સ્વામી તુરીયાનંદ મહારાજની જન્મતિથિ (૧૫-૧-૧૯૯૫) પ્રસંગે

(સ્વામી વિવેકાનંદજીના એક ગુરુભાઈ સ્વામી તુરીયાનંદજી મહારાજે જુદા જુદા સમયે પોતાના વાર્તાલાપ અને પત્રો દ્વારા સ્વામીજી વિશેના પોતાના સંસ્મરણોનું વર્ણન કર્યું હતું. જેનું એક સંકલન ઉદ્બોધન કાર્યાલય કલકત્તાથી ‘સ્મૃતિર આલોય સ્વામીજી’ નામના બંગાળી ગ્રંથમાં પ્રકાશિત થયેલ છે. પ્રસ્તુત લેખ તેમાંથી ગૃહીત અને પુનઃ સંયોજિત થઈ હિન્દી પત્રિકા ‘વિવેક જ્યોતિ’માં પ્રકાશિત થયેલ તેમાંથી સાભાર લીધેલ છે.)

એક વાર મેં સ્વામીજીને શ્રીરામકૃષ્ણ વિશે પૂછ્યું હતું. જવાબમાં તેઓએ મને કહ્યું, “ઠાકુર વિશે વધુ શું કહું? તેઓ ‘L.O.V.E. Personified’ (મૂર્તિમંત પ્રેમ) હતા.”

સ્વામીજીએ પોતાની માતા તથા ભાઈઓના ભરણ-પોષણની કંઈક વ્યવસ્થા કરવા માટે શ્રીરામકૃષ્ણને કહ્યું હતું કે તેઓ મા કાલીને તેના માટે અનુરોધ કરે. તે માટે શ્રીરામકૃષ્ણે જવાબ આપ્યો હતો “શું કહે છે રે? હું તો આ પ્રકારની વાત માને નહિ કહી શકું.” બહુ જ અનુનય – વિનય ક૨વાથી તેઓએ કહ્યું “જા, તું કાલીમંદિરમાં જઈ પ્રાર્થના ક૨, જે ઈચ્છીશ, તે જ પામીશ.” ઠાકુર જાણવા માગતા હતા કે નરેન શું માંગે છે. અતિશય આતુરતાથી તેઓ પોતે બહા૨ ઊભા રહી પ્રતીક્ષા કરતા રહ્યા. થોડી વાર પછી સ્વામીજી બહાર આવ્યા “કેમ રે, શા માટે રડી રહ્યો છે? માંગી લીધુંને? શું માંગ્યું? બતાવ તો!” રડતાં રડતાં જ તેઓ બોલ્યા, “બીજું તો કશું માગી શક્યો નહી, કહ્યું ‘મા જ્ઞાન દે, વિવેક દે, ભક્તિ દે, એ સાંભળતાં જ ઠાકુરે તેને પ્રગાઢ આલિંગનમાં જકડી લીધો. આનાથી તેઓ ખૂબ જ આનંદિત થયા હતા. ત્યાર પછી ઠાકુરે અમને કહ્યું “જુઓ તો, કેવો અધિકારી પુરુષ છે! બીજું કશું માગી ન શક્યો. અંત૨માં કોઈ કુટિલતા છે જ નહિ; તો બહાર ક્યાંથી આવશે?

સ્વામીજીનું હૃદય કેટલું વિશાળ હતું! એક વખત ઠાકુરે એક વ્યક્તિના ચરિત્ર વિશે અત્યંત રુષ્ટ થઈને તેને ઘે૨ આહારાદિ લેવાની બધાને મનાઈ કરી દીધી હતી. બીજાઓ પાસેથી આ વાત સાંભળીને એક દિવસ સ્વામીજી બે ગુરુભાઈઓને સાથે લઈને એ વ્યક્તિના ઘેર ગયા અને પેટ ભરી ખાઈ આવ્યા. પછી દક્ષિણેશ્વર પહોંચીને બધું જ સ્પષ્ટ રૂપે શ્રીરામકૃષ્ણને બતાવી દીધું. ઠાકુર તો બહુ જ નારાજ  થયા. સ્વામીજી ખૂબ રડવા લાગ્યા. તે પછી એક દિવસ તેઓ તે વ્યક્તિને ઠાકુરની પાસે લઈ જઈને તેના વતીથી ખૂબ જ અનુનય – વિનય કરવા લાગ્યા, “એવું કરી દો જેથી આની ઉન્નતિ થાય. આ જ જીવનમાં તેને ધર્મલાભ થાય.” શ્રીરામકૃષ્ણે કહ્યું, “ના, આ જન્મે નહિ થાય, સ્વામીજીએ ફરી આગ્રહપૂર્વક કહ્યું, “આપ કૃપા નહિ કરો તો આ ક્યાં જશે? ઠાકુરે ફરીથી કહ્યું, “શું કરું? કહું છું તો ખરો નહિ થાય.” ફરી અનુરોધ: “આપ જો ત્યાગી દેશો તો તેનો ઉદ્ધાર કેવી રીતે થશે? અંતે ઠાકુરે કહ્યું, “જા, જા, આ સમયે ચાલ્યો જા.” પછી કહી જ દીધું, “જા મૃત્યુ સમયે મુક્તિ થઈ જશે.”

ધ્યાન ધારણાનું પ્રત્યક્ષ ફળ ન જોઈને સ્વામીજીએ શ્રીરામકૃષ્ણને ફરિયાદ કરતાં કહ્યું હતું, “કંઈ જ તો નથી થતું, શું કરું? વગેરે. જવાબમાં શ્રીરામકૃષ્ણે કહ્યું, “કેમ રે! હું તો તને કેટલો મહાન સમજું છું. જે ધંધાદારી ખેડૂત હોય છે તેઓ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ આદિની ચિંતા નથી કરતા. ખેતી કરવી એનો સ્વભાવ હોય છે. ચાહે પાક થાય, ચાહે ન થાય. નિશ્ચિત ફળની આશા ન હોય તો પણ તે ખેતી છોડી કંઈ જ નથી કરી શકતો.”

લાટૂ મહારાજ (સ્વામી અદ્ભુતાનન્દ) સમય અસમય સૂઈ જતા હતા. એટલા માટે ઠાકુર એક વખત નારાજ થયા. તેઓને ત્યાંથી કાઢી મૂકવા માગતા હતા. અંતે સ્વામીજીએ વચ્ચે પડીને બધી સમસ્યાઓનો નિવેડો લાવી દીધો હતો. એટલે લાટૂ મહારાજ કહ્યા કરતા હતા, “જો કોઈ સાચો ગુરુભાઈ હોય તો વિવેકાનંદ જ છે.” સારદા (સ્વામી ત્રિગુણાતીતાનંદ) મઠ છોડીને ઘરે જવા ઈચ્છુક થતાં મહારાજ (સ્વામી બ્રહ્માનંદ) તેઓને સમજાવી રહ્યા હતા, “શા માટે જઈશ? નરેનને છોડીને ક્યાં જઈશ? આટલો પ્રેમ બીજે ક્યાં મળશે? હું પણ ઈચ્છું તો ઘરે જઈને રહી શકું છું. તો પણ હું અહિં શા માટે પડ્યો છું? આ એક નરેનના પ્રેમના કારણે.”

પરિવ્રાજક અવસ્થામાં એક વાર સ્વામીજીએ વૃન્દાવનમાં વર્ષાથી ભીંજાતાં – ભીંજાતાં એક કુટિરમાં પ્રવેશ કર્યો. અતિશય વરસાદના કારણે ચાલવાનું અશક્ય હોવાથી તેઓ ત્યાં જ પ્રતીક્ષા કરવા લાગ્યા. તેઓનું મન તે સમયે બહુ જ હતાશ થઈ ગયું હતું. સંભવતઃ તે કુટિરમાં ક્યારેક કોઈ સાધુ રહેતા હતા. સ્વામીજીએ અચાનક દીવાલ પર જોયું, ત્યાં કોલસાથી લખેલ હતું –

“ચાહ ચમારી ચૂહરી અતિ નીચન કી નીચ।

મૈં તો પૂરન બ્રહ્મ થા, જો તૂ ન હોતી બીચ।।”

અર્થાત્ “હે કામના, તૂં ચમારણ છો, મહેતરાણી છો, તું અધમમાં પણ અધમ છો. જો તું વચ્ચે ન આવી હોત તો હું પૂર્ણ બ્રહ્મ જ હતો.” આ વાંચીને સ્વામીજીને ખૂબજ આનંદ થયો હતો.

અમે લોકો ઋષિકેશમાં સાથે હતા. સ્વામીજી એક જુદી કુટિરમાં રહેતા હતા. સવારે તેઓ અમારી સાથે ચા પીવા આવતા હતા. દરરોજ ઉત્તર પ્રદેશના એક સાધુ ત્યાં બેસીને ગીતા પાઠ કરતા હતા. તેઓ ખૂબ ભણેલા – ગણેલા ન હતા. પાઠમાં હંમેશાં ભૂલો થયા કરતી. તેઓ ‘ગુડાકેશ’ શબ્દનો વારંવાર ઉચ્ચાર ‘ગુડ્ડાકેશન’ કરતા. આ સાંભળી સ્વામીજીએ ખૂબ જ પ્રયત્ન અને ખાસ સહાનુભૂતિપૂર્વક તેને સુધાર્યો. પછી તેઓ અમને કહેવા લાગ્યા, “તમે લોકો રોજ આ ખોટા ઉચ્ચાર સાંભળો છો, અને તેને સુધારતા નથી? અંતમાં સ્વામીજીએ તેઓને કહ્યું “મહારાજ, આપ ગીતા કરતાં સરળ વિષ્ણુસહસ્રનામનો પાઠ કરો, તો અનાયાસ જ શુદ્ધ પાઠ કરી શકશો, અને ભગવાનના નામોચ્ચારનો આનંદ પણ પામશો.”

તેઓ ઈચ્છતા હતા કે અમે બધાં બધી રીતે સ્વાવલંબી થઈ જઈએ. એટલા માટે તેઓ અમને જોડા સીવવાથી માંડીને ચંડી-પાઠ સુધીના બધાં કાર્યોનું શિક્ષણ દેતા હતા. એક તરફ તો તેઓ વેદાન્ત, ઉપનિષદ, સંસ્કૃત નાટક વગેરે વાંચતા તથા વ્યાખ્યા કરતા, બીજી બાજું ભોજન પકવાન પણ શીખવતા. બીજું પણ શું શું શીખવતા હતા, તે શું કહું? મેરઠની એક દિવસની ઘટના હંમેશ માટે હૃદયાંકિત થઈ ગઈ છે. તે દિવસે સ્વામીજીએ પુલાવ વગેરે રાંધેલ, તે એટલો સ્વાદિષ્ટ હતો કે શું વાત કરું! “સરસ થયેલ છે” અમારા કહેવાથી તેઓએ બધું જ અમને જમાડી દીધું. પોતે જીભે પણ ન અડાડ્યું. અમારા કહેવાથી બોલ્યા “મેં આ બધું ખૂબજ ખાધું છે, તમને લોકોને ખવડાવવાથી મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. બધું ખાઈ જાઓ.” ઘટના સાધારણ જ છે. પરંતુ હૃદયમાં અંકિત થઈ ગઈ છે. અમારું કેટલું જતન કરતા, કેટલો સ્નેહ કરતા, કેટલી કથા વાર્તાઓ જણાવતા, સાથે કેટલું હરતા-ફરતા? બધું સ્મૃતિપટલ પર ઝગમગી રહ્યું છે. ત્યાંથી સ્વામીજી એકલા જ રવાના થયા. જોકે દિલ્હીમાં એક વાર ફરી મુલાકાત થઈ હતી, અને સાથે લગભગ એકાદ માસ રહેવાનું પણ થયું હતું, પરંતુ ત્યાર પછી તેઓ સીધા આઠ વર્ષ બાદ જ વિશ્વવિજયી બની મઠમાં પાછા ફર્યા હતા. આ દરમિયાન એક વખત મુંબઈમાં સ્વામી બ્રહ્માનંદજી અને મારા સાથે માત્ર થોડા દિવસ પૂરતી મુલાકાત થઈ હતી. હવે સ્વામીજી ઈશ્વર પાસે છે. એમની સ્મૃતિઓ અમારી જીવનસંગિની બની રહી છે. તે જ અમારું ધ્યાન જ્ઞાન છે, એ જ અમારા જપ, તપ અને સંવાદનો વિષય છે.

સ્વામીજી એ સમયે મુંબઈમાં એક બૅરિસ્ટરને ત્યાં રહ્યા હતા. હું અને મહારાજ (સ્વામી બ્રહ્માનંદ) શોધતાં શોધતાં ત્યાં પહોંચ્યા. સ્વામીજી ધૂમ્રપાન કરી રહ્યા હતા. અમને જોતાં જ હૂક્કો હાથમાં લઈ અમારી તરફ આગળ વધ્યા. તે વખતે તેઓ એક શ્લોકનો ઉચ્ચાર કરી રહ્યા હતા

“અહંકારં સુરાપાનં ગૌરવં ઘો૨ રૌ૨વમ્।

પ્રતિષ્ઠા શૂકરી વિષ્ટા ત્રયં ત્યકત્વા સુખી ભવ।।”

અર્થાત્ અહંકાર સુરાપાન સમાન છે. ગર્વ ભીષણ ન૨ક સમાન કષ્ટકર છે, પ્રતિષ્ઠા શૂકરી – વિષ્ટાની માફક ધૃણિત સમજો, અને આ ત્રણે દોષોથી મુક્ત થઈ સુખી થઈ જાઓ.

શ્લોક સાંભળીને મારી એ ધારણા નિશ્ચિત થઈ ગઈ હતી કે સ્વામીજી ઉક્ત ત્રણે દોષોથી મુક્ત થઈ ગયેલ છે. પછી વિભિન્ન ચર્ચા બાદ અમારી સાથે જ ચાલ્યા આવ્યા અને બોલ્યા “ભાઈ, ધર્મ કર્મ કેટલું થયું તે તો ખબર જ નથી, પણ હવે ખૂબ જ Feel (સહાનુભૂતિ અનુભવ) કરું છું. બધા માટે પ્રાણ વ્યાકુળ થઈ ક્રન્દન કરે છે, તે અનુભવું છું.” સ્વામીજીની આ વાતથી અમને બુદ્ધદેવનું સ્મરણ થઈ રહ્યું હતું. તે વખતે સ્વામીજીનું શરીર ખૂબ જ સ્વસ્થ હતું અને ચહેરો સુંદર જ્યોતિર્મય હતો.

સ્વામીજીમાં બધા પ્રકારના લોકો સાથે હળવા-મળવાની અદ્ભુત ક્ષમતા હતી. પરિવ્રજ્યાના દિવસોમાં એક વખત અમો બન્ને ટ્રેનમાં જઈ રહ્યા હતા. ત્રીજા વર્ગના ડબ્બામાં ઘોડાના થોડાક સઈસ સાથે સ્વામીજી ચર્ચામાં મગ્ન થઈ ગયા. મેં પૂછ્યું “શું વાતો થઈ રહી છે? બોલ્યા “તે લોકો ઘણી બધી વાતો જાણે છે. રેસના ઘોડાની કેવી રીતે સંભાળ કરવી પડે છે. ક્યા નિયમો અનુસાર એને વ્યાયામ, માલિશ આદિ ક૨વામાં આવે છે, ઘોડાની ગતિ વધા૨વા તેને કેવો આહાર દેવામાં આવે છે, વગેરે બધી વાતો મેં સાંભળી લીધી. ખૂબ આનંદ આવ્યો. બધા પાસે શીખવા યોગ્ય કંઈક હોય છે.”

અને એક વાર કલકત્તામાં એક વ્યક્તિના ઘરે અમે બંને ગયા હતા. મેજ પર ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગર મહાશયના ‘બાલબોધ’નો પ્રથમ ભાગ પડ્યો હતો. ઘણા લાંબા સમય સુધી સ્વામીજી તેને ઉથલાવીને જોતા રહ્યા. બોલ્યા, “બહુ જ આત્મીયતા સાથે બાળકના મનની સાથે ઘનિષ્ઠ એક્તાનો અનુભવ કરી અને ક્રમશઃ ભાષા શીખવવાની આ અતિ સુંદર પ્રણાલી છે. આ વિદ્યાસાગર મહાશય જેવા શિક્ષકને અનુરૂપ છે. આમાં ભાષાના વિદ્યાર્થીઓના જ્ઞાનના વિભિન્ન સ્તરો અનુસાર વર્ણ તથા વાક્ય-વિન્યાસને બરાબર પ્રસ્તુત કરવામાં આવેલ છે.”

સ્વામીજી પહેલી વાર અમેરિકા જઈ રહ્યા હતા, હું મુંબઈના રસ્તે ઘણે દૂર સુધી તેમની સાથે ગયો હતો. રેલમાં જતાં જતાં તેઓએ ગંભીર થઈ મને કહ્યું, “અમેરિકામાં જે જે બધી તૈયારી થઈ રહી છે, અને જે સાંભળવામાં આવે છે, તે બધું આ (પોતાના શરીરને દેખાડી)ને માટે છે. મારું મન એમ કહી રહ્યું છે – તુરત જ જોઈ શકશો.”

સ્વામીજીએ સ્પર્શ કરી કીડીના મનમાં ઈશ્વર પ્રત્યે વિશ્વાસનો સંચાર કરી દીધો હતો. કીડી બહુ જ નાસ્તિક હતી. કેમકે ક્યારેક ક્યારેક સ્વામીજીમાં મહાન શક્તિનો પ્રાદુર્ભાવ થતો હતો, ત્યારે તેઓ સ્પર્શમાત્રથી કોઈના અંતરમાં ધર્મભાવ પ્રવિષ્ટ કરાવી દેતા હતા.

સ્વામીજી ખરેખર જ બીજાઓની સહાય કરવા સમર્થ હતા. તેઓ પાસે એવી કોઈ ગોપ્ય વસ્તુ ન હતી, જે તેઓ અન્ય કોઈને ન આપી શકે. આપણી તો એ જ કઠણાઈ છે. એ જ ભય રહેતો કે કોઈ આપણાથી મહાન ના થઈ જાય. પરંતુ સ્વામીજી તો એટલા મહાન હતા કે તેઓને આ ભય ન હતો. તેઓમાં ઈર્ષ્યા ન હતી. તેઓ કહેતા હતા, “જે જ્યાં છે, તેને ત્યાંથી જ મદદ કરો. જેમાં જે અપૂર્ણતા હોય, તેને દૂર કરી દો. આ ન કરી શકો તો બળપૂર્વક તેને પોતાના સમાન બનાવવાનો પ્રયત્ન ન કરો.”

તેઓમાં અદ્ભુત શક્તિ હતી. અનેક લોકોને તેઓએ પ્રભાવિત કર્યા હતા. પરંતુ બહુ જ થોડા લોકો આ વાતનો સ્વીકાર કરે છે. ઘણા બધા લોકો સ્વામીજીના વિચારોને જ પોતાના વિચારો-રૂપે પ્રચારિત કરે છે.

સ્વામીજી અમેરિકાથી પાછા આવી ગયા હતા. તેમને જોવા ખૂબ ભીડ એકઠી થઈ હતી. જી.સી. (ગિરીશબાબુ)ને તેઓએ પોતાનાં ચરણોનો સ્પર્શ કરવા ન દીધો. બોલ્યા, “તેનાથી મારું અમંગળ થશે.” સ્નેહપૂર્વક તેઓએ માસ્ટર મહાશયની દાઢી પકડી હલાવી દીધી.

સ્વામીજીએ વારંવાર કહ્યું હતું “એવા અનેક વિચાર આપી જઈ રહ્યો છું, જેનાથી આવતાં બસો વર્ષો સુધી અન્ય કોઈએ કશું કરવું નહિ પડે, માત્ર તેના પર આંગળી ફે૨વવાથી કામ સરી જશે.” સ્વામીજી ધુમ્રપાન વગેરે કરતા તેથી અમારા લોકોમાંથી જ કોઈએ એક વખત સ્વામીને કહ્યું હતું “જુઓ, તમારી આદતો સુધારવાની આવશ્યક્તા છે; નહિ તો મારે તમારે માટે અનેક લોકો પાસે જવાબ દેવો પડે છે.” તેમણે વિચાર્યું હતું કે આ વાતથી સ્વામીજી ખૂબજ પ્રસન્ન થશે, તથા તેમના પ્રતિ કૃતજ્ઞતા પ્રકટ કરશે. પરંતુ તેઓએ ખૂબજ શાંત સ્વરમાં જવાબ આપ્યો, “તું તારું કામ કર, મારો બચાવ કરવાની તારે કોઈ જરૂર નથી.” સ્વામીજી કેટલા શક્તિશાળી હતા! સર્વદા આત્મનિર્ભર હતા. કોઈનો સહારો કે કોઈની (ભલામણ) ૫૨ પોતાને નિર્ભર થવાનું, તેમના સ્વભાવમાં જ ન હતું.

એક વખત જ્યારે કોઈ સ્ટેશન પર સ્ટેશન માસ્ટરે થોડા અંગ્રેજ યાત્રિકો માટે જગ્યા કરવા બીજા વર્ગના ડબ્બામાંથી સ્વામીજીને ઉતા૨વાનો પ્રયત્ન કર્યો, ત્યારે સ્વામીજીએ તેને કહ્યું હતું “મને ઊતરવાનું કહેતાં તને શરમ નથી આવતી? તે લોકોને જ ઉતારી દો!” બિચારો સ્ટેશન માસ્ટર! વઢ સાંભળીને ત્યાંથી ચાલ્યો જવા લાચાર થયો.

એક વખત કલકત્તામાં પ્લેગનો તીવ્ર પ્રકોપ થયો હતો. સ્વામીજી મઠની જમીન તથા મકાન વેચીને રોગીઓની સેવા માટે પૈસા પ્રાપ્ત કરવા તૈયાર થયા. અને એના માટે જાહેરાત પણ આપી દીધી હતી. સ્વામીજીએ કહ્યું હતું “અમે સંન્યાસી છીએ. અમે ઝાડ નીચે રહેવા ટેવાયેલા છીએ. જો જરૂરત પડે તો વૃક્ષ નીચે જ પડ્યા રહીશું.”

સ્વામીજી ખૂબ જ રમુજી હતા. એક દિવસ અમારાથી કામ કરતાં કરતાં છરીનો આગળનો ભાગ તૂટી ગયો. તૂટવાથી હું ઉદાસ મને બેઠો હતો. સાંભળીને સ્વામીજીએ કહ્યું, “તે તો એવી જ રીતે નષ્ટ થશે, તેને ઝાડા, વાત, પિત્ત, વગેરે રોગ નહીં થાય.” એમની વાત સાંભળી હું હસી પડ્યો. કેવી સુંદર વાત એમણે કરી!

અમેરિકામાં એક સ્ત્રીને સ્વામીજીએ જોઈ તો તે તેઓને સુંદર લાગી. કોઈ ખરાબ ભાવનાથી નહિ, એમ જ ફરી એક વખત જોવાની ઈચ્છા થઈ. એ વખતે જોયું, “ક્યાં સુંદર છે! વાંદરીનું મોઢું દેખાયું!” અને એક વાર તેઓએ કહ્યું હતું કે તેમણે સ્વપ્નમાં પણ ક્યારેય કોઈ સ્ત્રીને જોઈ નથી. પરંતુ એક દિવસ સ્વપ્નમાં ઘૂંઘટ કાઢેલ એક સ્ત્રી જોઈ. તે ઘણી સુંદર પ્રતીત થઈ. તેઓ તેનો ઘૂંઘટ હટાવીને જોવા ગયા, જેવો ઘૂંઘટ હટાવ્યો, જોયું તો ઠાકુર હતા. સ્વામીજી અતિશય લજ્જિત થઈ ગયા.

ભાષાંતર: પ્રો. કુ. નિરુપમા એમ. રાવલ

(‘વિવેક જ્યોતિ’ જાન્યુઆરી – ફેબ્રુઆરી – માર્ચ ૧૯૯૩ના અંકમાંથી સાભાર)

Total Views: 141

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.