છેલ્લાં ૧૦૦ વર્ષમાં માનવજાતે જ્ઞાનની ક્ષિતિજો અને તેમાંય ખાસ કરીને વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં અદ્‌ભુત પ્રગતિ સાધી છે. અતિ અલ્પ સમયમાં નાનામાં નાના નિર્જીવ પરમાણુથી માંડીને એકકોષીય જિવાણુઓની સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રવૃત્તિ કે હલચલની નોંધ મેળવીને તેનો અભ્યાસ કરવામાં માનવજાત સક્ષમ બની છે. બીજી બાજુએ આજનો માનવ પોતાની અદ્‌ભુત પૃથક્કરણશક્તિ અને પરિશીલનશક્તિથી એટલે કે પોતાની અચંબામાં નાખે તેવી બુદ્ધિપ્રતિભાથી સમગ્ર બ્રહ્માંડના વ્યાપનો ખ્યાલ પણ મેળવતો થઈ ગયો છે.  પરંતુ, એક વિચિત્ર અને વિરોધાભાસી વાત એ છે કે પોતાના જ્ઞાનની ક્ષિતિજો વિકસાવીને આટલી બધી સિદ્ધિ મેળવ્યાનો દાવો કરનાર માનવ પોતાની જાતની સાચી ઓળખ એટલે કે પોતાના મૂળભૂત સ્વરૂપ કે વ્યક્તિત્વ વિશે કંઈ જાણતો નથી અથવા નહિવત્‌ જાણે છે. એ પોતે પોતાના વિશે કોઈ ભ્રમભર્યો ખ્યાલ ધરાવે છે એવું આપણને લાગ્યા વગર રહેતું નથી.

માનવશરીરના કાર્યાન્વયનના જ્ઞાન વિશે માનવે અદ્‌ભુત પ્રગતિ સાધી છે એ વાત નિ:શંક છે. આરોગ્ય અને શરીરવિજ્ઞાનના ક્ષેત્રે થયેલ ઝડપી વિકાસ અને પ્રગતિને કારણે માણસનું આયુષ્ય દીર્ઘ બન્યું છે. સાથને સાથે પોતાની સાર્વત્રિક નિરામયતા માટે તેણે આનુવંશિક રંગસૂત્રોમાં પણ પરિવર્તન લાવવાનો પ્રશંસનીય અને અકલ્પનીય પ્રયાસ કર્યો છે. માનવનાં મન, મનોવલણો અને તેના વર્તનના ક્ષેત્રે પણ આ માનવે અદ્‌ભુત પ્રગતિ સાધી છે. એણે કેટલીક માનસિક બિમારીઓ માટે એવા આરોગ્યદ્રવ્યો પણ શોધ્યા છે. આટલી બધી સિદ્ધિઓ મેળવ્યા છતાં જ્યાં સુધી માનવના મૂળસ્વરૂપને, મૂળ વ્યક્તિત્વને લાગે વળગે છે ત્યાં સુધી તે જાણે કે હજીયે અંધારામાં ગોથાં ખાય છે. દરવર્ષે આપણે વ્યક્તિત્વ વિકાસ, સ્વવિકાસ કે આત્મસુધારણા વિશે અનેક પુસ્તકો બહાર પડતા જોઈએ છીએ. માનવ આત્મસુધારણા માટે બહેતર અને બહેતર ઉપાયો શોધવાનો સતત પ્રયાસ કરતો રહ્યો છે. આ હકીકત એ વાત સ્પષ્ટ કરે છે કે આ સતત અને ઝડપથી પરિવર્તિત થતી અને સતત સ્પર્ધાત્મક બનતી જતી આ દુનિયા એને પોતાની ભીતર કોઈ શાશ્વત આધારની શોધ કરવા પ્રેરે છે. આ શાશ્વત આધારશિલા એના જીવનમાં સારી એવી સ્થિરતા લાવશે એવી એની અપેક્ષા પણ છે. એવું લાગે છે કે માનવીએ પોતાની જાત વિશેની ભ્રમભરી ધારણાને કારણે ઘણી મોટી કીમત ચૂકવવી પડી છે.

મનુષ્ય શરીર અને મનસંકુલ સાથે એટલો બધો ગરકાવ થઈ ગયો છે કે તે મૂળ સ્વરૂપે એક આત્મા છે, શુદ્ધચૈતન્ય આત્મા છે અને પોતાનું ગૌણ સ્વરૂપ આ પરિવર્તનશીલ દેહમન વગેરે છે એ શાસ્ત્રવાક્ય ભૂલી ગયો છે. એટલે કે વેદો અને ઉપનિષદોમાં વર્ણવેલ માનવીના મૂળ સ્વરૂપને અવગણના કરીને તેણે પોતાની જાતને અંધારામાં ધકેલી દીધી છે. મુંડકોપનિષદમાં રૂપક કથા દ્વારા માનવીના મૂળ સ્વરૂપની વાતને બહુ સુંદર શબ્દોમાં આ રીતે વર્ણવી છે :

 द्वा सुपर्णा सयुजा सखाया समां वृक्षं परिषस्वजाते।
तयोरन्य: पिप्पंलं स्वाद्वत्त्यनश्नन्नन्योऽभिचाकशीति।। (३.१.१)

એક જ વૃક્ષ પર બે પક્ષીઓ હંમેશાં સાથે રહે છે, બંને સુંદર પાંખોવાળાં છે અને એક જ સરખાં છે. તે પૈકીનું એક મીઠાં ફળ ખાય છે, અને બીજું ફળો ખાધા વગર ફક્ત જોયા જ કરે છે.

समाने वृक्षे पुरुषो निमग्नोऽनीशया शोचति मुह्यमानः ।
जुष्टं यदा पश्यत्यन्यमीशमस्य महिमानमिति वीतशोकः ॥ (३.१.२)

એક વૃક્ષ ઉપર વ્યષ્ટિચૈતન્ય-જીવાત્મા સાથે રહેલું સમષ્ટિચૈતન્ય-પરમાત્મા (એક જ શરીરમાં રહેલ બંને) હોવા છતાં જીવાત્મા પોતાના દિવ્ય સ્વરૂપને જાણતો નથી. એટલા માટે તે દુ:ખી થયા કરે છે પરંતુ જ્યારે એ જ જીવાત્મા પોતાના સાચા દિવ્ય સ્વરૂપને ઓળખી-અનુભવી લે છે, ત્યારે તે બધાં દુ:ખોને પાર કરી જાય છે અને ત્યારે એ પોતાના મૂળગત મહિમાને પિછાણતો થઈ જાય છે.

આપણા શાસ્ત્રગ્રંથોએ, એમાંય ખાસ કરીને ઉપનિષદોએ માનવના મૂળ સ્વરૂપ અને તેના વ્યક્તિત્વ વિકાસ વિશે શું કહ્યું છે એ જાણવા માટે આપણે આ ગ્રંથોની અધ્યયન યાત્રાએ નીકળવું યોગ્ય છે. આ અને હવે પછીના સંપાદકીય લેખોમાં આપણા પ્રાચીન શાસ્ત્રગ્રંથો માનવના સાચા વ્યક્તિત્વ અને તેના વિકાસ વિશે શું કહે છે અને માનવના સર્વાંગીણ કલ્યાણ  સાધવા માટે આ બધાં શાસ્ત્રસિદ્ધાંતો કેટલા ઉપયોગી નીવડશે તે વિશે આપણે વિગતે ચર્ચા કરીશું. આ સાથે એ બધા શાસ્ત્રસિદ્ધાંતો આધુનિક જગતના જ્ઞાનવિજ્ઞાન સાથે કેટલો મેળ સાધી શકે છે એ જોવાનો પણ આપણો પ્રયાસ હશે.

ઉપનિષદ કે વેદાંત પ્રમાણે માનવીનું સાચું સ્વરૂપ કે વ્યક્તિત્વ દિવ્યપ્રભાવાળો આત્મા છે, અને દેહમનનું સંકુલ ભલે એની સાથે જોડાયેલું લાગે પણ વાસ્તવિક રીતે તે ભિન્ન છે. મોટા ભાગના આધુનિક મનોવૈજ્ઞાનિકો માને છે તેમ માનવ એ માત્ર શારીરિક (ભૌતિક) અને માનસિક (બૌદ્ધિક) તત્ત્વોનું સંમિશ્રણ માત્ર નથી; અને જેમ બીજા તાત્ત્વિકો માને છે તેમ માનવ એ માત્ર શરીર,મન અને આત્માનું સંમિશ્રણ નથી. જો આપણો વર્તમાન ભૌતિક દેહ માનવના સાચા સ્વરૂપ સાથે એક હોત તો મૃત્યુ પછી માનવનું અસ્તિત્વ જ મટી જાત, આ વાતને આપણાં શાસ્ત્રો સ્વીકરતાં નથી. જો ભૌતિક દેહ માનવના સાચા સ્વરૂપનું અત્યંત મહત્ત્વનું અંગ હોત તો માનવને એક પશુની જેમ જીવતા રહેવામાં અને પોતાની બધી શક્તિઓનો વિનિયોગ પોતાના ર્જીણશીર્ણ થતા દેહની જાળવણી કરવામાં જ કોઈ અટકાવી શકત નહિ. પણ વાસ્તવિક રીતે મોટા ભાગનો માનવસમૂહ જાણ્યે કે અજાણ્યે, સભાનપણે કે અભાનપણે આ દેહકેન્દ્રીભાવના વ્યક્તિત્વને છોડી શકતો નથી. પોતાની શારીરિક જરૂરતોની પરિપૂર્તિને જ પોતાના જીવનનું પ્રાથમિક લક્ષ્ય ગણે છે. પરિણામે વિષયેન્દ્રિયોના સુખોપભોગની આત્મતૃપ્તિમાં જ તે રત રહે છે. આની નિષ્પત્તિ એવી આવે છે કે તે સુખ અને કલ્યાણ વચ્ચેનો ભેદભાવ ભૂલી જાય છે, આ ભૌતિકજગતના છેતરામણા અને લલચાવનાર વિષયો કે પદાર્થોમાં સંરક્ષણ શોધવાનો મિથ્યા પ્રયત્ન કરે છે અને આ નાશવંત મોહજગતને વળગી રહેવા મથતો રહે છે. આને લીધે તે સુખ અને દુ:ખ, આશા અને નિરાશા, પ્રેમ અને ઘૃણાની વચ્ચે ફંગોળાતો રહે છે.

મોટાભાગના માનવીઓ આ ભૌતિક દેહાસક્તિથી એટલા બધા ઘેરાયેલા અને આશ્રિત રહે છે કે તેઓ પોતાના મનબુદ્ધિના વિકાસ પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. જો કે એમાંના થોડાઘણા પોતાના આ જન્મની કે પૂર્વજન્મની ભોગતૃષ્ણાની આપૂર્તિને કારણે વધુ ઉચ્ચતર જીવન જીવે છે. એટલે કે તેઓ દૈહિકભાવથી પર થઈને ઉચ્ચતર માનસિક સ્તરે વિહરે છે અને કલા, સાહિત્ય, સેવા અને બીજાં બૌદ્ધિક ક્ષેત્રોમાં પોતાનો મોટાભાગનો સમય ગાળે છે. પરંતુ વિરલાઓ જ અંતરાત્માની દુનિયામાં રાચે છે. તેઓ દેહમનાતીત જગતથી પરિચિત થવા માટે પ્રયત્ન કરે છે અને આ ભૌતિકજગતથી પર એવા આપણાં શાસ્ત્રોએ વર્ણવેલા માનવના મૂળ ચૈતન્ય સ્વરૂપ સાથે પોતાની એકરૂપતા સાધવાનો પ્રયાસ કરે છે. આ મૂળ ચૈતન્ય સ્વરૂપ અંતરાત્મા અલિપ્ત હોવા છતાં આ દેહમનના સંકુલને એક કરીને એકત્વમાં જાળવી રાખે છે.  દેહ-મન સંકુલને જોડતું એક બીજું તત્ત્વ છે જેને પ્રાણ કહે છે. આ પ્રાણશક્તિ આ મૂળ ચૈતન્ય સ્વરૂપ અંતરાત્માના એક દૂત જેવું જાણે કે કામ કરે છે. તે દેહસંકુલનું સંચાલન કરે છે, નિયમન કરે છે. આ કાર્ય તે મનબુદ્ધિ દ્વારા મળતા સંકેતો કે આદેશો પ્રમાણે કરે છે; અને ગાઢ નિદ્રાવસ્થામાં સ્વતંત્ર રીતે પણ શ્વાસોચ્છ્‌વાસ, રુધિરાભિસરણ, ચયાપચય જેવાં કાર્યો કરે છે. આ દેહમનના સંકુલના કરતાં આ મૂળ ચૈતન્ય સ્વરૂપ અંતરાત્મા સાથે જેટલા પ્રમાણમાં વધુ ઐક્ય આપણે સાધી શકીએ તેટલા વધુ પ્રમાણમાં આપણું વ્યક્તિત્વ વધુને વધુ સ્થિરધીર, પૂર્ણ અને આનંદદાયી બનશે. 

સૂક્ષ્માતિસૂક્ષ્મ તત્ત્વથી બનેલું હોવાને કારણે મન એવી ક્ષમતા ધરાવે છે કે એ તેજપુંજવાળા અંતરાત્માનો પ્રકાશ દેહ અને ઇન્દ્રિયોમાં સંક્રમણ કરી શકે છે. એક કાચ જેમ સૂર્યપ્રકાશને પસાર થવા દઈને અપારદર્શક પદાર્થ પર પડવા દે છે તેવું કાર્ય આ મન કરે છે. જેમ સૂર્યપ્રકાશનું સંક્રમણ કરતી વખતે બારીનો કાચ ઝળકી ઊઠે છે, આગ્નિમાં નાખેલો લોખંડનો ગોળ લાલઘૂમ થઈ જાય છે તેવી રીતે તેજપુંજ અંતરાત્માના મેળવેલા પ્રકાશથી મન પ્રકાશમય બની જાય છે. આને કારણે પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકો, જીવવિજ્ઞાનીઓ અને બીજા તત્ત્વજ્ઞો મનને જ ચૈતન્ય સ્વરૂપ માને છે અને સ્વતંત્ર ચૈતન્ય સ્વરૂપ આત્માને સ્વીકારતા નથી.

આપણા શાસ્ત્રોના મતે આત્મચૈતન્યથી ઓતપ્રોત થયેલ આ મન જ જ્ઞાનનું પ્રાથમિક સાધન છે. એટલે જ મન એ જ્ઞાનગ્રહણના કોઈ પણ રૂપ માટે અનિવાર્ય બની રહે છે. માનવમાં રહેલ દસ ઇન્દ્રિયો અને દેહ આ ચૈતન્ય સ્વરૂપનો પ્રકાશ મનના માધ્યમ દ્વારા પોતપોતાની ક્ષમતા પ્રમાણે ગ્રહણ કરે છે. આ ચૈતન્ય સ્વરૂપ સાથે વત્તાઓછા પ્રમાણમાં ભળીને ઇન્દ્રિયો કાર્ય કરે છે અને દેહસંવેદના અનુભવે છે અને બાહ્ય જગત સાથે તેનો પ્રતિભાવ આપે છે કે પ્રવૃત્તિ કરે છે.

કેન ઉપનિષદ એક પાયાના પ્રશ્નથી ઊઘડે છે : ‘આપણી ઇન્દ્રિયોને કોણ કાબૂમાં રાખે છે?’ આ પ્રશ્ન એ પણ સૂચિત કરી જાય છે કે, ‘આ વિશ્વને કાબૂમાં રાખનાર કોણ છે?’ એ વાત તો ચોખ્ખી છે કે ઇન્દ્રિયો સ્વતંત્ર નથી. જો તે સ્વતંત્ર હોત, તો એના સંબંધમાં આવેલા મનુષ્યને છેવટે કશું નુકસાન થાય, એવું કોઈ કાર્ય કરત નહિ. આ પરિવર્તનશીલ સમગ્ર જગતનાં કાર્યોનો કોઈક દોરનારો તો છે જ. તો એ દોરનારો પુરુષ કોણ હશે? 

 केनेषितं पतति प्रेषितं मनः केन प्राणः प्रथमः प्रैति युक्तः।
केनेषितां वाचमिमां वदन्ति चक्षुः श्रोत्रं क उ देवो युनक्ति ॥१।।

(શિષ્ય કહે છે -) કોની ઇચ્છા વડે મન વિષયો તરફ ખેંચાય છે? જીવનના પ્રથમ ચિહ્‌નરૂપ પ્રથમ સંજીવક શ્વાસને કોણ સંચાલિત કરે છે? કોના આદેશથી – સત્તાથી – લોકો શબ્દો બોલે છે? આંખ, કાન, (અને બીજા અવયવોને) કયો દેવ માર્ગદર્શન આપે છે?

આપણી ઇન્દ્રિયોની પાછળ રહેલી ખરી શક્તિ તો આત્માની જ શક્તિ છે. જ્યારે એ આત્મા એમાંથી પોતાની શક્તિને જેમ માણસના મરણ વખતે બને છે તેવી રીતે પાછી ખેંચી લે, તો એ ઇન્દ્રિયો બીજી રીતે – આકાર વગેરેમાં એવી ને એવી પહેલાંના જેવી જ, હોવા છતાં પણ કશું જ કાર્ય કરી શકતી નથી. આ જગત સાચું – વાસ્તવિક જણાય છે? એ બ્રહ્મ દ્વારા આદિષ્ટ છે, ઇચ્છિત છે. એ બ્રહ્મ જ જગતના અંત:સ્તલમાં વસેલું છે.આ જગત સાચું અને વાસ્તવિક દેખાય છે, કારણ કે આ જગતની પૃષ્ઠભૂમિમાં બ્રહ્મ રહેલું છે.

श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यद्वाचो ह वाचं स उ प्राणस्य प्राणः ।
चक्षुषश्चक्षुरतिमुच्य धीराः प्रेत्यास्माल्लोकादमृता भवन्ति ॥ २ ॥

(ગુરુ કહે છે:) એ બ્રહ્મ કર્ણેન્દ્રિયની પણ કર્ણેન્દ્રિય છે, એ મનનું પણ મન છે, વાણીની પણ વાણી છે, શ્વાસોનો પણ શ્વાસ છે, અને આંખની પણ આંખ છે. આટલા માટે વિવેકશીલ પુરુષો પોતે ઇન્દ્રિયો સાથે સંકળાયેલા છે, એવો ખ્યાલ છોડી દઈને આ જગતમાંથી અલગ થઈ જાય છે, એટલે આ જગતનો ત્યાગ કરી દે છે અને તેઓ અમર બની જાય છે.

Total Views: 228

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.