મનુષ્યને ધનથી તૃપ્ત કરી શકાતો નથી અથવા મનુષ્ય ધનથી તૃપ્ત થાય એવો હોતો નથી – એવો અર્થ આપતી ઉપરની ઉક્તિ નચિકેતાની છે. તે કઠોપનિષદમાં નચિકેતા યમરાજની સંવાદાત્મક આખ્યાયિકામાં આવે છે. મૃત્યુના દેવ યમરાજ તત્ત્વજિજ્ઞાસુ – આત્મજિજ્ઞાસુ નચિકેતાને ત્રણ વરદાન માગવા કહે છે ત્યારે નચિકેતા ત્રણમાંથી પહેલું એક વરદાન તો પિતૃપરિતોષ માટે અને બીજું સ્વર્ગના સાધનરૂપ અગ્નિવિદ્યાની જાણકારી માટે માગી લે છે. એ પછી તે છેલ્લું ત્રીજું વરદાન આત્મરહસ્ય જાણવા માટે માગે છે. મૃત્યુ શું છે તે સમજી, મૃત્યુ સામે ટકી રહેવા, મૃત્યુને જીતી લેવા, એની પાર જવા – અમર થવા – અ-મૃતમયતા માણવા માટેનું આ છેલ્લું વરદાન ને તેય નચિકેતા માગે છે મૃત્યુના જ દેવતા – અધિષ્ઠાતા યમરાજ પાસે!

યમરાજ નચિકેતાને એ છેલ્લું વરદાન નહીં માગવા જણાવે છે. એના બદલે બીજું જે કંઈ માગવું હોય તે માગવા જણાવે છે. સો વર્ષના આયુષ્યવાળા પુત્રપૌત્રો, ગાય, હાથી, ઘોડા, વગેરે પશુઓ, ધનસંપત્તિ, અનંતકાળ સુધી રહે એવી આજીવિકા, યથેચ્છ કામભોગ – વિલાસ – પ્રમોદનાં સાધનો સાથે પ્રમદાઓ, ભૂમિ – સત્તા – આવું ઐહિક કહેવાય એવું ઘણું ઘણું માગી લેવા યમરાજા નચિકેતાને લલચાવે છે; પરંતુ નચિકેતા જેનું નામ, એની આત્મજિજ્ઞાસામાં અડગ – અણનમ રહે છે. તે તો મૃત્યુના રહસ્યને અમૃત વિદ્યાના મર્મને પામવા-આત્મસાત્ કરવાની ઉત્કટ અભીપ્સા ધરાવે છે. તેને શ્રદ્વા પણ છે કે અમૃતત્વનું રહસ્ય આપી શકે તો મૃત્યુના આ દેવતા જ આપી શકશે. તેથી નચિકેતા યમરાજને સ્પષ્ટતયા જણાવે છે. આપ જે ભોગવિલાસોની વાત કરો છો તે તો સઘળી ઈન્દ્રિયોનું તેજ હરી લઈ તેને જીર્ણ કરી નાખે છે. મારે એ ન જોઈએ. નાચગાન ને વાહનવૈભવનાં સાધનો આપની પાસે ભલે ૨હે. મને એ જરાયે ન ખપે. મને તો એ જ વિદ્યા – એ જ જ્ઞાન આપો, જે જાણ્યાથી મનુષ્ય પોતાનામાંની અમૃતમયતાનો સાક્ષાત્કાર કરી પોતાની સાર્થકતાનો પરિપૂર્ણ આનંદ પામી શકે છે. મનુષ્ય જો ખરેખર મનુષ્ય હોય તો કેવળ ધનથી તે તૃપ્ત થતો નથી. ધનદોલતથી તૃપ્ત થાય એ ખરા અર્થમાં ‘મનુષ્ય’ જ નથી. ધનથી રાજીના રેડ થનાર મનુષ્યની વૃત્તિ દયાને પાત્ર જ લેખાય. એ ટૂંકું જોનારો, અલ્પમાં સુખ લેનારો છીછરો જીવ જ ગણાય. કેવળ પ્રેયમાં ઈતિશ્રી માનનારો ભીંત ભૂલે છે. શ્રેયમાં જ લાંબા ગાળાનું હિત અને તેથી સાચું પ્રેય છે. અવિદ્યા કે અજ્ઞાનગ્રસ્ત મનુષ્ય જ ધનાદિથી તૃપ્ત થાય. આત્મવાન મનુષ્ય ધન, સત્તા, ભોગવિલાસ આદિની મર્યાદા બરોબર સમજે છે. તેથી એ બધી ઐહિક બાબતો તેને વિચલિત કરી શકતી નથી. ધનાદિથી તૃપ્ત થાય તેવું આત્મતત્ત્વ નથી. જે મનુષ્યમાં પોતાના મૂળભૂત આત્મતત્ત્વ અંગેની સભાનતા-અભિજ્ઞતા નથી તે મનુષ્ય છતાં પશુ સમાન છે. ધનથી તૃપ્ત થાય એને મનુષ્યત્વ તો નહીં જ, પશુત્વ કહેવું હોય તો કહો. નચિકેતા યમરાજને મનુષ્ય ધનથી તૃપ્ત થઈ શકતો નથી એમ જણાવી મનુષ્યત્વનો પોતાનો ઉચ્ચત્તમ આદર્શ વ્યક્ત કરે છે. જીવમાંથી શિવ થવું – ત્યાં સુધી પહોચવું એમાં જ મનુષ્યત્વની પરિણતિ – પૂર્ણતા છે. તે શ્રેયોલક્ષી – શ્રેયોધર્મી મનુષ્યની ઓળખાણ આપી પોતાનો આત્મજ્ઞાન માટેનો અધિકાર, એ માટેની પોતાની પાત્રતા- સજ્જતા યમરાજ આગળ સુપેરે પ્રગટ કરે છે. જે ક્ષણભંગુર છે, તુચ્છ છે, મિથ્યા છે, પોતાને સંકુચિત કુંઠિત બદ્ઘ જીર્ણ ને ક્ષીણ કરનાર છે એ તત્ત્વોની તેને પાકી પ્રતીતિ છે, સમજણ છે. પ્રેયસ્તત્ત્વોની મર્યાદા એ બરોબર વરતી ગયો છે. તેથી જ હવે તે સ્વયં યમરાજ પાસેથી જ ૫૨મ શ્રેયસ્કર તત્ત્વને જાણવા – પામવાની અપેક્ષા રાખે છે. તે યમરાજ આગળ આત્મવિદ્યા પામવા માટેનો સ્વાધિકાર સમર્થ રીતે રજૂ કરે છે. યમરાજ પણ પ્રલોભનોની વાતો તેની આગળ છેડી તેની આત્મવિદ્યા માટેની જિજ્ઞાસાની કસોટી કરી લેતા હોય છે. નચિકેતાની સર્વવિદ્યાઓની જનેતા એવી આત્મવિદ્યા માટેની સાચી તાલાવેલી પરખ્યા પછી જ મૃત્યુના દેવતા અમૃતવિદ્યાનો એને પ્રબોધ કરે છે.

આમ નચિકેતાની આ આખ્યાયિકામાં મનુષ્યત્વની સાચી વ્યાખ્યા અનુસ્યૂત છે. સાચો મનુષ્ય ધન – સત્તા વગેરેથી તૃપ્તિ ન અનુભવે. એ તો પોતાના આનંદમૂલક અ-મૃતમય આત્મસ્વરૂપના અભિજ્ઞાને તૃપ્તિ શાંતિ અનુભવે. સાચી શાંતિ, સાચું સુખ, સાચો આનંદ સ્વ-રૂપાનુસંધાનમાં જ છે, પોતાની સાચી ઓળખમાં જ છે, પોતાનામાંના અમૃતમય – દૈવી તત્ત્વના – સત્-તત્ત્વના પૂર્ણ સાક્ષાત્કારમાં જ છે. જે મૃત્યુના દેવ પાસે ય નિઃસ્પૃહ ને નિર્ભયતાથી પહોંચી જઈને પોતાના અમૃતમય સાચા સત્ત્વ – તત્ત્વની શુદ્ધ ઓળખ મેળવે એ જ ખરો મનુષ્ય. મનુષ્યત્વની પરાકોટિ પણ આત્મજ્ઞાનની સંપ્રાપ્તિમાં છે એ આ નચિકેતાની આખ્યાયિકાની ફળશ્રુતિ છે.

Total Views: 9
By Published On: September 14, 2022Categories: Chandrakant Sheth0 CommentsTags:

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram