હવે પછી આવા લેખો આવતા રહેશે. એ લેખો અને આ પત્રિકાના બીજા લેખો વાંચીને યુવા ભાઈ-બહેનોના મનમાં ઊઠતા પ્રશ્નો અમે આવકારીશું અને એના ઉત્તર આપવાનો પ્રત્યન કરીશું. આવેલા પ્રશ્નોમાંથી શ્રેષ્ઠ પ્રશ્નકર્તાને ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ એક વર્ષ સુધી વિનામૂલ્યે આપવાનો અમે નિર્ણય કર્યો છે. આ પ્રશ્ન કરતા પત્રોમાં પ્રશ્ન કરનારે પોતાનું પૂરું સરનામું લખવું જરૂરી છે. આ પત્રો ‘સંપાદકશ્રી, શ્રીરામકૃષ્ણ જ્યોત, શ્રીરામકૃષ્ણ આશ્રમ, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ – ૩૬૦ ૦૦૧’ એ નામ-સરનામે લખવા વિનંતી. – સં.
પ્રશ્ન : માણસ બીજાના દુ:ખે દુ:ખી થઈ શકે છે પરંતુ બીજાના સુખે સુખી થઈ શકતો નથી. આપણામાંથી કોઈ આગળ જાય તો માણસો તેની ઇર્ષ્યા કરે છે અને દુ:ખી થાય છે. બહારથી આવો માણસ સુખી દેખાતો હોય છતાં દુ:ખી હોય છે. આવી પરિસ્થિતિમાં સુખી થવા માટે અને ઇર્ષ્યા રોકવા માટે માણસે શું કરવું જોઈએ?
– દક્ષેશ પી. માણેક (મોરબી)
ઉત્તર : આપ કબૂલો છો કે માણસ બીજાના સુખે પણ દુ:ખી થાય છે, એટલે કે માણસમાં રહેલી આ ઈર્ષ્યાવાળી પ્રકૃતિને તમે એક મનોવિકૃતિ તરીકે સ્વીકારી છે. તે તમારા ચારિત્ર્યનિર્માણનું પહેલું પગલું ગણાય. આ મનોવિકૃતિને દૂર કરવા માટે ભારતના પ્રાચીનતમ મનોવૈજ્ઞાનિક પતંજલિએ પોતાના ‘યોગસૂત્રો’માં જે ઉપાય બતાવ્યો છે તે નીચે પ્રમાણે છે : ‘વિતર્કબાધને પ્રતિપક્ષભાવનમ્ – દાખલા તરીકે, મનમાં જ્યારે ક્રોધનો મોટો આવેશ આવ્યો હોય ત્યારે તેને રોકવો કઈ રીતે? તેનાથી વિરોધી પ્રકારનો વિચારતરંગ મનમાં ઊભો કરીને. એ વખતે પ્રેમની ભાવના મનમાં લાવો.’ તેવી જ રીતે મનમાં જ્યારે કોઈની સફળતા પર ઈર્ષ્યાનો વિચાર આવે ત્યારે તમારે તેના આનંદમાં ભાગીદાર બનવું જોઈએ અને તેની પ્રગતિને બિરદાવવી જોઈએ. ગીતાનો નીચેનો શ્લોક યાદ રાખવાથી આ વલણનો મર્મ વધારે સ્પષ્ટ થશે.
आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन।
सुखं वा यदि वा दुःखं सः योगी परमो मतः।।32।।
હે અર્જુન, જે મનુષ્ય સર્વે પ્રાણીઓમાં પોતાની જ પેઠે સુખ કે દુ:ખને સમાન ગણે છે, તેને ઉત્તમ યોગી માનવામાં આવ્યો છે.
પ્રશ્ન : (૧) ‘સર્વત્ર સહુ સુખી બનો, સર્વત્ર શાંતિ વિસ્તરો’ એવી ઋષિઓ રચિત આપણે પ્રાર્થના કરીએ છીએ. છતાંય જીવન દુ:ખ, આધિવ્યાધિથી ભરેલું છે. તો આવી પ્રાર્થનાથી કોઈ હેતુ સરે ખરો? એવી પ્રાર્થનાની ઉપયોગિતા કેટલી? (૨) સાર્વત્રિક સુખશાંતિ હોવા છતાં મને પ્રસન્નતાનો અનુભવ થતો નથી. આમ થવાનું કારણ શું?
— શશિકાંત હી. સવાઈ (મુંબઈ)
ઉત્તર : તમે જેમ કહો છો તેમ આ ઋષિઓની આ સદ્ભાવનાયુક્ત પ્રાર્થના સાચા હૃદયથી કેટલા લોકો નિયમિત કરે છે? કેવળ ઔપચારિક રીતે આવી પ્રાર્થના કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે એનાથી કોઈ તીવ્ર વૈચારિક તરંગો વાતાવરણમાં ઉત્પન્ન થઈ શકતા નથી. આવી પ્રાર્થનાઓનો મુખ્ય ઉદ્દેશ પોતાના ચારિત્ર્યનિર્માણનું છે. એનાથી પોતાનામાં અને પોતાનાં પરિઘમાં ધીરે ધીરે શાંતિ સ્થપાતી જશે. આપણે જગતની આધિવ્યાધિના કારણોમાં ઊંડા ઊતર્યા વગર પોતાની આત્મસુધારણાનો જ વિચાર કરવાથી તમે ખરી પ્રસન્નતા અનુભવી શકો છો. શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે : ‘ઈશ્વરનું કાર્ય શું સમજી શકાય, કે એ ક્યા હેતુથી શું કરે છે? એ સર્જન, પાલન, સંહાર બધુંય કરે છે. એ શા માટે સંહાર કરે છે એ આપણે શું સમજી શકીએ? હું તો કહું કે મા, મારે એ બધું સમજવાનીયે જરૂર નથી, તમારા ચરણકમલમાં ભક્તિ આપો. માણસના જીવનનો ઉદ્દેશ આ ભક્તિપ્રાપ્તિ. બીજું બધું મા જાણે. આંબાવાડિયામાં કેરીઓ ખાવા આવ્યા છીએ, તે તેમાં કેટલાં ઝાડ, કેટલી હજાર ડાળીઓ, કેટલા કરોડ પાંદડાં, એ બધા હિસાબ બેઠાં બેઠાં ગણવાની મારે શી જરૂર! હું તો કેરી ખાઉં, ઝાડ પાંદડાંની ગણતરીની મારે જરૂર નહિ.’
આનો અર્થ એવો નથી થતો કે જગતના દુ:ખો પ્રતિ તમારે ઉપેક્ષા સેવવી. પણ યથાશક્તિ એને નિવારવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેનાથી જ સાચી પ્રસન્નતા પ્રાપ્ત થશે.
Your Content Goes Here