શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી વિરજાનંદજી મહારાજના ગ્રંથ ‘પરમપદને પંથે’ માંથી ગુરુપૂર્ણિમાના પાવનપર્વ નિમિત્તે કેટલાંક ઉદ્ધરણો અહીં ભાવિકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. – સં.

ભગવાને જ્યારે તેમની અપારકૃપાથી સિદ્ધ ગુરુ મારફત તેમનો સિદ્ધમંત્ર આપ્યો છે, તેમને પામવાની ચાવી આપી છે, ત્યારે જાણજો કે તેમણે પોતાની જાતને તમને સોંપી છે. પછી તો તમને એ વસ્તુનો નિશ્ચય થવો જોઈએ. જો એ અમૂલ્ય રત્નને ગેરકાળજી અને બેદરકારીથી ખોઈ બેસો તો જાણજો કે તમે ઈશ્વરની કૃપા માટે અયોગ્ય છો. ઈશ્વરની કદર કરવી એટલે ગુરુદત્ત મંત્રની સાધના અને ઉપદેશનું સાચા અંત:કરણથી પાલન ઈશ્વરપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કરવું. ત્યારે ગુરુના ઋણનો કંઈક અંશે બદલો ચૂકવ્યો કહેવાય. ભગવાનને જેટલા તમે આત્મજનથીયે વધુ આત્મીય તરીકે ગણશો, તેટલા તમે તેમની કૃપાના અધિકારી થશો, તેમની કૃપાથી આ જન્મમાં જ જીવનમુક્ત, નિત્યાનંદમય થશો.

ઘણાયનો એવો ખ્યાલ છે કે સદ્‌ગુરુની પાસેથી મંત્રદીક્ષા લીધી એટલે તેમની કૃપાથી બધાં દુ:ખો દૂર થઈ જવાનાં, અસાધ્ય રોગ મટી જવાનો, મનમાની નોકરી મળવાની, સંસારમાં સુખસંપત્તિ સાંપડવાનાં, દીકરીઓને દેવાના દાયજામાંથી છૂટશું, સ્કૂલ-કોલેજની પરીક્ષામાં પાસ થઈ જશું, કોર્ટના કેસમાં ફાવવાના, ધંધા રોજગારમાં બરકત આવવાની, વહેવારની બળતરા, અશાંતિ દૂર થવાની, શનિની દશામાંથી છૂટશું ને એવું એવું બીજું કેટલુંય અલૌકિક અને અણધાર્યું થઈ જવાનું! એમણે જાણી લેવું ઘટે કે, દીક્ષા અથવા ધર્મપ્રાપ્તિની સાથે આ બધા ઐહિક લાભોના વેપારનો કશોય સંબંધ નથી, અને આ બધાં માટે ગુરુની પાસે મૂર્ખતાભરી માગણી કરવી એ એક હીનતા જ છે. એ ધાર્મિકતાનું લક્ષણ નથી. ગુરુ કાંઈ કર્તા, હર્તા, વિધાતા નથી. તેને આ બધાં સારુ પજવવા ને હેરાન કરવા એ અત્યંત ખરાબ છે. એથી તો તેના આશીર્વાદ કરતાં ઇતરાજીના જ પાત્ર થવાય છે. તેની સાથે માત્ર પારમાર્થિક બાબતનો સંબંધ હોય.

ગુરુ પ્રત્યે નિષ્કપટ શ્રદ્ધાભક્તિ રાખ્યા સિવાય આધ્યાત્મિક જગતમાં ઉન્નતિ પ્રાપ્ત કરી શકાય નહિ. ગુરુવાક્યને વેદવાક્ય સમજજો. ગુરુનો ઉપદેશ વગરવિચાર્યે પૂરા અંત:કરણથી પાલન કરવાનો પ્રયાસ કરજો, જો સત્ય વસ્તુની પ્રાપ્તિ કરવા ઇચ્છો તો. એટલું જાણજો કે ગુરુના સમું તમારું ઈહલોકપરલોકનું હિતાકાંક્ષી બીજું કોઈ નથી. ગુરુએ ઉપદેશેલા માર્ગે નિષ્ઠાની સાથે સાધના કરવી એ જ તેની સાચી સેવા. એથી જ એ સહુથી વધુ રાજી થાય.

સદ્‌ગુરુ મંત્રદીક્ષા દ્વારા શિષ્યને પોતાની સાધના દ્વારા મળેલું ગુણતત્ત્વ આપે, તેને વ્યાવહારિક બુદ્ધિના ગજથી માપવા બેસતા નહિ. એ કરવા જતાં, રીંગણાં વેચનારો કાછિયો જેમ હીરાની કિંમત રૂપે નવ શેર રીંગણાંથી વધુ એક રીંગણુંય દેવા તૈયાર ન થાય, તેના જેવું થાય. એ બધી વાદવિવાદની વસ્તુ નથી, ગુહ્ય ઘટના સહેલાઈથી સમજાય નહિ. ગુરુ-ઉપદેશમાં શ્રદ્ધા રાખી સાધનભજન કરીએ ત્યારે એ હૃદયંગમ કરી શકાય, પડદા પછી પડદા જાણે કે હટી જાય.

ગુરુમંત્રની પ્રાણાંત સુધી સાધના અને ગુરુનો ઉપદેશ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન જ યથાર્થ ગુરુદક્ષિણા. એ જ ગુરુની પ્રીતિ મેળવવાનો અને પોતાને માટે સિદ્ધિપ્રાપ્તિનો શ્રેષ્ઠ ઉપાય.

ભગવાન જ ગુરુના ગુરુ, પરમગુરુ, એ જ મંત્ર ચલાવનાર. માનવગુરુ તો તેના યંત્ર સ્વરૂપ, કે જેના દ્વારા તેની શક્તિ શિષ્યમાં સંચારિત થાય.

Total Views: 217

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.