(શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૈારીમાના જીવનપ્રસંગો)

(સપ્ટેમ્બર માસના અંકથી આગળ)

(૪)

આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ:

તે દિવસોમાં સાગરસંગમમાં ઉત્સવ હતો. મોટો મેળો ભરાયો હતો. સંગમમાં સમુદ્રસ્નાનનું પુણ્ય પ્રાપ્ત કરવા માટે અસંખ્ય લોકો ઊમટી આવ્યા હતા. સંસારમાંથી મુક્ત થવા ને અધ્યાત્મના આકાશમાં ઊડવા ઈચ્છતી પીળી ચકલીને પિંજરમાંથી છૂટવાનો મોકો મળી ગયો. મનમાં વિચારી લીધું કે નાસી છૂટવાની આ એક ઉત્તમ તક છે એટલે મોકો મળતાં જ નાસી છૂટવું. બે દિવસ તો બધાંની સાથે રહીને તીર્થદર્શન કર્યાં. પરંતુ ત્રીજે દિવસે મેળાની ભીડનો લાભ લઈને તે ક્યાંક છૂપાઈ ગઈ. ઘરના લોકોએ શોધવામાં બાકી ન રાખ્યું. પણ ક્યાંય પત્તો ન લાગ્યો. આખરે નિરાશ થઈને મૃડાની વગર બધાં ઘરે પાછા ફર્યાં.

સર્વ સાંસારિક બંધનોથી મુક્ત બનેલ મૃડાનીના જીવનની આધ્યાત્મિક યાત્રાનો હવે પ્રારંભ થયો. પોતાના સર્વ સ્વજનોને છોડીને ચાલી નીકળેલી આ યૌવનાને હવે ક્યાં જવું તેની ખબર ન હતી. શું કરવું તેની પણ તેને ખબર ન હતી! પણ તેના અંતરમાં આનંદ હતો. હૃદયમાં શ્રદ્ધા હતી. અને ઉ૫૨નાં તીર્થધામોનું તેને આહ્વાન સંભળાઈ રહ્યું હતું. આથી ઉત્તરનાં તીર્થધામોમાં જવાનું તેણે વિચાર્યું. કેવી રીતે જવું એ પણ તે જાણતી ન હતી. સર્વ દુન્યવી સંબંધોને પાછળ મૂકીને તે તેના અમર સ્વામીનું ક્ષણેક્ષણનું સાંનિધ્ય પામવા ચાલી નીકળી હતી – અતૂટ શ્રદ્ધા અને પરમ વિશ્વાસના સહારે. તેને સંન્યાસીઓનો એક સંઘ મળી ગયો જે ઉત્તરનાં તીર્થોમાં જઈ રહ્યો હતો. તે આ સંઘમાં સામેલ થઈ ગઈ. તેણે પોતે જાતે જ ભગવાં વસ્ત્રો પહેરી લીધાં. તેનો વર્ણ એટલો બધો ગોરો હતો અને ભગવાં વસ્ત્રોમાં તો એ ગૌરવર્ણ વધુ ગૌર બનીને દીપી ઊઠતો હતો. આથી સર્વ સંઘજનો એને ગૌરમાઈના નામથી જ ઓળખવા લાગ્યા અને પછી તો એનું એ જ નામ પડી ગયું. પછીથી ગૌરમાઈમાંથી તેઓ ગૌરીમાઈ બની ગયાં.

સંન્યાસી સંઘની સાથે માર્ગમાં આવતાં તીર્થોનાં દર્શન કરતાં કરતાં તેઓ ઉત્તરાખંડમાં આવી પહોચ્યાં. બાળપણમાં ચંડીમામાની વાતોમાં કલ્પનામાં જોયેલાં તીર્થોને હવે સાક્ષાત્ નિહાળતાં તેમનું હૃદય અવર્ણનીય આનંદનો અનુભવ કરી રહ્યું. હરદ્વારથી તેઓ ઋષિકેશ આવી પહોંચ્યાં. હિમાલયનું તો તેમને તીવ્ર આકર્ષણ હતું. વરસોથી ઝંખેલા એ પવિત્ર સ્થળમાં આખરે તેઓ આવી પહોચ્યાં હતાં. ભરપૂર પ્રકૃતિ સૌંદર્ય, પવિત્રતાથી સભર વાતાવરણ, ઊંચી ઊંચી પર્વતોની હારમાળાની ધ્યાનમગ્ન શાંતિ, અને પ્રભુની સમીપ હોવાની અનુભૂતિ – આ બધાંએ ગૌરમાઈના આત્મા ઉ૫૨ અનેરો જાદુ પાથરી દીધો. તેમને અનુભૂતિ થઈ કે આખરે તેઓ તેમના આધ્યાત્મિક આશ્રયસ્થાનમાં આવી પહોંચ્યાં છે. બધી જ દુન્યવી ઝંઝટો, સાંસારિક બાબતો અને બાહ્યપ્રભાવો તો જાણે ક્યાંય પાછળ રહી ગયા હોય દૂરના ભૂતકાળનું એ બધું હોય તેવું પણ તેમને આ પવિત્ર સ્થળોમાં અનુભવાતું હતું. આવા શાંત નિરવ અને સહજપણે ધ્યાનસ્થ કરી દે તેવા મનોરમ્ય વાતાવરણમાં પોતાના જીવનના મહાન ધ્યેયને સાર્થક કરવા તેઓ ઘ્યાનસ્થ બની રહ્યાં. ઋષિકેશના પવિત્ર વાતાવરણમાં તેમણે થોડા દિવસ ધ્યાન, જપ ને સાધુ સમાગમમાં વીતાવ્યા ત્યાંથી તેઓ બદરી-કેદારનાથની યાત્રાએ જવા ઉપડ્યાં.

હિમાલયના શુભ્ર શાંત ગિરિશિખરોએ ગૌરીમાઈના ચિત્તને જકડી લીધું. જાણે આ બધાં તીર્થધામો તેમને ચિરપરિચિત હોય તેવું તેઓ અનુભવી રહ્યાં હતાં. બદરીનાથ, કેદારનાથની યાત્રા કરી હિમાલયની ગિરિ કંદરાઓમાં પરિભ્રમણ કરતાં કરતાં તેઓ કાશ્મીર ગયાં. ત્યાંથી પંજાબ ગયાં. લગભગ ત્રણ વર્ષ સુધી તેમણે આ ગિરિમાળાઓમાં પરિભ્રમણ કર્યું. છેક ગંગોત્રી અને યમ્નોત્રીની યાત્રા પણ તેમણે પગે ચાલીને કરી હતી. એટલું જ નહીં પણ અમરનાથ અને જ્વાળામુખીની કપરી ગણાતી યાત્રા પણ તેમણે એકલાંએ જ કરી હતી. તે સમયે આ યાત્રા સ્થળોમાં યાત્રિકોને આજે જે સગવડો મળે છે, તેવી કોઈ જ સગવડો નહોતી. કાતિલ ઠંડી અને વરસાદનો સામનો કરતાં કરતાં પગે ચાલીને પંથ કાપવાનો રહેતો. નહોતી બસ કે મોટર રસ્તાઓ કે નહોતી ઘોડા કે ડોળીઓની સગવડ. છતાં તેમણે કઠિનતમ ગણાતાં બધાં જ યાત્રા સ્થળોનાં દર્શન કર્યાં. સામાનમાં તો તેમની પાસે હતી એક માત્ર ઝોળી, જેમાં સામાનમાં કાલીમાતા ને ગૌરાંગદેવની છબિઓ, ગીતા, ભાગવત્ અને દુર્ગાસપ્તશતીનાં પુસ્તકો ને થોડીક વસ્તુઓ. બસ આ હતી ગૌરમાઈની સઘળી ઘરવખરી. ખભે ઝોળી ને ગળામાં દોરીથી બાંધેલી દામોદરશીલાને લટકાવીને તેઓ ચાલી નીકળતાં. પરંતુ ભગવાં વસ્ત્રો પહેરેલી આ અતિસ્વરૂપવાન સંન્યાસિનીનો યાત્રાપથ કંઈ સ૨ળ નહોતો. એક તો નવ યૌવના, પાછી સુંદ૨ ને વળી ભગવાં વસ્ત્રો, અસંખ્ય નજરો તેમને તાકી રહેતી. તેઓ તેમના કુતૂહલનું પાત્ર બની રહેતાં. પછી તો લોકોની દૃષ્ટિથી બચવા માટે તેમણે પોતાના સુંદર લાંબા વાળ કાપી નાંખ્યા. પોતાના ગૌર વર્ણ અને સૌંદર્યને ઢાંકી રાખવા માટે તેઓ આખા શરીરે ભસ્મ ચોળી દેતાં કે માટીનો લેપ કરી દેતાં. દુષ્ટોની કુદૃષ્ટિથી બચવા માટે તેઓ ઘણી વખત પાગલનો અભિનય પણ કરતાં કે જેથી લોકો તેને ગાંડી ગણીને દયા ખાવા લાગતા ને તેનો પીછો છોડી દેતા. તો વળી તેઓ ક્યારેક લાંબું અંગરખું અને માથે પાઘડી બાંધીને પુરુષનો વેષ ધારણ કરી લેતાં જેથી લોકોની કનડગતમાંથી છૂટકારો મળે. સ્ત્રી હોવાને નાતે તેમને અનેક મુશ્કેલીઓ તે સમયે વેઠવી પડી હતી. પણ તેમનો નિશ્ચય દૃઢ હતો. વૈરાગ્ય પ્રબળ હતો. ભગવાનમાં વિશ્વાસ સંપૂર્ણ હતો. એટલે મુશ્કેલીઓનો સામનો કરી તેને પાર કરતાં કરતાં તેઓ પોતાની યાત્રામાં આગળ વધી રહ્યાં હતાં.

(૫) પ્રભુનું રક્ષણ

આ એ સમય હતો કે જ્યારે સ્ત્રીઓ એકલી ઘરની બહાર પણ નીકળી શકતી ન હતી. પુરુષોના રક્ષણ અને સાથ વગર એકલી સ્ત્રી મુસાફરી કરે એ તો અસંભવ જ હતું. એ સમયમાં આ રીતે કોઈના ય સાથ સહકાર વગર કંઈ પણ પૈસા પાસે રાખ્યા વગર, જીવનનિર્વાહ માટેનું કંઈ પણ સાધન સાથે લીધા વગર દિવસો નહીં, મહિનાઓ નહીં, પણ વરસો સુધી યુવાન, એકાકી સંન્યાસિનીને દેશભરમાં પરિભ્રમણ કરવું એ કંઈ નાની સુની વાત ન હતી. એ માટે કેટલી બધી હિંમત, આંતરિક શક્તિ અને પ્રભુમાં શ્રદ્ધા હોવી જોઈએ? ગૌરીમાઈ યાત્રામાં કદી કોઈ પાસે કશું પણ માગતાં નહીં. ભિક્ષા માટે તેઓ વસ્તીમાં જતાં નહીં. જ્યાં જે મળે તેનાથી ચલાવી લેતાં. તેમને સાધના માટે પસંદ પડે તો તેવા સ્થળે એકાદ બે મહિના રોકાતાં. તેઓ ત્યાં તપ કરતાં. મૌન પાળતાં. ધ્યાન કરતાં. શાસ્ત્રોનો અભ્યાસ કરતાં. કેટલાક દિવસો તો તેઓ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અખંડ જપ કરતાં. તપ, જપ અને શરી૨ને વધુ પડતું કષ્ટ આપવાથી તેમનું શરીર ખૂબ જ દુર્બળ થઈ ગયું હતું. ઘણી વાર તો તેઓ ચાલતાં ચાલતાં નબળાઈને કારણે પડી જતાં અને ઘણીવાર તો બેભાન પણ થઈ જતાં. પરંતુ આવા કટોકટીના સમયે કોઈને કોઈ સ્વરૂપે પ્રભુ એમને મદદ કરવા આવી પહોંચતા.

ઘણી વાર ગાઢ જંગલમાં તેઓ એકલાં ચાલતાં જતાં ત્યારે રસ્તો ભૂલી જતાં. પછી તે સમયે કોઈ ને કોઈ ઓચિંતું ક્યાંકથી આવીને રસ્તો બતાવી જતું. એક વખત તો બરફથી છવાયેલા પુલને ઓળંગવા જતાં તેમણે સમતુલા ગુમાવી ને તેઓ નીચે વહેતાં પાણીમાં જઈ પડ્યાં. એ વહેણમાં તેઓ તણાતાં રહ્યાં. આમ ને આમ તો તેઓ ક્યાંય સુધી એ બરફના ઠંડા પાણીમાં તણાતાં રહેત. પણ એક બરફની શીલા આડે આવી ગઈ ને તેમને તણાતાં અટકાવી દીધાં. એટલે તેઓ ત્યાં અચેત થઈને પડ્યાં રહ્યાં. પછી પહાડી લોકોની દૃષ્ટિ પડતાં તેમને તેમાંથી બહાર કાઢ્યાં અને તેમના ઠીંગરાઈ ગયેલા શરી૨ને ગ૨મ કર્યું. તેમની સા૨વા૨ કરી ને તેમને ભાનમાં લાવ્યા અને સ્વસ્થ થયાં ત્યાં સુધી તેઓ ત્યાં રહ્યાં. પછી સાજાં થતાં ફરી યાત્રાએ નીકળી પડ્યાં.

બીજી વખત વસ્તીથી દૂર દૂર ગાઢ જંગલમાં ચાલતા હતાં. આ જંગલ એવું ગાઢ હતું કે ત્યાં કોઈ મનુષ્યનો સંચાર જ નહોતો થતો. આવા જંગલમાં પુષ્કળ ઠંડીને લઈને તેમના હાથ પગ ઠીંગરાઈ ગયા. અને પછી તો ઠંડીથી આખું શરીર ઠરી ગયું. એક ડગલું પણ ચાલી ન શકાય તેવી સ્થિતિ થઈ ગઈ. તેઓ લગભગ બેભાન થવાની અણી ઉ૫૨ જ હતાં. ત્યાં એવા ગાઢ જંગલમાં કોઈ પ્રૌઢ સ્ત્રી એકાએક તેમની પાસે આવી પહોંચી. તેણે તેમને ઊંચકી લીધાં ને પછી તે તેમને તળેટીની ઝૂંપડીમાં લાવી. પછી ત્યાંની વસ્તીની સ્ત્રીઓએ તેમની ખૂબ સા૨વા૨ કરી પણ તેમને ઝૂંપડીમાં મૂકી જનાર સ્ત્રી પછી દેખાણી જ નહીં. તે તેમને ત્યાં મૂકીને ક્યાં જતી રહી તેની કોઈને ય ખબર ન પડી. આમ ગૌરીમાઈને પ્રતીતિ થતી રહી કે પરમશક્તિ ક્ષણે ક્ષણે તેમનું રક્ષણ કરી રહી છે. તેમના જીવન દેવતા તેમની સાથે જ છે.

આ પરિભ્રમણમાં દુર્જનોની સાથે સાથે તેમને અનેક સજ્જનોના પણ અનુભવો થયા હતા. જંગલ વિસ્તારમાં વસતા અને લોકો જેમને જંગલી ગણે છે, તેવા લોકોની પરમ ઉદારતા અને નિઃસ્વાર્થ સેવા ભાવનાના ઘણા અનુભવો તેમણે કર્યા હતા. જેમને લોકો ક્રૂર ગણે છે, એવા લોકોના અંતરમાં રહેલા પ્રેમનો તેમને અનુભવ થયો હતો. અસંખ્ય સાધુ સંન્યાસીઓના સંપર્કમાં પણ તેઓ આવ્યાં હતાં. શીરા માટે શ્રાવક થનાર સાધુઓ ઘણા હતા. પણ સાચા સાધુઓનો પણ તેમને અનુભવ થયો હતો. બદરીકેદારમાં તેમને આવા એક સાધુની મુલાકાત થઈ હતી. તે વયોવૃદ્ધ સંન્યાસી હતા. કોઈને તેઓ મળતા નહીં કે કોઈને તેઓ પાસે પણ આવવા દેતા નહીં. તેમ જ વાતચીત તો કોઈની સાથે કરતા જ નહીં. બસ બધો વખત ધ્યાન અને સાધન ભજનમાં જ વીતાવતા. ગૌરીમાઈ જ્યારે આ મહાત્માની પાસે ગયાં ત્યારે તેમણે પથ્થરોના ઘા મારવાને બદલે તેમને સ્મિતથી આવકાર્યાં. તેમના પ્રણામ સ્વીકાર્યા. અને પછી તેમને પોતાની પાસે બેસાડ્યાં. તેમને પોતાની બંને હથેળીઓ એક પછી એક બતાવીને એ સિદ્ધ મહાત્માએ એમને સહજ રીતે સમજાવી દીધું કે જેમ દર્પણમાં પ્રતિબિંબ દેખાય છે, તેમ હૃદયમાં રહેલા ભગવાનને આપણે જોવા જોઈએ. આપણે એ અસ્સલ સ્વરૂપનું પ્રતિબિંબ છીએ. પછી આ સિદ્ધ મહાત્માએ ગૌરીમાઈને આશીર્વાદ આપ્યાં. તેમની ચરણરજ લઈને ગૌરીમાઈ ફરીથી તીર્થાટને નીકળી પડ્યાં.

ગૌરમાઈને વૃંદાવનનું પણ અનેરું આકર્ષણ હતું. એમના સ્વામી શ્રીકૃષ્ણચંદ્ર અને રાધામાઈની દિવ્યલીલાનું એ પવિત્ર સ્થળ જાણે તેમના આત્માની ભૂમિ હોય તેવું તેઓ અનુભવતાં હતાં. આથી વૃંદાવનમાં તેઓ થોડો સમય વધુ રોકાયાં જ્યાં બાલકૃષ્ણની ચરણરજ પડી છે, જ્યાં એની કાલીઘેલી ભાષાના શબ્દોનો ગૂંજા૨વ હવામાં વ્યાપ્ત છે. જ્યાં તેની બંસીના સૂરોથી વાતાવરણ હજુ ય આંદોલિત છે એવી આ લોકની એ દિવ્યભૂમિ વૃંદાવન એમને આકર્ષે એમાં કંઈ આશ્ચર્ય નથી. વૃંદાવનથી તેઓ મથુરા આવ્યાં. મથુરામાં પણ તેઓ શ્રીકૃષ્ણલીલા-ક્ષેત્રની ભૂમિમાં ફરી રહ્યાં હતાં, ત્યાં એમને મથુરામાં રહેતા દૂરના એક કાકાની મુલાકાત થઈ. કાકા એમને ઓળખી ગયા અને ખૂબ જ આગ્રહ કરીને તેઓ તેમને પોતાના ઘરે લાવ્યા. તેમણે તેમને પોતાના ઘરે જ રહેવા કહ્યું. પછી તેમણે તુરત જ ખાનગીમાં કલકત્તા સમાચાર મોકલાવી આપ્યા કે “મૃડાની મળી ગઈ છે.” પણ હવે મુક્ત ગગનમાં ઊડી રહેલી પીળી ચકલીને પિંજરાની ગંધ આવી ગઈ. કાકા કંઈ પણ આગળ પગલું ભરે એ પહેલાં તો આ પંખિણી ત્યાંથી ઊડી જ ગઈ. તેમણે મથુરા છોડી જ દીધું. છાનામાનાં તેઓ રાજસ્થાનમાં આવી પહોચ્યાં. રાજસ્થાનનાં તીર્થક્ષેત્રો જયપુ૨, અજમે૨, પુષ્કરની યાત્રા કરી તેઓ સૌરાષ્ટ્રમાં આવ્યાં.

સંન્યાસિની પરિવ્રાજિકાના પરિભ્રમણમાં અપાર મુશ્કેલીઓ હતી. પણ મુશ્કેલીઓને મહાત કરે તેવી તેમની આંતરશક્તિ પ્રબળ હતી અને એથી ય પ્રબળ હતી એમની એમના જીવદેવતામાં શ્રદ્ધા. એટલે જ તેમની મુશ્કેલીઓ, વિરોધો, બધું જ આશીર્વાદમાં પલટાઈ જતું અને તેમની શક્તિમાં વધારો કરતું. પ્રભુકૃપાનો અને પ્રભુના રક્ષણનો સતત અનુભવ કરતાં કરતાં તેઓ શ્રીકૃષ્ણ ભગવાનના દેહોત્સર્ગના સ્થળે પ્રભાસ પાટણ આવ્યાં.

(ક્રમશઃ)

Total Views: 290

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.