આપણા આગલા સંપાદકીયમાં માનવ વ્યક્તિત્વના સાચા સ્વરૂપની સમજણ માટે આપણાં શાસ્ત્રો અને એમાં પણ ખાસ કરીને ઉપનિષદોના અધ્યયન અને સમાલોચનાની આવશ્યકતા વિશે ચર્ચા કરી ગયા છીએ. પશ્ચિમની માનવ વિશેની સંકલ્પનાઓ માનવની વિવિધ સામાજિક, આધ્યાત્મિક સમસ્યાઓનું સાચું નિરાકરણ શોધવામાં નિષ્ફળ નીવડી છે. જો કે પશ્ચિમના વિકસિત રાષ્ટ્રોએ સામાજિક અને આર્થિક સમસ્યાઓનું સંતોષજનક સમાધાન સાધવાનો દાવો કર્યો છે, તે કેટલા અંશે સાચું છે તે એક વિચારવા જેવી બાબત બની ગઈ છે. માનવના વ્યક્તિગત જીવનના સાચા અસ્તિત્વને લગતી સમસ્યાઓનું સમાધાન સાધવામાં પાશ્ચાત્ય સંસ્કૃતિ નિષ્ફળ નીવડી છે. આ બાબતમાં આ બધી પ્રજાઓએ આપણા પ્રાચીન શાસ્ત્રગ્રંથો અને એમાંય તે ખાસ કરીને ઉપનિષદો પાસેથી ઘણું ઘણું શીખવાનું છે. 

પોતાના વ્યક્તિગત અને સામુહિક જીવનમાં માનવ પોતાના મનથી માની લીધેલી જીવન ફિલસૂફી પ્રમાણે જીવન જીવે છે. આ જીવન ફિલસૂફીની પસંદગીથી વ્યક્તિગત જીવન તેમજ સમસ્ત સમાજ પણ દોરવાતો રહે છે. એની પસંદગીની ફિલસૂફી જેટલી વધારે સારી કે નરસી હોય તેટલું જ એનું જીવન પણ સારું કે નરસું હોવાનું જ. પોતાના વિશેની તેમજ પોતાના વ્યક્તિત્વ વિશેની સાચી સંકલ્પનાના અભાવે સદ્‌જીવન જીવવાનું કોઈ આયોજન તે કરી શકતો નથી અને તે વ્યક્તિગત રીતે કે પોતાના સામાજિક વ્યવહારમાં પણ ઢંગધડા વિનાનું જીવન જીવે છે. 

માનવના વ્યક્તિત્વમાં જો ભૌતિક શરીર એ જ મહત્ત્વનું અને કેન્દ્રસ્થ સ્થાન ધરાવતું હોય તો મૃત્યુ એટલે વ્યક્તિના જીવનનો પૂર્ણવિરામ. તો પછી બીજાનાં દુ:ખોની પરવા કર્યા વિના પણ પોતાના એશોઆરામ માટે માનવ પોતે જે કંઈ પણ કરે અને જે પ્રકારે કરે તેને ન્યાયી ઠરાવી શકાય. પ્રાચીન ભારતમાં પણ આ પ્રકારની ચાર્વાકવાદ નામની એક અત્યંત ભૌતિકવાદી ફિલસૂફીએ પણ પોતાનું માથું ઊંચક્યું હતું. એ વાદ પ્રમાણે ખાઓ, પીઓ, મોજ માણો; કરજ કરીને પણ ઘીની મોજ માણો. એનું કારણ આપતાં તે કહે છે : ભસ્મિભૂત થયેલા દેહનું પુનરાગમન ક્યાં શક્ય છે? મૃત્યુ પછી જાણેકે બધો ખેલ ખતમ! જો આવું જ હોય તો જીવનમાં સદ્‌ગુણોની, સંનિષ્ઠાની, સુનીતિની અને આધ્યાત્મિકતાની કેળવણીની શી જરૂર છે?

જો આપણે ઇતિહાસનું અધ્યયન કરીએ તો આપણને સ્પષ્ટ જણાશે કે માનવવ્યક્તિત્વની પોત-પોતાની સંકલ્પનાએ વ્યક્તિગત તેમજ રાષ્ટ્રજીવનની ઉન્નતિ અને વિકાસમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. પોતપોતાના સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક, નૈતિક, ધાર્મિક આદર્શો અને એ બધાને રાષ્ટ્રિય અને સામાજિક જીવનમાં ચરિતાર્થ કરવાના કાર્યના મૂળમાં આ માનવવ્યક્તિત્વની પોતાની સંકલ્પના રહેલી છે. જો આપણે એક સમયની સુસમૃદ્ધ અને સુવિકસિત સંસ્કૃતિઓ જેવી કે સુમેરિયન, બેબિલોનિયન, એસિરિયન, દિલમન, એલમ અને ઇજિપ્શ્યન તરફ નજર કરીએ તો આપણને વિચારવમળમાં મૂકી દેતી વાત એ જાણવા મળે કે આ બધી સંસ્કૃતિઓનું નામનિશાન કેમ મટી ગયું. શું આ પ્રજામાં યોગ્ય દૃષ્ટિકોણનો અભાવ હતો કે એમની પાસે સાચી જીવન જીવવવાની ફિલસૂફી ન હતી કે જેને કારણે આ બધી સંસ્કૃતિઓ લુપ્ત થઈ ગઈ? અંતે આપણે એવા અંતિમ નિષ્કર્ષ પર પહોંચીએ છીએ કે માનવવ્યક્તિત્વની ખોટી સંકલ્પનાને કારણે જ આમ બન્યું છે. આવી ખોટી ભ્રામક સંકલ્પનાને કારણે માનવવ્યક્તિત્વની આધારશિલા જેવા આધ્યાત્મિક અને નૈતિક આદર્શને જ આ સંસ્કૃતિની પ્રજાઓએ અવગણ્યો. આ કારણને ધ્યાનમાં લઈએ તો આપણી સંસ્કૃતિ આજ સુધી જીવંત છે એના માટે આપણે આપણા પૂર્વજો, અને ઋષિઓના ઋણી છીએ. તેમણે આપણને શાશ્વત તત્ત્વો પર આધારિત માનવવ્યક્તિત્વનો સર્વગ્રાહી ખ્યાલવાળો આદર્શ આપ્યો હતો. આને જ લીધે હજારો હજારો વર્ષની ગુલામી અને અનેક વિપરિત સંકલ્પનાઓવાળાં સંસ્કૃતિઓ અને ધર્મોનાં આક્રમણો થવા છતાં આપણી પ્રાચીન સંસ્કૃતિ આજે પણ એવી ને એવી અકબંધ રહી છે.

આપણા ગયા સંપાદકીયમાં અત્યંત મહત્ત્વની અને માનવના સાચા અને સનાતન સ્વરૂપવાળા, આપણા મનોદૈહિકસંકુલની પાછળ રહીને સુસંચાલન કરનારા આત્મા વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ. હવે આપણે આપણું ધ્યાન આપણા દૈનંદિન જીવનના કહેવાતા વ્યક્તિત્વને આપનાર મનોદૈહિકસંકુલયંત્ર તરફ વાળીએ અને આપણા શાસ્ત્રગ્રંથો – ઉપનિષદો આ વિશે શું કહે છે તે જોઈએ. જો કે ઉપનિષદો આપણા સાચા સ્વરૂપ, શાશ્વત અને અપરિવર્તનશીલ આત્માની વારંવાર યાદ અપાવે છે. અને જેની સાથે મોટા ભાગના લોકો પોતાના સમગ્ર અસ્તિત્વને સંલગ્ન ગણે છે એવા મનોદૈહિકસંકુલ યંત્રની પણ આ ગ્રંથોએ અવગણના કરી નથી. મનોદૈહિકસંકુલના કાર્યોની યોગ્ય સમજણ કેળવીને અને તેને સુયોગ્ય અભ્યાસતાલીમ આપીને આપણે આપણી ચેતનાને ધીમે ધીમે વધુ ને વધુ ઉચ્ચતર સ્તરે લઈ જઈ શકીશું. ત્યાર પછી આપણે શુદ્ધ આત્મચૈતન્ય સાથે આપણો સંબંધ સ્થાપી શકીએ છીએ અને એના દ્વારા જ આપણને શાશ્વતશાંતિ કે તૃપ્તિ પ્રાપ્ત થશે. આપણા મનોદૈહિકસંકુલની યોગ્ય સમજણ અને સદ્‌જીવન શૈલીની સાચી જાણકારી મેળવવા માટે આ વિવિધ ઉપનિષદોનો અભ્યાસ કરવો આવશ્યક છે. ઉપનિષદોમાં વેરવિખેર પડેલા એ બધા ઉમદા વિચારોને પદ્ધતિસર એકત્રિત કરીને તેમજ ગોઠવીને આપણા માનવીય વ્યક્તિત્વ અને સદાચરણભર્યા જીવન માટે આદર્શો ઊભાં કરવા પડશે. આ આદર્શો જાણવાનો વિનમ્ર પ્રયાસ આપણે આપણા આ અને હવે પછીના સંપાદકીય લેખોમાં યથાશક્તિ પ્રયત્ન કરીશું.

આપણે આ પહેલાના સંપાદકીયમાં જોઈ ગયા છીએ કે સૂક્ષ્માતિસૂક્ષ્મ તત્ત્વથી બનેલું હોવાને કારણે માનવીનું મન એવી ક્ષમતા ધરાવે છે કે એ તેજપુંજવાળા અંતરાત્માના પ્રકાશનું દેહ અને ઇન્દ્રિયોમાં સંક્રમણ કરી શકે છે. સૂક્ષ્મ ઇન્દ્રિય અને પ્રાણની સહાયથી સ્થૂળદેહનું મન દ્વારા નિયંત્રણ અને સંચાલન કરે છે. હવે આપણે મનોદૈહિકસંકુલનાં અંગોપાંગ અને તે બધાં પોતાનાં કાર્યો કેવી રીતે કરે છે તેની વાત વિગતવાર પણ ક્રમબદ્ધ રીતે જોઈશું.

આપણે જોયું કે આ મનોદૈહિકસંકુલમાં રહેલ મુખ્ય અને કેન્દ્રસ્થ ચૈતન્ય સ્વરૂપ આત્મા તેની સાથે કેવી રીતે જોડાયેલો રહે છે અને આ મનોદૈહિકસંકુલનો વિનાશ થાય છે ત્યારે પણ તે અવિનાશી અને અક્ષુણ્ણ રહે છે. જે સમગ્ર જગતસૃષ્ટિ માટે સત્ય છે તે જગતની સૂક્ષ્માતિસૂક્ષ્મ કૃતિ માનવ માટે પણ સત્ય છે. સ્વામી વિવેકાનંદ કહે છે : ‘સમગ્ર બ્રહ્માંડનું પ્રતીકરૂપ એટલે આ પિંડધારી માનવ છે. એટલે કે તે પોતે એક સૂક્ષ્માતિ સૂક્ષ્મ બ્રહ્માંડ છે.’ ઉપનિષદોમાં પણ ઉલ્લેખ આવે છે કે જેને વ્યષ્ટિરૂપે માનવનું સ્થૂળ શરીર ‘વિશ્વ’ કહેવાય છે, તેના સમષ્ટિરૂપને ‘વિરાટ કે વૈશ્વાનર’ કહેવાય છે. માનવના સૂક્ષ્મશરીરમાં મન એક સૌથી વધારે અગત્યનું અને મુખ્ય અંગ છે. માનવમાં વ્યષ્ટિરૂપે રહેલ આ સૂક્ષ્મશરીરને ‘તૈજસ્‌’ કહે છે. એનું સમષ્ટિરૂપ વૈશ્વિકમનસ્‌ને ‘હિરણ્યગર્ભ કે સૂત્રાત્મા’ કહે છે. આ જ રીતે માનવમાં રહેલ કારણ શરીરને ‘પ્રાજ્ઞ’ અને એના વૈશ્વિક સ્તર ઉપરના સમષ્ટિરૂપને ‘ઈશ્વર’ કહે છે. જો કે શુદ્ધ, અદ્વૈત ચૈતન્ય, આત્મા કે બ્રહ્મ વ્યષ્ટિ અને સમષ્ટિમાં સર્વવ્યાપક રૂપે રહેલું હોવા છતાં તે એ બધાંથી નિર્લિપ્ત અને પર છે. કઠોપનિષદમાં કહ્યું છે : 

અગ્નિર્યથૈકો ભુવનં પ્રવિષ્ટો
રૂપં રૂપં પ્રતિરૂપો બભૂવ ।

એકસ્તથા સર્વભૂતાન્તરાત્મા
રૂપં રૂપં પ્રતિરૂપો બહિશ્ચ ॥ (૨.૨.૯)

‘જેમ અગ્નિ એક જ છે પણ આ બ્રહ્માંડમાં પ્રવેશીને જુદા જુદા આકારોમાં જુદાં જુદાં રૂપ ધારણ કરે છે તેમ બધાની ભીતર રહેલો આત્મા એક જ હોવા છતાં દરેકે દરેક આકાર (દેહ) પ્રમાણે જુદાં જુદાં રૂપ ધારણ કરે છે. અને છતાંય તે તેનાથી બહાર છે, પર છે.’ 

આત્માના મનોદૈહિકસંકુલનો ઉપનિષદોમાં બે જુદી જુદી રીતે ઉલ્લેખ થયો છે. પહેલી પદ્ધતિમાં માનવના દૈનંદિન અનુભવો પ્રમાણે ક્રમશ: – જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાના આધારે દેહનું સ્થૂળ – સૂક્ષ્મ – કારણ એવા ત્રિપરિમાણોમાં વર્ગીકરણ કરે છે. આ ભૌતિકદેહ આપણી ચેતનામાં એટલું બધું મહત્ત્વનું સ્થાન ધરાવે છે કે આપણે એવી ધારણા કરી બેસીએ છીએ કે માનવ પ્રધાનપણે એક સ્થૂળદેહમાત્ર છે અને એનાં બાકીનાં બીજાં બે સૂક્ષ્મ અને કારણ તત્ત્વોને ધ્યાનમાં લેતા નથી કે અવગણીએ છીએ, કારણ કે એ બે તત્ત્વો ઇન્દ્રિયગમ્ય નથી. દૃશ્ય અને ઇન્દ્રિયગમ્ય પદાર્થો જે તત્ત્વોથી તૈયાર થયાં છે એ જ તત્ત્વોથી આપણો સ્થૂળદેહ પણ ઉદ્‌ભવ્યો છે. આ સ્થૂળદેહ ઇન્દ્રિયગમ્ય છે, એટલે જ એને સ્થૂળશરીર કહે છે. આપણી જાગ્રત અવસ્થામાં સ્થૂળદેહ ઘણો ક્રિયાશીલ જણાય છે. વાસ્તવિક રીતે તેને સૂક્ષ્મ અને કારણશરીરના નિયંત્રણ હેઠળ તે ક્રિયાન્વિત થાય છે તે હકીકતને આપણે મહત્ત્વ આપતા નથી. જ્ઞાનપ્રાપ્તિ માટેની પાંચ જ્ઞાનેન્દ્રિયો (આંખ, કાન, નાક, જીભ, ત્વચા) અને પાંચ કર્મેન્દ્રિયો (મોં, હાથ, પગ, મળ-મૂત્ર દ્વારો) આ સ્થૂળશરીરમાં રહીને બાહ્ય જગત સાથે વ્યવહાર કરે છે. પણ આ બાહ્ય-ઇન્દ્રિયો સાચી ઇન્દ્રિયો નથી. સાચી ઇન્દ્રિયો તો સૂક્ષ્મશરીરમાં રહેલી છે, પણ તેઓ સ્થૂળ ઇન્દ્રિયો દ્વારા જ કાર્ય કરે છે. કઠોપનિષદ (૨.૨.૧)માં સુંદર રૂપક આપીને સમજાવી છે : ‘અસંખ્ય દરવાજાવાળા શહેર સાથે આપણા સ્થૂળ શરીરની સરખામણી કરી છે અને એમાં વસતા રાજા એટલે કે આત્મા એનું સંચાલન કરે છે.’

પુરમેકાદશદ્વારમજસ્યાવક્રચેતસ: ।
અનુષ્ઠાય ન શોચતિ વિસુક્તશ્ચ વિસુચ્યતે ।
એતદ્વૈ તત્‌ ।

‘અજન્મા અને સ્થાયી-શાશ્વત ચૈતન્યવાળા આત્મા અગિયાર દરવાજાવાળા એક નગરમાં રહે છે. એ આત્મા પર ધ્યાન ધરનાર દુ:ખશોક પામતો નથી અને મુક્ત બનીને મોક્ષ પ્રાપ્ત કરે છે. આ જ સત્ય છે.’ અગિયાર દરવાજાઓ એટલે બે કાન, બે આંખ, બે નાસિકા દ્વાર, મોં, મળ-મૂત્ર દ્વારો, નાભિ, બ્રહ્મરંધ્ર. જો કે ગીતામાં છેલ્લા બે એટલે કે નાભિ અને બ્રહ્મરંધ્રને ગણવામાં આવ્યા નથી અને દેહને નવ દરવાજાવાળું નગર કહ્યું છે. (ગીતા ૫.૧૩)

હવે મહત્ત્વનો પ્રશ્ન એ ઊભો થાય છે કે આ સ્થૂળશરીર જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો ધરાવે છે પણ એને ચેતના ક્યાંથી મળે છે અને એનું સંચાલન કોણ કરે છે? શું પશ્ચિમના વૈજ્ઞાનિકો માને છે તેમ  માનવમગજ અને ચેતાતંત્રના સ્થૂળ પદાર્થોની કોઈ રાસાયણિક પ્રતિક્રિયાથી આ ચેતના ઉપજે છે અને આ સ્થૂળ શરીરનું સંચાલન થાય છે? જો આ બધું સ્થૂળ પદાર્થો દ્વારા થતું હોય તો માનવી જ્યારે મૃત્યુ પામે છે ત્યારે આ ચેતનાનું શું થાય છે? આ માનવમગજ અને ચેતાતંત્રના સ્થૂળ પદાર્થો એમને એમ હોવા છતાં એ ચેતના કેમ કામ નથી કરતી? સમગ્ર ચેતાતંત્ર અને ઇન્દ્રિયોને નિષ્ક્રિય અવસ્થામાં છોડીને આ ચેતના ક્યાં ચાલી જાય છે? આ અત્યંત ચર્ચાસ્પદ સમસ્યાએ પશ્ચિમના વિચારકો, તત્ત્વજ્ઞો અને મેડિકલશાખાના વૈજ્ઞાનિકોને સદીઓથી મૂંઝવી દીધા છે; અને અદ્‌ભુત સિદ્ધિઓ મેળવવા છતાં માનવના સ્થૂળ શરીરમાં ચેતનાના કેન્દ્ર વિશેના પ્રશ્નનો કોઈ ગળે ઊતરે તેવો ઉત્તર કે ઉકેલ પાશ્ચાત્ય મેડિકલ વિજ્ઞાન આપી શક્યું નથી. આપણા પ્રાચીન ઋષિઓએ વર્ષો પહેલાં એ વાત જણાવી છે કે આ ચેતનાને આપણા સ્થૂળશરીરના મગજ – ચેતાતંત્ર કે હૃદયમાં શોધવી એ વ્યર્થ પ્રયાસ કરવા જેવું છે. જો કે મગજ – ચેતાતંત્ર અને થોડા પ્રમાણમાં હૃદય પણ ચેતનાનું સંક્રમણ સ્થૂળ શરીરમાં કરવાની ક્ષમતા ધરાવે છે, પણ તેઓ પોતે ચેતનાને ઉપજાવી શકતા નથી. જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે આપણે કહી શકીએ કે તેનાં મગજ – ચેતાતંત્ર અને હૃદયે ચેતનાના સંક્રમણકાર્યને થંભાવી દીધું છે, એને પરિણામે શરીરનાં વિભિન્ન અંગો અને ઇન્દ્રિયોનું કાર્ય પણ બંધ પડી જાય છે; પણ આપણે એમ ન કહી શકીએ કે આ ચૈતન્યશક્તિનો સદંતર લોપ થઈ ગયો છે. તો મૃત્યુ પછી આ સ્થૂળદેહને છોડીને એ ચૈતન્યશક્તિ ક્યાં ચાલી જાય છે એની ચર્ચા આપણે હવે પછીના સંપાદકીયમાં કરીશું.

Total Views: 20
By Published On: September 11, 2022Categories: Nikhileswarananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram