સ્વામી વિવેકાનંદ કહે છે : ‘એમને (સામાન્ય જનસમૂહને) ક્યાંયથી પ્રકાશ મળતો નથી, શિક્ષણ પણ મળતું નથી. એમના સુધી પ્રકાશ કોણ પહોંચાડશે – એમના ઘર સુધી શિક્ષા પહોંચાડવા માટે કોણ ઘરઘર ભટકશે?’

બંગાળના પ્રેસિડેન્સી ડિવિઝનના કમિશ્નરશ્રી જે.એન. ગુપ્તાએ, એમ.એ.આઈ.સી.એસ., અંગ્રેજી શાસન દરમિયાન એક સંભાગીય સંમેલનમાં અધ્યક્ષ સ્થાનેથી ભાષણ આપતાં કહ્યું હતું : ‘આપણા બહુસંખ્યક ભાઈબહેનોની અવસ્થાનું વિવરણ કરીને હું તમારા મનમાં દુર્ભાવ ઊભો કરું યોગ્ય ગણાશે ખરું? તમે બધા એ નિરાશાજનક અને અશુભ, ઉદાસીભર્યા ચિત્રથી ઠીકઠીક પ્રમાણમાં સુપરિચિત છો. આપણે બધા જાણીએ છીએ કે આપણી શારીરિક સ્થિતિ અત્યંત ખરાબ છે અને ખેદની વાત એ છે કે આપણું સરેરાશ આયુષ્ય પણ ઘણું ઓછું છે. બાળમૃત્યુનો દર મોટાભાગના દેશોની તુલનામાં વધારે છે. આપણે વિકરાળ મહારોગો અને બિમારીઓના ભોગ બનીએ છીએ. આ બધી બાબતો કોઈ એક જાતિને જ હણતી નથી પણ સમગ્ર સમાજને આતંકિત કરી મૂકે છે. આપણી જનસંખ્યાના મોટા ભાગના લોકોને અતિઅલ્પ પ્રમાણમાં ભૌતિક સંસાધન પ્રાપ્ય બને છે. બિમારીઓના મારથી બચવા માટે એમની પાસે યોગ્યમાત્રામાં પોષકતત્ત્વો ભાગ્યે જ હોય છે. તેમનાં કૃષિ-ઉદ્યોગનું પછાતપણું જ એમની ગરીબીનું મુખ્ય કારણ છે. દિનપ્રતિદિન અવિવેકપૂર્વકનો એમનો વસતી વધારો અને મોટા ભાગના ગ્રામ્ય ઉદ્યોગોનું પતન થતાં તેમજ એ લુપ્ત થતાં ખેતીની જમીને જ આ વધતા ભારનો બોજો વહન કરવો પડે છે. અંતે આપણી વસતીનો મોટો ભાગ કોઈ પણ પ્રકારનાં શિક્ષણ, આરોગ્યરક્ષણના પ્રાથમિક જ્ઞાન કે જીવનના ઉચ્ચસ્તરથી વંચિત રહે છે. એને લીધે એમના બધાં સંસાધનો અને શક્તિઓ દૈનંદિન જીવનની પ્રાથમિક આવશ્યકતાઓની પૂર્તિ માટે જ ખર્ચાઈ જાય છે. આ વાતો બંગાળની પોણા પાંચ કરોડની વસતીમાંથી (૧૯૭૧માં) ઘણા મોટા પ્રમાણમાં સવાચાર કરોડ લોકોને લાગુ પડે છે. ૭૦ વર્ષો પૂર્વે ભારતના એક મુખ્ય પ્રદેશની આવી અવસ્થા હતી! પછીનો ઇતિહાસ તો વળી ઓર દુ:ખદ કહાણીઓથી ભરેલો છે. 

આવી પરિસ્થિતિમાં જ્યાં સુધી આપણા ભદ્ર સમાજ – ઉચ્ચવર્ગના લોકો આ સામાન્ય પ્રજાનાં દુ:ખકષ્ટો પ્રત્યે સહાનુભૂતિ રાખીને એ બધાંને અંધવિશ્વાસ અને અજ્ઞાનની દુનિયામાંથી બહાર લાવવામાં દરેક પ્રકારની સહાયતા નહિ કરે; એમની ભૌતિક તેમજ આર્થિક અવસ્થાઓમાં સુધારણા લાવીને તથા રાષ્ટ્રઘડતરના મહાન કાર્યક્રમમાં યોગ્ય ભાગીદાર બનાવવા માટે, એમને ઉન્નત અને શિક્ષિત નહિ કરે; ત્યાં સુધી એ બધા લોકો કોઈ પણ વ્યક્તિ પાસેથી મળનારા ઉપદેશને ગંભીરતાપૂર્વક સાંભળવાની મન:સ્થિતિમાં હોઈ ન શકે એ વાત ચોક્કસ છે.

આ એક ઘણું કઠિનકાર્ય છે એ વાત સ્પષ્ટ છે. છતાંય કેવળ આ કાર્ય અત્યંત કઠિન છે એ કારણે આપણી પ્રજાની આવશ્યક જરૂરતો પ્રત્યે ઉદાસીનતા રાખવી એ આપણને શોભા દેતું નથી. સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘હું એને મહાત્મા કહું છું કે જેનું હૃદય ગરીબો માટે રડે છે; નહિ તો એ એક દુરાત્મા છે.’ ભારતના મહાન દેશભક્ત સંન્યાસીએ નિર્દેશેલ પથ પર ગંભીરતાપૂર્વક ચાલવાનો પ્રયાસ કરતાં કરતાં આ દેશનાં નિર્ધન, અશિક્ષિત, પદદલિત, રોગજર્જરિત દેશવાસીઓની આપણા હૃદયનાં રક્ત રેડીને આપણે સેવા કરવી પડશે. સામાન્ય પ્રજાજનોને જગાડવા માટે આપણે આપણાં શક્તિઓ તથા સંસાધનોને કેન્દ્રિત કરવાં પડશે. એમની વિશાળ માત્રાની આવશ્કતાઓની તુલનામાં આપણાં પ્રયાસ તથા પ્રાપ્તિઓ સીમિત હોઈ શકે છે, પરંતુ તીવ્ર સહાનુભૂતિ દ્વારા પ્રેરાયેલું સાચું કાર્ય ક્યારેય વ્યર્થ નથી જતું.

વીસમી શતાબ્દિનાં ભૌતિક સંસાધનોથી સંપન્ન આ સુવિધાભોગી લોકોમાંથી જો થોડાએક હજાર લોકોને પણ વસ્તુત: આ કાર્ય માટે પ્રેરિત કરી શકાય, સામાન્ય પ્રજાજનોને એક સારા જીવનસ્તર સુધી ઉન્નત કરવાની તાત્કાલિક જરૂરત પ્રત્યે સચેત કરી શકાય, તો આ કાર્ય કઠિન હોવા છતાં પણ વાતવાતમાં પૂરું થઈ જશે. ભારતના દરેક પ્રદેશ માટે આ જ વાત લાગુ પડી શકે. સામાન્ય પ્રજાની ઉન્નતિ માટે જ્યારે સરકાર કોઈ કાર્યક્રમને પૂર્ણ કરવાનું સપનું સેવે ત્યારે ઉચ્ચવર્ગોમાં સેવાનો આ દૃષ્ટિકોણ લાવવો આવશ્યક છે. રામકૃષ્ણ મિશને રોગ તથા નિર્ધનતાથી પીડિત લોકોની સેવા કરીને, તત્કાલ તથા સ્થાયી રાહતકાર્યોના કામમાં લાગી જઈને એ ચેતનાને જગાડવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન કર્યું છે. પૂર્ણવિશ્વાસ સાથે કહી શકાય કે આપણા સમાજના ઉચ્ચવર્ગોમાં પૂર, દુષ્કાળ, મહારોગના સમયે પીડિત લોકોને સેવા અને રાહતસામગ્રી પહોંચાડવાનો આ ભાવ સંક્રમિત કરવામાં યથેષ્ટ સફળતા મળી ચૂકી છે. આપત્તિના પ્રતિકારના ઉપાયોની સમસ્યા છે ત્યારે હવે અનેક સમાજસેવી સંસ્થાઓ આ સેવાના મેદાનમાં ઊતરી ચૂકી છે તથા અતિઉત્તમ કાર્યો પણ કરી રહી છે. હવે નિશ્ચિતપણે એ સમય આવી ગયો છે કે જ્યારે આ બધી સંસ્થાઓએ એ આપત્તિના નિવારક ઉપાયો પર પણ ગંભીરતાપૂર્વક વિચારકાર્ય કરવાં પડશે.

શિક્ષણ નિશ્ચિત રૂપે એક અત્યંત પ્રભાવક તથા દુર્ગામી નિવારક ઉપાય છે. સમાજના બધા વર્ગોની ભિન્ન ભિન્ન આવશ્યકતાઓ તથા ક્ષમતાઓ પ્રમાણે સમાયોજિત, સંસ્તરિત તથા વિતરિત થનાર એક સ્વસ્થ તેમજ માનવનું નિર્માણ કરવાવાળી કેળવણીની જરૂર છે; ગરીબી, રોગો, અકાલમૃત્યુના મુખમાંથી, જમીનદારો, જાતિને પોષનારા તથા મહાજનોના અત્યાચારથી અને સાથે ને સાથે દરેક પ્રકારનાં સાંપ્રદાયિક સંકટોથી મુક્ત કરાવવા માટે આવી કેળવણી ઘણી ઉપયોગી સાબિત થશે. કેળવણી જ એવી વસ્તુ છે કે જે ‘સૂતેલા દૈત્યને’ તેના પોતાના પગ પર ઊભો કરવા માટે પરમ આવશ્યક છે. કેવળ શિક્ષણ જ દરેક એકમને ઉચિત આકાર આપશે; એમને એક સશક્ત પૌરુષમય તથા આત્મનિર્ભર રાષ્ટ્રના રૂપે જોડી શકશે અને ત્યારે જ ભારત વિશ્વનાં અન્ય રાષ્ટ્રોમાં પોતાની મહિમામય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરીને પોતાના જીવનનો ઉદ્દેશ પૂરો કરવામાં સમર્થ બનશે. ભગિની નિવેદિતાની આ ઉક્તિમાં કોઈ અતિશયોક્તિ નથી: ‘શિક્ષિત વ્યક્તિ માટે બધું સંભવ છે અને અશિક્ષિત માટે કંઈ પણ સંભવ નથી.’

વિશ્વ એક કમજોર રાષ્ટ્રના મુખે અપાતો પ્રેમ અને સત્યનો ઉપદેશ સાંભળવાની મન:સ્થિતિમાં નથી. રાષ્ટ્રને પુનર્જીવિત કરવો પડશે. એણે એ બતાવવું પડશે કે એમની સંસ્કૃતિ એમની દુર્બળતાનું કારણ નથી. પરંતુ એમાં કંઈક એવું છે જે ક્ષાત્રવીર્ય સાથે બ્રહ્મતેજનું સંયોજન કરીને એક ઉચ્ચપ્રકારની શક્તિ તથા કુશળતા પ્રદાન કરે છે. એને કેવળ પ્રાચીન ઇતિહાસ કે પુરાણોનાં ઉદ્ધરણ કે તર્ક દઈને નહિ, પરંતુ પોતાની વાસ્તવિક ઉપલબ્ધિઓ દ્વારા પ્રદર્શિત કરવી પડશે. સાથે ને સાથે એ પણ બતાવવું પડશે કે એની આધ્યાત્મિક સંસ્કૃતિની આધારશિલા એક એવી સભ્યતા પર ઊભી કરી શકાય છે કે જે સામાજિક, આર્થિક, રાજનૈતિક જીવનના કોઈ પણ ક્ષેત્રમાં યોગ્યતા તથા કુશળતાની દૃષ્ટિએ આ ધરતી પર વિદ્યમાન હોય એવી કોઈ પણ સભ્યતાથી એનામાં પોણીવીસ નહિ હોય એટલે કે એ એનાથી જરાય ઉતરતી નહિ હોય. આ બધું કાર્યાન્વિત કર્યા પછી ભારત એવી અવસ્થામાં હશે કે જ્યારે સમગ્ર વિશ્વ શ્રદ્ધાથી અવનત બનીને ધ્યાનપૂર્વક એનો સાંસ્કૃતિક મહિમા સાંભળશે. આધુનિક વિશ્વનો આ દૃઢ વિશ્વાસ છે કે આપણી વેદાંતિક સંસ્કૃતિ મનુષ્યને ‘પરલોકવાદી’ બનાવે છે અને એ સંસ્કૃતિએ આપણી પ્રજાને આ જગતનાં કાર્યો માટે અત્યંત અયોગ્ય બનાવી દીધી છે. વ્યાવહારિક ઉદાહરણ બતાવીને આપણે એમની આ ધારણામાં પરિવર્તન લાવવું પડશે. એના માટે આપણે આપણા રાષ્ટ્રે સ્વસ્થ, સશક્ત તથા કુશળ બનીને; સ્વયં તેમજ પોતાની સંસ્કૃતિ પ્રત્યેના પ્રચંડ વિશ્વાસ સાથે પોતાના પગ પર ઊભા રહેવું પડશે. અને આ બધું ત્યારે જ સંભવ બનશે કે જ્યારે આ દેશનાં પ્રજાજનોને શારીરિક, બૌદ્ધિક તથા આધ્યાત્મિક દૃષ્ટિએ ઉપયુક્ત ભોજન આપવામાં આવશે.

વસ્તુત: ભારતની સેવાનો અક્ષરશ: અર્થ એ છે કે તેની પ્રજાને ઉચિત કેળવણી અપાય; કારણ કે એમની બધી સમસ્યાઓમાંથી કોઈ પણ સમસ્યા એટલી બધી કઠિન નથી કે ‘જેને ‘કેળવણી’ના અદ્‌ભુત ચમત્કારિક શબ્દ દ્વારા ઉકેલી ન શકાય’. એટલા માટે આવો, આપણે પોતે જ સબળ બનીએ અને સુયોગ્ય કેળવણીના પ્રસાર દ્વારા આપણી પ્રજાની પરિસ્થિતિમાં સ્થાયી સુધારણા લાવવાની દિશામાં કંઈક નક્કર અને સારભૂત યોગદાન કરવા માટે આપણી પોતાની બધી પ્રાપ્ય શક્તિઓ તથા સાધનોને એકત્રિત કરીને કામે લગાડી દઈએ. ભગિની નિવેદિતાની આ ઉક્તિને આપણે ક્યારેય ન ભૂલીએ: ‘આપણે બધા જાણીએ છીએ કે ભારતનું ભાવિ કેળવણી પર નિર્ભર કરે છે. આપણે એ પણ જાણીએ છીએ કે એને કાર્યકારી બનાવવા માટે આ કેળવણીના દરેક સ્તરે, એના નિમ્નતમ ઉપયોગથી માંડીને ઉચ્ચતમ તથા પરમ ઉદાસીન શ્રેણીઓ સુધી – પ્રસારિત કરવી પડશે. આપણે ટેકનીકલ શિક્ષણ પણ જોઈએ છીએ અને ઉચ્ચતર સંશોધનની પણ જરૂર છે. આપણે ભૌતિક શિક્ષણ પણ ઇચ્છીએ છીએ અને સાથે ને સાથે ધાર્મિક શિક્ષણ પણ ખરું. વળી સંભવત: આ બધાંથી મહત્ત્વપૂર્ણ જનશિક્ષણની આવશ્યકતા છે અને એને માટે આપણે આપણા પોતાના પર જ આધાર રાખવો પડશે.’

Total Views: 25
By Published On: September 14, 2022Categories: Nirvedananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram