ઝાડપાન, વિશાળ આકાશ, ઊંચા પર્વતો, નદીઓ, મેદાનો, જંગલો, માનવ, પ્રાણીઓ, પશુપક્ષીઓ વગેરે – જે કંઈ બધું આપણે આપણી આજુબાજુ જોઈએ છીએ એ બધું જ એક સમયે અવ્યક્ત સ્વરૂપે હતું. એ બધું ‘અસંભૂતિ’ના એક ભાગ રૂપે જ હતું. આ ‘અસંભૂતિ’ એટલે જ પ્રકૃતિ, કુદરત. અને તે એક એવી અવસ્થા છે કે જેમાં બધાં જ પરિબળો પરસ્પર સંવાદી સ્થિતિમાં રહે છે. ભારતીય તત્ત્વજ્ઞાન એ ત્રણ પરિબળોને સત્ત્વ, રજસ્‌ અને તમસ્‌ એવાં નામો આપે છે. આ ત્રણેય પ્રકારનાં પરિબળોની સંવાદી અવસ્થા જ્યાં સુધી ટકી રહે છે, ત્યાં સુધી કોઈ વ્યક્તરૂપ બનતું નથી. એની પહેલાં શું એ અસ્તિત્વ ધરાવે છે, એ વર્ણવવું મુશ્કેલ છે. એ એક અવિશિષ્ટ અને નિરપેક્ષ સત્તા છે. તરંગો વગરના સાગર જેવી એ સત્તા છે, એ અનંત, શાશ્વત અદ્વૈત છે.

પરંતુ એક યા બીજા કારણે, ગમે તેમ પણ એક અણીને વખતે એ સંવાદિતામાં ખલેલ પડે છે. એ ખલેલ શા માટે પડે છે, તે કોઈ જ જાણતું નથી. કદાચ પદાર્થોના સહજ સ્વભાવમાં જ એવું કંઈક હશે, જેથી આ વિસંવાદિતા ઉત્પન્ન થાય છે. ‘સંભૂતિ’- વ્યક્તરૂપની ઉત્પત્તિનું આ ખલેલ એ આરંભબિંદુ છે. એમાં ‘એક’ તે ‘અનેક’ રૂપ ધારણ કરે છે. એ પહેલાં ‘અનેક’ એ ‘એક’માં જ હતું, તે હવે અભિવ્યક્ત થાય છે. એની પહેલી અભિવ્યક્તિ ને ‘હિરણ્યગર્ભ’ કહેવામાં આવે છે. તે ‘પ્રથમજાત’ છે.

તમે ‘સંભૂતિ’ કે ‘અસંભૂતિ’ બેમાંથી ગમે તેની ઉપાસના કરતા હો, પણ એ બંનેનું પરિણામ-ફળ-તો એક જ છે. તમે અંધકારમાં જ ધકેલાઈ રહ્યા છો. તમે ‘અસંભૂતિ’ વિશે કશું જ ન જાણતા હો, અને છતાં ગમે તે રીતે તમે એની ઉપાસના કરો, એમ બની શકે. કદાચ તમે એની ઉપાસના ભયને લીધે પણ કરતા હો અથવા તો તમારી કામના પ્રમાણેનું કશુંક મેળવવા ખાતર પણ એની ઉપાસના કરતા હો, પણ એ બંને બાબતમાં તમે આંધળા અને અસહાય જ છો. અને તમે એ ‘અજ્ઞાત’થી સતત ભયભીત રહ્યા કરો છો.

તમે જ્યારે ‘સંભૂતિ’ની ઉપાસના કરો છો, એટલે કે વ્યક્તરૂપ જગતની ઉપાસના કરો છો, ત્યારે તો વળી વધારે ખરાબ સ્થિતિમાં આવી પડો છો. એમાં કેટલીક એવી વસ્તુઓ છે કે જે તમને ડરાવે છે અને કેટલીક એવી વસ્તુઓ છે કે જે તમને લલચાવે છે. એ બંને રીતે પણ કંઈ પરિણામ સારું નથી. બેય રીતે તમે એક અસહાય ગુલામ જ છો. આ વાત ઉપર ભાર મૂકવા માટે તમારી એવી પરિસ્થિતિને ‘વધારે અંધકારમય’ કહીને વર્ણવવામાં આવી છે.

પણ વેદાંત તમને તમારી ભીતર અવલોકન કરવાનું કહે છે; તમારો આત્મા ઉચ્ચતમ છે. તમારાથી બહાર રહેલા કોઈપણ પદાર્થોના તમે જ્યાં સુધી ગુલામ રહેશો, ત્યાં સુધી તમે કદીય સુખી થઈ શકવાના નથી. વેદાંત તમને તમારા પોતાના ‘સ્વામી’ બનવાનું કહે છે.

अन्यदेवाहु:संभवादन्यदाहुरसंभवात् ।
इति शुश्रुम धीराणाम् ये नस्तद्विचचक्षिरे ।।१३ ।।

संभवात्‌, સંભૂતિમાંથી (વ્યક્ત પદાર્થમાંથી, હિરણ્યગર્ભમાંથી); अन्यत्‌ एव, અલગ જ (એટલે કે જુદાં જ પરિમાણો); आहु:, વિદ્વાનો કહે છે; असंभवात्‌, અસંભૂતિ કરતાં (એટલે કે અવ્યક્ત પ્રકૃતિ કરતાં); अन्यत्‌, અલગ (એટલે કે જુદા જ પ્રકારનાં પરિણામો); आहु:, આમ પણ વિદ્વાનો કહે છે; ये, જેઓએ; न: तत्‌ विचचक्षिरे, એ અમને કહ્યું છે; इति शुश्रुम, એ અમે સાંભળ્યું છે; धीराणाम्‌, ડાહ્યા માણસો પાસેથી.

વિદ્વાનો કહે છે કે સંભૂતિની ઉપાસના (હિરણ્યગર્ભની ઉપાસના) અને અસંભૂતિ (પ્રકૃતિ)ની ઉપાસના જુદાં જુદાં પરિણામો લાવે છે ડાહ્યા માણસોએ આ અમને જે કહ્યું છે, તે અમે સાંભળ્યું છે. (ડાહ્યા માણસોને આ વાત સ્વીકાર્ય છે.) (૧૩)

આની પહેલાં શંકરાચાર્યે વ્યક્ત તેમજ અવ્યક્ત પ્રકૃતિની ઉપાસનાની વ્યર્થતા બતાવી આપી છે. વ્યક્ત પ્રકૃતિની (હિરણ્યગર્ભની) ઉપાસનાથી તમે બહુ બહુ તો કેટલીક લોકોત્તર સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકો છો. પ્રકૃતિ તમારામાં પ્રાણ પૂરે છે. એની ઉપાસનાથી તમે કદાચ પ્રકૃતિ કરે છે તેવાં કેટલાંક કાર્યો કરી શકો ખરા, પણ બસ એટલા પૂરતું જ થાય; પરંતુ, જો તમે અવ્યક્ત પ્રકૃતિની ઉપાસના કરો, તો તમે પોતે જ અવ્યક્ત બની જશો; તમે એની સાથે એક રૂપ જ બની જશો. તમે જેને ઉપાસો છો, તેવા જ તમે થશો – આવી એક સામાન્ય માન્યતા છે.

सम्भूतिम् च विनाशं च यस्तद्वेदोभयम् सह ।
विनाशेन मृत्युम् तीर्त्वा सम्भूत्याऽमृतमश्नुते ।।१४।।

सम्भूतिं च विनाशं च, અવ્યક્ત પ્રકૃતિ અને વ્યક્ત પ્રકૃતિ (હિરણ્યગર્ભ); य: तत्‌ उभयम्‌ सह वेद, જે (મનુષ્ય) તે બંને એકી સાથે જાણે છે; विनाशेन, વ્યક્તની-હિરણ્યગર્ભની ઉપાસનાથી; मृत्युम्‌, મરણને, અજ્ઞાનને, નૈતિક નબળાઈ વગેરેને; तीर्त्वा, ઓળંગીને, પાર કરીને; असंभूत्या, અવ્યક્ત પ્રકૃતિની ઉપાસનાથી; अमृतम्‌, અમરત્વને अश्नुते, પ્રાપ્ત કરે છે, ભોગવે છે.

જે અવ્યક્તની-અસંભૂતિની-ઉપાસના કરે છે અને સાથોસાથ વ્યક્તની પણ ઉપાસના કરે છે (સંભૂતિને પણ ઉપાસે છે) તે અવ્યક્તની ઉપાસનાથી અમૃતત્વને પ્રાપ્ત કરે છે અને વ્યક્તની ઉપાસનાથી મૃત્યુને ઓળંગી જાય છે. (૧૪)

આ મંત્રનો પહેલો ‘સંભૂતિ’ શબ્દ ખરી રીતે ‘અસંભૂતિ’ (એટલે કે અવ્યક્ત) એમ વાંચવો જોઈએ. છન્દની અનુકૂળતા માટે અહીં ‘અ’ અક્ષર લોપાયો છે. ‘વિનાશ’ એટલે (સામાન્ય રીતે) મૃત્યુ, (અહીં) હિરણ્યગર્ભ છે. ‘સંભૂતિ’નું એ પ્રથમ અભિવ્યક્ત રૂપ છે. એને હિરણ્યગર્ભ એટલા માટે કહેવામાં આવે છે કે કોઈને કોઈ સમયે એ લયમાં અવ્યક્તમાં ઓગળી જશે. એનો અર્થ એ છે કે જે કંઈ વ્યક્ત રૂપમાં છે, તે બધું જ અવ્યક્ત થઈ શકે છે.

પરમોચ્ચ સત્તા પણ વ્યક્ત અને અવ્યક્ત એવાં બંને સ્વરૂપમાં હોઈ શકે છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે સત્તા તો કેવળ એક અને અદ્વિતીય જ છે. પછી એ વ્યક્ત હોય કે અવ્યક્ત હોય. આપણે જો વ્યક્તની ઉપાસનાથી શરૂઆત કરીએ એટલે કે અસંભૂતિ અથવા હિરણ્યગર્ભથી પ્રારંભ કરીએ તો આપણે લોકોત્તર સિદ્ધિઓ હાંસલ કરી શકીએ. માણસ શું શું કરી શકે છે એનું પ્રમાણ આધુનિક વિજ્ઞાન છે જ. આપણે જીવનની અનેક મર્યાદાઓને અવશ્ય ઓળંગી શકીએ એમ છીએ. આપણે તો મૃત્યુના ભયને પણ ઓળંગી જઈ શકીએ એમ છીએ. જો આપણે હિરણ્યગર્ભની ઉપાસના કરીએ તો આપણે એના જેવા થઈશું. હિરણ્યગર્ભ મૃત્યુ પામે છે – એ મૃત્યુનો વિષય બને છે. કારણ કે જે કંઈ ‘હોવું’ના ક્ષેત્રમાં – હસ્તીના ક્ષેત્રમાં – આવે છે તે કોઈને કોઈ દિવસે અટકી પણ જાય જ છે. આ બાબત આપણને એવું શીખવી જાય છે કે મૃત્યુ એ કંઈ અંત નથી. મૃત્યુનો અર્થ તો ફક્ત આકાર બદલવો – રૂપાંતરણ થવું એ જ છે. જ્યારે આપણે આવો અનુભવ કરીશું, ત્યારે આપણામાં અમૃતત્વની ભાવના ઉત્પન્ન થશે અને આ રીતે આપણે મૃત્યુ ઉપર વિજય મેળવી શકીશું.

આપણામાં અવ્યક્તની ઉપાસના પ્રત્યે પણ પ્રેમ હોવો જોઈએ. જ્યારે આપણે અવ્યક્તની ઉપાસના પ્રત્યે પ્રેમ રાખતાં શીખીશું, ત્યારે આપણે એની સાથે એકરૂપ થઈ જઈશું. અવ્યક્ત એ પ્રકૃતિ છે અને પ્રકૃતિ તો શાશ્વત-અમર જ છે. આ રીતે આપણે પણ શાશ્વત બની જઈશું. સંભૂતિ અને અસંભૂતિ એ બંને આપણને અમૃતત્વની શાશ્વતપણાની ભાવના પમાડી શકે છે તો ખરી; પરંતુ, એ અમરતા સાપેક્ષ અમરતા જ છે. સાચી અમરતા તો ફક્ત આત્મજ્ઞાન દ્વારા જ પ્રાપ્ત થઈ શકે.

વિદ્યા અને અવિદ્યા, સંભૂતિ અને અસંભૂતિ – આ બધાં અજ્ઞાનના ઘેરાવામાં જ આવે છે. થોડા સમય પૂરતાં એ આપણામાં સ્વતંત્રતાની લાગણી જન્માવે છે તો ખરાં, પરંતુ, એ કોઈ સ્થાયી સ્વતંત્રતા નથી. આ બધી અવસ્થાઓમાં હજુ પણ આપણે કર્મબંધનની બેડીઓમાં જકડાયેલા જ હોઈએ છીએ.

Total Views: 133

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.