એક મહાન ગુરુ કે આચાર્યના સ્પર્શ માત્રથી આપણામાં એવી મહાન ઊર્જાઓ અને શક્તિઓ વ્યક્ત થવાની શરૂ થઈ જાય છે કે જેના અસ્તિત્વને આપણે પહેલેથી જાણતા ન હતા. ‘ન એતત્‌ ત્વયિ ઉપપદ્યતે – આ તને શોભતું નથી.’ આ શબ્દો દ્વારા શ્રીકૃષ્ણે એ જાદુઈ સ્પર્શ આપ્યો. આ સુપ્રસિદ્ધ વાક્યાંશમાં જે ભાવ રહેલો છે તે ભાવ મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ પ્રત્યેક વ્યક્તિમાં વધુ ઊંચે ને ઊંચે જવા માટે અને પોતાની ભીતરની શક્તિના નવા નવા સ્રોતો પ્રાપ્ત કરવાની પ્રેરણા જાગ્રત કરે છે. આ પ્રેરણાનું શૈક્ષણિક દૃષ્ટિએ પરમ મહત્ત્વ છે. કેવી રીતે એક અન્ય વ્યક્તિને મદદ કરી શકાય, કેવી રીતે તેને પોતાના પગ પર ઊભા રહેવા માટે સક્ષમ બનાવી શકાય – આ એક મહાન શૈક્ષણિક સમસ્યા છે. એ વ્યક્તિને ઉચ્ચતર સ્તરે લઈ જવા માટે અને તેના પોતાનાં જીવન તથા શક્તિનો વિકાસ કરવા માટે ઉપાયો તથા સાધનોનો વિકાસ કરવાનું કાર્ય કેવી રીતે હાથ ધરી શકાય? આ બૃહત્તર સંદર્ભે આ વિચાર પણ પ્રાસંગિક બની જાય છે, કારણ કે શ્રીકૃષ્ણની પ્રેરણા એક સર્વસામાન્ય પ્રેરણા છે. એમાં એક સકારાત્મક તત્ત્વ છે. બીજાને યોગ્ય વ્યવહારમાં પ્રવૃત્ત કરવા માટે ભય દેખાડવો એ પ્રાચીનતમ ઉપાય હતો. ભયની આ પ્રેરણા વ્યક્તિના સામાજિક તથા ધાર્મિક ભાવો સાથે જોડાયેલ હતી. પરંતુ, ભયની આ પ્રેરણા ખતરાભરી હતી; એ થોડાઘણા સારાપણાને બદલે તેની સાથે ઘણી બધી બુરાઈ પણ લાવે છે. વ્યક્તિને સદ્‌વ્યવહારમાં પ્રવૃત્ત કરવાના ઉદ્દેશથી પ્રત્યેક ધર્મમાં નરક, ન્યાય વગેરેના સિદ્ધાંતોના રૂપે ભયની આ પ્રેરણા જોવા મળે છે. સ્વર્ગની આશા તથા નરકના ભયથી લોકો ભલાઈ કરે છે અને બુરાઈથી દૂર રહે છે, આ ધર્મની આદિમ ધારણા છે. સામાજિક ક્ષેત્રમાં પણ આપણે જોઈએ છીએ કે લોકો પોલિસ તથા સામાજિક  બહિષ્કારના ભયથી બુરાઈઓમાંથી બચે છે. પરંતુ, આ પ્રેરણાઓ કોઈ એક વ્યક્તિના સર્વોત્તમ ગુણોને વ્યક્ત કરવામાં સહાયક નથી બનતી. એનું કારણ એ છે કે આ માત્ર એક નકારાત્મક રીત છે. આશા તથા ભયની પ્રેરણાની જેમ અહંકારની પણ પ્રેરણા છે. એ પ્રેરણાઓ માનવતાના વિકાસમાં પોતાની ભૂમિકા ભજવી ચૂકી છે. પોતાની કોઈ અવસ્થામાં કદાચ માનવતાને એમની જરૂર રહી હશે. એ વિશે વધારેમાં વધારે આપણે આટલું જ કહી શકીએ છીએ. પરંતુ, સાથે ને સાથે આપણે એમના વિશે એમ પણ કહી શકીએ છીએ કે સાચા આચરણમાં પ્રવૃત્ત કરવા માટેના ઉપલબ્ધ સાધનોમાં ઉપર્યુક્ત પ્રેરણાઓ સર્વોત્તમ નથી. આપણે એને ત્યજી દેવા માટે પણ સક્ષમ થઈ પણ ન શકતા હોઈએ, કારણ કે માનવતા પોતાના વિકાસના વિભિન્ન સ્તરોમાં છે. અધિકાંશ લોકો ભય તથા તેની સાથે જ સુખની આશા પર આધારિત આચરણને જ સમજી શકે છે. પરંતુ જ્યારે આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં આવીએ છીએ અને વ્યક્તિ માટે શું હિતકર છે એ પ્રશ્ન પર આવીએ છીએ ત્યારે આપણે શ્રીકૃષ્ણ દ્વારા અપનાવાયેલ ‘વ્યક્તિના સ્વાભિમાનના ભાવને જગાડવો’ એ જ ઉપાય શ્રેષ્ઠ ઉપાયના રૂપે આપણને સાંપડે છે. બધા સભ્ય પરિવારોમાં બાળકને ભય બતાવીને નહિ પરંતુ તેના એ સ્વાભિમાનને પ્રેરિત કરીને જ તેને વ્યવહાર માટે પ્રભાવિત કરવામાં આવે છે. અસભ્ય સમાજમાં માતાપિતા ભયના સ્રોત રૂપ ભૂતપ્રેત કે અંધકારની પ્રેરણાનો ઉપયોગ કરે છે. પરંતુ આ બધી બાબતોમાં આપણે વ્યક્તિના શિક્ષણ કે વિકાસ માટે પ્રયાસ કરતા નથી, ઊલટાનું સામયિક રૂપે એવાં સાધનો દ્વારા તેના બાહ્યાચરણને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરીએ છીએ જે આંતરિક મનુષ્ય પણ એક કાયમી ડાઘ લગાડી જાય છે. આને લીધે શૈક્ષણિક પ્રેરણાના રૂપે એ સાધનોની નિરર્થકતા સિદ્ધ થઈ જાય છે.

જે રચનાત્મક તથા સકારાત્મક હોય એવી પ્રેરણાને જો આપણે જાગ્રત કરવા ઇચ્છતા હોઈએ અને એ પ્રેરણાઓ વ્યક્તિ માટે પોતાની ક્ષમતાઓના વિકાસ કરવામાં અધિકાધિક સહાયક બને તો એ બધી વ્યક્તિના સ્વાભિમાનની ધારણા પર આધારિત હોવી જોઈએ. ‘તમારું આ આચરણ તમને શોભતું નથી; હું તમારી પાસે એનાથી વધારે વધુ સારા આચરણની આશા રાખું છું; એ એટલું સારું નથી’ એમ જ્યારે આપણે બાળકને કહીએ છીએ ત્યારે આપણે બાળકમાં નિહિત રહેલા સકારાત્મક તત્ત્વને પ્રેરિત કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. એ નકારાત્મક તથા ધ્વંશાત્મક નથી પરંતુ, સકારાત્મક અને રચનાત્મક છે. આધુનિક મનોવિજ્ઞાન આ સમસ્યા પર સારો એવો પ્રકાશ પાડે છે.

આધુનિક વિજ્ઞાન આત્મગૌરવ કે સ્વાભિમાનને ચારિત્ર્યનિર્માણની આધારશિલા માને છે. મેકડૂગલના મત પ્રમાણે આ મુખ્યભાવના છે અને સ્વાભિમાનની એ મુખ્યભાવનાની ચોતરફ સંવેદનાઓ તથા ભાવનાઓના સંઘટનને જ ચારિત્ર્ય કહે છે. સ્વાભિમાનને આધાર બનાવ્યા વિના કોઈ પણ પ્રકારના ચારિત્ર્યનું નિર્માણ કરી શકાતું નથી. મનુષ્યની ભીતર જે કંઈ સ્વાભિમાન છે, એને જો તમે કાઢી નાખો તો તેને તમે ક્યારેક મનુષ્ય નહિ બનાવી શકો કે એના ચારિત્ર્યના વિકાસમાં સહાયક નહિ બની શકો. મનુષ્ય તથા નરપશુમાં કેવળ સ્વાભિમાનનો જ ભેદ છે. સામાજિક અત્યાચાર તથા સામાજિક ઉપેક્ષા દ્વારા સ્વાભિમાનના આ મૂલ્યવાન ગુણને જ નષ્ટ કરી દેવામાં આવ્યો અને એને પરિણામે મનુષ્યને પશુકક્ષાએ પહોંચાડી દીધો છે. એક ગુલામને લો; એનામાં જરાય સ્વાભિમાન રહ્યું નથી, કારણ કે સમાજે નિરંતર અત્યાચાર કરીને તેના એ ગુણને પૂરો કરી નાખ્યો છે. એવી વ્યક્તિમાં આ મૂળભૂત ગુણને પુન: સ્થાપિત કરવો એ એક ઘણી મોટી કઠિન પ્રક્રિયા છે. આ તો એવા જ લોકો દ્વારા થઈ શકે કે જે પોતે જ મુક્ત હોય. ગુલામ જેવા માણસની ભીતર આ ગુણને એટલા માટે ફરીથી જાગ્રત કરી શકાય તેમ છે કે ગુલામ બનતી વખતે તેણે પોતાનું વાસ્તવિક સ્વરૂપ ગુમાવ્યું નથી, પરંતુ માત્ર તેનામાં ખોટો ખ્યાલ ઠસાવી દીધો હતો. એટલે જ એ ગુલામને પોતાના આત્મવિકાસના પ્રથમ ચરણરૂપે સ્વાભિમાનનો વિકાસ કરવો આવશ્યક છે. બીજાના સ્વાભિમાનને સ્પર્શ કરીને આપણે તેને સર્વાધિક હાનિ કરી શકીએ છીએ. તમે ભલે ગમે તે કરો પણ બીજા કોઈના સ્વાભિમાનનો નાશ ન કરો. કારણ કે એના દ્વારા તમે તેના વિનાશનો માર્ગ તૈયાર કરો છો. આ સુક્તિ સમસ્ત સામાજિક સંબંધો માટે એક નિશ્ચિત તથા વિવેકપૂર્ણ માર્ગદર્શક બની શકે છે. દુર્ભાગ્યવશ આ નિયમનું પાલન ઓછું થાય છે અને તેનું ઉલ્લંઘન જ વધારે થાય છે, કારણ કે આ લોકો વિચારોથી અનુપ્રાણિત કર્મ કરવા માટે સમક્ષ નથી. જાણે કે સેવકો માલિકોની નિર્જીવસંપત્તિ હોય એવો વ્યવહાર આપણે માલિકોને સેવકોની સાથે કરતા જોઈએ છીએ. સેવક માલિક માટે કાર્ય તો કરે છે પરંતુ તેણે માલિકને પોતાના અંતરાત્માને વેંચી તો નથી નાખ્યો. માલિક પોતાના અવિવેકને લીધે સેવકના સ્વાભિમાન પર ઘા કરે છે. એટલા માટે સંવેદનશીલ સેવક પોતાના માલિકને ફરિયાદ કરે છે : ‘તમે મને મારી ભલે લો પણ મહેરબાની કરીને મને ગાળ ન કાઢશો. એનું કારણ એ છે કે ગાળ માણસનું સૌથી વધારે સંવેદનશીલ અંગ એવા એના સ્વાભિમાનને સ્પર્શી જાય છે. જો આપણે કોઈ માણસને શિક્ષિત કરવા અને તેનું સાચું ભલું કરવા ઇચ્છતા હોઈએ તો આપણે તેનામાં આ અનમોલ ગુણનું સંરક્ષણ અને તેનો વિકાસ કરવો પડશે. શિક્ષણના આધુનિક સિદ્ધાંત આ સર્વોચ્ચ મનોવૈજ્ઞાનિક તથ્ય પર આધારિત છે.

મનોવિજ્ઞાન ચરિત્રનિર્માણમાં આ મુખ્યભાવના પરમ મહત્ત્વનું વર્ણન કરે છે. પોતાના અવિવેકપૂર્ણ આચરણ દ્વારા બાળકના સ્વાભિમાનનો નાશ કરનારા માતાપિતા કે શિક્ષકો સમાજના શત્રુ છે. આધુનિક સિદ્ધાંત કહે છે કે આપણે બાળકો સાથે આચરણ કરતી વખતે નિર્જીવ પદાર્થો સાથે નહિ પરંતુ કોમળ સપ્રાણ, સજીવ, વ્યક્તિઓ સાથે વર્તાવ કરીએ છીએ. આપણે અણઘડ મન સાથે વર્તીએ છીએ અને આપણે જે કંઈ પણ કરીએ છીએ તેનો તેમના પર પ્રભાવ પડે છે. એટલે એમની દેખરેખ કે કાળજી માટે કુશળ હાથની આવશ્યકતા છે.

એમાં વેદાંતનો પૂરો સાથ રહેલો છે. સ્વામી વિવેકાનંદ આ વાતને પોતાના સ્મરણીય શબ્દોમાં આ રીતે કહે છે : ‘પ્રત્યેક જીવ અવ્યક્ત બ્રહ્મ છે. બાહ્ય તથા આંતરિક પ્રકૃતિના નિયમનથી પોતાની ભીતર રહેલા આ બ્રહ્મત્વને વ્યક્ત કરવું એ જ જીવનનું લક્ષ્ય છે. કર્મ, ભક્તિ, મનસંયમ કે જ્ઞાન; આમાંથી કોઈ પણ એક કે વધારે  કે બધા ઉપાયોની સહાય લઈને એ બ્રહ્મત્વને પ્રાપ્ત કરો અને મુક્ત બની જાઓ. આ ધર્મનું સારસર્વસ્વ છે. મત, અનુષ્ઠાન પદ્ધતિ, શાસ્ત્ર, મંદિર અથવા બાહ્ય ક્રિયાકલાપ તો તેના ગૌણ ઉપકરણો જ છે.’ વ્યક્તિની સાથે વર્તન કરતી વખતે આપણે શક્તિના વિશાળ-વિપુલ ખજાના સાથે વર્તન કરી રહ્યા છીએ, જે વર્તમાનમાં સુષુપ્ત પડ્યો છે; પણ ઉપયુક્ત પ્રશિક્ષણ દ્વારા એ એક વિશાળ પૂરપ્રવાહમાં પરિણત થઈ શકે છે. જે સારા પ્રમાણમાં પ્રશિક્ષિત છે તે એક સબળ વ્યક્તિત્વ બને છે, પરંતુ જે બરાબર પ્રશિક્ષિત નથી તે એક સંકીર્ણ વ્યક્તિત્વ બની જાય છે.

શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને અપાયેલ – ‘ન એતત્‌ ત્વયિ ઉપપદ્યતે – આ તને શોભતું નથી’ – આ પ્રબોધનમાં પેલી મહાન મનોવૈજ્ઞાનિક પ્રેરણા છુપાયેલી છે. દુનિયાને તો ખ્યાલ હતો જ કે અર્જુન કોણ છે – એ એવો પુરુષ છે કે જેણે અનેક યુદ્ધોમાં વિજય પ્રાપ્ત કર્યો છે. શું એણે ભય તથા હતાશાનો શિકાર બનવું જોઈએ? શું એણે કઠિન પરિસ્થિતિઓના પડકાર સમક્ષ પોતાની જન્મજાત શક્તિ તથા પૂર્ણતાને વધારેમાં વધારે વ્યક્ત કરીને વીરતા સાથે (યુદ્ધ માટે) તત્પર ન થઈ જવું જોઈએ? જીવનના કઠોર વિદ્યાલયનું આ જ સાચું શિક્ષણ છે. અને આ ગૂઢ શૈક્ષણિક પ્રક્રિયામાં શ્રીકૃષ્ણ અર્જુનના માર્ગદર્શક છે. આ શિક્ષણ ગહનદર્શન પર આધારિત છે. અહીં વેદાંત અને આધુનિક શૈક્ષણિક સિદ્ધાંતો વચ્ચે પૂર્ણ સામંજસ્ય છે. બીજા અધ્યાયના શ્લોકોમાં આ વેદાંતિક ઉપદેશના નૈતિક તાત્પર્યો ઉપર પણ ચર્ચા થશે. વેદાંત માને છે કે જો આપણે પોતાના વાસ્તવિક સ્વરૂપને પ્રગટ કરીએ તો આપણે ક્યારેય અપરાધી કે દુષ્ટ ન બની શકીએ. પાપ કે દુરાચાર આચરતી વખતે આપણે પોતાના શુદ્ધ અને પૂર્ણ સાચાસ્વરૂપને નહિ પરંતુ પોતાના અહંકેન્દ્રિત પ્રાતિભાસિક સ્વરૂપને જ વ્યક્ત કરીએ છીએ. વેદાંત પ્રમાણે નૈતિક આચરણ મનુષ્યના પોતાના સાચા સ્વરૂપની અભિવ્યક્તિ છે. જ્યારે મનુષ્ય પોતાની અંદર રહેલ દિવ્યતાને પ્રગટ કરે છે ત્યારે તે સાચું જીવન જીવે છે. સ્વાર્થ એ આપણું વાસ્તવિક નહિ પરંતુ ઉપરછલ્લું સ્વરૂપ છે. પોતાના આ ઉપરછલ્લા સ્વરૂપને વ્યક્ત કરતી વખતે આપણે આપણા પોતાના વાસ્તવિક સ્વરૂપને વ્યક્ત જ કરતા નથી. જ્યારે હું સાચું જીવન જીવું છું અર્થાત્‌ જ્યારે હું મારા પોતાના સાચા સ્વરૂપને પ્રગટ કરું છું ત્યારે હું પરિપૂર્ણ છું. વેદાંત પ્રમાણે આ જ સર્વોચ્ચ નૈતિકતા છે.

અર્જુનના કાર્યને કર્તવ્યસંબંધી નીતિશાસ્ત્રના સંદર્ભમાં જોવું જોઈએ અને કર્તવ્યના નીતિશાસ્ત્રને સત્યના દર્શનશાસ્ત્રના સંદર્ભમાં જોવું જોઈએ. નીતિશાસ્ત્ર સત્યની સમસ્યા સુધી લઈ જાય છે અને એ જ દર્શન શાસ્ત્ર છે. ગીતાનું દર્શન નીતિશાસ્ત્રનું માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરે છે. આધુનિક કાળમાં અનેક ચિંતકો અમને કહે છે કે નીતિશાસ્ત્રમાં તત્ત્વ – બ્રહ્મનો પ્રશ્ન ન લાવો. પ્રત્યક્ષવાદીઓના કેટલાક સંપ્રદાયો આવું જ કહે છે, પરંતુ આ દેશમાં આપણે સારા એવા સમયકાળ પહેલાં એ વિષય પર ચર્ચા કરીને જાણી લીધું છે કે ચરમપ્રશ્નોને લાવ્યા વિના કોઈ પણ સમસ્યાને પૂરેપૂરી રીતે સમજી શકાતી નથી. જ્યારે કોઈ પણ ક્રિયા વિશે તમે પૂછો છો કે હું એને શું કરું? ત્યારે તમે ચિંતન અને ચર્ચાના વધુ વ્યાપક ક્ષેત્રમાં પ્રવેશ કરો છો. દર્શનશાસ્ત્ર જીવનને તેની પૂર્ણતામાં – સંપૂર્ણતામાં જુએ છે અને ગીતા નીતિશાસ્ત્રને એના જ નિર્દેશનમાં મૂકી દે છે. ગીતાનો બીજો અધ્યાય વ્યક્તિના વાસ્તવિક સ્વરૂપ તથા પરમતત્ત્વના સ્વરૂપ જેવા વિષયો પર ચર્ચા કરે છે અને જ્ઞાન તથા વિવેકના આલોકમાં આચરણ તથા ક્રિયાના સ્વરૂપનું અધ્યયન કરે છે. એ અર્જુનની વર્તમાન સમસ્યાની ચારે બાજુએ કર્મના દર્શન તથા નીતિશાસ્ત્રના એવા તાણાવાણા વણે છે કે જે આગળ જતા બીજા લોકો માટે જીવનની બધી પરિસ્થિતિઓમાં એક માર્ગદર્શક બની જાય છે. આ રીતે બધાને લાગુ પડવું એ દર્શન શાસ્ત્રનું ફળ છે. જો અર્જુનને આપવામાં આવેલી સલાહ ત્યાર પછીનું દર્શન ન હોત તો એ સલાહ બીજાને લાગુ ન પડત. એટલે ગીતાની સલાહ માત્ર અર્જુન માટે નથી એનું કાર્યક્ષેત્ર સાર્વભૌમિક છે – વૈશ્વિક છે; આ જ કારણ છે કે ૪૦૦૦ વર્ષો પછી આજે પણ આપણને એ પ્રેરિત કરે છે. જો એમાં માત્ર વ્યવહારિક પરામર્શન કે માર્ગદર્શન હોત તો એણે બધા લોકોને પ્રેર્યા ન હોત. બહુ બહુ તો એમાં સાહિત્યિક પ્રભાવ હોત પણ દાર્શનિક પ્રેરણા નહિ. પરંતુ જ્યારે તમે સાહિત્યિકને દાર્શનિક સંદર્ભ સાથે જોડી દો છો ત્યારે તે સાર્વભૌમિક બની જાય છે. ગીતાની બાબતમાં શ્રીકૃષ્ણે આવું જ કર્યું છે. ગીતા લોકોના હૃદયમાં વિવેકની લગની જગાડી દે છે અને એમને પોતાને જ પોતાની સમસ્યાનું સમાધાન કરતા કરી મૂકે છે. પછીના એક અધ્યાયમાં શ્રીકૃષ્ણ કહે છે કે તેઓ પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં એક નાનો જ્ઞાનદીપ પ્રગટાવી દે છે. જેના દ્વારા તે સત્યને જુએ છે અને ભૂલભ્રામકતાથી દૂર રહે છે. તેઓ આપણા માટે કોઈ અંતિમ નિર્ણય કરતા નથી. દર્શનશાસ્ત્ર આપણા માટે નિર્ણય નથી લેતું; એ તો કેવળ આપણને માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરે છે. ચોવીસે કલાકની પ્રત્યેક મિનિટમાં આપણે શું કરવું જોઈએ આટલું સ્મૃતિઓ અવશ્ય નિર્ધારિત કરે છે. એ મરણાત્મક બની જાય છે. એ આપણને દાસ અને ગુલામ બનાવી દે છે. દર્શન માનવજાતિના આ બંધનોથી મુક્ત કરે છે. એ કેવળ ઉદ્દીપન પૂરું પાડે છે; તે માર્ગ ખોડવા માટે આપણા હાથમાં એક જ્ઞાનદીવડો પકડાવી દે છે. એનાથી કંઈક વધારે આપવાથી આપણી પોતાની કાર્યમાં પહેલ કરવાની ક્ષમતા નષ્ટ થઈ જાય છે. પરંતુ મનુષ્ય દુર્બળ છે; તે કહે છે, ‘હું તો પૂરેપૂરી સહાયતા ઇચ્છું છું; હું ઇચ્છું છું કે કોઈ મારો હાથ પકડીને મને પહોંચાડી દે’ ત્યારે સ્મૃતિઓનું આગમન થાય છે. એમાં સાચું નીતિશાસ્ત્ર હોતું નથી, પરંતુ પરંપરાગત નીતિશાસ્ત્ર હોય છે. એ મનની એક પ્રકારની જડતા છે જેને પકડી રાખવા માટે કોઈ ને કોઈ સહારાની આવશ્યકતા રહે છે. સાચું દર્શન આપણને અનેક પુસ્તકો કે કઠોર નિયમાવલીથી બોજારૂપ લાગતું નથી. એ તો એક દીપકની જ્યોતિ સમું છે. તે કેવળ વિવેકનું વિતરણ કરે છે. દાર્શનિક માર્ગદર્શન સૌથી વધારે સહજ માર્ગદર્શન છે. દર્શન આપણી પાસે એ અપેક્ષા નથી રાખતું કે આપણે જીવનમાંથી અન્યતત્ત્વોને બહાર કાઢી ફેંકી દઈએ. આપણે અનેક પુસ્તકોની મદદ વિના જ દર્શનને સમજી શકીએ છીએ. કેટલાક લોકો કહે છે, ‘કર્મ તથા ચિંતન એક જ સાથે કરી શકાતાં નથી. જો મારે દર્શન પર વિચારવું હોય તો મારે કર્મને બંધ કરી દેવું પડશે. પરંતુ તમે મને દર્શન તથા કર્મને જોડવા માટે કહી રહ્યા છો. આ વાત અસંભવ છે. ’ શ્રીકૃષ્ણ ઇચ્છે છે કે આપણે દર્શન તથા જીવન બંનેને જોડીએ કારણકે જીવનને જ દર્શનના માર્ગદર્શનની આવશ્યકતા છે. જો આ જીવન રહેશે નહિ તો માર્ગદર્શનની પણ જરૂરત રહેશે નહિ. આપણે આ સમસ્યાનું સમાધાન કેવી રીતે કરીએ? કેટલાક લોકો કહે છે, ‘કર્મ બંધ કરી દો, જીવનને સારી એવી રીતે જમાવી દો, સમૃદ્ધ કરી દો; આ જ સમસ્યાનું શ્રેષ્ઠ સમાધાન છે. સંસારને દૂર કરી દો કારણ કે એ જ બધી સમસ્યાઓનું મૂળ છે.’ પરંતુ જ્યારે કોઈ સમસ્યા જ ન રહે તો પછી સમાધાનની પણ કઈ ઉપયોગિતા છે? સમસ્યાના અભાવમાં સમાધાન વ્યર્થ છે. વળી બીજો કોઈ આવીને કહે છે, ‘કોઈ સમાધાન નથી, એટલે સમસ્યા વિશે જરા પણ ચિંતા ન કરો. જે કંઈ પણ વિશ્વાસ કેળવી શકો તેની સાથે કર્મ કરતાં કરતાં જીવન જીવ્યે જાઓ.’ અહીં વેદાંત આપણી સહાયમાં આવે છે. એ પૂરેપૂરી વીરતાથી સમસ્યાનો સામનો કરે છે અને આપણને એક સમાધાન આપે છે. પરંતુ દુર્ભાગ્યવશ આપણા દેશવાસીઓ પણ વેદાંતના આ પક્ષને સમજી શક્યા નથી. વેદાંતને આપણે કેવળ પુસ્તકોનું, સમયયાપનનું સાધન સમજીએ છીએ. પરંતુ આ કેવળ બૌદ્ધિક વેદાંત છે. શ્રીકૃષ્ણે આપણને આ વેદાંતનું શિક્ષણ આપ્યું નથી. એમણે આપણને યુદ્ધ ક્ષેત્રનું અને એને માટે ઉપયોગી વેદાંત શીખવ્યું છે. આ શોધના ખાલી સમય પસાર કરવા માટે જ નથી. એ તો કઠિન પરિસ્થિતિઓ તથા દૈનંદિન જીવનસંઘર્ષોની વચ્ચે ઉત્કૃષ્ટતાની શોધ છે. આપણા દેશના ધાર્મિક વિચારોના પરવર્તી વિકાસ દરમિયાન વેદાંતનો આ પક્ષ પ્રાય: ઉપેક્ષિત બની ગયો હતો. હવે આપણે ગીતાના એ પક્ષના, તેના સમસ્ત વ્યવહારિક પાસાંની સાથે બહાર લાવવું પડશે.

(ક્રમશ:)

Total Views: 20
By Published On: September 7, 2022Categories: Ranganathananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram