સંસ્કૃત શીખવું અઘરું નથી

સંસ્કૃતની આબોહવામાં: લે. ડૉ. હર્ષદેવ માધવ;  સંયોજક: પ્રા. નીતીનભાઈ દેસાઈ, કુસુમ પ્રકાશન, ૧૧ એ, નારાયણનગર સોસાયટી, જયભિખ્ખુમાર્ગ, પાલડી, અમદાવાદ ૩૮૦૦૦૭, પૃ. ૮૫, કિંમત ૫૦/- રૂપિયા

ભાષાશિક્ષણનું એક સૂત્ર છેઃ “ભાષામાં બોલો, ભાષા વિશે ન બોલો” એટલે કે જે ભાષા શીખવી હોય, તે ભાષામાં બોલવાનું શરૂ કરી દો. વ્યાકરણ વગેરેની ઝાઝી પંચાતમાં પડો નહીં. એ બધું એની મેળે આવી જશે. આ સૂત્રને અનુરૂપ પુસ્તક લખવાનો અહીં સન્નિષ્ઠ પ્રયાસ ક૨વામાં આવ્યો છે. અને અઘરા કહેવાતા સંસ્કૃત શિક્ષણને સ૨ળ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ઇઝરાયલીઓએ પોતાની પ્રાચીનહિબ્રુ ભાષાનું પુનરુત્થાન આવી દૈનંદિન આબોહવા સર્જીને જ સફળ રીતે કર્યું છે એ વાત તો હવે સર્વત્ર જાણીતી થઈ ચૂકી છે. અને એવીજ એક વાત હમણાં વાંચી કે ઉત્તર બેંગલોરના હનુમંતરાયજી પોતે કૉમર્સના અનુસ્નાતક હોવા છતાં પોતાના ત્રણ વ્યક્તિઓના કુટુંબનો સર્વ વ્યવહાર સંસ્કૃત ભાષામાં જ ચલાવે છે! માતૃભાષા કન્નડ હોવા છતાં માતૃભાષા જેટલી જ સહજતાથી સંસ્કૃતમાં વ્યવહાર ચલાવાતો જોઈ આપણને અવશ્ય અહોભાવ થાય. ભારતના એક સંસ્કૃત-ભાષી ગામ વિશે પણ ક્યાંક વાંચ્યું હતું.

આવું જોઈને આપણને અવશ્ય મનમાં થાય કે હજુ આપણે માટે મોડું નથી થયું. હનુમંતરાયજીના કુટુંબ માટે આ થયું એનું કારણ એમના ઘરની આબોહવા સંસ્કૃતમય બની હતી. ખંત, નિષ્ઠા, હિંમત અને પરસ્પરની સહાયથી એવું બની શક્યું. આપણે ધારીએ તો હજુ પણ ઘણું ઘણું કરી શકાય તેમ છે.

પ્રસ્તુત પુસ્તકમાં આબોહવા સર્જવાનો એવો સંનિષ્ઠ પ્રયાસ નજરે પડે છે. ૪૧ શ્વાસમાં વહેંચાયેલા આ પુસ્તકમાં વ્યવહારોપયોગી વાક્યોમાં થોકબંધ ઉદાહરણો આપવામાં આવ્યાં છે; ઘણા નવા શબ્દોનું ઘડતર કરવામાં આવ્યું છે. આપણા દૈનંદિન વ્યવહારનાં ઘણાં ઘણાં ક્ષેત્રો આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે; ફળ – ફૂલ – વૃક્ષો – પંખી – પ્રાણીઓ, ખાદ્ય-પેય પદાર્થો, જીવજંતુઓ, રાજનીતિ, આભૂષણ, પ્રસાધનો, શાકભાજી, ધંધાદારી, ભૂગોળ, કુદરત વગેરે અનેક વિષયો આમાં સમાવાયા છે. આવાં આઠ-દસ હજાર નાનાં મોટાં વ્યવહાર વાક્યો દ્વારા સંસ્કૃતમાં બોલવાની ટેવ પડે અને સંસ્કૃતનું પર્યાવરણ રચાય અને એ રીતે ભાષા વિષયક શાસ્ત્ર નહિ પણ ભાષાનો મહાવરો થાય એ હેતુ રખાયો છે. વ્યાકરણની અનિવાર્ય અને જાડી વાતો જ ક્યાંક બતાવી છે. અને એ હેતુ ઠીક ઠીક સફળ થયો છે. વીસ-પચ્ચીસ દિવસમાં સંસ્કૃતમાં બોલતાં આવડે એવો કશોક પાઠ્યક્રમ બનાવવો હોય તો એની પૂર્વતૈયારી આવાં પુસ્તકો જોવાથી મળી જાય એવો પૂરો સંભવ છે.

