રાજકોટના સિવિલ સ્ટેશનમાં ‘શ્રીરામકૃષ્ણ આશ્રમ’નું મંગલ ઉદ્‌ઘાટન

રાજકોટના સિવિલ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોરબીના જૂના ઉતારાને મોરબીના મહારાજા શ્રી લખધીરજીની રૂ. ૧૦૦૦/-ની સહાયથી વ્યવસ્થિત રીતે મરામત કરીને આશ્રમના કામચલાઉ સ્થાન તરીકે અર્પણ કરવામાં આવ્યો. રાજકોટના ઠાકોર સાહેબ શ્રી લાખાજીરાજે આશ્રમના સંચાલન માટે રૂ. ૫૦૦/-નું દાન આપ્યું અને જરૂર પડ્યે વધુ સહાયનું વચન આપ્યું. 

સુપ્રસિદ્ધ વકીલ શ્રી હરિશંકર એન. પંડ્યા અને દિવાનશ્રી સી.એન. શ્રોફ, તેમજ રાજકોટના સુપ્રસિદ્ધ અગ્રણીઓ સાથે મળીને આ ભગીરથકાર્યના સ્વપ્નને સાકાર કર્યું. આશ્રમના સંચાલન માટે ફંડ એકઠું કરીને તેમણે આ કેન્દ્ર સત્ત્વરે ચાલુ કરવા માટે બેલુર મઠના સત્તાવાહકોને વિનંતી કરી. એ પ્રમાણે સ્વામી માધવાનંદજી સાથે સ્વામી વિવિદિશાનંદજી અને સ્વામી ભવેશાનંદજી, ફેબ્રુઆરી ૧૯૨૭માં રાજકોટ આવ્યા. સ્વામી વિવિદિશાનંદજી આ કેન્દ્રના અધ્યક્ષ અને સ્વામી ભવેશાનંદજી તેમના સહાયક બન્યા. 

૫ માર્ચ, ૧૯૨૭ શ્રીરામકૃષ્ણદેવના જન્મતિથિ મહોત્સવના પવિત્ર દિવસે આશ્રમનો ઉદ્‌ઘાટન સમારંભ ધામધૂમ અને ધાર્મિક વિધિવિધાન સાથે ઉજવવામાં આવ્યો. આ દિવસ ખરેખર દિવ્ય અને ભવ્ય દિવસ હતો. આ પાવનકારી પર્વનો પ્રારંભ વહેલી સવારની શ્રીરામકૃષ્ણદેવની પૂજા, હવનથી થયો હતો. આ પ્રસંગે રાજકોટના સજ્જન-સન્નારીઓ ઉપસ્થિત રહ્યાં. મોરબીના મહારાજા સાહેબ પણ ઉપસ્થિત હતા. રાજકોટ રાજ્યના સંગીતકારે મધુરકંઠે હિન્દી ભજનો ગાયાં હતાં.

આ પ્રસંગને અનુરૂપ ખાસ ઊભા કરેલા સમિયાણામાં આશ્રમના પ્રાંગણમાં મોરબીના મહારાજા સાહેબના અધ્યક્ષ સ્થાને સાંજે ૩૦૦ ભક્તજનોની ઉપસ્થિતિમાં જાહેરસભા યોજવામાં આવી હતી. પોતાના ઉદ્‌ઘાટન સંભાષણમાં મહારાજા સાહેબે જણાવ્યું કે, શ્રીરામકૃષ્ણદેવ અને એમના શિષ્યોએ સ્થાપેલા મિશનનો ઉદ્દેશ છે ‘શિવજ્ઞાને જીવસેવા’. આ ઉદ્દેશને સિદ્ધ કરવા તેમજ રામકૃષ્ણ-વિવેકાનંદના સંદેશનો પ્રચાર-પ્રસાર કરીને સમગ્ર કાઠિયાવાડમાં આ કેન્દ્ર વ્યાપી જાય અને તેની આ મંગલ ભાવના ઘણા લોકોની પ્રેરણાનું સ્રોત બને તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. રામકૃષ્ણ સંઘના સત્તાવાહકો દ્વારા વિશેષરૂપે મોકલવામાં આવેલ સ્વામી માધવાનંદજીએ ‘શ્રીરામકૃષ્ણદેવના જીવન-સંદેશ’ વિશે ભાવવાહી પ્રવચન આપ્યું હતું. શ્રીરામકૃષ્ણે પોતાના જીવનમાં વિવિધ ધર્મોની અનુભૂતિ કરી હતી તે વિષય પર ભાર દઈને તેમણે સર્વધર્મસમન્વયની વાત કરી હતી. શ્રી પી.જી. મસૂરેકર, શ્રી પ્રભુરામ શંકરજી શાસ્ત્રીએ પણ શ્રીરામકૃષ્ણદેવના જીવન-સંદેશ અને રામકૃષ્ણ મઠ-મિશનની માનવસેવાકીય પ્રવૃત્તિઓ વિશે વ્યાખ્યાનો આપ્યાં હતાં. દીવાનશ્રી સી.એન.શ્રોફે આભારવિધિ કરી હતી. આ પ્રસંગ પછી સ્વામી માધવાનંદજીએ અને સ્વામી સંબુદ્ધાનંદજીએ ‘વ્યવહારુ વેદાંત’ વિશે કોનોટહોલ (શ્રી અરવિંદભાઈ મણિયાર હોલ)માં વ્યાખ્યાનો આપ્યાં હતાં.

૧૯૨૭માં ૨૦૦૦ પુસ્તકો સાથે આશ્રમે પોતાનું જાહેર પુસ્તકાલય શરૂ કર્યું. અઠવાડિયામાં ત્રણ વખત નિયમિત રીતે વેદાંત, તત્ત્વજ્ઞાન અને રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા વિશે પ્રવચનો થતાં. રામનામ સંકીર્તન, શ્યામનામ સંકીર્તન અને શિવનામ સંકીર્તન એકાદશી, પૂર્ણિમા અને અમાવાસ્યાને દિવસે યોજાતાં. આ સંકીર્તનમાં મોટી સંખ્યામાં ભક્તજનો આવતા. ૧૯૨૮માં આશ્રમે પોતાની પુસ્તકપ્રકાશન પ્રવૃત્તિ હેઠળ ‘રામનામસંકીર્તન’ની પ્રથમ પુસ્તિકા બહાર પાડી. ૧૯૩૦માં ‘શ્રીરામકૃષ્ણ ઉપદેશ’નું પુસ્તક બહાર પાડ્યું.

ગુજરાત, સૌરાષ્ટ્રમાં ધરતીકંપ, દુષ્કાળ, પૂર, વાવાઝોડા જેવી કુદરતી અને માનવસર્જિત ઘણી આપત્તિઓ આવી. ૧૯૨૭ના પોતાના સ્થાપનાના વર્ષથી માંડીને આજ સુધીમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા વિવિધ પ્રકારની રાહતસેવાપ્રવૃત્તિઓ અને પુનર્વસનપ્રવૃત્તિઓ હાથ ધરાઈ છે. (૧૯૨૭ – ૨૦૦૨ની આ સેવાકીય પ્રવૃત્તિઓની નાની પુસ્તિકા પ્રાપ્ય છે.)

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ તેના નવા-હાલના સ્થાને આવે છે

૧૯૩૧ના ફેબ્રુઆરીમાં રામકૃષ્ણ મઠ-મિશનના તત્કાલીન જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી શુદ્ધાનંદજી મહારાજે આશ્રમની મુલાકાતે પધાર્યા હતા. ૧૯૩૧ના સપ્ટેમ્બરમાં આશ્રમે પોતાની હાલની ૪૦૦૦ ચો.વાર જમીન નજીવા દરે તે વખતના રાજકોટના મહારાજા શ્રી ધર્મેન્દ્રસિંહજી પાસેથી મેળવી.

એ જ વર્ષે કૂવો ગાળવાનું કામ શરૂ થયું. ૧૯૩૨ના માર્ચમાં સ્વામી સર્વાનંદજી મહારાજે આશ્રમનાં મકાનબાંધકામનો શિલાન્યાસવિધિ કર્યો હતો. ૧૯૩૨ના સપ્ટેમ્બર માસમાં ‘વિવેકાનંદ વિદ્યાર્થીભવન’ના નામે વિદ્યાર્થીઓ માટે છાત્રાલય શરૂ થયું. ૧૯૨૭ થી ૧૯૩૨ના મધ્ય સુધી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ અને આલ્ફ્રેડ હાઈસ્કૂલ (મોહનદાસ ગાંધી વિદ્યાલય)ના વિદ્યાર્થીઓ માટે મૂલ્યલક્ષી કેળવણીના સાપ્તાહિક વ્યાખ્યાનો નિયમિત યોજાતાં. આ વર્ગોમાં સોએક વિદ્યાર્થીઓ ભાગ લેતા. પાછળથી આ પ્રવૃત્તિ વિદ્યાર્થીભવનમાં ચલાવવામાં આવતી. ૧૯૩૩ના જાન્યુઆરીમાં શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય અને રામકૃષ્ણ સંઘના ચોથા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજની પાવનકારી પદરજથી આ ભૂમિ પવિત્ર બની. આશ્રમના મકાનોનું બાંધકામ ૧૯૩૪ના માર્ચ મહિનામાં શરૂ થયું.  એ દરમિયાન ૧૫૦૦ ચો.વાર અને ૭૦૭ ચો.વારના બે જમીનના ટુકડા ખરીદવામાં આવ્યા. એક બંગાળી સદ્‌ગૃહસ્થની મદદથી ૧૦’ X ૧૨’નું પૂજાઘર અને તેને સંલગ્ન ભંડારઘરનું બાંધકામ શરૂ થયું.

નવનિર્મિત શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનું મંગલ ઉદ્‌ઘાટન

૫મી ઓક્ટોબર, ૧૯૩૫, દુર્ગાષ્ટમીના દિવસે મોરબીના જૂના ઉતારામાંથી હાલના સ્થાને આશ્રમનું સ્થળાંતર થયું. સ્વામી સર્વાનંદજી મહારાજના સાંનિધ્યમાં રાજકોટના ઠાકોર સાહેબે આ કેન્દ્રનું ઉદ્‌ઘાટન કર્યું હતું. સવારમાં વિશેષ પૂજા, હવન, ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. મોરબીના જૂના ઉતારાથી નવા બંધાયેલા પૂજાઘરના મકાન સુધી ચાંદીથી મઢેલ સિંહાસનમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવની છબિ રાખીને છ ઘોડા જોડેલ ઘોડાગાડી સાથે એક વિશાળ શોભાયાત્રા નીકળી હતી. તે જ દિવસે સાંજે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેરસભાના અધ્યક્ષ સ્થાને રાજકોટના ઠાકોર સાહેબ શ્રી ધર્મેન્દ્રસિંહજી હતા. આ ઉપરાંત મોરબીના મહારાજા લખધીરસિંહજી, ધ્રાંગધ્રાના રાજાસાહેબશ્રી, થાણાદેવડી, વડિયા અને બીલખાના દરબારશ્રી, શ્રી હરિશંકરભાઈ પંડ્યા, શ્રી સી.સી. શ્રોફ, જુનાગઢના દીવાન શ્રી ટી.ડી.રાણા અને બીજા અસંખ્ય મહાનુભાવો આ જાહેરસભામાં ઉપસ્થિત હતા. આ જાહેરસભાને સ્વામી સર્વાનંદજી મહારાજ, સ્વામી સંબુદ્ધાનંદજી મહારાજ, રાજકોટના ઠાકોર સાહેબ શ્રી ધર્મેન્દ્રસિંહજી અને બીજા અનેક મહાનુભાવોએ સંબોધી હતી.

આશ્રમનાં મકાનોનું બાંધકામ

૧૯૩૫-૩૬માં ૧૦’ X ૮’ ના માપના ત્રણ ખંડ શ્રી રવિકુંવર હરજીવન, પોરબંદર; શ્રી એચ.એન. પંડયા, રાજકોટ અને શ્રીચંદ્રકાંત ત્રિવેદી, અમદાવાદના સહયોગથી બાંધવામાં આવ્યા હતા. અમદાવાદના શ્રી પી.સી. બેનર્જીના દાનથી એક રસોડું અને કોઠારરૂમ બાંધવામાં આવ્યાં હતાં. સ્નાનઘરની સુવિધા આપે તેવો પાતાળકૂવો કરવામાં આવ્યો હતો. શ્રી કરસનદાસ વસનજી, જામનગરની સહાયથી ગાયોને માટેના રૂમનું બાંધકામ થયું હતું. ત્યાર પછી વડિયાદરબાર શ્રી સુરગવાળા સાહેબ, બીલખાદરબાર શ્રી રાવતવાળા સાહેબ અને રાજકોટના પ્રભાશંકર એચ. પારેખની સહાયથી કાર્યાલય માટે ત્રણ ખંડ બાંધવામાં આવ્યા હતા. 

જાન્યુઆરી, ૧૯૩૬માં ૧૨૦ ચો.વાર જમીન ખરીદીને મુખ્યદરવાજા અને કંપાઉન્ડ વોલનું બાંધકામ થયું. રાજકોટના શ્રી પોપટલાલ ધનજીભાઈ માલવિયાની ઉદાર સહાયથી ઓક્ટોબર, ૧૯૩૬માં નવા દવાખાનાનું બાંધકામ શરૂ થયું. ૧૯૩૭ની ૧૫મી, ફેબ્રુઆરીએ ‘શ્રીરામકૃષ્ણ-શતાબ્દિ સ્મારક ઔષધાલય’નું ઉદ્‌ઘાટન શ્રીમત્‌ સ્વામી સર્વાનંદજીએ કર્યું હતું. શરૂઆતમાં રાજકોટના સુખ્યાત વૈદ્યશ્રીઓ અને નામાંકિત ડોક્ટરોએ આ ઔષધાલયમાં પોતાની સેવાઓ આપી હતી. પછીથી ગોંડલના વૈદ્યશ્રી ગીજુભાઈ શાસ્ત્રી અને ડો. ડી.એન. ધોળકિયા (એલોપથી) પોતાની સેવાઓ નિયમિત રીતે આપતા.

Total Views: 25
By Published On: September 11, 2022Categories: Uncategorized0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram