ભારતના રાષ્ટ્રપતિશ્રી એ.પી.જે.કલામ સાથે સ્વામી નિખિલેશ્વરાનંદજીની મુલાકાત

આપણા સન્માનનીય રાષ્ટ્રપતિશ્રી એ.પી.જે. કલામની મુલાકાત લેવા હું ૧૬મી એપ્રિલ, ૨૦૦૩ના રોજ સાંજના ૬.૪૫ વાગ્યે રાષ્ટ્રપતિભવન પહોંચ્યો. પ્રારંભિક ઔપચારિકતા પછી મેં એમને સ્વામીજીનું એક મોટું ચિત્ર અર્પણ કર્યું. એ ચિત્રમાં રહેલો સંદેશ ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો’ એમણે વાંચ્યો. અમે બંને પોતપોતાના સ્થાને બેઠા. તેમણે કહ્યું: ‘મેં તમને પહેલાં ક્યાંક જોયા છે.’ એટલે મેં કહ્યું: ‘હા, આપ ૧૩, ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ એક નવનિર્મિત શાળાના મકાનનું ઉદ્‌ઘાટન કરવા પોરબંદર આવ્યા હતા.’ એમને એ બધું તરત જ યાદ આવ્યું અને બોલ્યા: ‘હા, હા. એ દિવસે રાજકોટથી પોરબંદર ગાડીમાં અને રાજકોટથી મુંબઈ હવાઈ માર્ગે જતાં આપણે બંનેની વચ્ચે ઘણી લાંબી ચર્ચા થઈ હતી.’ મેં એમને સ્વામીજીનાં પુસ્તકો, એમણે પોરબંદરમાં આપેલા વ્યાખ્યાનની સી.ડી., શ્રીરામકૃષ્ણદેવનાં મંદિરોમાં ગવાતી અને સ્વામી વિવેકાનંદે પોતે સંગીતના સૂરોમાં બેસાડેલ આરતિપ્રાર્થનાની કેસેટ આપી. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની આરતિપૂજા વખતે ગવાયેલી આ પ્રાર્થના સાંભળીને આપ કેવા ભાવવિભોર બની ગયા હતા! એ પવિત્રસ્મૃતિ મેં તાજી કરી. કથામૃત ભાગ-૪ની શ્રાવ્ય કેસેટ પણ આપી. તેમણે ગદ્‌ગદ્‌ભાવે કહ્યું: ‘અરે, સ્વામીજી! તમે તો મારા માટે ઘણું લાવ્યા છો!’ મેં કહ્યું: ‘હું શું લાવું? હું તો સુદામાપુરી – પોરબંદરનો એક ભિક્ષુક સંન્યાસી, ફકીર છું. હું આપના જેવા મહાન વ્યક્તિ માટે શું લાવી શકું?’ તેમણે હસતાં હસતાં કહ્યું: ‘સ્વામીજી, આપણે બંને એ જ સમ્રાટ, પ્રભુના બંદા છીએ. ખુદા કે પ્રભુ જ એકમાત્ર સમ્રાટ છે.’ એમણે મને આપેલ ત્રણ પુસ્તકો માટે ધન્યવાદ આપ્યા અને મેં એમને કહ્યું: ‘આપશ્રી આજે યુવાનોનો એક આદર્શ બની ગયા છો. તમે રાષ્ટ્ર માટે ઉત્તમ કાર્ય કરી રહ્યા છો.’ ત્યારે પ્રત્યુત્તરમાં તેમણે કહ્યું : ‘સ્વામીજી તમે પણ એક ભવ્ય કાર્ય કરો છો; ચાલો આપણે સાથે મળીને સત્કાર્ય કરીએ.’ એમની પોરબંદરની મુલાકાત વિષેના વર્ણનનો ઉલ્લેખ એમના પુસ્તક Ignited MIndsમાં કરવા માટે મેં એમનો આભાર માન્યો, અને એની નકલમાં પોતાના હસ્તાક્ષરમાં કંઈક લખવા માટે વિનંતી કરતાં તેમણે આ સુંદર મજાનું વાકય લખ્યું: ‘એક મહાન જીવનકાર્ય, ઈશ્વરે સોંપેલું જીવનકાર્ય લોકોનાં દેહમનનાં દુ:ખોને હરે છે. તમારા અને તમારા મિશન પર પ્રભુની કૃપા અવતરો.’ – ડો. એ.પી.જે. કલામ

મેં એમને My India, the India Eternal પુસ્તક વાંચી જવા વિનંતી કરી એમાં સ્વામીજીએ કહ્યું છે : ‘ભારત ભૂતકાળમાં હતું તેના કરતાં પણ વધુ મહાન – ભવ્ય રાષ્ટ્ર બનશે અને એની સામે ભૂતકાળની ભવ્યતા પણ ઝાંખી પડશે.’ સ્વામીજીની આ ભવિષ્યવાણી સાંભળીને એમને એમાં ઘણો રસ પડ્યો અને પૂછ્યું કે આ પ્રસંગ આ પુસ્તકમાં છે કે નહિ. મેં કહ્યું: ‘હા, એ પ્રસંગ એમાં છે.’ તેમણે કહ્યું કે તે જરૂર આ પુસ્તકને વાંચી જશે. પોરબંદર ફરીથી આવવા માટે મેં સૂચન કર્યું કે ૧૨મી જાન્યુઆરી, સ્વામી વિવેકાનંદના જન્મદિનને રાષ્ટ્રિય યુવદિન રૂપે ઉજવવામાં આવે છે. તેમણે તારીખની નોંધ ટપકાવી લીધી અને બરાબર ૭.૩૦ વાગ્યે હું એમના ખંડની બહાર નીકળતો હતો ત્યારે તેમણે કહ્યું: ‘સ્વામીજી, હું મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં ચોક્કસ આવીશ.’

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો વાર્ષિક મહોત્સવ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૨૫ થી ૨૭ એપ્રિલ સુધીના ત્રણ દિવસનો વાર્ષિક મહોત્સવ ઉજવાયો હતો. ૨૫મી એપ્રિલે ૪૫૦ યુવાનો માટે યુવશિબિરનું આયોજન થયું હતું. આ શિબિરમાં સ્વામી જિતાત્માનંદજીએ ‘ઉચ્ચ અને વધુ ઉચ્ચ તથા તાજાં સ્વપ્ન સેવો’, ‘ભારતના વિદ્યાર્થીઓ અને આજના વિશ્વની મહાન શક્યતાઓ’ એ વિશે; રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ‘ધ્યાન જ તમને શ્રેષ્ઠ કાર્ય કરતાં કરી દેશે’ એ વિશે; રામકૃષ્ણ મિશન, ચંદીગઢના વડા, સ્વામી બ્રહ્મેશાનંદજીએ ‘આશાસ્પદ યુવાનો માટે સ્વામી વિવેકાનંદના જીવનસંદેશનું વાંચન અને આધ્યાત્મિકતા અનિવાર્ય છે’ એ વિશે પોતાનાં વક્તવ્યો આપ્યાં હતાં. ત્યાર બાદ પ્રશ્નોત્તરીનો રસપ્રદ કાર્યક્રમ રહ્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ મંત્રોચ્ચાર, વાંચનથી થયો હતો. એ જ દિવસે બપોરના ૩.૩૦ થી ૭.૦૦ દરમિયાન શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર-પ્રસાર કેન્દ્રોના સંચાલકોની એક સભા યોજાઈ હતી. એમાં ઉપર્યુક્ત સંન્યાસીઓએ માર્ગદર્શન આપ્યું હતું.

૨૬મી એપ્રિલે ૩૨૫ ભક્તજનો માટે યોજાયેલ આધ્યાત્મિક શિબિરમાં સ્વામી જિતાત્માનંદજીએ ‘આજના વિશ્વમાં શ્રીરામકૃષ્ણની શક્તિ’, ‘આજના વિશ્વની તાતી જરૂરત : આધ્યાત્મિક સંસ્કૃતિ’ એ વિશે; રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ‘દૈનંદિન જીવનમાં આધ્યાત્મિકતા’ એ વિશે; રામકૃષ્ણ મિશન, ચંદીગઢના વડા, સ્વામી બ્રહ્મેશાનંદજીએ ‘આધ્યાત્મિક ગુરુ શ્રીમા શારદાદેવી’ એ વિશે; શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજીએ ‘કરોડો લોકોના જીવંત પ્રભુ રામકૃષ્ણ’ એ વિશે પોતાનાં વક્તવ્યો આપ્યાં હતાં. કાર્યક્રમનો પ્રારંભ મંત્રોચ્ચાર, વાચનથી થયો હતો. ધ્યાન, ભજનનો વચ્ચે વચ્ચે રજૂ થયેલો કાર્યક્રમ સૌને મનની શાંતિ અર્પી ગયો.

૨૭મી એપ્રિલે ૪૨૫ સંચાલકો માટે યોજાયેલ ‘આવતીકાલનું નેતૃત્વ’ની શિબિરમાં પ્રાસંગિક પ્રવચન સાથે સ્વામી જિતાત્માનંદજીએ ચિદાનંદ રૂપ: શિવોહમ્‌ શિવોહમ્‌ દ્વારા ધ્યાનનો કાર્યક્રમ આપ્યો હતો. રિલાયન્સ સાથે સંકળાયેલા શ્રી દેવવ્રત ગુહ, 

શ્રી યાદવલ્કર અને મેનેજમેન્ટ ક્ષેત્રના સુખ્યાત પંડિત ડો. એન.એચ. અથ્રેયે પોતપોતાનાં વક્તવ્યો આપ્યાં હતાં. ત્યાર બાદ પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ ઘણો રસપ્રદ રહ્યો હતો.

તા.૨૫ની રાતે ૭.૩૦ થી ૯.૩૦ સુધી ‘છાયા મહેર રાસમંડળી, પોરબંદર’ના દાંડિયારાસ, તલવાર અને લાઠીની પટ્ટાબાજીનો કાર્યક્રમ; તા. ૨૬ની રાતે ૭.૩૦ થી ૯.૩૦ સુધી દરબારશ્રી પૂંજાવાળા બાપુ દ્વારા સૌરાષ્ટ્રના પવિત્ર સંતોની ગાથા અને શ્રી હરિકાંત સેવક અને અરુણકાંત સેવકના શાસ્ત્રીય ગાયનનો કાર્યક્રમ; તા. ૨૭ની રાતે ૭.૩૦ થી ૯.૩૦ સુધી શ્રી હકુભાઈ લીલા અને તેના સાથી મિત્રોના ભજનસંગીતનો કાર્યક્રમ ૭૫૦ જેટલા ભાવિકોએ માણ્યો હતો.

નેત્રચિકિત્સા કેમ્પ

રામકૃષ્ણ મઠ-મિશનનાં વિવિધ કેન્દ્રો દ્વારા નિ:શૂલ્ક નેત્રચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અગરતલા કેન્દ્ર દ્વારા ૧૫ થી ૧૭ જાન્યુઆરી સુધીમાં ૧૫૨ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી અને ૩૦ દર્દીઓનાં ઓપરેશન થયાં હતાં. ૧૫મી ડિસેમ્બરના રોજ ભુવનેશ્વર કેન્દ્ર દ્વારા ૧૩૯ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા અને ૩૩ દર્દીઓને વિનામૂલ્યે ચશ્મા અપાયાં હતાં. ૧૬મી જાન્યુઆરીએ પોરબંદર કેન્દ્ર દ્વારા ૨૯૩ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા અને ૨૫ દર્દીઓનાં ઓપરેશન થયાં હતાં. રાજકોટ કેન્દ્ર દ્વારા ૧૨મી જાન્યુઆરીએ ૭૮૦ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા અને ૩૫૦ દર્દીઓને ચશ્મા અપાયાં હતાં. આ ઉપરાંત ૧૬મી જાન્યુઆરીથી શરૂ થયેલ ‘શ્રીરામકૃષ્ણ ઔષધાલય નેત્રચિકિત્સા કેન્દ્ર’માં ૪૦૨ દર્દીઓને નિષ્ણાત ડોક્ટરો દ્વારા ચકાસવામાં આવ્યા હતા અને ૨૨ દર્દીઓનાં અત્યંત રાહતદરે ઓપરેશન જે તે નિષ્ણાત ડોક્ટરની હોસ્પિટલમાં થયાં હતાં. સિલ્ચર કેન્દ્ર દ્વારા ૧૩, ૧૬ અને ૨૨, ૨૯ નવેમ્બરે યોજાયેલ કેમ્પમાં ૫૮૧ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા અને ૧૨૨ દર્દીઓનાં ઓપરેશન થયાં હતાં. ઉલસૂર કેન્દ્ર દ્વારા ૨૪૪ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા અને ૬૯ દર્દીઓનાં ઓપરેશન થયાં હતાં.

Total Views: 87

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.