ગયા માસના સંપાદકીય લેખમાં સ્વામી વિવેકાનંદના અમર અને મહાન વારસા વિશે ચર્ચા કરી હતી. સ્વામી વિવેકાનંદ વેદોને સનાતનહિંદુ ધર્મની સામાન્ય આધારશીલા રૂપે પુન:સ્થાપિત કરવા માગતા હતા. આ ભગીરથકાર્યને સિદ્ધ કરવા માટે એમણે જે જે સંઘર્ષોનો સામનો કર્યો તેનાં લેખાંજોખાંની સંક્ષેપમાં માહિતી આપવાનો પ્રયત્ન કરીશું. સ્વામીજી પોતાની જાતને પ્રાચીન વૈદિક ઋષિઓના વારસાની ભૂમિ ભારતવર્ષનું એક સંતાન ગણતા હતા. તેઓ પોતાના અભિગમમાં આધુનિક હતા, એટલે એ વેદકાલીન દિવસો પ્રાચીન ભારતના એ વનવાસી ઋષિઓનાં જીવનને આધુનિક સમાજમાં લાવવામાં તેઓ બીજા ગણ્યાગાંઠ્યા રૂઢિવાદી હિંદુઓ કરતાં વધુ સફળ થયા હતા. વાસ્તવિક રીતે તો તેઓ ક્યારેક પેલા પ્રાચીન ઋષિઓની જેમ ફરીથી અવતરેલા હોય એવું લાગતું. પેલા પ્રાચીન વૈદિક સત્યજ્ઞાનનું શિક્ષણ એટલે એમનું જીવન. વનસ્થલિમાં એકઠા થયેલા અને અંતિમ સત્ય વિશે પ્રશ્નો પૂછતા પ્રાચીન પવિત્ર ઋષિઓને સ્વપ્નમાં કે આર્ષદર્શનમાં જોતા. આ ઋષિઓમાંના એક યુવાઋષિએ પયગંબરી ભાષામાં ઉત્તર આપતાં કહ્યું: ‘અરે ઓ અમૃતનાં સંતાનો! વધુ ઉચ્ચતર ભૂમિ પર વસતાં તમે સૌ! મેં એવા એક પ્રાચીનતર સત્યને જાણ્યું છે જેને જાણીને તમે સૌ આ વારંવારની મૃત્યુ પરંપરામાંથી બચી શકશો.’

વરાહનગરના મઠના દિવસોમાં આજની પશ્ચિમની જીવનરીતિ અને વિચારોના શિક્ષણના રંગે રંગાયેલ આધુનિક પેઢીના હિંદુઓને તેઓ શ્રીરામકૃષ્ણદેવના મહાન જીવન-સંદેશના ઐતિહાસિક મહત્ત્વની વાત કહેતા. તેઓ એ વાત ભાર દઈને કહેતા કે શ્રીરામકૃષ્ણદેવના જીવન-સંદેશે એક અનંત ઊર્જાની દીવાદાંડી રચી છે. એના દ્વારા વેદો અને વેદાંતને જીવનવ્યવહારમાં સાચી રીતે ઉતારવાનું મહત્ત્વ લોકો સમજી શકશે. સ્વામીજી તેમને કહેતા : ‘એવો સમય આવશે કે જ્યારે હિંદુધર્મને પુન:હિંદુત્વ તરફ લઈ જવામાં અને સનાતનહિંદુધર્મનાં અત્યંત આવશ્યક તત્ત્વોને, સત્યોને એક પરિપૂર્ણ આકાર આપીને એકત્રિત કરવામાં શ્રીરામકૃષ્ણદેવે કેવો મહત્ત્વનો ભાગ ભજવ્યો છે એ તમે જોઈ શકશો.’ ૧૮૮૮ના પ્રારંભમાં પોતાના ઉત્તરભારતના પ્રથમ પરિભ્રમણ પછી વરાહનગર મઠમાં પાછા ફરીને પોતાના ગુરુબંધુઓના મનમાં આ પરિવ્રાજક અવસ્થા દરમિયાન મેળવેલા મહાન વિચારોને ઠાંસીને ભરી દીધા. તેમણે પોતાના ગુરુબંધુઓની સંકલ્પનાઓને વધુ વિસ્તૃત બનાવી અને આપણા દેશના પ્રાચીન વેદો અને આધ્યાત્મિક સંસ્કૃતિના પુનરુત્થાનના કાર્યમાં દિવસો સુધી રસપૂર્વક લાગી જવા માટે સ્પષ્ટ સૂચના આપી. એમના મનમાં રહેલ પ્રાંતીય ભાવનાને દૂર કરવાનો અને હિંદુસ્તાનના આ જુદા જુદા ભાગોને એક અવિભાજ્ય એકમ રૂપે માનવાની પ્રેરણા આપવા પ્રયત્નો કર્યા હતા. આ અખંડ વારસાનો એકતા પ્રેરતો જુસ્સો હતો વેદોનો અને ઉપનિષદોનો. એમાં રહેલાં વેદ અને ઉપનિષદનાં આ વૈશ્વિક અને ઇન્દ્રિયાતીત ઉચ્ચતર દર્શનો માનવમનને વિશાળ અને અદ્‌ભુત દૃષ્ટિકોણ આપવા માટે પ્રેરશે. તેમણે કહ્યું હતું કે સનાતન વેદોના મૂર્તિમંત રૂપ શ્રીરામકૃષ્ણના સંદેશ દ્વારા ભારત એક અને અખંડ બનશે. જીવન તરફનો આ દૃષ્ટિકોણ અને એને અનુકૂળ મનની તાલીમ એક જ્ઞાતિ કે એક પ્રાંતને અલગ અલગ કરી મૂકતાં બંધનોને તોડીને તેમની વચ્ચે સેતુ રૂપ બની શકશે. તે સમયે પોતાની ચુસ્ત રૂઢિચુસ્તતાને લીધે હિંદુધર્મમાં જ્ઞાતિ – જ્ઞાતિની વચ્ચે અને પ્રાંત-પ્રાંતની વચ્ચે ન દૂર કરી શકાય તેવાં બંધનો હતાં.

૧૮૯૦માં પોતાની હિમાલયની યાત્રામાં સ્વામીજીએ પોતાના ગુરુબંધુ સ્વામી અખંડાનંદજીને સાથે લીધા. અને તેઓ શ્રીનગર-ગઢવાલના વિસ્તારમાં અલકનંદાના કિનારે એક ઝૂંપડીમાં રહ્યા. માધુકરીથી પોતાનું જીવનયાપન કરીને તેમણે વેદ, ઉપનિષદોનું વાચન કરવામાં સારો એવો સમય ગાળ્યો. તેમણે માત્ર ઉપનિષદો અને વેદોનું વાચન-મનન કર્યું એટલું જ નહિ પણ એ વિચારો, એ સંદેશ અને તેના અર્થ સુસ્પષ્ટ થાય ત્યાં સુધી ધ્યાનચિંતન પણ કર્યું. શ્રીનગરમાં હતા ત્યારે તેઓ એક શાળાના શિક્ષકને મળ્યા. તેઓ વૈશ્ય હતા અને તાજેતરમાં જ ધર્મપરિવર્તન કરીને ખ્રિસ્તી બન્યા હતા. સ્વામીજીએ તેમને વૈદિકધર્મની ભવ્યતા અને ગૌરવગરિમાની વાતો કરી, પરિણામે સનાતનધર્મની આ ભવ્યતા અને ગૌરવગરિમાને ત્યજી દેવા માટે તેને ઘણો પશ્ચાત્તાપ થયો અને ફરી પાછા સનાતનહિંદુધર્મમાં આવવા ઝંખના કરવા લાગ્યા.

૧૮૯૧-૯૨માં પોરબંદરના દીવાન શંકર પાંડુરંગ પંડિતના ઘરે ઘણા સપ્તાહ સુધી મહેમાન બન્યા. શંકર પાંડુરંગ પંડિત એક ભાષાશાસ્ત્રી અને વૈદિક શાસ્ત્રોના મહાન વિદ્વાન હતા. સ્વામીજીએ કહ્યું કે સમગ્ર ભારતભરમાં તેમણે આ શંકર પાંડુરંગ પંડિત જેવા વૈદિક શાસ્ત્રોના જ્ઞાતા જોયા નથી. સાયણાચાર્યની અથર્વવેદ પરની ટીકા લભ્ય ન હોવાથી એ ટીકા એમણે પોતે વિવિધ હસ્તપ્રતોના આધારે રચી કાઢી. શંકર પાંડુરંગ પંડિતે જ્યારે સ્વામીજીને પોતાના આ મહાન કાર્યમાં મદદ કરવા માટે વિનંતી કરી ત્યારે સ્વામીજી ત્યાં થોડા મહિનાઓ સુધી રહ્યા અને વેદોના વિવિધ અર્થઘટનોમાં એમને રસ પડ્યો. એમને વેદોમાં રહેલા વિચારોની મહાન મહત્તાનો ખ્યાલ આવ્યો. સ્વામીજી તેમની સાથે સંસ્કૃતમાં વાતચીત કરતા. અને થોડા જ સમયમાં તેઓ નિપુણ બની ગયા. અહીં તેમણે પાણિનીના વ્યાકરણ પરની પતંજલિની ટીકા, મહાભાષ્યનું અધ્યયન કર્યું. જેમ જેમ તેઓ વેદોનો વધુ ને વધુ અભ્યાસ કરતા ગયા તેમ તેમ પ્રાચીન આર્યઋષિઓએ વિચારેલા તત્ત્વજ્ઞાન પર વધુ ને વધુ મુગ્ધ થતા ગયા. તેમને એ બાબતની વધુ ખાતરી થઈ કે સાચી રીતે ભારત બધા ધર્મોની જનની છે, બધી સંસ્કૃતિઓનું પારણું છે અને બધી આધ્યાત્મિકતાઓનો મૂળસ્રોત છે. પરંતુ તેના આત્માને એનો મોટો રંજ હતો કે આ બધી ભવ્યતા અને ગૌરવગરિમા અજ્ઞાનતાના પડ હેઠળ દબાઈ ગઈ છે અને કરોડો ભારતવાસીઓ એનાથી અજ્ઞાત છે. તેને એ પણ ખ્યાલ આવ્યો કે સદીઓની વિદેશી શાસન અને સંસ્કૃતિના આક્રમણોની હારમાળાઓએ આ જાતિની સંસ્કૃતિને લોકોનાં ચક્ષુઓમાંથી જાણે કે લુપ્ત કરી દીધી. ઘણા પંડિતો કે જેમણે આ સંસ્કૃતિના રખેવાળો બનવાની જરૂર હતી તેઓ સંસ્કૃત વ્યાકરણ અને તત્ત્વજ્ઞાનની માત્ર કોરી વાતો કરનારા બની ગયા હતા. આ સંસ્કૃતિના સાચા મર્મ કે બળ-શક્તિને જાણવાની પરવા ન કરી. પ્રાચીન મેધાવી અને આધ્યાત્મિકતાને વરેલા ઋષિસંશોધકોની શોધનાના ફળ રૂપે મળેલી ભૂતકાળની સંસ્કૃતિમાં સાધના અને અનુભૂતિથી પોતાની રીતે કંઈક ઉમેરો કરવાની ભાવના કેળવ્યા વિના તેઓ આ સંસ્કૃતિના વાજાની રેકર્ડ જેવા બની ગયા. વિશ્વની બીજી સંસ્કૃતિઓ કરતા આપણી પ્રાચીન વૈદિક સંસ્કૃતિ હજારો વર્ષ પછી પણ આજે જીવંત રહી છે, બચી ગઈ છે. આ સંસ્કૃતિના ટકી રહેવાનું મૂળ કારણ એ છે કે મહાન આધ્યાત્મિક પ્રતિભાઓએ સમયે સમયે અવતરીને પોતાના આધ્યાત્મિક વિચારોના જીવંત ખજાના સમી સાધનાના તપોબળથી સતતપણે આ સંસ્કૃતિ પરિપૂર્ણ થતી રહી છે અને સમૃદ્ધ બનતી રહી છે.

પોતાના પોરબંદરના રોકાણ પછી મુંબઈના સુખ્યાત બેરિસ્ટર શ્રીરામદાસ છબિલદાસના ઘરે વિશાળ પુસ્તકાલયમાં વેદાધ્યયનને આગળ ધપાવ્યું. ત્યાં જોયેલા સ્વામીજીનું વર્ણન સ્વામી અભેદાનંદજી આ રીતે કરે છે : અગ્નિથી પ્રજ્વળતા આત્માવાળા, લાગણીઓની યાતનાઓથી ભરેલા, એવા સ્વામીજી નૈતિક રીતે વેદોની આધ્યાત્મિક અનભિજ્ઞતાથી ભરેલા, અધ:પતન પામેલા હિંદુજનસમૂહમાં ફરીથી વેદોને પુન:સ્થાપિત કરવાના વિચારોના પ્રવાહપૂરથી ભરપૂર ભરેલા હતા. ત્યાંથી તેઓ પૂના ગયા. અહીં તેઓ સુખ્યાત વૈદિક વિજ્ઞાન અને રાષ્ટ્રિય ચળવળના નેતા બાળ ગંગાધર ટિળકને મળ્યા. તેમણે બાલ ગંગાધર ટિળકને આધ્યાત્મિકતાના રાહે ચાલીને રાષ્ટ્રના પુનરુત્થાનની પ્રેરણા પોતાની રીતે આપી.

પછી ૧૮૯૨ના ડિસેમ્બરમાં કન્યાકુમારીની એ એક છેલ્લી અને એકાકી શિલા પર ધ્યાનાવસ્થામાં બેસીને મનપ્રાણથી એક અદ્‌ભુત દર્શન જોયું. ભારતના ખૂણે ખૂણે કરેલી પોતાની પરિવ્રજ્યા દરમિયાન તેમણે ભારતના વિશાળ જનસમૂહ જેમાં માત્ર ગરીબ અને તવંગર, ઉચ્ચ અને નિમ્નને જ જોયા ન હતા પરંતુ તેની સાથે ને સાથે મહાન સંન્યાસીઓનાં ત્યાગવૈરાગ્ય, સામાન્ય માનવીઓના અતિઉચ્ચ ભાવનાવાળી હૃદયની ઉદારતા, તેમનાં જીવન, તેમનાં આશા-અરમાનો, તેમનાં દુ:ખકષ્ટો, તેમની ગરીબાઈ, તેમનાં અધ:પતન અને આ બધાંથી યે સૌથી વધુ ભયંકર પોતાના મહાન અને અમર વારસા વિશેની તેમની ઘોર અજ્ઞાનતા વગેરેને પણ જોયાં. પોતાના આ ઋષિદર્શને તેમને પશ્ચિમમાં જવા માટે ઈશારો કરી દીધો. અંતે એમને પોતાનું જીવનધ્યેય લાધ્યું. તેમણે મનોમન કહ્યું: ‘ભારતના કલ્યાણ માટે મારે પશ્ચિમમાં અને વિશ્વમાં વૈદિકધર્મના પ્રકાશને પાથરવા જવું જોઈએ. અને હા, વ્યવહારુ, સમૃદ્ધ અને શક્તિશાળી પશ્ચિમે સાચી રીતે સનાતન વૈદિકધર્મનાં દર્શન, ગૌરવગરિમા તથા તેની સર્વવ્યાપકતાને સમજવી પડશે અને સ્વીકારવી પડશે. પૂર્વની આ મહાન આધ્યાત્મિક સંસ્કૃતિની પશ્ચિમના જગતની સ્વીકૃતિ અને સમજણ જોયા પછી આપણે પોતે ચેતના રેડતી અને પુન:ભૂત થતી આપણી મહાનતાની આત્માનુભૂતિ અનુભવવી પડશે. વૈદિકધર્મ ખાતર, ભારતના દરિદ્રજનો ખાતર, આપણા ભારતવર્ષને સદૈવ જીવંત રાખવા માટે હું પશ્ચિમમાં જઈશ કે જેથી ભારતના ગરીબો અને અજ્ઞાનીઓની ઉન્નતિ કરવા માટે હું કેટલાક સાધનો અને ઉપાયો શોધી કાઢીશ અને આપણા પ્રાચીન ભારતીયવૈદિક અનુભૂતિઓ અને દર્શનોની પ્રતીતિ પશ્ચિમના દેશોમાં કરાવીશ.’

કન્યાકુમારીમાં પોતાની અનુભૂતિ પછી મદ્રાસમાં વૈદિકધર્મના પાશ્ચાત્ય દેશોમાં ઉપદેશ અને પ્રચારપ્રસાર માટે તેમજ ભારતના જનસમૂહની ઉન્નતિનો ઉપાય એ વિશે તેમણે હૃદયપૂર્વકના ઉદ્‌ગારો કાઢ્યા હતા. ૧૮૯૩ના ફેબ્રુઆરીની ૧૩મીની સવારે હૈદ્રાબાદના પ્રધાનમંત્રી, મહારાજા અને પેશકરે અને ત્યાંના ઉપસ્થિત સદ્‌ગૃહસ્થોએ સ્વામીજીની વૈદિકધર્મના પશ્ચિમના દેશોમાં પ્રચારપ્રસારની પરિકલ્પનાને સહાય આપવા વચન આપ્યું. ત્યાંની મહેબૂબ કોલેજમાં એ જ દિવસે બપોરે આપેલા વ્યાખ્યાન – My Mission to the West – આપ્યું હતું. આ વ્યાખ્યાનમાં ઘણા યુરોપવાસીઓ અને હજારેક જેટલા અગ્રણી નગરજનો ઉપસ્થિત હતા. એમના વક્તવ્યમાંથી શ્રોતાઓને આશ્ચર્યકારક અને પ્રેરણાદાયી વિચારો અને નવી પરિકલ્પનાઓ સાંપડી. એમનું પોતાનું વક્તવ્ય ઉચ્ચતમ કક્ષાનું હતું. અંગ્રેજી ભાષા, પોતાની વિદ્વતા, પોતાની અદ્‌ભુત અભિવ્યક્તિની છટા અને પ્રભાવક વક્તવ્યથી સૌને પ્રભાવિત કરી દીધા હતા. સ્વામીજીએ સનાતન વૈદિકધર્મની ગુણવત્તાની, હિંદુસંસ્કૃતિની મહાનતાની, તેના સૌથી વધુ તેજસ્વી અને વર્ચસ્વવાળા સમયની તેમજ વૈદિક અને વૈદિકકાળ પછીના શિક્ષણસંદેશની રૂપરેખા આપી હતી. તેમણે વૈદિકઋષિઓને મહાન નીતિનિયમો આપનાર આપણા સનાતન શાસ્ત્રોના રચયિતા રૂપે વર્ણવ્યા. અને એ પણ બતાવ્યું કે પછીના કાળમાં પુરાણોએ કેટલાંક નૈતિક વિચારોને પોતાની પુરાણકથાઓ અને અમરકથાઓ દ્વારા ઘડી કાઢ્યા છે. 

૧૮૯૬ના ઓક્ટોબરની ૩૧મી તારીખે ‘Light’ નામના સામયિકે પશ્ચિમમાં વેદો વિશેના એમણે આપેલા વ્યાખ્યાન વિશે આ પ્રમાણે લખ્યું છે: ‘અમે સ્વામી વિવેકાનંદની એક ચર્ચા સાંભળી, એનો મુખ્ય વિષય હતો વેદ. પરંતુ તેઓ ઉત્ક્રાંતિ, અર્વાચીન વિજ્ઞાન, આદર્શવાદ અને વાસ્તવિકતા તેમજ સમગ્રપણે આત્માની સર્વોચ્ચતા વિશે પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. અમને સ્પષ્ટપણે ખ્યાલ આવ્યો કે આ પ્રખર વક્તા વૈશ્વિક ધર્મ, આધ્યાત્મિક ઉન્નતિ અને આધ્યાત્મિક સમભાવના મહાન ઉપદેશક છે. વેદમાંથી કેટલાંક ઉદ્ધરણો કે જેનું સુંદર મજાનું ભાષાંતર અને સાચી માનવતા અને ઇન્દ્રિયાતીત અને ઇહલોકથી પર એવી સત્યાનુભૂતિવાળાં તેમનાં ગાન ઘણા આકર્ષક હતાં. એકવાર સાંભળનારને ફરીથી તેનું ગાન સાંભળવાની ઝંખના થાય તેવું હતું તે ગાન. એક અનન્ય અને મજાની વાત તો એ હતી કે સ્વામીજીએ સ્વીકાર્યું હતું કે વેદોમાં ઘણી કહેવાતી વિરોધાભાસી વાતો હતી અને હિંદુઓએ આ હકીકતનો ઇન્કાર કરવામાં કે એને છૂપાવવાનો ક્યારેય વિચાર પણ કર્યો નથી. દરેકેદરેક માનવને પોતાની ઇચ્છા અને પ્રકૃતિ પ્રમાણેના સત્યપથને સ્વીકારવાની સ્વતંત્રતા હતી. એટલે જ હિંદુઓ વિવિધ તબક્કાઓમાં તેમજ બાબતોમાં સાચા હતા અને સૌથી વધુ સહિષ્ણુ હતા. તેમણે ક્યારેય કોઈને ફાંસીએ ચડાવ્યા નથી. વેદોમાં દેખાતો વિરોધાભાસ એ આપણા જીવનમાં દેખાતા વિરોધાભાસ જેવો છે. એ વાસ્તવિક અને સાચો પણ છે. આ છે હિંદુ ઉદારમતવાદીતાનું રહસ્ય.

ભારતમાં પાછા ફરવાના ઘણા મહિના પહેલાં સ્વામીજી જ્યારે ડેટ્રોઈટમાં ખ્રિસ્તીઓના શ્રોતાસમૂહ સમક્ષ હિંદુ ધર્મની રજૂઆત કરવામાં એમને પડેલી મુશ્કેલીઓની વાત એમના અમેરિકાના કેટલાક શિષ્યો સાથે કરતા હતા. તેઓ કહેતા હતા કે પશ્ચિમમાં ભારતના વિશ્વને આધ્યાત્મિક અને બૌદ્ધિક પ્રદાન વિશે એક મહાન સન્માનની ભાવના જગાડવામાં એમણે ઘણું ઘણું કર્યું છે અને પોતાની જાત ઘસી છે. જ્યારે બોલતા હતા ત્યારે એકાએક એમનો દેહ લાગણીથી ધ્રૂજી ઊઠ્યો અને તેઓ મોટેથી બોલી ઊઠ્યા : ‘ભારતે મને સાંભળવો જ પડશે. હું ભારતને તેની આધારભૂમિ સાથે હચમચાવી મૂકીશ. તેની રાષ્ટ્રિય ધોરી નસોમાં હું વિદ્યુતપ્રવાહ વહેતો કરીશ. થોભો! તમે તમારી નજરે જોશો કે ભારત મારું કેવું અભિવાદન કરે છે! તે ભારતવર્ષ જ છે, મારો પોતાનો દેશ – ભારત! મેં જે કંઈ અહીં મુક્ત મને આપ્યું છે અને મારું જીવનરક્ત રેડીને આપ્યું છે, વેદાંતની ભાવનાથી જે કંઈ આપ્યું છે તેને કેવી રીતે હૃદયપૂર્વક પ્રશંસવો તે વાત આ ભારતવર્ષ બરાબર જાણે છે. ભારત મને એક વિજયી સન્માન આપશે.’ આપણે એ વાત જોવાના છીએ કે એમના ધગધગતા અંગારા જેવા શબ્દો પયગંબરીવાણી જેવા હતા. જેમણે એમને સાંભળ્યા છે તેઓએ અનુભવ્યું હતું કે તેઓ પોતાની આ ઓળખ કે સ્વીકાર તેઓ પોતાના માટે ઝંખતા ન હતા. તેઓ તો સ્વીકાર અને ઓળખ ઝંખતા હતા વેદ અને વેદાંતના વચનામૃતોની, ભારતના કર્ણામૃતોની કે જે સ્વામીજીની લાગણી પ્રમાણે બધાં રાષ્ટ્રોનું વચનામૃત બની જવું જોઈએ.

૧૩ ફેબ્રુઆરી (શનિવાર)ની સાંજે સ્વામીજીએ પચૈયાપ્પા હોલમાં એકઠા થયેલા વિશાળ સભાજનોને સંબોધ્યા હતા. વિષય હતો વેદાંત અને ભારતીય જીવનમાં તેનું અનુશીલન. તેમણે કહ્યું કે હિંદુધર્મ એ વિવિધધર્મોનો, વિવિધ વિચારોનો, વિવિધ વિધિવિધાનો અને સ્વરૂપોનો સમૂહમેળો છે. આ બધાં તત્ત્વો એકી સાથે કોઈ નામ, ચર્ચ, કે સંસ્થા વિના સાથે મળ્યાં છે. આ બધા સંપ્રદાયો એક જ વિષય પર સહમત છે કે તેઓ બધા વેદોમાં શ્રદ્ધા ધરાવે છે. જે માનવ વેદોની સર્વોપરિસત્તાને સ્વીકારતો નથી તે હિંદુના નામે ઓળખી-જાણી ન શકાય.

ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં વેદોનું સ્થાન નિતાંત ગૌરવપૂર્ણ છે. શ્રુતિની દૃઢ આધારશિલા ઉપર ભારતીય ધર્મ તથા સભ્યતાનો ભવ્ય અને વિશાળ પ્રાસાદ પ્રતિષ્ઠિત છે. હિંદુઓનાં આચાર-વિચાર, રહેણી-કરણી, ધર્મ-કર્મને યોગ્ય રીતે સમજવા વેદોનું જ્ઞાન વિશેષ આવશ્યક છે. મનુના કથનાનુસાર વેદ, પિતૃગણ, દેવતા તથા મનુષ્યોનાં સનાતન, સર્વદા વિદ્યમાન રહેનારાં ચક્ષુ છે. લૌકિક વસ્તુઓના સાક્ષાત્કાર માટે જે રીતે ચક્ષુની ઉપયોગિતા છે તેવી રીતે અલૌકિક તત્ત્વોનું રહસ્ય જાણવા વેદની ઉપાદેયતા છે. ઈષ્ટપ્રાપ્તિ તથા અનિષ્ટનિવારણના અલૌકિક ઉપાયને બતાવનાર ગ્રંથ વેદ જ છે. વેદનું ‘વેદત્વ’ એમાં છે કે તે પ્રત્યક્ષ કે અનુમાન દ્વારા દુર્બોધ તથા અજ્ઞેય ઉપાયનું જ્ઞાન સ્વયં કરાવે છે.

કાળક્રમથી અત્યંત અતીતકાળમાં નિર્મિત કોઈ ગ્રંથનો આશય પછીની પેઢીઓ માટે સમજવો એ એક અત્યંત દુષ્કર વ્યાપાર છે. જો પ્રાચીનતા સાથે ભાવોની ગહનતા તથા ભાષાની કઠિનતા આવી જાય તો એ સમસ્યા વધુ વિષય બની જાય છે. વેદોના અર્થાનુશીલનની બાબતમાં આ કથન અત્યંત ઉપયુક્ત નિવડે છે. એક તો તે પોતે કોઈ ધૂંધળા અતીતકાળની કૃતિ છે અને વળી તેમાં ભાષાની વિષમતા તથા વિચારધારાની ગંભીરતાએ પોતાનું વર્ચસ્વ જમાવી દીધું છે. પરિણામ એ આવ્યું કે એમના અર્થની ઉચિતમાત્રામાં પર્યાલોચના કરવી, તેમના અંતસ્તલ સુધી પહોંચીને તેમના મર્મની ગવેષણા કરવી એક દુર્બોધ્ય સમસ્યા બની ગઈ છે. પરંતુ, આ સમસ્યાના ઉકેલ માટે પ્રશંસનીય પ્રવૃત્તિ પ્રાચીનકાળથી જ ચાલતી આવી છે. યાસ્કથી માંડીને સાયણાચાર્ય અને અન્ય પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક વિદ્વાનોએ પરિશ્રમપૂર્વક વેદ પર ભાષ્યો લખ્યાં છે, તેમનાં મર્મગ્રાહી અર્થઘટનો પણ કરવાનો વિનમ્ર પ્રયાસ કર્યો છે. સ્વામી વિવેકાનંદના વારસા રૂપે મળેલ એમની ગ્રંથમાળામાં આપણને આવું જ એક નવું વચનામૃત, આશા અને મુક્તિનો સંદેશ અને વેદોની સર્વવ્યાપક અને ગહન તેમજ જીવંત ટીકા આપણને સાંપડે છે. હવે પછીના સંપાદકીય લેખોમાં યાસ્કથી માંડીને આજ સુધીના વેદના અર્થઘટનો કરનારા પ્રયાસોને ઐતિહાસિક દૃષ્ટિએ નિહાળવાનો પ્રયાસ કરીશું.

Total Views: 21
By Published On: September 6, 2022Categories: Nikhileswarananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram