(શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. તેમના સુપ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથ ‘Meditation and Spiritual Life’ના થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.)

સાચો ભક્ત ક્યારેય ધનસંપત્તિ, વિલાસવૈભવ કે ભૌતિક સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે નહિ. તે એવી પ્રાર્થના – યાચના કદીય નહિ કરે કે ‘મારાં દુઃખ-કષ્ટ કે શોકતાપ દૂર થાય’. આ યાતનાઓને સહન કરવાની શક્તિની યાચના જ કરે છે. રવીન્દ્રનાથ ટાગોરનું એક સુંદર ભજન આ પ્રમાણે છે: (ભાવાનુવાદ)

‘હે ભગવાન! તેં જ તારી કરુણાથી તારા ક્રૂસને ધારણ કરાવ્યો તે ધારણ કરવાની ને વહન કરવાની મને શક્તિ આપજે. તારી સેવા કરતાં કરતાં જે અનિવાર્ય મહાન દુઃખ સહન કરવાં પડે તેને માટે મને ભક્તિ દે! એ પછી તું મોટી યાતનાઓથી મારા હૃદયને છલકાવી દેજે.

‘હે પ્રભુ! તું પોતાના જ હાથે સ્વહસ્તે જે પીડાનું દાન મને દે છે, તેમાંથી છૂટકારો મળે તેવી મારી ઝંખના નથી! એવી યંત્રણાઓના દાનની સાથે સાથે મને તારા શ્રીચરણોમાં ભક્તિનું દાન દેજે; તું ભક્તિદાન દઈશ, તો એ યંત્રણા મારે માટે શોભાયમાન ચૂડામણિ બની રહેશે. તું ચાહે તેટલો કામનો બોજો મને આપ, પણ કૃપા કરીને જોજે કે કામ કરતાં કરતાં તને ન ભૂલી જાઉં. આ દુનિયાની જંજાળમાં જ મારાં પ્રાણ-મન અટવાઈ ન જાય, તે કૃપા કરીને જોજે.

‘ભલે તું ગમે તેટલાં બંધનથી મને બાંધે; પરંતુ મારાં હૃદયના દ્વાર તારી સમક્ષ ખોલી દઉં, તારે માટે ઊઘાડાં મૂકી દઉં, તેવી કૃપા કરીને શક્તિ દેજે. ગમે તેમ પણ હું તને ક્યારેય ભૂલી ન જાઉં એવી તાકાત મને આપજે!’

વળી, શ્રીકૃષ્ણને કુંતીએ કેવી સરસ પ્રાર્થના કરી છે!

વિપદઃ સન્તુ નઃ શશ્વત્ તત્ર તત્ર જગદ્ગુરો।

ભવતો દર્શનં યત્ સ્યાત્ અ-પુનર્ભવ-દર્શનમ્।।

‘હે વિશ્વગુરુ! બધી દિશાઓમાંથી વિપત્તિઓ અમારી ઉપર વરસો! કારણ કે, તેને લીધે જ (તમારું અખંડ સ્મરણ કરવાથી) તમારાં દર્શન પામીશું અને એ દર્શનથી જ જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ પામીને સંસારને પેલે પાર જઈશું.’

જ્યારે આપણને દુઃખ-કષ્ટના કડવા અનુભવમાંથી પસાર થવાનું જ છે – એના તડકા – છાયામાંથી પસાર થયા વિના છૂટકો નથી, તો પછી આપણે ઉચ્ચ આધ્યાત્મિક જીવન તરફ વળવા માટે તેનો ઉપયોગ કરીએ. આફતો, વિપત્તિઓ, યાતના-યંત્રણા વગેરે કોઈ ને કોઈ રૂપે જીવનમાં આવશે જ; તો પછી એ બધાં આપણને ઉચ્ચ ઉદ્દેશ્ય પ્રત્યે આગળ વધવા માટે બળ પૂરું પાડી રહો! દિવ્ય જીવન માટે તે પગથિયાં બની રહો! એટલે એવો અર્થ નહિ ઘટાવતા કે અસ્વાભાવિક રીતે દુઃખની શોધમાં ભટકી રહેલા લોકોની જેમ, કૃત્રિમ માર્ગે આપત્તિઓ શોધી કાઢવી. આપણે દુઃખ કે સુખ બંનેમાંથી એકેયની શોધ નથી કરવી; આપણે તો આ દ્વંદ્વથી પર એવા ઈશ્વરને પ્રાપ્ત કરવા છે.

એ અનિવાર્ય આવશ્યકતા નથી કે ઈશ્વરની કૃપા આપણાં બધાં દુન્યવી શોક-દુઃખ દૂર કરે; પણ જો કૃપા માટે તાલાવેલી હોય, કરુણા માટે ઝંખના લાંબા સમય સુધી સેવી હોય, તો જીવનની સળગતી સમસ્યાઓમાંથી આપણે સફળતાથી પાર ઊતરીશું. ને એ પ્રક્રિયા દરમિયાન આપણા મનની નિર્બળતાઓ ને મલિનતાઓ ભસ્મીભૂત થઈ જશે. એટલે આત્મશુદ્ધિ ને પવિત્રતા, નિર્મળતાનો આનંદ પામીને વધુ ને વધુ શરણાગતિથી ભગવદ્-ભક્તિ કરવા પ્રેરણા મેળવીશું.

ભાષાંતર: સ્વામી જ્ઞાનેશાનંદ

Total Views: 131

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.