જમ્નોત્રી

હું ટિહરીથી નીકળીને જમ્નોત્રી તરફની પાકી સડક પર ૩૬ માઈલ આગળ નીકળ્યો. કાનફટ્ટા (ફાટેલા કાનવાળા સાધુઓનો એક સમુદાય) સાધુઓના એક નાના ગામમાં પહોંચ્યો. એ ગામનું નામ હતું ધારાસુ. અહીંથી જમ્નોત્રી જવા માટે નાનો-સાંકડો રસ્તો છે. પરંતુ આ રસ્તાથી અજાણ એવા એકલા યાત્રીએ એ રસ્તે આ યાત્રાનું જોખમ ખેડવાનું સાહસ ક્યારેય ન કરવું જોઈએ. આ રસ્તો એક ગાઢ જંગલમાંથી પસાર થાય છે અને વચ્ચે ક્યાંય કોઈ માણસ જ દેખાતા નથી. આસપાસનાં જંગલો ઘણાં ગાઢ છે અને જો કોઈ રસ્તો ભૂલી જાય તો એને સાચો રસ્તો બતાવવાવાળું પણ કોઈ ન મળે. હું મનમાં વિચારી રહ્યો હતો કે મારી પછીની યાત્રામાં કેવી રીતે આ નાના અને સાંકડા રસ્તેથી જાઉં. હું ધારાસુ મધ્યાહ્‌નના સમયે પહોંચ્યો. મેં દસ પહાડી લોકોના એક સમૂહને આરામ કરતો જોયો. એ બધાએ માથા પર મોટી ગોળાકાર ટોપીઓ પહેરી હતી. મને જાણવા મળ્યું કે તેઓ જમ્નોત્રીના પઠારમાં આવેલ જમદજ્ઞજી મકામ નામના ગામના છે. એ બધા પોતપોતાની ચીજવસ્તુઓ ખરીદવા માટે ધારાસુ આવ્યા હતા અને હવે ઘરે પાછા જતા હતા. આ સાંભળીને મારા મનને થોડી રાહત મળી. મેં વિચાર્યું કે કોઈનો સાથ લીધા વિના હું આ નાના અને સાંકડા રસ્તેથી જઈ શકીશ નહિ. પરંતુ ભગવાન મહાન છે, એમની મદદ અજ્ઞાત રસ્તેથી આવે છે. જો ભગવાન પોતાના ભક્તોને સહાય કરવા ઇચ્છે તો કોણ એના માર્ગ વચ્ચે ઊભું રહી શકે? મને આ અત્યંત કઠિન જંગલી રસ્તેથી જવા માટે એક સારો સાથ મળી જાય એવી એમની ઇચ્છા હતી. હું જમ્નોત્રી જતો હતો એ વાત જાણીને એ બધા પહાડી લોકો ખૂબ ખુશ થઈ ગયા.

જમ્નોત્રીના પઠાર પર રહેવાવાળા લોકોની વેશભૂષા રામપુરના બેસાહારી લોકોની (સીમલાના પહાડી વિસ્તારના ઉત્તરભાગ રામપુર બેસાહારીના નામે જાણીતો છે. રામપુર બેસાહારીનો એક ભાગ અને જમ્નોત્રીક્ષેત્ર પશ્ચિમી ગઢવાલ વિસ્તારમાં પડે છે. એટલે એ બધા લોકોનો પોશાક એકબીજાને મળતો આવે છે.) વેશભૂષા જેવી જ છે. એમની ગરમ ટોપી પણ એ જ પ્રકારની ઊંચી અને ગોળાકાર હોય છે. ગૂંથેલા રેશાનાં જોડાં અને લાંબા કોટ તેઓ પહેરે છે. પૂર્વી ગઢવાલના લોકોનો પોશાક સાવ જુદો જ છે. ધારાસુથી જમદજ્ઞીજી મકામ સુધીનો રસ્તો બે દિવસનો છે. રસ્તામાં એકેય ગામ આવતું નથી. યાત્રીઓ ધૂણાની આજુબાજુ રાત વીતાવે છે. અહીં આવા ધૂણાની રાખના ઢગલે ઢગલા હોય છે. જ્યાં અમે રાત વીતાવી હતી ત્યાં દેવદારના લાકડાંના મોટા મોટા પાટડા હતા. પહાડોની તળેટીના ઢોળાવમાં જ્યાં હવામાન જરા ગરમ હોય છે ત્યાં દેવદારનાં જંગલ હોય છે. એ દેવદારનું વૃક્ષ સરુના ઝાડ જેવું હોય છે. મારા સહપંથીઓએ પાઈનનાં લાકડાંના કેટલાક ભારા લીધા અને એને આગ ચાંપી. તરત જ એમાંથી મોટી મોટી અગનજ્વાળાઓ નીકળવા માંડી. અમે એ આગમાં અમારી રોટલી શેકી લીધી. એક પ્રકારનું જાડું અનાજ જે વધારે સ્વાદિષ્ટ નથી હોતું એવા કોડાનો લોટ હતો. એ લોકોએ બબ્બે મોટી મોટી રોટલી ખાધી અને પછી એમણે પોતાનાં કપડાં કાઢ્યાં અને એ અગ્નિની રોશનીમાં જૂ કાઢવા માંડ્યા. એ ઠંડા પ્રદેશમાં લગભગ ધોયા વિનાનાં બધાં કપડાંમાં જૂ પડી જાય છે. એ જૂ પહેરનારનું ગરમ લોહી ચૂસીને જીવે છે.

જૂ અને આતિથ્યભાવહીન ગ્રામવાસીઓ

મચ્છર, ડાંસ, તીલચટ્ટા-પ્લાસ્ટરથી પણ જૂ વધુ ખરાબ છે. તે કપડાંમાં ચોટી રહે છે અને લોહી ચૂસીને જીવે છે. અમારો ઘૂણો એટલો બધો મોટો હતો કે કોઈ જંગલી જનાવર અમારી તરફ આવવાનું વિચારી પણ ન શકે. એટલે રાત તો વિના વિઘ્ને પૂરી થઈ. બીજા દિવસે સાંજે અમે જમદજ્ઞજી મકામ પહોંચ્યા. આ ગામ યમુના નદીના કિનારે આવેલું છે. મેં જોયું તો એ ગામના એક મંદિરમાં પ્રાચીન દેવતાઓની કેટલીક મૂર્તિઓ હતી. હું અહીં બે દિવસ રોકાયો અને ત્રીજે દિવસે જમ્નોત્રી જવા નીકળ્યો. જમ્નોત્રીનો રસ્તો યમુના નદીના પ્રવાહની સાથે સાથે આવેલો છે. જમદજ્ઞજી મકામથી નીકળ્યા પછીના દિવસે રસ્તામાં એક દશનામી નાગાસંન્યાસી અને એક વૈષ્ણવ સાધુ સાથે મારી મુલાકાત થઈ. એ બંને અહીં એક પહાડી રસ્તેથી આવ્યા હતા. તેઓ જમ્મુથી આવ્યા હતા અને જમ્નોત્રીની યાત્રા કર્યા પછી તેમને બદ્રીનારાયણ જવું હતું. અહીં મળીને અમે અત્યંત પ્રસન્નતા અનુભવી. ભગવાન દ્વારા મોકલેલા આ પાવનલોકોનો સાથ છોડીને હું એકલો જ આગળ જવા માટે વિચારી પણ ન હતો શકતો. એટલે અમે બધા સાથે મળીને જમ્નોત્રી પહોંચ્યા.

જમ્નોત્રી ગઢવાલ જિલ્લાના રામૌલી પરગણામાં આવેલ છે. અહીંના લોકો તદ્દન આતિથ્યભાવવિહોણા છે. અમે અમારા યાત્રાપથ પર સૂર્યોદય પહેલાં જ નીકળી પડતા અને બપોર સુધી સતત ચાલતા, પછી ભોજન લેતા અને વળી પાછું ચાલવાનું શરૂ કરી દેતા. રસ્તામાં આવનારા કોઈ ગામમાં રાતવાસો કરવા રોકાઈ જતા. સડક યમુનાના પ્રવાહની દિશામાં ચાલી જતી હતી. રસ્તામાં અમારે એક વિશાળ પર્વત પર ચડવું પડ્યું અને રસ્તો પાછો અમને નદી તરફ જ દોરી ગયો. રસ્તામાં આવનારાં આવાં ઉતરાણ અને ચઢાણને ગણકારવાનું મેં છોડી દીધું હતું. હું પગે ચાલીને જનારા કેટલાય પદયાત્રીઓને જોઈ શકતો હતો પરંતુ એ બધા સ્થાનિક લોકો હતા. અહીં જમ્નોત્રી જનારા તીર્થયાત્રીઓ માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. નદીના કિનારે લંગવા અને કાપરા નામની શાકભાજીઓ ખૂબ પ્રમાણમાં મળે છે. અમે પણ સારા પ્રમાણમાં શાકભાજી લઈ લેતા હતા. બપોરના સમયે અમારા વૈષ્ણવી સાધુમિત્ર નજીકના ગામમાં ભિક્ષા માગવા જતા. તે પોતાના પાણીના વાસણમાં ઝંગોરા અને સામયકાના દાણાની સાથે પેલી શાકભાજીને પકાવી લેતા. અમને ખૂબ ભૂખ લાગતી એટલે આ સાધારણ ભોજન પણ અમે મન ભરીને આનંદપૂર્વક ખાઈ લેતા. આ વિસ્તારના પ્રત્યેક ગામમાં એક વિશ્રામગૃહ પણ છે, અમે એમાં જ રોકાતા. 

અમારી જેમ બધા યાત્રીઓને આવી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હશે કે કેમ એનો મને ખ્યાલ ન હતો. અમે ઘરે ઘરે જતા પણ ત્રણ જણા માટે પર્યાપ્ત ભિક્ષાન્ન ન મળતું. અને જો કોઈ યાત્રી આખો દિવસ વિશ્રામગૃહમાં બેઠો રહે તો તે ભૂખે મરી જશે, કારણ કે એણે કંઈ ખાધું-પીધું છે કે નહિ એ પૂછપરછ કરવાનું કષ્ટ અહીંની કોઈ વ્યક્તિ લેતી નથી. એણે ઘરેઘરે જઈને ‘મને ભિક્ષા આપો, મને ભિક્ષા આપો’ એમ પોકારવું પડે છે. ગઢવાલના બધા લોકો પથ્થરદિલના છે એવું નથી. પરંતુ આ વિસ્તારના પ્રમાણમાં પૂર્વ પરગણાના દાસૌલી સ્થાનના લોકો વધુ આતિથ્યભાવનાવાળા છે. એમાંય બદ્રીનારાયણની નજીક રહેનારા લોકો વિશેષ આતિથ્યભાવનાવાળા છે. હિંદીમાં એક કહેવત છે, ‘ગઢવાલી સમો દાતા નહિ, લાઠી વગર દેતો નથી’. એનો અર્થ એ છે કે ગઢવાલી લોકો દાની તો છે પણ જ્યારે એને ડરાવવામાં આવે ત્યારે જ દાની બને છે.

કેટલાંક વર્ષો પછી મને ફરીથી ગઢવાલ જવાનો મોકો મળ્યો. મારી સ્મૃતિશક્તિના આધારે હું અહીં એક ઘટનાનું વર્ણન કરવા ઇચ્છું છું : ‘અમે ત્રણ – સ્વામીજી (સ્વામી વિવેકાનંદ), સ્વામી શારદાનંદ અને હું – ટિહરીથી શ્રીનગર જઈ રહ્યા હતા. રાતના સમયે અમે એક ગામની ધર્મશાળામાં આશ્ચય લીધો. મેં ગ્રામવાસીઓને વિનમ્રતા સાથે કંઈક બળતણ અને અગ્નિ દેવા માટે અનુરોધ કર્યો, પરંતુ કોઈએ મારી વાત સાંભળી નહિ. હું ગામની દરેકેદરેક વ્યક્તિ પાસે ગયો પરંતુ કોઈએ જવાબ જ ન આપ્યો. મને આગળ કહેલી કહેવત યાદ આવી. ત્યારે અમે ત્રણેય ગામના એક ચબૂતરા પર ઊભા રહીને જોરજોરથી બૂમો પાડીને ‘અમારે માટે લાકડાં આપો, અમારા માટે અગ્નિ લાવો’ એમ કહેવા લાગ્યા અને એની અસર થઈ. દરેકેદરેક માણસ કંઈકને કંઈક લાવ્યો. કેટલાક અગ્નિ લાવ્યા તો કેટલાક સળગાવવા માટે લાકડાં લાવ્યા. વળી કેટલાક રોટલી લાવ્યા તો કોઈ વળી દૂધ લાવ્યા અને કેટલાક શાકભાજી પણ લાવ્યા.

એ બધા લોકોએ અમને આ બધી ચીજો ભેટ ધરી દીધી અને અમારી ચારે તરફ તેઓ હાથ જોડીને ઊભા રહી ગયા. ત્યાર પછી અમારે શું જોઈએ છીએ એ બતાવવાની જરૂર જ ન પડી. હવે જે લોકો સાથે મેં વિનમ્રતાપૂર્વક યાચના કરી હતી તેઓ એકદમ ભિન્ન લાગતા હતા, ઠીકઠીક પ્રમાણમાં ભયભીત દેખાતા હતા અને મેં વિચાર્યું કે જો અમે થોડો વખત વધારે બૂમ બરાડા પાડ્યા હોત તો એ લોકો પોતાની ઝૂંપડીઓ અને ઘર અમારા માટે ખુલ્લાં મૂકીને ભાગી ગયા હોત.

ઝેરીલી માખી

અહીંના પહાડી લોકો કનફેડના રોગથી પીડાય છે. મેં આવી બિમારી ક્યાંય જોઈ નથી એટલે મને એના કારણનો ખ્યાલ નથી. હું જ્યારે આવી ઘટનાઓનું વર્ણન કરું છું ત્યારે મારે ઝેરીલી માખી વિશે ચર્ચા કરવી જોઈએ. આવી માખીઓ હિમાલયમાં બધી જગ્યાએ જોવા મળે છે, પરંતુ કેવળ આજ જગ્યાએ મને એના ભયંકર ડંખનો મૃદુ અનુભવ થયો.

આ માખી નાની હોય છે અને એનો રંગ આસમાની જેવો હોય છે, આકાર મચ્છર જેવો હોય છે. એને સોય જેવી કોઈ લાંબી સૂંઢ નથી હોતી. એમના પગ પણ મચ્છરના પગ જેવા નથી હોતા. જ્યારે આ માખીઓ ડંખ મારે છે ત્યારે લોહીનો એક નાનો ટશિયો નીકળે છે અને પછી એ જગ્યાએ લગભગ નજીવું હળવું દર્દ થાય છે. પરંતુ થોડા સમય પછી એમાં ખંજવાળ ઉપડે છે અને જો કોઈ એને ખજવાળે તો ત્યાં ભયંકર સોજો આવી જાય છે. શીતળાની રસી મૂકાવ્યા પછી આવતા સોજા જેવો જ સોજો હોય છે. કોઈએ મને આ માખી વિશે ચેતવણી આપી ન હતી. જ્યારે મને પહેલી વાર આવી માખી કરડી ત્યારે હું ખજવાળવામાંથી મારી જાતને રોકી ન શક્યો અને પછીના દિવસે ત્યાં એક મોટું ચાંભુ થઈ ગયું. આ બધું ઘણું પીડકારી હતું. જ્યારે મેં પોતાના સાથીઓને આ ચાંભાં દેખાડ્યાં ત્યારે તેમણે મને એ ઝેરી માખી વિશે વાત કરી. એમને મને ખજવાળવામાંથી રોક્યો અને મને સલાહ આપી કે પીડાને ઓછી કરવા માટે સૂકા છાણનો ઉપયોગ કરવો. અરે, આ નાનકડા જીવડાનો કેટલો મોટો ઝેરીલો ડંખ! અને એ માખી પોતાનું ઝેર પળવારમાં જ ઝીંકી દે છે. એક સાધુ સંન્યાસીને આવી માખી કરડવાથી એને કેટલાય દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું.

ઝેરીલી માખી વિશે આટલું કહીને હવે હું ચર્ચાની મુખ્યધારામાં પાછો આવું છું. બે ત્રણ દિવસ પછી મને સમજાયું કે જો હું આ સાધુઓ સાથે ન હોત તો મારે ભોજનના અભાવને કારણે ઘણું કષ્ટ વેઠવું પડત. ક્યારેક તો મને ઉકાળેલાં શાકભાજી પણ ન મળતાં. મારી પાસે નાળિયેરની કાચલીમાંથી બનાવેલું પાણીનું વાસણ હતું પરંતુ મારા બે સાથીઓ પાસે એમના પોતાનાં લોટ, દાળ, મીઠું, મરચું, પાણીના વાસણ, ગ્લાસ, કટોરી, કળાઈ, પ્લેટ, કડછી, પીરસવાના ચમચા, કાગળ, પેન્સિલ, શાહીનો ખડિયો અને કલમદાનથી ભરેલા થેલા હતા. એમની પાસે પૂરતા પ્રમાણમાં પૈસા પણ હતા. 

મારે જમ્નોત્રીના રસ્તામાં પૈસાની જરૂર પડશે એ વાતની મને જાણજ્ઞાન ન હતાં. પ્રત્યેક વર્ષે આપણે મોટી સંખ્યામાં તીર્થયાત્રીઓને કેદાર, બદ્રીનારાયણ અને ગંગોત્રી જતાં જોઈએ છીએ. જમ્નોત્રીના રસ્તામાં આવું નથી. જમ્નોત્રીમાં પૂજા કરવા માટે કોઈ પ્રબંધ નથી. રસ્તો પણ ઠીક ઠીક પ્રમાણમાં કઠિન છે. કેવળ અમે ત્રણ જ જમ્નોત્રી જનારા તીર્થયાત્રી હતા. કેવળ છેલ્લા ગામમાં જમ્નોત્રીના પંડા જોવા મળે. અહીંથી સડક વાંકીચૂંકી, ઊંચાચઢાણવાળી અને કષ્ટદાયી છે. પંડાની સહાય વિના એક અજાણ્યા યાત્રી માટે જમ્નોત્રી પહોંચવું લગભગ અશક્ય છે. એટલે અમે ખાસલીના પંડાઓને પોતાના માર્ગદર્શક રૂપે રાખ્યા. આ પંડાઓ પોતાની ફી માટે બહુ સજાગ હતા. અને અમે તેમને કેટલાક આના આગળના ચઢાણની ફી માટે ન દીધા ત્યાં સુધી તેઓ અમારી સાથે આવ્યા પણ નહિ. મેં રાજપુર છોડતી વખતે જ પૈસાને હાથ ન લગાડવાની પ્રતિજ્ઞા કરી હતી. અને જો હું અહીં એકલો આવ્યો હોત તો મારા વિચાર પ્રમાણે કોઈ પણ પંડો ફી લીધા વિના મારી સાથે જમ્નોત્રી આવ્યો ન હોત.

સ્વર્ણપર્વત

અહીં મેં પ્રથમવાર હિમાલયની સ્વર્ણિમ આકૃતિ જોઈ. ડૂબતા સૂરજનાં કિરણો હિમ પર સોનેરી રંગ છાંટી દેતાં. હિમાલય કે જે સદૈવ બિંદુવિહિન ધવલતાથી ઢંકાયેલો રહેતો તે હવે પીગળતાં સુવર્ણને ધારણ કરી રહ્યો હતો. હું આવી ભવ્યતાને જોઈને આભો બની ગયો. મેં મનમાં ને મનમાં વિચાર્યું : કેટલું અદ્‌ભુત રૂપ છે આ! તે જ પીળો – સ્વર્ણિમ અને સફેદ લગભગ ચંપાના ફૂલ જેવો જ! કેની આકૃતિ હોઈ શકે છે આ? હિમગિરિ, હિમનો પર્વત, હેમાગિરિ – એક સુવર્ણના પર્વત જેવો લાગતો હતો. મારી પાસે એના ગરિમાપૂર્ણ સૌંદર્યનું વર્ણન કરવા માટે શબ્દો નથી. અર્ધો પર્વત કપૂર કે ચાંદી જેવો ધવલ અને બાકીનો અર્ધો સોના જેવો ચમકતો. મને લાગ્યું કે આ તો અવશ્ય શિવ અને પાર્વતીનું મિલન છે.

જીવંત શિવપાર્વતી

હિમાલયમાં કેવળ અહીં જ આપણે અવર્ણનીય હર અને ગૌરીનું મિલન જોઈ શકીએ છીએ. મેં આ સુંદર દૃશ્ય જોઈને વિચાર્યું કે ઉમાના પિતા હિમાલય પોતાની પુત્રીના વિયોગની પીડા ભૂલી ગયા છે. હવે તે અર્ધનારેશ્વર હર-ગૌરીના રૂપનું સતત ધ્યાન કરીને શિવની આકૃતિમાં વિલીન થઈ ગયા છે.

અહીં જોવા મળે છે સમગ્ર સંસારની માતાની શાંત સૌમ્ય સુંદરતા અને સમસ્ત વિશ્વનો સંહાર કરવા તૈયાર થતા શિવનું ભયાનક રૂપ. અહીં જ છે નર અને નારાયણની ભૂમિ; તપસ્વીઓ દ્વારા પૂજાયેલાં સ્થાન; અલકનંદાની સમીપ બદ્રિકાશ્રમની પાવનભૂમિ; અનેક સંતો, સિદ્ધો, યક્ષ, કિન્નર અને ગાંધર્વોના પાવનકારી નિવાસથી પવિત્ર બનેલી ભૂમિ. અહીં જ છે દિવ્યૌષધિનાં વૃક્ષોની ગાઢ હારમાળા, એમનાં મીઠાં ફળો તથા ખુશબૂદાર ફૂલોથી લચેલી ડાળીઓ અને સોમલતા કે જેનો રસ મૃત:પ્રાય નરનારીઓને નવજીવન અર્પે છે, આ બધું ભિન્ન ભિન્ન પ્રકારનાં રંગબેરંગી પક્ષીઓના મધુર સંગીતથી ઓતપ્રોત હતું. અહીં કસ્તુરીમૃગ વિચરણ કરે છે. અહીં સરોવર અને ગંધર્વલોક જેવી સૌંદર્યભરી નદનહેરો છે; જેમનું પાણી એમાં પડેલા અસંખ્ય ખીલેલાં ફૂલો દ્વારા સુગંધિત બને છે. મેં વિચાર્યું કે આ વિવિધતા, સુંદરતા, શાંતિ અને પ્રસન્નતાનું નિવાસસ્થાન છે. અહીં બ્રહ્માંડની માતા ગૌરી આ વિશ્વના સમસ્ત પ્રાણીઓને પોતાનો આશીર્વાદ આપી રહ્યાં છે. ફરીથી મને લાગ્યું કે વાસ્તવમાં આ રુદ્રનો એક આકાર હતો.

સુંદર હિમથી ઢંકાયેલી પથરીલી ઊંચાઈઓ જ્યારે લહેરાતી પહાડીઓને વટાવતાં ઝરણાઓ કાચ જેવી સ્વચ્છ ઊંડી નહેરો બનાવવા માટે નીચે આવે છે ત્યારે એ સ્વયં પાતાળલોક જેવી લાગે છે. સામે લટકતી સુંદરમજાના આકારોવાળી ઘાટીઓ અને પથરીલા પર્વતીય શિખરો જાણે કે એ બધું શિવની વિભિન્ન આકૃતિઓ ન હોય, એવું લાગતું હતું. આ બધી આકૃતિઓ બધાં સ્થળે આગળ પાછળ ફેલાયેલી રહે છે અને હજારો ભિન્ન ભિન્ન રૂપોમાં પરિવર્તિત થઈને ઊપર ઊઠીને વાદળોમાં વિલીન થઈ જાય છે. એવું લાગે છે કે જાણે કે શિવશંકર વિશ્વને હચમચાવી દેતા નૃત્યનો આરંભ થોડીવારમાં કરવાના છે.

હિમાલયની યાત્રા વાસ્તવમાં શિવ અને પાર્વતીના દિવ્યઘરની યાત્રા છે અને તેઓ પોતાના ભક્તોની ઇચ્છાઓને પ્રત્યક્ષ, જાગ્રતરૂપે ભક્તો સન્મુખ પ્રગટ કરે છે, એ વાતથી અજાણ હોય એવો કોણ મૂર્ખ છે? બીજા કોઈપણ સ્થળે મનહૃદય પર છવાઈ જતું મહાન હિમાલયનાં અદ્‌ભુતરૂપનું આવું દર્શન મને નથી થયું. આટલાં બધાં ચિત્તાકર્ષક અને પ્રેરક છે આ બધાં રૂપો. જ્યારે મેં ઉમા અને મહેશની આવી વિભિન્નતાઓ જોઈ ત્યારે કયા નિર્વાણનો અનુભવ મને થયો?

જમ્નોત્રી

મારા આનંદનું વધારે વર્ણન કરવાની હવે મને આવશ્યકતા લાગતી નથી. વાચકોમાંથી જેમણે હજી સુધી ક્યારેય હિમાલયદર્શન કર્યું નથી એમણે પોતાના જીવનકાળમાં ઓછામાં ઓછું એકવાર હિમાલયદર્શન કરવું જોઈએ. એનાથી આપણું સાધારણ જીવન અર્થમય-સાર્થક બનાવી શકીએ છીએ. હમણાં તો વાચકને હવે મારી સાથે જમ્નોત્રી નજીકના ગામમાં આવવા દો.

આ ગામને છોડ્યા પછી જમ્નોત્રીનો રસ્તો વધુ ખાડા-ટેકરાવાળો અને કઠિન બની જાય છે. અહીં રસ્તામાં ભૈરવઘાટી નામનું એક સ્થાન આવે છે. અહીંથી અમારે ત્યાં ઊભેલાં બિરચ વૃક્ષોનાં થડ અને ડાળીઓને પકડી પકડીને એક પછી એક ઊંચા ઊંચા ઢાળને પાર કરવો પડે છે. આ એક અત્યંત કઠિન રસ્તો છે. એની ઉપર હિમાચ્છાદિત શિખરો જાણે કે લટકી રહ્યા હોય એવું લાગે છે. યમુના અહીંનાં પહાડી શિખરોમાંથી પસાર થતી નીચે વૃંદાવનની વિસ્તૃત સમતલભૂમિ પર આવે છે. કૃષ્ણલીલામાં એનો મહિમા અધિક થઈ જાય છે. જમ્નોત્રીમાં એક મોટું મંદિર છે અને ત્યાં યમુનાની બે મૂર્તિઓ છે. એક મૂર્તિ ચાંદીની છે અને બીજી મૂર્તિ પથ્થરની છે. અહીં એક ગરમપાણીનું ઝરણું છે અને પૃથ્વીના ગર્ભાશયમાં ગુફા છે જે સારા પ્રમાણમાં ગરમ અને આરામદાયી છે. મેં હિમાલયમાં ગંધકનાં કેટલાંય ગરમપાણીનાં ઝરણાં જોયાં છે. આ પાણીમાં ગંધક ભળેલો હોય છે. મેં એવું સાંભળ્યું છે કે કાંગરાની ઉપર મણિકર્ણિકામાં આવું જ એક બીજું ઝરણું છે.

અમે ગરમપાણીનાં ઝરણાં પાસે ચોખા રોટલી અને દાળ પકાવી અને એક સારું ભોજન લીધું. પંડાઓ અમને અહીં છોડીને પાછા ચાલ્યા ગયા હતા. અમે ત્રણેયે જમીન નીચેની ગુફામાં રાત વીતાવી. બહાર ઠંડી હવા ફૂંકાતી હતી. પછીના દિવસે અમે એ જગ્યા છોડી અને જ્યાં પેલા પંડાઓ રહેતા હતા એ ગામમાં પાછા ફર્યા. મારા ઉત્તરાંચલના ભ્રમણ દરમિયાન મેં લગભગ સાતેક દિવસ આ બે સાધુઓ સાથે વીતાવ્યા હતા. ત્યાર પછી અમે જમ્નોત્રીથી પાછા ફર્યા અને પેલા બંને ઉપારીકોટ થઈને ગંગોત્રી ગયા. જ્યારે હું જમદજ્ઞજી મકામ થઈને ગંગાની સાથે સાથે ચાલતા રસ્તે ઉત્તરકાશી પહોંચ્યો.

(ક્રમશ:)

Total Views: 111

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.