(ગતાંકથી આગળ)

શિકાગોની ધર્મસભામાં વિવેકાનંદનો આવિર્ભાવ થયેલો હિન્દુધર્મના પ્રતિનિધિ રૂપે. સભા પૂરી થયે બધા સભ્યો પોતપોતાના દેશે પાછા ફર્યા અને આજે એ બધા લગભગ ભુલાઈ ગયા છે. પણ વિવેકાનંદ અમેરિકાની ધરતીને વળગીને રહી ગયા, લગભગ ત્રણ વરસ લગી. પોતાના દેશની આવશ્યકતાનો પોકાર, ભારતના જનગણ માટે દિલમાં અનુભવાતી વેદનાની કારમી બળતરા ભલે અનુભવી પણ એમને પોતાના પશ્ચિમના દેશો પ્રત્યેના મહાન કર્તવ્યના પથેથી કશુંયે ડગાવી ન શક્યું. ભારતને માટે આ મહામાનવે કેટકેટલી રાતોમાં કેટલાં તો આંસું વહાવ્યાં હતાં, એ કોઈ નથી જાણતું. પોતાની અતિમાનવીય શક્તિને પૂરેપૂરી લગાવી દીધી. તેઓ અમેરિકાનાં શહેરોમાં, ગામોમાં, ગિરજાઘરોમાં, વિશ્વવિદ્યાલયોમાં, બેઠકખંડોમાં, સભાસમિતિઓમાં- પોતાના તમામ ઐશ્વર્યને મોકળે હાથે વહેંચતા રહ્યા. આ લોકોને માટે આટલી મહેનત કરી શું કરવા મરું છું – એવો વિચાર પણ મનમાં ફરક્યો નહીં.ઘૂઘવતા રહ્યા કેવળ ‘ચિર-ઉન્માદ- પ્રેમપાથાર’ના અફળાતા તરંગની જેમ. જાણે કે આ જ દેશમાં જન્મ થયો હોય અને જાણે કે આ જ લોકો એમનાં બીજાં બધાં કરતાં વધારે પોતીકાં જન હોય. એવી રીતે ‘વસંતવત્‌ લોકહિતમ્‌ ચરંત:’, પોતાના અલ્પાયુ જીવનનો સૌથી વધુ મૂલ્યવાન સમય ‘વિદેશ’માં, ‘વિજાતિ’ને સાવ નિ:સ્વાર્થભાવે દઈ દીધો. શા માટે દીધો? પ્રેમના દાવે. તેઓ તો ઈશ-પ્રેમ-સંવહનના યંત્ર હતા ને? તેઓ અહીં આવ્યા તો હતા હિંદુધર્મનો પ્રચાર કરીને તેના બદલામાં ભારતના ઐહિક કલ્યાણની વ્યવસ્થા કરવા. પણ કોણ જાણે કેવી રીતે એ બધા હિસાબ-કિતાબ ગૂંચવાઈ ગયા. તેઓ તો બેહિસાબી યંત્ર હતા ને? જ્યારે એ દેશના લોકોની આંખોમાં આંખ પરોવીને એમનાં અંતરમાં પ્રવેશ્યા ત્યારે નિહાળ્યું કે- કેટલી વેદના, કેટલા દર્દ, કેટલા સંદેહ, કેટલા ભય, આ ચકાચક-મોહક પોશાકની ઓઝલમાં હરફર કરી રહ્યાં છે.

વિવેકાનંદના પ્રાણોમાં પ્રેમ ઊછળી ઊઠ્યો. આ પ્રેમ કોનો હતો? પેલા ફકીરનો જ તો. વિશ્વમાનવનું મહાસૌભાગ્ય કે, વિવેકાનંદે એ પ્રેમને કેવળ ભારતની જ સામગ્રી બનાવી ન દીધી. જે લોકો ઘેર પાછા ફરવા તકાજો કરતા હતા એમને એમણે લખ્યું હતું : ગૃહત્યાગી વિવેકાનંદ સમગ્ર વિશ્વના છે, કોઈ પણ જાતિના ખરીદાયેલા ગુલામ નથી. તે છતાં વિવેકાનંદ ભારતના રજકણને પણ કેવી પ્રેમભરી શ્રદ્ધાથી નીરખતા તે કોનાથી અજાણ્યું છે? ઈશપ્રેમ કોઈ એક જાતિના સ્વાર્થની વાડમાં બંધાઈ રહેનારી વસ્તુ નથી. એના પ્રવાહથી તો સર્વ જીવોનું કલ્યાણ થાય છે.

અમેરિકાના ઇતિહાસમાં વિવેકાનંદ ઈશપ્રેમની જે ધારા પ્રવાહિત કરીને મૂકી ગયા તેનું મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન એ દેશના વિચારકોએ આજ પર્યંત કર્યો નથી. વેદવેદાંતની સ્વચ્છ નિર્મળધારા આ બ્રહ્મભૂત ગંગાધર સ્વયં અહીં વહાવીને લાવ્યા હતા; અને તે પણ ઈશ્વરના આદેશે. આવી સૌભાગ્યસૂચક ઘટના આ જાતિના ઇતિહાસમાં બીજી ઘટી નથી. પણ ઈશપ્રેમનાં મૂલ્ય અંકાયા કે નથી અંકાયા એની કોઈ પ્રતીક્ષા કે આકાંક્ષા રહેતી નથી. રહે છે એક માત્ર કલ્યાણકામના.

આ જાતિની ભૌતિક ઉન્નતિની પછીતે ઘર કરીને રહ્યો છે એક જટિલ પ્રશ્ન : ‘તત: કિમ્‌, તત: કિમ્‌’ – તેથી શું? તેથી શું? અનેક સુખોની વચ્ચે અનેક પ્રકારની અશાંતિ, વિધવિધ અસ્ત્રશક્તિની ભીતરમાં રહેલ અનેક હૈયાંના ફફડાટ, અનેક ભોગોની અસંખ્ય જ્વાળા. આ જાતીય સમસ્યા ઘટ્ટ થઈને ગંઠાઈ જાય તે પહેલાં અહીં આવી પહોંચી હતી. આ મૌલિક સમાધાનવાણી. એટલે જ એ જાતિ સૌભાગ્યવાન છે. વિવેકાનંદવાણીનો મહદ્‌અંશ આ જ જાતિને લક્ષ્યમાં રાખીને વહ્યો છે. એનું કારણ શું? જે સ્થાને ભૌતિક પ્રાપ્તિ સૌથી વધારે, તે સ્થળે જ મુક્તિવાણી સંભળાવવાની સૌથી વધારે આવશ્યકતા છે. વેદાંતને અહીં રાખી ગયા આ દેશની આંતરિક સમસ્યાના પ્રતિકાર રૂપે.

ઈશપ્રેમસંવહનની આ થઈ પાશ્ચાત્ય અભિવ્યક્તિ. કાળે કરીને આ દેશમાં આત્મજ્ઞોનું અભ્યુત્થાન થશે, અને એ આત્મજ્ઞો સમસ્યાથી જટિલ બનેલ સભ્યતાના નૂતન-અભ્યુદયનાં ગાન ગાશે. ગમે તેમ હોય પણ અડધા સૈકા પહેલાં આપેલા એ દાનના બદલામાં આજે ભૌતિક ભાગ તો ભારતમાં જઈ પહોંચ્યો છે. વિવેકાનંદનું સ્વપ્ન એકાંશે સફળ થયું છે. પરંતુ ભારત જો આ ટાણે એની શાશ્વત સાધનાને હવે વિસારે પાડશે તો, આ લેતીદેતીની સરવાણી કેવી રીતે ચાલતી રહેશે?

ઠાકુરના નરેન તે શી વસ્તુ છે તેનો પૂરેપૂરો ખ્યાલ નરેનના ઠાકુરને સમજ્યા વિના આવે નહીં. ‘છાશનું જ માખણ, માખણની જ છાશ.’

દક્ષિણેશ્વરમાં કેટકેટલા વગવશીલા, કાબેલ, કુશળ લોકોની અવરજવર રહેતી અને તે છતાં ઠાકુરે, જેને રોટલે ભભરાવવા મીઠું નહોતું મળતું એવા એક છોકરડાને પોતાના ઈશપ્રેમસંવહનના યંત્રસ્વરૂપ બનાવ્યો. એનું કારણ શું? એ સમજવાનો એક જ ઉપાય છે અને તે છે નરેનના ઠાકુર. પોતે પોતાને જે રીતે અર્પિત કરી દીધા હતા, બરાબર એ જ રીતે પાછાં મેળવવા માટે જ ઠાકુરની નરેન્દ્રસાધના. એ એમને મળ્યું ખરું? એની તો એમને જ ખબર. છબિમાં દેખાતા સહજ સરળ આદમી કાંઈ એટલા સહજ નથી. કપરામાં કપરા અને તેનાથીયે વધુ કપરા ઠાકુરે સમજી લીધા વિના છોડી દીધું હોય તેવું લાગતું તો નથી.

પરંતુ સ્વામી વિવેકાનંદ પાસેથી આપણે જે રીતે શ્રીરામકૃષ્ણને સમજવા પામ્યા છીએ તેવી રીતે બીજે કયાંયથી પામવાનો ઉપાય ઠાકુર રાખી ગયા નથી; કાં તો ઇચ્છાપૂર્વક જ આમ કરી ગયા. ઉદારમતવાદી વિવેકાનંદે વિરોધવિવેચનાનો ભય રાખ્યા વિના નિ:સંકોચપણે ઘોષણા કરી : શ્રીરામકૃષ્ણ અવતારવરિષ્ઠ- સાવ ઐશ્વર્યહીન- ભોંય પર આસન! આ અવતારનો પ્રેમપ્રવાહ છે સર્વગ્રાસી, સર્વતોમુખી. એ છે કંગાળ ભિખારીના પણ ઠાકુર, પ્રેમી ઠાકુર, માનવના પૂજારી અને વળી અનેકપંથી ઠાકુર. જીવોના અજ્ઞાનના અંધકારમાં નીકળ્યા છે અભિસારે. એ છે વિરક્ત છતાંય છે આસક્ત. એકરાગિતા ઉપર અણગમો, માત્ર પોં… પકડીને વગાડે નહીં; વિવિધ સૂરોથી, લયથી, તાલથી. ચંચલા એમની એ લીલામાંથી વહે છે વિધવિધ સૂરો. એમના હોય તો બહુની ભીતર, સૌની પાસે ઈશપ્રેમ કેમ કરીને પહોંચે?

વિવેકાનંદના ઠાકુરને આપણે પામ્યા, રામકૃષ્ણ સંઘમાં. આજે પણ જાણે કે દીવાનખંડમાં બેઠા બેઠા વાતો કરી રહ્યા છે : આત્મમોક્ષનું કલ્યાણકારી આહ્‌વાન અને જગતહિતના મોક્ષકારણ બનીને. ‘કેવું તો નાક, કેવાં તો નેણ’ – વાળા ભગવાન એ નથી. એ તો છે વ્યષ્ટિ સમષ્ટિની સકળ સમસ્યાઓ સંગે સંગ્રામ ખેલતી કાલી કરાલી. સેવારત સંઘશક્તિરૂપ રામકૃષ્ણ નામને વિવેકાનંદ એવું તો અમંગલહારી અને વળી કલ્યાણશક્તિથી મંડિત કરીને મૂકી ગયા છે કે, દેશદેશાવરમાં, દીનતામાં, દુ:ખમાં, પીડામાં, જાતિગત કર્મોમાં, શિક્ષામાં, દીક્ષામાં, આનંદઉત્સવમાં, ધ્યાનમાં, હતાશામાં, વિનાશમાં એ નામ આજે લાખ્ખો લોકોનું આશાધામ, ધૃતિપૂર્તિનો ભરોસો બની રહ્યું છે.

ભવતારિણી માએ રામકૃષ્ણને ભાવમુખે રહેવા કહેલું. અને વિવેકાનંદે ‘દાસ તવ જનમોજનમનો’ એમ મુક્તકંઠે સ્વીકારી લઈને પણ માયાવતીમાં ઠાકુરને ઉડાવી દીધા. માયાવતીમાં માયાધીશનું સ્થાન કયાંથી હોય? હિમશિખરે જ્ઞાની વિવેકાનંદે ભક્ત વિવેકાનંદનો ટોટો પીસીને પાષાણસ્વરે કહ્યું : ‘અહીં કેવળ અદ્વૈત જ રહેશે.’

અને છતાં કલકત્તાને રસ્તે નાચતાં નાચતાં ઠાકુરના અસ્થિ ઊંચકીને લાવવાનું કાર્ય પણ કર્યું. ભક્તિની કેવી તો ભાવવિભોર મૂર્તિ! જે દિવસે બેલૂરમઠમાં પ્રતિષ્ઠા થવાની હતી ત્યારે નિલાંબરબાબુના બગીચેથી આત્મારામને – પવિત્ર અસ્થિકુંભને પોતાને જમણે ખભ્ભે ઊંચકીને લઈ આવ્યા હતા. ત્યારે ક્યાં ગયા હતા જ્ઞાની વિવેકાનંદ? પોતાને હાથે ખીર રાંધી અને વળી પૂજા પણ થઈ! લાગે છે કે બાજુમાં શશી (શ્રીરામકૃષ્ણાનંદજી) નહોતા ત્યારે આટલી હિંમત!

પણ આલમબજારમાં શશીને કહેલું : ‘આ તેં જે ઠાકુરની પૂજાની પળોજણ ઊભી કરી છે. તે કોણ પૂરાં પાડશે એમનાં રોજનાં પાનબીડાં, ચણા અને સાકરના પૈસા? આ તારું ઘંટ વગાડવાનું વધી ગયું છે તે જોઈને મને બીક લાગે છે. શાંત એકાકી શશીએ વિશ્વાસની ફેણ ચડાવી : ‘તમારે એની ફિકર-ચિંતા નહીં કરવી પડે. જેમની પૂજાની પળોજણ ઊભી કરી છે તેઓ જ એમના ભોગના પૈસાની વ્યવસ્થા પણ કરી દેશે.’

નરેનની છાતીની ભીતર અંતરાત્મામાં કોણ જાણે કોઈક હલમલી ઊઠ્યું, આ શશી હવે નથી સહેવાતું એકદમ પ્રાણ વીંધી નાખનારાં વેણ બોલી બેસે છે. છાતીમાં છવાઈને જે રહેલા છે તેમને હવે કેટલા અંદર ને અંદર ભંડારીને રાખી શકાય? એ તો છે પ્રકાશના પૂરના સ્વામી, તોડીફોડીને બહાર છલકાઈ જાય.

વિવેકાનંદે રામકૃષ્ણનો પ્રચાર નહોતો કર્યો. એ તો : ‘વાત કહેતાં ડરું’ ની જ વાત : ‘ખોઈ બેસીશ કે શું હું રાધે!’ આ જ તો ફકીર રામકૃષ્ણનું પોતાને ફરી પાછા પામવું એ. એટલે વિવેકાનંદે વેદાંતનો કર્યો પ્રસાર અને રામકૃષ્ણને કર્યા પ્રકાશ. અને કેવો તો એ પ્રકાશ! – ચહુદીશ અજવાળું જ, અજવાળું પથરાઈ રહ્યું છે. અજ્ઞાનનો અંધકાર વિજ્ઞાનના તાપે તપીને પ્રકાશમાં પરિણત થઈ ગયો છે. 

અજબ છે આ ઠાકુરના નરેન અને ગજબ છે આ નરેનના ઠાકુર. એક તરફ શશી સાથે ઘંટ હલાવવાની વાત. ઝઘડાઝઘડી અને બીજી બાજુએ ભૂમિએ પડીને કહેવાનું : ‘તસ્માત્‌ ત્વમેવ શરણં મમ દીનબન્ધો.’ એક તરફ કાલીકૃષ્ણને ગાળાગાળી : તું શું બૂટની દોરી છોડવા ખાતર સાધુ થયો છે? અને આ બીજી તરફ જુઓ : ‘ધે ધે ધે લંગ રંગ, બાજે અંગ સંગ મૃદંગ.’ આવીને આવી જ રીતે પ્રગટ થયો છે વિવેકાનંદમાં શ્રીરામકૃષ્ણનો છંદ.

***

ગિરિશબાબુએ સ્વામીજીને કહ્યું : ‘ભાઈ નરેન, તમે ઠાકુરનું એક જીવનચરિત્ર લખો.’ વીર વિવેકાનંદને બીજા કશાથી આટલા ગભરાઈ ઊઠેલા નથી જોયા. ધ્રૂજતે સ્વરે બોલ્યા : ‘જી.સી., જો તમે મને સાગરને સૂકવી નાખવાનું કહો તો તે કરું; અને પર્વતના ચૂરેચૂરા કરવાનું કહો તો તે પણ કરું, પણ ઠાકુરનું જીવનચરિત્ર લખવાનું કહેશો મા.’ 

ઠાકુરનું જીવનચરિત્ર વિવેકાનંદે લખ્યું નહીં, પરંતુ ગિરિશબાબુના આગ્રહને અણધારી રીતે સંતર્પીને ગયા છે. ‘ખંડન-ભવ-બંધન’ના આરતી સંગીતમાં સ્વામીજીએ ઠાકુરનું જે જીવંતભાવરૂપ આપણા સૌ માટે કંડારી દીધું છે, તે સદાકાળ પ્રાણવંત ધ્યાનવસ્તુ બની રહેશે. શ્રીરામકૃષ્ણના કુળગોત્રનું, જન્મધામનું, સાધના આરાધનાનું; અરે! એમનાં આવાં અનવદ્ય અંગ-ઉપાંગોનું સુધ્ધાં એમણે વર્ણન નથી કર્યું. ભાવમુખના રામકૃષ્ણને ભાવમુખે જ પ્રગટ કર્યા છે. દક્ષિણેશ્વરમાં જે આટલું બધું માખણ-સંદેશ ખવડાવવાનું, આટઆટલું ‘નરેન્દ્ર ખા, નરેન્દ્ર ખા.’ એ બધું આના માટે જ છે. બધું પાછું મેળવવાનું હતું એટલા માટે જ! અસીમને સીમાઓની ભીતર ધરી દીધા હતા. ભક્ત વિવેકાનંદ આંસું ખાળીને એમને ફરી પાછા અસીમના પ્રદેશે અખંડના ઘેર પાછા વાળીને લઈ ગયા, જ્યાંથી તેઓ આવેલા હતા ત્યાં.

(ક્રમશ:)

Total Views: 157

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.