સ્વામી વિવેકાનંદની જન્મતિથિ (તા. ૨૩-૧-૧૯૯૫) પ્રસંગે

(૧૯૯૩માં ૬થી ૮ ઑગસ્ટ, અમેરિકાના પાટનગર વૉશિંગ્ટનમાં, કૅપિટલ સૅન્ટરમાં, શિકાગોની વિશ્વ ધર્મ પરિષદની સ્મૃતિમાં ‘ધ વર્લ્ડ વિઝન ૨૦૦૦ ગ્લોબલ કૉન્ફરન્સ’ (૨૦૦૦ વિશ્વદર્શન વિશ્વ પરિષદ) મળી હતી. એ પરિષદનું વસ્તુ હતું ‘સ્વામી વિવેકાનંદનો વૈશ્વિક વેદાન્ત – સંદેશ’. તા. ૭મી ઑગસ્ટે, સાધુ વાસવાણી મિશનના વડા સાધુ જે. પી. વાસવાણી બોલ્યા હતા. ઈશ્વર તરફ વળવાની, ધર્મોનો સંવાદ જાળવવાની અને મનુષ્ય માત્ર અને પ્રાણીમાત્રમાં વસતા પરમેશ્વરની પ્રેમપૂર્વક સેવા કરવાની જોરદાર અપીલ તેમણે કરી હતી.)

સ્વામી વિવેકાનંદ! એમના નામમાં પ્રેરણા છે. એમના સ્મરણમાં સંગીત છે!

આત્માની શ્રેષ્ઠતાનું પ્રતિપાદન કરતી ભારતની અવિનાશી સંસ્કૃતિના તેઓ પ્રતીક હતા. પોતાના હાથમાં તેઓ મશાલ ધારણ કરતા. એમની જીભ પર પ્રેરણાનો સળગતો અંગાર હતો. એમને સાંભળનાર હલી જતા. આત્માની અસાધારણ શક્તિ તેઓ ધારણ કરતા. એ અગ્નિના માનવી હતા. એમના શબ્દોમાં, એમના હૃદયમાં અને એમના આત્મામાં અગ્નિ હતો.

યુરોપ અને અમેરિકાના લાખો લોકો હિંદુઓને અધર્મી માનતા હતા અને હિંદુ ધર્મને અધર્મ કહી નિંદતા હતા. અમેરિકાના ખ્રિસ્તીઓને સિંહગર્જના કરી સ્વામી વિવેકાનંદે કહ્યું હતું:

“તમે પાપી નથી, તમારે માટે નરકની આગમાં સદા ભડભડ બળતા રહેવાનું નિર્માયું નથી. આમ તમને પ્રબોધતો ધર્મ હિંદુ ધર્મ છે. મનુષ્યને પાપી કહેવો એ પાપ છે. આગળ આવો સિંહો અને, તમે ઘેટાં છો એ ભ્રમ ખંખેરી નાંખો. તમે અમર આત્માઓ છો, મુક્ત જીવ છો, કૃપાવંત અને સનાતન છો. તમે સ્થૂળ પદાર્થ નથી, તમે શરીર નથી. પદાર્થ તમારો દાસ છે, તમે પદાર્થના દાસ નથી.”

“સ્વામીજી, તમે અમારું ધર્મ પરિવર્તન કરવા અમેરિકા આવ્યા છો? એમ જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે, તેઓ હસી પડ્યા અને બોલ્યા:

“આ દેશમાં હું તમને બીજા ધર્મની દીક્ષા દેવા આવ્યો નથી. તમારા જ ધર્મને વળગી રહો. એક મૅથડિસ્ટને વધારે સારો મૅથડિસ્ટ, પ્રેસ્બાઈટીરિયનને વધારે સારો પ્રેસ્બાઈટીરિયન અને યુનિટેરિયનને વધારે સારો યુનિટેરિયન બનાવવા ચાહું છું.”*

સ્વામી વિવેકાનંદના હૃદયમાં જુદાઈનો ભાવ જ ન હતો. જગતના ધર્મોનાં મહાન સત્યોનો તેઓ સ્વીકાર કરતા. બ્રુકલિનની એથિકલ સોસાયટી સમક્ષ પ્રવચન આપતાં તેમણે કહ્યું હતું:

“અમે હિંદુઓ દરેક ધર્મ પ્રત્યે સહિષ્ણુતા દાખવીએ છીએ એટલું જ નહીં પણ તે દરેકનો સ્વીકાર કરીએ છીએ. મુસલમાનોની મસ્જિદમાં અમે બંદગી કરીએ છીએ, પારસીઓના આતશ બહેરામને અમે પૂજીએ છીએ, ખ્રિસ્તીઓના ક્રોસ આગળ અમે ઘૂંટણીએ પડીએ છીએ. અમે સમજીએ છીએ કે આ બધા જુદા જુદા ધર્મો એ અનંતને પામવાના માનવ આત્માના જુદા જુદા પ્રયત્નો છે.”

ઈસ્લામના અને, સામાજિક સમાનતાના એના સંદેશના મૂલ્યને સ્વામી વિવેકાનંદ સમજતા હતા. ઈસુના સંદેશનું હાર્દ એમણે પકડ્યું હતું. આધ્યાત્મિક અદ્વૈતનો જ એ સંદેશ નથી શું? ‘હું અને મારો પિતા એક છીએ’, જીસસે કહ્યું હતું. ‘તમે દેવો છો!’ એમ પણ એમણે કહ્યું હતું, અને વળી બોલ્યા હતા, ‘સ્વર્ગમાંના તમારા પિતા પૂર્ણ છે તેવા પૂર્ણ તમે થાઓ! પણ રે! એ પેઢીના યહુદીઓ એમને ઓળખી ન શક્યા. તો શું પશ્ચિમ એમને આજ સુધી સમજી શક્યું છે? ના! જીસસને સમજવા માટે મનુષ્યમાં પૂર્વનું સત્ત્વ જોઈએ.

સૌથી વિશેષ, ઉચ્ચતર હિંદુ ધર્મનું મૂલ્ય સ્વામી વિવેકાનંદ સમજતા હતા. તેમણે એને વેદાન્ત કહ્યું. એને વૈશ્વિક શક્તિ બનાવવા તેઓ ચાહતા હતા.

સ્વામી વિવેકાનંદ કહેતા, ‘ઈશ્વરની સહાયથી તમે સાગરો પાર કરી શકો. ઈશ્વર વિના તમે ઊંબરોયે ઓળંગી શકો નહીં.’ ઈશ્વરની સહાયે વિવેકાનંદે ખંડો ઓળંગ્યા હતા અને ઋષિઓના જ્ઞાનની પુનઃઘોષણા કરી હતી. ‘ઊઠો! જાગો! અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી થોભો નહીં!’ હિંદુઓ માટે આ તેમનું રણશિંગું હતું, ભારતને, યુરોપને અને અમેરિકાને પણ.

આજે અમિત શક્યતાના ગ્રહ પર મનુષ્ય ઊભો છે. યાંત્રિક પ્રાવિણ્યની પરાકાષ્ઠાએ આજે મનુષ્ય પહોંચ્યો છે. માનવી પાઠવ્યાં રૉકૅટો દૂર દૂરના ગ્રહો પાસેથી પસાર થાય છે. અવકાશમાં એ ઉપગ્રહો ગોઠવતો થયો છે. છતાંય પોતાના અસ્તિત્વને અને હેતુને એ હજી સમજી શક્યો નથી. ભયંકર એકલતા એને પીડે છે અને, હજારો અનામી ભય એના હૃદયને ડહોળી નાખે છે. પ્રકૃતિનાં પરિબળોને પોતે વશ કર્યાં હોવાનો દાવો તે કરે છે. પોતાની જાતને વશમાં રાખવા તે ક્યે દહાડે શીખશે? આજે, તમે જ્યાં જુઓ ત્યાં, તમને સત્તાની ઝંખના, કીર્તિનો મોહ અને સુવર્ણનો લોભ દેખાય છે. આજે તૃષ્ણાઓ નાચી રહી છે. તૃષ્ણાઓનો આ નાચ મૃત્યુનો નાચ છે. અને, પોતાના જ વજનના ભારથી સંસ્કૃતિ કડડડભૂસ થવા મંડી છે.

એક નવી સંસ્કૃતિ જનમવાની છે. કેવળ ધર્મ નિરપેક્ષ સમાજવાદ કરતાં એ નવી સંસ્કૃતિ વધારે મહાન અને વધારે ઉદાત્ત પાયા પર ઊભી કરવી જોઈએ. સ્વામી વિવેકાનંદને કોઈએ સમાજવાદી કહ્યા છે તો, કોઈએ માનવતાવાદી કહ્યા છે. પરંતુ, તેઓ જે આચરતા અને જેનો બોધ કરતા તેને સમાજવાદ કે માનવતાવાદ કહી શકાશે નહીં. કારણ, એ બંને વિચારધારાઓ બધા આત્માઓની અભિન્નતાનો અને મનુષ્યની એકતાનો સ્વીકાર કરતી નથી. સ્વામી વિવેકાનંદે પ્રબોધ્યું હતું કે દરેક જીવ દિવ્ય છે અને પોતાનાં બંધુજનોમાં પ્રભુની પ્રતિકૃતિ જોઈને, અનંતની છાયા ભાળીને દરેકે તેમની સેવા કરવી જોઈએ. માનવજાતને સ્વામી વિવેકાનંદે નવો મંત્ર આપ્યો હતો: ‘આત્મનો મોક્ષાર્થં, જગત્-હિતાય ચ, અર્થાત્, આપણા પોતાના આત્માની મુક્તિ માટે અને જગતના હિત માટે – આ જોડિયા આદર્શોને છૂટા નહીં પાડવા જોઈએ, એ બંને સાથે જ રહેવા જોઈએ. વ્યક્તિની આધ્યાત્મિક મુક્તિ:

સ્વામી વિવેકાનંદે કહ્યું હતું. ‘મુક્ત એ ઘ્યાનમંત્ર છે. મુક્ત થાઓ! મુક્ત દેહ, મુક્ત મન અને મુક્ત આત્મા! મારી આખી જિંદગી મેં એ જ અનુભવેલ છે. ગુલામ રહીને સત્કૃત્ય કરવાને બદલે મુક્તપણે હું દુરાચાર આચરવાનું પસંદ કરું!’ અને આધ્યાત્મિક્તા વિના સાચી મુક્તિ સંભવતી નથી. આધ્યાત્મિક પ્રગતિની સાથે, વ્યક્તિ આત્મજ્ઞાન પામવામાં પ્રગતિ કરે છે. આત્મજ્ઞાનની દિશામાં વધવાની સાથે, વ્યક્તિ પોતાની સુષુપ્ત રહેલી આંતરિક શક્તિને વિકસાવશે. એ બધી અનંતની મહા શક્તિ છે! એમના બંધ છેદવા જ રહ્યા. સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘સુતેલો આત્મા જાગશે ત્યારે, સામર્થ્ય અને કીર્તિ આવશે અને, સારપ આવશે અને પવિત્રતા આવશે.’

હા, સુષુપ્ત આત્મા જાગ્રત થઈ આત્મજાગ્રતિની પ્રવૃત્તિ કરશે ત્યારે, સામર્થ્ય આવશે અને કીર્તિ આવશે. અને, સા૨૫ આવશે અને પવિત્રતા આવશે. પરંતુ આ સામર્થ્ય અને આ કીર્તિ પોતાની જાત માટે સંઘરવાનાં નથી. આફત અને પીડાના આ જગતમાં જે દુર્ભાગી જનો છે, જે રાંક અને ભગ્ન છે, જે ત્યજાયેલાં અને એકલાં છે, જે પછાત અને ખોવાયેલાં છે, જે વણજોઈતાં અને વણચાહ્યાં છે તેમની સૌની સેવા માટે બળ અને કીર્તિનો ઉપયોગ થવો જોઈએ. સ્વામી વિવેકાનંદને માટે જીવસેવા શિવસેવા હતી. એમનો ધર્મ એકતાનો અને પ્રેમનો, સેવાનો અને ત્યાગનો હતો. પ્રભુને ચાહવાનું અને માણસમાં રહેલા પ્રભુની સેવા કરવાનું માનવીને ધર્મ નહીં શીખવે તો ધર્મો તણખલાંની તોલનાં છે એ વાત કેટલી સાચી છે! કેમ કે, માણસ ગમે તેવો પીડિત હોય, નિરાશ થયેલો હોય અને જિંદગીથી હારેલો હોય, એનામાં રામ રહેલો છે. દરેક માનવી ઈશ્વરનું જીવતું થાનક છે, જીવંત, હાલતું ચાલતું દેવઘર છે, જીવંત, હાલતું ચાલતું મંદિર છે. મારા બંધુમાં હું મારી જાતને જોઉં અને, હું અને મારો બંધુ એક જ છીએ આ સાચું વેદાન્ત છે! જરાય જુદાઈ નથી. એક વેળા સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, ‘ખ્રિસ્તી ધર્મ શીખવે છે એમ તમારા ભાઈ તરીકે નહીં પણ, તમારી જાત તરીકે જ દરેક માણસને ચાહો. બંધુતાને સ્થાને વૈશ્વિક એકાત્મતા સ્થપાવી જોઈએ. વૈશ્વિક બંધુતા નહીં પણ વૈશ્વિક એકાત્મતા અમારો મુદ્રાલેખ છે.’

દયા તરીકે કે મહેરબાની તરીકે કરેલી સેવા નહીં પણ, પોતાની જાતને કરાતી હોય તેવી સેવા. સૌમાં વસતા પરમાત્માની કરાતી સેવા એ જ સાચી સેવા છે. અને સર્વકાલના એક મહત્તમ નરને આપણાં હૃદયની અંજલિ આપવા આપણે સૌ આજે એકત્ર થયાં છીએ ત્યારે, ચાલો, આપણે એક કદમ આગળ વધીએ. વેદાન્ત શીખવે છે: સૌમાં એક જ જીવન વહે છે. આ જીવન ધાતુમાં અને પથ્થરમાં સુષુપ્ત છે, વનસ્પતિમાં અને છોડોમાં એ જીવન સ્પંદિત થયું છે. એ જીવન પશુઓમાં સ્વપ્નાવસ્થામાં છે અને માનવીમાં તે જાગ્રત બને છે. સૃષ્ટિ એક કુટુંબ છે અને સૃષ્ટિના આ એક કુટુંબમાં, પંખીઓ અને પશુઓ, માણસમાં નાનાં ભાંડુઓ છે. પોતાનાં આ નાનાં ભાઈભાંડુઓને પોતાના હૃદયનો પ્રેમ આપવો, એમની સંભાળ રાખવી, કસાઈની ક્રૂર છરીથી એમને બચાવવાં એ માણસની ફરજ છે, જવાબદારી છે. અરે! આપણાં નિર્જીવ શહેરોમાં રોજ કતલ થતાં પશુઓનું કેટલું મોટું પાપ! તમારામાંથી કેટલાકને હું ઝનૂની લાગીશ પણ, સમજી લેજો કે સૂરજના પૂર્વમાં ઊગવા જેટલી જ સાચી વાત એ છે કે માસાંહારને નિંદ્ય ગણવાનો સમય આવી રહ્યો છે. બધા પ્રકારનું શોષણ અટકવું જ જોઈએ એ નિર્ણય કરવાનો સમય આપણે માટે આવી પહોંચ્યો છે. માનવી કે માનવેતર વ્યક્તિની નૈતિક પવિત્રતાનો આપણે સ્વીકાર કરવો જ જોઈએ. કાળી પ્રજા શ્વેત લોકો માટેનાં સાધન નથી, સ્ત્રીઓ પુરુષો માટેનાં સાધન નથી, બરાબર તે જ રીતે, માણસજાત માટે પશુઓ સાધન નથી. પૃથ્વી પર શાંતિ સ્થાપવી હોય તો, બધા પ્રકારનું માણસ તરફથી થતું શોષણ થોભવું જોઈએ.

પ્રાણીહિતની ખૂબ વાતો આજે આપણે સાંભળીએ છીએ. પણ સમસ્યાનો ઉકેલ પ્રાણીહિત નથી. માનવીઓને અધિકારો છે; પશુઓને શું કશા જ અધિકાર નથી? મનુષ્યોને અધિકારો છે; પ્રાણી જગત પ્રત્યે મનુષ્યોની કશી ફરજો, કશી જવાબદારીઓ નથી શું? મને લાગે છે કે પશુઓના હક્કનો ખરડો અને પશુઓ પ્રત્યેની માનવીઓની ફરજોનો ખરડો તૈયાર કરવાનો સમય પાકી ગયો છે. અને પશુનો મૂળભૂત પ્રથમ અધિકાર છે જીવવાનો. મનુષ્ય જે આપી શકતો નથી તે એનાથી લઈ શકાય નહીં. અને મરેલા પ્રાણીને આપણે જીવન આપી શકતા નથી. તો, જીવતા પ્રાણીનો જીવ હરવાનો આપણને અધિકાર નથી.

પોતાના જીવનનું પ્રકરણ સંકેલતાં સ્વામી વિવકાનંદે જે શબ્દો વાપર્યા હતા તે જ શબ્દો વડે હું પણ મારું વક્તવ્ય પૂરું કરું. પોતાના અવસાનના થોડા સમય પહેલાં સ્વામી વિવેકાનંદ બોલ્યા હતાઃ ‘ફાટેલાં વસ્ત્રનો ત્યાગ કરીએ છીએ તેમ, મારા દેહનો ત્યાગ મને પ્રસન્નકર્તા બને. પણ, હું કામ કરતો નહીં થોભું. જગત ઈશ્વર સાથે એકરૂપ છે એવું લોકોને ભાન થાય ત્યાં સુધી હું તેમને પ્રેરણા આપતો રહીશ.’ મંદિરની ઝાલરની જેમ આ શબ્દો આપણામાંના કેટલાકના હૃદયમાં રણક્યા કરો. ‘હું કાર્ય કરતો અટકીશ નહીં. જગત ઈશ્વર સાથે એકરૂપ છે એવું લોકોને સર્વત્ર ભાન થાય ત્યાં સુધી હું એમને પ્રેરતો રહીશ! ઉત્તિષ્ઠત! જાગ્રત! – ઊઠો! જાગો! અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી થોભો નહીં!’

૧. સ્વામી વિવેકાનંદમાંથી અપાયેલાં અવતરણો મૂળના અર્થને વફાદાર છે પણ શબ્દશઃ મૂળ પ્રમાણે નથી. સ્વામી વિવેકાનંદ, ધ કમ્પ્લીટ વર્કસ ઑફ, (કલકત્તા) અદ્વૈત આશ્રમ, ૧૯૮૯ વૉ. ૧ પૃ.૧૧, ૩૩૧ વ.

* આ બધા ખ્રિસ્તી ધર્મના સંપ્રદાયો છે.

(અનુ.)

ભાષાંતર: શ્રી દુષ્યંત પંડ્યા

Total Views: 22
By Published On: September 13, 2022Categories: J.P. Wasvani0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram