઞા લેવી’ એવો થાય છે. અને એનો અંગ્રેજી અનુવાદ ‘Initiation’ એવો કરવામાં આવ્યો છે. આ ‘Initiation’ નો અર્થ ‘પ્રારંભ કરવો’ અથવા ‘કોઈ અન્ય પાસે કોઈ વસ્તુનો પ્રારંભ કરાવવો’ એવો થાય છે.

અને ‘મંત્ર’ શું છે? ‘મંત્ર’ એ એક એવું આધ્યાત્મિક કે રહસ્યમય રૂપ છે કે જેના જાપથી – રટણથી – અજ્ઞાનના બંધનમાંથી મુક્તિ આવે છે એટલે કે જન્મમરણની શૃંખલામાંથી છૂટકારો અપાવે છે. અને મંત્રદીક્ષાનો આ જ હેતુ છે.

આ ‘દીક્ષા’ શું છે, તે બાબતમાં આપણા મનમાં ઘણા પ્રમાણમાં ગૂંચવણો ભરેલી હોય છે. અને આપણે આધ્યાત્મિક સાધનામાં એ જાપ વગેરે ક્યાં સુધી ચાલુ રાખવા મહત્ત્વના ગણાય, તે વિશેના પ્રશ્નો પણ ઉદ્‌ભવે છે. આ બધી વાતોની મનમાં કશી ચોખવટ કર્યા વગર જ કેટલાક લોકો દીક્ષા લઈ લેવાની ઝંખના સેવે છે. એમને કશી ખબર હોતી નથી કે દીક્ષાનો અર્થ શો છે, અને એની પ્રક્રિયા દ્વારા શું મેળવવાનું છે.

અને આ દીક્ષાનો અર્થ એ થાય છે કે ગુરુ દ્વારા નક્કી કરેલી કોઈ વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા એમણે આપેલા મંત્રનો જાપ કરવાની શરૂઆત કરવી.

ગુરુએ આપેલા મંત્રને ખૂબ કાળજીપૂર્વક જાળવી રાખવો જોઈએ કે જેથી મંત્રના સ્વરૂપમાં અને એના લક્ષણમાં કોઈ પણ જાતનું પરિવર્તન ન આવી શકે. મંત્રમાં કોઈ બીજી વાત ઉમેરાય નહિ તેમજ એમાંથી કશું બાદ પણ કરવું જોઈએ નહિ.

મંત્રદીક્ષાનું મહત્ત્વ બરાબર સમજી લો

આપણે એ ભૂલવું ન જોઈએ કે ‘મંત્રદીક્ષા’ (આધ્યાત્મિક દીક્ષા) જીવનની એક મહત્ત્વપૂર્ણ ઘટના છે. એટલા માટે એને ખૂબ ગંભીરતાપૂર્વક લેવી જોઈએ. અહીં મને એક એવો મુદ્દો કહેવાનું ગમશે કે જે માત્ર દીક્ષિત કે દીક્ષાર્થી માટે જ નહિ, પરંતુ દરેકને લાગુ પડે છે તે એ કે આ ‘મંત્રદીક્ષા’ને કોઈ પણ માણસે કેવળ ‘માનમોભાના પ્રતીક’ તરીકે અથવા તો મોભો મેળવવાના સાધન તરીકે ન જ લેખવી જોઈએ. આપણે એ ભૂલવું ન જોઈએ કે મંત્રદીક્ષા તો કેવળ ઈશ્વર-સાક્ષાત્કાર માટેનું જ સાધન છે. જેઓ અહીં દીક્ષા લેવા આવે છે, તેમણે આ વાત ખૂબ ગંભીરતાપૂર્વક ધ્યાનમાં રાખવી જોઈએ. માણસે પોતાના મનમાં આ ‘મંત્રદીક્ષા’ની ક્ષણને ખૂબ ગંભીરતાપૂર્વકની ક્ષણ ગણવી જોઈએ.

ધારો કે કોઈ ગુરુ કંઈક એવું કહે કે જેમાં ખૂબ એકાગ્રતાની જરૂર હોય. પણ કેટલાક એ તરફ ધ્યાન આપતા નથી. અને એ સિવાયની બીજી બાબતોનો વિચાર કરતા રહે છે. આ બાબત સ્પષ્ટ રીતે એવું સૂચવે છે કે એવા લોકો આ ‘મંત્રદીક્ષા’ (આધ્યાત્મિક દીક્ષા)ના ગાંભીર્ય અને મહત્ત્વને બિલકુલ સમજતા નથી. કોઈની પણ અહીં ટીકા કરવાનો મારો ઈરાદો નથી. હું તો માત્ર મંત્રદીક્ષા પ્રત્યેનું દરેક માણસનું વલણ આદરપૂર્વકનું હોવું જોઈએ, એટલું જ કહેવા માગું છું. માણસે યાદ રાખવું જોઈએ કે મંત્રદીક્ષા એ માનવીના જીવનની એક મહત્ત્વપૂર્ણ ઘટના છે. નહિતર તો માણસ એ અવસરના મહત્ત્વનો અનુભવ જ નહિ કરી શકે.

આપણું વિશિષ્ટ સાહિત્ય વાંચો

ઘણા લોકો ‘મંત્રદીક્ષા’ લેવાના ઇચ્છુકો છે, કેટલાક એમાં ખૂબ રસ ધરાવે છે, પણ દીક્ષા લીધા પહેલાં અમે જે આદર્શ તમારી પાસે રજૂ કરવા માગીએ છીએ એનાથી તમે જરાય પરિચિત નહિ હો, તો તમે લેવા ધારેલી મંત્રદીક્ષા સફળ નહિ થાય. એટલા માટે અમારો એવો શિરસ્તો છે કે દીક્ષાર્થીએ દીક્ષા લીધા પહેલાં શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદનાં જીવન અને એમના ઉપદેશોથી પરિચિત થઈ જ જવું જોઈએ. એટલા માટે દીક્ષા પામવા ઇચ્છુકે એ માટે સજ્જ થઈ જવું જોઈએ. આ માટેની જેમની સજ્જતા અપૂર્ણ હોય, તેમને સજ્જ થાય ત્યાં સુધી રાહ જોવાનું કહેવામાં આવે છે. પૂર્ણ સજ્જ અને યોગ્ય ઉમેદવારોને જ દીક્ષા લેવાની સલાહ આપવામાં આવે છે. આવી પૂરી સજ્જતા જ આપણને સ્વધર્મના પાલનમાં મદદ કરી શકે છે. વળી દીક્ષિત લોકો જ અમારા ઉપદેશને સહેલાઈથી સમજી-પકડી શકે છે.

ગુરુની આવશ્યકતા

ઉપનિષદો સ્પષ્ટ કહે છે : ‘आचार्याद्धैव विद्या विदिता साधिष्ठं प्रापतीति ।’ (છાંદોગ્યોપનિષદ ૪.૯.૩) – ‘ગુરુ પાસેથી જાણેલી વિદ્યા જ ફક્ત સફળ બની શકે છે.’ જો આપણા જીવનમાં સ્વલ્પાતિસ્વલ્પ જ્ઞાન પણ જો ગુરુ દ્વારા આપણને સાંપડ્યું હશે, તો તે ઘણું જ પ્રભાવક નીવડી શકે છે. આની પાછળનો વિચાર એવો છે કે ગુરુ કંઈ કેવળ મંત્ર જ આપતા નથી; પણ એ મંત્રની સાથો સાથ તેઓ પોતાની પાસે રહેલી કેટલીક આધ્યાત્મિક શક્તિઓનું પણ એના શિષ્યમાં સંક્રમણ કરે છે. જ્યારે કોઈ માણસ ચોપડીઓમાં છપાયેલા મંત્રો વાંચે છે, ત્યારે આવું શક્તિનું સંક્રમણ થતું નથી.

આ બાબતને આપણે વધારે બુદ્ધિગમ્ય અને તાર્કિક રીતે સમજવાનો પ્રયત્ન કરીએ : જો આપણે કોઈક નીતિનિયમોની ચોપડી વાંચતા હોઈએ તો એ નીતિનિયમો આપણામાં થોડીઘણી અસર તો ઉત્પન્ન કરશે. પરંતુ જ્યારે આપણે એ જ નીતિનિયમોને ઉપદેશ રૂપે આપણા કોઈ આદરણીય અને સ્નેહીજનને મોઢેથી પામીએ, ત્યારે સ્વાભાવિક રીતે જ તેનો પ્રભાવ કોઈ અનોખો જ પડવાનો. બરાબર એ જ પ્રમાણે ભલે આપણે મંત્રદીક્ષા – આધ્યાત્મિક દીક્ષા – દ્વારા થતા આધ્યાત્મિક શક્તિના સંક્રમણની પ્રક્રિયાને સમજતા ન હોઈએ તો પણ આપણે ઓછામાં ઓછું એટલું તો સમજી જ શકીએ કે આપણા અંતરનો આ દીવડો કોઈ અન્ય પ્રકાશિત દીવડા વડે જ પેટાવાયેલો છે. એ આવશ્યક છે કે એક આત્માને પ્રદીપ્ત કરવા માટે એની પહેલાં પ્રદીપ્ત થઈ ચૂકેલા અન્ય કોઈ આત્માની હસ્તી હોવી જ જોઈએ. ગુરુમાંથી શિષ્યમાં શક્તિસંક્રમણનો આ જ અર્થ છે. આ પ્રકારના જીવંત સ્રોત વગર આવા પ્રકારની આધ્યાત્મિક શક્તિનું સંક્રમણ શક્ય નથી.

મંત્રની શક્તિ

આ જીવંત સંબંધ દ્વારા મંત્રો વધારે શક્તિશાળી બની જાય છે. આ શક્તિને જાળવી રાખવા માટે જ આપણાં શાસ્ત્રોએ શિષ્યોને માટે એક પ્રકારની ગુહ્યતાને સાંકળી દીધી છે. તેમજ આ નિગૂઢતાનો જે ભંગ કરે, તેના ઉપર સખ્ત સજાઓ લાદવામાં આવી છે. અલબત્ત, આનો હેતુ તો લેવા ખાતર મંત્રદીક્ષા લેનારાઓ અથવા કેવળ ઔપચારિક રીતે દીક્ષા લેનારાઓને રોકવાનો જ છે. મનુષ્યે મંત્રો ખૂબ જ ગંભીરતાથી લેવા જોઈએ. અને એ લીધેલા મંત્રનો પ્રયોગ કે કસોટી ક્યારેય કરવી ન જોઈએ. મંત્રો આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. જ્યારે આપણે પોતે ઈશ્વરસાક્ષાત્કાર માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરતા હોઈએ, ત્યારે આપણે એ પણ જાણી લેવું જોઈએ કે એવો સાક્ષાત્કાર કોઈ હળવી ક્ષણોમાં થતો નથી. ગુરુ શિષ્યમાં કંઈ કેવળ મંત્રનું જ સંક્રમણ કરતા હોતા નથી. પરંતુ પોતાની વ્યક્તિગત અનુભૂતિ દ્વારા અથવા તો તેવી પરંપરાના ઉપદેશકો દ્વારા ઉપલબ્ધ થયેલ જ્ઞાનનું પણ સંક્રમણ કરે છે. અને એટલા માટે શિષ્યને સાચી રીતે શીખવવા માટે તે પૂરી યોગ્યતા ધરાવે છે.

આ બાબતમાં એક બીજો મુદ્દો પણ મારા મનમાં ઉત્પન્ન થાય છે કે મંત્રો તો અસંખ્ય છે. જો એ બધા જ મંત્રો આપણી સમક્ષ મૂકવામાં આવે તો તો આપણે ગૂંચવાડામાં પડી જઈએ કે એમાંથી કયા મંત્રોને સ્વીકારવા અને કયા મંત્રોને છોડી દેવા? આવા ગૂંચવાડાને નિવારવા માટેનો સૌથી સારો સિદ્ધાંત એ છે કે જેણે મંત્રનો સીધો સાક્ષાત્કાર કર્યો હોય એવા મહાનુભાવના આદેશને આપણે અનુસરવું જોઈએ. અને એ મહાનુભાવ તે ‘ગુરુ’ છે.

મંત્રો, દિવ્યતાનું પ્રતીકાત્મક પ્રતિનિધિત્વ કરે છે – એ ઈશ્વરનું શબ્દોમાં અભિવ્યક્ત સ્વરૂપ છે. ભક્તોનાં એવાં અનેક ઉદાહરણ મળી આવે છે કે જે ઝળહળતા રેખામય સ્વરૂપમાં અથવા તો મંત્રોના ચળકતા અક્ષરોના સ્વરૂપમાં રહસ્યમય રીતે ઈશ્વરનો અનુભવ કરી રહ્યા હોય. અલબત્ત, આ એક રહસ્યમય અનુભવ જ છે. અને ધર્મ તો આવા અનેક રહસ્યમય અનુભવોથી ભરચક્ક છે. તર્કોની પેલી પારના આવા અનુભવોને આપણે હંમેશાં બુદ્ધિગમ્ય રીતે ન્યાય આપી શકતા નથી. દુનિયાના દીક્ષા ન પામેલા લોકોને આપણે સમજાવી શકતા નથી કે આ અનુભવો સાચા છે.

ભગવાનની પ્રતિમા ભલે એક ભૌતિક મૂર્તિરૂપે હોય અથવા તો ઈશ્વર કોઈ શબ્દ દ્વારા કે કોઈ પ્રતીક દ્વારા અભિવ્યક્ત થતો હોય. પણ આવા અનુભવો ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા માટે અત્યંત જરૂરી છે. માનવનું મન કોઈ સ્વરૂપ દ્વારા – આકાર દ્વારા જ – સત્યને પકડી શકે છે. નિરાકારનું ગ્રહણ-ધારણ એ કરી શકતું નથી.

તો અહીં એવો પ્રશ્ન ઊઠી શકે છે કે ‘શું સદાને માટે આપણે આકારોથી બંધાયેલા જ રહેવાનું છે?’ જવાબ એ છે કે ના, એવી કોઈ જરૂર નથી. આકાર મારફત જ આપણે નિરાકાર સુધી પહોંચી શકશું. આપણે ક્યારેક પણ એકાએક નિરાકારને પામી ન શકીએ; મનની વર્તમાન સ્થિતિનું રૂપાંતરણ કર્યા વગર સીધા જ આપણે નિરાકારને પામી શકીએ નહિ. શરૂઆતમાં આપણું મન આકાર કે પ્રતીકના માધ્યમ વગરની કોઈ અન્ય રીતનો વિચાર જ કરી શકતું નથી. એટલે આધ્યાત્મિક સાધના માટે પ્રતીક અત્યંત જરૂરી વસ્તુ છે. અને મંત્રો એ દિવ્યતાનું પ્રતિનિધિત્વ કરનાર પ્રતીક છે.

જો આપણને ઈશ્વરનું કોઈ વિશિષ્ટ પાસું કોઈ ખાસ મૂર્તિમાં કે પ્રતિમામાં પ્રતિનિધિત્વ થતું ઈષ્ટ લાગતું હોય, તો આપણે એ મૂર્તિને ખંડિત કે બેડોળ થવા દેવાનું આપણે પસંદ કરીશું નહિ. એવી જ રીતે મંત્રનો પણ યથાતથ સ્વરૂપે જ જાપ કરવો જોઈએ. એમાં કોઈ પણ જાતનું પરિવર્તન કરવું ન જોઈએ. અને વળી, એકાગ્રતા સાધવા માટે મંત્રજાપની એક જ પદ્ધતિ અપનાવવી જોઈએ. એક જ રીતને વળગી રહેવું જોઈએ.

ગુરુમહિમા

તંત્રશાસ્ત્રોમાં ગુરુને સાક્ષાત્‌ ઈશ્વરસ્વરૂપ જ માનેલ છે. ગુરુસ્તુતિમાં કહ્યું છે કે :

गुरुर्ब्रह्मा गुरुर्विष्णुगुरुर्देवो महेश्वर ।
गुरु: साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नम: ॥

(સ્કંદપુરાણ, ગુરુગીતા, ૧.૪૬)

‘ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ શિવ છે, ગુરુ પોતે જ સ્વયં પરબ્રહ્મસ્વરૂપ છે. એવા ગુરુને નમસ્કાર.’ ગુરુને પરબ્રહ્મસ્વરૂપ જ ગણવામાં આવેલ છે. શ્રીરામકૃષ્ણ વારંવાર કહેતા કે ‘સચ્ચિદાનંદ’ જ ગુરુ છે. (પરમાર્થ ‘સત્‌’ જ ગુરુ છે.) વેદો તેમજ અન્ય શાસ્ત્રોએ આપેલા બોધની સાથે તેમનું આ વચન સુસંગત જ છે. પરંતુ જ્યારે કોઈ માણસ દીક્ષા લેવા માટે જાય, ત્યારે તો તેને એવો અનુભવ થતો નથી કે કોઈ માણસને સર્વજ્ઞ પરમાત્મતત્ત્વ જ – બ્રહ્મ જ – પ્રબોધી રહ્યું છે!

આપણે તો ત્યારે, જેને આપણા ગુરુ તરીકે સ્વીકાર્યા હોય તે વ્યક્તિની પાસે જ જતા હોઈએ છીએ. કારણ કે આપણને લાગે છે કે એ વ્યક્તિ આપણું માર્ગદર્શન કરવા સમર્થ છે, એ વ્યક્તિને પણ જન્મ અને મરણ છે અને કેટલીક માનવીય મર્યાદાઓ પણ છે. પણ આવી ધારણા કંઈ બ્રહ્મની સાથે અદ્વૈત સાધી શકતી નથી. આમ છતાં પણ આપણાં શાસ્ત્રો ગુરુ પ્રત્યે પરમાત્મભાવ-બ્રહ્મભાવ રાખવાનું આપણને ખૂબ ભારપૂર્વક શીખવે છે.

શું આ વાત આપણને સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચેના વિસંવાદ તરફ દોરી જતી નથી લાગતી? હા, એક રીતે એવું લાગે છે ખરું, પણ તો પછી મૂર્તિના માધ્યમથી ઈશ્વરની પૂજા – અર્ચા કરવાની સાધના પણ એ જ પ્રકારની છે ને? આપણે ઈશ્વરની અમુક ખાસિયતો બતાવતી ઈશ્વરની ખાસ પ્રકારની પ્રતિમાઓનું નિર્માણ કરીએ છીએ. અને એ મૂર્તિ તો જડ પદાર્થોમાંથી બનાવેલી હોય છે. અને એ મૂર્તિમાં જ આપણે અનંત આત્મસ્વરૂપ ઈશ્વરને પૂજીએ છીએ કે એમાં એનું ધ્યાન કરીએ છીએ. આપણે એવું શા માટે કરીએ છીએ? કારણ કે આપણું મન અનંતને, વિશુદ્ધ ચૈતન્યને, આપણા વિચારોની પેલી પાર રહેલા તત્ત્વને પકડી શકતું નથી. એટલા માટે આપણે એનું પ્રતિનિધિત્વ કરે એવા કોઈ ભૌતિક પદાર્થ તરફ વણછૂટકે પાછા વળવું જ પડશે. – પછી તે ભલે કોઈ મૂર્તિ હોય, કે કોઈ ચિત્ર હોય કે પછી કોઈ પ્રતીકાત્મક રેખાંકન હોય. દુનિયાભરનો કોઈ જ ધર્મ એવો નથી કે જેમાં કોઈ મૂર્તિ કે કોઈ પ્રતીક વગર ઈશ્વરને ભજી-પૂજી શકાતો હોય! જો આપણે ઈશ્વરને એવા કોઈ પ્રતીક દ્વારા ન પૂજીએ, તો આપણે એની ધારણા કદાપિ કરી શકીએ નહિ. અને જે ધર્મો સખત રીતે મનમાંથી ઈશ્વરની બધી મૂર્તિઓને હાંકી કાઢવાની હિમાયત કરે છે, તે ધર્મોને પણ એક યા બીજા પ્રતીક તરફ પીછેહઠ કરવી પડે છે.

આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરવા માટે શું ગુરુ પાસે જવું, એ જરૂરી છે ખરું? દેખીતી રીતે જ એ એક વ્યવહારુ અભિગમ છે. ગુરુ પાસે કેટલીક ખાસ યોગ્યતાઓ હોવી જરૂરી છે. એ યોગ્યતાઓ વગર તે અજ્ઞાની શિષ્યને માર્ગદર્શન આપવા માટે સમર્થ થઈ શકતા નથી.

એમાં પહેલી યોગ્યતા એ છે કે તે ‘શ્રોત્રિય’ હોવા જોઈએ. એટલે કે તેમને શાસ્ત્રોનું જ્ઞાન હોવું જોઈએ. પણ કેવળ વિદ્વત્તા જ કંઈ કોઈને ગુરુ બનાવી દેતી નથી. એણે ‘સાચા જ્ઞાની માનવ’ બનવું જોઈએ. સાચી સમજણવાળા બનવું જોઈએ. એણે સત્યની અનુભૂતિથી યુક્ત બનવું જોઈએ.

બીજી વાત એ છે કે તેમણે ‘અવૃજિન’ – બનવું જોઈએ. એટલે કે એમનું ચારિત્ર્ય નિષ્કલંક હોવું જોઈએ. એણે શાસ્ત્રોના આદર્શો સાથે દૃઢ રીતે સુમેળ સાધે એવું જીવન જીવવું જોઈએ; તે બધાં પાપોથી મુક્ત હોવા જોઈએ. તેઓ સંપૂર્ણ રીતે વિશુદ્ધ હોવા જોઈએ.

અને છેલ્લે, તેઓ ‘અકામહત’ હોવા જોઈએ. એટલે કે તેમનો પોતાના શિષ્ય સાથેનો સંબંધ કોઈ પ્રકારના સ્વાર્થી હેતુવાળો ન હોવો જોઈએ. શિષ્યને મંત્ર આપવામાં, તેની પાસેથી કોઈ લાભ મેળવવાની લાલસાથી તેઓ તદ્દન મુક્ત હોવા જોઈએ. આપણે કોઈને આપણા ગુરુ તરીકે સ્વીકારવાનું નક્કી કરીએ, તે પહેલાં આપણા મનમાં ગુરુની આ ખાસ યોગ્યતાઓ રાખવી જ જોઈએ.

એક ઉદાહરણ

નારદ ભગવાન સનત્કુમાર પાસે દીક્ષા લેવા ગયા. સનત્કુમારે કહ્યું: ‘પહેલાં તો મને એ કહો કે તમે શું જાણો છો. ત્યાર પછી તમને શું શીખવવું તે હું નક્કી કરીશ.’ આથી નારદે પોતે જે કંઈ શીખ્યા હતા તેનું વિસ્તૃત વર્ણન આપ્યું. એમાં મુખ્ય મુખ્ય શાસ્ત્રનો એક પણ ગ્રંથ બાકી રહી જતો ન હતો. તેઓ મુખ્ય મુખ્ય શાસ્ત્રોનો સંપૂર્ણ અભ્યાસ કરી લીધા પછી જ સનત્કુમાર પાસે આવ્યા હતા. તેમણે કહ્યું: ‘મેં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, છ વેદાંગોનો અભ્યાસ કર્યો છે. વળી મુખ્ય બધાં જ – અઢારેય પુરાણો અને ભૌતિક જ્ઞાનશાખાઓને લગતા અનેક ગ્રંથો પણ વાંચ્યા છે.’ તેમણે આગળ કહ્યું: ‘આટલો બધો અભ્યાસ કરવા છતાં પણ મને શાંતિ મળતી નથી, કે સંતોષ પણ થતો નથી. હજુએ હું અધૂરપ અને અસંતોષ અનુભવું છું. મારી માનસિક ઉદ્વિગ્નતાનું કારણ ઘણું કરીને આ અપૂર્ણતાની લાગણી જ છે.’ ત્યારે સનત્કુમારે કહ્યું: ‘ઠીક નારદ, મેં જાણ્યું કે તમે ઘણું ઘણું ભણ્યા છો પણ તમે જે કંઈ જાણો છો તે કેવળ કેટલાક શબ્દો જ છે. તમે શબ્દોના જ સ્વામી તો થયા છો, પરંતુ તમે તમને પોતાને પિછાણતા નથી. તમે ‘આત્મવિદ્‌’ નથી. અને આત્મવિદ જ – આત્માને ઓળખનાર મનુષ્ય જ – દુ:ખશોકને તરી જઈ શકે છે. તમે ‘આત્મવિદ નથી – પોતાના આત્માના સાચા સ્વરૂપ જાણનારા નથી – એટલા માટે તમે શોકદુ:ખથી પરાજિત થયા છો.’ ત્યાર પછી નારદે નમ્રતાથી કહ્યું: ‘ભગવન્‌, કૃપા કરીને મને એવું જ્ઞાન આપો કે જેથી હું બધાં દુ:ખોથી છૂટકારો પામું.’

ઉપર્યુક્ત કથાનો બોધ

આ કથા શું સૂચવી જાય છે? એ સૂચવે છે કે દીક્ષા લીધા પહેલાં દીક્ષાવાંછુએ પોતાના મનની ભૂમિકાને બરાબર તૈયાર કરવી ખૂબ જ આવશ્યક છે. ખેતર ખેડીને તૈયાર કર્યા સિવાય એમાં બીજ વાવવાનો કશો જ અર્થ નથી. બીજ વાવ્યા પહેલાં ખેતરને સારી રીતે ખેડીને તૈયાર રાખવું જ જોઈએ. અને એના ઉપર તરત જ ખાતર પાથરી દેવું જોઈએ. આ બધું કર્યા પછી જો ખેતરમાં બી વાવવામાં આવે તો તે સારી રીતે ઊગી શકે છે. પણ જો આપણે ખેતર ખેડ્યા વગર, ખાતર પાથર્યા વગર જ જો બી વાવી દઈએ, તો શું એમાંથી સારો પાક ઊતરી શકે ખરો? નહિ જ. તો બરાબર એ જ પ્રમાણે આધ્યાત્મિક દીક્ષા લીધા પહેલાં કાળજીપૂર્વકની માનસિક સજ્જતા ખૂબ જરૂરની છે. અને આ સજ્જતા જ સફળતા અપાવે છે. આ વાત મગજમાં બરાબર સંઘરી રાખવી જોઈએ.

ખૂબ નમ્રતાથી હું અહીં એક બીજા મુદ્દાને સ્પર્શવા માગું છું કે આ સજ્જતા – તૈયારી – નો કોઈ અંત નથી. ઈશ્વરનું નામ લીધા પહેલાં, મંત્ર લીધા પહેલાં આપણી મનોભૂમિને પરિષ્કારની પ્રક્રિયામાંથી પસાર કરવી જ જોઈએ. જો મન શુદ્ધ નહિ હોય, તો મંત્ર અસરકારક નહિ નીવડી શકે. ચારિત્ર્યની શુદ્ધિ દ્વારા, સદ્‌વર્તન દ્વારા, નમ્રતા, શ્રદ્ધા અને તીવ્ર ઝંખના દ્વારા આ મનને તૈયાર કરી શકાય છે.

તીવ્ર ઝંખના રાખો

જો મનમાં ઈશ્વરનું નામસ્મરણ કરવાની ખરેખરી તીવ્ર ઝંખના હશે, તો દીક્ષાનું ફળ ખૂબ લાભ આપનારું નીવડશે. શ્રીરામકૃષ્ણે આને માટે એક સુંદર ઉપમા આપી છે. કાલુ માછલી પોતાનું મોઢું ઉઘાડું રાખીને આતુરતાથી રાહ જુએ છે કે જો વરસાદના પાણીનું ટીપું સ્વાતિ નક્ષત્રમાં એના મોઢામાં પડે તો એ પોતાનું મોઢું બંધ કરી દે અને સાગરને તળિયે ચાલી જાય અને તો એ બિંદુ મોતી થઈ જાય.

એવી જ રીતે આધ્યાત્મિક દીક્ષા પણ પેલા જલબિંદુના સ્વાતિના નક્ષત્રતારક સાથેના સંબંધ જેવી જ છે. દીક્ષા લીધા પહેલાં માણસે પેલી કાલુ માછલીના ઉઘાડા મુખની પેઠે પોતાનું હૃદય, દીક્ષાના સત્યને ઝીલવા ખૂબ આતુરતાથી ખુલ્લું રાખવું જ જોઈએ અને તો જ મંત્ર એના જીવનમાં અસરકારક બની શકે.

શ્રદ્ધા રાખો

આપણે હંમેશાં, દીક્ષા લેવાને વખતે પણ કહીએ છીએ કે ભક્તિ અને શ્રદ્ધા વગર દીક્ષા સાર્થક થતી નથી. એટલા માટે આપણામાં શ્રદ્ધા હોવી જ જોઈએ. માણસે શ્રદ્ધાપૂર્વક મંત્ર ગ્રહણ કરવો જોઈએ. અને મંત્ર ત્યારે જ વાવેલા બીજની પેઠે અંકુરિત-ફલદાયી બને છે અને પૂર્ણ ખીલેલા વૃક્ષની પેઠે ફૂલે ફળે છે – વ્યાપ્ત થાય છે. એટલે આ વાત મનમાં ખાસ ધ્યાન રાખવી જોઈએ કે આધ્યાત્મિક દીક્ષા લીધા પહેલાં મનની એવી સજ્જતા રાખવી જોઈએ. એ તો એક પૂર્વશરત જ છે. ખરું કહીએ તો આધ્યાત્મિક જીવનમાં સજ્જતા સિવાય કશું મેળવવાનું હોતું જ નથી.

શાસ્ત્રોએ એવી ભલામણો કરી છે કે દરેક આધ્યાત્મિક સાધકે સેવાવ્રતી, નમ્ર અને નિ:સ્વાર્થ ભક્ત થઈને તેમજ પોતાને વિશુદ્ધ અને નિષ્કલંક બનાવીને આદર્શોનો બોધ લેવા માટે ગુરુ પાસે જવું જોઈએ તો શાસ્ત્રોએ શા માટે આ સજ્જતાને – તૈયારીને આટલું બધું મહત્ત્વ આપ્યું છે? એનું કારણ એ છે કે દીક્ષાની એ ક્ષણ જ અમૂલ્ય છે કે જ્યારે આપણને ઈશ્વરના નામનો ઉપહાર મળે છે. એ પવિત્રતમ નામને આપણા હૃદયમાં શ્રદ્ધા-ભક્તિપૂર્વક રાખીને અને આપણા મનને તે ઉપર કેન્દ્રિત કરીને આપણે જો આપણા અસ્તિત્વની ભીતર પેલી કાલુ માછલીની જેમ ઊંડી ડૂબકી લગાવી શકીશું અને એમાં તન્મય થઈ જશું, તો અત્યંત મૂલ્યવાન રત્ન આપણામાં આકાર લેશે. આ રત્નનો જન્મ ખાસ કરીને મનમાં થાય છે. શ્રીરામકૃષ્ણદેવનાં વચનામૃતોમાંથી આપણે આ પાઠ શીખી શકીએ છીએ.

નમ્ર બનો

ભગવદ્‌ગીતામાં પણ એવું કહ્યું છે કે જે માણસ તપ કે ભક્તિ વગરનો હોય, અથવા તો જે સેવા ન કરતો હોય અથવા તો જે મારો દ્વેષ કરતો હોય, તેવા માણસને જ્ઞાન કદી કહેવું નહિ. (૧૮.૬૭). લોકોની આવી કક્ષાઓને શા માટે આ જ્ઞાનમાંથી બાકાત રાખવામાં આવી હશે? કારણ કે એવા લોકોના મનનું ક્ષેત્ર સજ્જ-તૈયાર હોતું નથી. આગળ દર્શાવેલા માનદંડો તો ફક્ત પ્રારંભનાં જ પગથિયાં છે. જ્યારે આ મનનું ખેતર બરાબર તૈયાર થઈ જાય, ત્યારે માણસ ઈશ્વરના નામ પ્રત્યેના પ્રેમનો વિકાસ કરે છે. આ બાબત દીક્ષાર્થીએ તેમજ દીક્ષિત થયેલાએ – બંનેએ ખાસ યાદ રાખવાની જરૂર છે. એટલા માટે શાસ્ત્રોમાં એમ કહેવાયું છે કે માણસે નમ્ર બનવું જોઈએ, સેવાભાવી બનવું જોઈએ, અને જેટલું બને તેટલું પોતાનું જીવન વિશુદ્ધ રાખવું જોઈએ.

દીક્ષા લીધા પહેલાં આપણાં હૃદયો દીક્ષા પામવા માટે વિશુદ્ધ કરી દેવાં જોઈએ. જેવી રીતે દેવ, મંદિર અને એનો પરિસર – આસપાસની ભૂમિ – બધું જ સ્વચ્છ કરી લઈએ. ત્યાર પછી જ આપણે દેવસ્થાપનવિધિનો વિચાર કરી શકીએ. તેવી જ રીતે મંત્ર લેવો એટલે પણ મંદિરમાં દેવસ્થાપનની પેઠે માણસના જીવનમાં ઈશ્વરની પધરામણી -દેવસ્થાપન જ છે. બધી સજ્જતાનું લક્ષ્ય કેવળ આ જ છે. આ શરતોનું સમુચિત પાલન કર્યા વગર, અથવા એ શરતો તરફ બેદરકાર રહીને આપણે આપણા હૃદયમાં ક્યારેય ઈશ્વરને સ્થાપી શકીશું નહિ. આ વાત તો મનમાં ખાસ સંઘરી જ રાખવી જોઈએ.

Total Views: 173

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.