પહેલી જાન્યુઆરી ૧૮૮૬. શ્રીરામકૃષ્ણદેવને ગળામાં કૅન્સર થવાથી કલકત્તામાં કાશીપુરના બગીચામાં સારવાર માટે લાવવામાં આવ્યા છે. બપોરના લગભગ ત્રણ વાગે તેઓ ઉ૫૨ના ઓરડામાંથી નીચે આવી ગયા અને બગીચાના ફાટક સુધી ટહેલવા લાગ્યા. ઘણા દિવસો પછી આજે તેઓ કંઈક સ્વસ્થ હોવાથી આમ નીચે ઉતર્યા છે, એટલે ભક્તો ખુશ છે. રજાનો દિવસ હોવાથી લગભગ ત્રીસેક જેટલા ભક્તો આવેલ છે. તેઓ પણ શ્રીરામકૃષ્ણદેવની પાછળ પાછળ ચાલવા લાગ્યા. ફાટકથી રહેવાના ઓરડા તરફ જતાં અધવચ્ચે એક ઝાડ તળે શ્રીરામકૃષ્ણદેવે શ્રી ગિરીશ ઘોષ, રામચંદ્ર દત્ત વગેરે ભક્તોને, બેઠેલા જોયા. તેમણે ઓચિંતા શ્રી ગિરીશ ઘોષને સંબોધીને કહ્યું, “ગિરીશ, આ તુ જે સહુને આટલી વાતો (શ્રીરામકૃષ્ણદેવના અવતારત્વની વાતો) કહેતો ફરે છે, તો તેં (મારામાં) શું જોયું છે અને તું શું સમજ્યો છે? એ સાંભળીને જરાપણ અચકાયા – અટકાયા વગર ગિરીશ ઘોષ એમના ચરણોમાં જમીન પર માથું ટેકવીને બેસી ગયા અને મોઢું ઊંચું કરીને હાથ જોડીને ગદ્‌ગદ્‌ સ્વરે બોલી ઊઠ્યા, “વ્યાસ-વાલ્મીકિ જેમનો પાર પામી નથી શક્યા, એમને વિશે હું તે વળી વધારે શું કહી શકું? ગિરીશ ઘોષના અંતરમાં રહેલો સરળ વિશ્વાસ એકે એક શબ્દમાં ટપકી રહેલો જોઈને શ્રીરામકૃષ્ણદેવ મુગ્ધ થઈ ગયા અને એમના તરફ જોઈને ભેગા મળેલા સૌ ભક્તોને એમણે કહ્યું, “તમને બધાને વધુ શું કહું? આશીર્વાદ દઉં છું કે તમને સહુને ચૈતન્ય હો.” ભક્તો પ્રત્યેના પ્રેમ અને કરુણાથી સૂધબૂધ વિસરી જઈને તેઓ એટલા શબ્દો બોલતાવેંત જ ભાવાવિષ્ટ થઈ પડ્યા. હાજર રહેલા સૌ ભક્તોને લાગ્યું કે જાણે કે એમના દુઃખોથી દુઃખી થઈને કોઈ એક અપૂર્વ દેવતા પોતાના પ્રેમપૂર્ણ પાલવમાં આશ્રય દેવાને માટે સ્વર્ગમાંથી ઉતરી આવીને એમને વહાલથી યાદ કરી રહ્યા છે! ભક્તો સૌ આનંદના અતિરેકમાં આવી શ્રીરામકૃષ્ણદેવને પ્રણામ કરવા લાગ્યા. એમની ચરણધૂલિ લેવાને માટે સૌ ભક્તો વ્યાકુળ બની ગયા અને જયજયકારથી દિશા ગજાવતા એક પછી એક પ્રણામ કરવા મંડી પડ્યા. શ્રીરામકૃષ્ણદેવના કરુણાસાગરે આજે માઝા વટાવી દીધી. તેઓ એક પછી એક બધા ભક્તોને અર્ધબાહ્યદશામાં દિવ્યભાવે સ્પર્શ કરવા માંડ્યા. ભક્તોમાં અદ્‌ભુત ભાવ સંચાર થયો; કોઈ મંત્રમુગ્ધની જેમ એકટીશે તેમના તરફ જોઈ રહ્યા, કોઈ પોતાના ઈષ્ટનાં દર્શન પામી ધ્યાનમગ્ન બની ગયા. કોઈ વળી ઘરમાં રહેલા સહુને તેમની કૃપા પામીને ધન્ય બનાવવા માટે બૂમો પાડીને બોલાવવા મંડ્યા, કોઈ વળી ફૂલો ચૂંટીને મંત્રોચ્ચાર કરતાં કરતાં તેમની પૂજા કરવા મંડી પડ્યા, તો કોઈ વળી આનંદના અતિરેકમાં નાચવા લાગ્યા. 

શ્રીરામકૃષ્ણદેવના દિવ્ય સ્પર્શથી પોતાનામાં કેવું અદ્‌ભુત ભાવાંતર થયું હતું તેનું વર્ણન કરતાં શ્રી વૈકુંઠનાથ સાંન્યાલે ‘શ્રીરામકૃષ્ણ લીલા પ્રસંગ’ના લેખક સ્વામી સારદાનંદજી મહારાજને કહ્યું હતું, ……ઠાકુરે ‘અચ્છા’ કહીને ક્ષણભરને માટે સાધારણપણે મારી છાતીએ ફક્ત સ્પર્શ જ કર્યો. પણ એને પ્રભાવે મારા અંતરમાં અપૂર્વ ભાવપલટો આવી ગયો. આકાશ, ઘર, ઝાડપાન, માણસો વગેરે જે બાજુએ જે કાંઈ નજરે પડ્યું તે બધાંમાંય ઠાકુરની પ્રસન્ન હાસ્યદીપ્ત મૂર્તિ નિહાળવા લાગ્યો. પ્રબળ આનંદથી એકદમ ઉલ્લાસિત થઈ ઊઠ્યો. એ જ વખતે તમને લોકોને અગાસીમાં ઊભેલા જોઈને ‘જે કોઈ જ્યાં હો ત્યાંથી અબઘડીએ આવી જાઓ.’ કરીને બૂમો પાડીને બોલાવવા માંડ્યો. થોડાક દિવસો લગી મારો એવો ભાવ અને દર્શન જાગ્રતકાળે હરક્ષણે કાયમ રહ્યાં. સર્વ પદાર્થોની અંદ૨ ઠાકુ૨નાં પુણ્યદર્શન પ્રાપ્ત કરીને સ્તંભિત અને મુગ્ધ થઈ જવા લાગ્યો. ઑફિસે જાઉં કે બીજે કોઈ કામે બીજે કશે જાઉં ત્યાં પણ એવું જ થતું રહ્યું… થોડાક દિવસો ગયા ન ગયા ત્યાં એવી રીતે એક જ ભાવમાં એક જ દર્શન અને વિચારપ્રવાહ લઈને રહેવાનું મુશ્કેલ લાગવા માંડ્યું – કયારેક કયારેક તો મનમાં થવા માંડ્યું કે, ‘ગાંડો થઈ જઈશ કે શું? ત્યારે ફરીવાર ઠાકુરની પાસે ભયભીત થઈને પ્રાર્થના કરવા માંડ્યો કે, ‘પ્રભુ, આ ભાવને ધારણ કરવાને સમર્થ હું નથી બની શકતો જેથી કરીને આ ભાવ શમી જાય એવું કાંઈક કરી દો.’ “હાય રે, માનવ દુર્બળતા અને બુદ્ધિહીનતા! હવે અત્યારે થાય છે કે કેમ મેં એવી પ્રાર્થના કરી, કેમ એમના પર દૃઢ ભરોસો રાખીને એક ભાવની ચરમ પરિણતિને જોવાને ખાતર ધૈર્ય ધરીને બેઠો નહિ! બહુ બહુ તો ગાંડો થઈ જાત અથવા તો શરીર પડી જાત. પરંતુ એવી પ્રાર્થના કરતાં જ પછી એક દિવસે એ ભાવ અને દર્શન અચાનક જ વિ૨મી ગયાં!”

આવી રીતે ઘણા ભક્તોને તે દિવસે દિવ્ય અનુભવો થયા હતા. ઘણા લોકો આ ઘટનાને શ્રીરામકૃષ્ણદેવનું ‘કલ્પતરુ’ બનવું એમ કહીને વર્ણવે છે. આ દિવસને (પહેલી જાન્યુઆરીને) ‘કલ્પતરુ દિવસ’ રૂપે ઘણી જગ્યાએ ઉજવવામાં આવે છે. કાશીપુરના બગીચામાં દર વર્ષે પહેલીથી ત્રીજી જાન્યુઆરી સુધી ત્રણ દિવસો માટે આ નિમિત્તે મહોત્સવ યોજાય છે, જેમાં લાખો લોકો જોડાય છે. પહેલી જાન્યુઆરીએ શ્રીરામકૃષ્ણદેવ જે ઓરડામાં રહેતા તેમાં રાખેલ તેમની છબીનાં દર્શન કરવા લોકો સવારના ૪ વાગ્યાથી કતારમાં ઊભા રહે છે.

‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’માં સ્વામી સારદાનંજી મહારાજ લખે છે કે આ ઘટનાને ‘ઠાકુરે અભયપ્રકાશ અથવા આત્મપ્રકાશ કરીને સહુને દીધેલું અભયદાન’ એમ કહીને ઓળખાવવું વધારે તર્કસંગત છે, કારણકે ‘કલ્પતરુ’ તો માગનારને વાંછિત વસ્તુ આપે, સારી હોય કે નરસી હોય, પણ શ્રીરામકૃષ્ણદેવે તો એવું નહોતું કર્યું. એમણે તો એ ઘટનાથી પોતાના દેવમાનવત્વનો અને સર્વ જનોને વિના ભેદભાવે દીધેલા અભય આશ્રયનો જ સ્પષ્ટ પરિચય આપેલો.

શ્રીરામકૃષ્ણદેવ ‘કલ્પતરુ’ વિશે એક મજેદાર વાર્તા કહેતા. એક માણસ વનમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે થાકીને એક ઝાડ તળે બેસીને વિચારવા લાગ્યો કે સૂવા માટે પથારી હોય તો કેવું સારું? તેને શું ખબર કે તે ‘કલ્પતરુ’ નીચે બેઠો હતો? મનમાં વિચાર આવતાં જ ત્યાં સુંદર પથારી થઈ ગઈ. પછી તે માણસને વિચાર આવ્યો, ‘ભૂખ લાગી છે, કાંઈક ખાવાનું મળી જાય તો કેવું સારું? તરત જ ભાત – ભાતની વાનગીઓ હાજર થઈ ગઈ. ‘કોઈ પગ દબાવવાવાળું હોય તો કેવું સારું? એમ વિચારતાં જ એક સુંદર સ્ત્રી હાજર થઈ ગઈ અને પગ દબાવવા માંડી. તેને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ, થોડીવાર પછી ઊઠીને તેણે વિચાર કર્યો, લાવ નજર તો નાખું, કે કઈ જગ્યાએ આવ્યો છું. ચારે તરફ ગાઢ જંગલ જોતાં જ તેના મનમાં વિચાર આવ્યો, ‘ઓહ, આવું ગાઢ જંગલ! અહીં વાઘ આવી જશે તો? આમ વિચારતા જ એક વાઘ દેખાયો. વાઘને જોતાં જ તે ડરી ગયો અને વિચારવા લાગ્યો, ‘જો વાઘ મને ખાઈ જશે તો? આમ વિચારતા જ વાઘે તરાપ મારી અને માણસને ખાઈ ગયો.

આ વાર્તા સંભળાવી શ્રીરામકૃષ્ણદેવ કહેતા, કે ભગવાનને પ્રાર્થના કરતી વખતે, ધ્યાન કરતી વખતે સાવધાન રહેવું જોઈએ, જેથી લૌકિક કામનાઓ, મનમાં ન આવે, કારણ કે ભગવાન તો ‘કલ્પતરુ’ છે, જે માગો તે મળશે. પણ જો લૌકિક કામનાઓ માટે પ્રાર્થના કરશો, તો તે પૂરી તો થશે પણ સાથે સાથે તેમાંથી ઉત્પન્ન થતી વિપત્તિઓ પણ આવશે. માટે ભગવાન પાસે કેવળ નિષ્કામ ભક્તિ માટે જ પ્રાર્થના કરવી જોઈએ.

એક ભક્ત પ્રાર્થના કરે છે, “હે પ્રભુ, તમે તો અહેતુક દયાસિંધુ છો. વારંવાર મારા પર અહેતુક કૃપા વરસાવો છો. હવે તમે જાણે કે મારા માટે ‘કલ્પતરુ’ બની ગયા છો. હે પ્રભુ, હવે આટલી કૃપા કરો, ‘કલ્પતરુ’ બનશો નહિ કારણકે મારું મન હજુ પૂર્ણ શુદ્ધ થયું નથી, અજાણતાં જો તેમાં કોઈ અનિચ્છનીય લૌકિક કામના આવી જશે, અને તમે તેને પૂર્ણ કરશો તો હું તમારા ચરણોથી દૂર થઈ જઈશ, માટે ‘કલ્પતરુ’ બનશો નહિ.”

આ વર્ષે ‘કલ્પતરુ’ દિવસે એક અમેરિકન યુવતીને રામકૃષ્ણ મિશનના એક સંન્યાસીએ સુંદ૨ પ્રાર્થના શીખવાડી, “હે પ્રભુ, આજે ‘કલ્પતરુ’ના દિવસે મારી આ ઈચ્છા પૂર્ણ કરો કે મારા મનમાં કોઈ ઈચ્છા જ ન રહે.”

શ્રીમા શારદાદેવીએ પણ એક વાર કહ્યું હતું, કે ભગવાનને એવી પ્રાર્થના કરવી જોઈએ કે મન વાસનારહિત થઈ જાય. જો કે આવી પ્રાર્થના કરવી સરળ તો નથી જ. સુપ્રસિદ્ધ ખ્રિસ્તી સંત ઑગસ્ટિને પ્રાર્થના કરી “હે પ્રભુ, મારા મનમાંથી કામના વાસનાઓને દૂર કરી દે.” પણ પછી ઉમેર્યું, “પણ તુરત નહીં.”

શ્રીરામકૃષ્ણદેવ અહેતુક દયાસિંધુ છે, તેમનો તો આ જ આશીર્વાદ હોય છે – “ચૈતન્ય થાઓ.” શ્રીરામકૃષ્ણદેવના ઘણા ભક્તોને લૌકિક દુઃખોનો સામનો કરવો પડે છે, શું તેનું કારણ આ જ હશે? કુંતીમાતાએ તો ભગવાનને પ્રાર્થના કરી હતી કે, ‘હૈ જગદ્ગુરુ, ચારે તરફથી અમને વિપત્તિઓ આપો, કારણ કે ત્યારે જ, (તમારું સ્મરણ કરવાથી) તમારાં દર્શન થાય છે, જે જન્મમરણનાં બંધનમાંથી છોડાવે છે.”

શ્રીરામકૃષ્ણદેવની વિશિષ્ટતા છે કે, તેઓ ભવસાગરથી પાર ઉતારે છે. એટલે જ સ્વામી વિવેકાનંદજી ‘શ્રીરામકૃષ્ણ આરાત્રિકમ્’ની છઠ્ઠી પંક્તિમાં લખે છે – “ભક્તાર્જન યુગલ ચરણ, તારણ – ભવ પાર.” “ભક્તના સંપદ્રૂપ તમારા ચરણ-યુગલ સંસારસમુદ્રમાંથી પાર કરનાર છે.”

એકવા૨ શ્રીસુરેન્દ્રનાથ દાસગુપ્તા જુદી જુદી કૉલેજોના તેમના કેટલાક યુવાન મિત્રો સાથે સ્વામી વિવેકાનંદજીનાં દર્શન કરવા બેલુર મઠ ગયા હતા. વાતચીતના પ્રસંગમાં તેમણે સ્વામીજીને કહ્યું, “આહા, સ્વામીજી! આપની પાસે બેસવામાં અને આપના પ્રેરક શબ્દો સાંભળવામાં કેવો આનંદ આવે છે? સ્વામીજીએ કહ્યું, “જુઓ, આ બધાં વરસોના મારા સમગ્ર ભારતના પ્રવાસ દરમિયાન હું કેટલાય મહાપુરુષોના સમાગમમાં આવ્યો છું – તેમને ચ૨ણે બેસવાથી મને લાગતું કે સામર્થ્યનો કોઈ પ્રચંડ પ્રવાહ મારા અંતરમાં ઘૂમી રહ્યો છે. મહાપુરુષોના સંસર્ગમાં આવવાથી મેળવેલા શક્તિપ્રવાહના જોરે જ આ થોડા ઘણા શબ્દો હું તમને કહી રહ્યો છું. એમ નહિ ધારતા કે હું પોતે કોઈક મહાન વ્યક્તિ છું.” આ પછી અશ્રુપૂર્ણ નયનોથી પ્રેમથી ઊભરાતા હૃદયે મૃદુસ્વરમાં સ્વામીજી બોલ્યા, “જ્ઞાનીઓ જે જ્ઞાનની પૂર્ણતા શોધી રહ્યા છે તે જ્ઞાન પેલા શ્રીચરણોમાં જ છે. પ્રેમીઓ જે પ્રેમની પૂર્ણતા શોધી રહ્યા છે એ પ્રેમ પેલા શ્રીચરણોમાં જ છે. કહો, આ ધન્ય ચરણો સિવાય અન્ય કયે સ્થળે માનવીઓ શરણું લેવા જશે?

Total Views: 228

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.