રામકૃષ્ણ સંઘના ત્રીજા પરમાધ્યક્ષ, શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યોમાંના એક શ્રીમત્‌ સ્વામી અખંડાનંદજી મહારાજે હિમાલય અને તિબેટની પવિત્ર ભૂમિમાં ઘણાં વર્ષો સુધી કઠિન તપસ્યા કરી હતી. એમણે લખેલા એ તીર્થયાત્રાનાં સંસ્મરણો મૂળ બંગાળીમાં ‘સ્મૃતિકથા’ આ નામે પ્રસિદ્ધ થયાં હતાં. તેના હિંદી અનુવાદ ‘દેવતાત્મા હિમાલય’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ છીએ. અમને આશા છે કે પવિત્ર હિમાલયનાં પાવનકારી તીર્થસ્થાનોની યાત્રા કરવા ઉત્સુક ભાવિકજનોની શ્રદ્ધા આ લેખથી વધશે. – સં.

ઋષિકેશથી ટિહરી

ઋષિકેશ : પાવન દ્વાર

હવે મારી પાસે મારી પોતાની ધૂંધળી સ્મૃતિઓ સિવાય બીજું કોઈ એવું સાધન નથી કે જેની મદદથી હું મારી હિમાલયની તીર્થયાત્રાનો વૃતાંત લખી શકું. મારે એ બધી ઘટનાઓને યાદ કરી કરીને એક ક્રમબદ્ધ રૂપે વ્યવસ્થિત રીતે ગોઠવવી પડશે. હું એક દિવસ મારી હિમાલયની તીર્થયાત્રા વિશે એક પુસ્તક લખીશ એ વાતનો એ સમયે મને સહેજે પણ ખ્યાલ નહોતો. એટલે મેં મારી એ અદ્‌ભુત તીર્થયાત્રાની કોઈ કાચી લેખનસામગ્રી પણ રાખી નથી. હું જે કંઈ પણ જોતો એને પ્રયત્ન કરીને ભૂલી જવું એ જ વાસ્તવમાં મારો ઉદ્દેશ્ય હતો. અત્યારે મેં અનેક મિત્રોના આગ્રહને કારણે આ વૃતાંત લખવાના કાર્યનો આરંભ કર્યો છે. આ વૃતાંત વાંચીને કોઈ ભાવિકના મનમાં હિમાલયનાં એ પવિત્ર સ્થળોની યાત્રા કરવાની ઇચ્છા જન્મે કે પછી એ વિષયમાં તેની પોતાની જાણકારીમાં આ વૃતાંત દ્વારા કંઈક વૃદ્ધિ થાય તો મને આ તીર્થયાત્રા-લેખનનો સંતોષ થશે.

૧૮૮૭નું વર્ષ હતું. આ વર્ષ મહારાણી વિક્ટોરિયાના રાજતિલકની સ્વર્ણજયંતીનું વર્ષ અને ગુરુદેવ શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી સાત-આઠ મહિના વીત્યા હતા. જ્યારે હું પહેલીવાર વરાહનગર મઠમાંથી ઉત્તર ભારતની તીર્થયાત્રાએ નીકળ્યો ત્યારે લગભગ ફેબ્રુઆરી મહિનાનો અંત હતો. રસ્તામાં ગયા, વારાણસી, અયોધ્યા અને નૈમિષારણ્ય થઈને હું હરિદ્વાર પહોંચ્યો. રસ્તામાં ઉપર્યુક્ત સ્થળો ઉપરાંત હું લખનૌ અને સીતાપુરમાં પણ રોકાયો હતો. હરિદ્વાર પહોંચવામાં મને બે-ત્રણ મહિના લાગ્યા. મને યાદ છે કે હું હરિદ્વારસંક્રાંતિ (વૈશાખ માસનો અંતિમ દિવસ) પહેલાં ત્યાં પહોંચ્યો હતો. ત્યાંથી હું ઋષિકેશ ગયો હતો અને ત્યાં પહોંચવામાં મને ત્રણ-ચાર દિવસ લાગ્યા હતા. આ મારી એક દીર્ઘકાલીન ચિર ઇચ્છા હતી જેને હવે હું પરિપૂર્ણ થતી જોતો હતો. હું મારી ભીતર એક મહાશાંતિની અનુભૂતિ કરી રહ્યો હતો. હિમાલય ક્ષેત્રમાં ઋષિકેશથી ચડિયાતું અને આટલું બધું પાવન તેમજ સુખમય બીજું કોઈ સ્થળ નથી. કારતક મહિનાથી માંડીને ગંગાદશેરા સુધી આ ક્ષેત્રમાં વિભિન્ન મતસંપ્રદાય અને સમુદાયના સાધુસંતોની અહીં ભીડ જામતી. પ્રતિવર્ષ માઘ (જાન્યુઆરી-ફેબ્રુઆરી) મહિનામાં અહીં અનેક અમીર લોકો આવે છે અને સાધુસંતોને ભોજન ખવડાવે છે. આ ઉપરાંત એ બધા લોકો વિભિન્ન ધાર્મિક પરોપકારી સેવાઓમાં પણ પ્રવૃત્ત રહે છે.

ઋષિકેશની પાસે એક ‘તપોવન’ નામનું સ્થળ છે. એ ગામની આજુબાજુ કેટલાંક ખાસ ખેતરોમાં ચોખાની એક વિશેષ જાત ‘બાસમતી’ની ખેતી થતી હતી. (આજકાલ આ બાસમતી ચોખાની ઘણાં સ્થળોએ ખેતી થાય છે. હવે એ કેટલાંય મંદિરોમાં નૈવેદ્ય માટે પણ ધરાય છે. વિદેશોમાં એની નિકાસ પણ થાય છે.) આ બાસમતી ચોખાના દાણા ખૂબ પાતળા હોય છે પણ એને ઉકાળવાથી તે ઘણા ફૂલે છે. રાંધેલા બાસમતી ચોખા હિમ જેવા ધવલવર્ણા દેખાય છે અને એની સુગંધ દિવસભર આવતી રહે છે. ત્યાંના લોકોની માન્યતા છે કે એક પ્રાચીન સાધુના વરદાનના ફળ સ્વરૂપે આ બાસમતી ચોખા માત્ર થોડાક વિશિષ્ટ ખેતરોમાં જ ઉગાડી શકાય છે. હિમાલયક્ષેત્રના એ વિભાગોમાં આ ચોખાની વિશેષ મહત્તા છે અને એક રૂપિયામાં ચાર શેરના ભાવે તેનું વેંચાણ થાય છે.  હાલમાં બાસમતી ચોખાની કિંમતમાં કંઈ પરિવર્તન થયું છે કે કેમ એ બાબતનો મને ખ્યાલ નથી. ગમે તે હોય પણ ચોખાની કોઈપણ જાત બાસમતી જેટલી ઉમદા ખુશ્બુદાર નથી હોતી. ‘ભારતમંદિર’ ઋષિકેશનું મુખ્ય મંદિર છે. મંદિરની દૈનિક પૂજા વ્યવસ્થા માટે ટિહરીના રાજાએ આ ગામ માટે એક કાયમી નિધિ સ્થાપિત કર્યો હતો. મને આ મંદિરના પૂજારી દ્વારા જાણવા મળ્યું કે તેઓ દર વર્ષે કેટલાક બાસમતી ચોખા પંજાબના રાજા-મહારાજાઓને મોકલે છે.

હિમાલયનાં સદૈવ હિમાચ્છદિત શિખરો અહીંથી જોઈ શકાય છે. પાવનકારી ગંગા મોટા મોટા પહાડો ઉપરથી કલકલ નાદ કરતી વહે છે. આસપાસનાં જંગલોમાં તેનાં પૂરપાટ વહેતાં પાણીનો પ્રતિધ્વનિ ગૂંજતો રહે છે. જાણે કે એ મહાન સમતલ સ્થળો પર રહેનારા લોકોને આશીર્વાદ ન દેવા હોય, તેમ અહીંથી ગંગા સમતલ પ્રદેશો તરફ વળી જાય છે! ઉત્તરાખંડ – ઉત્તરાંચલના પાવનકારી વાતાવરણથી મારું રોમેરોમ પુલકિત થઈ ઊઠ્યું, મારું મન અવર્ણનીય આહ્‌લાદથી ભરપૂર થઈ ગયું. હું મનમાં ને મનમાં વિચારતો હતો કે ઉત્તરાખંડમાં પગ મૂકવાથી જ મારું મન પ્રસન્નતા વિભોર, આનંદ વિભોર બની ગયું હતું. હું એ નથી જાણતો કે આ પવિત્ર ભૂમિના અંતર્ગર્ભમાં કેટલી અપાર પ્રસન્નતા મારી રાહ જોઈ રહી હતી! એક આકાંક્ષી વ્યક્તિ માટે ઋષિકેશ નર્યા સ્વર્ગ સમાન છે. ઋષિકેશના મહિમાનું ગાન સાંભળીને સિદ્ધપુરુષો પણ અસ્થિર બની જાય છે. ઋષિકેશમાં હું એક ભિખારીની ઝૂંપડીમાં રહ્યો. ત્યાં કેટલાક પંજાબી સંન્યાસીઓ સાથે મારે અંતરંગ પરિચય પણ થયો. એ બધા સારા એવા ઉદાર ચરિત્રવાળા અને દાનશીલ હતા. એમને લીધે મારો ઋષિકેશનો પ્રવાસ અત્યાધિક સુખદ અને આરામદાયી બની ગયો. એ દિવસોમાં અમે ધ્યાન, ‘આત્મા’ની ચર્ચા તથા ઉપનિષદના અધ્યયનમાં જ પોતાનો બધો સમય વ્યતીત કરતા હતા. એ અત્યાધિક પાવનકારી ક્ષેત્રમાં અમે સાંસારિક શબ્દોનું ઉચ્ચારણ કરવાનું પણ વિચારી શકતા ન હતા. ઋષિકેશમાં મારો નિવાસ એક અવર્ણનીય તથા અવિસ્મરણીય અનુભવ રહ્યો. અમે દહેરાદૂન, મસૂરી, જમનોત્રી અને ગંગોત્રી થઈને બદરી અને કેદાર જવાનો નિર્ણય કર્યો. એક પંજાબી સંન્યાસી ખુલ્લે હાથે પૈસા ખર્ચતા હતા. તેઓ મારા પર એમની સાથે બદરીનારાયણ જવા માટે દબાણ કરતા હતા. એમણે મને સમજાવ્યું કે એ સૂમસામ અને પહાડી પ્રદેશોમાં પૂરા પૈસા વિના યાત્રા કરવી ઘણી કઠિન છે. મારી પાસે એ ક્ષેત્રમાં યાત્રા કરવા માટે પૂરતું ધન નથી એમ કહીને તેઓ મને એ યાત્રાથી રોકવા પ્રયત્ન કરતા હતા. એમની પાસે ઘણું ધન હતું અને એક દશનામી નાગા એમના અનુયાયી હતા. માઘ મહિનાથી (જાન્યુઆરી-ફેબ્રુઆરી) એ સાધુએ કેટલાય અવસરો પર હજારથી પણ વધારે સાધુઓને ભાવતાં ભોજન આપ્યાં હતાં. પરંતુ તે મને લલચાવી ન શક્યા અને હું ઋષિકેશથી દહેરાદૂન તરફ પદયાત્રા કરતો નીકળી પડ્યો. 

મસૂરી

હિમાલયના પાવનપ્રદેશોનું ભ્રમણ કરતી વખતે મહદંશે એમના કેટલાક પ્રદેશો તો પોતાની સુંદરતા, વિશાળતા અને શાંતિથી મને મંત્રમુગ્ધ કરી દેતા. આજે પણ એ દિવસોની યાદ કરું છું તો મારી સ્મૃતિના કણેકણ જાગૃત બની જાય છે અને મારી ભીતર સૌમ્ય અને પાવનકારી વિચારોની સરિતા વહેવા માંડે છે. બદરીકાશ્રમની યાત્રા પણ એ સ્મૃતિઓમાંની એક છે. એટલા માટે એ વિશે હું અહીં કંઈક લખવા ઇચ્છું છું.

છેલ્લાં કેટલાંક વર્ષોથી દર વર્ષે સારી એવી સંખ્યામાં બંગાળીઓ બદરીકાશ્રમની યાત્રાએ જાય છે. એ સમયે સ્થિતિ કંઈક ભિન્ન હતી. બંગાળમાંથી બહુ ઓછા યાત્રીઓ આવ્યા હતા. અધિકાંશ યાત્રીઓ પંજાબમાંથી આવતા હતા. શિક્ષિત બંગાળી સંન્યાસીઓ અને અન્ય યુવા યાત્રીઓએ પત્ર-પત્રિકાઓમાં પોતાના ભ્રમણ વિશે સારા એવા પ્રમાણમાં લખ્યું છે. એ લેખો દ્વારા લોકો હિમાલયનાં મુખ્ય તીર્થસ્થાનોથી માહિતગાર થયા છે. પરંતુ એ પણ સાચું છે કે ભિન્ન ભિન્ન સમયે ઉત્તરાખંડની યાત્રા કરનારા સંન્યાસીઓ અને યાત્રીઓ દ્વારા આપણને ઉત્તરાખંડનાં સ્થાનો વિશે ભિન્ન ભિન્ન વિચારો જાણવા મળે છે. એવું પણ બની શકે કે એક જ સ્થાનમાં કંઈક પરિવર્તન થઈ ગયું હોય અને કેટલાક સમયગાળા પછી એનું વર્ણન ભિન્ન રીતે કરવામાં આવ્યું હોય. વર્ણન કરનારની ઉંમર, તેનો દૃષ્ટિકોણ અને તેના જીવનના વલણ પ્રમાણે, એક જ સ્થાનનું વર્ણન ઘણું ભિન્ન રીતે કરવામાં આવ્યું હોય, એ વાત પણ સત્ય છે. અત: આપણે સદૈવ ઉત્તરાખંડનાં વિભિન્ન સ્થળો વિશે ભિન્ન ભિન્ન વાતો સાંભળવા લલચાઈ જઈએ છીએ. જે લોકો મનભંગ કે ચિત્તભંગને રસ્તેથી કેટલાંય વર્ષ પહેલાં બદરીકાશ્રમ ગયા હતા એમની યાત્રાનું વૃતાંત હાલમાં જ જઈ આવેલા યાત્રીઓના વૃતાંત કરતાં ભિન્ન હોવાનું જ. આજના યાત્રીઓ ભૂતકાળના દિવસોમાં તીર્થયાત્રાળુઓને કેટકેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો તેની કલ્પના પણ ન કરી શકે. એમણે એ દિવસોમાં દુરારોહ, સીધા તથા લપસણા રસ્તા પર ચાલવું પડતું હતું. મનભંગ તથા ચિત્તભંગ એવાં નામ એનું સારું એવું મહત્ત્વ બતાવે છે. એટલા દૂર શા માટે જાઓ છો? જે લોકોએ ઉત્તરાખંડની યાત્રા હરિદ્વારના રેલવે રસ્તે થયેલા જોડાણ પહેલાં પહાડી રસ્તે કરી છે એમને પણ પહેલાં જેવી ભવ્યતા અને નૈસર્ગિક સૌંદર્યનો આનંદ પ્રાપ્ત નહિ થયો હોય. ગંગોત્રી અને બદરીકેદારના રસ્તામાં અત્યારે એમને દોરડાના પુલ જોવા ન મળે. અત્યારે તો બધાં સ્થળે પાકી સડકો અને પાકા પૂલ થઈ ગયાં છે. એટલા માટે બદરીકેદારની યાત્રા બહુ કઠિન યાત્રા રહી નથી. એને પરિણામે બધી ઉંમરના લોકો, વૃદ્ધ અને યુવાન આ તીર્થસ્થાનોની યાત્રા દરવર્ષે કરે છે. એને કારણે અહીંના પાવન વાતાવરણ પર પ્રભાવ પડ્યો છે. પહેલાં અમે ક્યારેય ઉત્તરાખંડના લોકોમાં ચોર વિશે કંઈ સાંભળ્યું ન હતું. હવે આ પરિસ્થિતિ કેવળ દૂરસુદૂરના પ્રદેશોમાં છે કે જ્યાં સ્થાનિક લોકો યાત્રીઓના સંપર્કમાં વધુ આવ્યા નથી. આ પહાડી લોકોનો વ્યવહાર અને તેનું આચરણ પણ સમતલ પ્રદેશના શહેરી લોકોના સંપર્કમાં આવવાથી બદલી જાય છે. મેં સાંભળ્યું છે કે એ પહાડીપ્રદેશના લોકોએ પણ હવે પોતાની નિષ્કટતા અને દયાળુપણાને ગુમાવી દીધાં છે.

જે યાત્રીઓ બદરીકાશ્રમ પાકી સડકો દ્વારા આવે છે અને દેવતાઓને પ્રણામ કરીને પાછા ચાલ્યા જાય છે તેઓ હિમાલયનાં સૌંદર્ય તથા ભવ્યતાથી લગભગ અજાણ જ રહે છે. આ દૈવી ક્ષેત્રની સૌમ્યતા, તેની શાંતિ અને તેનું સુખદ તેમજ આહ્‌લાદક વાતાવરણનો આભાસ પણ એમને નથી થતો. જે લોકો અહીં થોડા દિવસો રહેવા ઇચ્છે છે અને આ પ્રદેશની આંતરિક ભવ્યતાને શોધવાનો પ્રયત્ન કરે છે, તેમને એની એક ઝલકમાત્ર જોવા મળે છે. 

(ક્રમશ:)

Total Views: 109

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.