(ગતાંકથી આગળ)

પાંચ શીલ : આપણું વર્તન, આપણી દીક્ષિત થવાની મન:સ્થિતિ સાથે મેળ ખાય તેવું હોવું જોઈએ. દીક્ષા વખતે વર્તનના નીચે બતાવેલા પાંચ નિયમો – પંચશીલ – મને યાદ આવે છે. એમાં કશું ગોપનીય રાખવા જેવું નથી. એ પંચશીલ દરેકે જાણવાં જોઈએ એટલા માટે હું એ બધા એની આગળ કહું છું. જે માણસનું ચારિત્ર્ય શુદ્ધ નહિ હોય, તે માણસ ઈશ્વર તરફ ગતિ કરી શકતો નથી. એટલે ઈશ્વર તરફ જવાની પ્રક્રિયા માટે પ્રથમ તો ચારિત્ર્ય વિશુદ્ધ હોવું જોઈએ.

ખોરાક પણ શુદ્ધ લેવાની આવશ્યકતા વિશે આપણે વારંવાર સાંભળીએ છીએ. એનો અર્થ શું એવો થાય ખરો કે આપણા આહારમાં પૂરતું ઘી હોવું જોઈએ? ના, એવું નથી. વિશુદ્ધ ખોરાકનો અર્થ તો સાત્ત્વિક ખોરાક એવો થાય છે, પોષક આહાર એવો થાય છે. આવો શાસ્ત્રોનો આદેશ છે. જે આહાર શરીર અને મન – બન્ને માટે હિતકારી હોય અને તે બન્નેનો સંવર્ધક હોય તેવો આહાર જેટલી શરીરની આવશ્યકતા હોય તેટલા પ્રમાણમાં લેવો જોઈએ. એટલે કે માણસે પોતાના ખાવાના લોભને સંતોષ થાય એટલો ખોરાક ન જ ખાવો જોઈએ. આપણે એવા જ વિચારથી આહાર કરવો જોઈએ કે જે આપણા શરીર અને મનને પોષણ આપવા માટે પૂરતો ગણાય અને આપણે એ પુષ્ટ મનનો ઉપયોગ ઈશ્વરના ધ્યાન માટે કરવો જોઈએ. માણસના વર્તન વ્યવહારની શુદ્ધિ, એ માણસની આહાર શુદ્ધિ કરતાં પણ ઘણા જ મહત્ત્વની છે. આપણે અહીં ‘પંચશીલ’ – પાંચ પ્રકારના સદ્‌વર્તન – વિશે જણાવશું:

(૧) આપણે સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરવી જોઈએ આપણે એવી રીતનો વર્તન વ્યવહાર કરવો જોઈએ કે જેથી કોઈની પણ લાગણીને આઘાત ન પહોંચે. અને કોઈને હાનિ કે નુકસાન ન થાય. આપણે એવું કશું જ ન કરવું જોઈએ કે જેથી કોઈના શરીરને કે મનને કોઈ ઈજા પહોંચે. એનો અર્થ એવો પણ થાય છે કે કોઈનું બૂરું કે કોઈને હાનિ થાય એવું વિચારવું જ ન જોઈએ. માણસે શરીર, મન અને વાણી દ્વારા આ શીલની સાધના કરવી જોઈએ.

(૨) આપણે હંમેશા સત્યને એવી રીતે વળગી રહેવું જોઈએ કે કોઈપણ સંજોગોમાં એનાથી વિચલિત ન જ થઈએ. આપણે અસત્ય તરફ ક્યારેય પાછા ફરવું ન જોઈએ. આપણે આપણી લીધેલી પ્રતિજ્ઞાઓને સન્માનવી જોઈએ. શ્રીરામકૃષ્ણ વારંવાર કહેતા કે ‘જે માણસ સત્યને વળગી રહે છે, તે ભગવાનના ખોળામાં આરામ કરે છે.’ તેઓ આગળ કહે છે : ‘સચ્ચાઈ એ કલિયુગની તપશ્ચર્યા છે.’ હું એમ કહેવા માગતો નથી કે સત્યને વળગી રહેવું એ સરળ વાત છે, ખરેખર, એ સરળ વાત છે જ નહિ. જીવનમાં સચ્ચાઈના પાલન માટે આપણે ઘણાં ઘણાં બલિદાનો આપવાં પડે છે. એટલે એ કદીય કંઈ સહેલો રસ્તો નથી. છતાં પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે સત્યને પકડી રાખવું એ આપણો આદર્શ છે.

(૩) આપણે કોઈપણ રીતે કોઈની છેતરપીંડી ન કરવી જોઈએ અથવા તો કોઈ સાથે દગાબાજી ખેલવી ન જોઈએ. કોઈની છેતરામણી કરીને આપણે કોઈપણ વસ્તુનો લાભ ન મેળવવો જોંઈએ. આપણને જે યોગ્ય રીતે આવી મળ્યું હોય, તેનાથી જ આપણે પરિતોષ મેળવવો જોઈએ. અન્ય સાથેના વ્યવહારમાં આ આપણી પ્રામાણિકતા કહેવાય. આપણા આધ્યાત્મિક માર્ગમાં આપણને એ ઘણી મદદગાર નીવડી શકે છે.

(૪) આપણી બધી જ ઈન્દ્રિયોને આપણે કાબૂમાં રાખવી જોઈએ. ઈન્દ્રિયોના દોર્યા આપણે દોરાવું ન જોઈએ. એકાદ બે ઈન્દ્રિયોને જ કાબૂમાં રાખી લીધાથી કશું જ વળશે નહિ. બધી જ ઈન્દ્રિયોને કાબૂમાં લઈ લેવી જોઈએ. આધ્યાત્મિક જીવન માટે તો આ એક અનિવાર્ય આવશ્યકતા છે.

(૫) જીવનનો હેતુ ઈશ્વર ચિંતન કરવાનો છે; અને એનો સાક્ષાત્કાર કરવનો છે. સીધું, સાદું, સરળ અને સહજ જીવન જીવો. આપણે ભોગવિલાસનાં સાધનોની ઝંખના ન કરવી જોઈએ. એટલે હું એમ નથી કહેવા માગતો કે બધાએ ભિખારી જેવાં જ કપડાં પહેરવાં જોઈએ. અને બધાએ કંગાલ હાલતમાં રહેવું જોઈએ. મારો કહેવાનો મતલબ એ છે કે આપણે બધાએ ઓછામાં ઓછી આવશ્યકતાવાળા થઈને રહેવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આપણે સંપૂર્ણ રીતે લોભને છોડી જ દેવો જોઈએ. એક મહિનાના હજાર રૂપિયા કમાતો માણસ પોતાની એટલી આવકને બદલે મહિનાના પાંચ હજાર રૂપિયા કમાવા માટે ઇચ્છે છે તો બીજો કોઈ મહિનાના પાંચ હજાર રૂપિયા કમાતો માણસ પોતાની એટલી આવકને બદલે વળી મહિનાના દસ હજાર કમાવા ઇચ્છે છે! આ જ રીતે બીજા લોકો વળી દસ હજારને બદલે લાખ રૂપિયાનું લક્ષ્ય સેવી રહ્યા હોય છે. અરે, લાખને બદલે કરોડનું લક્ષ્ય રાખનારા ય હોય છે. અને આમ ચાલ્યા કરે છે. આવી રીતે આપણી લોભ લાલસાઓ સતત વધતી જ રહે છે! આ સતત ઉત્તરોત્તર વધતી જતી લોભલાલસાઓને આપણા મનને હંમેશને માટે ચંચળ અને ઉદ્વિગ્ન બનાવી મૂકે છે.

ધ્યાન : આપણે શ્રીરામકૃષ્ણનું ધ્યાન કરીએ છીએ. એમને વિશે વિવિધ લોકોની વિવિધ પ્રકારની વિભાવનાઓ છે. અને એ સ્વાભાવિક પણ છે. કારણ કે તેઓ વૈવિધ્યથી ભરેલા હતા. આપણે જેટલા પ્રમાણમાં આપણી આધ્યાત્મિકતાનો વિકાસ કરીશું, તેટલા પ્રમાણમાં આપણો આદર્શ વધારે સ્પષ્ટ થતો જશે. આદર્શ વિકસિત થઈ જશે. દાખલા તરીકે આપણે કોઈક ઘરને દૂરથી જોઈએ તો એ આપણને એક ઝાંખી રૂપરેખા જેવું લાગશે. પણ આપણે જેમ જેમ તે ઘરની વધારે ને વધારે નજીક જતા જઈએ, તેમ તેમ તે ઘર વધારે ને વધારે સ્પષ્ટ થતું જાય છે.

અહીં ઘણા લોકો પૂછે છે : શ્રીરામકૃષ્ણની છબિ તરફ એક નજરે તાકી રહેવું એટલે જ શું પૂરતું નથી? તો પછી ધ્યાનમાં આંખો બંધ કરવાની શી જરૂર છે? એનું કારણ એ છે કે એવે વખતે દેખીતી રીતે તો શ્રીરામકૃષ્ણની છબિ તરફ તલ્લીન થઈ ગયા હોઈએ એવું થાય છે ખરું; પણ આપણે ત્યારે એની સાથો સાથ અન્ય વસ્તુઓને પણ જોતા હોઈએ છીએ અને આપણી દૃષ્ટિ જુદી જુદી દિશાઓમાં વિભક્ત થઈ જાય છે. એ વખતે આપણી દૃષ્ટિ હંમેશા એક જ જગ્યાએ સ્થિર રહી શકતી નથી. ઘણા લોકો પોતાની દૃષ્ટિને એક જ બિંદુ ઉપર સ્થિર કરી દેવાની મથામણ કરે છે ખરા, પરંતુ એવા એક કેન્દ્ર ઉપર પ્રયત્નપૂર્વકની રખાતી સ્થિરતા ઝાઝો વખત સ્થિર રહી શકતી નથી. એટલા માટે ધ્યાનમાં આંખો બંધ જ રાખવી જોઈએ અને આંખો બંધ કરીને ધ્યાનમાં આવતા બહારના અવરોધોને દૂર કરવા જોઈએ.

હવે અંદરના અવરોધોને દૂર કરવા માટે તો ફક્ત અભ્યાસ જ એક ઉપાય છે. આંતરિક અને બાહ્ય – બન્ને પ્રકારના અવરોધો, જો આપણે આંખ ઉઘાડી રાખીને ધ્યાન કરીએ, તો ટકી રહે છે. દૂર થતા નથી. એટલા માટે સ્વાભાવિક રીતે જ જો આપણે આંખો બંધ કરીને ધ્યાન કરીએ તો, આ અવરોધો નોંધપાત્ર રીતે ઘણા ઓછા થઈ જાય છે. આંતરિક અવરોધો, ધ્યાનનો સતત અભ્યાસ કરવાથી દૂર થાય છે.

ધ્યાનનો અર્થ, ધ્યાનવિષયક વિચારો સિવાયના અન્ય બધા વિચારોનો નિષેધ અને એનો નાશ કરવો તેમજ ધ્યાનના વિષય સંબંધી વિચારોને જ મનમાં સંઘરી રાખવા, એવો થાય છે. પૂર્ણ ધ્યાનમાં ધ્યાતા (ધ્યાન કરનાર), ધ્યેય (ધ્યાન કરવાનો વિષય અને ધ્યાન – ધ્યાન કરવાની પ્રક્રિયા એ ત્રણેય એક થઈ જાય છે. તે વખતે મનનું અસ્તિત્વ રહેતું નથી. કારણ કે મનનો અર્થ ‘‘સતત સંકલ્પ વિકલ્પ’’ એવો થાય છે. એટલે કે ચંચલતા એવો થાય છે. જયારે મન સંપૂર્ણ રીતે શાંત હોય, ત્યારે એ અસ્તિત્વ વગરનું જ કહેવાય. અને એટલે જ તો કહેવામાં આવ્યું છે કે એ ત્રણેય મળીને એક થઈ જાય છે.

એક બીજી વાત : ઈષ્ટદેવનું સાચું સત્ત્વ આપણે ધ્યાન દરમિયાન યાદ રાખવું જોઈએ દાખલા તરીકે માનો કે આપણે ઊંચી યોગમુદ્રામાં બેઠેલા શ્રીરામકૃષ્ણદેવની છબિનું ધ્યાન કરી રહ્યા છીએ. ત્યારે હંમેશા કંઈ તેમનું સમગ્ર સ્વરૂપ મનમાં ઊભરી આવતું નથી. પણ જયારે આપણું ધ્યાન વધારે ઊંડું થાય છે, ત્યારે આપણે એમના ચહેરાના ભીતરના ભાવો જેટલા પ્રમાણમાં આપણી દૃષ્ટિ ઊંડી ઊતરી હશે, તેટલા પ્રમાણમાં જોઈ શકીશું. બીજા શબ્દોમાં કહીએ તો આપણે પણ તેમના સાચા સ્વરૂપના અંતરાલમાં ગહનતમ ડૂબકી મારશું. એટલે શ્રીરામકૃષ્ણદેવની છબિ તરફ ફક્ત ઉપરછલ્લું જોયા કરવાથી કંઈ આપણે તેમની ચેતના જ્યાં જ્યાં ભળી ગઈ છે (એકાકાર થઈ ગઈ છે) તેટલી હદે તેમને સમજી શકવાના નથી. પરંતુ, આપણા ધ્યાનમાં આપણે જેટલી વધારે ઊંડી ડૂબકી મારશું, તેટલા આપણે વધુ ને વધુ શ્રીરામકૃષ્ણના સત્ત્વમાં ધ્યાનસ્થ થવા શક્તિમાન બનીશું.

હવે આપણે શ્રીરામકૃષ્ણની ધ્યાનસ્થ છબિ સંબંધે વિચાર કરીએ. શ્રીરામકૃષ્ણે પોતે જ કહ્યું હતું કે આ ચિત્ત ખૂબ ઊંચી યૌગિક અવસ્થા દર્શાવે છે. શું આપણે આમાંનું કંઈ સમજીએ છીએ ખરા? શા માટે આપણે કશું સમજતા નથી? કારણ એ છે કે ઉચ્ચતર યૌગિક અવસ્થા સમજવા માટે યોગી બનવું આવશ્યક છે. આપણે યોગીઓ નથી, અને એટલે આપણે આ સમજી શકતા નથી. પણ એ છબિ ઉપર ઊંડાણથી ધ્યાન ધરવાથી, એનું કાળજીથી નિરીક્ષણ કરવાથી, એનું ચિંતન કરવાથી – જો કે આ સંપૂર્ણ રીતે મારો વ્યક્તિગત અભિપ્રાય જ છે અને વ્યક્તિગત લાગણી જ છે, અને હું પોતે એ વિશે જેવી લાગણી અનુભવું છું, તે જ કહી રહ્યો છું કે – તે જ ઠાકુરનું ગહનત્તમ અંતરાલ છે. એમની આંખો લગભગ બંધ જ છે. જાણે કે સમગ્ર વિશ્વ તદ્દન વિલીન થઈ ગયું ન હોય! બાહ્ય ચેતનાનું ત્યાં એકેય જરાય ચિહ્‌ન દેખાતું નથી. કેવી ગજબની ગહનતમ અવસ્થા છે! જાણે તેઓ પોતે તો કોણ જાણે કયાંયે વિલીન થઈ ગયા છે! વૈશ્વિક સભાનતા કોણ જાણે કયાં ચાલી ગઈ છે! આ અવસ્થામાં શ્રીઠાકુર શું ચિંતન કરે છે, કે તેઓ શેમાં તન્મય થઈ ગયા છે – આપણે પણ ધ્યાન દરમિયાન એનો વિચાર કરવો જોઈએ. આ ઉપરાંત એ પણ વિચારી શકાય કે જેમણે ભૂતકાળમાં જગતના કલ્યાણ માટે રામ તરીકે અને કૃષ્ણ તરીકે અવતાર લીધો હતો. તે જ સ્વયં પોતાની માયાશક્તિની મદદથી આ યુગમાં શ્રીરામકૃષ્ણના સ્વરૂપમાં આ નીચે – ધરતી પર અવતર્યા છે. – આ રીતે તેમનું ધ્યાન ધરો. શિવ મહિમ્ન: સ્ત્રોતમાં એક ઠેકાણે (૨૫મા શ્લોકમાં) શિવને સંબોધીને એવું કહ્યું છે કે, ‘તમે ખરેખર એ જ તત્ત્વ છો કે યોગીઓ જેને ધ્યાન દરમિયાન એકાગ્રતાપૂર્વક જુએ છે.’

એ શ્લોકનો અર્થ આ છે: ‘તમે ખરેખર એ જ અવર્ણનીય સત્ય છો કે કે જેને યોગીઓ શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે પોતાના પ્રાણને સંયમમાં રાખી- પ્રાણાયામ આદિ દ્વારા-આત્માનું ધ્યાન કરી તે દ્વારા સાક્ષાત્કાર કરે છે અને જેને જાણીને તેઓ હર્ષના ઉન્માદથી આંસુઓ વહાવે છે અને જાણે કે અમૃતના સરોવરમાં તરી રહ્યા હોય છે અને અંતરના આનંદમાં મસ્ત બનેલા રહે છે.’

ધ્યાન દરમિયાન એવું જોવા મળશે કે મનમાં વિચારો એકધારા ઉભરાયા કરે છે. મનને વિચારોથી મુક્ત રાખવું, એ તો માંડ માંડ શકય બને તેવું છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે આપણે પોતે પણ એ વિચારોના પ્રવાહમાં તણાઈ જતા હોઈએ છીએ. પછી, ઘણા લાંબા સમયગાળા બાદ, આપણે સાવધાન અને સ્વસ્થ બનીએ છીએ અને કહીએ છીએ કે અરે, હું કેવી નરક જેવી તુચ્છ વસ્તુનો વિચાર કરી રહ્યો હતો? એનો અર્થ એ છે કે હું સાવધાન ન હતો. હું પણ મને જયાં જયાં મન ખેંચી જતું હતું તેની સાથે તે દિશામાં ઘસડાતો રહ્યો હતો. જો આપણે મનનું નિરીક્ષણ કરીએ, અથવા તો ધીરે ધીરે એનું પરીક્ષણ કરીએ તો, આપણને એ વધુ વખત ઘસડી શકશે નહિ, અને આપણે એના ઉપર કાબૂ મેળવી શકીશું. પછી મન આપણા પર સવાર નહિ થાય, આપણે એને વશમાં રાખીશું.

હું વારંવાર મનની એક બીજી લાક્ષણિકતા વિશે વિચાર કરું છું કે એક જ મન બે વિભાગમાં વિભક્ત થાય છે. એક વિભાગ ‘દ્રષ્ટા’ છે અને બીજો વિભાગ ‘દૃશ્ય’ છે. એટલે કે એ કે ‘જોનાર મન’ છે અને બીજું ‘જોવાના વિષયરૂપ મન’ છે. જયારે ‘જોનાર મન’ (દ્રષ્ટા) જોવાના વિષયરૂપ – દૃશ્ય મનનું પરીક્ષણ કરે છે, ત્યારે તે (દ્રષ્ટા) મનના વિચારોથી કંઈ દૂર તો ફેંકાઈ જવો શકય નથી જ. એટલા માટે જ સ્વામીજીએ સૂચના આપી છે : ‘‘આસન ઉપર બેઠા કે તરત જ ધ્યાન શરૂ કરી દેશો નહિ. પહેલાં કેટલોક વખત મનનું નિરીક્ષણ કરો. મન શું કરે છે, તે પહેલાં જુઓ. તમે જોશો કે ધીરે ધીરે મનની ચંચળતા અટકી જશે અને મન સ્થિર થઈ જશે. પછી ધ્યાન કરો.’’

ભલે આપણે કલ્પનાની મદદથી ધ્યાન કરવાનો પ્રયત્ન કરીએ. આમ છતાં તે કંઈ કોરી કલ્પના જ હોતી નથી. ખાલી કોરી કલ્પના તો એવી હોય છે કે જેનું વાસ્તવિક રીતે કશું જ અસ્તિત્વ ન હોય એવા નકામા – મિથ્યા વિષયનું ચિંતન કરવું. દાખલા તરીકે આકાશમાં ઊડતા બગીચાનું ચિંતન. એવા ઉદ્યાનની તો કોઈ હસ્તી જ નથી. એ ફક્ત કોરી કલ્પના છે. ઉદ્યાન માટે આકાશમાં ઊડવાનું કે રહેવાનું શકય જ નથી. પરંતુ, આપણને તો આપણા ધ્યાનના વિષયના અસ્તિત્વ ઉપર શ્રદ્ધા ન હોય એવું તો કશું નથી જ.

ઈશ્વર પ્રત્યેનો પ્રેમ-એક આવશ્યક શરત : શ્રીરામકૃષ્ણના ઉપદેશોનો બીજો એક ચાવીરૂપ મુદ્દો એ છે કે આપણે ઈશ્વરના નામ સ્મરણમાં પૂરી નિષ્ઠાવાળા બનવું જોઈએ. ભગવાનના નામનું આપણે કેટલા હજાર વાર રટણ કર્યું છે, એ મહત્ત્વનું નથી. અથવા કેટલો લાંબો સમય ધ્યાનમાં બેઠા, એ ય મહત્ત્વનું નથી. કોઈ માણસ શાકાહારી બન્યો હોય, અને તીવ્ર તપશ્ચર્યા કરતો હોય, શરીરે ફક્ત કપડાંનો એક ટુકડો જ ધારણ કરતો હોય, પરંતુ એ માણસમાં જો પોતાના હેતુ તરફની નિષ્ઠાનો જ અભાાવ હોય તો પેલું બાકીનું બધું જ કશું ખાસ મહત્ત્વ ધરાવતું નથી. મહત્ત્વની વસ્તુ તો આપણે પૂરા હૃદયથી ઈશ્વરને ચાહવા માટે શક્તિમાન છીએ કે કેમ, તે છે. ઈશ્વર તરફના આવા સુદૃઢ પ્રેમને લીધે દુનિયાની બીજી બધી જ વસ્તુઓ તરફની આસક્તિ ફીકી અને બિન મહત્ત્વની બની જાય છે. આ વાત આપણે બરાબર ધ્યાન રાખવી જોઈએ.

શ્રીમદ્‌ ભાગવત કહે છે : ‘ઈશ્વર પ્રત્યેનો સન્નિષ્ઠ પ્રેમ દુનિયાની બીજી બધી જ આસક્તિઓને ક્ષીણ કરી નાખે છે.’ આપણે આ ધોરણ (કક્ષા) પ્રમાણે આધ્યાત્મિક માર્ગ ઉપર ડગલાં માંડવાનાં છે. એમાં ઈશ્વરનું ‘નામ’, કીર્તન કરતાં કરતાં કાંઈ ભાન ગુમાવી બેસે, કોઈ વળી આખી જિંદગી એક આસન પર બેસીને ધ્યાન કરે તો વળી કોઈ એક પછી એક એમ અનેક તીર્થોની યાત્રાઓ કરે તો, પણ ખરેખર તો આમાંનું કંઈ મહત્ત્વનું નથી. આપણા હૃદયમાં ઈશ્વરની સતત ઉપસ્થિતિની લાગણી જ ખરી રીતે સૌથી અગત્યની વાત છે. આપણે આપણો પ્રેમ ઈશ્વરને ચરણે સમર્પિત કરી તેમનું સતત ગુણગાન કરવું જોઈએ. તેમના જ ચરણોમાં આપણે આપણી જાતને અને આપણા સર્વસ્વને સંપૂર્ણ રીતે સમર્પિત કરી દેવું જોઈએ. શ્રીરામકૃષ્ણે આપેલા બોધનું આ જ સારતત્ત્વ છે.

આપણે આપણા સંપૂર્ણ હૃદયપૂર્વક ઈશ્વર પ્રત્યે પ્રેમભક્તિ દાખવવામાં સફળ નીવડીશું, તો આપણે આ સૃષ્ટિનાં બધાં જ પ્રાણીઓમાં તેની હાજરી અનુભવવામાં શક્તિમાન થશું. હું હૃદયની નિષ્ઠાથી પ્રાર્થના કરું છું કે આપણામાંના બધાં જ આ આદર્શને ચુસ્તપણે વળગી રહીને જ આપણાં જીવન પસાર કરવામાં શક્તિમાન થઈએ. આ આદર્શ આપણાં જીવન માટે એટલો પ્રભાવક નીવડો કે આ દુનિયાનું બીજું બધું જ તુચ્છ – નગણ્ય બની જાય. તેમની કૃપાથી આવું બધું થવું શકય જ છે. હું શ્રીરામકૃષ્ણને પ્રાર્થના કરં છું કે આપણા બધાનો જ ઈશ્વર તરફનો પ્રેમ તીવ્ર બની રહે.

ઊંઘ – એક અવરોધ : એવું જોવા મળે છે કે લોકો ઘણી વખત ધ્યાન કરતાં કરતાં ઊંઘમાં સરી પડે છે. આ ઊંઘ એક મોટો શત્રુ છે. અને યોગનો અવરોધક છે. એ અવરોધથી બચવા માટે આંખો ઉપર અવારનવાર પાણીનો છંટકાવ કરવો સલાહભર્યો છે. થોડા વખત માટે તો એ કારગત નીવડશે.

ઊંઘ આવવાનું કારણ એ છે કે આપણું મન સામાન્ય દુનિયાના જે વિષયોમાં ભટકતું હોય છે, તેને ત્યાંથી પરાણે પાછું વાળવામાં આવે છે. પરંતુ, જો તેને એ બહારના વિષયોના ભ્રમણમાંથી, એ વિષયોને ક્ષીણ કરીને આપણા ધ્યાનના વિષયમાં પકડી રાખવામાં – સ્થિર કરી દેવામાં આવે, તો એ ઊંઘમાં સરી પડે છે. કારણ કે એ વખતે એને જો ધ્યાનનો કોઈ વિષય જ ન હોય તો તેને પોતાને પણ જાળવી રાખવાપણું કશું હોતું નથી. આનાથી ઉપર ઊઠવાની પ્રદ્ધતિ તો એ છે કે આપણે હંમેશાં સાવધાન અને સતર્ક રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ સિવાય બીજું તો આપણે આ માટે શું કરી શકીએ?

ધ્યાનમાં બેઠા પછી આવતી ઊંઘ, ‘તમસ્‌’ના – જડતાના પ્રભાવને લીધે આવે છે. આવું બે કારણોને લીધે થાય છે. એક તો શારીરિક થાકને લીધે અથવા તો અનિચ્છાને લીધે અને બીજું, ધ્યાન કે જપમાં રસ ન હોવાને લીધે આવું થાય છે. પહેલા કારણમાં જો શરીર થાકી ગયું હોય અને ઢીલું ઢફ થઈ ગયું હોય, તો યોગ્ય વિશ્રાંતિ – આરામ લેવો આવશ્યક છે. આવશ્યક પ્રમાણનો આરામ કે એટલી ઊંઘ શરીરને જરૂર આપવાં જોઈએ. પથારીમાંથી થોડા મોડા ઊઠવાથી પણ જો કોઈ માણસ સારું ધ્યાન કરી શકતો હોય તો એ તો વળી વધારે સારી વાત છે. કહેવાનો અર્થ એ છે કે ધ્યાનમાં કોઈપણ થાક ન હોવો જોઈએ. આમ હોવા છતાં આ બધી બાબતો માણસના શારીરિક અને માનસિક બંધારણ પર આધાર રાખે છે. માણસે પોતાને અનુકૂળ હોય તેવું અને બંધ બેસે તેવું કરવું જોઈએ. બીજું કારણ ધ્યાન – જપમાં રસનો અભાવ છે. જો રસ જ ન હોય, તો મન ઊંઘમાં પડી જાય છે. જપ અને ધ્યાનમાં રસ ન હોવાનું કારણ એ છે કે આપણે આપણા લક્ષ્ય કે આદર્શને સારી રીતે જાણતા – સમજતા નથી. અને એટલા જ માટે આપણને એમાં કશો સ્વાદ અનુભવાતો નથી. એટલે મન ઊંઘમાં સરી પડે છે.

આપણે જો વિષયનું ધ્યાન ધરતા હોઈએ, તે વિષય તરફની તીવ્ર તાલાવેલી અને તેને પ્રાપ્ત કરવા માટેનો તીવ્ર અને ગહન તલસાટ જો હોય તો આપણે બેકાળજી બની શકીએ ખરા? શ્રીરામકૃષ્ણ કહેતા કે પાસેના ઓરડામાં હીરામોતી અને ઝવેરાત સંતાડેલાં પડયાં છે, એવું જાણ્યા છતાં પણ કોઈ ચોર શું નજીકના ઓરડામાં શાન્તિથી ઊંઘ લઈ શકે ખરો કે? ના, તે ઊંઘી શકે જ નહિ. જયાં સુધી તે દીવાલ તોડીને એ ઓરડામાં પ્રવેશે નહિ, અને પેલા જરઝવેરાતને પોતાના હાથમાં ન લઈ લે, ત્યાં સુધી અને શાન્તિ વળતી નથી. બરાબર એ જ રીતે જો આપણે જાણતા હોઈએ કે ‘તે’ આપણા હૃદયમાં જ વસી રહ્યા છે અને આપણે ‘તેને’ મેળવી શકીએ છીએ, તો પછી શું આપણે કાળજી વગરના રહી શકીએ ખરા? ત્યારે આપણે શું ઊંઘી શકીએ ખરા? એવી તીવ્ર ઝંખના અભાવને લીધે જ આપણે તે તરફ ઉપેક્ષા સેવતા બની જઈએ છીએ. એટલા માટે માણસે હંમેશા સાવધ બની રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ – ખૂબ જાગ્રત રહેવું જોઈએ. વારંવારના પ્રયત્નોથી એવી એક જ ટેવ પડી જાય છે. અને સંસ્કારો દૃઢ થાય છે. અને ઉત્પન્ન પણ થાય છે.

ઘણી વખત આપણે અડધા ઊંઘમાં – તંદ્રામાં – હોઈએ, ત્યારે આમ તેમ થોડાં લથડિયાં ખાઈને ફરીથી પાછા ધ્યાનમાં બેસતા હોઈએ છીએ. ઘણા પૂછે છે : ‘‘આપણે જયારે અડધા ઊંઘમાં – તંદ્રામાં – હોઈએ, ત્યારે લથડિયાં ખાતાં – ચાલતાં ચાલતાં જપ કરી શકીએ ખરા?’’ હા, એવું થઈ શકે ખરું. એનાથી ઊંઘ કદાચ દૂર કરી શકાય ખરી, પરંતુ એનાથી ધ્યાન સિદ્ધ થઈ શકતું નથી. ધ્યાનને અર્થ તો એ છે કે બધી જ ઈન્દ્રિયો તેને નિયત બધા વિષયો અને તેનાં નિયત બની ક્રિયામાંથી પાછી ખેંચાઈ જાય. ત્યારે એકલું મન જ તેના ધ્યેય – ધ્યાનના વિષયને – વળગી રહે છે. ખાલી આંટા મારવાથી કંઈ ધ્યાન સિદ્ધ થઈ શકતું નથી.

સાચી વાત તો એ છે કે આપણે જેટલો વખત ધ્યાન કરીએ, તેટલો વખત આપણે તે યોગ્ય મનોભાવો અને યોગ્ય મનોવલણની સાથે જ કરવું જોઈએ. આપણે ગમે તેટલા પ્રમાણમાં એ માટે સમય ફાળવીએ તે ખરેખર તો ત્યારે જ ફળદાયી નીવડે કે આપણે જો તેને સાચા માનસિક વલણથી કરતા હોઈએ. જો મન સ્થિર અને શાંત નહિ હોય, તો માણસને માટે પોતાના ભીતરને પારખવાનું – આત્માને ઓળખવાનું શક્ય નથી. અને એ સિવાય મનનું પૃથક્કરણ પણ થઈ શકે નહિ.

વિશ્રાન્તિ લો : ધ્યાન કરવા માટે મનને સક્ષમ બનાવવાની આવશ્યકતા છે. જ્યારે મન શાંત થાય છે, ત્યારે તેની અસર સમગ્ર જીવન ઉપર પડશે. આપણા શબ્દો, કાર્યો, બધું જ શાંત, પ્રશાંત બની જશે. આખું જીવન જ શાંતિપૂર્ણ થઈ જશે. આપણું ચારિત્ર્ય પણ એ વખતે આનંદદાયક અને મધુર બની રહેશે. આપણું વર્તન મૃદુતા ધારણ કરશે. ઉદ્વેગ અને ચંચળતા ચાલશે નહિ.

આવું ચાંચલ્ય દરેકને થાય છે. આ વિશે દરેક માણસ જાણે છે. આ ચંચલતા (ઉદ્વેગ)માં માણસ ધ્યેય-ધ્યાનના વિષય સિવાયના બીજા વિષયોનું ચિંતન કરે છે. આવી બાબતમાં ફરીથી ધ્યેય – ધ્યાનના વિષય તરફ મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. મન જો ઇન્દ્રિયસુખોના રંગે રંગાયેલું હશે, અથવા ઇન્દ્રિયસુખોનું લાલસુ હશે તો તે એવા વિષયો તરફ દોડી જશે. જો મન ભોગો ભોગવવાની લાલસાને લીધે ઇન્દ્રિયવિષયો તરફ આકર્ષાયેલું રહેતું હોય તો એને એથી સાવધાન અને સચેત કરી દેવું જોઈએ.

શાંત અને નિશ્ચયવાન બનો : ભલે ગમે તેટલું નાનું પણ ઉમદા કાર્ય આપણે કરીએ, પણ એ ક્યારેય નકામું જશે નહિ. એ સાવ નાનકડું ભલેને હોય! એનો સંચય થાય છે. આપણા આદર્શ તરફ આપણે જો એક નાનકડું ડગલું પણ આગળ ભરીએ તો એટલા પ્રમાણમાં એનું અંતર ઓછુંં થશે. તો ઓછામાં ઓછો એટલાનો તો સંચય-સંગ્રહ થશે. આમ છતાં એ પણ સાચું છે કે આપણા મનમાં ધ્યાનના વિષય તરફ જવાની – એને પ્રાપ્ત કરવાની સખત તાલાવેલી નહિ હોય તો આપણા બધા જ કર્યાકારવ્યાનો કશો જ અર્થ સરતો નથી. તો પછી આનો અર્થ શું એમ થાય, કે આપણે આપણા બધા જ પ્રયત્નોને છોડી જ દેવા? ના, જ્યાં સુધી આપણે એવા પ્રકારની તીવ્રતમ તાલાવેલી ન પામી શકીએ; ત્યાં સુધી આપણે એ માટે મથામણ કર્યા જ કરવી જોઈએ. આપણો એ માટેનો સ્વલ્પ પ્રયત્ન પણ નકામો જવાનો નથી; નકામો ગયો પણ નથી. એ ‘સંચિત’ રૂપે રહેવાનો છે. પછીથી ભવિષ્યમાં જ્યારે આપણે થપાટો ખાઈશું, વળતા ફટકા આપણને પડશે, આપણે માથે મુસીબતો ખડકાશે, ત્યારે આ નાનકડો પણ ઉમદા પ્રયત્ન જે આપણે પૂર્વે આચર્યો હતો, તે આપણને બચાવશે. ભલે તે પ્રયત્ન ગમે તેટલો નાનકડો હોય, કોઈ પણ ઉમદા-ઉદાત્ત પ્રયત્ન વિસ્મૃત થઈ શકતો નથી. મુશ્કેલીને વખતે કે પ્રતિકૂળ સંજોગોમાં એની સ્મૃતિ મનમાં શાંતિ પૂરે છે એ માનસિક શક્તિ આપે છે. મનુષ્યે પોતાના અગાઉના દિવસોમાં કરી બતાવેલા બધા એવા પ્રયત્નોને તેમજ ઈશ્વર પ્રત્યેની તેની પૂર્વની નિષ્ઠાને અને ધૈર્યના સત્ત્વને હંમેશાં સ્મૃતિમાં રાખવાં જોઈએ. અને ત્યારે આપણને એવી લાગણી થાય છે કે ‘અહા, તે વખતે મારા મનની અવસ્થા કેવી હતી! આદર્શ પ્રત્યેનું મારું આકર્ષણ કેવું હતું! ત્યારે કેવી નિષ્કામતા – અનાસક્તિ હતી!’

આપણે એ યાદ કરવાનું છે કે જો આપણે એ પંથ પર ચાલતાં ચાલતાં લથડિયું ખાઈ પડી-અટકી જશું અથવા તો થોડા ઘણા લાભમાં ઘણું બધું માનીને આત્મસંતોષ લઈ લેશું તો લક્ષ્યસિદ્ધિ સુધી પહોંચવાની કોઈ આશા રહેતી નથી. આપણી પાસે એવા પ્રકારનું ધૈર્ય હોવું જોઈએ કે જે આ જન્મ પછીના ભવિષ્યમાં અનેકાઅનેક જન્મોની નિષ્ફળતાઓ અને એની પીડાઓમાં પણ કદી ખૂટે જ નહિ. અલબત્ત, આ પ્રકારનો ખંત કંઈ એક કે બે જ દિવસમાં પ્રાપ્ત કરી શકાતો નથી. અરે, થોડાં વરસોમાં પણ પ્રાપ્ત કરી શકાતો નથી; પણ આપણી ખોજનો વિષય, એટલો બધો ઉત્તમ છે કે એની તરસ છિપાવવા માટે તો સેંકડો જિંદગીઓ પણ ખરચી શકાય. જેને પ્રાપ્ત કરવા માટે આપણે પૂરી કિંમત ન ચૂકવી હોય, તેવી કોઈ જ વસ્તુ આપણને મળી જતી નથી. કદાચ, આપણા સખ્ત સંઘર્ષો કરવા છતાં પણ આપણું લક્ષ્ય આપણાથી એટલું બધું દૂર જ રહેતું હોય કે આપણને એ લક્ષ્ય હાંસલ કરવામાં નિરાશ પણ કરી મૂકે. અથવા તો કદાચ એ લક્ષ્ય આપણી પહોંચની સાવ લગોલગ પણ હોય! કોણ જાણે છે કે એવી મંગળ ક્ષણ ક્યારે આવી પહોંચશે?

છેવટે તો આપણે સૌએ એની કૃપા ઉપર જ આધાર રાખવાનો છે. આપણી બધી જ સાધનાઓનું પર્યવસાન પૂર્ણાહૂતિ એની આગળની સંપૂર્ણ શરણાગતિ અને એની કૃપાનું જ એક માત્ર અવલંબન જ છે.

(ભાષાંતર : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી)

Total Views: 126

One Comment

  1. Harsha Bhavsar April 20, 2023 at 2:41 pm - Reply

    Jai shree gurudev🙏 Shree Shree Swami Bhuteshanandji Maharaj mara gurudev che, temno lekh vachine , maru man ghanu shant thayu che. Mara guruji mari sathe che ane mane jivan ma maru margdharsh kare che, tevu hu anubhav karu chu, krupa kari gurudev na sansmaral mokalta rahejo🙏

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.