श्रोत्रियोऽवृजिनोऽकामहतो यो ब्रह्मवित्तम: ।
ब्रह्मण्युपरत: शान्तो निरिन्धन इवानल: ।
अहेतुकदयासिन्धु: बन्धुरानमतां सताम् ॥ (३३)

આ શ્લોકનો પ્રત્યેક શબ્દ અર્થ અને મહત્તાથી પરિપૂર્ણ છે. श्रोत्रियो – સાચો ગુરુ શ્રુતિઓના ભાવથી જ્ઞાત હોવો જોઈએ, માત્ર શબ્દ જ નહિ પરંતુ શાસ્ત્રોનો ભાવ પણ; એમનું જીવન શાસ્ત્રોના સંદેશ-ઉપદેશને અનુરૂપ હોવું જોઈએ. अवृजिनो – તેઓ પાપથી મુક્ત હોવા જોઈએ, કારણ કે કેવળ પાપમુક્ત વ્યક્તિ જ રક્ષા કરવાની ક્ષમતા ધરાવે છે. અને એ બધું એમને માટે સહજપ્રાપ્ય છે કે જેમણે નીતિ તથા સદાચારમાં પૂર્ણતા મેળવી લીધી હોય. अकामहतो – એમણે કોઈ પણ કામનાના ભોગી ન બનવું જોઈએ. એમણે સ્વાર્થપૂર્ણ ઇચ્છાઓના સંવેગોથી પૂર્ણત: મુક્ત બનવું જોઈએ; બીજાનું કલ્યાણ એ જ એમની એક માત્ર ઇચ્છા હોવી જોઈએ. ब्रह्मवित्तम: – તેઓ બ્રહ્મવેત્તાઓમાં શ્રેષ્ઠ હોવા જોઈએ, ઈશ્વરમાં તલ્લીન રહેનારા હોવા જોઈએ; જેથી તમે એને ગમે ત્યાં સ્પર્શ કરો તો તેમાં તમને ઈશ્વરનો અનુભવ થાય. शान्त: – જે પૂર્ણત: શાંત હોય; સ્વયં શાંત બન્યા વિના બીજામાં શાંતિ લાવી શકાતી નથી. એમણે ઉપદેશ આપવાની આવશ્યકતા નથી; પરંતુ તેઓ જ્યાં ક્યાંય પણ રહે છે, ત્યાં તેઓ એક સ્વયં જીવંત મંદિર, જીવતી જાગતી મસ્જિદ અને જીવતું જાગતું ગિરજાઘર બની જાય છે. એમણે ઈશ્વરનાં શ્રીચરણકમળનો સ્પર્શ કર્યો છે એટલા માટે આવું થાય છે. એમણે ઈશ્વરને કેવી રીતે પ્રાપ્ત કર્યા છે? निरिन्धन इवानल: – એમણે બળીને શમી ગયેલા અગ્નિની જેમ ઈશ્વરને પ્રાપ્ત કર્યા છે. માનવમનની તુલના પ્રજ્વલંત અગ્નિ સાથે કરવામાં આવી છે, કારણ કે એમાં રહેલી કામનાઓ પ્રજ્વલિત અગ્નિ જેવી છે અને એમના વિષયો ઈંધણ સમાન છે. સાચા ગુરુએ એક એવા માનવ બનવું જોઈએ કે જેનામાં કામનાનો પૂરેપૂરો અગ્નિ સંપૂર્ણ રીતે બળી ચૂક્યો હોય. જ્યારે અગ્નિમાં ઈંધણ પડવું બંધ થઈ જાય ત્યારે તે હોલવાઈ જાય છે અને શાંત બની જાય છે. આ જ એ મન છે કે જેણે સમસ્ત કામનાઓનો નાશ કરી નાખ્યો છે, જે આપ્તકામ, આત્મકામ અને અકામ બની ગયું છે – એ મન કે જેણે બધી કામનાઓ પૂરી કરી લીધી છે અને આત્મા જ જેની કામનાનો વિષય છે અને જે પ્રત્યેક દૃષ્ટિએ કામનાહીન છે. આપણા મનમાં વિવિધ કામનાઓ છે અને આપણે એની પૂર્તિ કરવા ઇચ્છીએ છીએ. પરંતુ, તેમનું (ગુરુનું) હૃદય પરિપૂર્ણ છે. એ હૃદય કેવી રીતે પરિપૂર્ણ થયું છે? કારણ કે એમની કામનાઓ આત્મા સાથે સંબદ્ધ છે. आप्तकामत्वे च आप्तकामता – આપ્તકામનાનું તાત્પર્ય છે હૃદયની પૂર્ણતા; આ એ ઉત્પ્રેરક તત્ત્વ છે કે જે બીજી બધી કામનાઓનો નાશ કરી નાખે છે.

આધુનિક મનોવિજ્ઞાનના મત પ્રમાણે અતૃપ્ત આકાંક્ષાઓના રૂપે કામના માનવના હૃદયમાં રહે છે. આપણી પ્રત્યેક કામના આપણા હૃદયના ખાલીપણાથી ઉત્પન્ન થાય છે, જે પરિપૂર્તિની લાલસા રાખે છે. એટલે બધી કામનાઓ આપણા હૃદયમાં એક ખાલીપણાની દ્યોતક છે. એને સંતુષ્ટ કરવા માટે બહારથી એક ક્રિયાની આવશ્યકતા રહે છે. આ રીતે પ્રત્યેક ક્રિયાની પાછળ બે અવસ્થાઓ છે : પહેલું તો ભીતર એક અભાવનો બોધ થાય છે, એક એવી પ્રવૃત્તિ જે સંતુષ્ટિ ઇચ્છે છે. આ પ્રવૃત્તિ પોતાને અનુકૂળ એ વસ્તુ માટે એક ઇચ્છાનું રૂપ લઈ લે છે. જે ઇચ્છા આ સંતુષ્ટિ આપવામાં સક્ષમ હોય અને અંતે એ ઇચ્છાની સંતુષ્ટિ માટે ક્રિયા પણ થાય છે. મનોવિજ્ઞાનમાં મનુષ્યની ભૂખ, યૌન આદિ ચૌદ પ્રાથમિક પ્રવૃત્તિઓની યાદી બનાવી છે. ઉદાહરણ તરીકે એ બધીમાંથી સર્વાધિક સુપરિચિત ભૂખને લેવાથી આપણને એની ત્રણ અવસ્થાઓ જોવા મળે છે : (૧) ભીતરની પ્રવૃત્તિ, (૨) કોઈ બાહ્યવસ્તુની ઇચ્છા, (૩) એ વસ્તુને પ્રાપ્ત કરવાની ક્રિયા. અંતિમ અવસ્થાની ક્રિયા એ પ્રવૃત્તિની સંતુષ્ટિમાં સમાપ્ત થાય છે. જ્યારે પેટ ભરેલું હોય છે ત્યારે ભૂખ લાગતી નથી, ત્યારે ભોજન લેવાની ઇચ્છા રહેતી નથી અને એ પ્રમાણે એ પ્રવૃત્તિની સંતુષ્ટિ માટે ક્રિયા પણ થતી નથી. એટલે ક્રિયા ભીતરની પ્રવૃત્તિ અને તેને અનુરૂપ બાહ્ય વસ્તુ માટેની ઇચ્છા પર નિર્ભર છે. આ પ્રવૃત્તિના અભાવે ન તો ઇચ્છા થાય કે ન ક્રિયા. જીવન ક્રિયાઓનું એક ચક્ર છે, કારણ કે હૃદય પ્રવૃત્તિઓ તથા ઇચ્છાઓનો જ્વાળામુખી છે. જો તમે એક એવા અસ્તિત્વની કલ્પના કરી શકો કે જેનામાં આ પ્રવૃત્તિઓ તથા કામનાઓ વિદ્યમાન ન હોય તો એ અવસ્થા એવી હશે કે જે કામનાપ્રેરિત ક્રિયાઓથી પણ મુક્ત છે. વેદાંત પૂર્ણતાની એક અવસ્થા વિશે વાત કરે છે જે ઇચ્છાઓ, કામનાઓ તથા કામનાપ્રેરિત કર્મોથી મુક્ત છે. આ અકામતા – કામનાહીનતા – આત્મકામતા – આત્માની કામનાથી આવે છે. ક્યાંક આપણે ભ્રમવશ આ અવસ્થાને હૃદયનું ખાલીપણું કે મૃત્યુ ન સમજી લઈએ એટલા માટે વેદાંત આ અવસ્થા સાથે એક ત્રીજી વિશેષતાને પણ જોડે છે. જે અવસ્થા જીવની પૂર્ણતાનું દ્યોતક છે – એ છે આપ્તકામતા. કોઈ પણ કામનારહિત શાંત મનની તુલના એક એવા સુંદરશાંત સરોવર સાથે કરવામાં આવી છે કે જેમાં કોઈ પણ પ્રકારની લહર – આંદોલન નથી. સરોવરમાં એક પથ્થર ફેંકતાં તેની શાંતિમાં ભંગ પડે છે; એવી જ રીતે આપણા મનમાં ઉઠનારી કામનાઓ એમાં તરંગ ઉત્પન્ન કરે છે. સામાન્ય જીવનમાં ગહન નિદ્રાવસ્થા સિવાય મન બીજા કોઈપણ સમયે શાંત હોતું નથી. ધ્યાન તથા આત્મસંયમ દ્વારા જ મનની આ શાંતિને પોતાની જાગ્રત અવસ્થાની એક વિશેષતાના રૂપે સ્થાપિત કરવી પડશે. આ શાંતિનો એકાદ કણ પણ આપણા દૈનંદિન જીવન માટે એક મહાન સંપત્તિ છે. તો પછી એક પૂર્ણતાપ્રાપ્ત માનવ દ્વારા ઉપલબ્ધ પૂર્ણશાંતિનું મૂલ્ય તથા તેની શક્તિની વાત જ શું! તેઓ એક ઉત્તમ ગુરુ છે, કરુણાના સાગર છે – अहेतुकदयासिन्धु: – એમની દયા આખા જગતને શાંત કરવા માટે એક સ્થિર ધારાના રૂપે પ્રવાહિત બને છે; એમનો પોતાનો કોઈ સ્વાર્થ જ નથી કે જેને માટે તેઓ તે પ્રવાહને રોકી દે. દયાનો આ સાગર પોતાના કિનારાની ઉપરથી વહે છે અને આસપાસના લોકોનાં મનને શાંત કરવા ઇચ્છે છે. એ પોતાના નિકટના દ્વન્દ્વ તથા સંશયથી ગ્રસ્ત લોકોમાં પોતાના સૂરનો સંચાર કરી દેવા ઇચ્છે છે. તે અહેતુક કાર્ય કરે છે. એમનો પ્રેમપ્રવાહ આપણી પાસેની કોઈ પણ વસ્તુ પર નિર્ભર હોતો નથી. એમાં કોઈ કૃત્રિમ પ્રયાસ નથી હોતો, એ સહજભાવથી જ ઉમટી પડે છે. આ દયામાં કોઈ પણ પ્રકારનો શરતીસંબંધ નથી હોતો. बंधु: आनमतां सताम् – તેઓ પોતાનું શરણ લેનાર બધા લોકોના મિત્ર છે. એવા ગુરુ આપણા વિશ્વસનીય મિત્ર બનશે, કારણ કે તેઓ જે કંઈ પણ કરશે તે બધું આપણા ભલા માટે જ હશે.

શંકરાચાર્ય કહે છે કે જો આપણને આવી એક વ્યક્તિ મળી જાય તો આપણે એમના શરણમાં જવું જોઈએ. આવા જ ગુરુ આપણને ઉન્નત કરવા માટે ખરેખર કંઈક કરી શકે છે. પરંતુ દુર્ભાગ્યવશ આવા ગુરુ અત્યંત વિરલ છે અને એવા વિરલ લોકો સિવાય બીજા કોઈની સામે સમર્પણ કરવું એ ખતરાના ખેલ જેવું છે. અત: જ્યાં સુધી એવા શિક્ષક-ગુરુનો આશ્રય ન મળે ત્યાં સુધી આપણે પોતાની જાત પર જ નિર્ભર રહેવાનું શીખવું પડશે. પરંતુ આપણે ઓછી ક્ષમતાવાળા પથપ્રદર્શકોની સહાય પણ લઈ શકીએ ખરા. જો આપણી પાસે એક સક્રિય મસ્તિષ્ક હોય તો આપણે કોઈપણ વ્યક્તિ પાસેથી શિક્ષાસંદેશ ગ્રહણ કરી શકીએ છીએ. સક્રિય મસ્તિષ્ક પ્રકૃતિની દરેક વસ્તુ પાસેથી શિક્ષાસંદેશ મેળવી શકે છે. એવી વ્યક્તિ માટે પ્રકૃતિની દરેક વસ્તુ જ્ઞાનનું એક સ્રોત છે. એમને માટે પ્રત્યેક નદી અને ઝરણું એ ગુરુ છે. એટલે સૌથી સારું તો એ છે કે આપણે આપણી પોતાની સ્પષ્ટ સમજણ પર જ આધાર રાખતા શીખીએ. સાધારણ ગુરુઓના હાથમાં આપણી સ્વાધીનતા સોંપી દેવી એ નરી મૂર્ખતા છે. વેદાંત એની અનુમતિ આપતું નથી. પરંતુ અર્જુનની બાબતમાં, એમનું એ સદ્‌ભાગ્ય હતું કે તેઓ શ્રીકૃષ્ણ સમાન એક જગદ્‌ગુરુને મેળવી શક્યા હતા. એટલે અર્જુન એમનું શરણું લે છે. આપણા સંદર્ભમાં સંભવ છે કે શ્રીકૃષ્ણ સદેહે ઉપસ્થિત ન થાય અને એમના શ્રવણીય અવાજમાં આપણી સાથે ન બોલે, પરંતુ એમના ઉપદેશ-સંદેશ તો આપણને સ્પષ્ટભાષામાં પ્રાપ્ત થાય છે. માત્ર એમની સદેહે ઉપસ્થિતિને છોડીને આપણે એમના સંદેશ-ઉપદેશની મદદ તથા બીજી ઘણી સુવિધાઓ પ્રાપ્ત કરી શકીએ છીએ.

વળી, જ્ઞાનની ઉપલબ્ધિમાં વિનમ્રતા એક અનિવાર્ય શરત છે. સાંસારિક જ્ઞાન માટે કદાચ એની એટલી બધી આવશ્યકતા ન હોય, આમ જુઓ તો તેને એમાં પણ કંઈક ને કંઈક જરૂરત તો છે જ. પરંતુ જ્યારે તમે આધ્યાત્મિક જ્ઞાનના ક્ષેત્રમાં આવો છો ત્યારે વિનમ્રતા પૂરેપૂરી આવશ્યક બને છે. અર્જુનની વિનમ્રતા શક્તિમાંથી ઉત્પન્ન થઈ હતી, અત: એ સાચી વિનમ્રતા હતી. બધા લોકોના જીવનમાં આવા અવસર આવે છે, જ્યારે તેઓ પોતાની પરિસ્થિતિઓના દબાણ તથા તણાવનો અનુભવ કરે છે અને ત્યારે એમનું પૂરેપૂરું વ્યક્તિત્વ ઝૂકી પડે છે અને વિનયપૂર્વક જ્ઞાન માટે યાચના કરવા માંડે છે. અર્જુન જ્યારે પૂરી વિનમ્રતા સાથે શ્રીકૃષ્ણ પાસેથી માર્ગદર્શન માટે અનુરોધ કરે છે ત્યારે તે એક આવી જ મન:સ્થિતિમાં છે. ઉપદેશનું બીજ પ્રાપ્ત થવા, તેના અંકુરિત થવા તથા તેના ફળદાયી બનવા માટે જેવી મન:સ્થિતિ આવશ્યક છે એવી જ મન:સ્થિતિમાં અર્જુન હતો. આ વિનમ્રતા તથા ગંભીરતાના અભાવે બધી નૈતિક તથા આધ્યાત્મિક શોધનાઓ પોતાની ફળદાયિની શક્તિ ગુમાવી બેસે છે. બધી નિરર્થક શોધનાઓ નિષ્ફળ છે. સડક પર પસાર થતા વ્યક્તિના મનમાં એક નિરર્થક પ્રશ્ન ઊભો થાય છે: ‘શું ઈશ્વરનું અસ્તિત્વ છે?’ અને તે વ્યક્તિ તેના ઉત્તર માટે રાહ પણ નથી જોતો, એનાથી તે ઉદાસીન છે. એને માટે આ પ્રશ્નનું કોઈ તાત્પર્ય નથી. મોટાભાગના લોકોની બાબતમાં ઈશ્વર તથા આધ્યાત્મિક જીવન વિષયક પ્રશ્ન આ શ્રેણીમાં આવે છે. ગંભીરતાનું સમર્થન મેળવ્યા વિનાના પ્રશ્ન તથા તેમના ઉત્તર પોતાની જીવંતતા તથા ફલપ્રસવતાને ગુમાવી બેસે છે. કોઈ વિષયમાં રુચિ લેવાથી એના જ્ઞાનનું મૂલ્ય વધી જાય છે. અર્જુનની બાબતમાં પણ આ એને માટે એક જ્વલંત પ્રશ્ન હતો. અર્જુનનો પ્રશ્ન પણ નૈતિક સંઘર્ષની ભઠ્ઠીમાંથી નિકળ્યો હતો. પ્રશ્નની આ સજીવતા એના ઉત્તરને પણ દસગણો જીવંત બનાવી દે છે.

આ રીતે ભગવદ્‌ગીતાનો ઉપદેશ-સંદેશ આરંભ થાય છે. એમાં પ્રસ્તુત થયેલી સમસ્યા કિંકર્તવ્યવિમૂઢતા જે નૈતિક કર્તવ્યોના દ્વન્દ્વમાંથી ઉત્પન્ન થાય છે, એના ઉત્તરમાં અપાયેલું જ્ઞાન એ સમસ્યાને દૂર કરવા માટે છે. શું શ્રીકૃષ્ણના ઉપદેશ અર્જુનના મનની મૂંઝવણોને દૂર કરી શક્યા? જો એવું કરી શક્યા હોય તો એ બધા ઉપદેશ આપણા માટે પણ સન્માનપૂર્વક સ્વીકૃતિ કરવા યોગ્ય છે. અર્જુનની બાબતમાં આપણે નિશ્ચિત રૂપે કહી શકીએ છીએ કે શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલા જ્ઞાને એના મનના દ્વન્દ્વને દૂર કરી દીધો હતો. ૧૮મા અધ્યાયમાં શ્રીકૃષ્ણ અર્જુનને પૂછે છે:

बच्चिदेतच्छुतं पार्थ त्वयैकाग्रेण चेतसा ।
कच्चिदज्ञानसंमोह: प्रनष्टस्ते धनंजय ॥७२॥

‘હે પાર્થ, શું તેં એકાગ્રચિત્તે એને સાંભળ્યું; હે ધનંજય શું તારા અજ્ઞાનની ભ્રાંતિ દૂર થઈ?’ અર્જુને ઉત્તરમાં કહ્યું: 

नष्टो मोह: स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत ।
स्थितोऽस्मि गतसन्देह: करिष्ये वचनं तव ॥७३॥

‘હે અચ્યુત, તમારી કૃપાથી મારા મોહ નાશ પામ્યા છે, સંશય દૂર થઈ ગયા છે અને સ્મૃતિ પાછી મળી છે. હવે તમે જે કંઈ પણ આજ્ઞા આપશો હું એવું જ કાર્ય કરીશ.’

સાચા જ્ઞાન વિના સંશય કેવી રીતે દૂર થઈ શકે? રચનાત્મક સંશય જ જ્ઞાનની ચાવી છે અને જ્ઞાનનો ઉદય થતાં બધાં સંશયોનો નાશ થઈ જાય છે. જીવનના સંદર્ભમાં દર્શનની આ જ ઉપયોગીતા છે. જીવન ડગલે ને પગલે સમસ્યાઓ ઊભી કરે છે. મન શંકાઓ તથા મૂંઝવણોથી ઘેરાઈ જાય છે; અને આપણે માર્ગદર્શન માટે દર્શન શાસ્ત્રના જ્યોતિર્મયજ્ઞાન તરફ ઉન્મુખ બનીએ છીએ. પ્રત્યેક વ્યક્તિ પાસે થોડું ઘણું જ્ઞાન તો હોય છે અને એની સહાયતાથી તે જીવનની શાંત ધારાને પાર કરે છે. પરંતુ જીવનમાં આંધીતોફાન આવતાં આ અલ્પજ્ઞાન કે જ્ઞાનપ્રકાશ આપણા કામમાં આવતું નથી. ત્યારે માણસનું મન સ્થિરપ્રકાશની શોધના કરે છે અને પૂછે છે : ‘શું આનાથી પણ કોઈ વધારે સારો ઉજ્જ્વળ પ્રકાશ છે, એવો નિષ્કમ્પ પ્રકાશ જે દરેક પરિસ્થિતિમાં ઉપયોગી બની શકે?’ આપણે એક વધારાનું પણ વધુ સ્થિર જ્ઞાન ઇચ્છીએ છીએ, જે જ્ઞાન જીવનની દરેક પરિસ્થિતિમાં આપણને સહારો આપી શકે. દર્શન આ જ્ઞાનની શોધ છે. જે સ્વયં સ્થિર છે અને જે જીવનના લપસણા માર્ગ પર પોતાના પગને સ્થિર રાખવામાં આપણને સહાયતા કરી શકે છે. પરિસ્થિતિઓનાં તોફાનોની વચ્ચે જીવનની નાવને હંકારવા માટે આપણે એક સ્થિર જ્ઞાનનું માર્ગદર્શન ઇચ્છીએ છીએ. આપણને આ જ્ઞાન આપવાની ક્ષમતા વેદાંતમાં છે. એ જ્ઞાન આપણા પગને સ્થિર તથા મસ્તિષ્કને દૃઢ રાખી શકે છે. શ્રીકૃષ્ણ આપણને આ જ જ્ઞાન આપવા માગે છે; સંશય તથા મૂંઝવણોની વચ્ચે વ્યવસ્થા ઊભી કરવા માટે તેઓ આપણને સાચું જ્ઞાન આપવા ઇચ્છે છે. આ શિક્ષાબોધના ફળસ્વરૂપે આપણે અર્જુનને એમ કહેતો જોઈએ છીએ કે તેના સંશય દૂર થઈ ગયા છે અને તે આદેશ પ્રમાણે કરવા તૈયાર છે. પરંતુ શ્રીકૃષ્ણ એને આ કે તે કરવાનો નિર્દેશ નથી આપતા. તેઓ કહે છે: 

इति ते ज्ञानमाख्यातं गुह्याद् गुह्यतरं मया ।
विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु ॥६३॥

‘આ રીતે મેં તને સૂક્ષ્મથી સૂક્ષ્મતર જ્ઞાન દીધું છે. એની બરાબર પરીક્ષા કરીને તને જે યોગ્ય લાગે તેવું કર.’

શ્રેષ્ઠ ગુરુ એ છે જે પોતાના સુનિશ્ચિત સમાધાનને બીજા પર ન લાદી દઈને, શિષ્યો દ્વારા પોતાની સમસ્યાઓનું સમાધાન કરવામાં સહાયતા કરે છે. તેઓ કદી શિષ્યોની સ્વયં નિર્ણય લેવાની સ્વાધીનતાને સમર્પિત કરવાનું કહેતા નથી. કોઈ મોટા નામનો ઉલ્લેખ થવાનું પરિણામ એ ન હોવું જોઈએ કે આપણે આપણી પોતાની નિર્ણય લેવાની સ્વાધીનતાને સમર્પિત કરી દઈએ. શ્રીકૃષ્ણ અને બુદ્ધદેવ આ જ કહે છે. વસ્તુત: દરેક સાચા ગુરુ એક જ વાત કહેશે. તેઓ જે કંઈ પણ કહે છે એને બરાબર ચકાસી જુઓ અથવા યમે કઠોપનિષદમાં કહ્યું છે તેમ ‘તેની ચારે તરફ જાઓ અને બધી બાજુએથી તથા સમગ્ર દૃષ્ટિઓથી તેનું બરાબર પરીક્ષણ કરો.’ પહેલાં ગુરુ તથા એમના બોધની પરીક્ષા કરો અને પછી તેમને સ્વીકારો. શ્રીરામકૃષ્ણ કહેતા: ‘જેવી રીતે ખજાનચી રૂપિયાને બરાબર ખખડાવી ખખડાવીને તેની ચોક્સાઈ કરીને લે છે તેવી રીતે તમે મારી પરીક્ષા કરજો.’ સ્વામી વિવેકાનંદને એમણે આવું કહ્યું હતું. એવા કેટલા ગુરુ હશે કે જે આ જાતની પરીક્ષામાંથી બરાબર પાર ઊતરી શકે! આપણે એ જોવું પડશે કે એમનામાંથી કેટલામાં સાચો રણકાર નીકળે છે. એક સાચો ગુરુ કહેશે: ‘મારું કાર્ય છે તમારા હાથમાં દીપક પકડાવી દેવાનું અને તમારે પોતે જ પોતાના માર્ગ ઉપર ચાલવું પડશે.’ દર્શન એક દીપક છે જેને અજ્ઞાનના જંગલમાં તમે એક માર્ગદર્શક રૂપે લઈ જઈ શકો છો. ૧૦મા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ફરીથી કહે છે : ‘હું સાધકના હૃદયમાં નાનો જ્ઞાનદીપ રાખી દઉં છું જેનાથી તેઓ પોતાનો રસ્તો આપમેળે મેળવી લેશે. મારું કાર્ય તો કેવળ દીવડાને પ્રકટાવી દેવાનું છે.’ આવી જ નાની એવી સહાયતા આપણને બહાર મળે છે, પરંતુ આપણે એનો બરાબર ઉપયોગ કરીએ એટલું જ પૂરતું છે. સાચો ગુરુ પોતાને માટે અને સાથે ને સાથે શિષ્ય માટે પણ સ્વાધીનતાની માગણી કરે છે. એવી જ રીતે આપણે પોતાના જ ઢાળામાં શિષ્યને ઢાળીએ છીએ. જો ગુરુ એક નાનો ઢાળો હોય તો જે શિષ્યને એમાં ઢાળવામાં આવ્યો છે તે શિષ્ય પણ એવો જ બનશે; પછી ભલે તેનામાં વધારે ક્ષમતા કેમ ન હોય. જે ગુરુ પોતે જ મૂંઝવણમાં પડ્યા હોય તે શિષ્યમાં વધારાની સમસ્યાઓ પેદા કરશે. અત: આ વિશે મૂલ્યાંકન સ્વાધીનભાવથી થવું જોઈએ.

ગીતાના ૧૮ અધ્યાયોમાં આપણે એક એવા દર્શનની સન્મુખ જઈએ છીએ, જે એવું ઉદ્ધારક જ્ઞાન આપવા ઇચ્છે છે કે જેના દ્વારા લોકો સ્વયં પોતાની મુક્તિ મેળવી શકે, આ એની સક્રિય વિશેષતા છે. આ જ્ઞાનને ગ્રહણ કરવું તથા એને કામમાં લગાડવું એ આપણા પોતાના પ્રયાસો પર નિર્ભર રહે છે. વેદાંતની દૃષ્ટિએ દર્શનને કેવળ બૌદ્ધિક અધ્યયન કે ચર્ચા સુધી સિમિત ન રાખવું જોઈએ પણ એને જીવન તથા તેની સમસ્યાઓ સાથે ઘનિષ્ઠતાપૂર્વકનો સંબંધ હોવો જોઈએ. એ જ્ઞાન જીવન દ્વારા પોષિત થવું જોઈએ અને એના બદલામાં એણે પણ જીવનને પુષ્ટ કરવું જોઈએ. ગીતાના આગામી શ્લોકોમાં આ દર્શનની અભિવ્યક્તિ થશે.

Total Views: 23
By Published On: September 9, 2022Categories: Ranganathananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram