રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજના વરદ હસ્તે ૧૬ ઓગસ્ટ, ૧૯૭૧ના રોજ શ્રીરામકૃષ્ણદેવના નવા મંદિરનો શિલાન્યાસવિધિ સંપન્ન થયો હતો. એ સમયે ઉદારદિલના લોકો અને દાનવીરોની ઉદાત્ત સહાયથી રૂપિયા ૭ લાખનું ભંડોળ આ મંદિરના બાંધકામ માટે એકઠું થયું હતું. શિલાન્યાસવિધિ પ્રસંગે અનેક ભક્તજનો અને અગ્રણીઓ ઉપસ્થિત હતા. આર્કિટેક્ટ કોર્નર, અમદાવાદના શ્રીમધુકરભાઈ ઠાકોર; વકીલ – મહેતા, પરીખ અને શેઠ; અમદાવાદના ડો. મહેન્દ્ર આર. મહેતા; મેસર્સ. વિ. એન્જિનિયર્સ, રાજકોટના શ્રીવિપીનભાઈ બાવીશી; કે. એલ. એન્જિનિયર્સ, રાજકોટને આ નૂતન અને વૈશ્વિક પ્રેમ અને શ્રદ્ધાના સ્મારકસમા પવિત્ર મંદિરનાં ડિઝાઈન, પ્લાનિંગ અને બાંધકામનાં કાર્ય સોંપવામાં આવ્યાં હતાં.
પુસ્તક પ્રકાશન (૧૯૬૬-૭૮)
૧૯૬૬-૭૮ના સમયગાળામાં ઘણાં મહત્ત્વનાં પ્રકાશનો બહાર પડ્યાં હતાં. એમાંનાં શ્રી શ્રીમાતૃચરણે, કર્મયોગસૂત્રાવલિ, વિવેકાનંદનાં કાવ્યો, આદર્શ માનવનું નિર્માણ, સાધક શ્રીરામકૃષ્ણ, ગીતરૂપક વગેરે ઉલ્લેખનીય પ્રકાશનો છે.
પોરબંદરના ભોજેશ્વર બંગલામાં સ્વામી વિવેકાનંદના તૈલચિત્રનું અનાવરણ (૧૯૭૪)
૧૯૬૮માં પોરબંદરના સુખ્યાત એડવોકેટ શ્રી રાજાભાઈ લાદીવાળાએ સ્વામી આત્મસ્થાનંદજીને જણાવ્યું કે પોતાની પરિવ્રાજક અવસ્થામાં સ્વામી વિવેકાનંદ ભોજેશ્વર બંગલામાં રહ્યા હતા. એમના આમંત્રણથી સ્વામી આત્મસ્થાનંદજી પોરબંદર ગયા અને ભોજેશ્વર બંગલાની મુલાકાત લીધી. પાછળથી રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ સાથે તેઓ પોરબંદર ગયા અને ભોજેશ્વર બંગલો બતાવ્યો. જેમણે સ્વામી વિવેકાનંદને નાની ઉંમરમાં જોયા હતા તેવા વયોવૃદ્ધ રવિશંકર અનુપરામ દવેને પણ મળ્યા. ૧૯૭૪ના જુલાઈમાં ભોજેશ્વર બંગલામાં સ્વામીજીના ઐતિહાસિક નિવાસ અંગેના લખાણ સાથેની એક આરસતકતી મૂકવામાં આવી. સ્વામીજી જે ખંડમાં રહ્યા હતા તેમાં સ્વામીજીનું એક મોટું તૈલચિત્ર પણ મુકવામાં આવ્યું. આ કાર્યમાં તત્કાલીન ગુજરાત રાજ્યના પંચાયતખાતાના મંત્રીશ્રી રતુભાઈ અદાણીએ ઘણું મહત્ત્વનું પ્રદાન કર્યું છે. પછીથી આ બંગલો રામકૃષ્ણ મિશનને સોંપવામાં આવ્યો.
શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર લીંબડી
બીજી ઉલ્લેખનીય ઘટના આ સમયગાળામાં બની, લીંબડીના મહારાજા સર યશવંતસિંહજીએ બંધાવેલ દરબાર હોલમાં શ્રીરામકૃષ્ણ પ્રાર્થનામંદિરનો મંગલ પ્રારંભ થયો. પરિવ્રાજક રૂપે સ્વામી વિવેકાનંદ મહારાજા યશવંતસિંહજીના મહેમાન બન્યા હતા. એમણે કેટલાક દુર્ભાવનાવાળા તાંત્રિક સંન્યાસીઓના હાથમાંથી સ્વામીજીને બચાવ્યા હતા. તેમણે સ્વામીજીનું આ શાહી દરબાર હોલમાં અભિવાદન કર્યું હતું અને પછીથી એમના શિષ્ય પણ બન્યા હતા. સ્વામીજી જ્યાં દસ દિવસ સુધી રહ્યા હતા એવા ભવ્ય ટાવર- ઘડિયાલ સાથેના આ ઐતિહાસિક દરબાર હોલને ૧૯૭૧માં રાજમાતા શ્રીપ્રવીણકુંવર બા અને મહારાજા શ્રી છત્રસાલજીએ શ્રીરામકૃષ્ણ પ્રાર્થનામંદિર, લીંબડીના સંચાલકોને સમર્પિત કર્યો. શ્રીરામકૃષ્ણદેવમાં ઊંડી ભાવભક્તિવાળા શ્રી છબિલદાસભાઈ શાહે અને તેમના પુત્ર શ્રીનિરંજન શાહે આ દરબાર હોલમાં અનેક માનવ- કલ્યાણની સેવાપ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન શ્રીરામકૃષ્ણ સંઘના સંન્યાસીઓના માર્ગદર્શન હેઠળ કર્યું હતું. આ પ્રવૃત્તિઓ આ દરબાર હોલ તેમજ ૬ એકરની જમીનનો પ્લોટ રામકૃષ્ણ મિશનના સત્તાવાહકોને રામકૃષ્ણ મિશનનું કેન્દ્ર સ્થાપવા માટે સોંપ્યો ત્યાં સુધી એમણે ચાલુ રાખી હતી.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો સુવર્ણજયંતી મહોત્સવ અને નૂતનમંદિરનો પ્રતિષ્ઠામહોત્સવ
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો સુવર્ણજયંતી મહોત્સવ ૫ થી ૧૨ એપ્રિલ, ૧૯૭૯ સુધી ઉજવાયો હતો. શ્રીરામકૃષ્ણદેવના રૂ.૨૫ લાખના ખર્ચે નવા બંધાયેલ મંદિરનો સમર્પણવિધિ અને ભગવાન શ્રીરામકૃષ્ણદેવની આરસ પ્રતિમાનો પ્રતિષ્ઠામહોત્સવ આ નૂતન મંદિરમાં ૬ એપ્રિલ ૧૯૭૯ના રોજ સવારે ૭.૦૦ વાગ્યે શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજના વરદ હસ્તે યોજાયો હતો. આ પાવનપર્વ નિમિત્તે વિશેષ પૂજા-હવનનું પણ આયોજન થયું હતું. ૧૫૦ જેટલા સંન્યાસીઓ અને ૩૦૦૦ થી વધુ ભક્તજનો અને વિદ્યાર્થીઓની એક શોભાયાત્રા શહેરભરમાં નીકળી હતી. તેમનાં વૈદિક મંત્રોચ્ચાર, કીર્તન અને ભજનસંગીતે રાજકોટના ભાવિકજનોનાં મનને હરી લીધાં હતાં. રાતના ૭.૦૦ વાગ્યાથી વિશેષ કાલીપૂજાનું આયોજન આ નૂતન મંદિરમાં થયું હતું.
૭ એપ્રિલ, ૧૯૭૯ના રોજ સાંજે ૪૨૫ પાનાંની એક વિશેષ સ્મરણિકાનો વિમોચનવિધિ ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને સમારંભના અતિથિવિશેષ શ્રી બાબુભાઈ પટેલના વરદ હસ્તે થયો હતો. આ પ્રસંગે એકઠી થયેલી જાહેર સભાની જનમેદનીને સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે પોતાના આશીર્વચન સાથે સંબોધી હતી. સવારે તેમણે ફર્સ્ટ ડે કવર અને પોસ્ટલ સ્ટેમ્પનું પણ અનાવરણ કર્યું હતું. સ્વામી ગંભીરાનંદજી, સ્વામી રંગનાથાનંદજી, સ્વામી આત્માનંદજીએ પણ ભાવિકજનોને સંબોધ્યા હતા. રાજકોટના મેયર શ્રી અરવિંદભાઈ મણિયારે સ્વાગત પ્રવચન કર્યું હતું.
૮મી એપ્રિલના રોજ યોજાયેલી જાહેરસભામાં સ્વામી રંગનાથાનંદજી, સ્વામી આત્મસ્થાનંદજી, સ્વામી ભાષ્યાનંદજી, સ્વામી બુધાનંદજી, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી બી.જે. દિવાને ભક્તજનો સમક્ષ પોતાનાં વક્તવ્યો આપ્યાં હતાં. ૯મી એપ્રિલના રોજ સાંજે સ્વામી ભૂતેશાનંદજી, સ્વામી હિરણ્મયાનંદજી, સ્વામી વ્યોમરૂપાનંદજી, સ્વામી આત્માનંદજી અને ગુજરાત રાજ્યના તત્કાલીન મંત્રીશ્રી કેશુભાઈ પટેલે સભાને સંબોધન કર્યું હતું. ૮મી એપ્રિલથી ૧૨મી એપ્રિલ સુધી દરરોજ રાતના સાંસ્કૃતિક અને સંગીતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં શ્રીકુમાર ગાંધર્વ, માણભટ્ટ શ્રી ધાર્મિકલાલ પંડ્યા, ઈંદોરના પવાર બંધુ (ધ્રુપદ ગાયકી), શ્રી પીંગળશીભાઈ ગઢવી, શ્રી મનહરલાલજી મહારાજ અને બીજા સુખ્યાત કલાકારોએ પોતપોતાના કાર્યક્રમો આપ્યા હતા. આ પ્રસંગે ‘નારાયણ સેવા’નો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હજારો લોકોને ભોજન આપવામાં આવ્યું હતું. આશરે ૨૦૦ થી વધુ રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ અને ભારતભરમાંથી અને વિદેશમાંથી ૬૦૦ થી વધુ ભક્તજનો આ ભવ્ય મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
Your Content Goes Here