સંસ્કૃત શીખવામાં એક સહાયક નીવડે તેવી એ વાત છે કે ભારતની લગભગ બધી જ ભાષાઓમાં સંસ્કૃત શબ્દોનું સરાસરી પ્રમાણ લગભગ સાઠેક ટકા જેટલું રહ્યું છે. કેટલાક તદ્‌ભવ શબ્દોને પણ ગણીએ તો એ પ્રમાણ વધી પણ જાય. અલબત્ત, એ શબ્દોમાં અર્થ પરિવર્તન, અર્થસંકોચ કે અર્થવિકાસ થયેલા હોય છે પણ એવી બાબતો વિચારવી એ તો જરા દૂરની વાત છે. સંસ્કૃતિના સંચિતનિધિનું રક્ષણ, રાષ્ટ્રીય ઐક્યનું નિર્માણ, સાંસ્કૃતિક સમન્વય, સંસ્કૃતિપ્રેમ, નૂતન શબ્દઘડતર, સંસ્કૃત્તિ ભાષાનું સ્વકીય લાઘવ, અન્ય ભારતીય ભાષાની ક્ષમતાવર્ધકતા વગેરે અનેક કારણોસર સંસ્કૃતનું શિક્ષણ અતિ આવશ્યક છે એમાં બે મત નથી, પણ એ આવશ્યક્તાને સહજ સરલતાથી પૂર્ણ કેમ કરવી, તે માટે આવાં પુસ્તકો મહત્ત્વનાં લાગે છે. કમ્પ્યુટર સાથે અદ્‌ભુત રીતે હાથ મિલાવવા સંસ્કૃત ભાષા સક્ષમ છે એમ તદ્વિદો માને છે. આ પુસ્તકમાં પ્રશ્નમંચ, શબ્દસ્ક્રીડા, સંભાષણ, કહેવતો, પ્રાણીબોલીઓ, વગેરે ઘણું ઘણું સંઘરવામાં આવ્યું છે. થોડાક મુદ્રારાક્ષસો ખૂંચે છે: ૮૫મે પાને ‘અધઃ’ ને બદલે ‘અર્ધ’, ત્યાં જ ‘નચિકેતાઃ’ને બદલે ‘નચિકેતા’, ૮૪મે પાને ‘તત્ત્વવિદ્યા’ને બદલે ‘તત્ત્વવિદ્યાં, ત્યાં જ ‘ભાસસ્ય’ને બદલે ‘ભાસસ્યઃ’; ૮૩મે પાને ‘પ્રાણિકથાનામ્’ને બદલે ‘પ્રાણીકથાનાં’, ત્યાં જ ‘અધઃ’ને બદલે ‘અર્ધ’ વગેરે ઘણી છાપભૂલો થઈ ગઈ છે એ જ રીતે પાના ૭૯, ૮૦, ૮૧, ૮૨ વગેરે ઉપર પણ ઘણી ઘણી ભૂલો રહી ગઈ છે. આવતી આવૃત્તિએ એ ભૂલો સુધારી લેવાશે એવી આશા રાખીએ. પુસ્તકની કિંમત જરા વધારે હોઈ સામાન્ય લોકોને સુલભ ન બને એવી ભીતિ છે. આ પુસ્તક સંસ્કૃત વર્ગો ચલાવનારાઓને માટે, વિદ્યાર્થીઓને માટે તેમજ સંસ્કૃત પ્રેમીઓ માટે ઉપાદેય છે એ તો નક્કી.

 

Total Views: 20
By Published On: September 14, 2022Categories: Keshavlal V Shastri0 CommentsTags:

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram