શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ક્રિસમસ સંધ્યાની ઉજવણી

૨૪ ડિસેમ્બર સાંજના આરતી પછી શ્રીરામકૃષ્ણ મંદિરમાં ક્રિસમસ સંધ્યાની ઉજવણી કરવામાં આવી હતી. બાળશિશુ ઈશુ અને મધર મેરીની છબિઓને સુંદર રીતે શણગારવામાં આવી હતી. જાણે કે બેથલેહામનું એ અનુપમ દૃશ્ય ખડું થતું હતું. સ્વામી સર્વસ્થાનંદજીએ બાઈબલના પ્રસંગોનું અંગ્રેજીમાં વાચન કર્યું હતું. સ્વામી જિતાત્માનંદજીએ ઈશુખ્રિસ્તની કરુણા અને પ્રેમભાવનાની વાત કરી હતી. કાર્યક્રમના પ્રારંભમાં રાજકોટના ચર્ચના ગાયકવૃંદે ક્રિસમસ કેરોલ્સનું ગાન રજૂ કર્યું હતું. ભાવપૂર્ણ પ્રસંગ ૩૦૦ જેટલા ભાવિકજનોએ માણ્યો હતો. 

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા યુવદિનની ઉજવણી

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પટાંગણમાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતી, ૧૨મી જાન્યુઆરી, રાષ્ટ્રિય યુવદિનના ઉપલક્ષ્યમાં રાજકોટ શહેરની શાળા કોલેજનાં ૧૭૦૦ વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે ૧૧ જાન્યુઆરી, ૨૦૦૩ના રોજ સવારે ૯.૦૦ થી ૧૧.૩૦ સુધી એક યુવશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યુવશિબિરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. કનુભાઈ માવાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ પ્રો. મહેશચંદ્ર યાજ્ઞિક, સિસ્ટર નિવેદિતા ટ્રસ્ટના શ્રી ગુલાબભાઈ જાની અને સ્વામી જિતાત્માનંદજીએ પ્રેરક પ્રવચનો આપ્યાં હતાં. સ્વામી સર્વસ્થાનંદજીએ સ્વામીજીના સંદેશનું વાચન કર્યું હતું. એસ.એન. કણસાગરા, સિસ્ટર નિવેદિતા અને એમ.વી. ધૂળેશિયાના વિદ્યાર્થીઓએ સ્વામી વિવેકાનંદના જીવનસંદેશ પર આધારિત નાટ્યપ્રયોગો તેમજ સમૂહગીત રજૂ કર્યાં હતાં. ભાગ લેનાર બધા વિદ્યાર્થીઓને પ્રસાદ સાથે ‘સહુના સ્વામી વિવેકાનંદ’ એ પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું.

લેસ્ટરના મેયરશ્રી રામકૃષ્ણ આશ્રમની મુલાકાતે

૧૨મી જાન્યુઆરી ૨૦૦૩ના રોજ લેસ્ટરના મેયરશ્રી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે પર્ધાયા હતા. આશ્રમના દિવ્ય વાતાવરણથી તેઓ પ્રભાવિત થયા હતા.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આયોજિત નેત્રયજ્ઞ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ ઔષધાલય – ‘નેત્રચિકિત્સા કેન્દ્ર’માં તા.૧૨-૧-૨૦૦૩, રવિવાર, સવારે ૮.૩૦ કલાકે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞમાં ૭૯૬ દર્દીઓની નેત્રચિકિત્સાસેવા કરવામાં આવી હતી. જરૂરતમંદ દર્દીઓને આંખનાં ટીપાં, દવાઓ, ચશ્મા વગેરે નિષ્ણાત ડોક્ટરોની સલાહ મુજબ વિના મૂલ્યે આપવામાં આવ્યાં હતાં. આ નેત્રયજ્ઞમાં સૌરાષ્ટ્રના આંખના નામાંકિત સર્જનો ડો. રેખા ગોસલિયા, ડો.મનોજ ભટ્ટ, ડો. દિલીપ અગ્રવાલ, ડો. કેતન બાવીશી, ડો. અજય મહેતા, ડો. અનુરાગ, વગેરેની સેવા મળી હતી. નવનિર્મિત નેત્રચિકિત્સા કેન્દ્રનું કાર્ય તા.૧૫-૧-૨૦૦૩થી નિયમિત સવારે ૯.૦૦ વાગ્યે શરૂ થઈ ગયું છે.

રામકૃષ્ણ મિશન – વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરમાં યોજાયેલ શિક્ષણ, યુવા અને વ્યવસ્થાપન શિબિર

સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવના ઉપક્રમે રામકૃષ્ણ મિશન – વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરમાં ૧૦ જાન્યુઆરી, ૨૦૦૩ના રોજ સવારના ૮.૪૫ થી સાંજના ૫.૦૦ વાગ્યા સુધી મેનેજમેન્ટના ક્ષેત્રના જાણીતા નિષ્ણાત ડો. એન.એચ.અથ્રેય, શ્રી કે.સી.શ્રોફ (ભૂતપૂર્વ ચેરમેન, એક્સેલ ઇન્ડ.), સ્વામી જિતાત્માનંદજી અને સ્વામી નિખિલેશ્વરાનંદજીના સાંનિધ્યમાં વ્યવસ્થાપન તંત્ર સાથે સંકળાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ‘વ્યવસ્થાપન તંત્ર અને નેતૃત્વના ક્ષેત્રના નવા પ્રવાહો’ વિશે એક ચર્ચા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

૧૧ જાન્યુઆરી, ૨૦૦૩ના રોજ સવારે ૮.૩૦ થી સાંજના ૫.૩૦ સુધી ‘શ્રેષ્ઠત્વ અને શિક્ષણ’ વિશે શિક્ષણક્ષેત્રે સંકળાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સુપ્રસિદ્ધ શિક્ષણવિદ્‌ શ્રીરાજાભાઈ પાઠક, રામકૃષ્ણ મિશન, કોઈમ્તૂરના સચિવ સ્વામી આત્મરામાનંદજી, અમદાવાદના શ્રી ચંદ્રકાંતભાઈ પાઠક, પોરબંદરના જિલ્લાશિક્ષણાધિકારી શ્રીનયન શુક્લ, સ્વામી નિખિલેશ્વરાનંદજી અને અન્ય વિદ્વાન કેળવણીકારોનાં વક્તવ્યો, પ્રશ્નોત્તરી, ધ્યાન-ભજન-પ્રાર્થનાનો કાર્યક્રમ યોજાયો હતો.

૧૨ જાન્યુઆરી ૨૦૦૩ના રોજ રાષ્ટ્રિય યુવદિનના ઉપલક્ષ્યમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ સુધી એક યુવશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં પ્રાર્થના, ધ્યાન-ભજન ઉપરાંત સ્વામી નિખિલેશ્વરાનંદજી, સ્વામી આત્મરામાનંદજી, નાં વક્તવ્યો યોજાયાં હતાં. કાર્યક્રમના અંતે સ્વામી વિવેકાનંદ જન્મજયંતી પ્રસંગે યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થી ભાઈ-બહેનોને પુરસ્કાર અપાયા હતા.

રામકૃષ્ણ મિશન, બેલુર મઠ દ્વારા નવનિર્મિત સ્વામી વિવેકાનંદ નગરનો સમર્પણવિધિ

રામકૃષ્ણ મિશન, બેલુર મઠ દ્વારા ગુજરાત ધરતીકંપ પુનર્વસન પ્રકલ્પ હેઠળ મોટા દહીંસરા ગામના ભૂકંપ પીડિત લોકો માટે આશરે રૂ. ૫૦ લાખના ખર્ચે નવનિર્મિત ૩૮ મકાનોનો સમર્પણવિધિ ૫ જાન્યુઆરી, ૨૦૦૩ના રોજ રામકૃષ્ણ મઠ-મિશનના આસિ. સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી શ્રીકરાનંદજી મહારાજના વરદ હસ્તે થયો હતો. આ પ્રસંગે રામકૃષ્ણ મિશન, લીંબડીના સેક્રેટરી સ્વામી આદિભવાનંદજી; રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તથા ઉપસ્થિત ગ્રામ્યજનોને સંબોધન કર્યું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૨૧મી સદીના નેતૃત્વ વિશે સેમિનાર

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૧૯ જાન્યુઆરી, ૨૦૦૩, રવિવારે સવારે ૮.૩૦ થી ૪.૦૦ વાગ્યા સુધી ‘૨૧મી સદીના નેતૃત્વ’ વિશે એક વિશિષ્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં રિલાયન્સ પેટ્રોલિયમ, જામનગરના તાલીમ વિભાગના નિષ્ણાત શ્રી આઈ. જી. કન્નને ત્રણ સત્રમાં વક્તવ્યો આપ્યાં હતાં. બીજા વક્તાઓ સ્વામી જિતાત્માનંદજીએ ‘૨૧મી સદીના નેતૃત્વમાં વૈશ્વિક આધ્યાત્મિકતાના આદર્શનું મહત્ત્વ’ વિશે વક્તવ્ય આપ્યું હતું. રાજકોટ રેલવેના ડિવિઝનલ મેનેજર, શ્રી પી.સી. સેહગલનું વક્તવ્ય પણ હતું. આ સેમિનારમાં બેંક, ઉદ્યોગો, વ્યાપાર, વ્યવસ્થાપન, શિક્ષણ, ચિકિત્સાસેવા ક્ષેત્રના ૩૦૦ પ્રતિનિધિઓએ રસપ્રદ પ્રશ્નોત્તરીના કાર્યક્રમમાં સક્રિય ભાગ લીધો હતો.

Total Views: 22
By Published On: September 8, 2022Categories: Sankalan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram