સ્વામી યોગાનંદને સાવ નાની ઉંમરમાં જ ઠાકુરનાં પવિત્ર દર્શન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું. ‘લીલા પ્રસંગ’માં જણાવ્યા પ્રમાણે, ‘એમના આગમનના પહેલા જ દિવસે એમને જોતાં અને પછી એમનો પરિચય મેળવીને ઠાકુર અત્યંત આનંદિત બની ગયા હતા. અને એ પણ જાણી ગયા હતા કે એમની પાસે ધર્મલાભ મેળવવા માટે આવનારા જે લોકોને જગદંબાએ એમને બહુ જ પહેલાંથી બતાવી દીધા હતા, એમાંના એક આ યોગી છે. અને એટલું જ નહિ, પણ જે છ વિશિષ્ટ વ્યક્તિઓને એમણે જગન્માતાની કૃપાથી ઈશ્વરકોટીના રૂપમાં ઓળખ્યા હતા, એમાનાં પણ આ એક છે.’ સ્વામીજી કહ્યા કરતા કે, ‘અમારા બધામાં જો કોઈ સંપૂર્ણપણે કામજયી હોય તો તે છે યોગીન.’ સ્વામી નિરંજનાનંદે એકવાર એમને કહ્યું હતું, ‘યોગી તું જ આમારા બધાનો ચૂડામણિ છે.’ એ તો સ્પષ્ટ છે કે આવી ઉચ્ચ પ્રશંસાના અધિકારી એ અસાધારણ મહાપુરુષ જ હશે. વાસ્તવમાં સરલ, મહાન, ત્યાગી, ઉત્કટ તપસ્વી, માતૃભક્ત અને શુકદેવ જેવા પરમ પવિત્ર યોગાનંદ ફક્ત રામકૃષ્ણ સંઘના જ નહિ, એ તો કોઈપણ કાળના અને કોઈ પણ સમાજના ચૂડામણિ છે.

શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્ય રૂપે ગણાતા અને એમની પાસેથી માર્ગદર્શન મેળવનાર સ્વામી યોગાનંદ શ્રી શ્રીમા શારદાદેવીના સૌ પ્રથમ મંત્રદીક્ષિત શિષ્ય હતા. જેમની એમણે ભક્તિભાવે અને અપૂર્વ શ્રદ્ધા ભક્તિથી સેવા કરી હતી એવાં શ્રી શ્રીમાની જેમ એમનું જીવન તદ્દન બાહ્ય દેખાવ વગરનું પરંતુ આંતરિક અનુભવોથી ભરેલું, અનુભૂતિવાળું હોવા છતાં એમણે એ બાબતના એકાદ-બેથી વધુ ઈશારા પણ દેખાવા દીધા ન હતા. એમનો જન્મ ૧૮૬૧માં એક ગરીબ અને રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એક જમાનામાં એમનું કુટુંબ ભદ્ર અને સમૃદ્ધિવાળું હતું. એમનું પૂર્વ નામ યોગીન્દ્ર હતું. તેઓ સ્વભાવે અંતર્મુખી, વિનમ્ર અને શરમાળ હતા. દક્ષિણેશ્વરના ઉદ્યાનમાંથી એક સુંદર મજાનું ફૂલ ચૂંટવાની ઇચ્છાએ એમને શ્રીરામકૃષ્ણની સન્મુખ લાવી મૂક્યા. એમને તો શ્રીરામકૃષ્ણ આ બગીચામાં કામ કરતા માળી જેવા લાગ્યા! યોગીનને ફૂલ તો મળી ગયું પરંતુ, લાંબી પ્રક્રિયા પછી તેઓ પોતે એ મહાન માળીના હાથે ઉછરેલા મહા જીવનવૃક્ષોની જેમ એમના હાથે કેળવાયેલો જાણે કે એક પુષ્પછોડ બની ગયા. પરણેલા હોવા છતાં પણ આ સંસારનાં સુખો કે વૈભવવિલાસ તેમના મનને નીચે ઉતારી શક્યાં નહિ. શુદ્ધ સુવર્ણમાંથી અલંકારો ઘડી શકાતા નથી. અલંકારો ઘડવા માટે એમાં બીજી નબળી ધાતુ ઉમેરવી પડે છે. શ્રીરામકૃષ્ણદેવે યોગીનની આ ઐહિક જગતમાં ટકવા ન દેનારી અત્યંત વિનમ્ર અને શરમાળ પ્રકૃતિને થોડીક કડકાઈ વાપરીને ઠીકઠાક કરી. આમ જોઈએ તો શ્રીઠાકુરના આ શિષ્ય કાંઈ સાવ ભલાભોળા ન હતા. જ્યારે જરૂર લાગતું ત્યારે પોતાના ગુરુ જેવા સ્વામી વિવેકાનંદનો પણ તેઓ વિરોધ પણ કરતા. તેઓ એક સારા વ્યવસ્થાપક હતા. પોતાની સરળતાથી સફળતાપૂર્વક માર્ગદર્શન આપીને એમણે ઘણા યુવાનોને સંન્યાસજીવન તરફ વાળ્યા હતા. પોતાના જીવનની છેલ્લી ઘડી સુધી જેમની સેવા કરી હતી એવાં શ્રી શ્રીમા પ્રત્યે તેમને અદ્‌ભુત શ્રદ્ધાભક્તિ હતા.

Total Views: 203

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.