(ગતાંકથી આગળ)

આ બધું જોઈજાણીને હિરણ્યકશિપુ ખૂબ ચિંતા કરવા લાગ્યો. સ્તબ્ધ બનેલ શુક્રાચાર્યે અને બીજાએ હિરણ્યકશિપુને આટલી ચિંતા ન કરવાનું કહ્યું . તેનો પુત્ર હજી નાનો હતો અને યોગ્ય માર્ગદર્શન હેઠળ ઉંમર લાયક થતાં તેનાં વિચા૨વર્તનમાં જરૂર પરિવર્તન આવશે, એમ પણ કહ્યું . એમના આ શબ્દો સાંભળીને તેનાં ક્રોધચિંતા ઓછાં થયાં. તેણે પ્રહ્લાદને ફરીથી ગુરુ પાસે મોકલ્યો. તેમના શિક્ષકોએ પ્રહ્લાદને ફરીથી આ ભૌતિક ગુણો અને રાજાની ફરજો વિશે શીખવ્યું પણ એમનું આ શિક્ષણ એને ગળે ન ઊતર્યું. પરિણામે એક પ્રસંગે જ્યારે શિક્ષકો હાજર ન હતા ત્યારે પ્રહ્લાદે પોતાના સહપાઠીઓને ભગવાન વિષ્ણુના મહિમા અને આ ભૌતિક સુખ-આદર્શોની નશ્વરતા વિશે માંડીને વાત કરી. પ્રહ્લાદની વાણી અને તેના દિવ્યભાવથી આકર્ષાઈને બધા સહપાઠીઓએ પોતાની ચીજવસ્તુઓ ફેંકી દીધી અને તેની આસપાસ વીંટળાઈ ગયા. એમની નજર અને એમના હૃદય પ્રહ્લાદમાં સ્થિર થઈ ગયાં હતાં. પ્રહ્લાદે એમને સર્વશક્તિમાન પ્રભુ મહાવિષ્ણુની પૂજાનો પથ બતાવ્યો હતો.

નિર્મળ અને પવિત્ર મનના અસુ૨પુત્રોએ પ્રહલાદના માર્ગદર્શનને સ્વીકાર્યું. એમના શિક્ષકોએ શીખવેલ ભૌતિક સુખઆદર્શોની એમને હવે જરાય પડી નહોતી. શિક્ષકોએ જોયું કે આ બાળકોનાં મન મૂળ સત્યનાં ધ્યાનચિંતનમાં જ લાગેલાં રહે છે, તેઓ પ્રભુના અનુરાગી બન્યાં છે. બાળકોના આ અવનવા વિકાસથી તેઓ ગભરાઈ ગયા. તેમણે બધી વાત હિરણ્યકશિપુને કરી. આ સાંભળીને તેનો દેહ ભયંકર ક્રોધથી કાંપવા લાગ્યો. પોતાના હાથમાં તલવાર લઈને તે સિંહાસન પરથી કૂદ્યો. એણે પ્રહ્લાદને મારી નાખવાનો પાકો નિર્ણય કરી લીધો હતો. નિર્દય, ઘાતકી હિરણ્યકશિપુએ પ્રહ્લાદ પર આકરો વાણીપ્રહાર કર્યો. પૂરેપૂરી વિનમ્રતા સાથે પોતાની સામે ઊભેલા પુત્રને નજીક બોલાવીને કહ્યું: દુષ્ટ, દુરાચારી, કુળદ્રોહી, હું હમણાં જ તને યમદ્વારે પહોંચાડું છું. તું મારી સત્તાને પડકારે છે ? મારી આજ્ઞાનું, આદેશોનું સતત નિર્ભયપણે ઉલ્લંઘન કરવા પ્રે૨નાર તારી આ શક્તિનું મૂળ સ્રોત ક્યાં છે, એ બતાવ તો ખરો ?’ પ્રહ્લાદે ઉત્તર આપ્યોઃ ‘પિતાજી, મારા માટે જ નહીં, તમારા માટે પણ બ્રહ્મથી માંડીને

ઘાસના તણખલાનું નિયંત્રણ કરે છે એ જ સર્વોચ્ચ પ્રભુ આ શક્તિનું મૂળ સ્રોત છે.’ પ્રહ્લાદનો દૃઢ ઉત્તર સાંભળીને હિરણ્યકશિપુને આઘાત લાગ્યો. ક્રોધભર્યા સ્વરે તે બોલ્યો : ‘અરે મૂર્ખ ! તું આ બુદ્ધિહીન અને મિથ્યાભિમાનભરી વાત કરે છે. હવે તું મૃત્યુને જ ભેટીશ. મારા સિવાય તું કહે છે તેવો પ્રભુ વિષ્ણુ, વિશ્વંભર છે ક્યાં ?’

પ્રહ્લાદે શાંતિથી કહ્યું : ‘ભગવાન વિષ્ણુ સર્વત્ર રહેલા છે.’ હિરણ્યકશિપુએ તેમની સામે રહેલા થાંભલા તરફ આંગળી ચીંધીને કહ્યું : ‘તારો પ્રભુ ત્યાં પણ છે ?’ પ્રહ્લાદે કહ્યું : ‘હું એને ત્યાં પણ જોઉં છું.’ હિરણ્યકશિપુએ કહ્યું : ‘હું, સમગ્ર વિશ્વનો સ્વામી તારું માથું ધડથી જુદું કરી દઉં છું, ભલે તારો વિષ્ણુ તને બચાવી લેતો.’ આ સાથે પ્રહ્લાદે કહ્યું હતું કે તે તેમાં હરિને જુએ છે. એ થાંભલા પર પોતાની વજ્ર જેવો મૂઠો માર્યો. અચાનક એ થાંભલામાંથી ધ્રુજાવી દેતો અવાજ આવ્યો. એ સાંભળીને દેવોને પણ લાગ્યું હવે આ બ્રહ્માંડનો નાશ નજીક છે. હિરણ્યકશિપુને આઘાત આશ્ચર્ય પમાડે તે રીતે ભગવાન મહાવિષ્ણુ નરસિંહના રૂપે થાંભલામાંથી પ્રગટયા. ભગવાન નરસિંહનું સ્વરૂપ ભયાવહ હતું. તેમની તીક્ષ્ણ, તેજીલી આંખો, ધારદાર છરી જેવી જીભ, મોટા ફણાવાળું બરછટ નાક, રાક્ષસી લાંબા દાંતનખ, ભય પમાડતાં હતાં. તેના કાન સીધા હતા, તેનું ખુલ્લું મોં અને નસકોરાં કોઈ વિચિત્ર પર્વતની ખીણ જેવાં હતાં. તેની ગરદન ટૂંકી અને જાડી હતી. તેની છાતી પહોળી હતી. તેને ધારદાર નખવાળા અસંખ્ય બાહુઓ હતા. હિરણ્યકશિપુની સામે જે નરસિંહ રૂપ હતું, તેની સામે કોઈ ઊભું રહી શકે તેમ નહોતું. બધા દાનવો એમને જોઈને ભાગવા માંડયા.

આવા ભયાનક સ્વરૂપવાળા નરસિંહને જોઈને હિરણ્યાકશિપુએ વિચાર્યું : ‘આ બધું કળાચતુર હરિની મને હણી નાખવાની એક યુક્તિ છે. પણ હું જોઉં છું કે આ હિર મારું શું બગાડી લે છે.’ આમ વિચાર કરતાં કરતાં તે નરસિંહ ભગવાન તરફ ધસી ગયો. ભયંકર ગર્જના સાથે તેણે પોતાની શક્તિશાળી ગદાથી તેના પર મહાપ્રહાર કર્યો. ભગવાને હિરણ્યકશિપુને પકડી લીધો. નરસિંહના હાથમાંથી મુક્ત થઈને તે ફરી પાછો તલવાર અને ઢાલ સાથે ભયંકર ગર્જના કરીને લડવા માંડ્યો. ત્યાં તો સૂર્યાસ્ત થયો અને ભગવાને એમને ફરીથી પોતાના બાહુમાં જકડી લીધો. ઘરના ઉંબરા પર બેસીને હિરણ્યકશિપુને પોતાની જાંઘ પર રાખીને અસુરના દેહને ઘડીભરમાં પોતાના તીક્ષ્ણ નખદાંતથી ચીરી નાખ્યો. નરસિંહ પ્રભુની બંને આંખોમાં ક્રોધ ચમકતો હતો. એની જીભ મોંમાં રહેલા રક્તમાંસને ચાટતી હતી. તેનું નાક લોહીથી ખરડાયેલું હતું અને તેની ગરદનની આસપાસ પેલા મૃત્યુ પામેલાં અસુરનાં આંતરડાં લટકતાં હતાં. ભગવાન વિષ્ણુનું આ ભયાનક નરસિંહ રૂપ જોવું પણ આકરું થઈ પડે તેવું હતું. હિરણ્યકશિપુના મૃતદેહને દૂર ફેંકીને બીજા અસુરો અને તેમના અનુયાયીઓને હણી નાખ્યા. પછી નરસિંહ ભગવાન રાજસિંહાસન પર બિરાજ્યા.

દેવદેવીઓ, ઋષિઓ, તપસ્વીઓ, દૂર રહીને નરસિંહ પ્રભુનાં ગુણગાન કરવા લાગ્યાં. એમના કોઈએ આવા ન જોયેલા જાણેલા ભયંકર રૂપની નજીક જવાની હિંમત ન કરી. બ્રહ્માજીએ નરસિંહ પ્રભુને શાંત કરવા પ્રહ્લાદને વિનંતી કરી. બ્રહ્માજીની આજ્ઞાને માન આપીને પ્રભુના મહાન ભક્ત પ્રહ્લાદજી ધીમે ધીમે આગળ વધ્યા અને બંને હાથ જોડીને, નરસિંહ પ્રભુને પાયલગણ કર્યાં. ભક્તની ભક્તિવંદના જોઈને પ્રભુજી શાંત બન્યા અને પ્રસન્ન થઈને પ્રહ્લાદને ઊંચકી લીધો. પોતાના બન્ને દિવ્યબાહુ પ્રહ્લાદના મસ્તકે રાખ્યા. પ્રભુના દિવ્યસ્પર્શથી પ્રહ્લાદનું હૃદય દિવ્ય પ્રેમભક્તિભાવથી ભરાઈ ગયું. તેણે દિવ્યરોમાંચ અનુભવ્યો અને તેની આંખોમાંથી ભાવપૂર્ણ આંસું વહેવાં લાગ્યાં. તે અનન્ય પ્રેમભાવથી પ્રભુનાં ગુણગાન ગાવા લાગ્યો. પ્રહ્લાદની ભાવભક્તિથી ભગવાન નરસિંહ પ્રસન્ન થયા અને કહ્યું : ‘વત્સ, તું જે માગીશ તે વરદાન તને આપીશ.’

પરંતુ ભક્ત પ્રહ્લાદ જાણતા હતા કે આ બધાં વરદાન પ્રભુભક્તિ અને પ્રભુપ્રેમ આડે બાધારૂપ છે. તેણે સ્મિત કરતાં કહ્યું : ‘હે પ્રભુ, આ વરદાનો આપીને મને લલચાવોમાં, જે ભક્ત તમારી પાસે કૃપા કે વરદાનની માગણી કરે તે સાચો ભક્ત નથી. પણ એ એક વેપારી છે. પ્રભુજી, જો આપ મને ચોક્કસ વરદાન આપવા માગતા હો તો મને એવું વરદાન આપો કે મારા મનમાં ક્યારેય આવી ઇચ્છાઆસક્તિ ઊભી ન થાય.

ભગવાન વિષ્ણુએ કહ્યું : ‘તારા જેવા પૂર્ણહૃદયની ભાવભક્તિવાળા ભક્તો આ દુનિયાનાં કે પરલોકનાં સુખાનંદ ઝંખતા નથી. છતાંય હું તને વરદાન આપું છું કે તું દીર્ઘકાળ સુધી આ અસુરોનો રાજા ૨હેજે, રાજ્યનાં સુખસમૃદ્ધિ ભોગવજે. તારાં હૃદયમનમાં મને ધારણ કરીને બધાં કર્મો મને અર્પણ કરીને મને ભજજે. એને લીધે કર્મનાં બંધનો તૂટશે અને તારી કીર્તિ ત્રિલોકમાં વ્યાપશે અને અંતે તું મને પામીશ.’

પ્રહૂલાદે કહ્યું : ‘મહારાજ, મારા પર એક વધુ કૃપા કરો. તમે જ બધાંના સ્વામી છો એ વાત અજ્ઞાનને લીધે ન જાણવાથી તમારી વિરુદ્ધ મારા પિતાએ વર્તન કર્યા છે. તમારા ભક્તોને કનડ્યા છે. હે પ્રભુ ! આપની કૃપાથી એમના એ બધાં પાપ ધોવાઈ જાય અને તેઓ પાપમુક્ત બને એવું કરો.’

પ્રહ્લાદના આ શબ્દોથી રાજી થઈને નરસિંહ પ્રભુએ કહ્યું : ‘તારા પિતા અને તેની એકવીસ પેઢીના પૂર્વજો તારા જન્મના કારણે પાવન થાઓ. વત્સ, જ્યાં જે કુટુંબો અને સ્થાનો પહેલાં ભલે પાપક્ષેત્રો ગણાતાં હોય પણ, જ્યાં મારા શાંત, સંયમી મનવાળા, સમ ભાવદૃષ્ટિવાળા, પવિત્ર અને નિર્મળ ભક્તો વસે છે, તે તે કુટુંબો અને સ્થાનો પવિત્ર બની જાય છે.’

બ્રહ્માજી અને બીજા દેવદેવીઓની પૂજા પછી નરસિંહ પ્રભુ અંતર્ધાન થઈ ગયા. પ્રદ્લાદે બધાં દેવદેવીઓને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યાં. દેવોએ એના પર અમિવૃષ્ટિ કરી અને વૈકુંઠલોક પાછા ફર્યા.

પછી પ્રહ્લાદે પોતાના પિતાના અંતિમસંસ્કાર કર્યા. તેણે અસુરોના રાજા તરીકે રાજ્ય કર્યું. રાજશાસન કરતી વખતે એનું મન ભગવાન મહાવિષ્ણુમાં લીન રહેતું.

Total Views: 92

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.