* મનુષ્ય જન્મ, મુક્તિની ઇચ્છા અને મહાપુરુષનું શરણ  આ ત્રણેય બાબતો સંસારમાં અત્યંત દુર્લભ છે અને તેમની પ્રાપ્તિ કેવળ ઈશ્વરની અનુકંપાથી જ થાય છે.

* ગમે તેમ કરીને મનુષ્ય જન્મ મળ્યો અને તેમાં વળી પુરુષદેહ મળ્યો અને વેદાધ્યયન પણ કરી લીધું; પરંતુ આ બધું મળવા છતાં પણ જો મનુષ્ય મુક્તિલાભ માટે પ્રયત્ન ન કરે તો તે મહામૂર્ખ છે. ઊલટાનું એમ કહેવું જોઈએ કે અસત્‌ વસ્તુઓની પાછળ પાછળ ભટકીને જાણે કે તે આત્મહત્યા જ કરી રહ્યો છે.

* મુક્તિ તરફ આગળ વધવાનાં સાધનોમાં સર્વશ્રેષ્ઠ સ્થાન ભક્તિનું જ છે. સ્વ-સ્વરૂપનું અનુસંધાન એટલે ભક્તિ.

* જાગ્રત અવસ્થામાં સ્વપ્ન મિથ્યા છે અને સ્વપ્નમાં જાગરણની અવસ્થા રહેતી નથી. વળી સુષુપ્તાવસ્થામાં આ બંને હોતાં નથી, એટલું જ નહિ આ બંને – સ્વપ્ન અને જાગરણમાં સુષુપ્તાવસ્થાનો અનુભવ થતો નથી.

* આ રીતે આ ત્રણેય અવસ્થા અસત્ય છે કારણ કે એ ત્રણેય ત્રિગુણમાંથી ઉત્પન્ન થઈ છે; પરંતુ એનો સાક્ષી આત્મા ત્રણેય ગુણોથી પર, નિર્ગુણ, નિત્ય, એકરૂપ તેમજ ચિરંતન છે.

* આ સંસાર જેનાથી બધા વ્યાવહારિક ઉદ્દેશ્યોની પૂર્તિ થાય છે તે જો કે આપણા દૈનિક અનુભવનો વિષય છે; પરંતુ તે સ્વપ્નજગતની જેમ અસત્‌સ્વરૂપ છે, કારણ કે એનો પ્રતિક્ષણ વિરોધ થતો રહે છે.

* જ્ઞાન અને કર્મની વચ્ચે પર્વત સમો અડગ વિરોધ રહેલો છે. ભગવાન વ્યાસે આના પર ઘણો વિચાર કર્યા પછી પોતાના પુત્રને આ પ્રકારનો બોધ કરાવ્યો : આ બે માર્ગોનું વેદોમાં શિક્ષણ અપાયું છે. – એક છે કર્મમાર્ગ કે પ્રવૃત્તિ અને બીજો છે ત્યાગનો માર્ગ કે નિવૃત્તિ.

* પરમ અદ્વૈતની મહાનતાની તુલનામાં દેવદેવાદિ પણ દૈત્ય જેવા પ્રતીત થતા લાગે છે અને દેવલોક દાનવલોક જેવો પ્રતીત થતો લાગે છે.

* જે ઇચ્છા અને કર્મનું કારણ નથી જાણતો તેને માટે દુ:ખ અને મોહ છે; પણ જે આકાશવત્‌ સર્વવ્યાપી, શુદ્ધ-બુદ્ધ આત્માને સર્વત્ર જુએ છે એને માટે નહિ.

* જેનો ભ્રમ નાશ પામ્યો છે તે આત્મજ્ઞાનને કોઈ કર્મ  કે કોઈ બીજા જ્ઞાન સાથે જોડવાની ઇચ્છા કરતો નથી.

* જે માનવ આ જગતને કારણશૂન્ય માને છે તે જાણે કે વંધ્યાપુત્ર સાથે સંબંધ સ્થાપિત કરવા ઇચ્છે છે અથવા મૃગમરીચિકાના જળથી પોતાની તરસ છિપાવવા ઇચ્છે છે.

* જ્ઞાની પુરુષે સદૈવ તલ્લીનતાથી આત્મચિંતન કરવું જોઈએ. જો કે આત્મા અદૃશ્ય છે છતાં તે જ એક માત્ર સત્ય છે અને વળી, તેની પ્રતીતિ નામરૂપના જગતમાં થાય છે. છતાં પણ તે ચેતન અને જ્ઞાન સ્વરૂપ છે.

* જે કંઈ પણ કામનાપ્રેરિત હોય છે તે દુ:ખનું મૂળ કારણ બને છે અને ક્ષણભરમાં જ નિસ્સાર તથા ફિક્કું લાગે છે. કેવળ અજ્ઞાની જ તેની પાછળ દોડતો રહે છે.

Total Views: 99

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.