પૈસા-ધન ન રાખવાના શપથ

મારા ઋષિકેશથી દહેરાદૂનના રસ્તામાં એક સાધુએ મને સલાહ આપી કે મારે ઉત્તરાખંડમાં પ્રવેશ કરતાં પહેલાં એક જોડી જોડાં લઈ લેવા. ઋષિકેશ છોડ્યા પછી થોડાક જ દિવસોમાં હું દહેરાદૂન પહોંચી ગયો. રસ્તામાં એક ગામમાંથી મેં જોડાં ખરીદ્યા. મેં દહેરાદૂનમાં બે દિવસ વિશ્રામ કર્યો અને પછી રાજપુર નામના સ્થાને પહોંચ્યો. આ સ્થળ દહેરાદૂનથી ૧૨ માઈલ દૂર છે. આ ગામ મસૂરી પહાડની તળેટીમાં આવેલું છે. હું જ્યારે રાજપુર પહોંચ્યો ત્યારે મારી પાસે થોડા આનાપૈસા હતા.

અહીં એ આનાપૈસાને પણ મેં ખર્ચી નાખ્યા અને પૈસાથી પૂર્ણપણે હાથ ધોઈ નાખ્યા. મેં ઉત્તરાખંડની યાત્રા પોતાની પાસે પૈસા કે સામગ્રી રાખ્યા વિના જ પૂરી કરવાનો નિશ્ચય કર્યો. મેં મારી જાતને કહ્યું: ‘કોઈનો પણ સાથ ન રાખ, કોઈ પણ સંન્યાસી કે ગૃહસ્થ સાથે યાત્રા ન કર. જ્યાં સુધી તને કકડીને ભૂખ ન લાગે ત્યાં સુધી ભીખ પણ ન માગતો. અને પછીના ભોજન માટે કંઈ સંઘરી ન રાખતો. પોતાની જાતને પ્રભુને અર્પણ કરી દે અને ઉત્તરાખંડની તીર્થયાત્રા પૂરી કર.’ મેં રાજપુર છોડ્યું. ત્યાંથી નીકળીને મસૂરીના ઊંચા ચઢાણવાળા રસ્તા પર ચડવાનું શરૂ કર્યું. મેં મસૂરીમાં આવીને જોયું તો બધી જગ્યાએ યુરોપિયન લોકોના બંગલા હતા. પરંતુ લંદૌરબજારમાં એક શિવનું મંદિર હતું. સંન્યાસીઓ અને મહાત્માઓ ત્યાં એક કે બે દિવસ રોકાઈ શકતા. એક લિંગાયતજંગમ (એટલે શિવલિંગની પૂજા કરનારા અને ભ્રમણ કરનારા. આ લોકો મોટે ભાગે કર્ણાટકના રહેવાસી છે.) આ મંદિરનો પ્રબંધક સંન્યાસી હતો. હું અહીં આરામથી રાત વીતાવી શકું તેમ ન હતો. પણ હું બીજે જાઉં પણ ક્યાં? હું બજારમાં ઊભો રહીને ચારે તરફ નજર કરું તો બધી બાજુએ કેવળ ગોરા સાહેબોને જ જોઈ શકું તેમ હતો. જંગમ સાધુએ મંદિરમાં મારું આદર સહિત અભિવાદન કર્યું. કપડાંમાં મારી પાસે એક ગરમ કોટ અને એક ગરમ કપડાનો ટૂકડો હતો. મારી પાસે ન તો ઉત્તરાખંડની યાત્રા કરવા માટે પૂરતાં કપડાં છે કે ન પૈસા, એ જોઈને મંદિરના પ્રબંધક મને એક અમીર વેપારી પાસે લઈ જવા ઇચ્છતો હતો. એ અમીર વેપારી મને એક ધાબળો અને એક રૂપિયો આપી દેશે. એમણે મને બતાવ્યું કે એ અમીર વેપારી મસૂરીથી પસાર થતા બધા સાધુઓને એક ધાબળો અને એક રૂપિયો આપે છે. લિંગાયત સાધુ મને સાથે લઈ ગયો અને વેપારી પાસેથી એ ભેટ સ્વીકારવા માટે મને ઘણો આગ્રહ કર્યો. તે સાધુએ કહ્યું : ‘મસૂરીથી ટિહરી સુધીનું અંતર લગભગ ત્રીસ માઈલ જેટલું છે. રસ્તામાં માત્ર ત્રણચાર દુકાનો આવે છે બાકી કોઈ ગામ નથી આવતું કે કોઈ માનવવસતીવાળું સ્થળેય નથી આવતું. દુકાનદારો કંઈ મફત નથી આપતા અને તમે રસ્તામાં ભૂખનું દુ:ખ સહન નહિ કરી શકો.’ જ્યારે મેં એમને બતાવ્યું કે મેં મારી તીર્થયાત્રા દરમિયાન પૈસાને હાથ પણ ન લગાડવાનો નિર્ણય કર્યો છે ત્યારે તે ઘણો દ્રવી ઊઠ્યો. એમણે મને શુભેચ્છાઓ આપી અને મને રસ્તામાં ક્યાંય મુશ્કેલી ન પડે તેવી પ્રાર્થના પણ કરી. આ લિંગાયત સાધુ મારા પ્રત્યે એટલી સહાનુભૂતિ કેમ રાખતા હતા? કદાચ, મારી કાચી ઉંમરને કારણે એવું હશે. છતાં મેં તેમની પાસેથી પહાડો ચડવામાં ઉપયોગી બને એવી એક લાકડી લીધી.

હિમાલયની ગરિમા

એટલે હું એ સાધુએ કહેલી મુશ્કેલીઓથી ગભરાયો નહિ. હું મારા પોતાના ગંતવ્ય સ્થાનની નજીક પહોંચી રહ્યો છું એ સુખદ વિચાર સાથે મેં મસૂરી છોડ્યું; અને મેં મારી ટિહરીની યાત્રા આહ્‌લાદપૂર્ણ મન:સ્થિતિ સાથે આરંભ કરી. હું છ-સાત માઈલ ચાલ્યો ત્યાં એક નાની દુકાન હતી. દુકાનદારે મારું અભિવાદન કર્યું અને મને આદરમાન સાથે ઘરમાં લઈ ગયો. તે આતિથ્યભાવનાવાળો હતો અને તેણે મારા માટે સારા ભોજનની વ્યવસ્થા કરી. વળી પાછો હું સડક પર આવી ગયો અને મેં થોડા વધુ માઈલ સુધીનો રસ્તો કાપવાનું નક્કી કર્યું. પછી મેં મારી દૃષ્ટિ ઉત્તર તરફ ફેરવી અને કેવું અદ્‌ભુત દૃશ્ય જોયું! ‘પૃથ્વીને માપનારો માપદંડ’ (કાલીદાસ, કુમારસંભવ : ૧.૧) પોતાની સંપૂર્ણ હિમધવલભવ્યતા સાથે હિમાલય મારી સન્મુખ ઊભો હતો. મારા પગે આગળ ચાલવાનો ઇન્કાર કર્યો અને હું થોડો સમય ત્યાં જ બેસી ગયો. મારાં નેત્રો હિમાલયની એ ભવ્ય ગરિમાનું આસ્વાદન કરવા લાગ્યાં. આ હિમાલયનું સમગ્ર ક્ષેત્ર સદૈવ ક્યારેય ન પીગળનારા હિમથી આચ્છાદિત રહે છે. મારા દેહમાં પ્રસન્નતાની એક લહેર વહેવા લાગી. મારા આનંદની કોઈ સીમા ન હતી. મેં મનોમન કહ્યું : ‘જો, આ હિમાલય છે!’ ગુરુદેવ (શ્રીરામકૃષ્ણદેવ) પ્રત્યેક વ્યક્તિને આ દિવ્યપર્વતની એક ઝલક જોવા માટે કહ્યા કરતા. ‘ગિરિરાજ શ્રૃંગે મહાદેવ સંગે’ (પર્વતાધિરાજના શિખર પર દેવાધિદેવની ઉપસ્થિતિ રહે છે). ‘અહીં પાર્વતી પ્રકૃતિના રૂપે શિવ સાથે મળે છે. આ તો માતા ઉમાના પિતાનું ઘર. હા, હા, હું એ જ પવિત્ર સ્થળની યાત્રા કરવા ઇચ્છું છું.’ હું હિમાલયના પ્રથમ દર્શનથી આટલો બધો ભાવવિભોર બની જઈશ એવું મેં ક્યારેય વિચાર્યું ન હતું. મને એ અનુભૂતિ થઈ કે વસ્તુત: મેં નાશવંત સંસારને એટલો બધો પાછળ છોડી દીધો છે અને હું સ્વર્ગીય રાજ્યમાં આવી પહોંચ્યો છું. હું આ સ્વર્ગીય નિવાસમાં પ્રવેશ કરવા આતુર બની ગયો હતો. અહીં સર્વત્ર નિરવતા, એક સૌમ્ય શાંતિ હતી. હિમાચ્છાદિત શિખરો ચારે તરફ ગાઢ વનપ્રદેશોથી ઘેરાયેલાં હતાં. હું પ્રભુની રચનાના આ ભવ્ય દૃશ્યને જોઈને મારા અંતરતમથી એ લોકોત્તર ભાવના સાથે ઓતપ્રોત બની ગયો હતો. મારું મન શાંત થઈ ગયું. દૈવીમહાનતા અને કીર્તિના અવતાર એવા એ મહાન પર્વતના ચરણોમાં મેં મારું માથું વારંવાર નમાવવાનું શરૂ કર્યું. હું પ્રત્યેક ભૌતિક, સાંસારિક પદાર્થોને લગભગ ભૂલી જ ગયો. અને આવી આત્મવિસ્મૃતિની અવસ્થામાં મેં લગભગ વીસ માઈલનું અંતર કાપી લીધું હતું. મને કોઈ પણ પ્રકારના થાકનો અનુભવ ન થયો. એકાદ બે એકલા ચાલતા યાત્રીઓને પણ હું મળ્યો. રસ્તામાં ત્યાં કેટલાંક વૃક્ષો હતાં જેના પર લાલ રંગના પુષ્પગુચ્છ ઝૂમતા હતા. યાત્રીઓ એ પુષ્પગુચ્છને તોડી લેતા અને એના પુષ્પમાં રહેલા મધને ચૂસીને પછી એની પાંદડીઓ ચાવી જતા. પછી મને ખ્યાલ આવ્યો કે એ ફૂલોનું નામ બારાશ હતું. આવાં વૃક્ષો હિમાલય પવર્તમાળાના કેટલાક વધુ ઊંચાઈ પરના પ્રદેશોમાં જ ઊગે છે. આ વૃક્ષ ઘણું મોટું હોય છે અને એની છાલ મખમલી લીલથી છવાયેલી રહે છે. એના પુષ્પગુચ્છમાં ઘણાં ફૂલ હોય છે અને એનો રંગ જાસૂદનાં ફૂલો જેવો લાલ હોય છે. ફૂલમાં મધુરસ હોય છે. પહાડી લોકો એ ફૂલોમાંથી સ્વાદિષ્ટ ચટણી બનાવે છે. આ ચટણી રોટલી કે બ્રેડ સાથે ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે. અહીં મેં પહેલીવાર આ ચટણી સાથે એક રોટલી ખાધી. મેં મનોમન કહ્યું: ‘વાહ, મારી યાત્રાના પહેલા દિવસે જ કેવી સ્વાદિષ્ટ વાનગીની ભેટ મળી છે આ હિમાલયની!’ આ ક્ષેત્રમાં બધી ચીજો સર્વોત્તમકક્ષાની હોય છે.

ગરીબોની દયામાયા

મેં મસૂરીથી લગભગ વીસ માઈલનું અંતર પૂરું કરી લીધું હતું. મારી સામે જ મેં એક પથરીલા પહાડી પ્રદેશ પર એક દુકાન જોઈ. જ્યારે હું એ દુકાન પાસે પહોંચ્યો તો મેં એક પ્રૌઢ મહિલાને દુકાનની બહાર બેઠેલાં જોયાં. હું થોડોક આગળ વધ્યો અને ત્યાં થોડો વિરામ લેવા માટે બેઠો. આ પહાડી પ્રદેશના કપરાં ચઢાણોએ અને હિમાલયના અત્યંત શીતળ વાતાવરણે મને વરુના જેવો ભુખાળવો બનાવી દીધો હતો. એ પ્રૌઢ બહેન મારી પાસે આવ્યાં અને પૂછપરછ કરવા લાગ્યાં. જ્યારે એમને ખબર પડી કે મેં કંઈ ખાધું નથી એટલે મને ત્યાં જ રાહ જોવાનું કહીને દુકાનની અંદર ગયાં. થોડીવાર પછી તે બહેન ગરમ રોટલી અને બારાશનાં ફૂલોની ચટણી લઈને આવ્યાં. મેં એમના આતિથ્યથી થોડું આશ્ચર્ય અનુભવ્યું. મને પેલા મંદિરના પ્રબંધકની એ વાત યાદ આવી કે આ લોકોમાં આતિથ્યભાવના બહુ દુર્લભ છે. તો પછી આ શું હતું? જ્યારે હું રોટલી ખાતો હતો ત્યારે તે બહેને મને પૂછ્યું : ‘શું તમારે માતપિતા નથી? આ નાની ઉંમરમાં સંન્યાસ કેમ લઈ લીધો?’ મેં મારા સામર્થ્ય પ્રમાણે તેમના પ્રશ્નોના જવાબ આપ્યા. હવે એ બહેને જોયું કે તેમના પતિ બળતણનાં લાકડાંનો ભારો માથા ઉપર ઉપાડીને ઘરે આવે છે. એમના ચહેરના ઉપર મેં ભયની રેખાઓ જોઈ. એમણે મને કહ્યું: ‘જુઓ, મારા પતિ બહુ જ ક્રૂર અને લોભિયા છે. તે કોઈ પણ ભૂખ્યા સાધુને કે યાત્રીને કંઈ ખાવાનું આપતા નથી. જ્યારે એ દુકાન પર બેસે છે ત્યારે મારી ગમે તેટલી ઇચ્છા હોય તો પણ હું કોઈને કંઈ આપી શકતી નથી. એટલે જો તે તમને પૂછે કે તમને રોટલી વગેરે કોણે આપ્યા? તો તમે એમને કહેજો કે આ લોટના પૈસા આપ્યા છે અને મેં રોટલી બનાવી છે. જો એમને ખબર પડી જાય કે મેં તમને મફત રોટલી આપી છે તો તે મારા પર ખૂબ ગુસ્સે થશે.’ આટલું કહીને તેઓ ત્યાંથી ચાલ્યાં ગયાં. એમની પાસેથી આ બધું સાંભળીને હું જલ્દી જલ્દી બાકી રહેલી રોટલી ખાવા માંડ્યો. મેં વિચાર્યું કે આ રોટલીઓ વિશે મને એ કંઈ પૂછે તે પહેલાં જ આ રોટલીઓ ખાઈ જાઉં એ જ સારું. અને વળી જો તે કંઈ પૂછશે તો મારી મૂંઝવણનો કોઈ પાર નહિ રહે. જે સ્ત્રીએ મને માની જેમ પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું હતું તેમને આ વિશે તેમના પતિ દ્વારા અપમાનિત થવું પડે, એમ હું ઇચ્છતો ન હતો. વળી હું અસત્ય પણ બોલવા ઇચ્છતો ન હતો. જ્યારે એ ભાઈ આવ્યો ત્યારે તેણે મને જોયો નહિ. કદાચ એના માથે ભારે લાકડાનો ભારો હતો એને કારણે પણ હોઈ શકે. તે સીધો દુકાનમાં પ્રવેશ્યો અને સારા એવા સમય સુધી બહાર ન આવ્યો. મેં મારું ભોજન પતાવ્યું અને એ સ્થળેથી પહેલાં બહેનની દયાભાવના અને માતાસમાન પ્રેમના વિશે વિચારતો વિચારતો નીકળી પડ્યો.

ટિહરી

આવી રીતે હું ટિહરી પહોંચ્યો. મને રસ્તામાં ક્યાંય ભોજનની મુશ્કેલી પડી નહિ. મસૂરી છોડ્યા પછી ત્રણ દિવસમાં હું ટિહરી પહોંચ્યો. ટિહરી એ ગઢવાલ રાજ્યની રાજધાની છે. (અત્યારે આ વિસ્તાર ઉત્તરાંચલના નામે જાણીતો છે અને તેનું પાટનગર દહેરાદૂન છે.) 

પશ્ચિમ ગઢવાલ જિલ્લા પર એક રાજાનું શાસન હતું અને પૂર્વ ગઢવાલનો એ વિસ્તાર બ્રિટિશ શાસન હેઠળ આવતો. ટિહરીના રાજા ક્ષત્રિય હતા. એ વખતે શાસન કરતા રાજાનું નામ હતું રાજા કીર્તિ સહાય અને રાજકુમારનું નામ હતું નાબાલિગ. જ્યારે હું ટિહરી પહોંચ્યો ત્યારે કેટલાક દિવસો સુધી મને પોલિસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો. આમ કેમ થયું એની મને ખબર ન પડી. જે જોડાં મેં દહેરાદૂન જતાં ખરીદ્યાં હતાં એણે મને ઘણું દુ:ખ આપ્યું. મારા બેઉ પગમાં ડણ-છાલાં પડી ગયાં હતાં. રાજ્ય દ્વારા ચાલતા દવાખાનામાં આ ઝખમોનો ઈલાજ કરવામાં દસ દિવસ વીતી ગયા. એ જમાનામાં ટિહરીના રાજનું સમસ્ત ગઢવાલ જિલ્લામાં ઘણું પ્રભુત્વ હતું. શ્રીનગર (ઉત્તરાંચલ રાજ્યનું એક નાનું શહેર) કે જે આજે બ્રિટિશ ભારતમાં છે, તે પહેલાં ગઢવાલ રાજ્યની રાજધાની હતી. પથ્થરના મોટા કિલ્લાનાં ખંડેર એ આ બાબતનું પ્રમાણ આપે છે. જ્યારે બ્રિટિશ હકુમતે જિલ્લા પર કબજો કરી લીધો ત્યારે રાજાએ ભાગીરથીના કિનારે આવેલ ટિહરીને પોતાના રાજ્યની રાજધાની બનાવી. ગઢવાલ રાજ્યમાં ટિહરી જેવું બીજું કોઈ સમૃદ્ધ શહેર નથી. આ શહેરમાં પહેલાંના રાજાઓ દ્વારા બંધાવેલાં અનેક મંદિરો છે. આ શહેરમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોની મોટી વસતી છે. અહીંનું બજાર રાજ્યની બધી વસતી માટે પૂરતું છે.

ટિહરી છોડતી વખતે મને રાજ્ય પરિવારના એક સભ્યે સલાહ આપી કે હું એક જોડી જોડાં વધુ લઈ લઉં. કારણ કે આગળના રસ્તામાં જૂઆ ખૂબ હશે. મને મારાં પહેલાં જોડાંથી સારું એવું કષ્ટ પડ્યું હતું. એટલે આ વખતે મેં એ જોડાંમાં તેલ અને હળદર ચોપડી દીધાં. પરંતુ એનાથી કંઈ ફાયદો ન થયો અને હું જોડાંનો ઉપયોગ ન કરી શક્યો. એટલે ઉત્તરાખંડની યાત્રા પૂરી કર્યા બાદ તિબેટ પહોંચ્યા સુધી મેં જોડાંનો  ઉપયોગ જ ન કર્યો. હિમાલયના ઠંડા પ્રદેશોમાં ખુલ્લે પગે ચાલવું એ ખરેખર ઘણું કઠિન કાર્ય હતું. વળી, સૂૂકાં પાંદડાંના ઢગલા નીચે આવેલા લપસણા રસ્તા પર જોડાં પહેરીને ચાલવું પણ એટલું જ કઠિન કાર્ય હતું. આ પ્રદેશોમાં ખુલ્લે પગે ચાલવાથી પગ ઠંડા ઝાકળહિમથી ખવાઈ જાય છે અને જો પહાડી રસ્તા પરથી પગ લપસે તો પછી એ માણસને ફરીથી જોવાની કોઈ આશાઅપેક્ષા રહે નહિ. હું આવી જાતના બે ભયંકર લપસાણ પરથી નીચે પડતાં પડતાં બચી ગયો. આવા લપસણા રસ્તા પર ચાલતા હો ત્યારે પગને પંજાની મદદથી જમીન પર બરાબર ટેકાવી રાખવા એ સુરક્ષિત વાત છે.

Total Views: 21
By Published On: September 11, 2022Categories: Akhandananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram