રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી શ્રી શ્રીમાના મંત્રદીક્ષિત શિષ્ય હતા. તેમના બંગાળી પુસ્તક ‘અમૃતેર સંધાને’નો શ્રીકુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.

ઈ.સ. ૧૯૧૬ના ઉનાળાના પ્રારંભમાં હું બેલુર મઠ પહેલીવાર આવ્યો. બે માસ મઠમાં રહ્યા બાદ શ્રી શ્રીમાનાં દર્શન કરવા હું જયરામવાટી ગયો. મારી યાદ પ્રમાણે એ જૂન મહિનો હતો. એક સદ્‌ગૃહસ્થ જયરામવાટી જતા હતા તેમની સાથે સ્વામી પ્રેમાનંદજીએ મારો પરિચય કરાવી આપ્યો. તેમણે શ્રી શ્રીમાને પત્ર પણ લખી આપ્યો. અમે જયરામવાટી જવા હાવડા મેદાનથી માર્ટિન રેલગાડી પકડીને ચાંપાડાંગ પહોંચ્યા. હાવડાથી ચાંપાડાંગ કેટલું દૂર હશે એનો મને ખ્યાલ ન હતો, પણ એટલું યાદ છે કે અમે હાવડાથી બપોરે ત્રણ – સાડાત્રણ વાગ્યે ગાડીમાં બેઠા અને ચાંપાડાંગ રાત્રે સાડાઆઠ વાગ્યે પહોંચ્યા. આ ગાડી એક ટ્રામની જેમ ધીમી ગતિએ ચાલતી હતી. ક્યારેક તો ટ્રામ કરતાં પણ ધીમે. આ ટ્રેનમાં બીજા બે યુવકો હતા પાછળથી એ બંને રામકૃષ્ણ સંઘમાં જોડાયા. (તેમાંના એક હતા સ્વામી સત્પ્રકાશાનંદ. એમણે અમેરિકાના સેન્ટ લુઈસના રામકૃષ્ણ મિશનના કેન્દ્રમાં ઘણા વર્ષ સુધી અધ્યક્ષ તરીકે સેવાઓ આપી. બીજા હતા સ્વામી વિશ્વનાથાનંદ. તેઓ ઘણો સમય દિલ્હી કેન્દ્રમાં રહ્યા હતા અને તેઓ સારા સંગીતજ્ઞ હતા.) તે બંને અમારી સાથે ચાંપાડાંગ ઉતર્યા. રાત તો અમે સ્ટેશનમાં જ વીતાવી. સ્ટેશન એટલે નાનકડી ઓરડી જેના અર્ધાભાગ પર છાપરું પણ ન હતું. બીજે દિવસે જયરામવાટી જવા ચાલવાનું શરૂ કર્યું. થોડું ચાલ્યા ત્યાં તો અમારી સાથે આવતા યુવકોમાંનો એક બીમાર પડ્યો. એને મરડો થઈ ગયો હતો. એના મિત્રે એના માટે એક બળદગાડાની વ્યવસ્થા કરી. પણ મરડાનું દરદ વધતા એ બંને યુવાનો લાચાર થઈને કલકત્તા પાછા ફર્યા. અમારે એ બંને માટે રસ્તામાં ઘણું ખોટી થવું પડ્યું જેથી થોડું મોડું થયું પણ અમે જયરામવાટી તરફ ચાલતા થયા. ગરમી બહુ હતી. બપોરે ક્યાંય જમવા કે વિશ્રામ કરવા રોકાયા હોઈએ એવું મને યાદ નથી. દ્વારકેશ્વરનદ પહોંચતાં સાંજ પડી ગઈ. તે રાત્રે કામારપુકુર જવાનો સમય ન રહ્યો. એટલે રાત્રે તો અમે દ્વારકેશ્વરનદની પાળે સૂતા રહ્યા. સાંજ ઢળતાં ઘણા ગાડાવાળા પણ બળદને છોડીને ત્યાં સૂતા હતા.

બીજે દિવસે વહેલી સવારે ઊઠીને અમે કામારપુકુર જવા ઉપડ્યા. કામારપુકુર પહોંચતા દસ વાગી ગયા. શ્રીઠાકુરના ભત્રીજા શિવુદા સાથે મુલાકાત થઈ. તેઓ બેઠકખંડમાં બેસીને હુક્કો પીતા હતા. એમણે અમારો પરિચય પૂછ્યો અને એને જ્યારે ખબર પડી કે અમે જયરામવાટી જવાના છીએ એટલે અમારા બપોરના ભોજનની વ્યવસ્થા કરવા રસોડામાં ગયા. અમે હાલદાપુકુરમાં સ્નાન કરીને જમી લીધું. થોડો સમય આરામ કરીને જયરામવાટી જવા નીકળ્યા. જયરામવાટી ચાર-સાડાચાર વાગ્યે પહોંચ્યા. અત્યારે જેને આપણે ‘માયેર નૂતન બાડી’ – માતાજીનું નવું ઘર કહીએ છીએ તે હજુ પૂરેપૂરું તૈયાર ન હતું. તેની બહારની બાજુમાં જે બેઠક ખાનું હતું તેમાં માતાજીનાં દર્શન કરવા આવતા પુરુષ ભક્તોને ઉતારો અપાતો. અમને પણ ત્યાં જ ઉતારો મળ્યો. શ્રી શ્રીમા ત્યારે તેમના જૂના મકાનમાં રહેતા. અમને ત્યાં લઈ જવામાં આવ્યા. મકાનના આંગણામાં પ્રવેશતા જ જોયું કે શ્રી શ્રીમા ઓસરીમાં બેઠા છે અને રાતની રસોઈ માટે શાકભાજી સમારે છે. ત્યાં બીજું કોઈ ન હતું, પુરુષો આવે છે એમ જાણીને બધી સ્ત્રીઓ અંદર ચાલી ગઈ. શ્રી શ્રીમાને અમે પ્રણામ કર્યા. મારી સાથે આવનાર સજ્જને માતાજીને સ્વામી પ્રેમાનંદજીના પત્ર વિશે વાત કરી. શ્રી શ્રીમાએ એક બ્રહ્મચારીને બોલાવ્યો અને પત્ર વાંચી સંભળાવવા કહ્યું. પત્ર વંચાયો એટલે શ્રી શ્રીમા બોલ્યાં: ‘ભલે, આવતીકાલે જ એમની દીક્ષા થશે.’ અમે નવા મકાનના બેઠકખંડમાં પાછા ફર્યા.

બીજે દિવસે અમે દીક્ષા માટે હાજર થયા. શ્રી શ્રીમાએ સવારે શ્રીઠાકુરની પૂજા કરીને અમને એક પછી એક દીક્ષા માટે એમના ઓરડામાં બોલાવ્યા. અમારી દીક્ષા પૂરી થઈ. સામાન્ય રીતે શ્રી શ્રીમા શ્રીઠાકુરની પૂજા કર્યા પછી દીક્ષા આપતા. છતાં આ બાબતમાં એવો કોઈ ખાસ નિયમ ન હતો. ગમે તે સમયે અને ગમે તે અવસ્થામાં તેઓ દીક્ષા આપતાં. એક વખત વિષ્ણુપુર સ્ટેશને એક કૂલીને શ્રી શ્રીમાએ રેલવે પ્લેટફોમ પર જ દીક્ષા આપી હતી. જમીન પર એક પછી એક એમ ત્રણ પૂળા ઘાસ પાથરીને તેના પર એને બેસવા કહ્યું. એ ઘાસ એટલે ત્રણ આસન. પછી એને દીક્ષા આપી. એક વખત એક બહેન તેમને મળવા આવ્યા. તેઓ શ્રી શ્રીમાને નાનપણથી જ ઓળખતાં હતાં, સાથે રમ્યાં હતાં. બપોરે જમ્યા પછી એક સાથે શ્રી શ્રીમાના ઓરડામાં તેમની સાથે બાજુમાં એ બહેન સૂતાં છે, વિશ્રામ કરે છે આવી અવસ્થામાં જ શ્રી શ્રીમાએ એમને દીક્ષા આપી હતી.

એક વધુ વાત નોંધવા જેવી છે કે જે કોઈ જીજ્ઞાસુ આધ્યાત્મિક ઉપદેશ મેળવવા આવતા તેમને શ્રી શ્રીમા ક્યારેય પાછા ન વાળતા. જે કોઈ આવે એ બધાને કંઈકને કંઈક મળે છે. શ્રી શ્રીમા કહેતાં : ‘શ્રીરામકૃષ્ણદેવે ઉત્તમ આધારવાળાઓને વીણી લીધા છે. જેટલા નરસા – નકામા રહ્યા એ બધાને મારા માટે મૂકી ગયા છે. એટલે જ મારે આટલું બધું ભોગવવું પડે છે.’ આવું બોલતાં તો પણ દીક્ષા માટે ઇચ્છુક એવા કોઈને શ્રી શ્રીમા નિરાશ ન કરતાં. આખા દેશમાં આઝાદી માટે મોટું આંદોલન ચાલતું હતું. આવા આંદોલનકારી યુવકો વચ્ચે વચ્ચે શ્રી શ્રીમાને પ્રણામ કરવા અને તેમની પાસેથી દીક્ષા લેવા આવતા. પોલિસ એમની પાછળ પાછળ રહેતી અને એની દરેક પ્રવૃત્તિ પર નજર રાખતી. ગુપ્તચરો શ્રી શ્રીમાના ઘરે પણ ચોકી કરતા પણ તેઓ આ બધું ગણકારતા નહિ. એક વખત બે રાજદ્રોહી યુવકો આવ્યા. માતાજીએ એમને સ્નાન કરવા મોકલ્યા. તેઓ નાહીને આવ્યા પછી શ્રી શ્રીમાએ એમને દીક્ષા આપી. પછી એમને જમાડીને જલદી ત્યાંથી ચાલ્યા જવા કહ્યું. આવા છોકરાઓને દીક્ષા આપતાં શ્રી શ્રીમા ક્યારેય ભય ન અનુભવતા. એમણે પોતાના જીવનના છેલ્લા દિવસ સુધી દીક્ષા આપી હતી. એક વખત શ્રી શ્રીમા ખૂબ બિમાર હતાં ત્યારે ઉદ્‌બોધનમાં એક પારસી યુવાન આવ્યો. તે મઠમાં ઘણા દિવસથી મહેમાન રહ્યો હતો, હવે તે શ્રી શ્રીમાનાં દર્શન કરવા અને તેમની પાસેથી દીક્ષા લેવા આવ્યો હતો. પરંતુ શ્રી શ્રીમાનું સ્વાસ્થ્ય ઘણું ખરાબ હતું એટલે દર્શન બંધ હતાં. આ યુવાન તો નીચે બેસી ગયો. એને કોઈ ઉપલા માળે જવા દેતા નથી. પરંતુ શ્રી શ્રીમાને કોઈ રીતે એ ખ્યાલ આવી ગયો કે એ યુવક તેમના દર્શન માટે રાહ જોતો બેઠો છે. તેમણે તરત જ એક સેવકને એ યુવકને પોતાની પાસે લાવવા કહ્યું. શ્રી શ્રીમાએ એને પણ દીક્ષા આપી અને નીચે મોકલી દીધો. સ્વામી શારદાનંદજીએ આ ઘટના અંગે પોતાનું મંતવ્ય આપતાં કહ્યું: ‘એક પારસીને શિષ્ય બનાવવાની શ્રી શ્રીમાની ઇચ્છા હોય તો પછી મારે વળી એમાં શું કહેવાનું હોય?’ આ પારસી યુવક બીજા કોઈ નહિ પણ ફિલ્મ જગતના સુખ્યાત અભિનેતા અને નિર્દેશક સોહરાબ મોદી હતા. શ્રી શ્રીમાની એક બીજી વિશિષ્ટતા અમે નિહાળી હતી. બાહ્ય રીતે એમના ચહેરા પર એવું કંઈ વિશેષ ન હતું અને એને કારણે એમ જ લાગે કે શ્રી શ્રીમા એક સાધારણ ગ્રામ્ય નારી છે. બીજી સ્ત્રીઓ સાથે ઘેરાઈને તેઓ બેઠાં હોય તો એમને શ્રી શ્રીમા તરીકે ઓળખી પણ ન શકાતાં. એટલે જ ગિરિશબાબુ કહેતા: ‘આ નારી કે જે ગામડાંની સામાન્ય સ્ત્રીની માફક આપણી પાસે ઊભાં રહે છે તે સ્વયં જગતની રાજરાજેશ્વરી છે એમ કોણ કહી શકે?’ સ્વામી શારદાનંદજીએ એક વખત કહ્યું હતું: ‘શ્રીરામકૃષ્ણદેવનો આંતરિકભાવ બહારથી થોડો કળી શકાતો. પરંતુ શ્રી શ્રીમાનું તો કશું જ સમજાતું નહિ. ભાવને દાબી રાખવાની એમની અદમ્ય શક્તિ હતી. બાહ્ય રીતે એમના ભાવનો અંશમાત્ર પણ પ્રકાશ નહિ. શ્રી શ્રીમાએ એક જાડી સાડીનો ઘૂમટો તાણીને મોં સંતાડી રાખ્યું છે. એટલે કોઈ એમને જરાય જોઈ શકતા નથી.’ શ્રી શ્રીમાનું આવું દિવ્ય વ્યક્તિત્વ કોઈ સહેલાઈથી સમજી ન શકતું. શ્રી શ્રીમા મદ્રાસ આવે છે એ સાંભળીને ત્યાંના લોકોએ સ્વામી રામકૃષ્ણાનંદ પાસે જઈને પૂછ્યું: ‘શ્રી શ્રીમા વ્યાખ્યાન આપશે કે નહિ?’ સ્વામી રામકૃષ્ણાનંદજીએ જવાબ આપ્યો: ‘ના.’

કોઈનામાં ત્યાગભાવના જોઈને શ્રી શ્રીમા ખૂબ ખૂશ થતાં અને તેમને પ્રેરણા આપતાં. એક વખત શ્રી શ્રીમાએ કહ્યું: ‘બધા કહે છે કે શ્રીરામકૃષ્ણદેવ સર્વધર્મ- સમન્વયના પ્રચાર-પ્રસાર માટે અવતર્યા હતા. તેમણે જુદા જુદા ધર્મોની સાધના કરી તેનો ઉદ્દેશ હતો વિવિધ ધર્મના લોકો ઈશ્વરને કયે કયે નામે પોકારે છે તે જાણવું, અનુભવવું.’ શ્રીરામકૃષ્ણદેવનો એક ઉદ્દેશ સર્વધર્મસમન્વય હતો અને શ્રી શ્રીમાના મતાનુસાર શ્રીરામકૃષ્ણદેવનો બીજો મુખ્ય ઉદ્દેશ હતો ત્યાગ, ત્યાગનું શિક્ષણ. આ યુગના આદર્શ રૂપે તેમણે જગતને જે કંઈ આપ્યું તેમાં ત્યાગનો આદર્શ શ્રેષ્ઠ છે. તેઓ કહેતાં: ‘શ્રીઠાકુરે આપેલ ત્યાગના આદર્શ જેવો આદર્શ આ પહેલાં કોઈએ ક્યારેય સાંભળ્યો નથી.’ શ્રી શ્રીમા પોતે પણ એ પ્રકારના ત્યાગના આદર્શનો આગ્રહ રાખતાં. સ્વામીજી કહે છે : ‘ત્યાગ અને સેવા એ બે જ માનવજાતિના મહાન આદર્શ છે.’ આ આદર્શને અનુસરીએ તો બધું બરાબર ચાલશે. એટલે શ્રી શ્રીમાએ પણ પોતાના જીવન દ્વારા ત્યાગના આદર્શને મૂર્તિમંત કર્યો છે. આજે વિશ્વમાં ચોમેર સ્વાર્થપરાયણતા જોવા મળે છે. પોતપોતાના ક્ષેત્રમાં આગળ વધવા ખોટું કામ કરીને ધનની કમાણી કરવામાં નરી સ્વાર્થપરાયણતા જોવા મળે છે. આવી વિષમ પળે ત્યાગનો આદર્શ અત્યંત આવશ્યક છે. મેં આગળ કહ્યું તેમ શ્રી શ્રીમા સૌને ત્યાગને માર્ગે આગળ વધવા પ્રોત્સાહન આપતાં. એક વખત બંગાળના કોઈ એક સજ્જન તેમની પાસે આવ્યા. તેમની ઇચ્છા સંસારનો ત્યાગ કરીને ઋષીકેશ કે એવા કોઈ શાંત સ્થળે બેસીને સાધનભજન કરવાની હતી. પણ તેઓ પરિણીત હતા અને એક સંતાન પણ હતું. એટલે ત્યાં ઉપસ્થિત લોકોમાં વિવાદનો વંટોળ જાગ્યો. ‘આવી મોટી જવાબદારીવાળો માણસ સંન્યાસ કઈ રીતે લઈ શકે?’ આ પ્રકારની દલીલો થઈ પણ શ્રી શ્રીમા કંઈ બોલતાં નથી. તેઓ એકદમ ચૂપ રહ્યાં. થોડા દિવસો પછી જ્યારે બધું શાંત થઈ ગયું ત્યારે શ્રી શ્રીમાએ એક દિવસે તે સજ્જનને બોલાવીને ભગવાં આપ્યાં અને ઋષીકેશ જવાની અનુમતિ પણ આપી. સમય જતાં રામકૃષ્ણ સંઘમાં એમણે એક આદરણીય સંન્યાસી તરીકે સ્થાન મેળવ્યું.

જયરામવાટીમાં એક ખૂબ સારો યુવાન હતો. તે ભજન ગાતો અને લોકો તેને ખૂબ ચાહતા. અચાનક અકારણ તે ક્યાંક જતો રહ્યો. કોઈને એની ખબર ન પડી. થોડાં વર્ષો પછી તે પાછો ગામમાં આવ્યો. તેના પુનરાગમનથી ગામમાં ભારે કૂતુહલ જાગ્યું. ઘણા એને મળવા ગયા અને બધાએ એને ઘેરી લીધો. પ્રશ્નોની જડી વરસાવી. શ્રી શ્રીમાને પણ આ માટે કૂતુહલ થયું ત્યારે બધાને નવાઈ લાગી. સામાન્ય રીતે તેઓ પાડોશમાં ક્યાંય જતાં નહિ. પરંતુ તે દિવસે તેઓ તે છોકરાને જોવાની ઇચ્છાથી તેને ઘેર ગયા. કેટલાક ગ્રામજનો એને વીંટળાઈને પ્રશ્નો પૂછતા હતા: ‘તું કહ્યા વગર ઘરેથી કેમ ભાગી ગયો? આટલાં વર્ષ તું ક્યાં હતો? હવે આવી રીતે તું ભાગતો નહિ.’ શ્રી શ્રીમા બોલ્યા વિના આ બધું ચૂપચાપ સાંભળતાં રહ્યાં. થોડા સમય પછી કહ્યું: ‘બેટા, તું સાધુ થયો એ બહુ સારું કર્યું.’ આમ એમણે ત્રણ વાર કહ્યું અને બપોરે તેમને ત્યાં પ્રસાદ લેવાનું આમંત્રણ આપ્યું.

કલકત્તામાં એમની પાસે આવીને ભક્તો કહેતા કે તેમની કન્યા માટે કોઈ સુપાત્ર મળતું નથી, દીકરીનાં લગ્ન કરી શકાતાં નથી. તે વિશે તેઓ કહેતાં: ‘દીકરીનાં લગ્ન થતાં નથી એથી માબાપને શા માટે દુ:ખ થાય છે? પોતાની દીકરીને નિવેદિતાની સ્કૂલમાં સુધીરાની પાસે કેમ નથી મોકલતા?’ કેવો આધુનિક દૃષ્ટિકોણ! કોઈએ તેમના પ્રત્યે પ્રેમભાવ રાખ્યો હોય તો તેઓ ક્યારેય તેને ભૂલતા નહિ. એક શાકવાળી શ્રી શ્રીમા પાસે લીલા શાકભાજી વેંચવા આવતી. શ્રી શ્રીમાના દેહાવસાન પછી પણ તે વચ્ચે વચ્ચે આવતી. થોડો વખત ત્યાં બેસીને પછી ચાલી જતી. તેને કોઈકે પૂછ્યું: ‘હવે, તમે અહીં શા માટે આવો છો?’ તેનો જવાબ હતો: ‘શ્રી શ્રીમાનો મને એવો પ્રેમ મળ્યો છે કે એ હું કેમેય કરીને ભૂલી શકતી નથી. એટલે અહીં આવું છું, થોડી વાર બેસીને ચાલી જાઉં છું, એનાથી મને ઘણો આનંદ મળે છે.’ બધા પ્રત્યે કેવી હૃદયની લાગણી અને કેવો પ્રેમભાવ હતો, શ્રી શ્રીમાનો!

પહેલા વિશ્વયુદ્ધમાં સ્પિરિટની માગ ઘણી રહેતી એટલે બજારમાં સ્પિરિટ બહુ મુશ્કેલીથી મળતું. એક શીશીની કિંમત છ આના હતી. તેનાથી વધુ પૈસા આપીને ય સ્પિરિટ મળતું નહિ. કોઈ એક ભક્ત જયરામવાટીના દવાખાના માટે જેમ તેમ કરીને સ્પિરિટની કેટલીક શીશીઓ લાવ્યા. શ્રી શ્રીમાને પગે વાને કારણે બહુ દુખાવો થતો. સ્પિરિટ લગાડીને માલીશ કરવાથી આરામ રહેતો. ભક્તે લાવેલા સ્પિરિટમાંથી થોડું સ્પિરિટ લઈને શ્રી શ્રીમાને વાપરવા આપ્યું પણ તેઓ રાજી ન થયાં અને કહ્યું: ‘આ સ્પિરિટ તો ગરીબો માટે આવ્યું છે. તેમને વંચિત રાખીને મારા આરામ માટે હું તેનો ઉપયોગ કરી શકું નહિ.’ શ્રી શ્રીમાની દૃષ્ટિનો ખ્યાલ આ કથન પરથી આવી શકે છે.

એક વખત એક ભક્તે આવીને શ્રી શ્રીમાને કહ્યું: ‘મા, ફલાણી વ્યક્તિનું મૃત્યુ થયું છે. એ પહેલાં તેણે વસિયતનામું કરીને પોતાની અઢળક સંપત્તિ બેલુર મઠ અને સંન્યાસીઓ માટે આપી ગયા છે.’ એમણે આ બધું શાંતિથી સાંભળ્યું. ભક્તની વાત પૂરી થતાં એમણે કહ્યું: ‘એ તો સારું કર્યું. પરંતુ તેઓ ગરીબ દુ:ખી લોકો માટે કંઈ આપી ગયા છે?’ પછી ભક્ત શું બોલે? એ ચૂપ થઈ ગયો. ખરેખર એ વ્યક્તિએ ગરીબદુ:ખી માટે કશું જ રાખ્યું ન હતું. ગરીબ લોકો માટે શ્રી શ્રીમાનો પ્રાણ કેવો કકળી ઊઠતો તે આ ઘટના પરથી સમજી શકાય છે. સ્વામીજી કહેતા : ‘ગરીબ-દુ:ખી તથા સમાજના પછાત લોકોની અવગણના કરવાને લીધે જ આજે વિદેશી શક્તિ આ દેશમાં શાસન કરી શકી છે. આપણા દેશના સામાન્ય જનસમૂહની આપણે ઉપેક્ષા કરતા આવ્યા છીએ તેથી જ આજે હજારો વર્ષોથી આપણે વિદેશી તાકાતની એડી તળે કચડાયેલા રહ્યા છીએ.’ શ્રી શ્રીમા પણ આવો જ ઉપદેશ આપી ગયાં છે: ‘ગરીબ અને દુ:ખી ને ઊંચે લાવવા એ જ આપણું પહેલું કર્તવ્ય છે.’ સ્વામીજી પણ આપણને આ માટે સચેત કરી ગયા છે.

હજુ પણ એક બે વાત મને યાદ આવે છે: એક દિવસ શ્રી શ્રીમાના માતાજી શ્યામાસુંદરીદેવીએ પૂછ્યું: ‘વારુ, મને એ કહે કે એક પગ પર પગ ચડાવીને બેસે છે તે દેવીનું નામ શું?’ શ્રી શ્રીમાએ કહ્યું: ‘જગદ્ધાત્રી.’ શ્યામાસુંદરી બોલ્યાં: ‘મને એમની પૂજા કરવાની ઇચ્છા થાય છે.’ ઉપરાઉપર બે વર્ષ સુધી જગદ્ધાત્રીની પૂજા થઈ. બીજે વર્ષે ફરી શ્યામાસુંદરીએ પૂજા કરવાની વાત કહી એટલે શ્રી શ્રીમાએ આનાકાની કરતાં કહ્યું: ‘આ બધી ઝંઝટ હવે મને ગમતી નથી. જો કે અંતે તેઓ રાજી થયા અને પૂજા પણ થઈ. પહેલી વખત પૂજાના આગલા દિવસોમાં ખૂબ વરસાદ પડ્યો. શ્રી શ્રીમાએ સ્વામી શાંતાનંદજીને કહ્યું: ‘વરસાદને લીધે પૂજાની બધી સામગ્રી સૂકવવી તો ન પડી, પણ મજાની વાત તો એ છે કે ચારે બાજુ વરસાદ પડે છે અને અમારા આંગણામાં તડકો.’ આ અલૌકિક ઘટના વાસ્તવિક ઘટના છે. બીજી એક ઘટના જે મેં પ્રત્યક્ષ નિહાળી હતી. શ્રી શ્રીમાની મહાસમાધિના બીજે દિવસે એમનો સ્થૂળ દેહ મઠમાં લાવવામાં આવ્યો. અત્યારે જ્યાં શ્રી શ્રીમાનું મંદિર છે ત્યાં જ એમના સ્થૂળદેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. ત્યારે કોઈ ઘાટ બાંધેલો ન હતો. પરંતુ ત્યાંના ગંગાઘાટનો નદી તરફનો ઢાળ હતો. અગ્નિસંસ્કાર માટે ચિતા ગોઠવીને અગ્નિ પ્રગટાવવામાં આવ્યો. ચિતા પ્રજ્વલિત હતી બરાબર એ જ સમયે ગંગાના સામે કિનારે જોરદાર વરસાદ પડવા લાગ્યો. વરસાદ એટલો ઘનઘોર વરસતો હતો કે એ કિનારા પરના ઘરમકાન, ઝાડપાન દેખાતાં ન હતાં. વરસાદ ગંગાના મધ્યભાગ સુધી આવ્યો, પણ બેલુર મઠ બાજુ ન આવ્યો. બેલુર મઠમાં એ વખતે ધોમધખતો તડકો હતો. ચિતા તો જલતી રહી. થોડા વખતમાં માતાજીનો દેહ ભસ્મિભૂત થઈ ગયો. હવે ચિતાનો અગ્નિ હોલવવાનો હતો ત્યાં એક તાંત્રિક પણ હતા તેમની ઇચ્છા તાંત્રિક વિધિ પ્રમાણે અગ્નિ સમાવવાની હતી. એ માટે જે કંઈ જરૂરી સામગ્રી જોઈએ એ ત્યાં ન હતી. એટલે એ બધું લેવા બજારમાં ગયા. એમને પાછા ફરતા વાર લાગી. સ્વામી નિર્મળાનંદ (તુલસી મહારાજ) અધીરા થઈને એક મોટો કળશ ગંગામાંથી ભરી લાવીને શરત મહારાજને કહેવા લાગ્યા: ‘આપ આ જળ નાખીને ચિતા ઓલવી નાખો. હવે આપણે રાહ જોવી ઉચિત ન ગણાય. પછી શરત મહારાજે ચિતા પર જળ ઢાળ્યું. એ દરમિયાન ચિતા પર જળ ઢાળવા ઘણા લોકો ગંગામાંથી જળ લાવ્યા પરંતુ કોઈ જળ ઢાળી શક્યું નહિ. શરત મહારાજે જેવું ચિતા પર જળ છાટ્યું કે સામેની બાજુનો વરસાદ આ બાજુએ પહોંચી ગયો. એવી જોરદાર વૃષ્ટિ થઈ કે એ જ ક્ષણે ચિતાનો અગ્નિ સમી ગયો. અમે બધા પલળી ગયા હતા. આવી ઘટેલી ઘટના આપણને અસ્વાભાવિક અને અલૌકિક લાગે. 

એક ભક્તે શ્રી શ્રીમાને પૂછ્યું: ‘મા, આપણો દેશ ક્યારે સ્વતંત્ર થશે?’ એમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું: ‘બેટા, તમે શું અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢી શકશો ખરા? તમે તેમ નહિ કરી શકો. તેઓ જ્યારે અંદરોઅંદર ઝઘડશે ત્યારે તમે સ્વતંત્ર થશો.’ ઇતિહાસ આ વાતની સાક્ષી પૂરે છે. ઘણાં વર્ષો પહેલાં એમણે કહેલી વાત અક્ષરશ: સાચી પડી. અલબત્ત આ સ્વાધિનતા માટે આપણે લડત કરી હતી એટલે સ્વતંત્રતા મળી છે પણ હકીકત એ છે કે જો બીજું વિશ્વયુદ્ધ ન થયું હોત તો આપણને સ્વતંત્રતા મળતાં હજુ ઘણાં વર્ષો લાગ્યાં હોત. સ્વામીજી પણ કહે છે: ‘તેઓ, અંગ્રેજો ચોરની જેમ પાછલે બારણેથી આપણા દેશમાં ઘૂસ્યા છે અને એ જ રીતે આ દેશને છોડી જશે. રક્તપાત નહિ થાય – લોહિયાળ વિપ્લવ નહિ થાય. રક્તપાત વગર જ ભારત સ્વતંત્ર થશે.’ આજે આપણે જાણીએ છીએ કે સ્વાતંત્રપ્રાપ્તિમાં લોહી વહ્યા નથી, રક્તવિહોણી ક્રાંતિ થઈ છે.

વચ્ચે વચ્ચે ભક્તો શ્રી શ્રીમાને કહેતા: ‘માતાજી, અમારું કશું થતું નથી. ધ્યાન-જપ કરીએ પણ કોઈ જાતનો આનંદ થતો નથી.’ તેઓ કહેતાં : ‘આવી વાત ઘણા લોકો મારી પાસે આવીને કહે છે પરંતુ તેઓ રોજ દસ-પંદર હજાર જપ કરે ત્યારે હું જોઉં કે આનંદ કેમ ન આવે!’ આ વાત તેઓ વારંવાર કહેતાં. વિશેષમાં તેઓ કહેતાં : ‘ઋષિમુનિઓએ ઈશ્વરપ્રાપ્તિ માટે કેટલા જન્મો તપશ્ચર્યા કરી અને તમે તો કંઈ કર્યા વગર જ ઈશ્વરપ્રાપ્તિ કરવા ઇચ્છો છો. પ્રયત્ન વગર શું આ આનંદનો સંભવ ખરો? જે ઇચ્છો તે પ્રાપ્ત કરવા મંડ્યા જ રહો. બધા જ આવે છે અને કહે છે ‘કૃપા’, ‘કૃપા’. કૃપા શું કરશે? જો કૃપા મેળવવા માટે કોઈ તૈયાર ન હોય તો કૃપા જઈને પાછી ફરે છે.’ છતાં પણ પ્રોત્સાહન આપતાં કહેતાં : ‘આ યુગમાં શ્રીરામકૃષ્ણદેવે ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ કંડાર્યો છે. જે કોઈ માનવ થોડા ઉદ્યમથી ઈશ્વરચિંતન કરશે તે તેમને પામી જશે.’

શ્રી શ્રીમાનો અંતિમ ઉપદેશ હતો : ‘કોઈનો ય દોષ જોશો નહિ.’ અને બીજી પણ એક વાત કહેતાં: ‘જ્યારે તમે કોઈ મુશ્કેલીમાં પડો અને માનસિક અશાંતિ અનુભવો ત્યારે યાદ રાખજો કે તમારે એક મા છે.’ વિપત્તિ-આપત્તિ જે કંઈ આવે પરંતુ જો આપણે શ્રી શ્રીમાને પોકારી શકીએ તો મા અવશ્ય આપણું ધ્યાન રાખશે અને આપણા બધા ભય દૂર થઈ જશે. શ્રી શ્રીમા આપણા પર પરમકૃપા કરે એવી એમની પાસે મારી પ્રાર્થના.

Total Views: 135

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.