આની પહેલાંના અમારા સંપાદકીય લેખમાં આપણે કેટલાક પ્રશ્નો ચેતનાના સંબંધમાં પૂછયા હતા. એ પૈકીનો એક પ્રશ્ન એ હતો કે ‘ચેતના એ શું આપણા મનોદૈહિક સંકુલથી સ્વતંત્ર છે ખરી?’ આપણે જોયું કે આધુનિક વિજ્ઞાન ચેતનાના આવા કોઈ સ્વતંત્ર અસ્તિત્વને સ્વીકારતાં ખચકાય છે.

આધુનિક ભૌતિકશાસ્ત્રે જડ ભૌતિક પદાર્થને શક્તિના રૂપમાં પરિણત તો કર્યો છે, પણ એ શક્તિને તો કંઈ ચેતના કહી શકાય તેમ નથી. ભૌતિક જડ શક્તિમાંથી ચેતનાનો ઉદ્‌ગમ દર્શાવવાનું શક્ય બન્યું નથી. વિજ્ઞાન તો જે કંઈ જથ્થાવાળું અથવા માપી શકાય તેવું હોય, તેની સાથે જ પનારો પાડે છે; પણ વિશુદ્ધ ચેતના તો જથ્થા કે માપનો વિષય નથી. વિજ્ઞાન ચેતનાનાં કાર્યો અથવા અસરોને તો માપી શકે. પરંતુ, ચેતનાને પોતાને તો એ ન જ માપી શકે. ભૌતિકશાસ્ત્ર, શરીરશાસ્ત્ર કે જીવશાસ્ત્ર હજુ સુધી જ્ઞાનતંત્રમાંથી મસ્તિષ્ક તરફ લઈ જવાતા બાહ્ય ઉદ્દીપન, સભાનતા અથવા જ્ઞાનમાં કેવી રીતે પરિણમે છે તેને સમજાવી શકયાં નથી. આત્મલક્ષી અનુભવ કંઈ વિષયલક્ષી સમજણની પદ્ધતિઓ દ્વારા ગણ્યમાન્ય ગણી શકાય નહિ- પ્રમાણભૂત ગણી શકાય નહિ.

ચેતના મન કે શરીરમાંથી જન્મતી નથી. એ આત્મામાં ઓતપ્રોત છે. સાવ સાચી વાત તો એ છે કે જડ ભૌતિક તત્ત્વો ચેતનાને જન્માવી શકે નહિ. એ ચેતના સ્વપ્રકાશિત છે અને એથી ભૌતિક પદાર્થ કરતાં વિરુદ્ધ સ્વરૂપની છે. ભૌતિક પ્રક્રિયાઓનાં રાસાયણિક કાર્યો જેવા કે તેલના દીવામાંથી જ્વાળાઓ અથવા તો ચકમકમાંથી તણખા ભૌતિક પ્રકાશો ઉપજાવી શકે. પણ એ બન્નેમાંથી એક પણ પેલી ચેતનાની સ્વપ્રકાશિતતા દાખવી શકતાં નથી. ભૌતિકપ્રકાશને પોતાની કે અન્ય કશાની સભાનતા હોતી નથી. એ તો તદ્દન અંધ જ છે. અબૂધ જડ પ્રકૃતિના જેવા જ સ્વરૂપનું હોવાથી એ જડ ભૌતિકતાને પોતાનો વિષય બનાવી શકે તેમ નથી. ગમે તેટલું તેજસ્વી કે ગમે તેટલું સૂક્ષ્મ હોય, તો પણ ભૌતિક સર્જન પોતાની ભીતરની ભૌતિકતાને કે જડત્વને છોડી શકતું નથી. સભાનતા વગરની તે સરજત કોઈ પણ રીતે કશું જ જ્ઞાન ધરાવી શકે જ નહિ. એ કેવળ જ્ઞાનનો વિષયમાત્ર જ બની શકે – ‘જ્ઞેય’ બની શકે પણ ક્યારેય ‘કર્તા’ એટલે કે ‘જ્ઞાતા’ બની ન જ શકે. આ સભાનતાનો સ્રોત શારીરિક પ્રક્રિયાઓ કરતાં અવશ્ય કોઈ બીજો જ હોવો જોઈએ. અને એ ‘આત્મા’ છે – સ્વયં પ્રકાશિત આત્મા જ છે. એ જ મનોદૈહિક તંત્રનો જ્ઞાતા છે. એ સદા સર્વદા ‘સ્વયમ્‌’ છે, ‘કર્તા’ છે, ‘જ્ઞાતા’ છે અને ક્યારેય કોઈનો વિષય થતો નથી.

બૃહદારણ્યક ઉપનિષદ (૩/૭/૨૩)માં કહે છે : 

आत्मान्तर्याम्यमृतोऽदृष्टो द्रष्टाऽश्रुतः श्रोतामतो मन्ताविज्ञातो विज्ञाता नान्योऽतोस्ति द्रष्टा नान्योऽतोस्ति श्रोता नान्योऽतोस्ति मन्ता नान्योऽतोस्ति विज्ञातैप त आत्मान्तर्याम्यमृतो- ऽतोन्यदाः ततो होदालक आरुणिरुपरराम।

‘એ ક્યારેય જોઈ શકાતો નથી, પણ એ સાક્ષી છે; એ ક્યારેય સંભળાતો નથી, પણ એ શ્રોતા સાંભળનાર છે; એ ક્યારેય વિચારનો વિષય બનતો નથી, પણ એ પોતે વિચાર કરનાર છે; એ ક્યારેય જ્ઞેય- જાણવાનો વિષય બનતો નથી, પણ એ જ્ઞાતા છે.’ 

હૃદય અથવા મસ્તિષ્કમાં સભાનતાનો સ્રોત શોધવો તે વ્યર્થ વાત છે. તેમજ મનમાંથી પણ સભાનતાનો ઉદ્‌ભવ થતો નથી. વિશુદ્ધતમ ભૌતિક પ્રકારમાંથી નિર્માણ પામેલું હોવાથી મનમાં આત્મામાં રહેલી ચેતનાનું સંક્રમણ કરવાની શક્તિ હોય તો છે. એવી પૂરી સંભાવના છે કે એ મનમાંથી જ ચેતનાનો પ્રકાશ હૃદય અને મસ્તિષ્કમાં થઈને શરીરના અવયવોમાં પહોંચે છે. એ બન્ને જ્ઞાનતંત્રની સાથે સખ્ત રીતે જોડાયેલાં છે. તે બન્નેને મનોવ્યાપારનાં ભૌતિક માધ્યમો ગણી શકાય. એ તો સર્વત્ર માન્યતા છે કે હૃદય લાગણીઓ – ભાવનાઓનું અધિષ્ઠાન છે. અને મસ્તિષ્ક વિચારો અને બુદ્ધિનું અધિષ્ઠાન છે.

મસ્તિષ્ક અને ચેતનાની અવસ્થાઓ વચ્ચેનો ગાઢ સંબંધ તો નકારી શકાય તેમ નથી. બાળકોમાં મસ્તિષ્કના વિકાસની સાથે જ બુદ્ધિનો વિકાસ થાય છે. મસ્તિષ્કની અવ્યવસ્થાઓ માણસના વિચારો ઉપર ગંભીર અસર કરે છે. નશો, ઘેન, ચિત્તભ્રમ વગેરે અવસ્થાઓ પણ મસ્તિષ્કની સ્થિતિ અને ચેતનાની અવસ્થા વચ્ચેનો ગાઢ સંબંધ દર્શાવે છે.

ભલે ચેતના મસ્તિષ્ક સાથે ગાઢ સંબંધ ધરાવતી હોય છતાં પણ એ મસ્તિષ્કમાંથી જન્મતી નથી. કેટલાક વૈજ્ઞાનિકો, માનસશાસ્ત્રીઓ, ફિલસૂફો વગેરે માને છે તેમ જો ચેતના મસ્તિષ્કની પ્રક્રિયાઓની નીપજ હોત તો પછી નિર્ણયશક્તિ, જ્ઞાનશક્તિ, ઇચ્છાશક્તિ વગેરે બધી જ વિચાર પ્રક્રિયાઓને ભૌતિક કાનૂનોની વશવર્તી યાંત્રિક પરિભાષામાં જ સમજાવી શકાતી હોત. અને એમ થાત તો પછી માણસ આપ મેળે ચાલતું યંત્ર જ બની ગયો હોત.

પણ સાચી રીતે માણસ યંત્ર નથી. એને કોઈ કાર્ય કરવાની અને નિર્ણય લેવાની, પસંદગી કરવાની પૂરી સ્વતંત્રતા છે. એ ઇચ્છા કરવામાં સક્ષમ છે. બીજા શબ્દોમાં કહીએ તો એને ઇચ્છા કરવાની સ્વતંત્રતા છે. સભાન- સચેતન ક્રિયાઓ અને યાંત્રિક પ્રક્રિયાઓમાં મહત્ત્વનો ભેદ છે. એની અવગણના ન થવી જોઈએ. હેનરી બર્ગસોંના કહેવા પ્રમાણે માનવ ચેતનામાં એના સહકારી મસ્તિષ્ક કરતાં વધારે વ્યાપકતા હોય છે. જેવી રીતે યકૃત પિત્તરસનું નિષ્ક્રમણ કરી શકે છે તેવી રીતે મસ્તિષ્ક વિચારોને બહાર ફેંકી શકતું નથી.

વિચાર મનનું કાર્ય છે. એ મસ્તિષ્કનું કાર્ય નથી. એ મનના ખાસ રૂપાન્તર દ્વારા થતી ચેતનાની અભિવ્યક્તિ છે. ઊંઘમાં સ્વપ્નાવસ્થામાં માણસ વિચારી શકે છે, લાગણીઓ અનુભવી શકે છે, કલ્પનાઓ કરી શકે છે ભલે ને ત્યારે તેને શરીરની કોઈ સભાનતા ન હોય અને મસ્તિષ્ક પણ નિષ્ક્રિય હોય! જાગૃત અવસ્થામાં ભૌતિક શરીર અને ઇન્દ્રિયાવયવોમાં ચેતનાની જે કંઈ અભિવ્યક્તિઓ જોવામાં આવે છે, તે આ સ્વપ્રકાશિત આત્માના પ્રતિબિંબ સિવાય બીજું કશું જ નથી. ચેતનાના પ્રકાશને ભૌતિક તંત્ર તરફ સંક્રાન્ત કરવાનું કામ મન જ કરે છે. જો એની સાથે મન ન જોડાય તો જ્ઞાનેન્દ્રિયો કે કર્મેન્દ્રિયો પણ કશું કાર્ય કરી શકતી નથી. એટલા જ માટે જ્યારે મનુષ્ય અન્યમનસ્ક હોય ત્યારે કોઈ જ્ઞાન કે કોઈ કાર્ય સંભવી શકતું નથી. સંભાવના તો બહુધા એવી છે કે ચેતનાના પ્રકાશને મન મસ્તિષ્ક દ્વારા જુદી જુદી ઇન્દ્રિયોને મોકલે છે. અને એ અર્થમાં મસ્તિષ્કને ચેતનાનું એક વાહક અથવા તો માધ્યમ ગણી શકાય. પણ એનો સ્રોત- ઉદ્‌ભાવક તો ન જ ગણાય.

જ્યારે મન કામ ન કરતું હોય અને જીવંતપણાની કોઈ જ નિશાની ન જણાતી હોય, ત્યારે પણ ચેતના તો વિદ્યમાન હોય જ છે. શ્રીરામકૃષ્ણ વારંવાર જેને ભારતીય મનોવિજ્ઞાનમાં સમાધિ કહે છે, તે અવસ્થામાં સરી પડતા. ઘણા લોકોએ આ ઘટના નિહાળી છે. અને શ્રીરામકૃષ્ણની આ સમાધિ અવસ્થાનાં પ્રમાણભૂત અહેવાલો પણ મોજૂદ છે.અહેવાલોમાં એવું જણાવાયું છે કે શ્વાસોચ્છ્‌વાસ અને હૃદયના ધડકારાઓ પણ એ વખતે બંધ થઈ ગયા હતા. અને તેમ છતાં તેઓ તેમની આસપાસનું કશું ભાન ગુમાવીને ય સીધા ટટ્ટાર બેઠા હતા! અને ત્યારબાદ થોડા સમય પછી કોઈ અન્ય પ્રસંગ ઉપસ્થિત થતાં વળી તેઓ સામાન્ય ચેતનાસ્તરમાં પાછા આવી જતા અને લોકો સાથે વાતો કરવા લાગતા. અને સમાધિ અવસ્થાનો અનુભવ લીધા પહેલાં તેઓ જેવું વર્તન દાખવતા, તેવું જ સર્વસામાન્ય વર્તન કરતા હતા.આ સૂચવે છે કે ચેતના શરીરથી, મનથી અને પ્રાણશક્તિથી પણ સ્વતંત્ર છે. 

પણ પ્રશ્ન એ છે કે જેને આપણે ‘માનવ’ કહીએ છીએ, એવા આ મનોદૈહિક સંકુલનો ચેતના સાથે શો સંબંધ છે? ચેતના તો સ્વપ્રકાશિત અને સ્વયંસિદ્ધ જ છે. એ સ્વયંસિદ્ધ એટલા માટે છે કે એ જડ ભૌતિકતા, પ્રાણશક્તિ તેમજ મનથી સ્વતંત્ર છે. અને એ સ્વપ્રકાશિત એટલા માટે છે કે એને એના પોતાના સિવાય બીજી કોઈપણ વસ્તુ પ્રકાશિત કરી શકતી નથી. સાંખ્ય, યોગ અને વેદાન્તના તત્ત્વદર્શનમાં આને ‘ચિત્‌’ તરીકે ઓળખાવવામાં આવે છે. એ અવિનાશી અને સર્વવ્યાપક મનાય છે. એ પોતે જ પોતાનું વિવિધ સ્તરોમાં ક્રમિક વ્યવસ્થાપન કરે છે. એમાંનાં કેટલાક ક્રમોમાં તેની પોતાની તાત્ત્વિક રીતે જેટલી છે તેના કરતાં ઓછી ચેતના દેખાય છે. માનસિક ચેતના આવો એક સ્તર છે. અને પ્રાણ પણ આવો જ એક સ્તર છે.

ઉપનિષદોના કહેવા પ્રમાણે અંતરાત્માનું નિવાસસ્થાન હૃદય છે. છાંદોગ્ય ઉપનિષદ આ ભૌતિક શરીરને ‘બ્રહ્મપુરમ્‌’ કહે છે. (એટલે કે બ્રહ્મનું નગર) કારણ કે અહીં બ્રહ્મ ઇન્દ્રિયો અને મન જેવા સેવકોના કાફલા સાથે ભીતરના શાસક સ્વરૂપે રહે છે. એનું નિવાસસ્થાન એક નાનકડું હૃદયકમળ છે. આ જગતની જેવું જ વિરાટ – સર્વવ્યાપક અદ્વૈત એવું એ બ્રહ્મ છે; એ પરમચૈતન્ય છે; બધાં જ અસ્તિત્વોમાં એ સૌથી સૂક્ષ્મ છે; એ જ બધે છાઈ રહેલ હસ્તી પુરુષ છે. પણ આ વિશ્વના ઘટનાચક્રમાં એની પ્રત્યક્ષ અભિવ્યક્તિ દરેક વ્યક્તિના અંતરાત્મા રૂપે, હૃદયના ઊંડાણમાં ચેતનાના પ્રકાશિત કેન્દ્રિય સિદ્ધાંત રૂપે થાય છે. માનવના મનોદૈહિક તંત્રમાં ચેતનાની કોઈપણ પ્રકારની અભિવ્યક્તિનો સિદ્ધાંત આ અંતરાત્માના પ્રતિબિંબ સિવાય બીજું કશું જ નથી.

હિન્દુ મનોવિજ્ઞાન મનનાં જિજ્ઞાસા અને નિર્ણાયકતાનાં બે પાસાંઓ સાથે મનની જ્ઞાનાત્મક બાજુ ઉપર ભાર મૂકે છે. એક પાસાને ‘મનસ્‌’ કહેવામાં આવે છે અને બીજા પાસાંને ‘બુદ્ધિ’ કહેવામાં આવે છે આ ‘બુદ્ધિ’ શબ્દ સમગ્ર જ્ઞાનાત્મક મનના અર્થમાં પણ વાપરવામાં આવે છે. આ જ્ઞાનાત્મક પાસાં દ્વારા જ ચેતના મનના જ્ઞાન અને અસર જેવા (કારણ અને કાર્ય જેવા) અન્ય સ્તરો સુધી પહોંચે છે. એટલા માટે જ્ઞાનાત્મક પાસાંને પાયાનું ગણવામાં આવેલ છે. કારણ કે મનના ભીતરમાં બધાં જ પાસાંઓમાં એ સૌથી અંતરતમ પાસું છે, એ અંતરાત્માનું સૌથી નિકટનું પાસું છે. એટલે તો આત્માને બુદ્ધિમાં અવસ્થિત થયેલો કહેવામાં આવ્યો છે.

બુદ્ધિને પ્રકાશિત કરતો આ આત્માનો પ્રકાશ જ આપણા બધા જ અનુભવોને ઉદ્‌ઘાટિત કરે છે. શંકરના શબ્દોમાં કહીએ તો :

‘અંધારામાં સામે મૂકેલા દીપકની પેઠે બુદ્ધિ જ સર્વ વિષયોના પ્રત્યક્ષીકરણમાં સાધનભૂત બને છે. એવું કહેવામાં આવે છે કે, ‘મન દ્વારા જ માણસ જુએ છે અને મન દ્વારા જ સાંભળે છે.’ જરૂર, અંધારાંમાં સામે મૂકેલા દીપક વડે જેવી રીતે કોઈ પદાર્થ પ્રકાશિત થાય છે, તેવી જ રીતે બુદ્ધિનો પ્રકાશ પડવાથી બધું જ પ્રકાશિત થઈ જાય છે.’ (બૃહ. ઉપ., ૪/૩/૭નું શાંકરભાષ્ય)

એ સાચું છે કે બહારના પ્રકાશ વગર કશું જોઈ શકાતું નથી. પણ એ બહારનો પ્રકાશ તો ફક્ત જ્યારે આંખો ચેતના સાથે જોડાયેલી હોય ત્યારે એને મદદ જ કરે છે બસ એટલું જ. એટલા જ માટે જ્યારે માણસ અન્યમનસ્ક હોય અથવા તો ખુલ્લી આંખે ઊંઘી રહ્યો હોય, તો પણ એ પદાર્થોને જોઈ શકતો નથી. માણસની ભીતર રહેલું ચેતનાનું તેજ પહેલાં બુદ્ધિ સુધી પહોંચીને તે દ્વારા ચક્ષુરિન્દ્રિયમાં થઈને બહારના પ્રકાશ સુધી પહોંચે છે અને બહારના પ્રકાશને ઉદ્‌ઘાટિત કરે છે. આમ ચેતનાના પ્રકાશથી પ્રકાશિત થયેલો બહારનો પ્રકાશ વસ્તુને પ્રકાશિત કરે છે. આ રીતે ચેતના દ્વારા જ પ્રાણીઓ, પદાર્થો અને બહારનો પ્રકાશ પણ પ્રકાશિત થાય છે. અચેતન ભૌતિક વિષયો કે બહારનો પ્રકાશ કોઈ પણ આ ચેતનાને પ્રકાશિત કરી શકતા નથી.

માનવના બધા અનુભવો અને કાર્યો એના મનમાં ઇન્દ્રિયોમાં અને શરીરમાં આ સ્વપ્રકાશિત ચેતનાના પ્રકાશને લીધે જ થાય છે, એ ચોક્કસ છે. શંકરાચાર્યે આ ચેતનાના પ્રકાશની પ્રક્રિયાને આ પ્રમાણે વર્ણવી છે:

‘બુદ્ધિપારદર્શક અને જ્ઞાનસ્વરૂપ ચેતનાની સૌથી નજીક હોવાને કારણે આત્મપ્રકાશના પ્રતિબિંબને એકદમ જ ઝીલી લે છે. એટલા માટે વિવેકી માણસ પણ પોતાને પ્રથમ એના જ રૂપે ઓળખે છે અને તે પછી બુદ્ધિ સાથે મન જોડાયેલું છે એટલે એવું મન ચેતનાના પ્રકાશને ગ્રહણ કરે છે અને પછી મન સાથે જોડાયેલી ઇન્દ્રિયો તે આત્મપ્રકાશને ઝીલે છે. અને પછી ઇન્દ્રિયો સાથે જોડાયેલું શરીર એ ચેતનાના પ્રકાશને પકડે છે. આ રીતે આત્મચેતના ક્રમે ક્રમે પોતાના ઝળહળતા પ્રકાશથી સાંગોપાંગ સહિત સમગ્ર શરીરને અને બધી ઇન્દ્રિયોને અજવાળી દે છે. એને કારણે જ દરેક માણસ પોતાની ઓળખ શરીર દ્વારા, ઇન્દ્રિયો દ્વારા અને એનાં કાર્યો દ્વારા જ આપે છે. પોતાની રીતે જ, ધારા ધોરણ વગર, પોતાની સમજણ મુજબ માણસ પોતાને ઓળખાવે છે.’ (બૃહ. ઉપ. ૪/૩/૭, શાંકરભાષ્ય)

આ સર્વવ્યાપક પરમચૈતન્યમય સત્‌ બધાં જ સજીવોમાં – પ્રાણીઓમાં – સર્વાન્તરાત્મા સ્વરૂપે અભિવ્યક્ત થાય છે. પણ માનવજાતિમાં તો તે વિશેષરૂપે આત્મભાનસહિત અભિવ્યક્ત થાય છે. બધા સજીવોમાં માનવ એકલો જ આત્મ-અનાત્મના જ્ઞાન માટે સમર્થ છે. શરીર, મન અને ઇન્દ્રિયો જેવી ઉપાધિઓ-વળગણોથી આત્માને જુદો તારવીને, એને ઓળખીને પરમચૈતન્ય સાથે પોતાની એકતા સાધીને સંપૂર્ણ રીતે આત્મતૃપ્તિનો લાભ મેળવી શકે છે.

Total Views: 156

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.