ભાવાત્મક સમાચારોની દુનિયામાં ડોકિયું

સવારના પહોરમાં આજના વર્તમાનપત્રો તરફ આપણી નજર જાય છે ત્યારે આપણને એવું લાગે છે કે આ દુનિયામાં ક્યાંય ભાવાત્મક વિચારો, માનવીઓ, માનવીય વલણો – ભાવનાઓને પ્રગટ કરતા સમાચારોનું તો જાણે અસ્તિત્વ જ નથી. બધું છિન્ન ભિન્ન થઈ જતું બતાવાય છે. ક્યાંક સંધાતું હશે, બંધાતું હશે; ક્યાંક સુસંવાદી સંરચનાઓ થતી હશે; ક્યાંક ભાવજગત રચાતું હશે; ક્યાંક માનવમાનવના પ્રેમમિલનો થતાં હશે. ક્યાંક એવું શુભ થતું હશે, એવું વિધેયાત્મક સર્જન થતું હશે, એવું સત્યમ્‌ શિવમ્‌ સુંદરમ્‌નું રાજ્ય રચાતું હશે. આ બધું શુભ અને ભાવાત્મક તો બનતું જ રહે છે. પણ કોણ જાણે કેમ આપણા આજના પત્રકારિત્વને આ દેખાતું નથી. એટલે જ એક goodnewsindia.comની વેબસાઈટ તૈયાર થઈ છે. એમાં બધું શુભ છે, શિવ છે, સુંદર છે, સત્ય છે અને ભાવાત્મક છે; અભાવાત્મક કે નિષેધાત્મક કશું નથી.

ટેકરાળ – વેરાન વિસ્તારમાં જંગલો ઉગાડવાં છે?

આજે જમીનની ફળદ્રુપતા ઓછી થતી જાય છે, પાણીના અભાવે હરિયાળાં જંગલોનું પ્રમાણ ભયંકર રીતે ઘટતું જાય છે. પર્યાવરણના અનેક પ્રશ્નો ઊભા થાય છે ત્યારે કેરાળાના અબ્દુલ કરીમ જેવા સામાન્ય કૃષિકાર ટેકરાળ – વેરાન વિસ્તારમાં જંગલો ઊભાં કરવાની એક આશ્ચર્યજનક કાર્યપ્રેરણા આપી જાય છે.

ભરબપોરે અંધારું ઘનઘોર છે. અબ્દુલ કરીમે ઊગાડેલાં જંગલોના રસ્તે ચાલવામાંય અનેક મુશ્કેલીઓ છે. અંધારું તો ખરું પણ રસ્તામાં છવાયેલાં ભેજવાળાં, ખરી ગયેલાં પાંદડાંના ઢગલામાં ચાલવું પણ મુશ્કેલ બને છે. પગ તો ઢંકાઈ જાય પાંદડાંથી, ક્યાંક ક્યાંક તો પાંદડાંના ઢગલે ઢગલા રસ્તાને જાણે કે બંધ કરી દે છે. એ વખતે તમારે ઝાડની ડાળીઓની વચ્ચેથી સરકીને ચાલવું પડે છે કે વળી પાછો રસ્તાનો ચકરાવો ખાઈને નિશ્ચિત સ્થળે જવું પડે. આ જંગલમાં છવાયેલી નિરવ શાંતિ પણ આપણને હલબલાવી નાખે તેવી છે. રસ્તે ચાલતાં ચાલતાં તમે અવારનવાર ભૂલા પણ પડી જાઓ અને ક્યાંય પગકેડી કે રસ્તો ન મળે એવું ગાઢ જંગલ. ૨૫ વર્ષના પ્રયત્નોથી આવું અદ્‌ભુત સર્જન કેવી રીતે થયું તેની એક રસપ્રદ વાત આવી છે :

૧૯૪૭માં કેરાળના નિલેશ્વર ગામમાં જન્મેલા અબ્દુલ કરીમે આ અદ્‌ભુત સર્જન કર્યું છે. વેરાન, ટેકરાળ, પાણી વિનાની જમીનમાં આવું ગાઢ જંગલ ઊભું કરવું એ કોઈ નાની સુની વાત નથી, આ એક ભગીરથકાર્ય છે. આપણું સદ્‌ભાગ્ય એ છે કે આવા ઘણા ભગીરથો હજી આશ્ચર્યજનક કાર્યો કરીને ભારતના પર્યાવરણપ્રેમીઓને, પર્યાવરણની વાતો કરનારાઓને, પર્યાવરણની ચિંતા કરનારાઓને, એ એક અદ્‌ભુત કાર્ય કરવાની પ્રેરણા આપે છે. અબ્દુલ કરીમ સાવ સામાન્ય વેપારીના પુત્ર હતા. માધ્યમિક શાળાની પરીક્ષાઓ પસાર કરીને એકાદું વર્ષ કોલેજમાં ભણીને તેઓ પોતાનું ભાગ્ય અજમાવવા મુંબઈ ગયા. ત્યાં તેમણે ખાનગી ડોક્યાર્ડમાં મજૂર તરીકે કાર્ય કર્યું. ધંધામાં ઠરીઠામ થવાનું નક્કી તો કર્યું. પણ પોતાના વતનમાં પાછા ફરીને તેઓ નામું હિસાબ અને ટાઈપ જેવા વિષય શિખ્યા. ૧૯૭૦માં તેઓ આરબખાડીના દેશમાં ગયા. આ ખાડીના દેશોમાં ઘણા કેરળવાસીઓ કામ-ધંધો કરે છે. જ્યારે જ્યારે તેઓ માદરેવતન પાછા ફરતા ત્યારે કાઉ (કેરળનો એક ભૂતકાતનો જંગલોથી છવાયેલો વિસ્તાર)માં ફરતી વખતે તેઓના મનમાં વિચારવમળો ઊઠતાં: ‘હું આ વિસ્તારમાં ફરું છું અને ચોતરફ વેરાન, ઉજ્જડ, ભૂમિના જ દર્શન કરું છું. આ જોઈને મારા હૃદયમાં કાળી બળતરા ઉપડતી. એક વખત અહીં અદ્‌ભુત વનસ્થલિ હતી. એને બદલે આજે વૃક્ષનું નામનિશાન નથી. મારાં મનહૃદયમાં અહીં ફરીથી હતા તેનાથીયે વધારે સમૃદ્ધ વૃક્ષોવાળું એક વનસ્થલ બનાવવાની ઝંખના જાગી.’

અહીં અદ્‌ભુત જંગલસૃષ્ટિ રચવાના વિચારથી પ્રેરાઈને પ્રથમ તબક્કે એમણે પાંચ એકર વેરાન, પથરાળ અને નપાણી જમીન ખરીદી. હવે એમના કાર્યનો આરંભ થયો. દુનિયા તો એના સાહસ પર હસતી હતી, એમને મૂરખ પણ ગણતી હતી. લોકો હસે એનાં કારણ પણ હતાં : કૂવામાં એક ડોલ પાણી ભરો એટલે બીજી ડોલ ભરવા માટે રાહ જોવાની, ચારેબાજુ ઉજ્જ્ડ ભૂમિ, ટેકરાળ ભૂમિ પર પાણી ક્યાંય ભરાઈ ન શકે, એટલે પાણીની જાળવણી કરવી પણ મુશ્કેલ. એવા વિસ્તારને એણે વૃક્ષોથી સમૃદ્ધ બનાવવો હતો. મુશ્કેલીઓ તો હતી જ પણ મન હોય તો માળવે જવાય અને આંતરસૂઝ હોય તો અશક્યને પણ શક્ય કરી શકાય. આવી વિષમ પરિસ્થિતિમાં પણ કરીમભાઈએ આ વિસ્તારમાં ટેકરાળ વિસ્તારમાં બે પથ્થરની વચ્ચેની ખાડા જેવી જગ્યામાં જંગલીવૃક્ષના રોપાઓ વાવવાનું શરૂ કર્યું. ઉનાળામાં એક કિલોમિટર દૂરથી મોટા ડબલામાં પોતાની મોટરસાઈકલ પર પાણી લાવીને રોપાને પાળતા. આજુબાજુના ચતુર ખેડુતોને પણ લાગ્યું કે આ એક સારો માણસ મળી ગયો છે એને આપણી આ સૂકી પથરાળ જમીન વેંચીને, રોકડી કરીને ભાગી જવાનો સારો અવસર ભગવાને આપ્યો છે! એમણે તો રોકડી કરી લીધી. અબ્દુલ કરીમે પોતાના કુટુંબને પણ આર્થિક વિટંબણામાં મૂકીને પોતાની પાસે જે કંઈ મૂડી હતી એમાંથી આજુબાજુની ૩૨ એકર જમીન લઈ લીધી. એમણે આ પથરાળ ભૂમિમાં જંગલી વૃક્ષો વાવવાનું કાર્ય શરૂ કરી દીધું. ત્રણ-ત્રણ વર્ષ સુધી એ વૃક્ષોને દૂર દૂરથી પાણીના પીપડાં ભરી લાવીને એને ઉછેર્યાં. મા-બાપ પોતાનાં સંતાનોના ઉછેરમાં જેટલી કાળજી લે એનાથી પણ વિશેષ કાળજી કરીમભાઈએ આ વૃક્ષસંતાનો માટે લીધી. ધીમે ધીમે વૃક્ષો સમૃદ્ધ બન્યાં. વૃક્ષોને કારણે વરસાદ પણ સારો એવો પડતો. વરસાદ પછી કૂવામાં પાણી વધુ સમય રહેવા માંડ્યું.

પછી તો એમણે આ વેરાન ભૂમિમાં વૃક્ષો વાવવાની એક મોટી ઝૂંબેશ ઉપાડી. જ્યાં ઠીક લાગે ત્યાં વૃક્ષો વાવવા માંડ્યા. તેને એક મોટો બોધપાઠ મળ્યો કે પ્રકૃતિને એની મેળે વિકસવા દેવી જોઈએ, વૃક્ષોને એની રીતે ઉગવાં દેવાં જોઈએ. વૃક્ષો વધ્યાં, દૂર દૂરથી પક્ષીઓ આ જંગલની યાત્રાએ આવવા મંડ્યા. દૂરથી આવતા પક્ષીઓ પોતાની ચરક દ્વારા અનેક વૃક્ષોનું બીજારોપણ પણ કરવા માંડ્યા. જોઈને કુદરતની આ અદ્‌ભુત કળા! કેટલાક દુર્લભ ઔષધવૃક્ષો પણ આ પક્ષીઓની કૃપાથી ઉગવા માંડ્યા. આ જંગલ તો વિકસ્યું પણ કુદરતની હજી એક વધુ કરામત તો જુઓ કે આજુબાજુનાં દસ કિલોમિટરના વિસ્તારમાંના કૂવાના પાણી પણ ઊંચે આવ્યાં. એક વખતનો આ વેરાન, ટેકરાળ અને નપાણીયો વિસ્તાર આજે જાણે કે પાણીનો એક સારો મોટો સ્રોત બની ગયો છે.

આ જંગલો વિકસાવવા માટે એમણે કોઈ દિવસ નીકક્યારા કર્યા ન હતા, ખેડ પણ ન હતી કરી, રાસાયણિક ખાતર કે કોઈ ખાસ પ્રકારના કે નવી જાતના રોપાની પસંદગી કરી ન હતી. એમણે તો પોતાની રીતે બધું આડેધડ કાર્ય કર્યું હતું. પણ કુદરતને મુક્તપણે વિકસવા માટે એમણે એકેય તક છોડી નહિ. વૃક્ષો કાપતા નહિ, પાંદડાંને એમને એમ પડ્યા રહેવા દેતા, પછી ભલે એના ઢગલાને ઢગલા સર્વત્ર જોવા મળે. એમણે આ વિસ્તારમાં પોતાની નિવાસી મકાન પણ બનાવ્યું. કોઈ નકામો કચરો, પ્લાસ્ટિક, વગેરે જંગલમાં આડેધડ ફેંકી ન દેતા. અહીં સહેલાણીઓ પોતાની કારમાં આવી ન શકતા, બીડી સિગારેટ પીવાની પણ મનાઈ હતી, કોઈ સ્થળે ઉજાણી કરવાની કે રસોઈ કરવાની પણ મનાઈ, એટલે આગ અને કચરાનો ભય ન રહે.

અબ્દુલ કરીમે કરેલા આ ક્રાંતિકારી મૂકકાર્યને હવે ધીમે ધીમે જુદા જુદા માધ્યમો દ્વારા વાચા અને પ્રસિદ્ધ મળવા માંડ્યા. પશુ પક્ષીઓનો વસવાટ વધ્યો. મધમાખીઓના મધપૂડા જામવા માંડ્યા. જે કૂવામાં પાંચ લિટર પાણી કાઢ્યા પછી બીજા પાંચ લિટર માટે સારો એવો સમય રાહ જોવી પડતી તે કૂવામાં આજે આ જંગલોના પ્રતાપે ૧ લાખ લિટર જેટલું પાણી ઉલેચ્યા પછી થોડા સમયમાં એ કૂવો પાછો ભરાઈ જાય છે. કરીમભાઈ આ કમાલને આ શબ્દોમાં કહે છે : ‘આ જંગલ જાણે કે પાણી ઉત્પન્ન ન કરતું હોય!’

પર્યાવરણના નિષ્ણાતો, ખબરપત્રીઓ, પ્રચારપ્રસાર માધ્યમના અગ્રણીઓ પણ આ વિસ્તારની મુલાકાતે આવવા માંડ્યા અને અબ્દુલ કરીમે કરેલા આ કરિશ્માની કથા સર્વત્ર પહોંચવા માંડી. અબ્દુલ કરીમે આ મોટા વિસ્તારમાં વૃક્ષો વાવીને એક અદ્‌ભુત વનસ્થલિ તો રચી પણ એ પોતે તો નિર્ધન છે. હવે એમને ખ્યાલ આવ્યો કે દુનિયાદારીની દૃષ્ટિએ થોડી આવક પણ ઊભી કરવી જોઈએ. નિલેશ્વર રેલ્વે સ્ટેશનની નજીક હોવાથી અને આવન જાવન કરવામાં સુવિધા હોવાથી તે હવે નિલેશ્વરને એક ‘ઈકો સ્કૂલ’ (પર્યાવરણ – અભ્યાસશાળા) તરીકે તેનો વિકાસ કરવા માગે છે. પરિણામે એને આર્થિક વળતર પણ મળી રહે અને પોતાના કુટુંબનું સારી રીતે ભરણપોષણ કરી શકે. પોતાના વનસ્થલિ રચવાના આ અવનવા કાર્ય વિશે કે તેના હેતુ વિશે જ્યારે કોઈ જિજ્ઞાસુ પૂછે છે ત્યારે તેના પ્રત્યુત્તરમાં તેઓ આટલું કહે છે : ‘આપણી બધાની ભીતર વનપ્રકૃતિ પ્રત્યેની એક ઊંડી ઝંખના રહેલી છે. આજે સમગ્ર માનવસમાજ સમક્ષ જે અશાંતિ, અધીરતા, અસંતોષ અને હિંસક વાતાવરણ જોવા મળે છે તે બધું આ પ્રકૃતિ સાથેના આપણા પ્રાચીન સાંનિધ્યને ભૂલવાથી સર્જાયું છે. એટલે આપણી ઉદાત્તતા અને આપણું શાણપણ પાછું લાવવા માગતા હોઈએ તો આ પ્રકૃતિ સાથેનો આપણો નાતો ફરીથી તાજો કરવો પડશે.’

Total Views: 17
By Published On: September 9, 2022Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram