(ગતાંકથી આગળ)

જમદગ્નિમુકામથી ઉત્તરકાશી પહોંચવામાં બે દિવસ લાગે છે. આ રસ્તે ઘણાં રીંછ જોવા મળે છે. અહીંના પહાડી પ્રદેશમાં રહેતા લોકો પણ આ રસ્તેથી એકલા ચાલવામાં ગભરાય છે. રસ્તામાં એક નાનું ગામ હતું. આ ગામના લોકોને ચોરી શું છે એનો ખ્યાલ ન હતો. કોઈનાય ઘર કે પેટીપટારા પર તાળાં ન હતાં. મારે થોડા દિવસો સુધી ગાઢ જંગલમાંથી પસાર થવું પડ્યું પણ મારું એ સદ્‌ભાગ્ય હતું કે મારે કોઈ જંગલી પશુનો સામનો કરવો ન પડ્યો.

ઘણા સમય પહેલાં બાળપણના દિવસોમાં મેં એક રીંછ અને બે યાત્રીઓની એક વાર્તા વાંચી હતી. મેં રીંછ વિશે અહીંના પહાડી લોકો પાસેથી જે કંઈ સાંભળ્યું એનાથી એ વાર્તાની પુષ્ટિ થાય છે. પહાડી લોકોએ મને બતાવ્યું કે જો જંગલમાંથી પસાર થતા તમારે કોઈ એક રીંછ સાથે ભેટો થઈ જાય તો તમારે માત્ર પોતાનું મોઢું એક કપડાના ટુકડાથી ઢાંકીને હલ્યાચલ્યા વિના સૂઈ જવું જોઈએ. તો તમને રીંછથી કોઈ પણ પ્રકારની પરેશાની થવાની આશંકા ન રહે. સામાન્ય રીતે રીંછ શિકારના મોઢા પર પંજાથી ઝપટ મારે છે અને એની આંખ ફાડી નાખે છે. એટલે માણસે પોતાના ચહેરાની રક્ષા કરવી જોઈએ અને હલ્યાચલ્યા વિના નીચે સૂઈ જવું જોઈએ; તો રીંછ કોઈ નુકશાન કરતું નથી. એટલા માટે મારા મનમાં એ વાત યાદ રાખી લીધી કે ભૂલે ચૂકે ક્યાંય રીંછનો ભેટો ન થઈ જાય. જમદગ્નિમુકામથી એક બીજો માણસ પણ એક દિવસ મારી સાથે આવી ગયો.

પહાડી લોકો ઉત્તરકાશીને ‘ભરહત’ કહે છે. ગંગા અહીં ઉત્તર તરફ વહે છે. અહીં કાશીના વિશ્વનાથનું એક મંદિર છે. બીજાં પણ ઘણાં મંદિર છે. એટલે જ આ સ્થળ વારાણસીની યાદ દેવડાવે છે. એવું લાગે છે કે જાણે ભગવાન વિશ્વનાથ આ પહાડી ઈલાકામાં પોતાને તપસ્યાલીન કરવા માટે આવી ગયા છે. હું ઉત્તરકાશીથી નીકળીને એક દિવસમાં ૧૧ માઈલ જેટલું અંતર કાપીને ભટવારી પહોંચ્યો. રસ્તામાં મેં કેટલાક મહારાષ્ટ્રિયન યાત્રીઓને જોયા. એમણે મને કંઈક ખાવા માટે આપ્યું. મધ્યાહ્‌ન સમયે મેં થોડું ખાધું અને ત્યાર બાદ થોડો વિશ્રામ કરીને મેં મારી યાત્રા ફરીથી શરૂ કરી દીધી.

અસહાય સંન્યાસી

સૂર્ય અત્યારે લગભગ પશ્ચિમની ક્ષિતિજ પર પહોંચી ગયો હતો. ભટવારી ગામ હજુ પણ લગભગ એક માઈલ દૂર હતું. રસ્તામાં મેં એક સંન્યાસીને જોયો. એ ભગવાં કપડાં ઓઢીને જમીન પર સૂતો હતો. વરસાદની ફરફર પડતી હતી. મેં એમને પૂછ્યું કે ગામ એટલું નજીક હોવા છતાં અહીં કેમ સૂતા હતા. એણે જવાબ આપતાં કહ્યું કે તે બિમાર હતો અને એટલી બધી અસક્તિ હતી કે પોતાની ગઠડી પણ ઉપાડી શકતો ન હતો અને ચાલી પણ નહોતો શકતો. આ અસહાય સ્થિતિમાં તે કેવળ જમીન પર ત્યાં જ સૂતો હતો. આ નિર્જન સ્થાન પર એને એ અસહાય દશામાં છોડીને હું આગળ જવા વિશે વિચારી પણ ન શક્યો. પરંતુ એને ભટવારી સુધી લઈ જવો કેવી રીતે? એનો સામાન એક માણસના વજન જેટલો હતો. જો કોઈ ત્યાં એનો સામાન ઉપાડવા માટે હોત તો હું એને મદદ કરત અને ગમે તેટલી કઠિનતા ભોગવીને પણ અમે ભટવારી પહોંચી જાત. હું નિ:સહાય ઊભો હતો ત્યાં જ મેં એક બ્રહ્મચારી તીર્થયાત્રીને ઝડપથી ગામ તરફ જતાં જોયો. હું એ ભગવાન દ્વારા મોકલેલા બ્રહ્મચારી પાસે ગયો અને પેલા સંન્યાસીની દુર્દશા વિશે મેં એમને બતાવ્યું. એક શબ્દ પણ બોલ્યા વિના એણે એ ગઠડી ઉપાડી લીધી અને ભટવારી જવા માટે ચાલી નીકળ્યો. મેં સંન્યાસીને ઊભો કરવામાં મદદ કરી. એ હતો લાંબો પહોળો અને મારાથી પણ વધારે ઊંચો! મેં મારા બાહુઓ તેની કમરની આજુબાજુ રાખ્યા અને મારી વાંસની લાકડી તેને મદદ માટે આપી. એકેક ડગલું ભરતાં ભરતાં અમે આગળ ચાલવા લાગ્યા. રસ્તો સારા પ્રમાણમાં સાંકડો હતો અને એક બાજુએ નીચે ઊંડી ખીણ હતી અને ત્યાં ગંગાનો પ્રવાહ ઘણો તેજીલો હતો. થોડું દૂર ચાલીને પછી સંન્યાસી બેહોશ થઈ ગયો અને નીચે પડી ગયો. આ એક માંડ માંડ બચી જવાની ઘટના હતી. અમે બંને પાંચ હજાર ફૂટ નીચે સરી પડ્યા હોત અને ગંગાના પાણીની તેજ ધારા સાથે સમુદ્રમાં વહી ગયા હોત. સંન્યાસી તો ભયથી થરથર કાંપતો હતો. એણે મને કહ્યું કે હવે એને માટે એક ડગલુંય આગળ ભરવું અસંભવ હતું. મનેય એ સ્પષ્ટ ખ્યાલ હતો કે એને માટે ગામ સુધી ચાલવું લગભગ અસંભવ હતું. એટલે હું ભટવારી ગામમાં ગયો અને ગ્રામવાસીઓને પેલા સંન્યાસીની દુર્દશા વિશે વાત કરી. રાત થતી હતી અને મારી વિનવણી છતાંયે કોઈ પણ માણસ મારી સાથે આવવા રાજી ન થયો. આખરે બીજૂ નામનો એક માણસ મારી સાથે આવવા તૈયાર થયો. એણે એ માટે ચારઆના આપવાની માગણી કરી અને મેં એ વાત સ્વીકારી લીધી.

પોતાની સાથે ખાલી હાથે આવતો જોઈને તેને એક કંડી લાવવા કહ્યું. એમાં એક મોટી ટોપલી હોય છે અને ઉપાડનાર માણસ પોતાની પીઠ પાછળ એને બાંધી લે છે અને પછી ગમે તેટલો ભારે બોજો ઉપાડી શકે છે. પહાડી લોકો આવી કંડીમાં ભારે વજન ઉપાડી લે છે. બીજૂ કંડી લાવવા ઇચ્છતો ન હતો. તેણે કહ્યું કે તે સંન્યાસીને પોતાની પીઠ પર ઉપાડીને લઈ આવશે. અમે એ જગાએ પહોંચ્યા. વિશાળકાય સંન્યાસી ત્યારે પણ ત્યાં જ અસહાય પડ્યો હતો. બીજૂએ એને ઊંચકીને પોતાની પીઠ પર રાખી દીધા. સંન્યાસીના લાંબા પગ જમીન પર ઢસડાવા લાગ્યા. આ ખરેખર ઘણું દર્દ નાખતું અને મને લાગ્યું કે જો એને આ રીતે લઈ જવામાં આવે તો એ બચશે નહિ. એટલે સંન્યાસીને ત્યાં જ રાખીને અમે ફરી પાછા એક કંડીની શોધમાં ગામમાં આવ્યા. કેટલાક તીર્થયાત્રી આવી ટોપલીઓમાં ગંગોત્રીમાંથી ગંગાજળના મોટા મોટા પીપ ભરીને લાવ્યા હતા. અમે એમને એક ટોપલી થોડો વખત માટે આપવા આગ્રહ-વિનંતી કર્યા. પરંતુ તેઓ એ આપવા તૈયાર ન હતા, કદાચ એમના મનમાં એવું હશે કે અમે એમને દગો દઈશું. આ તીર્થસ્થાનોમાં લોકોને ધૂતી લેવાનો ભય રહે છે. પરિણામે રાતના જેવા કસમયે કોઈ પણ આપણને મદદ કરવા તૈયાર થતું નથી. જ્યારે મેં એક મારો ગરમ કામળો તેમની પાસે ગીરવી મૂક્યો ત્યારે તેમણે અમને એક ટોપલી આપી. આ રીતે અમે સંન્યાસીને ગામ સુધી ઉપાડીને લાવી શક્યા. રાત થઈ ચૂકી હતી, પરંતુ તારાંકિત રાત હતી અને ચંદ્રની પણ સારી રોશની હતી. આ રીતે એ સડક પર ઉપર નીચે ચડતાં-ઊતરતાં અમે અમારી યાત્રા પૂરી કરી.

માંદા માટે કોઈ સ્થાન નથી

ભટવારી ગામ પહોંચ્યા પછી અમારી સામે એક બીજી સમસ્યા ઊભી થઈ. ગામની બહાર રેંટની જેમ કૂવામાંથી પાણી ખેંચવાની સુવિધા છે, એક વિશ્રામગૃહ પણ છે, ટિહરીના રાજા દ્વારા પરિત્યાગ કરેલ ઉજ્જડ મહેલ અને યાત્રીઓ માટે કેટલાક ખંડ છે. બિમાર સંન્યાસીને એ ઠંડી રાતે ખુલ્લી જગામાં રાખી શકાય તેમ ન હતું. મેં તેના વિરામ માટે સ્થાન ગોતવાનો પ્રયત્ન કર્યો. બધા યાત્રીખંડ યાત્રાળુઓથી ભર્યા હતા. બીજૂ એ કહ્યું : ‘સંન્યાસીને ધર્મશાળામાં લઈ જઈએ.’ એટલે અમે ત્યાં ગયા. ત્યાં જઈને જોયું તો એ સ્થળ પણ યાત્રાળુઓથી ભરેલું હતું. એ યાત્રાળુઓ અંદરથી ‘અહીંથી ચાલ્યા જાઓ, અહીંથી ચાલ્યા જાઓ’ એમ  બૂમો પાડવા લાગ્યા. સાવ અંધારું હતું. ત્યાં કોણ અને કેટલા માણસો છે એ પણ હું જોઈ ન શક્યો. થોડા સમય પછી મને જાણવા મળ્યું કે વૈષ્ણવ નાગા સાધુઓની એક મંડળીએ વિશ્રામગૃહને ઘેરી લીધું હતું. બધા ઓરડા ખચાખચ ભર્યા હતા. મેં દરવાજા પર ઊભા રહીને સાધુઓની સાથે બિમાર સંન્યાસીને ક્યાંક જગા દેવા માટે વિનંતી કરી. પરંતુ એમણે મારું કાંઈ ન સાંભળ્યું. મારી બધી વિનંતી બહેરા કાન પર પડી હતી. એનાથી પણ ખરાબ તો એ થયું કે તેઓ અમને ગાળો ભાંડવા મંડ્યા અને અમને ભગાડવા માટે તૈયાર થઈ ગયા. હું એક વિકટ અને વિપદાભરી સ્થિતિમાં હતો. પરંતુ મેં પેલા બિમાર સંન્યાસી માટે કોઈને કોઈ સ્થળ શોધી કાઢવાનો નિર્ણય કર્યો હતો. ગુસ્સે થયા વિના મેં એ સંન્યાસીને આશ્રય આપવા માટે યાચના કરી. એ બધાને એમને અંદર લેવા માટે દૃઢતાપૂર્વક આજીજી કરી.

પરંતુ કંઈ ફાયદો ન થયો. તેઓ એકના બે ન થયા. અંતે હું એ સાધુને એ ઓરડામાં રાખવા માટે દૃઢસંકલ્પ હતો એ જોઈ જાણીને લગભગ ૧૭ પહેલવાન જેવા સાધુઓ મને સંભળાવતાં સંભળાવતાં એ ખંડમાંથી ઝડપથી બહાર નીકળ્યા. ક્રોધને કારણે લાલચોળ બનેલી પોતાની આંખો તેમણે મારા પર માંડી રાખી. તેઓ બધા મારા પર એટલા ક્રોધિત કેમ છે એ જાણીને મને આશ્ચર્ય થયું. એમણે અત્યંત તિરસ્કારની ભાવનાથી મારા માટે એક ઓરડો ખાલી કરી દીધો. વાસ્તવિક રીતે એ બધા મોટા માણસો કોઈ પણ જાતની મુશ્કેલી વગર એક બિમાર માણસ માટે એ ઓરડામાં સ્થાન આપી શકત ખરા. જ્યારે એમણે એ ઓરડો ખાલી કર્યો ત્યારે મેં માંદા સંન્યાસીને ઊતારવા માટે બીજૂને મદદ કરી અને એને ઓરડાના એક ખૂણામાં લઈ ગયા. હવે મારા મનને નિરાંત મળી. રાતના દસ વાગી ગયા હતા. ત્યાર પછી મેં કંડી પાછી આપી અને મારો કામળો છોડાવ્યો. મેં બીજૂને બીજે દિવસે મળવાનું કહ્યું.

તે પરમહંસ છે

નાગા સાધુઓ વિશ્રામગૃહની ચારેબાજુએ બનાવેલ પરસાળમાં સૂતા. હું પણ નજદીકમાં જ એક વૃક્ષ નીચે સૂઈ ગયો. બીજે દિવસે જ્યારે હું ઊઠ્યો અને મેં જોયું તો કેટલાક નાગા સાધુઓ વિસ્મિતભાવે મારા તરફ તાકીને જોઈ રહ્યા હતા. કેટલાક સાધુઓ અંદર જતા હતા અને બિમાર સંન્યાસીને જોતા હતા. તેઓ મારા તરફ આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. એમાંના એકે કહ્યું: ‘અરે! આ તો પરમહંસ છે! એમ ન હોત તો આટલી ગાળો કેવી રીતે સહન કરી શકે?’ પછી એમાંથી કેટલાક મારી પાસે આવ્યા અને રાતે જે કાંઈ પણ થયું એને માટે શરમની લાગણી પ્રદર્શિત કરી. હું કાંઈ ન બોલ્યો. હું ઓરડામાં ગયો અને રોગીને તપાસ્યો. હવે એ ઠીક પ્રમાણમાં સારો થઈ ગયો હતો. મેં લાકડીની કેટલીક સોટીઓ એકઠી કરી અને એની સામે ધૂણો પ્રગટાવ્યો. પછી એણે પોતાની ગાંસડીમાંથી થોડોક લોટ કાઢ્યો અને મને રોટલી બનાવવા કહ્યું. હું રાંધવા મંડ્યો. વાતચીત કરતાં મને ખ્યાલ આવ્યો કે તે સાધુ મારવાડમાં રહેતો હતો. તે બદ્રી અને કેદારની તીર્થયાત્રાએ નીકળ્યો હતો. તે હરસથી પીડાતો હતો અને રસ્તામાં જ તે માંદો પડી ગયો. કોઈકે એના પૈસા પણ ચોરી લીધા હતા.

લોભી સાધુ

હું તે સાધુ સાથે વાતચીત કરતો હતો ત્યાં જ બીજૂ આવી પહોંચ્યો. તેણે સાધુ પાસેથી આગલા દિવસના પરિશ્રમ માટે મજૂરીના ચારઆના માગ્યા. સાધુ તો ગુસ્સે થયો અને કહ્યું કે એની પાસે પૈસા-બૈસા નથી અને તે એને એક પાઈ પણ નહિ દે. પરંતુ સાધુ પાસે પર્યાપ્ત સંપત્તિ હતી – વાસણ, કપડાં અને અન્ય વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ, વગેરે. જો એણે એમાંની કોઈ એકાદ વસ્તુ આપી દીધી હોત તો બીજૂ પૂર્ણતયા સંતોષ અનુભવત. એણે સાધુને એવું કહ્યું પણ ખરું. પણ સાધુ અટલ હતો. એને બીજૂ સાથે ઝઘડો થઈ ગયો અને અંતે તે આ વાત માટે મારા પર પણ ગુસ્સે થઈને કહેવા લાગ્યો કે મેં જ એને આગલે દિવસે બીજૂને ઉપાડવાનું કહ્યું હતું. મને ડર લાગ્યો કે એનો વધતો ગુસ્સો એને વધુ માંદો ન પાડી દે. એટલે મેં બીજૂને ચાલ્યા જવા કહ્યું. મેં તેને કહ્યું કે હું તેને પછીથી કંઈકને કંઈક આપીશ. બીજૂ ચાલ્યો ગયો.

મેં રોટલી પકાવીને સાધુને ભોજન કરાવ્યું. ત્યાર પછી સ્નાન કરીને હું ગામમાં ભીક્ષા માટે ચાલ્યો ગયો. એ દિવસે ગામવાળાઓએ મારા પર ઘણી દયા કરી. વાત સાંભળીને એમાંના એકે બીજૂને બે આના પણ આપી દીધા અને બીજા એક વ્યક્તિએ પછીથી બે આના આપવાનો વાયદો આપ્યો. આ રીતે એ ગ્રામવાસીઓએ મને ચારઆનાની ચૂકવણીમાંથી મુક્ત કર્યો.

પાશવી આચાર

જ્યારે હું ગામમાંથી પાછો ધર્મશાળામાં આવ્યો ત્યારે મેં જોયું તો પેલો સાધુ છેલ્લા શ્વાસ લેતો હતો. એનું ગળું કફથી રુંધાઈ ગયું હતું અને એના અધખૂલા મોં પાસે માખીઓ બણબણતી હતી. જ્યારે હું એને અહીં રાખીને ગયો ત્યારે તે આટલો જલદી પોતાના અંતિમ શ્વાસ લેશે આવી વાતનો મને આભાસ ન હતો. મેં જોરથી રાડ પાડી પણ હવે તે મારો અવાજ સાંભળી શકે તેમ ન હતો. હવે કોણ સાંભળશે? થોડા કલાકો પહેલાં આ જ માણસ પોતાની ચીજવસ્તુઓને છોડવા તૈયાર ન હતો. એ સાધુમાં માત્ર કૃતજ્ઞતાનો અભાવ હતો એટલું જ નહિ પરંતુ પોતાના જ હિતેચ્છુઓને પણ ભાંડતો. જે માણસ તેને આવા સુરક્ષિત અને આરામદાયક સ્થાને ઉપાડીને લાવ્યો હતો એ વ્યક્તિનું અપમાન કરવામાં ય એને જરાય સંકોચ કે શરમ થતાં ન હતાં. તેના દેહે અચાનક જ તેની આસપાસ બણબણતી એક માખીથી પ્રભાવિત બનીને પ્રતિક્રિયા કરી. પણ એ જ શરીર કે જે અત્યાર સુધી તેના અહંને ધારણ કરી રહ્યો હતો તે જ હવે આ બણબણતી માખીઓની કૃપા પર આધારિત હતી. જે ચીજ વસ્તુઓથી અત્યારસુધી પોતાની ઝોળી ભરી દીધી હતી હવે એ જ ઝપ્ત થઈ જવાની હતી. જ્યારે હું ગામમાં હતો ત્યારે ટિહરીના રાજાના અધિકારી-પટવારી અહીં આવ્યો અને એની બધી ચીજવસ્તુઓની યાદી બનાવીને જિલ્લાના અધિકારીના કાર્યાલયમાં લઈ ગયો. એ અંતિમ ક્ષણોમાં મેં થોડું ગંગાજળ એના મોઢામાં રેડ્યું અને પ્રભુના નામનું ઉચ્ચારણ એમના કાનમાં કર્યું. આ રીતે એ સાધુનું મરણ થયું. થોડા સમય પછી તેના મરણના સમાચાર સાંભળીને પેલો પટવારી ફરીથી આવ્યો અને એની બધી ચીજવસ્તુઓ ભેગી કરી લીધી. મને એ જોઈને આશ્ચર્ય થયું કે એના સામાન સાથે બે આના પણ હતા. મેં પટવારીને વિનંતી કરી કે એ બે આના મને આપી દે કે જેથી હું એ બે આના બીજૂને દઈને તેને આપેલા વચનથી હું મુક્ત બનું. મૃતદેહને હટાવવો એ મારા માટે સરળ કામ ન હતું. મને ઘણું દુ:ખ થયું. ગામમાં કોઈ પણ બ્રાહ્મણ કે રજપૂત સાધુની આ અંતિમક્રિયા ન કરે. બીજો કોઈ વિકલ્પ ન હતો. એટલે અંતે બે માણસોની મદદથી મૃતદેહને ગંગામાં વહાવી દીધો. આ પહાડી પ્રદેશોમાં અંતિમસંસ્કારનો આ સરળ ઉપાય છે. આને લીધે ભટવારીમાં મારા બે ત્રણ દિવસો પસાર થઈ ગયા.

Total Views: 22
By Published On: September 13, 2022Categories: Akhandananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram