(ગતાંકથી આગળ)

જ્ઞાનવિચારના અસ્ત્રાની ધાર સમા માર્ગને જ નરેન્દ્રે જાણે કે પોતાનો પથ માનીને પકડી લીધો. એટલે જ તેઓ મહામાયાને ખાસ ગણકારતા નહિ. ‘એ ઠાકુરની મા’ એવો કંઈક ભાવ ખરો. પરંતુ એક મહારાત્રીએ ગંગાના ઘૂંટણસમા પાણીમાં ડૂબીને મરી ન શકવાથી જ્ઞાની તોતાપુરીને જે વિશેષ જ્ઞાન લાધ્યું તેવું જ થયું નરેન્દ્રને સંસારનાં વમળમાં ડૂબકાં ખાઈને. 

નરેન્દ્ર તો શ્રીઠાકુર પાસે આવીને એમને વળગી પડ્યા કે ‘એમની માને – મા કાલીને કહીને એના સંસારની કશીક વ્યવસ્થા ગોઠવી આપે. આવા પરમસંજોગને શ્રીઠાકુરે પણ નિર્મમભાવે કસકસાવીને પકડી લીધો. તેઓ બોલ્યા: ‘તું મારી માને માનતો નથી એટલે જ તને આટલું કષ્ટ!’ કેટલા પ્રેમના કેવાં તો આકરાં વેણ! ફરી તેઓ બોલ્યા : ‘હું તે શું કરવા કહેવા જાઉં, તું જ જાને!’ અને નરેનને ધકેલી દીધો ઠેઠ મહામાયાના ભીતરના ચોકમાં. માની સામે ઊભો રહીને નરેન થઈ ગયો સાવ સ્તંભિત જ. આ તો ચિન્મયી, જાજ્વલ્યમયી, જીવંત!

બહારથી ધબો મારીને પોતાભણી નરેનનું મોં ફેરવી દઈને નરેનના ચૈતન્યમાં એકાએક સદા સદાને માટે વણાઈ ગઈ! આટલી તો છે માની સર્વગ્રાસી કરુણા! નરેને જે દહાડે મા કાલીને માની, તે દિવસે ઠાકુરના હૈયામાં હરખ જાણે માય નહિ. ભક્તો સમક્ષ ડંકો મારતાં ફરતા રહ્યા : ‘નરેન્દ્રે કાલીને માની લીધી છે!’ આ જ તો હતી સૌથી મોટી અડચણ, આ કાલીને ન માનવી તે. નિત્યને સ્વીકારીને લીલાને ન સ્વીકારતા કશેય થોભવાનું ઠામઠેકાણું જ ના રહે. ‘આદ્યાશક્તિ મારગ છોડી દે ત્યારે બ્રહ્મજ્ઞાન થાય.’ એનું કારણ એ છે કે તેઓ લીલામયી હોવા છતાંયે એ જ બને છે ‘લીલાનાટક-સૂત્રભેદનકરી’. અવિદ્યા હોવા છતાં એ બને છે વિદ્યાશક્તિ, ‘વિજ્ઞાનદીપાંકુરી’, ‘નિગમાર્થ-ગોચનકરી’. એ જ બાંધે છે માયાપાશે, અને વળી એ જ છે ‘મોક્ષદ્વાર કપાટ-પાટનકરી’. મા કાલીને માન્યા વગર નરેન યુગાવતારના ઈશપ્રેમ-સંવહનના યંત્ર ન બની શકત. શ્રીરામકૃષ્ણના નરેન્દ્રભયની આ જ તો જડ હતી. મા કાલીને માન્યા પછી હવે નરેનને ખોવાનો ભય રહ્યો નહિ. અખંડના ઘેરથી આવ્યો ત્યારથી નરેન હતો બેઘર. હવે બન્યો શ્રીમાના ઘરનો પનોતો પુત્ર. હવે શી ચિંતા! વિશ્વજનની આ જે એકવાર નરેનના ચૈતન્યમાં ચીપકી કે તે પછી આખાય જીવનકાળમાં ફરી પાછા નીચે ઉતરવાનું નામ જ ના લીધું એમણે. ૧૬ આના કામ કરાવી લીધું, એકદમ બોચી પકડીને, હાડોહાડ વળગી રહીને અને ત્યાર પછી ક્ષીરભવાનીએ આણીને સમજાવી દીધું કે વિવેકાનંદ વિના પણ એનું આ જગત ચાલ્યા કરે. શો એનો અર્થ? આ કૃપામયી લીલામયી પણ ખરી. આ જીવનભૂમિમાં આ વીર પુત્રને ‘મા, મા’ કરતો કરી દીધો ભોંય ઘસતો. મા કાલીને માની લીધાથી જ બ્રહ્મને જાણે કે નવીનરૂપે પામ્યા. આવું થયા વિના ‘જીવશિવ’ મંત્રની શું આવી રીતે અનુભૂતિ થાત ખરી? ‘જગત મિથ્યા’ એવું ઠાકુર જેટલીવાર બોલ્યા છે એના કરતાં વધુવાર બોલ્યા છે, ‘એ જ તો બધું બન્યા છે’. વનના વેદાંતને પ્રેમના રસથી સીંચીને નૂતનધર્મને માનવની કલ્યાણભૂમિમાં પાછો ફેરવી આણ્યો.

નરેન્દ્રે ચાહ્યું હતું કે જગતને ભૂલીને સમાધિભૂમિ પર આરૂઢ થઈને રહેશે. ઠાકુરે ધિક્કારના એક ઘા સાથે એ સ્વપ્ન વેરણ-છેરણ કરી મૂક્યું. આત્માનંદે ઘેઘૂર થઈને રહેવાનો અધિકાર નરેન્દ્રનો ન હતો; એ બધું તો સાધારણ સાધક માટે. અખંડના ઘેરથી આટઆટલું કરીને શા માટે એને ખેંચી લાવવાનું થયું છે, એ ઉદ્દેશ્યને ઠાકુર એક પળભર માટે પણ વિસર્યા ન હતા. કોઈ કરતાં કોઈ રીતે પણ નરેનને સંસારભૂલ્યા આત્મારામ બનવા ન દીધા. એમના પરિપક્વ ચતુર ચૈતન્યને મનુષ્યભણી વાળી દીધું. નિત્યમાં આરૂઢ કરાવીને લીલામાં બાંધી રાખ્યા. ‘જીવશિવ’ મંત્ર દઈને પણ નિરાંત ના વળી. ‘ખાલી પેટે ધર્મ ન થાય’ એ મંત્રનાં છૂંદણાં ઘેરા રંગે નરેનના હૃદયે કોતરી મેલ્યાં. વળી પાછો એક ક્રાંતિકારી પ્રશ્ન ઉઠાવ્યો : ‘માનુષી પ્રતિમામાં પૂજા કરાય અને જીવંત મનુષ્યમાં થાય નહિ?’ મનુષ્યને ‘મહતો મહીયાન્‌’ કરીને એને જ બનાવ્યો દિવ્યધ્યાનનો પદાર્થ : ‘ઈશ્વરની ઇચ્છાથી એમની સારવસ્તુ મનુષ્યની ભીતર થઈને આવે.’ આ નૂતન સાધનામાર્ગ સનાતન ધર્મમાં પ્રવર્તાવ્યો : ‘લાકડું ઘસતાં જેમ અગ્નિ પ્રગટે તેમ ભક્તિનું જોર હોય તો મનુષ્યમાં જ ઈશ્વરદર્શન થાય.’ માનું કાર્ય એણે કરવાનું હતું એટલે નરેનને કહ્યું : ‘આ થઈ એની દિશાસૂચના.’

તિરોધાન થવાના બે દિવસ અગાઉ નરેનમાં પોતાની બધી અનુભૂતિઓનું, શક્તિઓનું ઐશ્વર્ય રેડી દઈને પોતે થયા ફકીર. આ ફકીર થવું એટલે : ઠાકુર નરેન્દ્રમાં વણાઈ ગયા – નરેનનું અલગ અસ્તિત્વ હવે રહ્યું નહિ. અને એટલે જ નરેનને ‘નિજ આત્મા’ કહીને ઓળખાવ્યો. 

* * *

નરેન્દ્ર-સાધનામાં ઠાકુરે આ ઉભયધર્મોનું અનુશીલન કર્યું : નવો યુગધર્મ અને શાશ્વત સનાતન ધર્મ. ‘પૂંછ-માથું કાઢીને’ કેવી રીતે સાર ગ્રહણ કરવો જોઈએ, લીલ હટાવીને કેવી રીતે સચ્ચિદાનંદ જળ લેવું જોઈએ – એ બધું શીખડાવ્યું. 

‘હું કહું છું, તમે એને માની લો’ એવી વાત ઠાકુરે કોઈને પણ કહી નથી. એમાંય નરેનને તો વિશેષ કરીને એમની અનુભૂતિને ખણખણાવીને નાણી લેવા માટે ઉત્સાહિત કરતા. વિજ્ઞાની ઠાકુર વૈજ્ઞાનિકોના સહધર્મી – એ વાતનો ખ્યાલ ઠાકુરની જગતભાન રહિત છબિ જોઈને ન આવે. પરંતુ, આટલી ચોક્કસ વૈજ્ઞાનિક દૃષ્ટિ કેટલા જણની થયેલી હોય છે! જોયા વગર કશું પણ સ્વીકારી ના લે. ‘જોવું છે’ કરીને દિવસોના દિવસો લગી, મહિનાઓના મહિના લગી, આંખ મીંચેલી નહિ. એટલે જ તો અણદીઠેલા અણજાણ્યાના વિશે આટલી બધી જોશીલી-રસિલી વાતો કરી શકે ને! આજના વૈજ્ઞાનિક યુગમાં ધર્મે કાળધર્મી થવું જ પડશે. વિજ્ઞાન પ્રત્યે નાકનું ટીચકું ચઢાવીને ધર્મની મશાલ ફેરવવી એ ચાલશે નહિ. એટલે નરેન્દ્ર સમક્ષ, વારંવાર પરીક્ષા ખંડે ગભરાતા બેઠેલા બાળકની જેમ હાજર થતા તેમને સંકોચ થયો નહિ. આપણે આજે ઠાકુરને જે ભાવરૂપે પામ્યા છીએ – સ્વચ્છ, સુંદર, સબળ. કસ્તર કાંકરી ક્યાંયે નહિ, ક્યાંયે નહિ સંદેહના ઓળા ઓછાયા, આ બધું આ જ રીતે આપણે કદીયે ન પામ્યા હોત, જો ઠાકુરે નરેનની સાચા ખોટાની તરતપાસ કરવાની વૃત્તિને અકબંધ રાખીને, પોતે સામે ચાલીને ઉત્સાહપૂર્વક વારંવાર પરીક્ષા ના દીધી હોત. એક હિસાબે-દૃષ્ટિએ ઈશપ્રેમ એટલે સત્યને જાણવાની સતત પ્રેરણાનું જ બીજું નામ. સત્યસ્વરૂપ ઠાકુરે સત્યાન્વેષણરૂપી જે વૈજ્ઞાનિક બુદ્ધિનો પરિચય હંમેશાં કરાવ્યો, તેને પરિણામે નરેનનું આત્મનિવેદન સહજ અને સંભવિત બન્યું.

ગિરિશબાબુ કહેતા : … હું જ્યારે બિલ્વમંગલ નાટક લખતો હતો ત્યારે એમના ભક્તો પૂછતાછ કરે તો હું કહેતો : ‘નાટક લખતા એમની પાસેથી શીખ્યો.’ નરેન્દ્ર કહે : ‘વિજ્ઞાન એમની પાસેથી શીખ્યો.’ માસ્ટર મહાશય કહે : ‘ભણાવતાં શીખ્યો એમની પાસેથી.’ 

સત્યધર્મ ક્રાંતિકારી, કારણ કે મોહનાં આવરણ, જડતાનાં આચ્છાદન, કુસંસ્કારોના કાદવના થરને નિર્મમભાવે તે શીર્ણવિશીર્ણ કરી નાખે. મિથ્યાની દિવાલોેને ભાંગી તોડીને સત્યધર્મે પોતાને પ્રગટ કરવો પડે છે. અવતાર પ્રધાનપણે ભાવવિપ્લવી હોય છે. ધની લુહારણ પાસેથી ભીક્ષાગ્રહણ, ‘ચોખા-કેળાં’નાં સીધાં બંધાવનારી વિદ્યાનો અસ્વીકાર, ઈસ્લામ સાધના, સહધર્મિણીની ઈશ્વરીપૂજા, ‘જીવશિવ’ મંત્રદાન – સહજસરળ ઠાકુરના જીવનમાં સનાતન શાશ્વત ભાવધારાની સાથે આવીને વિપ્લવકારી ભાવધારાનો અદ્‌ભુત સમન્વય થયો છે.

Total Views: 22
By Published On: September 10, 2022Categories: Budhananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram