સફળતાપૂર્વક ભણવા માટેના સૂચનો

૧. આત્મ-શ્રદ્ધા રાખો. ‘દરેક વ્યક્તિમાં દિવ્યતા-અનંત શક્તિ સુપ્તપણે રહેલી જ છે’ આ યાદ રાખવાથી અને વિધેયાત્મક વલણ કેળવવાથી આત્મ-શ્રદ્ધા જાગૃત થશે.

૨. કર્મનો સિદ્ધાંત કહે છે: ‘જેવાં કર્મ તેવાં ફળ.’ આજનું પ્રારબ્ધ ગઈકાલના પુરુષાર્થ પર અવલંબે છે. ‘તમે જ પોતાના ભાગ્યવિધાતા છો.’ આ વાત યાદ રાખી કઠોર પરિશ્રમ-પુરુષાર્થમાં લાગી જવું જોઈએ.

૩. ‘મા ફલેષુ કદાચન’ ફળ વિશેની ચિંતા છોડી દઈ કર્મમાં (ભણવામાં) મન પરોવવું જોઈએ. આથી ટેન્શન ચાલ્યું જશે. ડુ યોર બેસ્ટ એન્ડ લીવ ધ રેસ્ટ. અનાસક્તિપૂર્વક ભણવાથી ભણવાનું કાર્ય પૂજા બની જશે કર્મયોગ બની જશે. પરીક્ષામાં તો સારી સફળતા મળશે જ. દિવ્યતાને અભિવ્યક્ત કરવાનો ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ પણ મોકળો થશે.

૪. એકાગ્રતાપૂર્વક ભણવાથી ઓછા સમયમાં વધુ અને વધુ સારી રીતે ભણાશે.

એકાગ્રતા કેળવવા માટેના કેટલાક ઉપાયો:

ક. મનને ચંચળ કરે તેવી વસ્તુઓથી દૂર રહેવું – ટી.વી. ફિલ્મ, સસ્તા સામયિકો, નવલકથા, કુસંગ વગેરે.

ખ. મનની શુદ્ધિ વધે તેવી વસ્તુઓ – તેવો ખોરાક ગ્રહણ કરવો. આંખ, કાન, નાક, મુખ વગેરેનો સદુપયોગ કરવો.

ગ. દ૨રોજ નિયમિત પ્રાર્થના કરવી અને થોડા વખત માટે ધ્યાન કરવું. સવારના પહોરમાં ઊઠીને તરત જ અને રાતે સૂતી વખતે પ્રાર્થના-ધ્યાન કરવાથી ઘણો લાભ થશે.

ઘ. દ૨રોજ ઓછામાં ઓછું ૧૫ મિનિટ માટે સદ્ગ્રંથોનું વાચન કરવું.

૫. માપસર (નહિ વધુ, નહિ ઓછો) ખોરાક લેવો. માપસર ઊંઘ લેવી.

૬. નિયમિત જીવન જીવવાથી મન પર નિયંત્રણ સરળ બનશે. એક નિશ્ચિત દિનચર્યા બનાવી તેનું પાલન ક૨વાથી ઘણો લાભ થશે. ‘ભણતી વખતે ભણવું અને રમતી વખતે રમવું’ આ સરળ નિયમ અત્યંત મહત્ત્વનો છે.

૭. ભણતી વખતે પેપર અને પેન હાથમાં હોવાં જોઈએ. દરેક પાઠનો સારાંશ પોતાની ભાષામાં સંક્ષેપમાં લખ્યા બાદ જ પછીના પાઠમાં – પ્રશ્નમાં આગળ વધવું જોઈએ.

૮. જો કોઈ વિષય કઠિન લાગતો હોય તો સાથી-મિત્રોની સહાયતા લઈ શકાય. મિત્રની સાથે બેસીને ભણવાનો પ્રયોગ પણ કરી શકાય.

૯. દરેક વિષયને ઉંડાણથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રાથમિક બાબતો જો સારી રીતે સમજાઈ જશે તો પરીક્ષા વખતે વિષય ભુલાઈ જવાનો ડર નહિ રહે.

૧૦. ગ્રાફ, ચાર્ટ વગેરે બનાવી દિવાલમાં ટાંગી રાખવાથી અને અવારનવાર તે તરફ જોવાથી કેટલાક વિષયોની મૂળભૂત વાતો માનસપટલ પર અંકિત થઈ જશે.

(રાષ્ટ્રીય યુવા દિનના ઉપલક્ષ્યમાં આ માસથી યુવા વાચકોના લાભાર્થે આ યુવા વિભાગ પ્રારંભ કરી રહ્યા છીએ. યુવા વાચકોને આ વિભાગ વિશે પોતાનાં સૂચનો અને અભિપ્રાયો મોકલવા વિનંતી.)

અધ્યાત્મપથની નિત્ય સંગાથિની

બુક ઑફ ડેયલી થૉટસ ઍન્ડ પ્રેયર્સ: સ્વામી પરમાનંદ: પ્રકાશક: શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ: છઠ્ઠું મુદ્રણ: ૧૯૯૨ મૂલ્ય રૂ. ૩૫/-

સને ૧૯૨૬માં પ્રગટ થયેલા આ પુસ્તકનું છાસઠવર્ષે આ છઠ્ઠીવાર પુનર્મુદ્રણ થાય છે તે એ વાતની પ્રતીતિ કરાવે છે કે સદ્ગ્રંથો કદી જૂના થતા નથી. સ્વામી પરમાનંદનું આ પુસ્તક એક સદ્ગ્રંથ છે.

સ્વામી પરમાનંદ પોતે સ્વામી વિવેકાનંદના શિષ્ય હતા. પોતાના સંન્યાસી જીવનનાં આરંભનાં વર્ષો, સ્વામી વિવેકાનંદનાં ગુરુભાઈ સ્વામી રામકૃષ્ણાનંદ પાસે મદ્રાસમાં પસાર કરી અમેરિકા ગયા હતા. ત્યાં એમણે બૉસ્ટનના વેદાંત સૅન્ટરની સ્થાપના કરી હતી અને ત્યાંથી, પશ્ચિમે કૅલિફોર્નિયામાં આવેલા લા ક્રૅસેંટામાં, પ્રખ્યાત આનંદાશ્રમની સ્થાપના કરી હતી. એમણે લખેલાં ચાળીસેક પુસ્તકોમાંનું એક અણમોલ, પુસ્તક આ ‘બુક ઑફ ડેયલી થૉટસ ઍન્ડ પ્રેયર્સ’ ‘નિત્ય મનન અને પ્રાર્થના’નું પુસ્તક.

પ્રાર્થના એટલે ઈશ્વર સાથે જોડતો સેતુ. આ સેતુ માટે આપણે વૈદિક કે ઉપનિષદના મંત્રોની કે સ્તોત્રોની, નવકાર મંત્રની, સ્તવનની, આયાતની કે ભજનની સહાય લેતાં હોઈએ છીએ. એમાંનું કેટલુંક સર્વકાળને અને સર્વસ્થળને માટે સાચું છે ને સૌ કોઈની પ્રાર્થના તે બની શકે તેમ છે. ઉદાહરણ તરીકે, અસતો મા સદ્ગમય (‘અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા’) મંત્ર; ‘પ્રભુ મોરે અવગુણ ચિત્ત નાહીં ધરો’, એ સૂરદાસનું વિખ્યાત ભજન; કે ‘લીડ કાઈંડલી લાઈટ’ (‘પ્રેમળ જ્યોતિ’) એ ન્યુમેનની પ્રાર્થના કોઈ પણ ધર્મસંપ્રદાયની કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે સરળતાથી કરી શકે છે.

કેવળ સાંપ્રદાયિક હોય તેવી પ્રાર્થનાઓને બાજુએ મૂકીએ તો પણ બધી પ્રાર્થનાઓ આપણી મનઃસ્થિતિને અનુકૂળ કદાચ નથી હોતી, ‘અભિનવો આનંદ આજ, અગોચર ગોચર હવું રે!’ એમ અખાની માફક આપણે ગાઈ શકીશું ખરા? આપણા અંતઃકરણમાં એવો આનંદ પ્રગટ ન થયો હોય તો એ પ્રાર્થના કેવળ પોપટિયા પ્રાર્થના બની રહે. સામાન્ય રીતે આપણે જે પ્રાર્થના કરીએ છીએ તે આવા પોપટ પાઠો જ હોય છે.

પ્રાર્થનાનો હેતુ દરેક વ્યક્તિ માટે પોતાનો આગવો હોય. કારણ દરેક વ્યક્તિના ચિત્તની સ્થિતિ, દરેક વ્યક્તિની આધ્યાત્મિક ભૂમિકા જુદી જુદી હોય છે. છતાં, ગમે તે ભૂમિકાએ આપણે હોઈએ તે છતાં, પરમાત્મા પાસે આપણે પ્રકાશ, શાંતિ, એની ભક્તિ, એની કૃપા જરૂર પામી શકીએ.

સ્વામી પરમાનંદનું આ ચોટડુક પુસ્તક, કેમ જાણે, આપણી એ આધ્યાત્મિક આવશ્યકતાની ખોટ પૂરવા માટે ન લખાયું હોય તેવું લાગે છે.

એ પુસ્તકની પ્રાર્થનાઓ વિશે વાત કરીએ તે પહેલાં એ પુસ્તક વિશે થોડું જાણી લઈએ. અમેરિકાના સંયુક્ત સંસ્થાનોમાંના પશ્ચિમે પૅસિફિક મહાસાગરને કાંઠે આવેલા રાજ્ય કૅલિફૉર્નિયામાંના લા ક્રૅસેન્ટા પાસેના આનંદાશ્રમમાં પ્રાર્થના સમયે કે કોઈ વાર પ્રવચન આપતાં, સ્વામી પરમાનંદના મુખમાંથી જે વાણી ઝરતી તે, એક અમેરિકન શિષ્યા દેવમાતાએ ચાંદનીના, મીણબત્તીના કે ખંડને ગરમ રાખવા માટેની આગના પ્રકાશમાં ટપકાવી લેતાં. સ્વામીજી પત્રો લખતા તેમાં શિષ્યોને બોધવચનો લખતા હશે તેમનો પણ ઉપયોગ આ ગ્રંથમાં કરવામાં આવ્યો છે. અને કોઈ વાર વાતચીતમાં સ્વામી પરમાનંદ પાસેથી કંઈ ને કંઈ વિચાર મૌક્તિક સરી પડે તો એ પણ ટપકાવી લેવામાં આવતું. સ્વામીજી ભક્તિસ્તોત્રો પણ રચતા. સ્વામીજીનો શ્રોતાવર્ગ કે ભક્તગણ અંગ્રેજી સમજતો હોઈ, સ્વામીજીએ અંગ્રેજી ભાષા દ્વારા પોતાના આત્મતત્ત્વને આમ અભિવ્યક્ત કર્યું છે. સ્વામીજીના આ વિપુલ ભંડારને ભગિની દેવમાતાએ – તેઓ પણ ઉચ્ચ કક્ષાનાં સાધિકા હતાં – વર્ગીકૃત કરી ક્રમાનુસાર ગોઠવી, દરેક તારીખ માટે સ્વતંત્ર છતાં એની પહેલાંની અને પછીની તારીખનાં વસ્તુ સાથે સાંકળ જળવાય તે રીતે ગોઠવી, નિત્યપાઠનું આ પુસ્તક આપણને આપ્યું છે. દરેક મહિના માટે એક કેન્દ્રવર્તી વિચાર પકડી તેને લગતાં સ્વામી પરમાનંદનાં વચનો, ઉક્તિઓ, પ્રાર્થનાનું સંકલન તારીખ વાર અહીં કરવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે ફેબ્રુઆરીનો કેન્દ્રવર્તી વિચાર દૃઢ નિશ્ચયાત્મક બુદ્ધિ છે, જૂનનો શ્રદ્ધા અને હિંમત છે, સપ્ટેમ્બરનો નિઃસ્વાર્થ પ્રેમ અને ભક્તિ છે અને ડિસેમ્બરનો અંત૨માં રહેલી મુક્તિદાયિની શક્તિ છે.

દરરોજની પ્રાર્થનાનાં ચાર અંગો છે: રોજનો સુવિચાર, સ્મરણ કરવા માટેની પંક્તિઓ, બોધપાઠ અને પ્રાર્થના.

સપ્ટેબરની પ્રાર્થનામાં ઝોક નિઃસ્વાર્થ પ્રેમ અને ભક્તિ ઉ૫૨ છે તે નોંધ્યું છે. સપ્ટેમ્બરની બીજીનો સુવિચાર છે: “સાચા પ્રેમમાં કશી ગણતરી, કશી લેતીદેતી હોતી નથી.” સ્મરણ કરવા માટેની પંક્તિઓમાં ‘સ્નેહના પ્રવાહમાં તણાવા’ની વાત છે. બોધપાઠમાં ઈશ્વરને ચાહવાની વાત કરવામાં આવી છે અને પ્રાર્થનામાં અંત૨ને વિકસિત કરવાની પ્રાર્થના છે, જેથી ભક્ત સંપૂર્ણપણે ઈશ્વરને ચાહી શકે.

સ્વામી પરમાનંદે પ્રવચનોમાં ઉપનિષદ વાક્યો કહ્યાં હશે કે ‘ગીતા’ના શ્લોકો ઉચ્ચાર્યા હશે. આ પુસ્તકમાં ‘કઠોપનિષદ્’માંથી અને ‘ભગવદ્ગીતા’માંથી અવતરણો જોવા મળે છે, શ્રેય અને પ્રેય અંગેનો ‘કઠોપનિષદ’ના શ્લોકનો અનુવાદ ચોથી ઑક્ટોબરની સ્મરણ માટેની પંક્તિઓમાં જોવા મળે છે. તો, ઑક્ટોબર અઠ્ઠાવીસમીની સ્મરણ માટેની પંક્તિઓ તરીકે ‘ગીતા’નો અનન્યાંશ્ચિન્તના…નો અનુવાદ છે.

બારમા અધ્યાયના શ્લોકોના અનુવાદો પણ એ રીતે અપાયા છે.

બોધપાઠમાં એકદમ સંક્ષિપ્તમાં સ્વામી પરમાનંદે આધ્યાત્મિક માર્ગે જનારને સહાયરૂપ થાય તેવી અક્કેક વાત સરળ ભાષામાં પણ સચોટરૂપે રજૂ કરી છે. દાખલા તરીકે, અઠ્ઠાવીસમી ઑક્ટોબરના બોધપાઠમાં ત્યાગ વિશે ટૂંકું પણ વેધક વિવેચન છે. પચ્ચીસમી જૂનના બોધપાઠમાં હિંમત ન હારવાની વાત છે. અઢારમી ઑગસ્ટના બોધપાઠમાં આનંદની વાત છે.

દરેક પાને, અંતે આવતી પ્રાર્થનામાંનાં સ્વામી પરમાનંદનાં સ્તોત્રો સુજ્ઞ વાચકને કવિવર રવીન્દ્રનાથ ઠાકુરનાં ‘ગીતાંજલિ’ અને ‘નૈવેદ્ય’નાં કાવ્યોની યાદ અપાવે તેવાં છે. એ કાવ્યોમાં પરમાત્મા પાસે પ્રકાશની, સત્યના રાહની, ધૈર્યની, એક ડગલું આગળ ચલાવવાની, એવી વિનંતી છે.

આ અદ્ભુત પુસ્તકની વિશેષતા એ છે કે એમાં ક્યાંય કૃત્રિમતાની બૂ આવતી નથી. એક વિનમ્ર ભક્તની આર્જવભરી વાણી, દૈવી પ્રકાશ માટેની એની ઝંખના, આધ્યાત્મિક ઊર્ધ્વગમનના પ્રયાસમાં દૈવી સહાયની માગણી, ૫રમાત્માની કૃપાની ને કરુણાની યાચના આપણને પુસ્તકને પાને પાને જોવા મળે છે. ઑગસ્ટની ત્રીસમી તારીખના બોધપાઠમાં સ્વામી પરમાનંદે સાચું જ કહ્યું છે કે: ‘it is not a strenuous effort to sing this song of life.’ જીવનનું આ ગાન ગાવા માટે કશો પ્રયત્ન નથી કરવો પડતો. આવી સાહજિકતા ન હોય તો પ્રાર્થના પ્રાર્થના રહેતી નથી.

સ્વામી પરમાનંદજીના આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ થાય તો અનેક લોકોને તેનો લાભ મળે.

સમીક્ષક: શ્રી દુષ્યંત પંડ્યા

*

તમારે ભારતને સમજવો હોય તો વિવેકાનંદનું અધ્યયન કરો. તેમનામાં બધું જ વિધાનાત્મક છે, કશું જ નિષેધાત્મક નથી…વિવેકાનંદના ઉપદેશનું લક્ષ્યબિંદુ માનવની પૂર્ણ જાગ્રતિ હતું અને એટલા જ માટે એમણે આપણા યુવાન વર્ગને પુરુષાર્થ અને બલિદાન દ્વારા મુક્તિ મેળવવાના જુદા જુદા માર્ગમાં પ્રેર્યાં.

– રવીન્દ્રનાથ ટાગોર

Total Views: 141

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.