એક દિવસ તેઓ ગામમાં ફરતા હતા ત્યારે તેમણે એક તળાવમાં તાજાં ખીલેલાં કમળો જોયાં અને પ્રેમાનંદના અંતરમાં એ કમળો શ્રીમાનાં ચરણોમાં અર્પણ કરવાની અદમ્ય ઇચ્છા જાગી. એ કમળો લેવા માટે તેઓ પોતે જ પાણીમાં ઊતર્યા કેમ કે સાથે રહેલા બ્રહ્મચારીને તરતાં આવડતું ન હતું. અંતરની ઇચ્છા પ્રમાણે તેઓ કમળ તો ભગાં કરી શક્યા, પણ જ્યારે તેઓ કિનારે આવ્યા ત્યારે બંનેએ આશ્ચર્યપૂર્વક જોયું તો એમના શરીર પર વીસ-ત્રીસ જળો ચોંટેલી હતી! ખૂબ પ્રયત્નથી એ ઉખેડી તો શકાઈ, પણ એમનું આખું શરીર લોહીથી તરબતર થઈ ગયું. એમની આવી સ્થિતિ જોઈને માતાજી ખૂબ વ્યથિત બની ગયાં, અને ભવિષ્યમાં આવું સાહસ ક્યારેય કરવું નહિ એવી ચેતવણી પણ એમણે આપી…

પ્રેમાનંદ જાણતા હતા કે મનની ચિકિત્સા ફક્ત કોરાં વ્યાખ્યાનોથી થતી નથી. ફક્ત ઉપદેશ આપવાથી કામ સરતું નથી. ‘જાતે જ ધર્મનું આચરણ કરીને અન્યને શીખવાડી શકાય.’ આથી છેવટ સુધી તેઓ હંમેશાં કાર્યમાં વ્યસ્ત રહ્યા અને તેઓ કહેતા, ‘મુખ બંધ અને કાર્યો જ બોલે.’ બ્રહ્મચારીઓની સાથે કામ કરતાં કરતાં તેઓ કહેતા, ‘હું પોતે પણ તમારા બધાની સાથે સાથે છાણાં થાપી રહ્યો છું. ફક્ત ભક્તોને ચરણરજ આપી આપીને શું હું મારો પરલોક બગાડું? એટલા માટે છાણ પણ ઉપાડું છું, છાણાં પણ થાપું છું, ગોસેવા પણ કરું છું અને પછી ઠાકુર-પૂજા પણ કરું છું.’ આ થોડાં વાક્યોમાં બાબુરામ મહારાજના સર્વાંગીણ જીવનનું એક સુંદર ચિત્ર અંકિત થાય છે. સ્વામીજીએ કહેલું કે, ‘જોડા સીવવાથી માંડીને ચંડીપાઠ સુધી – બધું જ કાર્ય કરવું પડશે.’ બાબુરામ મહારાજ પણ કહેતા, ‘આ બધી જ બાબતોની તાલીમ લેવી પડશે.’ શાકભાજી સમારવાં, રસોઈ બનાવવી, મંદિરમાં કામ કરવું, પૂજા કરવી, હિસાબ રાખવા, વ્યાખ્યાનો આપવાં, વગેરે બધાં જ કાર્યોમાં નિપુણ થવું જરૂરી છે. અહીં આ લોકો પાસે આ સઘળું કામ કરાવી લઉં છું અને કેટલુંય સારુંનરસું કહું પણ છું – તેમના જ ભલા માટે. મારા મનમાં કોઈ પ્રત્યે જરા પણ ક્રોધ નથી. આ બધાને હું કેટલો પ્રેમ કરું છું!’ બ્રહ્મચારીઓની સામે જોઈને કહેતા, ‘તમને બધાંને હું ખૂબ વઢું છું એટલે તમારે કોઈએ ખરાબ ન લગાડવું.’ અને તેઓ ખરાબ લગાડતાય નહિ. કેમ કે થોડાક જ દિવસોમાં એમના સાંનિધ્યને પરિણામે એમને પ્રેમાનંદની ક્ષણિક કઠોરતાની પાછળ એક ચિર-સ્નેહપૂર્ણ હૃદય દેખાતું અને તેઓ સમજી જતા કે, એ જ તેમનું સાચું સ્વરૂપ છે.

માતાજી પ્રત્યે અસીમ શ્રદ્ધા-ભક્તિ એ સ્વામી પ્રેમાનંદના વ્યક્તિત્વની આગવી વિશિષ્ટતા હતી. માની અનુમતિ લીધા વગર તેઓ કોઈ પણ વિશેષ કાર્ય હાથ ધરતા નહિ. અને માના આદેશ પર તેઓ પોતાનો મત છોડી દેવા પણ હંમેશાં તત્પર રહેતા. એક પત્રમાં તેઓ મા વિશે લખે છે : ‘શ્રી માતાજી માનવદેહધારિણી હોવા છતાં પણ વાસ્તવમાં એમનું શરીર અલૌકિક દિવ્ય છે. જીવોના કલ્યાણ માટે મનુષ્યની માફક તેઓ લીલા કરી રહ્યાં છે.’ વળી તેઓ એમ પણ કહ્યા કરતા, ‘માતાજીને જોઈ રહ્યો છું, તેઓ ઠાકુરથી પણ મોટો આધાર છે. તેઓ તો શક્તિસ્વરૂપિણી છે. એમનામાં ભાવ છુપાવવાની કેટલી બધી ક્ષમતા છે! ઠાકુર પ્રયત્ન કરવા છતાં પણ છુપાવી શકતા ન હતા. તેમનો ભાવ બહાર પ્રગટ થઈ જ જતો. માતાજીને ભાવસમાધિ થાય છે, પણ તેઓ તો કોઈને ખબર પણ પડવા દેતાં નથી.’…

(‘ભક્તમાલિકા’- ભાગ: ૧,પૃ.૧૪૦,૧૪૨-૪૩,૧૫૧-૫૨)

Total Views: 15
By Published On: September 6, 2022Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram