સ્વાતંત્ર્યદિન પર્વ નિમિત્તે સ્વામી પ્રભાનંદના અંગ્રેજી પુસ્તક ‘Nivedita of India’ ના અંશોનું શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

નિવેદિતાએ સ્વામી વિવેકાનંદની દેશભક્તિ વિશે આ શબ્દો લખ્યા છે: ‘ભારત જ સ્વામીજીને મન સૌથી શ્રેષ્ઠ પ્રેમનો વિષય હતો… એમના હૃદયમાં ભારત ધબકતો હતો, એમની રક્તવાહિનીઓમાં પણ એના જ ધબકારા સંભળાતા હતા. એને મન ભારત એમનું એક દિવા સ્વપ્ન હતું, અને એમની જાતિ પર ભારે દબાણ કરતું ભીષણ સ્વપ્ન હતું.’

આવી દેશભક્તિ ભગિની નિવેદિતામાં પણ પ્રગટી હતી. એક પવિત્ર મંત્રની જેમ તેઓ ‘ભારતવર્ષ, ભારતવર્ષ’ એ મંત્રનો જાપ હર પળે કરતાં રહેતાં. તેઓ ભારતમાંની દરેકેદરેક બાબત કે વસ્તુની પવિત્ર અને પૂજવા લાયક ગણતાં હતાં.  તેઓ ઘણાં માન આદરભાવ સાથે ચોક્કસપ્રકારનાં આચરણો કરતાં પછી ભલે એ બધાં પાછળથી અનુપયોગી બની ગયાં હોય. એનું કારણ એ હતું કે ભૂતકાળમાં ભારત માટે એ બધાં ઉપયોગી નિવડ્યાં હશે જ. ગંગાના કિનારેથી હોડીમાં બેસતાં પહલાં કોઈ પણ પવિત્ર હિંદુનારીની જેમ તેઓ ગંગાના પવિત્ર પાણીનો સ્પર્શ કરીને તેને પોતાના શિર પર છાંટતાં. તેઓ જ્યારે જ્યારે કોઈ પણ મંદિર કે દેવ સન્મુખ જતાં ત્યારે પોતે પોતાના બે હાથ જોડીને પ્રણામ કરતાં. 

એક દિવસ ભગિની નિવેદિતા અને ક્રિસ્ટીનને શિશિલકુમાર ઘોષે પોતાના ‘અમૃત બજાર પત્રિકા’ના કાર્યાલયમાં આવવા નિમંત્રણ આપ્યું હતું. ત્યાં બીજાં કેટલાંક ભારતીય સન્નારીઓ પણ હતાં. શિશિર બાબુએ ભગિની નિવેદિતા અને ક્રિસ્ટીન સાથે એ બધાંની ઓળખાણ કરાવી. ભગિની નિવેદિતા તો તત્ક્ષણ જાણે કે એમનાં જ બની ગયાં, જો કે ભારતીય નારીઓ એમનાંથી ઘણા વખતથી પરિચિત હતી. ઓરડાના એક ખૂણામાં ઘંટ આકારના ધાતુની દીવી પર એક માટીનું કોડિયું ઝગઝગતું હતું; એ જમાનામાં વીજળીની સુવિધા હતી. ઘંટ આકારના ધાતુની દીવી અને તેના પર રહેલા માટીના કોડિયાને જોઈને ભગિની નિવેદિતા અને ક્રિસ્ટીને અજબનાં આનંદ, આકર્ષણ અનુભવ્યાં. તેઓ અનિમેષ નયને એમના તરફ જોઈ રહ્યાં. થોડીવાર પછી તેઓ આરતીના શબ્દો બોલવા લાગ્યાં અને બે હાથ જોડીને બંનેએ પ્રણામ પણ કર્યા. ત્યાં હાજર રહેલાં બધાં અને એમાંય ખાસ કરીને બહેનો આ ભાવભક્તિ જોઈને આશ્ચર્યચકિત બની ગયાં. એ બધાં તો આવું બધું બાળપણથી જ નીહાળતાં હતાં. પરંતુ એ દિવસે એમને પહેલીવાર જ એવી અનુભૂતિ થઈ કે આ ધાતુની દીવી પર રહેલું માટીનું કડિયું પણ કેટલું પવિત્ર છે!

પ્રવૃત્તિઓ, વર્તનભાવો, ભાષા, પોશાક, કેળવણી, સંગીત, વગેરેના માધ્યમથી ભગિની નિવેદિતાએ પોતાની વિદ્યાર્થિનીઓનાં મનહૃદયમાં ભારતના રાષ્ટ્રિય આદર્શોને ભરીને અંકિત કરી દેવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે દરરોજ ગવાતાં મહાન ગીત ‘વંદે માતરમ્‌’ને પોતાની શાળામાં ગવરાવવાનું શરૂ કર્યું. ગમે તેટલી મહત્ત્વની હોય કે ન હોય પણ રાષ્ટ્રને સ્પર્શતી કોઈ પણ બાબત એમને પૂજાતાં દેવદેવી જેવી વહાલી હતી. તેમણે આવો જ આદરભાવ પોતાની વિદ્યાર્થિનીઓમાં પણ ઊતરવાનો પ્રયત્ન કર્યો હતો કે જેથી તેઓ રાષ્ટ્રને સ્પર્શતી કોઈ પણ બાબતને આટલા ગહનભાવથી જોઈ શકે.

એક દિવસ નિવેદિતાએ પોતાની વિદ્યાર્થિનીઓને પૂછ્યું: ‘ભારતનાં રાણી કોણ છે?’ બહેનોએ જવાબ આપ્યો: ‘મહારાણી વિક્ટોરિયા.’ આ વિચાર એમના મનમાં સ્વાભાવિક રીતે આવ્યો કારણ કે ભારત પર અંગ્રેજોનું શાસન હતું અને ઈંગ્લેન્ડના મહારાણી હતા વિક્ટોરિયા. ભગિની નિવેદિતા આ જવાબ સાંભળીને ઉદ્વિગ્ન બન્યા એ સ્પષ્ટપણે જોઈ શકાતું હતું. તરત જ તેઓ બોલી ઊઠ્યાં: ‘અરે, ભારતનાં મહારાણી કોણ છે એય તમે જાણતા હો એમ લાગતું નથી!’ પછી એમને સમજણ આપીને કહ્યું: ‘જુઓ, ઈંગ્લેન્ડનાં મહારાણી, મહારાણી વિક્ટોરિયા ભારતનાં મહારાણી ક્યારેય ન બની શકે. તમારાં મહારાણી છે, દેવી સીતા. સીતા એ જ ભારતનાં શાશ્વત મહારાણી છે.

Total Views: 37
By Published On: September 14, 2022Categories: Prabhananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram