ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ વચ્ચે પરિચર્ચા કરવા માટે યુનેસ્કો અને ભારત સરકાર દ્વારા ૯-૧૦મી જુલાઈ, ૨૦૦૩ ના રોજ દિલ્હીના વિજ્ઞાનભવનમાં આંતરરાષ્ટ્રિય સંસ્કૃતિના વિચારકો, આધ્યાત્મિક સંસ્કૃતિના ઉદ્‌ગાતાઓ અને રાજનીતિજ્ઞોની મળેલી સભામાં વિવિધ પ્રતિનિધિઓએ વ્યક્ત કરેલા વિચારોનો સંક્ષિપ્ત અહેવાલ અને સર જેમ્સ આર. મેનશામ કે.બી.ઈ. સિસિલિના સ્થાપકના અધ્યક્ષ સ્થાને ૧૦મી જુલાઈના રોજ ‘આધ્યાત્મિકતા અને નૈતિકતા’ વિશેના પહેલા સત્રમાં સ્વામી જિતાત્માનંદજીએ આપેલ વ્યાખ્યાનનો વગેરેના આધારે શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અહેવાલ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

સ્વામી જિતાત્માનંદજીનું વક્તવ્ય

માનનીય અધ્યક્ષશ્રી, સહાધ્યક્ષશ્રીઓ, ડો. કિરિટ જોષી, વિશ્વના વિવિધ દેશોમાંથી આવેલા મારાં વહાલાં ભાઈઓ અને બહેનો. વિશ્વના જુદા જુદા દેશોમાંથી આપણે ‘આધ્યાત્મિકતા અને નૈતિકતા’ સંસ્કૃતિનાં એ બે અત્યંત આવશ્યક પાસાંની ચર્ચા કરવા અને આ બંનેમાંથી આપણી આજની સંસ્કૃતિ માટે નવાં યથાર્થદર્શન-અભિગમની શોધના કરવા અહીં આ હોલમાં મળ્યા છીએ. આપણી વિશ્વસંસ્કૃતિ એક વિશાળ વાદ્યમંડળીના વિવિધ સૂરોનું સંવાદી સંગીત છે. જેમાં વાયોલીન, વાયોલીન-સેલો, ઓ’બો (શરણાઈ જેવું વાદ્ય), વાંસળી, ઓર્ગન (એક પ્રકારનું વાજું), પિયાનો અને બીજાં વાજિંત્રોએ સાથે મળીને આ વૈશ્વિકસંસ્કૃતિની મહાન અને ઓજસ્વી સૂરાવલિ ઊભી કરવામાં ઘણું મોટું પ્રદાન કર્યું છે. એ સૂરાવલિમાં દરેકેદરેક સૂર અગત્યનો અને અનિવાર્ય છે.

ફ્રેંચ લોકો કલાસૌંદર્યના ચાહક છે, રશિયનો માનવતાવાદના ચાહક છે, અંગ્રેજો માનવના ગૌરવ અને મર્દાનગીને ચાહે છે, અમેરિકા માનવની મુક્તિની ભાવનાને ચાહે છે, જાપાનીઓ રાષ્ટ્રિયભાવનાને વરેલા છે, ચીનના લોકો વ્યાવહારિકતા અને વાસ્તવિકતાને વરેલા છે અને ભારતના લોકો આધ્યાત્મિકતાના પ્રેમી છે. આ બધી સંસ્કૃતિઓ અને બીજી અનેક સંસ્કૃતિઓએ આપણી વૈશ્વિકસંસ્કૃતિની આ ભવ્ય સંવાદિતામાં પોતપોતાનું પ્રદાન કર્યું છે. ઇસ્લામની ભ્રાતૃભાવના, ખ્રિસ્તીઓની ઉદારતા, બૌદ્ધોના નિર્વાણની શાંતિ માટેની ચાહના, આફ્રિકનોની રમતગમત અને સંગીતના ક્ષેત્રની ઉત્કૃષ્ટતા અને અપ્રતિમબળ અને અંતે વિશ્વ વિશેના આપણા દૃષ્ટિકોણમાં મહાન પરિવર્તન લાવનાર વૈજ્ઞાનિક અન્વેષણોએ આ વૈશ્વિકસંસ્કૃતિને વધુ સમૃદ્ધ કરી છે.

વૈશ્વિક આધ્યાત્મિકતા એટલે શું? ચૈતન્ય એટલે અશરીરી. આ વિશ્વમાં જે કંઈ શરીરી છે તે સીમિત છે.  જ્હોન એ. વ્હીલર કહે છે તેમ લાખો તારામંડળોવાળા અત્યંત દૂરસુદૂર અવકાશમાં ૨૬ પરિમાણોમાં વિસ્તરેલું આ બ્રહ્માંડ પણ સીમિત છે, એક સીમિત વાસ્તવિકતા છે. આઈન્સ્ટાઈનની ગણતરી પ્રમાણે તેની ત્રિજ્યા ૧૦૩૨ પ્રકાશવર્ષ જેટલી છે. એટલે જ જે અશરીરી છે તે અસીમ છે. 

સેન્ટ જ્હોને ‘ઈશુની અમૃતવાણી’ પ્રમાણે ઈશુએ કહ્યું છે: ‘હું જ ચૈતન્ય છું અને જે મને ચૈતન્ય રૂપે ભજે છે તેઓ મને સાચી રીતે ભજે છે.’ ઈશુખ્રિસ્ત ક્ષરદેહ રૂપે ગોલગોથામાં ૩૩ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા. પરંતુ અમર, અક્ષરદેહે ઈશુખ્રિસ્ત ૨૦૦૦ વર્ષથી વિશ્વની ૧/૩ જનતાનાં હૃદયમાં આજે પણ વસે છે.

૫૦૦૦ વર્ષો પહેલાં ભારતના ઋષિઓએ અંત: સ્ફૂરણાથી આ સત્ય શોધી કાઢ્યું હતું : મર્ત્યમાં ચૈતન્ય વિલસી રહ્યો છે. આ સમગ્ર બ્રહ્માંડ બધાં પ્રમાણો અને સંભવાનાઓ જોતાં ૧૦-૩૨ સે.મી. વ્યાસ વાળા એક નાના અનંત બ્લેકહોલમાંથી ઉદ્‌ભવ્યું છે. અબજો અણુપરમાણુ અને તેના અસંખ્ય સૂક્ષ્માણુઓવાળા આપણાં બાળકોના દેહમાં કેટલાં બ્રહ્માંડો છૂપાઈને રહેલાં છે?

ઉપનિષદોમાં વર્ણવ્યું છે કે સાન્ત ભૌતિક માનવદેહમાં અનંતશક્તિ, અનંત ઉત્કૃષ્ટતા; અનંત એટલે મૃત્યુ વિહીનતા, અનંતજ્ઞાન અને અનંત આનંદ એમાં છુપાયેલાં છે. આપણે એને સત્‌-ચિત્‌-આનંદ કહીએ છીએ. આજે વિજ્ઞાન આ હકીકતનો સ્વીકાર કરે છે. નોબેલ પ્રાઈઝ વિજેતા ઈ. શ્રોડિંજર કહે છે તેમ પાર્ટીકલ ફિજિક્સ અને ક્વોન્ટમ ફિજિક્સ પણ હવે એ નિર્ણય પર આવ્યા છે કે સીમિત આ અનંત તત્ત્વને પીંડમાં બ્રહ્માંડની જેમ ધારણ કરે છે. ભારતીયો આ પીંડને આત્મા, બ્રહ્માંડને બ્રહ્મ કહે છે. સમગ્ર ભારતીય સંસ્કૃતિ આ શાંતની ભીતર રહેલા અનંત તત્ત્વની અનુભૂતિનાં કળાવિજ્ઞાનને વરેલ હતી. ભૌતિક દેહની ભીતર રહેલા અક્ષર-અમર ચૈતન્યનું આવિષ્કરણ એટલે જ આધ્યાત્મિકતાનું વિજ્ઞાન.

ભાઈઓ અને બહેનો, આટલું યાદ રહે કે બધા મુખ્યધર્મોની આધારશિલા રૂપે માણસ એક ચૈતન્ય સ્વરૂપ છે એવો મૂળભૂત સિદ્ધાંત રહેલો છે. બાઈબલમાં કહ્યું છે: પ્રભુનું રાજ્ય તારી ભીતર છે. કુરાનમાં (૧૮.૫૦) જોવા મળે છે કે અલ્લાહે દેવદૂતને પ્રથમ માનવ આદમને નમવા કહ્યું. એક સિવાય બાકીના બીજા બધાએ આદમને વંદન કર્યા. આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર દેવદૂતને અલ્લાહે અભિશાપ આપ્યો અને એ શેતાન (જીન શેતાન) તરીકે જાણીતો બન્યો. કુરાનની આ આયતનો સંદેશ શો છે? એનો સંદેશ આ છે : જે દેવદૂત આદમ એટલે કે માનવને માન ન આપે તે શેતાન છે. સૂફી ઇસ્લામ કહે છે : ‘અનલહક્ક (હું સત્યરૂપ છું).’ ભારતીય તત્ત્વજ્ઞાન પ્રમાણે બધા સજીવોમાં માનવ સૌથી મહાન છે; કારણ કે આધ્યાત્મિકતાનાં જ્ઞાનસાધનાથી માનવ પોતાની ભીતર રહેલી દિવ્યતાને અનુભવી શકે છે, બહાર લાવી શકે છે.

હવે આવે છે એક સર્વોપરિ પ્રશ્ન. સંસ્કૃતિ એટલે શું? વૈદિક સંસ્કૃતિએ ઘોષણા કરી હતી કે ભીતર રહેલી અનંત દિવ્યતાને બહાર લાવવી કે એની અનુભૂતિ કરવી એ જીવનનું લક્ષ્ય છે. સંસ્કૃતિ શું છે? આધુનિક યુગમાં ભારતના વેદાંતના તત્ત્વજ્ઞાનના સૌથી મહાન ઉદ્‌ગાતા સ્વામી વિવેકાનંદે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઘોષણા કરતાં કહ્યું હતું કે સભ્યતા કે સંસ્કૃતિ એટલે માનવની ભીતર રહેલી દિવ્યતાનું પ્રકટીકરણ.

સંસ્કૃતિનો પાયો માત્ર ભૌતિકતાની ઉત્કૃષ્ટતા કે વ્યાપાર-વિનિમયના આનંદ કરતાં વધુ ગહન છે. બાહ્ય શ્રેષ્ઠતા અને ઉત્કૃષ્ટતા હોવા છતાં પણ ગ્રીક અને રોમની સંસ્કૃતિનું વિલોપન થયું. ભાઈઓ અને બહેનો, સંસ્કૃતિ એટલે ભૌતિક ઉપયોગિતાવાદ કે ઉપભોગપ્રધાનપણું જો એમ માનતા હોઈએ, તો એમાં આપણે મોટી ભૂલ કરીએ છીએ. સૌથી વધુ સમૃદ્ધ એવા સ્વીડનમાં સૌથી વધારે સંખ્યામાં આપઘાત કરનારાઓ છે. ૧૮, જાન્યુઆરી, ૨૦૦૦ના રોજ હું હોલીવૂડમાં હતો. તે દિવસના લોસ એન્જલ્સ ટાઈમ્સના મુખ્ય પૃષ્ઠ પર અમેરિકાની યુવાપેઢીમાંથી ૨૧% લોકો માનસિક અસમતુલાવાળા છે આવા મુખ્ય સમાચાર હતા. શું આપણે આવી સભ્યતા કે સંસ્કૃતિ ઝંખીએ છીએ? આપણે જ્યારે ભૌતિકતાવાદ કે ઉપભોગપણાને સંસ્કૃતિનું કે સભ્યતાનું ધ્યેય જાહેર કરીએ છીએ ત્યારે આપણે એ વાતની પાકી નોંધ લેવી જોઈએ, કૌંસમાં પાકી નોંધ મૂકવી જોઈએ કે આપણે આપણાં ભાવિ સંતાનોનાં વહેલાં અને અકાળ મૃત્યુને આમંત્રીએ છીએ.

૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના આક્રમણ પછી ઇતિહાસમાં એક કાયમનું પરિવર્તન આવ્યું છે. સર્વશ્રેષ્ઠ માનવીઓની શક્તિ પર ત્રાટકીને ધર્મઝનૂનીઓના ધિક્કારની ભાવનાથી ભયંકર વિનાશ સર્જી શકાય છે, એ વિશ્વના દરેકેદરેક માનવને સમજાઈ ગયું. આ વિનાશક આક્રમણની આગેવાની લેનાર એ પાંચેય યુવાનો વિશે હું વિચારું છું કદાચ તેમણે આખી રાત કુરાન વાંચ્યું, ઉપવાસ કર્યો, અલ્લાહને પ્રાર્થના પણ કરી અને કાફરો (ઇસ્લામમાં ન માનનાર)નો વિનાશ કરીને અલ્લાહને ખુશ કરવા તેઓ આગળ ધપ્યા. એમને જન્નતની – સ્વર્ગપ્રાપ્તિની ખાતરી હતી. અલબત્ત આ જન્નતની ખરાઈ વિશે પ્રશ્ન ચિહ્‌ન છે. 

એક મિત્રે મને કહ્યું કે ઈશુખ્રિસ્તે એમને શાંતિ લાવવા માટે આમ શિખવ્યું છે: જો કોઈ તારા જમણા ગાલ ઉપર તમાચો મારે તો તું તારો ડાબો ગાલ ધરજે. મેં એમને માત્ર આટલો જવાબ આપ્યો કે તો પછી ઓસામા બીન લાદેન અને તેના આતંકવાદીઓને ઈશુના અનુયાયીઓએ બીજા બે ટાવર તોડવા માટે ધરવા જોઈએ ને! પણ એણે એમ કર્યું ખરું? ના. યુ.એસ.એ.થી ૮૦૦૦ માઈલના અંતરે આવેલા અફઘાનિસ્તાનના એમણે ભૂક્કા બોલાવ્યા. આવું કેમ બન્યું? ઈશુ એના શત્રુઓને માફ કરી દેત, ભગવાન બુદ્ધ પણ એમ કરત, તમે પણ એવું જ કરત. એક સામાન્ય સાદોસીધો રીક્ષાવાળો પણ એને માફ કદી દેત. પણ ઇતિહાસ કોઈને માફ કરતો નથી. આને કહેવાય છે ‘ઇતિહાસનું વેર’. મિત્રો, આપણે ધર્મઝનૂનવાદ તરફ ન જઈએ નહિ તો આપણે ઇતિહાસના વેરને વાવવાનું કાર્ય કરી બેસીશું. 

ધર્મઝનૂનવાદ સત્યની ભ્રામક સમજણ પર આધારિત હોય છે અને ધર્મોના પાયાના સત્યનું ભયંકર અજ્ઞાન એમાં છતું થાય છે. અધ્યક્ષશ્રી તમારા આસન અને મારા વક્તવ્ય સ્થાનની વચ્ચે રહેલા નાના એવા અંતરને પણ અનંત રીતે ઈલેક્ટ્રોન આવરી લઈ શકે છે. આજે આ વાત મલ્ટીપલ હિસ્ટ્રી થિયરી (ઇતિહાસના વિવિધલક્ષીતાવાળા સિદ્ધાંત)ના નામે ઓળખાય છે. આ સિદ્ધાંતની શોધ નોબેલ પારિતોષિક વિજેતા જાણીતા ભૌતિકશાસ્ત્રી રિચાર્ડ ફિનમેનને કરેલ છે. જો આ નાનું એવું અંતર અસંખ્ય રીતે આવરી શકાય તો ઈશ્વર વિશે તો શું કહેવું? ઈશ્વર અનંત છે અને એ અનંત ઈશ્વરને પામવા માટે અનંત માર્ગ હોવાના જ. અધ્યક્ષશ્રી એટલે જ એ ઈશ્વરને પામવા માટે ઈશ્વર સુધી પહોંચવા માટે માનવને આવા અનેક અનંત માર્ગો અપનાવવાની સ્વતંત્રતા હોવી જોઈએ.

‘એકમ્‌ સત્‌ વિપ્રા: બહુધા વદન્તિ’ – સત્ય એક છે અને પ્રાજ્ઞપુરુષો એને જુદાં જુદાં નામે ઓળખે છે. ભારતીયોએ આ સત્ય ૫૦૦૦ વર્ષો પહેલાં અનુભવ્યું હતું. આ જ સત્ય ભારતના પ્રણાલીગત ધર્મોની બહુલતામાં એકતાની આધારશિલા છે. પરંતુ આધુનિક હિંદુધર્મના મહાન આધ્યાત્મિક ગુરુ શ્રીરામકૃષ્ણદેવે સર્વપ્રથમવાર આ સત્યને ઐતિહાસિક રીતે જીવી બતાવ્યું. હિંદુ હોવા છતાં પણ તેમણે સૂફી ઇસ્લામ અને ખ્રિસ્તીધર્મની સાધના પણ કરી; એમાંય મેડોના (મધર મેરી)ના ખોળામાં રહેલા બાળ ઈશુનું દર્શન કર્યું હતું. શ્રીરામકૃષ્ણદેવનું અનુસરણ કરીને છેલ્લાં ૧૦૦ વર્ષથી અમારાં વિશિષ્ટ હિંદુમંદિરોમાં ક્રિસમસ; બુદ્ધ, મહાવીર, ગુરુનાનક જયંતીની ઉજવણી થાય છે અને પવિત્ર કુરાનમાંથી પવિત્ર આયાતોનું વાચન થાય છે અને સૂફી ભજનો પણ ગવાય છે. આ એક નવું દર્શન, નવો અભિગમ છે જે ભારતવર્ષ વિશ્વસંસ્કૃતિને આપી શકે છે. આજે બીજા ધર્મો પ્રત્યે સહિષ્ણુતા દાખવવી જોઈએ એટલું જ નહિ પરંતુ એમને સ્વીકારવા પણ જોઈએ. માત્ર સ્વીકારવાથી ચાલશે નહિ પરંતુ એ બધા ધર્મોને આપણાં મંદિરો, મસ્જિદો અને ગિરિજાઘરોમાં ઉજવવા પણ પડશે. આ આજની તાતી જરૂર જેવું નૂતન દર્શન કે નૂતન અભિગમ આજની વૈશ્વિકસંસ્કૃતિ માટે ઘણો જ આવશ્યક બની ગયો છે.

નૈતિક મૂલ્યોનો પણ પ્રશ્ન આવે છે આ નૈતિકતા કે નૈતિક મૂલ્યો એટલે શું? બધા આત્માઓની એકતાના મૂલ્યલક્ષી આધારશિલા પર રહેલાં પ્રેમ, લાગણી અને ઉષ્મા. શા માટે મારે તમારા પ્રત્યે કરુણા, પ્રેમ અને સન્માન દાખવવાં જોઈએ? એનું કારણ એ છે કે તમે અને હું મૂળભૂત રીતે એકબીજા સાથે પરસ્પર જોડાયેલા છીએ. નવા બાળકને જન્મ આપનાર માતાને કિલોગ્રામ વજન ઉપાડવાનું કહી જોજો. તે એમ નહિ કરી શકે. અને છતાંય બધો સમય ત્રણ કિલોગ્રામ જેટલા વજનના પોતાના બાળકને ઊંચકીને ફરે છે! આ કેમ શક્ય બન્યું? એનું કારણ એ છે કે થોડા દિવસો પહેલાં આ બાળક માના ગર્ભમાં હતું. આ બાળક માટેનાં માનાં પ્રેમ, કરુણા, ઉષ્મા, ત્યાગ-બલિદાન, વગેરે મા અને બાળકની મૂળભૂત એકતામાંથી જન્મ્યાં છે. અમારા વેદાંત સાહિત્યમાં માનવની આ મૂળભૂત એકતાની વાત વારંવાર કરવામાં આવી છે. ભગવદ્‌ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે : ‘જેમ મણકાને એક સૂત્રથી બાંધી શકાય છે તેમ હું સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપેલો છું – પરોવાયેલો છું.’

અધ્યક્ષશ્રી, અસ્તિત્વની આ એકતાને આધુનિક વિજ્ઞાને સિદ્ધ કરી બતાવી છે. મેં પ્રિન્સટનના સુખ્યાત ભૌતિક વિજ્ઞાની જ્હોન એ. વ્હીલરને પૂછ્યું હતું કે વિજ્ઞાનની મહાનતમ શોધ કઈ હતી? એના જવાબમાં એમણે કહ્યું હતું કે બધાં અસ્તિત્વની મૂળભૂત એકતાના વિચારને સમર્થન એ જ હતી વિજ્ઞાનની મહાનતમ શોધ. ફ્રાંસના એલેન એસ્પેક્ટે ૧૯૮૬માં અને એ પહેલાં ૧૯૭૨માં લંડનમાં ડેવિડ બોહમ અને યુ.એસ.એ.ના ગ્લોજરે અને પીડમેને ‘બેલના પ્રમેયસિદ્ધાંત’ને પ્રાયોગિક રીતે અજમાવીને વિજ્ઞાનજગતની આ મહાનતમ શોધ થઈ હતી.

અધ્યક્ષશ્રી, વૈજ્ઞાનિક સત્યો વૈશ્વિક હોય છે એ બધાં ખ્રિસ્તીઓને, મુસ્લિમોને, બૌદ્ધોને સમાન રીતે લાગું પડે છે. આ વૈશ્વિક સત્યોનો કોઈ ઈન્કાર ન કરી શકે. જો કોઈ વ્યક્તિ કોઈ પણ બહુમાળી મકાનના ૨૦મા માળે જઈને એમ કહે: ‘હું ગુરુત્વાકર્ષણના નિયમમાં માનતો નથી, હું આ બારીની બહાર હવામાં ચાલીશ.’ તો તેનું શું થશે? મૃત્યુ. ‘સત્ય કોઈ પણ પ્રાચીન કે અર્વાચીન સમાજને અંજલીરૂપ બનતું નથી. સમાજે સત્યને માટે અંજલીરૂપ બનવું પડે છે અથવા મરવું પડે છે.’ સ્વામી વિવેકાનંદે, ભારતની આ મહાન સંસ્કૃતિના પયગંબરે આવા શબ્દો ઉચ્ચાર્યા છે.

જે પળે આપણે બધાંની મૂળભૂત એકતાના નિયમસત્યનું ઉલ્લંઘન કરીએ છીએ એ જ પળે આપણે નૈતિકતાને પણ ઉલ્લંઘી જઈએ છીએ. મેકબેથે પોતાના ઊંઘમાં રહેલા મહેમાન ડંકનને મારીને એ અનુભવ્યું કે તેણે પોતાની ઊંઘને કાયમને માટે મારી નાખી, હરામ કરી નાખી અને કહ્યું: ‘મેકબેથે આ ઊંઘને હણી છે, બાપડી નિર્દોષ ઊંઘને હણી છે… હવે મેકબેથ ક્યારેય ઊંઘી શકશે નહિ.’

આવી રીતે દીર્ઘકાળથી આ નૈતિકતા સંસ્કૃતિની આધારશિલા હતી. વિજ્ઞાનની શોધોના સમર્થનથી આજે આ વૈશ્વિક નૈતિકતા કે સદાચાર બધી સંસ્કૃતિઓને જોડનારી એક કડી બની ગઈ છે. અધ્યક્ષશ્રી, મારી પહેલાંના વક્તા સેનેગલના ઓલાબિયી બાબાલોલા જે. યાયી કે જે યુનેસ્કોના રેસિજમ વિભાગના અધ્યક્ષ પણ છે, તેમણે એવી ઇચ્છા વ્યક્ત કરી કે વિજ્ઞાન અને આધ્યાત્મિકતા પર આધારિત એવા કેટલાક વ્યાવહારિક કાર્યક્રમો અમલમાં લાવવા માગે છે. છેલ્લાં ૧૦૦ વર્ષથી ભારતીયોએ આધ્યાત્મિકતાની વ્યાવહારિકતા પર આધારિત એક નવો કાર્યક્રમ હાથ ધર્યો છે. ધીમે ધીમે અમે અમારી શાળાઓને મંદિરોમાં પરિવર્તિત કરી રહ્યા છીએ. આ વિદ્યામંદિરોમાં કોઈ પણ વિદ્યાર્થીને વર્ણધર્મ કે રાષ્ટ્રિયતાના ભેદભાવ વિના એક દેવ અને દેવીની જેમ ભજવામાં આવે છે, એમની સેવા થાય છે, શિક્ષકો એમની જ્ઞાનપુષ્પથી પૂજા કરે છે. આવી જ રીતે અમે ઈસ્પિતાલો ઊભી કરી છે કે જ્યાં આ જ ભાવે ડોક્ટરો રોગીનારાયણની દવાચિકિત્સા અને શલ્યચિકિત્સાથી સેવાપૂજા કરે છે. ધીમે ધીમે માનવની દેવદેવી રૂપે સેવા કરવાનો આ આદર્શ ભારતના રાષ્ટ્રિય જીવનનાં ઉદ્યોગ અને વહીવટી સંચાલનના ક્ષેત્રમાં પણ પ્રવેશવા માંડ્યો છે. આ એક નવું દર્શન, નવો અભિગમ છે કે જે આ વૈશ્વિક સંસ્કૃતિને ભારતવર્ષ અર્પણ કરી શકે છે.

ભાઈઓ અને બહેનો, તમને બધાને અહીં જોઉં છું ત્યારે મને એમ લાગે છે કે ઘણા દીર્ઘકાળ પછી મારા પોતાના ભાઈ-ભાંડુઓ અહીં મળવા ન આવ્યા હોય! આપ સૌ આ સમારંભ માટે ભારતમાં પધાર્યા એનાથી અમારા હૃદયમાં ઘણી ઊંડા આનંદ અને સંતોષની લાગણી અમે અનુભવીએ છીએ. આપ સૌ માટે હું મારા હૃદયની પ્રેમ અને સન્માનની લાગણી વ્યક્ત કરું છું.

અન્ય મહાનુભાવોનાં વક્તવ્યો

ભારતના વડાપ્રધાન શ્રી અટલ વિહારી બાજપાઈએ પોતાના ઉદ્‌ઘાટન ભાષણમાં કહ્યું હતું: ‘પ્રાચીનકાળના અને આધુનિક સમયના ભારતના ઋષિઓ અને સંતોએ એવા વિશ્વનું સ્વપ્ન સેવ્યું છે કે જેમાં બધાં ધર્મો, સંસ્કૃતિઓ, સાંસ્કૃતિક ભાવનાઓ, ભાષાઓ અને જ્ઞાનની વિવિધ શાખાઓ વૈશ્વિકતાના એક સંવાદી સૂર રૂપે ઊભરી આવે. ઉદાહરણ તરીકે સમગ્ર વિશ્વમાંથી નવજીવન બક્ષતા અને ભાવાત્મક વિચારભાવોને સ્વીકારવાનું અને આત્મસાત કરવાનું વેદોએ આપણને શીખવ્યું છે. સંસ્કૃતિ સંસ્કૃતિ વચ્ચે સંઘર્ષ થતો નથી; કલહ, કંકાશ, શક્ય નથી. જો આપણે સાચી રીતે સુસંસ્કૃત હોઈએ તો સંઘર્ષ કે ક્લેશનું અસ્તિત્વ જ ન રહે અને બધી સમસ્યાઓ, બધા ક્લેશ, બધા વિવાદી પ્રશ્નોનો અરસપરસના વાર્તાલાપ દ્વારા ઉકેલ લાવી શકાય. જેનો આપણે માનવીય ભાવાત્મક એકતાની આપણી ઝંખનામાં તેમજ શાંતિ, ન્યાય, સત્ય અને બંધુભાવનાની આપણી સામાન્ય આશાઅપેક્ષામાં ઉપયોગ કરીએ છીએ એવાં નૈતિક મૂલ્યો અને આદર્શોના સામાન્ય ગુણસમૂહ પર આપણી સંસ્કૃતિઓ સ્થિર થઈ છે.’

ભારત સરકારના માનવસંસાધન વિભાગના મંત્રીશ્રી ડો. મુરલી મનોહર જોષીએ પોતાના મુખ્ય વ્યક્તવ્યમાં આમ કહ્યું હતું: ‘સંસ્કૃતિ એટલે શું? આવો પ્રશ્ન પૂછવો પ્રસ્તુત ગણાશે. પ્રાથમિક કક્ષાએ સંસ્કૃતિ કે સભ્યતાની વ્યાખ્યા આ રીતે આપી શકાય. સુશાસિત, સુવ્યવસ્થિત, સુશિક્ષિત, જ્ઞાન તથા સાધનસરંજામ અને કળયુક્તિ ધરાવતું સમાજનું સભ્ય સ્વરૂપ એટલે સભ્યતા કે સંસ્કૃતિ. સંસ્કૃતિ બર્બરતાને ઓળંગી જાય છે અને નિશ્ચિતપણે અસંસ્કૃત ધર્મઝનૂનથી દૂર રહે છે, કારણ કે સાચી સંસ્કૃતિ કેળવણી, વિજ્ઞાન અને નૈતિક તેમજ આધ્યાત્મિક મૂલ્યોને કેળવવા પ્રોત્સાહન આપે છે. સંસ્કૃતિ એ સમાજનું એવું ઉત્ક્રાંત સ્વરૂપ છે કે જે જીવનનાં શારીરિક, આર્થિક, સામાજિક, વૈજ્ઞાનિક, તાત્ત્વિક, નૈતિક અને આધ્યાત્મિક શ્રદ્ધામય જીવનનાં બધાં પાસાં કે ક્ષેત્રોમાં જ્ઞાનને રેડવાની તીવ્ર ઇચ્છા સેવે છે. વિશ્વના માનવસમાજે વિવિધ પ્રકારની સંસ્કૃતિઓ વિકસાવી છે એ હકીકત અને સમગ્ર માનવસમાજમાં ઉત્સવોની એકતા અને વિવિધતાની બિનામાં જોવા મળતી વાસ્તવિકતા એ અત્યંત અપેક્ષિત અને મૂલ્યવાન વાત છે તથા સૌથી વધુ આનંદપ્રદ હકીકત છે.’

ઈરાનના પ્રમુખે મોકલેલ સંદેશનું વાચન ઈરાનના મંત્રીશ્રીએ કર્યું હતું. એ સંદેશમાં તેમણે જણાવ્યું હતું: ‘રાજનીતિજ્ઞોનાં કર્તવ્યકર્મના પ્રદાન કરતાં બુદ્ધિધનોનું પ્રદાન વધારે અગત્યનું છે. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૦૧ની ઘટના પછી ઇતિહાસમાં પરિવર્તન આવ્યું છે.’ ટર્કીના પ્રમુખના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે આવાં વાર્તાલાપો અને વિચારણા માટે ન્યુ દિલ્હી એક આદર્શ સ્થળ છે. માડાગાસ્કરના મંત્રીશ્રીએ એકતા, સંવાદિતાની ભાવના અને સંપસહકારના મહત્ત્વ વિશે વાત કરી હતી. મોરિશ્યસના મંત્રીશ્રીએ શ્રીમુરલી મનોહર જોષીને આવી ચર્ચાસભા યોજવા માટે અભિનંદન આપીને કહ્યું હતું કે આવું સંસ્કૃતિઓ વિશેનું ઉત્સાહપૂર્ણ વાતાવરણ અને આદર્શ વાર્તાલાપો, સંસ્કૃતિ સંસ્કૃતિ વચ્ચેના સંઘર્ષમાં ઘણા ઉપયોગી અને સાર્થક નીવડે છે. પેરુના પ્રમુખના સંદેશમાં જણાવાયું હતું કે તેઓ પોતાની મૂળ તળપદી સંસ્કૃતિને જાળવીને આધુનિક વિકાસ પણ કરવા માગે છે. મિયાનમારના મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અમારા દેશમાં ૧૦૦ જેટલી જાતિના લોકો એકતાની ભાવનાથી રહે છે. રશિયાના મંત્રીશ્રીએ કહ્યું હતું કે પશ્ચિમનાં મૂલ્યો હવે અશ્રદ્ધેય બન્યાં છે અને સંસ્કૃતિઓ પરના આવા વાર્તાલાપોને મહત્ત્વ વધી ગયું છે. ભારત એક અત્યંત પ્રાચીન સંસ્કૃતિવાળો દેશ છે અને આંતરરાષ્ટ્રિય ત્રાસવાદ અને હિંસાને દૂર કરવા દરેક દેશના આધ્યાત્મિક ક્ષેત્રના મહામાનવોએ આવા સંસ્કૃતિ-વિષયક વાર્તાલાપોમાં સૌથી વધારે સક્રિય ભાગ લેવો જોઈએ. ચીનના મંત્રીશ્રીએ બાજપેઈજીની હમણાંની ચીનની યાત્રાને અસરકારક વૈશ્વિક પરિચર્ચાની એક ઐતિહાસિક ઘટના ગણાવી હતી. સંઘર્ષ કે યુદ્ધને નિવારવા માટે પરિચર્ચા કે વાર્તાલાપ દ્વારા વાટાઘાટ એ જ ઉત્તમ ઉપાય છે. કન્ફ્‌યુશ્યસ ધર્મ વ્યાવહારિકતા અને વાસ્તવિકતાને મહત્ત્વ આપે છે અને ચીન તો હજી એક શીખતું રાષ્ટ્ર છે. શ્રીલંકાના મંત્રીશ્રીએ કહ્યું હતું કે તેમના બૌદ્ધમંદિરોમાં હિંદુ દેવી-દેવતાઓ પણ છે. કેરેબિયન ટાપુના મંત્રીશ્રીએ આફ્રિકનોની સમાનતાની આવશ્યકતાની વાત કરીને કહ્યું : ‘૧૧મી સપ્ટેમ્બરે વિશ્વઇતિહાસને બદલ્યો છે અને સંસ્કૃતિ કે સભ્યતા એટલે ગરીબીમાંથી મુક્તિ.’

યુનેસ્કોના એક્ઝીક્યુટિવ ચેરમેન શ્રી જલાલીએ પોતાના ઓજસ્વી પ્રવચનમાં કહ્યું હતું કે આવી પરિચર્ચાની અપેક્ષા ભારત પાસે સેવી હતી. આ દેશ ખરેખર આવી પરિચર્ચાના પરિશીલનનું સાચું સ્થળ છે. ખરી કેળવણી અંધારા ખંડમાં રહેલા હાથીને પ્રકાશ પહોંચાડવા મીણબત્તીની ગરજ સારે છે. પરિચર્ચા એ વાટાઘાટ નથી. પરિચર્ચામાં તો કોઈ પણ પ્રશ્ન કે સમસ્યા પ્રત્યે આપણે પોતાનાં બધાં રહસ્યોને પૂર્ણપણે ખુલ્લાં કરી દઈએ છીએ. જ્યારે વાટાઘાટમાં આપણે આપણું લક્ષ્ય આપણા પોતાના સ્વાર્થમાં જ રહે છે. આ સંમેલને ધર્મની પરિચર્ચાને સ્પષ્ટ કરવી જોઈએ અને વહેમો કે અંધશ્રદ્ધાને કોરાણે મૂકવાં જોઈએ. તાઝિકીસ્તાનના મંત્રીશ્રીએ વૈશ્વિકીકરણની અભાવાત્મક અસરને લીધે કેટલીક જૂની સંસ્કૃતિઓ લુપ્ત થશે એમ જણાવ્યું હતું. આ દૃષ્ટિબિંદુને વૈશ્વિક સંસ્કૃતિને અપનાવવા માટે સમજવું આવશ્યક છે. ઇસ્લામ અને હિંદુત્વની સહઅસ્તિત્વની સમૃદ્ધ સંસ્કૃતિ ભારત ધરાવે છે. મોરોક્કોના મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સંસ્કૃતિઓમાં કેટલાંક ભેદો ઘણા વિશાળ છે અને એને કારણે સમસ્યાઓ જન્મે, વિરોધી વિચાર-આદર્શો ઊભા થાય અને આંતરદર્શનની અવસ્થા પણ ઉદ્‌ભવે. થાઈલેન્ડના મંત્રીશ્રીએ આ મહત્ત્વની પરિચર્ચા યોજવા માટે આભારની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે આવી પરિચર્ચાઓ શિક્ષણ અને સાંસ્કૃતિક આદાનપ્રદાન માટે તેમજ સ્ત્રીઓ પરના અત્યાચાર માટે પણ યોજાવી જોઈએ. યુગાન્ડાના પ્રમુખના પ્રતિનિધિરૂપે ત્યાંના મંત્રીશ્રીએ કહ્યું હતું કે આ પરિચર્ચા કાર્યાન્વિતતા છે. તેમણે ભારતનો આભાર માનીને કહ્યું હતું કે કોઈ પણ સભ્યતા કે સંસ્કૃતિ એ અમીરોની પોતાની બાપુકી સંપત્તિ નથી. ગરીબાઈ અને કોઈના અધિકારો આંચકી લેવા એ સંસ્કૃતિના શત્રુઓ છે. નારીશક્તિ અને સંસ્કૃતિમાં નારીત્વનું પ્રદાન એ વિશે પણ ચર્ચા થવી જોઈએ. 

બાંગ્લાદેશના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ખાતાના મંત્રીશ્રી મણિએ ટાગોરના કાવ્યમાંથી આ પંક્તિ ટાંકી હતી :‘શાક હુંદાલ પઠાણ મોગલ એકદેહે હોલો લીન’ – (શક, હુણ, પઠાણ, મોગલ, બધા ભારતીય સંસ્કૃતિની આ ભૂમિમાં એકરસ બની ગયા છે). ભારત એ ખરેખર સંસ્કૃતિઓનું સંગમસ્થાન છે. સરકારનો સરકાર સાથેનો સંપર્ક નહિ પરંતુ લોકોનો લોકો સાથેનો સંસ્પર્શ-સંપર્ક એ જ પરિચર્ચાનો સાચો માર્ગ છે. બેનિનના મંત્રીશ્રી આફ્રિકન બહેને કહ્યું હતું કે આવી પરિચર્ચા આવશ્યક છે. સમૃદ્ધ રાષ્ટ્રોએ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના ક્ષેત્રમાં આફ્રિકાને કોરાણે મૂકી દીધું છે. ભયંકર ગરીબી અને બેકારીથી પીડાતા સૌથી વધુ ગરીબ રાષ્ટ્રોમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી દાખલ કરીને તેના લાભો અપાવવા જોઈએ એ સમૃદ્ધ રાષ્ટ્રોની ફરજ છે. સામાજીક કલ્યાણ માટે વૈશ્વિકીકરણે બધી માહિતી મેળવવાના અધિકારને પણ ધ્યાનમાં લેવો પડશે. બલ્ગેરિયાના મંત્રીશ્રીએ આ ઐતિહાસિક પરિચર્ચાના અગત્યની વાત કરી હતી. ઘાનાના મંત્રીશ્રી હબસી બહેને જણાવ્યું હતું કે પ્રમુખ બુશે તેમને ગુલામીનાં અનિષ્ટો વિશે કહ્યું હતું. પરંતુ ઘાનામાંથી યુ.એસ.એ.માં ઘણા હબસીઓ ગુલામો તરીકે ગયા હતા.

સિસિલિના સ્થાપક પ્રમુખે કહ્યું હતું : ‘એક દિવસ એવો આવે કે જ્યારે બુશ, સદ્દામ હુસેન અને લાદેન ત્રણેય એક જ ટેબલ પર બેસીને શાંતિનો ઉપાય શોધે, એવું હું સ્વપ્ન સેવું છું. જ્યારે ઈરાકમાં રાસાયણિક શસ્ત્રો ન મળ્યાં ત્યારે અમેરિકાએ એવું કહ્યું કે ઈરાક એ બનાવવાની તૈયારીમાં હતું.’ ભારતના સંન્યાસીને વિજ્ઞાન અને આધ્યાત્મિકતા વિશે બોલતાં સાંભળ્યા પછી શા માટે પશ્ચિમના જગતમાં જ્ઞાન અને આધ્યાત્મિક પ્રેરણા મેળવવા માટે ભારતના સંન્યાસીઓ સાથે ઉનાળાની રજાના દિવસો ગાળવાનો નવો ચીલો પડ્યો છે, એ તેમને સમજાય છે. બોસવાનાના હબસી પ્રધાન બહેને જણાવ્યું હતું કે અસરપરસ સન્માનની ભાવના એ જ આવી પરિચર્ચાનો માર્ગ છે. પેરુના પ્રમુખશ્રીનાં પત્નીએ જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક વિકાસ થયો હોવા છતાં પણ પોતાનું રાષ્ટ્ર પોતાની આગવી તળપદી સંસ્કૃતિને જાળવી રાખવાનો પ્રયાસ કરે છે. એક મુસ્લિમ વિદ્વાને કહ્યું: ‘હિંદુધર્મ અને બૌદ્ધધર્મ પશ્ચિમમાં પ્રસરી રહ્યો છે. માત્ર અનુયાયીઓની સંખ્યા જ ધર્મની શક્તિ નક્કી કરી શકતી નથી. એક ખ્રિસ્તીચર્ચના વિદ્વાને કહ્યું હતું કે આધ્યાત્મિકતામાં ભૌતિકતાને પણ ઉમેરવી જોઈએ.’ કર્ણાટકના રાજ્યપાલશ્રી ટી.એન. ચતુર્વેદીએ કહ્યું હતું: ‘શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં સ્વામીજીએ કરેલી વૈશ્વિકતાની વાત એ આવી સંસ્કૃતિઓ વચ્ચેની પરિચર્ચા માટેનો પ્રથમ સંદેશ હતો. પાઠ્યક્રમનો એક ભાગ બની રહે તે રીતે શાળા અને કોલેજોમાં આધ્યાત્મિક મૂલ્યોને દાખલ કરીને આજના વિજ્ઞાનને માનવીય અને સામાજિક બનાવવું જોઈએ. ઈન્ડોનેશિયાના એક વિદ્વાને કહ્યું હતું કે આપણે જરૂર છે વિવેકબુદ્ધિ અને શાણપણવાળા માણસની, નહિ કે માત્ર કારીગિરી જાણનાર એટલે કે તકનીકી માનવની. આપણે આ વિવેકબુદ્ધિ અને શાણપણને લાવવાં જરૂરી છે. અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના સુખ્યાત પ્રાધ્યાપક તુ વેઈમિંગે કહ્યું હતું કે અમેરિકા આંતરરાષ્ટ્રિય પરિચર્ચાને પ્રાધાન્ય આપવામાં નિષ્ફળ ગયું છે. એનું કારણ એ છે કે ત્યાં શાણપણને બદલે યાંત્રિક તર્કવાદને વધારે પ્રાધાન્ય આપ્યું છે. એમણે કહ્યું હતું કે અમે વિવિધતા કે અનેકવિધતાને સ્વીકારીએ છીએ અમેરિકામાં સંઘર્ષના ભાવને બદલે હવે આવી પરિચર્ચાનો ભાવ ધીમે ધીમે બહાર આવી રહ્યો છે.

બીજા એક યુરોપના વિદ્વાને કહ્યું હતું કે બધાં ધર્મનેતાઓએ તેમના અનુયાયીઓને ધર્મઝનૂનવાદી હિંસાને ત્યજી દેવા માટે કહેવું જોઈએ અને એ માટેની સ્પષ્ટ ખાતરી એમના તરફથી મળવી જોઈએ. મોસ્કોના મંત્રીશ્રીઓના પ્રતિનિધિમંડળના એક બહેને જણાવ્યું હતું કે નવા પડકારોનો સામનો કરવા માટે આ સંમેલન એક શુભારંભ છે. વિયેતનામના પ્રાધ્યાપકે કહ્યું હતું કે સહિષ્ણુતાને કેવી રીતે અસરકારક બનાવવી? અમારા દેશમાં જુદા જુદા ધર્મોમાં માનતી ૫૪ લઘુમતિ જાતિઓ  છે. દરેક જાતિના લોકોએ બીજી કોઈ પણ જાતિના લોકોને માન સન્માનની નજરે જોવા જોઈએ. હોચિમિન્હે કહ્યું છે : ‘વિયેતનામની સંસ્કૃતિ એ પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનું સંયોજન છે.’ આસામના ભૂતપૂર્વ સાંસદ શ્રી દત્તે કહ્યું હતું કે વિજ્ઞાનના પાયા પર આધારિત આધ્યાત્મિકતા જેની વાત સ્વામી જીવાત્માનંદજીએ કરેલી છે તે જ આપણો નવો અભિગમ છે. ઈટાલીના વિદ્વાને કહ્યું હતું કે માત્ર શાંતિ નહિ પણ આંતરપ્રતીતિની ઉત્ક્રાંતિ આજે જરૂરી છે, સેવાને એમાં સ્થાન મળવું જ જોઈએ. વિશ્વના નાગરિકોનો વૈશ્વિક વિકાસ એટલે ભૌતિકતા અને આધ્યાત્મિકતાનું નવું સંયોજન. કેરાળાના રેવ. કાર્ડિનલે કહ્યું હતું કે નામદાર પોપ હવે ધાર્મિક પરિચર્ચાને પ્રોત્સાહન આપે છે. ભારતના શ્રી પાસવાને કહ્યું હતું કે સહિષ્ણુતા જ નહિ પણ સ્વીકાર એ આજની તાતી જરૂર છે. રશિયાના અવકાશયાત્રીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રિય બાળકો હવે વિશ્વપ્રવાસ તથા અંતરિક્ષના પ્રવાસમાં રસ લેવા માંડ્યાં છે. યુનેસ્કોના સેનેગલમાં રહેલા પ્રતિનિધિએ કહ્યું હતું કે બધાને આ પરિચર્ચાનો વિચાર ગમ્યો છે. પરંતુ આ આરંભિક કક્ષાના આદર્શોને આચરણમાં મૂકીને યુવાપેઢી સુધી લઈ જવા પડશે. યુનેસ્કોના એક્ઝીક્યુટિવ કાઉન્સીલના પ્રમુખે યુ.એસ.એ.ને સંસ્કૃતિ-સંસ્કૃતિ વચ્ચેના સંઘર્ષોને નિવારવા માટે યુનેસ્કોમાં ફરીથી આવવા વિનંતી કરી હતી.

Total Views: 25
By Published On: September 14, 2022Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram