સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘દુર્બળતાના નિવારણનો ઉપચાર સદૈવ એનું ચિંતન કરવામાં નથી. પરંતુ, પોતાની ભીતર નિહિત બળનું સ્મરણ કરવામાં છે. મનુષ્યને પાપી ન કહીને વેદાંત તેનાથી વિપરીત માર્ગને ગ્રહણ કરે છે અને કહે છે: તમે પૂર્ણ તથા શુદ્ધ સ્વરૂપ છો, જેને તમે પાપ કહો છો તે તમારામાં નથી. જેને તમે ‘પાપ’ કહેતા હતા તે તમારી આત્માભિવ્યક્તિનું નિમ્નતમ રૂપ છે; પોતાના આત્માને ઉચ્ચતરભાવમાં પ્રકાશિત કરો. આ એક વાત આપણે બધાએ સદૈવ યાદ રાખવી જોઈએ અને એને આપણે બધા કરી પણ શકીએ છીએ. ક્યારેય ‘ના’ એમ ન કહેશો, ક્યારેય એમ ન કહેશો કે ‘હું ન કરી શકું’ કારણ કે તમે અનંત સ્વરૂપ છો. તમારા સ્વરૂપની તુલનામાં દેશકાળ પણ કંઈ વિસાતમાં નથી. તમે બધું કરી શકો છો, તમે સર્વશક્તિમાન છો.’

‘હું ભારતવાસીઓને વારંવાર કહું છું કે કોઈ એક ખંડમાં બે શતાબ્દિઓથી અંધકાર રહ્યો હોય અને એમાં જઈને ‘અરે! અહીં અંધારું છે, અહીં અંધારું છે’ એમ બૂમો પાડવાથી શું અંધારું દૂર થઈ જશે? પ્રકાશ આણો અને અંધકાર તત્કાલ દૂર થઈ જશે. લોકોને સુધારવાનું પણ આ જ રહસ્ય છે. એમને ઉચ્ચ વાતો બતાવો, પહેલાં મનુષ્યમાં વિશ્વાસ રાખો. ‘મનુષ્ય પતીત કે ભ્રષ્ટ છે’ ભલા એવા વિશ્વાસ સાથે આપણે કેમ પ્રારંભ કરીએ? મનુષ્યમાં મેં મારી પોતાની શ્રદ્ધા ક્યારેય ખોઈ નથી; પછી ભલે તે મનુષ્ય ગમે તેટલો પતિત કેમ ન હોય. જ્યાં ક્યાંય પણ મેં માનવમાં વિશ્વાસ કર્યો, જો કે પ્રારંભમાં એનું ફળ એટલું બધું ઉત્સાહજનક ન પણ રહ્યું હોય, છતાં અંતે એનો જ વિજય થયો છે. કોઈ મનુષ્ય ભલે તમને મોટો વિદ્વાન લાગે કે પરમ અજ્ઞાની લાગે પણ તેના પર વિશ્વાસ કરો. ભલે તે તમને દેવદૂત લાગે કે વળી સાક્ષાત્‌ રાક્ષસ, પહેલાં મનુષ્ય પર શ્રદ્ધા રાખો અને એ બધું હોવા છતાં જો તે ભૂલો કરે છે તો એટલું સમજી લો કે એમાં ખામીઓ છે; જો તે અતિ અશુદ્ધ કે અતિ વ્યર્થ સિદ્ધાંતોને અપનાવે તો આટલું જાણો કે આવું બધું તે પોતાના વાસ્તવિક સ્વરૂપને કારણે નહિ પરંતુ ઉચ્ચ આદર્શોના અભાવે કરી રહ્યો છે. જો કોઈ માણસ અસત્ય તરફ આગળ વધે તો સત્ય પામવામાં તેની અક્ષમતા જ તેનું કારણ છે. એટલે સત્યનો બોધ કરાવવો એ જ મિથ્યાને દૂર કરવાનો એક માત્ર ઉપાય છે. આમ કરીને તમે એને તુલના કરતો કરી દો.’

‘તમે એને સત્ય આપી દો અને તમારું કાર્ય થઈ ગયું. તે પોતે જ પોતાના મનની ધારણા સાથે તેની તુલના કરે. વળી મારી વાતો પર ધ્યાન આપો – જો તેને તમે ખરેખર સત્ય જ આપ્યું હશે તો મિથ્યા જરૂર દૂર થવાનું જ; પ્રકાશથી અંધકારનો નાશ થશે અને સત્ય ભલાઈને બહાર લાવી મૂકશે.’

મૂઢમતિમાંથી બુદ્ધિમાન

અમારા મિશનના છાત્રાલયમાં એક વિદ્યાર્થીના પૂર્ણપરિવર્તન વિશે મને મારા એક સંન્યાસી બંધુએ કહ્યું હતું: ‘એકવાર હું છાત્રાલયના કેટલાક વિદ્યાર્થીઓને બતાવતો હતો કે આપણા દેશનાં કેટલાં એવાં બાળકો સદ્‌ભાગી છે કે જેમને સારી કેળવણી મળે છે? મોટા ભાગના માતપિતા અભણ છે અને દૂર દૂરનાં ગામડાંમાં સાધનસુવિધા પણ નથી. દરરોજ શાળાએ જવું પણ મુશ્કેલ છે. નિશાળમાં પણ ધનના અભાવે એક કે બે શિક્ષકો જ સેંકડો વિદ્યાર્થીઓને ભણાવે છે. ચાર કે પાંચ વર્ષ આવી રીતે અભ્યાસ કર્યા પછી આ વિદ્યાર્થીઓ જ્યારે મોટા શહેરોના વિદ્યાર્થીઓની સાથે પોતાની તુલના કરે છે; તો એ વિદ્યાર્થીઓમાં હીનભાવના આવી જાય છે. તે બધા ભય અને ગભરાટ અનુભવે છે. પરંતુ તમે બધા લોકો કેટલા ભાગ્યવાન છો! તમારી સામે કેટલા બધા સુઅવસર છે! તમારે માટે એક ઉત્તમ પુસ્તકાલય છે. ઉચ્ચશ્રેણીના વિદ્યાર્થીઓ પાસેથી તમને માર્ગદર્શન મળે છે. અમે લોકો પણ તમારા અધ્યયનના બધા અવરોધોથી તમને મુક્ત રાખીએ છીએ અહીં નિયમિત અધ્યયન સિવાય તમારા ઉપર કોઈ ભાર કે બોજો નથી. છતાંય જો કોઈ સમસ્યા હોય તો અમે એનું નિવારણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે અહીં અધ્યયન કરવાનો જે અવસર ઈશ્વરે તમને આપ્યો છે તેનો પૂરેપૂરો ઉપયોગ કરો. જો આપણે પ્રાપ્ત અવસરનો પૂરો લાભ નહિ લઈએ તો આપણી ઉન્નતિ માટે કોઈ માર્ગ કે ઉપાય નથી. પાછળથી આપણે પસ્તાવું પડશે. હું સહેજે જ આ બધું સમજાવી રહ્યો હતો અને વિદ્યાર્થીઓ ચૂપચાપ સાંભળતા હતા.

રાતના લગભગ નવ વાગ્યે સાતમા ધોરણનો એક વિદ્યાર્થી નિરંજન મારા ઓરડામાં આવ્યો અને કહ્યું: ‘સ્વામીજી, હું તમને કંઈક કહેવા માગું છું.’ મેં કહ્યું: ‘કહો.’ વિદ્યાર્થીએ કહ્યું: ‘શું તમે મને એકલાને ગણિત ભણાવશો?’ મેં કહ્યું: ‘સારું, હું દરરોજ અડધો કલાક એ માટે આપીશ. રાતના ભોજન કર્યા પછી મારી પાસે આવવાનું.’

મને બરાબર ખ્યાલ હતો કે તે એક આળસુ અને મંદબુદ્ધિવાળો બાળક છે. તે ક્યારેય પરિશ્રમ નહોતો કરતો અને પરીક્ષામાં ચોરીચપાટી પણ કરી લેતો. તે બરાબર સમય પ્રમાણે મારી પાસે પુસ્તક લઈને આવ્યો. ગણિતનું તેનું જ્ઞાન ત્રીજા ધોરણ જેવું હતું. મને એવો વિશ્વાસ નહોતો કે હું એને પરીક્ષામાં પાસ થઈ શકે એટલું ગણિત ભણાવી શકીશ. છતાંય ‘તમે નકામા છો, ભણી નહિ શકો, તમારા મગજમાં ભૂસું ભર્યું છે’ વગેરે કહીને કોઈનું અપમાન કરવું એને હું અનૈતિક વર્તન ગણતો હતો. બુદ્ધિમાન ગણાતા વિદ્યાર્થીઓની ધૃષ્ટતાને પણ હું જાણતો હતો. મારા મતાનુસાર બુદ્ધિની સાથે સરળતા, નમ્રતા તથા વિનયના સુમેળથી સાચું ચારિત્ર્ય ઘડાય છે. એ બાળકને વારંવાર નકામો કહીને તેના મનને જે હાનિ થઈ હતી તેને હું દૂર કરવા ઇચ્છતો હતો. હું એને એક તક દેવા માગતો હતો અને મેં એ માટે મારે ઉઠાવવી પડતી કોઈ કઠિનતાની ચિંતા ન કરી. 

મેં એને સાડા ત્રણ મહિના સુધી દરરોજ રાતે ભણાવ્યો. શરૂઆતમાં મેં તેને ૧૦૦ સરળ પ્રશ્ન હલ કરવા માટે આપ્યા. હું એનાં આત્મવિશ્વાસ તથા રુચિ વધારવા માગતો હતો. ત્યાર પછીના ૫૦ પ્રશ્ન ક્રમશ: જટિલ હતા. પહેલે દિવસે જ તે દસ પ્રશ્નોનો વ્યવસ્થિત ઉકેલ લાવી શક્યો. મેં કહ્યું: ‘શાબાશ, તું ગણિત તો શીખી જઈશ.’ હું ઇચ્છતો હતો કે તે સોએ સો પ્રશ્ન બરાબર હલ કરી દે. પ્રભુકૃપાથી થયું પણ એવું. જ્યારે સોએ પ્રશ્ન કોઈ ભૂલ વિનાના એણે ઉકેલી લીધા એટલે મેં કહ્યું: ‘તું ગણિતના પ્રશ્ન હલ નથી કરી શકતો એમ કોણ કહે છે? જો આમાંથી એકેયમાં તેં એક પણ ભૂલ નથી કરી. આ વખતે તારી પરીક્ષામાં ૭૦% ગુણ મળશે.’ આત્મવિશ્વાસ અને ઉત્સાહથી એનો ચહેરો ચમકી ઊઠ્યો. તે દરરોજ રાતે સાડા આઠથી સાડા દસ વાગ્યા સુધી ગણિતના દાખલા ગણવા લાગ્યો, ક્યારેક ક્યારેક તો તે એમાં ખોવાઈ જતો. ચાર માસ પછી લેવાયેલી પરીક્ષામાં તેને ૭૦ ગુણ મળ્યા, એ પણ ચોરી ચપાટીથી નહિ પરંતુ, પોતાની બુદ્ધિથી. એ સમયે એણે જે સંતોષ અને સુખ અનુભવ્યાં તે અવર્ણનીય હતાં. હવે એનો ઉત્સાહ ખીલી ઊઠ્યો. એનાથી મને પણ કંઈક શીખવાનું મળ્યું. તેનાં માતપિતા તેની સફળતા વિશે સાંભળીને છાત્રાલયમાં આવ્યા અને મને ધન્યવાદ આપ્યા.

આત્મવિશ્વાસ જગાડો

એ વિદ્યાર્થી વાસ્તવમાં મંદબુદ્ધિ ન હતો. એના પિતા શિક્ષિત હતા અને વિદ્વાન પણ હતા. પોતાના અતિ ઉત્સાહને લીધે તેમણે પુત્રને ત્વરિત ગતિએ કેળવણી મેળવીને કંઈક બનવા માટે પ્રેરિત કર્યો, જે ઉચિત ન હતું. પિતા પોતે કુશાગ્રબુદ્ધિવાળા હતા, હંમેશાં ઉચ્ચશ્રેણીમાં સફળ થતા હતા એટલે પોતાના પુત્રને પણ એક સફળ વિદ્યાર્થી બનાવવા માટે એમણે ચાર વર્ષની ઉંમરે જ એના પર આ ગણિતના પ્રશ્નો લાદી દીધા. જ્યારે તે એમનો તત્કાલ ઉકેલ ન કરી શકતો ત્યારે તેના પિતા તેને અધીર બનીને કડવાં વેણો સંભળાવતા અને મારતા પણ ખરા; પરંતુ આ બધું નિરર્થક સાબિત થયું. પિતા જેટલું બળપૂર્વક ભણાવતા પુત્રને ગણિતથી એટલા જ પ્રમાણમાં વૈરાગ્ય આવી જતો. આમ તો પાછળથી ગણિત ભણાવતી વખતે પિતાએ એને મારવાનું બંધ કર્યું પણ તે એના પર મ્હેણાંટોણાંનો વરસાદ વરસાવીને એને લજ્જિત કરી મૂકતા.

ક્રમશ: બાળકને વિશ્વાસ બેસી ગયો કે તેનામાં ગણિત શીખવાની કોઈ ક્ષમતા નથી. એટલે તે ગણિતથી ડરીને દૂર ભાગવા લાગ્યો. શાળામાં એણે પોતાની જાતને બીજા વિદ્યાર્થીઓથી ઠોઠ માની લીધી. આનાથી એને ઘણી પીડા થઈ. તે પોતાની જાતને નિમ્નક્ષમતાવાળો માનવા લાગ્યો. ‘શું આ પાઠ બધાને સમજાઈ ગયો?’ એમ જ્યારે શિક્ષક પૂછતા ત્યારે બધા વિદ્યાર્થીઓ એકી અવાજે ‘હા’ એમ કહેતા. એ વખતે એને પોતાની અણસમજણનો બોધ તો થતો પણ બધાની સાથે તેને પણ ‘હા’ ભણવી પડતી. એક વાર પોતાના પિતાને તેની માતાને આમ કહેતાં સાંભળ્યા: ‘શિક્ષકો કહે છે કે છોકરો ગણિતમાં ઘણો પાછળ રહી ગયો છે. હવે આપણે શું કરી શકીએ?’ પેલા ત્રણ મહિનાના પરીક્ષાના પરિણામમાં તે ગણિતમાં નાપાસ થયો. આવી અનેક ઘટનાઓ તેમજ પોતાના અનુભવથી તેને વિશ્વાસ થઈ ગયો કે ગણિતમાં એનું કોઈ ભાવિ નથી, એ વિષયમાં તે મૂર્ખ-ગમાર છે. ગણિતના શિક્ષકને જોતાં જ એનું હૃદય થડકવા લાગતું. પરીક્ષામાં ગણિતનો પ્રશ્નપત્ર જોઈને જ તેને પરસેવો છૂટી જતો. એ પરીક્ષાખંડમાંથી તત્કાલ ભાગવાનું જ વિચારતો. બીજા સહપાઠીઓ પાસેથી એણે ગણિતના અભ્યાસમાં સહાય કરવા માગણી કરી. એમણે આશ્વાસન પણ આપ્યું, પરંતુ બરાબર રીતે સમજાવવાનું ધૈર્ય એ બધામાં ન હતું. પછી એણે ચોરી-નકલ કરીને શિક્ષકોને છેતરવાનો માર્ગ અપનાવ્યો.

સતત પ્રયાસ દ્વારા પોતાના મનના ઊંડાણમાં પેસી ગયેલી આત્મસંશયની ભાવના પર વિજય મેળવી શકાય છે. જો કેટલાક અનુભવોએ કોઈ વિદ્યાર્થીને ગણિત શીખવામાં અક્ષમ હોવાની ભાવના આપી હોય તો બરાબર એનાથી વિપરીત અનુભવ એ આત્મસંશયને દૂર કરી શકે છે. શાળામાં પ્રવેશ મેળવતાં પહેલાં જ તે છોકરાએ આત્મવિશ્વાસ ગુમાવી દીધો હતો. એના આત્મવિશ્વાસને ક્રમશ: પુન: પ્રાપ્ત કરવા માટે તેને એ વિષયની કેટલીક નાની મોટી સફળતાઓ મેળવવી આવશ્યક હતી. વારંવાર મળનારી અસફળતાઓના નકારાત્મક પ્રભાવને દૂર કરવાનો આ જ એકમાત્ર ઉપાય છે. એ કાર્ય સરળ નથી, છતાં એ કાર્ય ચોક્કસ સંભવ છે ખરું. એટલા માટે શિક્ષકોમાં અસીમ ધૈર્ય, પ્રેમ તથા લગની હોવાં જોઈએ. આમ હશે તો અને વિદ્યાર્થીને જ્યારે લાગશે કે શિક્ષક શ્રદ્ધેય છે, તે મારી અક્ષમતા કે અસમર્થતાની ઠેકડી નહિ ઉડાડે અને ક્રોધ પણ નહિ કરે, એ બધાંને સ્થાને તેઓ ધૈર્ય અને સમજદારી સાથે ભણાવશે ત્યારે વિદ્યાર્થીમાં સાહસવૃત્તિ જન્મશે. શું કોઈ વિદ્યાર્થી પોતાના પગ પર ઊભો થવા નથી ઇચ્છતો? જરૂર, એ એમ જ કરવાનો. પરંતુ એના મને તથા બીજા લોકોએ આ નિરંજનને અસહાય બનાવી દીધો. આ બંને તત્ત્વો એની વિરુદ્ધ ક્રિયાશીલ રહ્યાં. નિરંજને મને એને એકલો અને એકાંતમાં ભણાવવાનું શા માટે કહ્યું? કદાચ એના મનમાં એવી આશંકા હતી કે ક્યાંક હું પણ બીજા વિદ્યાર્થીઓ સાથે એની સરખામણી કરીને એની ખામીઓ માટે એને તિરસ્કારવા ન મંડું.

હીનભાવનાથી થતાં હાની કે નુકશાનની બાબતમાં આપણામાંથી કેટલા લોકો સજગ છે? જ્યારે કોઈ અભ્યાસમાં પાછળ રહી જતા કે નબળા વિદ્યાર્થીને સતત ખિજાવાનું તથા અપમાનિત કરવાનું બને છે ત્યારે તે પોતાની તુલના બીજા સાથે કરવા માંડે છે અને જો એ વિદ્યાર્થીમાં પોતાની હીનતાનો ભાવ ઘર કરી જાય, એક ગ્રંથી બની જાય તો એ અનર્થકારી બની જાય છે. આ કેવી વિચિત્ર અને ઊલટી વાત છે કે જે માતાપિતા બાળકના શુભચિંતક હોય છે તેઓ પણ તેમને અજાણપણે હાની પહોંચાડે છે. આ જ પરમ અજ્ઞાન છે. પોતાના વિદ્યાર્થીઓને નજીકથી અને ઘનિષ્ઠતાથી જાણવાનું કઠિન માનતા અધ્યાપકો આ સમસ્યાનો ઉકેલ લાવી શકતા નથી. પરંતુ આ વાત ધ્યાનમાં રહે કે ધૈર્ય અને સાચા પરિશ્રમ દ્વારા આ નિશ્ચિત રૂપે સંભવિત કાર્ય છે.

એક સંન્યાસીનો અનુભવ

ચિકિત્સા વિજ્ઞાનનો અભ્યાસ કરેલા એક સંન્યાસીએ મને એક વાર બતાવ્યું હતું : ‘આયુર્વિજ્ઞાનની એમ.બી.બી.એસ. પરીક્ષા પાસ કરતાં જ મને કોલેજમાં ઔષધિ વિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે નિમવામાં આવ્યો. ૩જી શ્રેણીના વિદ્યાર્થીઓને રોગીના પરીક્ષણ વિશે શીખવવાનું કાર્ય પણ ઘણાં કાર્યોમાંનું એક હતું. ૧૩ વિદ્યાર્થીઓને મારે ૬ સપ્તાહ સુધી આવું પ્રશિક્ષણ આપવાનું હતું. પાછળથી આ સમયમર્યાદા ૧૨ સપ્તાહની કરવામાં આવી હતી. તે સમય દરમિયાન હું એ બધા વિદ્યાર્થીઓને હોસ્પિટલના વોર્ડમાં લઈ જતો અને અનેક રોગીઓની તપાસ કરીને તેને રોગનિદાનની પ્રક્રિયા સમજાવતો. અઠવાડિયામાં ચાર દિવસ સુધી બે-ત્રણ કલાક હું આ જ કામ કરતો. એ દિવસોમાં હું સ્વામી વિવેકાનંદના શ્રદ્ધા અને શક્તિ વિશેના ઉપદેશ વાંચતો હતો અને એને લીધે મારા પોતાનામાં તીવ્ર ઉત્સાહ અને આત્મવિશ્વાસનો હું અનુભવ કરતો હતો. જો કે મેં વિદ્યાર્થીઓને પોતાની ભીતરની આંતરિક શક્તિ તથા સંભાવનાઓ વિશે કોઈ શિક્ષણ નહોતું આપ્યું. છતાં મને લાગ્યું કે બધા પોતાના કાર્યને વધુને વધુ સારું બનાવી શકે છે. આ ૧૩ વિદ્યાર્થીઓ વાસ્તવમાં પાછલી પરીક્ષામાં નાપાસ થયા હતા.

ઓછા પ્રતિભાવાળા બધા વિદ્યાર્થીઓની જેમ એમનામાંથી મોટા ભાગના સમય પ્રમાણે આવતા ન હતા અને રોગીના ઇતિહાસના લેખન જેવાં કાર્યો સારી રીતે કરતા પણ ન હતા. છતાંય હું મોટા ભાઈની જેમ એમને ક્રમશ: પ્રોત્સાહિત કરતો, એમની સાથે પ્રેમપૂર્વક તથા સહૃદયી બનીને સાથે કાર્ય કરતો. જો કોઈ વિદ્યાર્થી ન આવતો તો હું એના પ્રત્યે વધારે ધ્યાન આપતો. જેથી તે પોતાના અધૂરા રહેલા શિક્ષણભાગને પૂરો કરી શકે. આ રીતે પ્રત્યેક વિદ્યાર્થીમાં હું વ્યક્તિગત રસરુચિ લેતો. એને પરિણામે બધા વિદ્યાર્થીઓ એ પછીની પરીક્ષા તથા ત્યાર પછીની બધી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થતા ગયા; અને એમાંથી એકને પ્રથમ શ્રેણી પણ મળી. સ્વામી વિવેકાનંદની પ્રેરણા તથા અજાણપણે જ મારા દ્વારા દરેક વિદ્યાર્થીમાં આત્મશ્રદ્ધા જગાડવાને લીધે જ આ સફળતા મળી છે.

અહીં એક મહત્ત્વપૂર્ણ વાત એ છે કે અધ્યાપકને માત્ર પોતાના પર જ નહિ પરંતુ પાછળ રહી ગયેલા વિદ્યાર્થીઓની ક્ષમતામાં પણ પૂર્ણ વિશ્વાસ હતો. અનેક અધ્યાપક બુદ્ધિમાન હોઈ શકે છે પણ જો તેઓ પોતાના વિદ્યાર્થીઓને બેકાર-નકામા કે બુદ્ધિહીન સમજે અને પોતાના દ્વારા પોતાનો આ મત વિદ્યાર્થીઓ સમક્ષ વ્યક્ત પણ ન કરે છતાંય અધ્યાપકોનો આવો મનોભાવ વિદ્યાર્થીઓ પર ઘણો ખરાબ પ્રભાવ પાડે છે.

Total Views: 108

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.