ભક્તિનો વિકાસક્રમ

ભક્તિના ત્રણ ભેદ છે : – સાધનભક્તિ, ભાવભક્તિ અને પ્રેમભક્તિ.

શ્રવણ દર્શનાદિ દ્વારા જે ભક્તિનો લાભ થાય છે તેને સાધનભક્તિ કહે છે; તે દ્વારા ભાવભક્તિ તથા પ્રેમભક્તિ સાધ્ય થાય છે. જો કે પ્રેમભક્તિ નિત્યસિદ્ધ છે, તથાપિ સાધન વિના તેનો પ્રકાશ વિરલ છે.

બીજી રીતે ભક્તિના વૈધી અને રાગાનુગ – એવા બે વિભાગ પણ પાડી શકાય. સાધનભક્તિનાં અસંખ્ય અંગો છે તેમાંથી મુખ્ય આ પ્રમાણે છે :

(૧) યોગ્ય ગુરુનો આશ્રય (૨) સિદ્ધ મંત્રમાં દીક્ષિત થવું તથા મંત્રસાધના વિશે ગુરુ પાસેથી ઉપદેશ મેળવવો (૩) શ્રદ્ધા તથા વિશ્વાસ સહિત ગુરુની સેવા (૪) મહાજનોએ બતાવેલ રસ્તે જવું (૫) સદ્ધર્મ જીજ્ઞાસા (૬) ઈષ્ટની પ્રસન્નતા માટે ભોગાદિનો ત્યાગ (૭) તીર્થોમાં નિવાસ (૮) ભક્તિલાભ થાય તેવાં કર્મોનું અનુષ્ઠાન (૯) અવતારી પુરુષોની જન્મજયંતીઓની ઉજવણી તથા અન્ય પર્વોનું યથાશક્તિ પાલન (૧૦) ભગવાનથી વિમુખ જનોના સંસર્ગનો ત્યાગ (૧૧) ધાર્મિક વિષયમાં વાદાનુવાદનો ત્યાગ (૧૨) પોતાના ભોગને માટે મઠાદિ નિર્માણ ન કરવા (૧૩) વ્યવહારમાં કૃપણતા ન કરવી (૧૪) શોક મોહને વશ ન થવું (૧૫) આપણા ઈષ્ટ સિવાયના બીજા દેવોની પણ નિંદા ન કરવી (૧૬) કોઈ પ્રાણીને જાણી જોઈને તકલીફ ન આપવી. (૧૭) પોતાના ઈષ્ટની અથવા તેના ભક્તોની નિંદા કદી ન સાંભળવી.

બીજાં કેટલાંક સાધનો આ પ્રમાણે છે :-

(૧) દેવતાઓનું નમન લેવું (૨) દેવની પ્રસન્નતા માટે દેવમૂર્તિ સમક્ષ નાચવું (૩) દંડવત્‌ નમસ્કારાદિ કરવા (૪) દેવમંદિરે જવું (૫) મંદિરની પ્રદક્ષિણા કરવી (૬) સેવા તથા પૂજા (૭) નામસંકીર્તનાદિ (૮) જપ તથા સ્તવનાદિ પાઠ (૯) પ્રસાદનું ગ્રહણ (૧૦) શ્રીમૂર્તિનાં દર્શન તથા સ્પર્શ (૧૧) શાસ્ત્ર શ્રવણ (૧૨) ભગવાનનું સ્મરણ ચિંતન (૧૩) દાસ્ય, સખ્ય, આત્મનિવેદનાદિ ભાવ (૧૪) પ્રિય વસ્તુનું ભગવાનમાં સમર્પણ (૧૫) ભગવાનને માટે જ બધી ક્રિયાઓનું અનુષ્ઠાન (૧૬) સર્વ અવસ્થાઓમાં શરણાપત્તિ (૧૭) ભક્તોની સાથે ભગવાન સંબંધી ચર્ચા (૧૮) શ્રેષ્ઠ સાધુઓનો સંગ.

આ બધા નિયમો પાળવાથી સાધન ભક્તિનો ઉદય થાય છે. એ બધાં ભક્તિમંદિરમાં પ્રવેશ કરવાના દ્વાર સ્વરૂપ છે. 

રાગાનુગા ભક્તિ : – રાગ એટલે અભિલર્ષિત વસ્તુમાં પરમ પ્રીતિ, પ્રેમમયતૃષ્ણા. આવા રાગવાળી ભક્તિને રાગાનુગા ભક્તિ અથવા રાગાત્મિકા ભક્તિ કહે છે. તે બે પ્રકારની છે : (૧) કામરૂપા (૨) સંબંધરૂપા.

कामाद्‌द्वेषादूभयात्स्नेहाद्यथाभक्त्येश्वरे मन:।
आवेश्य तदधं हित्वा बहवस्तद्नतिं गता:।।

गोप्य: कामाद्‌भयात्कंसो द्वेषाच्चैद्यादयो नृपा:।
संबंधाट्‌वृष्णय: स्नेहाद्‌यूयं भक्त्या वयं विमो।।

કામથી, દ્વેષથી, ભયથી, સ્નેહથી અથવા ભક્તિથી ઈશ્વરમાં મન જોડવાથી ઘણા ભક્તોનાં પાપ નાશ પામ્યાં છે અને તેઓ ઈશ્વરગતિ પામ્યા છે. હે વિભો! ગોપીઓ કામથી, કંસ ભયથી, શિશુપાલ વગેરે રાજાઓ દ્વેષથી, યદુકુળ સંબંધથી, તમે સ્નેહથી અને અમે ભક્તિથી ઈશ્વરની ગતિને પામ્યાં છીએ.

(૧) કામરૂપા :- જે ભક્તિ કામતૃષ્ણાને પ્રભુપ્રેમમાં પરિણત કરે છે તેને કામરૂપા ભક્તિ કહે છે, તેનું દૃષ્ટાંત ગોપીઓ છે.

(૨) સંબંધરૂપા :- ઈશ્વરમાં પિતૃમાતૃત્વાદિ અભિમાનને સંબંધરૂપા ભક્તિ કહે છે.

જ્યાં સુધી ભાવનો આવિર્ભાવ ન થાય, ત્યાં સુધી સાધક વૈધીભક્તિનો અધિકારી રહે છે. વૈધીભક્તિ શાસ્ત્ર તથા અનુકૂળ તર્કની અપેક્ષા રાખે છે. શાસ્ત્રોની વિધિ અનુસાર જે સાધન કરવામાં આવે તેને વૈધીભક્તિ કહેવામાં આવે છે, અને પ્રીતિયુક્ત વિધિના માર્ગે જે સાધનભજન કરવામાં આવે છે, તેને રાગાત્મિકા ભક્તિ કહેવામાં આવે છે. વૈધીભક્તિમાં શ્રવણ કીર્તનાદિ સાધનાનાં અંગોની જેવી જરૂર છે તેવી જ રાગાનુગા ભક્તિમાં પણ તેમની ઉપયોગિતા છે.

ભાવભક્તિ :

शुद्ध-सत्त्व-विशेषात्मा प्रेम सूर्यांशु- साम्यभाक्।
रुचिभिश्-चित्तत्मा सृण्यकृद्-असौ भाव उच्यते ।।

વિશેષ શુદ્ધ સત્ત્વ સ્વરૂપ, પ્રેમરૂપી સૂર્યનાં કિરણ સમાન તથા રુચિ (એટલે ભગવત્પ્રાપ્તિની અભિલાષા, તેમની અનુકૂળતાની અભિલાષા તથા તેમની મૈત્રીની અભિલાષા) દ્વારા ચિત્તને સ્નિગ્ધ કરનારી જે ભક્તિ ઉત્પન્ન થાય છે તેનું નામ ભાવ.

પ્રેમની પ્રથમ અવસ્થા ભાવ છે. અવસ્થામાં અશ્રુપલકાદિ સાવિક ભાવનો થોડોઘણો ઉદય થાય છે. જે સાધકોમાં ભાવના અંકુર ફૂટ્યા છે, તેમનામાં નીચે જણાવેલા અનુભવોનો પ્રકાશ થાય છે :

(૧) ક્ષાંતિ :- ક્ષોભનું કારણ મળવા છતાં જેને લીધે ચિત્તમાં તેનો પ્રભાવ પડતો નથી તેનું નામ ક્ષાંતિ. તક્ષક નાગ કરડવાનો સમય આવ્યો છતાં પણ રાજા પરીક્ષિતે પોતાનું મન ભગવાનમાં જોડેલું જ રાખ્યું, અને જરા પણ ક્ષોભ પામ્યા નહિ.

(૨) અવ્યર્થકાલતા :- ભક્તો નિરંતર વાણી દ્વારા સ્તવન કરે છે, મન દ્વારા સ્મરણ કરે છે, અને શરીર દ્વારા નમન કરે છે, છતાં ધરાતા નથી; તેથી અશ્રુમોચન કરી પોતાનું સમસ્ત આયુષ્ય ભગવાનની સેવામાં જ અર્પણ કરે છે. વિષયાદિમાં લપટાયા સિવાય માત્ર ભગવાનની સેવામાં જ જોડાવું તેનું નામ અવ્યર્થકાલતા છે.

(૩) વિરક્તિ :- સર્વ ઇન્દ્રિયવિષયો પ્રત્યે સ્વાભાવિક અરુચિને વિરક્તિ કહે છે. રાજા ભરત શ્રીપ્રભુના ચરણલાભની લાલસાથી યૌવનકાળમાં જ પુત્ર, સ્ત્રી, રાજ્યાદિ ત્યજવા મુશ્કેલ વિષયને છોડી ચાલ્યા ગયા. સર્વ ભોગ્ય પદાર્થો ઉપસ્થિત હોવા છતાં ભરતને જ અરુચિ ઉપજી તેનું નામ વિરક્તિ.

(૪) માનશૂન્યતા :- પોતાનો ઉત્કર્ષ થવા છતાં નિરાભિમાનતા. રાજા ભગીરથ નરેન્દ્રોના શિરોમણિ હોવા છતાં ભગવાન પ્રત્યે અનુરક્ત હોવાથી પોતાના શત્રુઓને ઘેર પણ ભિક્ષા લેવા ગયા હતા, તથા ચાંડાળ જેવી નીચ જાતિને પણ નમ્યા હતા.

(૫) આશાસંબંધ :- ભગવાન જરૂર મળશે, એવી દૃઢ આશા.

(૬) સમુત્કંઠા :- ઈષ્ટ લાભને માટે અતિલોભ. એટલે કે પ્રભુદર્શન માટે અતિ આગ્રહપૂર્વક રાહ જોવી.

(૭) પ્રભુનામમાં રુચિ.

(૮) ભગવાનના ગુણકથનમાં આસક્તિ.

(૯) ભગવાનનાં મંદિર તથા લીલાસ્થાનોમાં પ્રીતિ :- ‘અહીં ગોપરાજ નંદનું ઘર હતું, અહીં શ્રીકૃષ્ણે ગાડું ભાંગી નાખ્યું હતું, ભવબંધનને છેદનારા ભગવાનને અહીં દોરડાથી બાંધ્યા હતા.’ આ પ્રમાણે કહીને મથુરાવાસીઓ રોતાં રોતાં વ્રજધામમાં વિચરવા લાગ્યાં. (પદ્માવલિ.) આ અનુભવો નીચે જણાવેલ રૂપમાં પ્રકાશિત થાય છે :

(૧) નૃત્ય (૨) જમીન ઉપર આળોટવું (૩) ગાયન (૪) હુંકાર (૫) દીર્ઘશ્વાસ (૬) લોકો શું કહેશે  તે માટે બેપરવાઈ (૭) અટ્ટહાસ્ય ઇત્યાદિ.

પ્રેમભક્તિ :- સાધનભક્તિ કરતાં કરતાં ભગવાનમાં રતિ ઉત્પન્ન થાય છે, અને રતિ ગાઢ થવાથી પ્રેમ કહેવાય છે.

मनोगतिरविच्छिन्ना हरौ प्रेमपरिप्लुता।
अभिसत्धिविनिर्मुक्ता भक्तिर्विष्णुवशंकरी।।

‘કોઈ પણ જાતની મતલબ વિના તથા પ્રેમથી પરિપૂર્ણ એવી ઈશ્વર તરફ સતત મનની ગતિને ભક્તિ કહે છે; આ જાતની ભક્તિથી ભગવાન વશ થાય છે.’

પ્રેમના ઉદયનો ક્રમ આ પ્રમાણે છે :

(૧) શ્રદ્ધા (૨) સાધુસંગ (૩) ભજન (૪) અનર્થ-નિવૃત્તિ (૫) નિષ્ઠા (૬) રુચિ (૭) ભગવાનમાં આસક્તિ (૮) ભાવ (૯) પ્રેમ.

આમ ક્રમે ક્રમે સાધકના અંતરમાં પ્રેમનો આવિર્ભાવ થાય છે. જેના હૃદયમાં આવા પ્રેમનો પ્રકાશ થાય તે મહા ભાગ્યવાન છે એમ જાણવું. પ્રેમની અધિકતા હોય તો કેવો અનુભવ થાય છે, તેનો થોડોઘણો આભાસ નીચેના શ્લોક પરથી મળશે.

अटति यद्भवानह्नि काननं त्रुटिर्युगायते त्वामपश्यताम् ।
कुटिलकुन्तलं श्रीमुखं च ते जड उदीक्षतां पक्ष्मकृद्दृशाम् ॥

‘તમે જ્યારે દિવસે વનમાં ફરો છો, ત્યારે તમારાં દર્શન ન થવાથી ક્ષણ જેટલો સમય પણ યુગ જેવડો થઈ પડે છે, અને સાયંકાળે પાછું તમારું વાંકડિયા વાળવાળું સુંદર મુખડું જોઈએ છીએ, ત્યારે પાંપણો વચ્ચે નડવાથી તમારો અમને વિરહ થાય છે, માટે નેત્રો ઉપર પાંપણો કરનારો બ્રહ્મા ખરેખર જ મૂર્ખ છે.’ (તમારો વિયોગ એક ક્ષણ માટે પણ સહ્ય નથી.)

પ્રેમભક્તિમાં સાત્ત્વિક ભાવ

સત્ત્વગુણમાંથી ઉત્પન્ન થયેલા ભાવ સાત્ત્વિક કહેવાય છે. તે આઠ પ્રકારના છે. સ્તંભ, સ્વેદ, રોમાંચ, સ્વરભેદ, કંપ, વૈવર્ણ્ય, અશ્રુ અને પ્રલય.

૧. સ્તંભભાવ :- હર્ષ, ભય, આશ્ચર્ય, ખેદ અને ક્રોધથી સ્તંભભાવ ઉત્પન્ન થાય છે. સ્તંભભાવથી વાણી બંધ થઈ જાય છે, અંગ જડ બને છે, અને આખું શરીર જાણે ખાલી થઈ ગયું હોય એમ લાગે છે.

૨. સ્વેદભાવ :- હર્ષ, ભય, ક્રોધાદિથી શરીરમાંથી પરસેવો નીકળે છે તે સ્વેદભાવ.

૩. રોમાંચભાવ :- અદ્‌ભુત દર્શન તથા હર્ષ, ઉત્સાહ અને ભયથી રોમાંચ થાય છે.

૪. સ્વરભેદ :- વિષાદ, વિસ્મય, ક્રોધ, આનંદ અને ભયથી સ્વર ગદ્‌ગદ થઈ જાય છે.

૫. કંપ :- ત્રાસ, ક્રોધ હર્ષ દ્વારા ગાત્રમાં કંપ થાય છે.

૬. વૈવર્ણ્ય :- વિષાદ, ક્રોધ અને ભયને લીધે વર્ણનો વિકાર થાય છે. પીળાશ, કાળાશ, ક્ષીણતા ઇત્યાદિ વિકારો ઉત્પન્ન થાય છે.

૭. અશ્રુ :- હર્ષ, ક્રોધ અને વિષાદને લીધે પ્રયત્ન વિના આંખોમાંથી પાણી નીકળે છે, તેને અશ્રુ કહે છે. હર્ષનાં આંસુમાં શીતળતા હોય છે, અને ક્રોધનાં આંસુમાં ઉષ્ણતા હોય છે. સર્વ પ્રકારનાં અશ્રુમાં આંખનો ક્ષોભ, ચંચળતા, રતાશ ઈત્યાદિ સમાન હોય છે.

૮. પ્રલય :-  સુખ વા દુ:ખને લીધે જ્ઞાનશૂન્ય થવું તેને પ્રલય કહે છે. આ સ્થિતિમાં બેહોશ થઈ જમીન પર પડી જવાય છે.

સત્ત્વના તફાવત પ્રમાણે પ્રાણ અને દેહમાં ક્ષોભનો પણ ભેદ પડે છે, તેથી સાત્ત્વિક ભાવમાં પણ ભેદ થાય છે. મુખ્ય ચાર ભેદ આ પ્રમાણે છે :

(૧) ધૂમાયિત (૨) જ્વલિત (૩) દીપ્ત (૪) ઉદ્‌દીપ. તેમાં અનુક્રમે ઉત્તરોત્તર શ્રેષ્ઠતા છે.

(૧) ધૂમાયિત :- જે ભાવ પોતે જ અથવા બીજા ભાવોની સાથે જોડાઈને થોડોઘણો પ્રકાશ પામે છે, અને જે ભાવને સાધક સહેલાઈથી છુપાવી શકે છે તેને ધૂમાયિત કહે છે.

ઉદાહરણ :- ભગવાન હરિની પાપનાશિની કીર્તિ સાંભળતાં યજ્ઞકર્તા પુરોહિત ગર્ગાચાર્યના ચક્ષુના ખૂણામાં એક બે આંસુ આવ્યાં, મોઢા ઉપર થોડો પરસેવો વળ્યો અને ગાલ પર સહેજ રતાશ આવી.

(૨) જ્વલિત :- બે કે ત્રણ સાત્ત્વિક ભાવોનો એક સાથે ઉદય થાય, પણ તે એટલા પ્રમાણમાં કે સાધક મહામુશ્કેલીએ તે ભાવોને બીજાથી છુપાવી શકે તે જ્વલિત ભાવ.

ઉદાહરણ :- રાધિકા કહે છે – હે સખી! ગિરિની ગુફાઓમાં વેણુનો અવાજ સાંભળી હું મહા મુસીબતે આંસુ રોકી શકી; લજ્જા ઉત્પન્ન થવાથી મારો ગળગળો અવાજ પણ રોક્યો, છતાં શરીરનો રોમાંચ અટકાવી શકી નહિ; તેથી મારી સખીઓ મારો કૃષ્ણપ્રેમ કળી ગઈ.

(૩) દીપ્ત :- ત્રણ, ચાર અથવા પાંચ ભાવો એક સમયે પ્રબળ થાય અને જો સાધકથી છુપાવી ન શકાય તો તેને દીપ્ત કહે છે.

ઉદાહરણ :- ભગવાને સન્મુખ જોઈને નારદમુનિ એવા વિવશ થઈ ગયા કે શરીરમાં કંપ થયો અને તેથી વીણા વગાડવા અશક્ત થયા, સ્વર ગદ્‌ગદ થઈ જવાથી સ્તુતિપાઠ કરી શક્યા નહિ, આંખમાં આંસુ ભરાઈ આવવાથી દર્શન કરવા પણ અસમર્થ રહ્યા.

(૪) ઉદ્‌દીપ્ત :- એક જ વખતે પાંચ અથવા સર્વ ભાવોની અતિ પ્રબળતા જામી જાય, તો તેને ઉદ્‌દીપ્ત ભાવ કહે છે.

ઉદાહરણ :- હે પીતામ્બર! તમારા વિરહને લીધે ગોકુલવાસીજનો સ્વેદયુક્ત, કમ્પિત, પુલકિતાંગ, સ્તબ્ધ તેમજ વ્યાકુળ ચિત્તે વિલાપ કરતા; અને અંતરના ઉત્તાપને લીધે મ્લાન બનેલા તથા આંખના જળથી તરબોળ થઈ ગયેલા અત્યારે અત્યંત મોહગ્રસ્ત દશામાં છે.

આ ઉદ્‌દીપ્ત સાત્ત્વિક ભાવ મહાભાવમાં પરિણત થાય છે.

રતિ અને ભાવ :-

સ્વચ્છા અથવા શુદ્ધા રતિ.

જે વખતે જે જાતની રતિમાં ઉત્તમ સાધકની આસક્તિ થાય છે, તે વખતે સ્ફટિક મણિની માફક તેનું ચિત્ત તે ભાવ ધારણ કરે છે, એટલા માટે આ જાતની રતિનું નામ સ્વચ્છા છે.

દૃષ્ટાંત :- એક શ્રેષ્ઠ બ્રાહ્મણ કેટલીક વખત ભગવાનને પ્રભુ જાણી તેની સ્તુતિ કરતો, કેટલીક વખત મિત્ર જાણી મશ્કરી કરતો, કેટલીક વખત પુત્રગણી તેની રક્ષા કરવા તૈયાર થતો, કેટલીક વખત પોતાના પ્રિયતમ ગણી પ્રેમથી આનંદમાં આવી જતો અને કેટલીક વખત પરમાત્મા ગણી ભગવાનના ધ્યાન તથા ચિંતનમાં મગ્ન થઈ જતો. આ પ્રમાણે વિવિધ પ્રકારની સેવા દ્વારા વિવિધ પ્રકારની માનસિક વૃત્તિઓ પ્રકટ કરતો.

કેવલા અને સંકુલા એમ રતિના બે પ્રકાર છે.

૧. કેવલા :- જે રતિઓમાં બીજી રતિઓનું મિશ્રણ નથી તેને કેવલા રતિ કહે છે. શ્રીદામા આદિ સખાની તથા નંદની રતિ આ જાતની હતી.

૨. સંકુલા :- જેમાં બે અથવા ત્રણ પ્રકારની રતિ મિશ્ર થાય છે તેને સંકુલા કહે છે. ઉદ્ધવ, ભીમ આદિની રતિ આ જાતની હતી.

રતિ અને રસ :-

રતિની જેમ રસના પણ મુખ્ય અને ગૌણ એમ બે વિભાગ છે. રતિ એ જ તેની ઉચ્ચાવસ્થામાં રસરૂપ થાય છે અને એ રસ તેની સર્વોચ્ચ અવસ્થામાં પ્રેમરૂપ થાય છે.

મુખ્ય ભક્તિરસ પાંચ પ્રકારનો છે :- શાંત, પ્રીત, પ્રેય, વાત્સલ્ય, મધુર. આ રસ તેના ક્રમ પ્રમાણે ઉત્તરોત્તર વધારે ઊંચો છે.

હાસ્ય, અદ્‌ભુત, વીર, કરુણ, રૌદ્ર, ભયાનક અને બીભત્સ, એ પ્રમાણે ગૌણ ભક્તિરસ સાત પ્રકારનો છે.

Total Views: 28
By Published On: September 11, 2022Categories: Japananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram