ભક્તિનાં વિવિધ સ્વરૂપો

ભક્તિશાસ્ત્રમાં ઈશ્વર પ્રત્યે પરમ પ્રેમભાવને રાગાત્મિકા, અહૈતુકી કે સુખ્યા ભક્તિ કહી છે. રાગ એટલે ઈષ્ટ અથવા અભિલષિત વસ્તુમાં રસ સહિત પરમ પ્રેમભાવ અથવા અવિષ્ટતા. જેમ નદીઓ સહજ ભાવે સમુદ્ર તરફ વહે છે, તથા પુષ્પો સ્વત: સુગંધ ફેલાવે છે, તેવી જ રીતે મનનું ઈશ્વર પ્રત્યે સહજ ખેંચાણ તેનું નામ જ રાગાત્મિકા ભક્તિ. જ્યારે મન કોઈપણ જાતના પ્રયત્ન વિના ઈશ્વર તરફ વળે, ત્યારે જ રાગાત્મિકા ભક્તિ થઈ છે એમ જાણવું. અહૈતુકી ભક્તિ એટલે કોઈ પણ જાતની વાસના વિનાની ભક્તિ. આવી ભક્તિમાં ભગવાનનાં દર્શન સિવાય બીજી કશી વસ્તુની ઇચ્છા હોતી નથી, તે એટલી હદ સુધી કે મુક્તિની પણ આકાંક્ષા હોતી નથી.

ભગવાન શ્રીમદ્‌ભાગવતમાં કહે છે કે જે ભક્તે મને આત્મસમર્પણ કર્યું છે તે બ્રહ્માનું પદ, ઈંદ્રપદ કે સાર્વભૌમ પદ અથવા પાતાળનું આધિપત્ય કિંવા યોગસિદ્ધિ કે મોક્ષ પણ મેળવવાની ઇચ્છા રાખતો નથી.

यदि भवति मुकुन्दे भक्तिरानन्दसान्द्रा ।
विलुठति चरणाब्जे मोक्षसाम्राज्यलक्ष्मी: ॥

(ભક્તિરસામૃતસિંધુ)

જેને ભગવાનમાં અતિશય આનંદવાળી ભક્તિ ઉત્પન્ન થાય છે તે ભક્તના ચરણમાં મોક્ષસામ્રાજ્યની લક્ષ્મી, ‘મને ગ્રહણ કરો’, ‘મને ગ્રહણ કરો’, એમ કહીને આળોટે છે. કહેવાનો અર્થ એ છે કે ભક્ત મુક્તિની આકાંક્ષા રાખતો નથી, પણ મુક્તિ તેની પાછળ પાછળ ઘૂમે છે.

આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે મોક્ષની પ્રાપ્તિ પણ જે ભક્તિમાં તુચ્છ જણાય છે, તેજ અહૈતુકી ભક્તિ છે. આવી ભક્તિમાં કૃતજ્ઞતાને પણ સ્થાન નથી. ભગવાને મને આવી સુખ સામગ્રી આપી છે, માટે મારે તેની ભક્તિ કરવી જોઈએ – આ જાતના વિચારોને સ્થાન જ નથી. કેમ કે અહૈતુકી એટલે કોઈ પણ જાતના હેતુ-કારણ-વિનાની ભક્તિ. એ ભક્તિનું મૂળ સૂત્ર ‘પ્રેમને ખાતર જ પ્રેમ’ – એ છે. ઈશ્વર પ્રિય છે માટે જ તેના ઉપર પ્રેમ કરું છું – આ જાતની ભાવના એમાં સ્વાભાવિક રીતે હોય છે. અહૈતુક ભક્ત ઈશ્વર સિવાય બીજી કોઈ પણ વસ્તુમાં પ્રેમ રાખતો નથી. મુખ્યા ભક્તિ પણ આનું જ નામ છે.

ઉચ્ચકોટિની અને નિમ્નકોટિની – એવા ભક્તિના બે ભેદ છે. રાગાત્મિકા, મુખ્યા અને અહૈતુકી – એ ઊંચા પ્રકારની ભક્તિ છે, વૈધી, હૈતુકી અને ગૌણી એ ઉતરતા દરજ્જાની છે. નિકૃષ્ટ પ્રકારની ભક્તિથી શરૂઆત કરી સાધકો શ્રેષ્ઠ પ્રકારની ભક્તિના અધિકારી થાય છે. ભક્તિરસામૃતસિંધુમાં કહ્યું છે :

वैधभक्त्यधिकारी तु भावाविर्भावनावधि ।
तत्र शास्त्रं तथा तर्कमनुकूलमपेक्षते ॥

જ્યાં સુધી ભાવનો આવિર્ભાવ ન થાય ત્યાં સુધી વૈધી ભક્તિની સાધના કરવી. વૈધી ભક્તિ, શાસ્ત્ર અને અનુકૂળ તર્કની અપેક્ષા રાખે છે. ભાવ હોય તો રાગ આવે, અને રાગમાંથી રાગાત્મિકા ભક્તિનો ઉદય થાય.

ભક્તિશાસ્ત્રનાં શ્રવણમનનથી તથા ભગવાન સંબંધી યુક્તિ અને તર્ક કર્યા કરવાથી ભગવાન પ્રત્યે આકર્ષણ થાય છે. અને આ આકર્ષણમાંથી ભાવ ઉત્પન્ન થાય છે, ભાવમાંથી રાગ અને છેવટે રાગમાંથી રાગાત્મિકા ભક્તિ જન્મે છે.

હવે હૈતુકી ભક્તિ સંબંધી વિચાર કરીએ. હૈતુકી ભક્તિ એટલે કોઈ હેતુ-કારણ-સર ભગવાનની ભક્તિ કરવી તે. ભગવાને મને સુખસંપત્તિ આપી છે, તે આફતમાંથી મારો બચાવ કરે છે, મારી આશાઓ પૂરી કરશે. અમૂક પ્રકારે પૂજા કરવાથી અમુક વસ્તુઓનો લાભ થશે, આ જાતના ભાવથી કરેલી ભક્તિ હૈતુકી ભક્તિ છે. આ ભક્તિ નિકૃષ્ટ છે, પણ એમાંથી આગળ વધતાં વધતાં અહૈતુકી ભક્તિની પ્રાપ્તિ થાય છે. ધ્રુવે પ્રથમ હૈતુકી ભક્તિથી શરૂઆત કરી હતી. રાજ્યપદની પ્રાપ્તિ માટે તેણે ભગવાનની આરાધના શરૂ કરી, એમ સમજીને કે ભગવાન તેની આશા પરિપૂર્ણ કરશે. જેમ જેમ એની સાધનામાં વધારો થતો ગયો, તેમ તેમ તેનું અંત:કરણ વધારને વધારે ઊંચી જાતના ભાવોથી રંગાતું ગયું અને જ્યારે ભગવાનનાં દર્શન થયાં, ત્યારે તો તેની ભક્તિ તદ્દન અહૈતુકી થઈ ગઈ અને તેણે એવી પ્રાર્થના કરી કે :

स्थानाभिलाषी तपसि स्थितोऽहम् ।
त्वां प्राप्तवान्देवमुनीन्द्रगुह्यम् ॥
काचं विचिन्वन्नाप दिव्यरत्नम् ।
स्वामिन् कृतार्थोऽस्मि वरं न याचे ॥

(ભક્તિ સુધોદય)

‘રાજ્યપદની ઇચ્છાથી મેં તપની શરૂઆત કરી હતી. પ્રભુ! કાચનો ટૂકડો શોધતાં શોધતાં જેમ દિવ્ય રત્ન મળી જાય, તેમ મને તમારી પ્રાપ્તિ થઈ ગઈ હું કૃતાર્થ થયો છું, હવે મારે બીજું વરદાન જોઈતું નથી.’

સુધાની પ્રાપ્તિ થયા પછી પાણી અથવા દૂધની ઇચ્છા કોણ કરે? ઈશ્વર સાક્ષાત્કાર થયા પછી તુચ્છ સાંસારિક પદાર્થોની ચાહના રહેતી નથી. આવી સ્થિતિમાં જ પ્રેમની ખાતર પ્રેમનો ઉદય થાય છે.

ગુણભેદે ભક્તિના ત્રણવિભાગ પડી શકે. તામસી ભક્તિમાંથી રાજસી ભક્તિ અને રાજસી ભક્તિમાંથી સાત્વિકી ભક્તિનો જન્મ થાય છે. આ સાત્વિકી ભક્તિ જ છેવટે મુખ્યા ભક્તિમાં પરિણત થાય છે.

તામસી, રાજસી અને સાત્વિકી એ ત્રણે ભક્તિ સકામ છે. ચોરો દેવનું પૂજન કરીને લૂંટફાટ કરવા નીકળે છે. તે ભક્તિને તામસી ભક્તિ કહે છે; રાજસી ભક્તિનાં ભક્ત ભગવાન પાસે પુત્ર, ધન, યશ, આદિની કામના કરે છે, તેમજ જો કોઈએ તેનું અનિષ્ટ કર્યું હોય તો પ્રભુ પાસે પોતાના શત્રુનું અનિષ્ટ થવા પ્રાર્થના કરે છે.

સાત્વિકી ભક્તિમાં ભક્ત ઐહિક ભોગ પ્રત્યે ઉદાસીન હોય છે, પણ મુક્તિની કામના તો કરે છે. મુખ્યા ભક્તિ તદ્દન નિષ્કામ છે, એ જાતની ભક્તિમાં મુક્તિની ઇચ્છા પણ હોતી નથી. ઉપર જણાવેલ ત્રણ પ્રકારની ભક્તિ ગૌણી ભક્તિ છે; તેમાંથી ધીરે ધીરે સાધકને મુખ્યા ભક્તિનો લાભ થાય છે. આ ભક્તિને કેટલાક શુદ્ધાભક્તિ તરીકે ઓળખે છે.

સાધારણ રીતે સાધકોમાં ભક્તિનો ઉદય નીચેના ક્રમ પ્રમાણે જાવા મળે છે:

(૧) આર્ત, (૨) જિજ્ઞાસુ, (૩) અર્થાથી, (૪) જ્ઞાની.

૧. આફતમાંથી બચવા માટે જે ભગવાનની ભક્તિ કરે છે તે આર્ત ભક્ત કહેવાય છે.

૨. ત્યાર પછી તેનામાં જિજ્ઞાસા જન્મે છે. ભગવાન છે કે નહિ? હોય તો તે મળી શકે કે નહિ? તેની પ્રાર્થના કરવાથી ફળ મળે છે કે નહિ? આવી આવી જિજ્ઞાસાનો ઉદય થાય છે.

૩. ભગવાન છે અને તે સર્વશક્તિમાન છે, એવો વિશ્વાસ ગયા પછી સાધરણ ભક્ત પોતાના ભોગને માટે તેની પાસે ઘણા ઘણા પદાર્થો માગે છે. ધન, સંપત્તિ, માન, પુત્રાદિની પ્રાર્થના કરનારા ભક્ત અર્થાર્થી કહેવાય છે.

૪. જ્ઞાનીની ભક્તિ હેતુ વિનાની હોય છે; અને તેની ભક્તિ જ રાગાત્મિકા કહેવાય છે. અનન્ય ભાવે ભગવાનની ભક્તિ કરનાર જ્ઞાની ભક્ત જ સર્વશ્રેષ્ઠ છે. પહેલા ત્રણ પ્રકારના ભક્તો નિકૃષ્ટ શ્રેણીના છે. તેઓ કેવી રીતે શ્રેષ્ઠ પ્રકારની ભક્તિનો લાભ કરે છે તે ભક્ત ધ્રુવના દૃષ્ટાંતમાં બતાવ્યું છે.

ભક્તિમાં શાંતાદિ પાંચ ભાવ

અદ્વૈતભાવ અને તેમાંથી ઉપલબ્ધ નિર્ગુણ બ્રહ્મની વાત એક બાજુ રાખીને વિચાર કરીએ, તો જોવામાં આવશે કે આધ્યાત્મિક રાજ્યમાં ભક્ત અને ભગવાનનો સંબંધ પાંચ પ્રકારનો હોય છે. ભક્તિ-શાસ્ત્ર એ પાંચ વિભાગ નીચે પ્રમાણે આપે છે :

શાંત, દાસ્ય, સખ્ય, વાત્સલ્ય અને મધુર. આ પ્રત્યેક ભાવની સાધ્ય વસ્તુ ઈશ્વર એટલે કે સગુણ બ્રહ્મ છે. સાધક ઉપર ગણાવેલા પાંચ ભાવમાંથી એક ભાવનું અવલંબન કરીને પોતાના ઈષ્ટ ઈશ્વરને પ્રત્યક્ષ કરવા મથે છે; અને સર્વજ્ઞ, સર્વાન્તર્યામી ઈશ્વર પણ તેની એકનિષ્ઠા અને ઐકાન્તિકતા જોઈને પોતાના ભક્તોને કૃતાર્થ કરવા માટે તે તે ભાવને અનુરૂપ સ્વરૂપ ધારણ કરીને દર્શન આપે છે.

यो यो यां यां तनुं भक्त श्रद्धायार्चितुमिच्छति ।
तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम् ॥

(ગીતા, અધ્યાય ૭-૨૧)

તથા

ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् ।
मम वर्त्मानुवर्तन्ते मनुष्या: पार्थ सर्वश: ॥

(ગીતા, અધ્યાય ૪-૧૧)

ભાવમય મૂર્તિ ધારણ કર્યાના તથા મનુષ્યદેહમાં અવતરીને પણ ભક્તોની ઇચ્છા પૂર્ણ કર્યાનાં અનેક દૃષ્ટાંતો આપણાં ધર્મશાસ્ત્રોમાંથી તથા ભક્તોનાં જીવનમાંથી મળી આવે છે. નરસિંહ મહેતા, મીરાંબાઈ, તુલસીદાસ, તુકારામ આદિ ભક્તપ્રવરોનાં જીવન વાંચવાથી આપણને તેની સાબિતી મળશે.

સંસારમાં મનુષ્ય મનુષ્ય વચ્ચે જે અનેક સંબંધો નજરે પડે છે તેનું સૂક્ષ્મ અને શુદ્ધ સ્વરૂપ ઉપર જણાવેલા પાંચ ભાવોમાં આપણને જોવામાં આવશે. ભક્તાચાર્યો ભક્તની યોગ્યતા પ્રમાણે એ પાંચમાંથી એક ભાવનું અવલંબન કરી ઈશ્વરમાં તેનું આરોપણ કરવાનો ભક્તને ઉપદેશ આપે છે. આ જાતના ભાવોથી જીવ સારી રીતે પરિચિત હોય છે. તેથી આવા ભાવનું અવલંબન કરી ઈશ્વર સાક્ષાત્કાર માટે અગ્રેસર થવાનો માર્ગ સુગમ થાય છે.

આથી બીજો લાભ એ થાય છે કે પહેલાં જે વૃત્તિઓનો પ્રબળ વેગ મનુષ્યને સંસારમાં ખેંચી તેની પાસે કુકર્મ કરાવતો હતો, તે વૃત્તિઓનો વેગ ઈશ્વર સાથે આ જાતનો શુદ્ધ સંબંધ બાંધવાથી મનુષ્યને કોઈપણ જાતની હાનિ કરી શકતો નથી; એટલું જ નહિ પણ પહેલાં સાંસારિક કાર્યોમાં રચીપચી રહેતી વૃત્તિ હવે મનુષ્યને ઈશ્વર સાક્ષાત્કારને રસ્તે અતિ ઉત્સાહથી દોરે છે; કામ-ક્રોધાદિને સાંસારિક વિષયોમાંથી ખેંચી લઈ ઈશ્વર ઉપર આરૂઢ કરવાથી, તેમનાં દુષ્ટ ફળો દૂર થઈ તેઓ પ્રભુ દર્શનમાં મદદરૂપ થઈ પડે છે. કામ દ્વારા વ્રજનારીઓ તથા ક્રોધ દ્વારા હિરણ્યકશિપુ, કંસ, રાવણ આદિને ઈશ્વરદર્શન થયાં હતાં.

શાંત દાસ્યાદિ પાંચ પ્રકારના ભાવસાધનનું મૂળ ઈશ્વર પ્રેમ છે. આ જાતના પ્રેમ સંબંધમાં ઈશ્વરના ઐશ્વર્યનું ભાન રહેતું નથી. અને ઈશ્વરને પોતાનો પરમ આત્મીય ગણીને ભક્ત તેની પાસે કેટલીકવાર કાલાવાલા કરે છે તો કેટલીકવાર ગુસ્સો બતાવે છે. તેમજ કેટલીક વાર તેનો તિરસ્કાર કરતાં પણ અચકાતો નથી. જેમ જેમ આ પ્રેમસંબંધ વધારે ને વધારે ગૂઢ થતો જાય છે, તેમ તેમ ભક્તની અવસ્થા વધારે ને વધારે ઉચ્ચ થતી જાય છે. આ બધા ભાવોમાં મધુરભાવ સર્વશ્રેષ્ઠ છે, જો કે બીજા ભાવોનું અવલંબન કરવાથી પણ ઈશ્વરપ્રાપ્તિ તો થાય છે જ.

પાંચે પ્રકારના ભાવસાધનમાં આગળ વધવાથી માણસને સંસારનું વિસ્મરણ થતું જાય છે. તે એટલે સુધી કે છેવટે તો પોતાના દેહનું – પોતાના અસ્તિત્વનું પણ ભાન રહેતું નથી. શ્રીમદ્‌ ભાગવત આદિ ભક્તિગ્રંથોમાં વ્રજગોપીઓનું વર્ણન કરતાં આ પ્રકારની સ્થિતિ જ વર્ણવી છે. કૃષ્ણપ્રેમમાં ગોપીઓ એટલી બધી ગાંડી બની ગઈ હતી કે પોતાનું અસ્તિત્વ ભૂલી ઘણી વખત તો તેઓ પોતાને જ કૃષ્ણ તરીકે ઓળખાવતી હતી. જીસસ ક્રાઈસ્ટના ભક્તગણોના વર્ણનમાં પણ આપણે કેટલીક વખત વાંચીએછીએ, કે તેની ક્રોસ પર ચડેલી મૂર્તિનું ચિંત્વન કરતાં કરતાં કેટલાક ભક્તોમાં એવી તન્મયતા આવી ગઈ હતી કે જીસસ ક્રાઈસ્ટના ક્રોસથી વિદ્ધ શરીરની માફક તેમના શરીરમાંથી પણ લોહીની ધારાઓ વહેવા લાગી હતી. સેઈન્ટ ફ્રાન્સીસ ઓફ એસીસી અને સેઈન્ટ કેથેરિન ઓફ સાયેનાના જીવનવૃત્તાંતમાંથી આ કથનની સાબિતી મળી આવશે.

આ ઉપરથી જોઈ શકાશે, કે ઉક્ત પાંચે ભાવસાધનાની પૂર્ણાવસ્થામાં સાધક પોતાના પ્રેમાસ્પદના ચિંત્વનમાં એટલો બધો તલ્લીન થઈ જાય છે કે છેવટે તે તેની સાથે ભાવમાં એકરૂપ બની જાય છે.

પરમહંસદેવ શ્રીરામકૃષ્ણના જીવનમાંથી આપણને આ વિષયની પુષ્ટિમાં જેટલાં જોઈએ તેટલાં દૃષ્ટાંતો મળી આવે છે. જે જે ભાવ લઈ તેમણે સાધના કરી હતી તેની સંપૂર્ણ અવસ્થામાં ઈષ્ટ સાથે તેમની એટલી બધી તદ્રૂપતા થઈ જતી કે તેઓ તેમની સાથે અદ્વૈતભાવ અનુભવતા.

એવી શંકા ઉત્પન્ન થાય કે શાંત દાસ્યાદિ ભાવનું અવલંબન કરીને માનવમન કેવી રીતે સર્વભાવાતીત અદ્વૈય વસ્તુની ઉપલબ્ધિ કરી શકે? કારણ ‘બેપણા’ના અનુભવ સિવાય કોઈ પણ ભાવની ઉત્પત્તિ, સ્થિતિ કે પૂર્ણતા થઈ શકતી નથી.

આ શંકાના સમાધાનમાં કહેવાનું કે કોઈપણ ભાવ જેટલા પ્રમાણમાં પુષ્ટ થાય તેટલા પ્રમાણમાં તે સાધકના મનમાંથી વિરોધી ભાવને દૂર કરે છે. જ્યારે તે ભાવ પૂર્ણતાએ પહોંચે છે, ત્યારે સાધકનું સમાહિત અંત:કરણ પ્રથમ ધ્યાનાવસ્થ દશામાં અનુભવેલી ‘તું’ (સેવ્ય) અને ‘હું’ (સેવક) તેમજ એ બેની વચ્ચે રહેલો દાસ્યાદિ સંબંધ વખતે વખતે ભૂલી જાય છે. અને કેવળ ‘તું’ શબ્દથી નિર્દિષ્ટ સેવ્ય વસ્તુમાં પ્રેમથી એકરૂપ થઈને અચળ ભાવમાં સ્થિતિ કરે છે.

ભારતવર્ષના મુખ્ય મુખ્ય આચાર્યો કહે છે કે, મનુષ્યનું મન કદાપિ ‘તું’ અને ‘હું’, તેમજ એ બે વચ્ચેનો ભાવસંબંધ એક જ સાથે અનુભવી શકતું નથી; એક ક્ષણે ‘હું’નો અનુભવ કરે છે, અને બીજી ક્ષણે ‘તું’નું ભાન થાય છે. આ બેની વચ્ચેનો ભાવસંબંધ એટલો જલ્દી અનુભવાય છેકે સાધારણ બુદ્ધિમાં એમ જ લાગે છે કે એક જ ક્ષણે એ બંનો અનુભવ થયો. સાધનાના પ્રભાવથી મનની ચંચળતા નષ્ટ થયા પછી ઉપર જણાવેલી વાત સારી રીતે સમજી શકાય છે. ધ્યાનમાં જેટલાં પ્રમાણમાં સાધક વૃત્તિહીન થાય તેટલા પ્રમાણમાં તેને સમજાય છે કે માત્ર એક અદ્વય પદાર્થને બે દિશામાંથી બે રીતે જોવાથી ‘તું’ અને ‘હું’ રૂપ બે પદાર્થની કલ્પના થાય છે.

(ક્રમશ:)

Total Views: 22
By Published On: September 9, 2022Categories: Japananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram