જે રાજકીય પદ્ધતિઓને માટે આપણે ભારતમાં પ્રયાસ કરી રહ્યા છીએ, તે યુરોપમાં જમાનાથી પ્રચલિત બની છે, સૈકાઓ સુધી તેનો પ્રયોગ થઈ ચૂક્યો છે અને આખરે અધૂરી માલૂમ પડી છે. સંસ્થાઓ, પદ્ધતિઓ અને રાજકીય વહીવટથી સાથે સંકળાયેલ સર્વ કંઈ, એક પછી એક નકામું ગણીને ફેંકાઈ ગયેલ છે, યુરોપ આજે અશાંત દશામાં છે : કઈ બાજુએ વળવું એની તેને સૂઝ પડતી નથી. ભૌતિકવાદનો જુલમ અતિમાત્રામાં છે. આખા દેશની સંપત્તિ અને સત્તા ગણ્યાગાઠ્યાં માણસોના હાથમાં છે; તેઓ જાતે કામ કરતા નથી, પરંતુ લાખો મનુષ્યોનાં કામનું ચાલાકીથી સંચાલન કરે છે. આ સત્તાના જોરે તેઓ ધારે તો આખી પૃથ્વીને લોહીના પૂરમાં ડૂબાડી શકે. ધર્મ અને એવી બધી બાબતો તેમની એડી તળે છે; રાજ તેઓ ચલાવે છે અને પોતે સર્વોચ્ચ સ્થાને બેસે છે. પશ્ચિમની દુનિયા આજે રાજ ચલાવનાર એક મુઠ્ઠીભર શાયલોકો (કંજૂસ શ્રીમંતો)ના હાથમાં છે. બંધારણીય રાજસત્તા, સ્વાતંત્ર્ય, મુક્તિ અને લોકસભા વગેરે જે બધું તમે સાંભળો છો તે કેવળ મશ્કરી જ છે. પશ્ચિમની દુનિયા આજે શાયલોકોના જુલમ નીચે ગૂંગળાઈ રહી છે.
મેં તમારી પાર્લમેન્ટ, તમારી સેનેટ, તમારો મત, બહુમતી, ગુપ્ત મત, એ બધાં જોયાં છે. ભાઈ! એ બધું બધે એનું એ જ છે. દરેક દેશમાં થોડાક શક્તિશાળી માણસો પોતાને ઠીક લાગે તે રસ્તે સમાજને લઈ જાય છે, અને બાકીના તો માત્ર ઘેટાંનાં ટોળાં જેવા છે… પશ્ચિમમાં સામાન્ય લોકોને મતદાન અને ગુપ્ત મત વગેરેથી જે શિક્ષણ મળે છે તે આપણને મળતું નથી, પણ બીજી બાજુએ આપણામાં એવો વર્ગ પણ નથી કે જેઓ યુરોપના બધા દેશોમાં થાય છે તેમ રાજકારણને નામે, લોકોને લૂંટે છે અને તેમના જીવનરક્તને ચૂસીને માલેતુજાર થતા હોય છે… પૈસાદારોએ દેશની રાજસત્તાને પોતાની એડી નીચે દબાવી છે. તેઓ લોકોને લૂંટે છે અને તેમને પરદેશોમાં જઈને મરવા સારુ લડાઈના સૈનિકો તરીકે રવાના કરે છે; અને જો જીતે તો પરાધીન પ્રજાના રક્તથી ખરીદેલા સોનાથી પોતાના ભંડાર ભરે છે.
યંત્રો વસ્તુઓને સસ્તી બનાવે છે, તેનાથી પ્રગતિ અને ઉત્ક્રાંતિ થાય છે, પણ એક માણસ પૈસાદાર થાય તે ખાતર લાખો લોકો કચડાઈ જાય છે. જ્યારે એક માણસ પૈસાદાર બને છે, ત્યારે હજારો માણસો તે જ વખતે વધારે ને વધારે ગરીબ બને છે અને સંખ્યાબંધ લોકોને ગુલામ બનાવાય છે. આમ બધું ચાલ્યા જ કરે છે.
અત્યારની વેપારી સંસ્કૃતિ, તેના ઢોંગધતૂરા અને દંભ વગેરે બધા ‘નગરશેઠ જેવા ડોળદમામ’ સહિત મોતભેગી જ થવી જોઈએ.
સ્વામી વિવેકાનંદ
(સ્વા. વિવે. ગ્રંથમાળા : ભાગ-૪ : ૪૮-૪૯, ભાગ-૬ : ૨૮૨-૮૩, ભાગ-૭ : ૧૧૩, ભાગ- ૯ : ૨૬૧)
One Comment
Leave A Comment
Your Content Goes Here
There are some points that I don’t understand in this article, can they be clarified for other articles?