આપણે આપણા આગલા સંપાદકીયમાં માનવના વ્યક્તિત્વનાં સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એ બે પાસાંની વિગતવાર ચર્ચા કરી ગયા છીએ. ઉપનિષદોમાં જણાવ્યા પ્રમાણે, માનવવ્યક્તિત્વનું એક ત્રીજું પાસું પણ છે અને એ છે ‘કારણશરીર’. જેમ આપણું સ્થૂળ શરીર જાગૃત અવસ્થાનું અધિષ્ઠાન છે અને સૂક્ષ્મ શરીર  સ્વપ્નાવસ્થાનું અધિષ્ઠાન છે તેમ આપણું કારણ શરીર આપણી પ્રગાઢ નિદ્રાવસ્થા-સુષુપ્તાવસ્થાનું અધિષ્ઠાન છે. આ અવસ્થામાં દશેય ઇન્દ્રિયો પોતપોતાનાં કાર્યો સાથે મનમાં લુપ્ત થઈ જાય છે અને મન પોતે પોતાનાં બધાં કાર્યો સાથે કારણશરીરમાં વિલુપ્ત થઈ જાય છે. મનના તરંગો સ્થિરધીર થઈ જાય છે અને ત્યાં માત્ર પ્રગાઢશાંતિનો જ અનુભવ થાય છે. એમાં ક્યાંય પ્રેમ કે ઘૃણા, આશા કે ભય, સારી કે નરસી સ્મૃતિઓની અનુભૂતિ થતી નથી. જેમ બીજમાં સુષુપ્તશક્તિ સાથે વૃક્ષ રહેલું છે તેમ આ કારણશરીરમાં ઇન્દ્રિયો અને પોતાની શક્તિ સાથે મન પણ બીજ રૂપે સુષુપ્ત અવસ્થામાં રહે છે. પણ આને કારણે માનવવ્યક્તિત્વમાં કોઈ પરિવર્તન આવતું નથી. માણસ જે સંસ્કારો લઈને ગાઢનિદ્રામાં ડૂબી ગયો હતો એ જ સ્થિતિમાં પાછો જાગે છે. આ અવસ્થામાં જો કે મનની જ્ઞાનગ્રહણની શક્તિઓ લુપ્ત થાય છે પણ પ્રાણથી સંક્રમિત શ્વાસોચ્છ્‌વાસ, રૂધિરાભિસરણ જેવાં કેટલાંક કાર્યો થતાં રહે છે. અલબત્ત, આ નિદ્રાવસ્થામાં મનનો અહમ્‌ તત્કાલીન પૂરતો ચાલ્યો જાય છે અને પરિણામે વ્યક્તિ પોતે શું છે, સ્ત્રી છે કે પુરુષ છે, યુવાન છે કે વૃદ્ધ છે, વગેરે પરિસ્થિતિને જાણી શકતો નથી. બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે:

अत्र पितापिता भवति, मातामाता, लोका अलोका:, देवा अदेवा:, वेदा अवेदा:। अत्र स्‍तेनोऽस्‍तेनो भवति, भ्रूणहाऽभ्रूणहा, चाण्डालोऽचाण्डाल:, पौल्कसोऽपौल्कस:, श्रमणोऽश्रमण:, तापसोऽतापस:, अनन्वागतं पुण्येनानन्वागतं पापेनल तीर्णो हि तदा सर्वाञ्छोकान्हृदयस्य भवति।।४.३.२२।।

‘આ સુષુપ્તાવસ્થામાં પિતા અપિતા બની જાય છે, માતા અમાતા થઈ જાય છે, લોક અલોક બની જાય છે, દેવ અદેવ બની જાય છે અને વેદ અવેદ બની જાય છે. અહીં ચોર પણ અચોર થઈ જાય છે, ભૃણહત્યા કરનારો અભૃણહા (હત્યા ન કરનારો) બની જાય છે, ચાંડાલ અચાંડાલ, પૌલ્કસ અપૌલ્કસ, શ્રમણ અશ્રમણ અને તાપસ અતાપસ બની જાય છે. એ સમયે આ પુરુષ પુણ્યથી અસંબદ્ધ અને પાપથી પણ અસંબદ્ધ બની જાય છે અને હૃદયને સંપૂર્ણ શોકથી પર કરી દે છે.’

જો કે મન આ કારણશરીરમાં પોતાના અહમ્‌ વિના રહે તો છે પરંતુ તે હજુ પણ એક અજાણ્યા અજ્ઞાન સાથે જોડાયેલો રહે છે. એટલે જ્યારે માણસ ગાઢ નિદ્રામાંથી જાગે છે ત્યારે તે કહે છે : ‘હું ખૂબ સુખેથી સૂતો હતો. મને કાંઈ ખબર જ ન રહી.’ આ બતાવે છે કે સુષુપ્ત અવસ્થામાં રહેનાર માનવ પોતાની સભાન અવસ્થામાંથી પૂર્ણપણે મુક્ત થતો નથી. તેનું કારણ એ છે કે તે પોતાના કારણશરીર સાથે એકરૂપ બની રહે છે. આ અવસ્થામાં માનવ પોતાના મૂળ સાચા સ્વરૂપ અને તેના આનંદનો થોડોક જ આભાસ પામે છે. આ આત્માનુભૂતિનો સાચો આનંદ તો તુરીય અવસ્થા એટલે કે સમાધિ પછી જ મળે છે.

આ સુષુપ્ત અવસ્થાનું વર્ણન જુદા જુદા ઉપનિષદોમાં અલગ અલગ રીતે આવે છે. છાંદોગ્ય ઉપનિષદ કહે છે :

ઉદ્દાલકના નામે પ્રસિદ્ધ અરુણના પુત્રે પોતાના પુત્ર શ્વેતકેતુને કહ્યું: ‘હે સોમ્ય, તું મારા દ્વારા સ્વપ્નાંતને વિશેષ રૂપે સમજી લે; જે અવસ્થામાં આ પુરુષ સુષુપ્ત અવસ્થામાં જ રહે છે એવું કહેવાય છે, એ સમયે હે સોમ્ય! એ સત્‌થી સંપન્ન બને છે અને એ પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. એટલા માટે એને ‘સ્વપિતિ’ એમ કહેવાય છે, કારણ કે એ સમયે એ સ્વ એટલે કે પોતાને જ અપીત એટલે કે પ્રાપ્ત થાય છે.’

‘જેવી રીતે દોરીથી બંધાયેલ પક્ષી દિશા-વિદિશાઓમાં ઊડીને અન્યત્ર સ્થાન ન મળવાથી તે પોતે પોતાનાં બંધનસ્થાનનો જ આશ્રય લે છે; એવી રીતે ચોક્કસપણે હે સોમ્ય! આ મન દિશદિશાએ ભમી ભટકીને બીજે સ્થાનઆશ્રય ન મળવાથી પ્રાણનો જ આશ્રય સાધે છે. કારણ કે હે સોમ્ય! મન, પ્રાણરૂપ બંધનવાળો છે.’ 

પ્રશ્ન ઉપનિષદમાં આમ કહ્યું છે :

પિપ્પલાદે તેને કહ્યું: ‘હે ગાર્ગ્ય, જ્યારે સૂર્ય આથમે છે ત્યારે એનાં બધાં કિરણો ભેગાં મળે છે અને સૂર્યના તેજોમય શરીરમાં વિલીન થઈ જાય છે. પણ પાછો જ્યારે સૂર્ય ઊગે છે, ત્યોર એ કિરણો પાછાં બધી દિશાઓમાં ફેલાઈ જાય છે. એવી જ રીતે માણસ જ્યારે ગાઢ નિદ્રામાં (સુષુપ્તિમાં) પડી જાય છે, ત્યારે એની બધી ઇન્દ્રિયો એના નેતા-શાસક એવા મનમાં ચાલી જાય છે. અને એકાકાર થઈ જાય છે. ત્યારે ઇન્દ્રિયો કશું કાર્ય કરતી નથી. પરિણામે, એ માણસ સાંભળતો નથી, સૂંઘતો નથી, જોતો નથી, સ્વાદ લેતો નથી, સ્પર્શ કરતો નથી, બોલતો નથી, સ્વીકાર કરતો નથી, ઇન્દ્રિયોના આનંદ કરતો નથી, મળમૂત્ર છોડતો નથી, ચાલતો પણ નથી. લોકો એને વિશે કેહ છે કે ‘તે સૂઈ રહ્યો છે’. માંડુક્ય ઉપનિષદ કહે છે :

‘ગાઢનિદ્રા એ એવી અવસ્થા છે કે જ્યાં સૂતેલો માનવ કોઈ પદાર્થોની કામના કરતો નથી અને કોઈ સ્વપ્ન અનુભવતો નથી. આ તૃતીય અવસ્થાને પ્રાજ્ઞ કહેવાય છે. ત્યાં બધું એકાકાર થઈ જાય છે, કેવળ ચેતનાનો અનુભવ થાય છે. તે કેવળ આનંદનો ભોગકર્તા, આનંદમય બની જાય છે. તે સ્વપ્ન અને જાગ્રત અવસ્થાના અનુભવનું દ્વાર છે.’

જો આપણે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર તેમજ સૂક્ષ્મ અને કારણ શરીરની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, જેવી કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત અવસ્થા તેમજ સ્વપ્ન અને સ્વપ્નવિહીન સુષુપ્તિની તુલના કરીએ તો આપણે આ પ્રમાણે તારણો તારવી શકીએ છીએ:

જાગ્રત અવસ્થામાં સ્થૂળશરીરની દશ ઇન્દ્રિયો તેમજ મન કામ કરે છે. સૂક્ષ્મશરીરમાં – સ્વપ્ન અવસ્થામાં ઇન્દ્રિયો કામ કરતી બંધ થાય છે, પરંતુ મન પોતાનું કાર્ય કરે છે; અને સુષુપ્ત અવસ્થા – પ્રગાઢ નિદ્રામાં આ બંને એટલે કે ઇન્દ્રિયો અને મન કાર્યરત રહેતાં નથી. છતાં પણ પાંચ પ્રાણોમાંથી ત્રણ પ્રાણોની મદદથી શરીરનાં અમુક ચોક્કસકાર્યો ચાલુ રહે છે. મુખ્યપ્રાણ દ્વારા શ્વાસોચ્છ્‌વાસ, અપાન દ્વારા રુધિરાભિસરણ, સમાન દ્વારા ચયાપચયની ક્રિયાઓ સ્વયં સંચાલિત ચેતાતંત્ર દ્વારા ચાલુ રહે છે. એનું કારણ એ છે કે પ્રાણ જે મન અને ઇન્દ્રિયોથી ભિન્ન છે તે જ્યારે બીજાં કારણશરીરમાં લુપ્ત થઈ જાય ત્યારે જાગૃત રહીને પોતાનાં કાર્યો કરે છે. પ્રશ્ન ઉપનિષદ (૪.૩) માં કહ્યું છે: ન્વ ર્ળૈંછળ્ ાઋ શ્રર્ભ્ન્; ઇંઇં ‘આ શરીર એક નગર જેવું છે. જ્યારે આપણે ઊંઘી જઈએ છીએ ત્યારે અગ્નિ જેવા પ્રાણો જાગતા હોય છે.’

એટલે જ ઉપનિષદોમાં આપણને માનવના વ્યક્તિત્વના વર્ણન માટે જ બીજી રીત સાંપડે છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીરને બદલે પંચકોષ દ્વારા તેનું નિરૂપણ થયું છે. આ પાંચમાંથી પ્રાણમય અને મનોમયકોષ એકબીજાથી સ્વતંત્ર હોવા છતાં એકબીજા પર પ્રભાવ પાડે છે. આ પંચકોષની ચર્ચા હવે પછીના સંપાદકીય લેખોમાં કરીશું.

હવે ત્રિવિધ શરીર અને તેની સાથે જોડાયેલ ત્રણ અવસ્થાઓના વિષય પર આવતાં પહેલાં આપણે આપણા મનમાં એક અગત્યની વાત ધ્યાનમાં રાખવી જોઈએ.  માનવનો આત્મા આ ત્રિવિધશરીર કે અવસ્થાથી તદ્દન ભિન્ન છે. આત્મા સ્વપ્રકાશવાળો અને શુદ્ધચૈતન્ય રૂપ છે પણ આ ત્રિવિધ શરીર અચેતન છે. આ વાતને સ્પષ્ટ કરતાં બૃહદારણ્યક ઉપનિષદકહે છે :

‘આ આત્મા આ સુષુપ્ત અવસ્થામાં રમણ અને વિહાર કરીને પુણ્ય અને પાપને જોઈને, જેવી રીતે અને જ્યાંથી આવ્યો હતો એવી પુન: સ્વપ્નાવસ્થામાં જ પાછો ફરે છે. અહીં તે જે કંઈ જુએ છે તેનાથી અસંબદ્ધ રહે છે; કારણ કે આ પુરુષ અસંગ છે.’

‘આ આત્મા આ સ્વપ્ન અવસ્થામાં રમણ અને વિહાર કરીને પુણ્ય અને પાપને જોઈને, જેવી રીતે અને જ્યાંથી આવ્યો હતો એવી પુન: જાગૃત અવસ્થામાં જ પાછો ફરે છે. અહીં તે જે કંઈ જુએ છે તેનાથી અસંશ્લિષ્ટ રહે છે; કારણ કે આ પુરુષ અસંગ છે.’

‘એ પુરુષ એ જાગ્રત અવસ્થામાં રમણ અને વિહાર કરીને પુણ્ય અને પાપને જોઈને, ફરીથી જે પ્રકારે આવ્યો હતો એ જ માર્ગે યથાસ્થાને સ્વપ્ન અવસ્થામાં પાછો ફરે છે.’

‘જે રીતે કોઈ મોટું માછલું નદીના આ બાજુના અને બીજી બાજુના બંને કિનારે ક્રમશ: સંચાર કરે છે, તેવી રીતે આ પુરુષ સ્વપ્ન અને જાગ્રત અવસ્થા એ બંને સ્થાનોમાં ક્રમશ: સંચાર કરે છે.’

‘જેવી રીતે આ આકાશમાં બાજ અથવા સુપર્ણબાજ બધી બાજુએ ઊડીને અંતે થાકી જઈને પાંખો ફેલાવીને માળા તરફ જ ઊડીને પ્રયાણ કરે છે તેવી રીતે આ પુરુષ પણ એ સ્થાનની તરફ દોડે છે અને ત્યાં સૂતાં સૂતાં એ કોઈ ભોગની ઇચ્છા કરતો નથી અને કોઈ સ્વપ્ન પણ જોતો નથી.’

આ આત્માને તુરીય અવસ્થામાં અનુભવી શકાય છે. માંડુક્ય ઉપનિષદ કહે છે :

‘તુરીય કે ચતુર્થ અવસ્થા એ છે કે જ્યાં બાહ્યજગત, અંતરજગતનો કે એ બંનેનો આભાસ થતો નથી; ચેતન, અચેતન કે પ્રજ્ઞાનઘનનો પણ આભાસ થતો નથી; તે અગોચર, વ્યાવહારિક જગતથી પર, લક્ષણવિહોણો, અગ્રાહ્ય, અચિંત્ય, અવર્ણનીય છે; એનું પ્રમાણ આત્મા સાથે ઐક્ય સાધીને જ મેળવી શકાય. જેમાં બધી ઇન્દ્રિયગમ્ય બાબતો થોભી જાય છે. તે અપરિવર્તનશીલ, એક અને અદ્વિતીય, મંગલકારી છે. આ આત્મા છે અને એને જ આપણે જાણવો રહ્યો.’ આ છે માનવજીવનનું ધ્યેય.

Total Views: 172

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.