શ્રીરામકૃષ્ણ મઠ, મિશનના બારમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, યોગોદ્યાન, કાંકુડગાચ્છી, કોલકાતામાં ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ એ વિષય પર બંગાળીમાં આપેલાં ધારાવાહિક વ્યાખ્યાનોનો પ્રથમ ભાગનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આ પત્રિકામાં ધારાવાહિક રૂપે આવી ગયો છે. હવે એ પુસ્તકના બીજા ભાગના અંશો ધારાવાહિક રૂપે અહીં પ્રસ્તુત છે. – સં.

એક

જે પ્રશ્ન આપણામાંના મોટા ભાગના લોકોના મનમાં ઊભો થાય છે એવો જ પ્રશ્ન પ્રસ્તુત પરિચ્છેદના આરંભમાં કોન્નગરના એક ભક્ત કહે છે : ‘મહાશય, અમે સાંભળ્યું છે કે આપને ભાવસમાધિ થાય છે. શા માટે થાય છે, કેવી રીતે થાય છે? એ અમને સમજાવો.’ પ્રશ્ન હાસ્યાસ્પદ લાગે છે. જે વિશે આપણી કોઈ ધારણા જ નથી તે વિશે કોઈ વ્યક્તિના મોઢેથી બેચાર વાતો સાંભળી લેવાથી શું એની સ્પષ્ટ ધારણા બની શકે? અથવા એમના કહેવાનું તાત્પર્ય સમજાઈ શકે ખરો?

ભાવ અને મહાભાવ

શ્રીઠાકુર અહૈતુકી કૃપાના સિંધુ છે. તેઓ જરાય ખચકાયા વિના પ્રશ્ન સાંભળીને મહાભાવના લક્ષણ શું છે એ સમજાવા લાગ્યા. તેઓ કહે છે : ‘રાધાજીને ભાવ થતો હતો. કોઈ એક સખીને એમનો-રાધાનો વધુ ને વધુ સ્પર્શ કરતી જોઈને બીજી સખી કહેતી: ‘કૃષ્ણવિલાસના અંગનો સ્પર્શ ન કર. એમના દેહમાં આ સમયે કૃષ્ણ વિલાસ કરી રહ્યા છે.’ એનું તાત્પર્ય એ છે કે ભાવાવસ્થામાં ભગવાન અને ભક્ત એક બની જાય છે. ભક્તનો તો દેહમાત્ર જ રહે છે, એની ભીતર સ્વયં ભગવાન પરિપૂર્ણભાવે વિરાજમાન હોય છે; આનું નામ છે ‘મહાભાવ’. આ અવસ્થામાં અન્ય બધા ભાવ અંતર્હિત થઈ જાય છે અને કેવળ ભગવદ્‌ભાવ જ રહી જાય છે. સાધારણ ભક્તોને પણ સાધનાની ચરમ અવસ્થામાં ભાવ થાય છે, પરંતુ તે મહાભાવ નથી. એમના હૃદયમાં ભગવાનનો ભાવ કેટલાક અંશે પ્રકાશિત થાય છે.’ શ્રીઠાકુર કહે છે કે જીવને મહાભાવ થતો નથી, શ્રીરાધાજીને થતો; કારણ કે મહાભાવને ધારણ કરવાની શક્તિ જીવમાં નથી. શ્રીરાધાજીનું ઉદાહરણ દેવાનું તાત્પર્ય એ નથી કે બીજા કોઈને મહાભાવ નથી થયો કે ન થઈ શકે. એનું તાત્પર્ય એ છે કે જેને મહાભાવ થાય છે તે ફરી પાછો સાધારણ મનુષ્ય નથી રહેતો. ત્યારે જ તેને રાધાજીનું સારૂપ્ય પ્રાપ્ત થાય છે. એનું પોતાનું વ્યક્તિત્વ સંપૂર્ણરૂપે વિલુપ્ત થઈ જાય છે. પરિણામે તે ભગવાનનું વિલાસક્ષેત્ર માત્ર રહી જાય છે. મહાભાવને સમયે જે અનુભવ તે કરે છે અને જે અનુભવ થાય છે તે બંને ભિન્ન રહેતા નથી, એક બની જાય છે. રાય રામાનંદ સાથે શ્રીચૈતન્યદેવની જે ચર્ચા થઈ હતી તેની સહાયથી આ મહાભાવનું લક્ષણ થોડુંઘણું સમજી શકાય છે. મધુરભાવની વ્યાખ્યા કરતી વખતે રાય રામાનંદ કહે છે: ‘नासो रमण ना हम रमणी। दुॅंहु मनमनोभाव पेषल जानि – ન તે રમણ, ન હું રમણી. બંનેનાં મન જાણે પીસી કર્યાં એક.’ હું અને તેઓ બંને મળીને એક થઈ જાય છે. (‘ચૈતન્ય ચરિતામૃત’ મધ્યલીલા – ૮મો પરિચ્છેદ) ત્યારે એવું લાગે છે કે કામ અને પ્રેમ બંનેનાં મનને જાણે કે પીસીને એક કરી દીધાં ન હોય! કામ જાણે કે ભગવાનને પ્રાપ્ત કરવાની તીવ્ર આકાંક્ષા, એ આકાંક્ષામાં ભક્ત અને ભગવાન બંનેનું મન મળીને એક થઈ જાય છે. આ જ મહાભાવનું ચિહ્‌ન છે. ત્યારે શ્રીકૃષ્ણ પુરુષ નથી અને શ્રીરાધાજી સ્ત્રી નથી. ભગવાન અને ભક્ત બંનેની સત્તા મળીને એક થઈ જાય છે.

એમ જોવા મળે છે કે આ મહાભાવ ઈશ્વરાનુભૂતિ થઈ ગયા પછી જ થાય છે. જેમને ઈશ્વરાનુભૂતિ નથી થઈ એને માટે બુદ્ધિ દ્વારા એને સમજવો કઠિન છે. છતાંયે શ્રીઠાકુરે દૃષ્ટાંત દ્વારા આ વિષયને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે: ‘માછલી જ્યારે ઊંડા પાણીમાંથી ઉપર આવે છે ત્યારે પાણી હલે છે; મોટી માછલી હોવાથી પાણીમાં આંદોલનો મચી જાય છે. એવી જ રીતે જેમને ભાવ થાય છે તે રડે છે, હસે છે, નાચે છે, ગાય છે.’ આ દૃષ્ટાંત સાધારણ ભાવાવસ્થાના સંબંધમાં કહેવાયું છે, એ મહાભાવની સીમા સુધી પહોંચતું નથી. જ્યારે ભગવાનનો ભાવ આવીને મનને ઉદ્વેલિત કરે છે ત્યારે મન પર અંકુશ રહેતો નથી, મનને કોઈ ચોકઠામાં રાખી શકાતું નથી. બીજું એક મજાનું ઉદાહરણ આપતાં શ્રીઠાકુર કહે છે: ‘ભાવમાં વધુ સમય સુધી રહી શકાતું નથી. અરીસાની સામે બેસીને કેવળ પોતાનો ચહેરો જોયે રાખવાથી લોકો પાગલ ગણશે.’ અરીસાની સામે બેસીને મોઢું જોવાનો અર્થ છે, ભાવાવસ્થામાં ભગવાનના સાંનિધ્યમાં રહેવું. એમના સાંનિધ્યમાં રહેવાથી આપણું પોતાનું મોઢું દેખાશે નહિ, એ અરીસામાં જે ‘હું’ પ્રતિબિંબિત થાય છે તે વધારે સમય ટકતું નથી. તે સંપૂર્ણ રૂપે તેમાં નિમગ્ન થઈ જાય છે, એનું નામનિશાન રહેતું નથી.

ઈશ્વરદર્શન તથા તેની લક્ષણાવલિ

ત્યાર પછી કોન્નગરના ભક્ત કહે છે: ‘એમ સાંભળ્યું છે કે મહાશય ઈશ્વરનાં દર્શન કરતા રહે છે તો અમને પણ દેખાડી દોને.’ આ વાત ઘણી મજાની છે. સાચી વાત તો એ છે કે જેમણે ઈશ્વરનું દર્શન કર્યું છે તે જો આપણને ન બતાવી શકે તો એમની વાતો પર બીજા કોઈ કેવી રીતે વિશ્વાસ કરે? ઉપનિષદમાં પણ આ પ્રકારની વાત છે. ‘या वा कश्चिद्‌ ब्रूयाद्‌ वेद वेदेति यथा वेत्थ तथा ब्रुहि।’ (બૃહદારણ્યક-૩.૭.૧) અર્થાત્‌ હું જાણું છું એમ તો કોઈપણ કહી શકે છે. સારું, જેવું જાણો છો બરાબર એવું જ બતાવો તો. મેં ઈશ્વરને જોયા છે, જેમ તમને અત્યારે જોઉં છું તેમ; કેવળ આ કહેવાથી શું થાય? શું આ વાતને ઓળખવા-પરખવાનો કોઈ ઉપાય જ નથી? – છે. એ શું છે? ગીતામાં આપણે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ જોયાં છે, જે બ્રહ્મમાં પ્રતિષ્ઠિત થઈ ચૂક્યાં છે એમનાં લક્ષણો કયાં છે એ ત્યાં દર્શાવવામાં આવ્યાં છે. એટલે જે એમ કહે છે કે અમે ઈશ્વરને જોયા છે તો એ વાત પર વિચાર કરવો પડશે કે એમનું આચરણ ખરેખર બ્રહ્મજ્ઞપુરુષ જેવું છે કે નહિ. અને જો એવું ન હોય તો તે ‘અંધગોલાંગુલન્યાય’ બનશે.- અર્થાત્‌ આંધળાની આંખ ઢાંકી કે બંધ કરીને, ગાયનું પૂંછડું પકડીને વૈકુંઠ જવા જેવું થશે. એટલા માટે શ્રીઠાકુરે પણ કહ્યું છે : ‘સાધુને સમજી વિચારીને, બરાબર ઓળખી, પરખીને અપનાવવા. હું કહું છું એટલા માટે માની લેવું પડે, એવી વાત નથી.’ આ વાત શ્રીઠાકુર જ કહી શકતા હતા. (એમના શિષ્યોમાંથી કેટલાયે એમની પરીક્ષા પણ કરી હતી.) સ્વામીજી અંત સમય સુધી એમની સાથે ઝઘડતા રહ્યા અને આવા ઝઘડા માટે શ્રીઠાકુરે પોતે જ એમને પ્રોત્સાહિત પણ કર્યા હતા. વિચાર કરતાં કરતાં મન જેમની પાસે પૂરેપૂરું માની જાય કે ઠરી જાય તેમની જ સમક્ષ આત્મસમર્પણ કરવું જોઈએ. અને ત્યાર બાદ ડગલે ને પગલે સંશય ન કરવો જોઈએ. એનાથી સાધનાપથમાં વિઘ્ન આવે છે. જો કે કોઈ વિશેષ ક્ષેત્રમાં અધિકારીભેદથી ગુરુની વાત માની લેવાનું પણ શ્રીઠાકુરે કહ્યું છે, પરંતુ એ એક અલગ પ્રસંગ છે.

સ્થિતપજ્ઞ વ્યક્તિનાં લક્ષણો પર કેવી રીતે વિચાર કરીશું? એના પર બે પ્રકારે વિચાર કરી શકાય છે : પહેલું સ્વસંવેદ્ય લક્ષણો દ્વારા, બીજું પરસંવેદ્ય લક્ષણો દ્વારા. જ્યારે અન્ય વ્યક્તિઓનાં લક્ષણો જોઈને શાસ્ત્રોક્ત લક્ષણો સાથે મેળવીને એના પર વિચાર કરવામાં આવે છે ત્યારે તે બને છે પરસંવેદ્ય લક્ષણ. અને જ્યારે સાધક પોતે વિચારશીલ બનીને અંતર્મુખ બની જાય અને એવી સ્થિતિમાં જે લક્ષણોને તે બુદ્ધિ દ્વારા સમજી શકે એ બધાં લક્ષણ સ્વસંવેદ્ય છે. કીર્તન આદિ કરવાથી કે થોડા જપ કરવાથી કે બે-ચાર દિવસ સાધના કરવાથી ઘણાને અશ્રુપાત, રોમાંચ, કંપ, ઇત્યિાદિ થતાં જોયાં છે, પરંતુ એ ધ્યાનમાં રાખવું પડશે કે આ અવસ્થા ભાવ કે મહાભાવ નથી. મોટેભાગે તે શારીરિક વિકાર માત્ર હોય છે. એટલે ‘મેં ઈશ્વરને જોયા છે કે તેનો અનુભવ કર્યો છે કે અમુક વ્યક્તિને મહાસમાધિ થઈ છે એટલે તે ઉચ્ચ અધિકારી છે.’ વગરે વાતો કરતાં પહેલાં વિચારપૂર્વક વિશ્લેષણ કરીને જોવું પડશે કે મનની અપવિત્રતા ક્રમશ: ઓછી થતી જાય છે કે નહિ, વિષયાસક્તિ ઘટતી જાય છે કે નહિ, ભગવાન પ્રત્યે વધુ ને વધુ આકર્ષણનો અનુભવ થતો રહે છે કે નહિ? એનું કારણ શ્રીરામકૃષ્ણદેવની ભાષામાં કહીએ તો આવું છે: ‘જેટલા પૂર્વ દિશા તરફ આગળ વધશો એટલા જ પશ્ચિમ દિશાથી દૂર જતા રહેશો.’ ભગવાન પ્રત્યે આગળ વધવા છતાં જો વિષયાસક્તિ ન ઘટે અને દેહમાં ભલે ગમે તે લક્ષણ કેમ પ્રગટ ન થતાં હોય, પણ એટલું સમજવું પડશે કે તે બધું ભગવાન પ્રત્યે આગળ વધવા માટે થઈ રહ્યું નથી. ભગવાન પ્રત્યે આગળ વધવાથી શ્રીઠાકુરની ભાષામાં કહીએ તો, ‘વિષયો અલોણા લાગશે.’ ત્યારે મન ભગવાનમાં એટલું લાગેલું રહેશે, એટલું બધું એમાં ડૂબી જશે કે બીજી કોઈ વસ્તુ વિશે વિચારવા માટે સમય જ રહેશે નહિ. પછી એ વાત ધ્યાનમાં રાખવી પડશે કે ભગવાનની તરફ આગળ વધવું એ બાળકના હાથમાંથી લાડુ પડાવીને ખાઈ લેવા જેવું સરળ કાર્ય નથી. દીર્ઘકાળ સુધી સાધના કરતા રહીએ ત્યારે માંડ માંડ એમની કૃપા થાય છે. ત્યારે એક બાજુએ જેમ સાધકની વિષયાસક્તિ દૂર થઈ જાય છે તેવી જ રીતે બીજી બાજુએ એના મનમાં ભગવાન પ્રત્યે પ્રેમભક્તિ જન્મે છે. ભગવાન પ્રત્યેનું આકર્ષણ જેટલું પ્રબળ હશે એટલી જ વિષયોથી પ્રબળ વિરક્તિ કે વૈરાગ્ય જન્મશે અને મનમાં ભગવાનના સ્વરૂપ વિશે વધુ સ્પષ્ટ ધારણા થશે તેમજ સંશયો દૂર થશે. ભાગવતના એક શ્લોકમાં આ અવસ્થાનું ઘણા સુંદર શબ્દોમાં વર્ણન કરવામાં આવ્યું છે:

भक्ति परेशानुभवो विरक्तिरन्यत्र चैष त्रिक अेककाल:।
प्रपद्यमानस्य यथाश्नत: स्युस्तुष्टि: पुष्टि: क्षुदपायोऽनुद्यासम्‌।। (११.२.४२)

જેવી રીતે કોઈ માણસને ઘણા દિવસોથી ખાવાનું ન મળ્યું અને જ્યારે એને ખાવાનું આપવામાં આવે તો એક-એક કોળિયો મોંમાં મૂકતાંની સાથે તેના મનમાં ક્ષુધાજનિત અસંતોષ દૂર થતો જાય છે, દુર્બળતા દૂર થતી જાય છે, ક્ષુધાની યંત્રણા દૂર થતી જાય છે; બરાબર એવી જ રીતે જે માણસ ભગવાન પ્રત્યે આગળ વધશે, એમના શરણાગત બનશે, તેને પણ એમની અનુભૂતિ થશે. ભગવાનના ચરણોમાં તેનાં પ્રેમભક્તિ વધશે, એમના સ્વરૂપ વિશે વધારે સ્પષ્ટ ધારણા થશે અને ભગવાન સિવાય બીજા વિષયો પ્રત્યે વિરક્તિ જાગશે, વૈરાગ્યનો ઉદય થશે. અશ્રુ, પુલક, આદિ વિશ્વસનીય લક્ષણ નથી.

ઈશ્વરદર્શન અને ધૈર્ય

કોન્નગરના ભક્તે શ્રીઠાકુરની પરીક્ષા કરવાની ઇચ્છા કરી એટલે એણે પૂછ્યું: ‘સાંભળ્યું છે કે મહાશય આપ ઈશ્વરદર્શન કરો છો તો અમને પણ કરાવી દોને.’ શ્રીઠાકુર એનો શું ઉત્તર આપે છે? તેઓ કહે છે : ‘બધું ઈશ્વરને અધીન છે. મનુષ્ય શું કરશે? એનું નામ લેતાં લેતાં ક્યારેક એ પકડમાં આવી જાય છે અને ક્યારેક નથી આવતો. એનું ધ્યાન કરતાં કરતાં ક્યારેક વિશેષ ઉદ્દીપન થાય છે અને વળી ક્યારેક કશું થતું નથી.’ શ્રીઠાકુરનું એવું કહેવા પાછળનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે આપણા મનમાં હતાશા ન આવી જાય. ઘણા સમય પછી પણ જો આપણા મનમાં ઉદ્દીપના ન આવે, જ્યારે આપણે પોતાના અંત:કરણમાં એમનાં દર્શન મેળવવા તથા એમના પ્રેમમાં ડૂબવાના આનંદનો અનુભવ નથી કરી શકતા ત્યાં સુધી અધીર બની જઈએ છીએ અને કંઈ થતું નથી, એમ કહીને ફરિયાદ કરતા રહીએ છીએ. એવી અવસ્થા માટે બધું ઈશ્વરને અધીન છે, એમની કૃપાની રાહ જોતા રહો, આ એમની આશ્વાસનવાણી છે. બાઈબલના ‘Parable of Ten Virgins’માં તથા પુરાણના શબરી ઉપાખ્યાનમાં પણ આવી જ પ્રતીક્ષાની વાત કહેવામાં આવી છે : વરની અભ્યર્થના કરીને લઈ જઈશું, આમ વિચારતી દસ તરુણીઓ દીપક પ્રગટાવીને રાહ જોતી ઊભી છે, પરંતુ વર હજી સુધી આવ્યો નથી. એવામાં કોડિયામાં તેલ ખૂટી જવાથી દીવો ઠરી ગયો. ત્યારે એમાંથી કેટલીક તરુણીઓ તેલ લેવા નીકળી. પરંતુ કેટલીક એમ વિચારીને ત્યાં રોકાઈ ગઈ કે એટલામાં ક્યાંક વર આવીને પાછો ચાલ્યો ન જાય. અને ખરેખર થોડીવારમાં જ વરરાજા આવ્યા. જે તરુણીઓએ ધીરજ ધરીને રાહ જોઈ હતી એમણે એની અભ્યર્થના કરી. આવી જ રીતે શબરી પણ કિશોરાવસ્થાથી શ્રીરામચંદ્રની રાહ જોતી હતી. કૌમાર્ય ગયું, યૌવન ગયું અને વૃદ્ધાવસ્થા આવી ગઈ, શરીર ર્જીણશીર્ણ થઈ ગયું ત્યારે વળી એમના ઈષ્ટદેવતાનું આગમન થયું. શ્રીઠાકુરના કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનને ન મેળવી શક્યા એટલે સંસારમાં ડૂબ્યા રહેવાથી ચાલશે નહિ. એમનું ધ્યાન કરતાં કરતાં વ્યાકુળ બનીને એમની રાહ જોવી પડશે.

ઈશ્વરલાભ સાધનાસાપેક્ષ

‘ઈશ્વરદર્શન કરાવી દો’ – શ્રીઠાકુર આ વાતનો શું પ્રત્યુત્તર આપે છે? દર્શન આવી રીતે થતું નથી. એને માટે તૈયારી જોઈએ. એટલે તેઓ કહે છે : ‘કર્મ જોઈએ, ત્યારે દર્શન થાય છે.’ એક દિવસ શ્રીઠાકુરે ભાવાવસ્થામાં હાલદારપુકુર (તળાવ)ને જોયું; તેનો ઉલ્લેખ કરતાં તેઓ કહે છે : ‘જાણે કે બતાવી દીધું કે લીલને હટાવ્યા વિના પાણી દેખાતું નથી, કર્મ કર્યા વિના ભક્તિ થતી નથી; ઈશ્વરદર્શન થતાં નથી. જપધ્યાન એ બધાં કર્મ છે, એમના નામનું ગુણકીર્તન પણ કર્મ છે; અને વળી દાનયજ્ઞાદિ પણ કર્મ છે.’ એમાં દાન, યજ્ઞ વગેરે વૈધકર્મ છે. પહેલાં વર્ણવાયેલાં જપ-ધ્યાન, કીર્તનાદિ અપેક્ષાકૃત અંતરંગ સાધન છે. કંઈ એવું નથી કે આ કર્મોથી ઈશ્વર મળી જાય; તેઓ તો કેવળ એમની પોતાની કૃપાથી જ મળે છે. આ પહેલાં શ્રીઠાકુરે કહ્યું હતું : ‘બધું ઈશ્વરને અધીન છે.’ તો પછી કર્મ શા માટે? એટલા માટે કે માણસ ક્યારેય કર્મ સિવાય રહી શકતો નથી. અને ભગવાન ખરેખર જો આપણા કામ્ય હોય તો જે કર્મ આપણને એમની યાદ અપાવી દે એ જ કર્મ કરવાં એ આપણું કર્તવ્ય છે. આ વિષયમાં બીજે એક સ્થળે શ્રીઠાકુરે એક ઘણું સુંદર મજાનું દૃષ્ટાંત આપ્યું છે : ‘એક ચોર ચોરી કરવા એક ઘરની દિવાલમાં બાકોરું પાડીને અંદર ગયો. એણે જોયું તો તે ભૂલથી કોઈ બીજા ઘરમાં આવી ગયો છે. આ ઘરમાં સોનું નથી. સોનુ તો બાજુના ઘરમાં છે. તો ચોર શું કરશે? શું તે છાનોમાનો બેઠો રહેશે? ના. તે સોનું મેળવવા માટે એનો જીવ બેચેન થઈ જશે. તેને મનમાં એવું થશે કે કેવી રીતે દિવાલ તોડીને એ સોનું મેળવી લઉં. એવી જ રીતે જે ખરેખર ભગવાનનાં દર્શન ઇચ્છે છે તે એમની રાહ જોતાં જોતાં હાથજોડીને બેઠા રહી શકતા નથી; તે વ્યાકુળ બનીને, બેચેન બનીને, એમને માટે વલખતા રહેશે. અને જે સાધનો દ્વારા એમને મેળવી શકાય છે એ સાધનોમાં જ પોતાની જાતને જોડી દેશે.’ એટલા માટે શ્રીઠાકુર કહે છે : ‘કર્મ જરૂરી છે. જો માખણ જોતું હોય તો દૂધમાંથી દહીં જમાવવું પડે છે, એને નિર્જન સ્થળે રાખવું પડે છે. દહીં જામ્યા પછી તેને પરિશ્રમપૂર્વક મથવું પડે છે ત્યારે આપણને માખણ મળે છે.’ એટલે ‘ઈશ્વરનાં દર્શન કરાવી દો’ એનો અર્થ જો આપણે સાધનભજન કંઈ નહિ કરીએ, નિષ્ક્રિય થઈને બેઠા રહીશું, એવો થતો હોય તો એમ એ દર્શન થતાં નથી. એટલા માટે થોડી વાર પછી શ્રીઠાકુર કહે છે : ‘અરે ભાઈ, આ તો વળી મોટી બલા! ઈશ્વરનાં દર્શન કરાવી દો, અને તેઓ ચૂપચાપ બેઠા રહેશે! માખણ લઈને મોં સામે ધરો!’

એવી વાત પણ નથી કે કંઈક કરીને ચૂપચાપ બેઠા રહેવાથી થશે નહિ, પરંતુ તે ઘણું કઠિન છે. એ અવસ્થામાં પોતાનું કોઈ વ્યક્તિત્વ નથી રહેતું, કોઈ કર્તૃત્વ નથી રહેતું. બધી અવસ્થાઓમાં પોતાને અકર્તા ગણવા પડે છે. હું દૃષ્ટામાત્ર, સાક્ષીમાત્ર, યંત્રમાત્ર છું એ ભાવ રહે છે, એનાથી વધુ કંઈ નહિ. પરંતુ સાધારણ લોકો માટે આવો ભાવ રાખવો ક્યારેય સંભવ નથી. ઈશ્વરને પોકારતી વખતે આ ભાવ તો આવે જ છે કે તેઓ જો કરાવશે તો હું કરીશ. પરંતુ વ્યવહારમાં તેનો કર્તૃત્વભાવ, અહંભાવ તેની અજાણતામાં જાગીને ઊભો થશે. એનો એને ખ્યાલ રહેતો નથી, અને ત્યાં જ મન સાથે મોટી દગાખોરી થઈ જાય છે. એટલા માટે આપણા જેવા સામાન્ય લોકો માટે શ્રીઠાકુરનો નિર્દેશ છે : ‘કર્મ જોઈએ, ત્યારે દર્શન થશે.’

શ્રીઠાકુર જ્યારે કર્મની વાત કહે છે, ત્યારે મહિમાચરણ ઉત્તર આપતાં કહે છે : ‘હા, કર્મ તો કરવું જ જોઈએ.ખૂબ કર્મ કરવાં પડે છે ત્યારે મળે છે. કેટલું બધું વાંચવું પડે છે! અનંત શાસ્ત્ર છે.’ આ વિશે એના પર શ્રીઠાકુર કહે છે : ‘શાસ્ત્રો કેટલાં વાંચશો? માત્ર વિચાર કરવાથી શું થશે? પહેલા એમને પામવાની ચેષ્ટા કરો, ગુરુવાક્યમાં વિશ્વાસ રાખીને કંઈક કર્મ કરો. ગુરુ ન હોય તો વ્યાકુળ બનીને ઈશ્વરની પ્રાર્થના કરો; ગમે તેમ કરીને તેઓ કેવા છે એ બધું સમજાવી દેશે.’

(ક્રમશ:)

Total Views: 105

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.