(રામકૃષ્ણ મિશનના સ્વામી સોમેશ્વરાનંદ ખેતડી ખાતેના રામકૃષ્ણ મિશન વિવેકાનંદ સ્મૃતિ મંદિરના સચિવ છે. ભારતના યુવાનો માટેની મિશનની પ્રવૃત્તિઓ સાથે તેઓ લાંબા સમયથી સંકળાયેલા છે.)

(જાન્યુઆરી ’૯૫થી આગળ)

સ્વામીજીએ કર્મયોગનાં તેઓનાં પ્રવચનોમાં આ જ વાત કરી છે. સેવા દ્વારા ખરેખર તો આપણે આપણી જાતને જ મદદ કરતા હોઈએ છીએ, દુનિયાને નહીં. કમનસીબે લોકો સમજતા નથી કે સેવા કરાવનાર નહીં પણ સેવા કરનાર જ વધુ લાભ પ્રાપ્ત કરે છે. શિક્ષક અને વિદ્યાર્થીની બાબતમાં વિદ્યાર્થી તો પાસ થાય કે ન પણ થાય, પણ શિક્ષકને પગાર તો જેમનો તેમ મળવો ચાલુ જ રહે છે, ડૉક્ટર અને દર્દીની બાબતમાં પણ સાચો લાભાર્થી તો ડૉક્ટર જ છે, કારણ કે એમાં જ એને વધુ રસ હોય છે. અલબત્ત એક બીજું કારણ એ પણ છે કે વિદ્યાર્થીઓની બહુ મોટી બહુમતિ આ ક્ષેત્રોમાં કારકિર્દી મેળવવા ઈચ્છે છે. ટોળાંની મનોવૃત્તિ!

નેશનલ કાઉન્સિલ ઑફ ઍજ્યુકેશનલ રીસર્ચ ઍન્ડ ટ્રેઈનિંગ (NCERT), દિલ્હી બૉર્ડ ઑફ ઍજ્યુકેશન અને દિલ્હીની જ સ્કૂલ ઑફ પ્લાનિંગ ઍન્ડ આર્કિટેક્ચરના શિક્ષકો અને શિક્ષાવિદો માટેના એક તાલીમ કાર્યક્રમનું સંચાલન કરતી વખતે મેં આ આખી પદ્ધતિને ‘કારકિર્દીનું માર્ગદર્શન’ તરીકે ઓળખાવી હતી. ભાગ લેનારાઓ ત્યારે, અલબત્ત ચોંકી ઉઠ્યા હતા, પણ મારા આ વિધાન પાછળનાં તથ્યને તેઓ પડકારી શક્યા નહોતા. ત્યાર પછી મેં તેમની સામે પણ આધ્યાત્મિક મૂલ્યો પર આધારિત ‘કારકિર્દી મૂલ્યાંકન’ની પદ્ધતિ રજૂ કરેલી.

૧) અહમ્ બ્રહ્માસ્મિ – હું અસીમ ક્ષમતાથી સભર છું.

૨) આત્મનો મોક્ષાર્થમ્ જગત્ હિતાય ચ- વ્યક્તિએ પોતાની મુક્તિ (અહીં વિકાસ) માટે અને સમાજના કલ્યાણ માટે કામ કરવું જ જોઈએ.

૩) યજ્ઞાર્થા: કર્મા: કર્મો યજ્ઞના ભાવથી જ કરવાં જોઈએ. (ગીતામાં આનો અર્થ ‘બીજાની સંભાળ લેવી કે એકબીજાનું જતન કરવું, એવો થાય છે.)

હવે આ સિદ્ધાંતો આપણા દૈનિક જીવનમાં કઈ રીતે ચરિતાર્થ કરવા? સૌ પ્રથમ તો આપણને આપણી જાતમાં અડગ આત્મવિશ્વાસ હોવો જોઈએ, એવો વિશ્વાસ જે આપણને સમજાવે કે મારે માટે કશું જ અશક્ય નથી. આપણે દરેકે પોતપોતાની સ્વાભાવિક રુચિ અને શક્તિને પીંછાણવી જ પડે. બીજું, આપણે આપણી આ કુદરતી શક્તિ વધુ બળવત્તર કરવી જોઈએ. ત્રીજું, આપણે આપણી આ વિશિષ્ટ શક્તિ સમાજની કઈ દારુણ સમસ્યાને હલ કરવામાં વધુ ને વધુ ઉપયુક્ત છે, તે શોધી કાઢવું જોઈએ.

સમીરા કેશવાણી મનોવિજ્ઞાનની એક વિદ્યાર્થિની છે અને તેને પોતાનો વિષય ગમે છે. તેના બીજા મિત્રોથી અલગ પડીને તેણે પોતે તેમાં સેવાનું યોગદાન આપી શકે તેવા સાંપ્રત સમાજના પ્રશ્નોની ભાળ મેળવવાનું ઘણી શરૂઆતથી ચાલુ કરેલું. તેણે પોતાનું જ એક જૂથ બનાવ્યું. અને તેના મિત્રોને માર્ગદર્શન આપવા લાગી. આને લીધે તે પ્રસિદ્ધિ પામી. તેણે એક બાબતની સાચી જ નોંધ લીધી કે આજે કોઈ વિદ્યાર્થી પોતાના મા-બાપ કે શિક્ષક સાથે મુક્ત રીતે વાતચીત કરી શકતો નથી અને ખાસ કરીને ભારતમાં ગૌણ મનોવૈજ્ઞાનિક પ્રશ્નો માનસચિકિત્સક પાસે જવાનું સામાન્ય રીતે બનતું નથી. આ ક્ષેત્રમાં પોતાની કૉલેજના મિત્રોને પોતાની સેવાની સમીરાએ ઑફર કરી. ધીમેધીમે આ સમાચાર પ્રસરતા ગયા અને બીજી કૉલેજોમાંથી પણ તેની પૂછપરછ આવવા લાગી. અત્યારે તે માત્ર સ્નાતક કક્ષાના ત્રીજા વર્ષની વિદ્યાર્થિની હોવા છતાં કટોકટી-દરમિયાનગીરીની બાબતમાં તેણે આગળ પડતું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. પોતાનાં પાઠ્યપુસ્તકિયાં વિધિવિધાનને યાંત્રિકતાથી અમલી બનાવવાને બદલે તેણે ભારતીય યુવકો માટે અનુરૂપ એવી આગવી ટૅકનિક ઘડી કાઢી. આજે વ્યાવસાયિકો સુધ્ધાં વિદ્યાર્થીઓનાં વર્ગો લેવા અને તેઓના પ્રશ્નો હલ કરવા સમીરાનો સંપર્ક સાધે છે. તેની ફી ઘણી જ વાજબી છે – એક કલાકના પંચોતેર રૂપિયા. જો કે મોટે ભાગે તે આ સેવા નિ:શુલ્ક રીતે કરવાનું જ પસંદ કરે છે. સમીરાએ નેતૃત્વના અદ્ભુત સદ્ગુણો વિકસાવ્યા છે અને વિદ્યાર્થીઓ માટેની પોતાની આગવી ટૅકનિક અને પદ્ધતિથી તે એક બહુચર્ચિત તકલીફ નિવારક બની ગઈ છે.

દેવાશિષ ચંદાનો દાખલો લઈએ. તે એક અંગ્રેજી દૈનિકમાં કમ્પ્યૂટર ઑપરેટર તરીકે કામ કરે છે. પોતાની સામાન્ય ફરજ બજાવવા ઉપરાંત તેણે પોતાની આગવી ધગશથી વર્તમાનપત્રના વાચકોની વાસ્તવિક જરૂરિયાતનો અભ્યાસ શરૂ કર્યો. તેણે ટચૂકડી જાહેરાતો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. જુદા જુદા પ્રદેશોના વિજ્ઞાપનકારોની જરૂરિયાતોના આધારે સ્પષ્ટ ખ્યાલ મેળવ્યા પછી, તેણે એક નવો વિચાર રજૂ કર્યો જેનાથી તેના વર્તમાનપત્રે તેના ગ્રાહકોની વધુ અસરકારક સેવા કરી, અને આને લીધે છાપાંનાં ફેલાવામાં ઘણો વધારો થયો. વર્તમાનપત્રોનાં સંચાલકોએ દેવાશિષના યોગદાનની નોંધ લીધી અને તેને બઢતી આપી. આ બધું તેણે વર્તમાનપત્રની નોકરી સ્વીકાર્યા પછીના પંદર મહિનામાં જ સિદ્ધ કર્યું.

પોતાની કારકિર્દીમાં ઉન્નતિ કરવા માટે સ્વલક્ષી અભિગમ કરતાં પરલક્ષી અભિગમ – ‘હું બીજાને કઈ રીતે મદદરૂપ થઈ શકું’વાળો અભિગમ – વધુ સારો છે તે સમીરા અને દેવાશીષે દર્શાવ્યું છે. અરુણા કાનન અત્યારે માત્ર ૨૩ વર્ષની હોવા છતાં એક કંપનીની ડાયરેક્ટર થઈ ચૂકી છે. પ્રવીણ તાવડે, મીનાક્ષી પ્રધાન, સુદેશણા સેન, પ્રકાશ દલવી, મનન દેસાઈ, અભિજિત પંડિત – આ બધા ૨૧થી ૨૪ વર્ષનાં જૂથવાળાં યુવક-યુવતીઓ બીજાને મદદરૂપ થઈને જુદા જુદા વ્યવસાયમાં પ્રતિષ્ઠિત થયાં છે. તેમનો અભિગમ આકૃતિ-૪માં પ્રદર્શિત કરેલ છે. આ અભિગમ માત્ર કારકિર્દી ઘડતરમાં જ નહીં, પણ ઉદ્યોગમાં પણ ઉપકારક છે. ઔદ્યોગિક પ્રતિષ્ઠાનો આ અભિગમને કઈ રીતે અમલી કરી શકે તે હવે તપાસીએ.

૮ – લોકો તમને પારખી જશે.

– તમે મદદ કરવા તૈયાર છો તેની બીજા લોકોને જાણ કરો.

વધુને વધુ લોકો સુધી પહોંચો.

લોકોને મદદરૂપ થવાનું શરૂ કરો.

શ્રેષ્ઠ સમાધાન મેળવો.

૩ – શક્ય સમાધાનોનો તાગ મેળવો.

૨ – તમે એમાં કઈ રીતે મદદ કરી શકો તે વિચારો.

લોકોની કોઈ જીવંત સમસ્યા શોધી કાઢો.

આકૃતિ – ૪

ઉદ્યોગમાં સેવાનો આદર્શ

વેદાન્તમાં જણાવ્યું છે કે સ્થૂળ (પાર્થિવ વસ્તુલક્ષી) કરતાં સૂક્ષ્મ (અપાર્થિવ, આત્માલક્ષી) વધુ શક્તિશાળી છે. આપણે જ્યારે વિચારીએ છીએ કે નાણાંનાં સંદર્ભે થતા નફા કરતાં પ્રતિષ્ઠા, સચ્ચાઈ, ગ્રાહકનો વિશ્વાસ અને બજારમાં સારા સ્થાનથી થતો લાભ વધુ મહત્ત્વનો છે, ત્યારે આ વાત સાચી લાગે છે. નફા પર આધારિત અથવા ધનકેન્દ્રી અભિગમ દુર્માર્ગદર્શી છે. પાકું સરવૈયું શું એટલું બધું મહત્ત્વનું છે? જો કોઈ માણસે કંપનીના શેર ખરીદવા હોય તો તે પોતાનો નિર્ણય તે કંપનીના પાકા સરવૈયાને નજર સમક્ષ રાખીને લે છે? જરાય નહીં. વળી, કોઈ કંપનીએ આગલા વર્ષે ૨૫ કરોડ રૂપિયાનો નફો કર્યો હોય અને આ વર્ષે ૩૦ કરોડ રૂપિયાનો નફો કરે તો તેનો અર્થ એવો કે કંપની બહુ સારી ચાલે છે? જવાબ સ્પષ્ટ ના છે. માત્ર નફાનો અર્થ એવો નહીં કે કંપની સારી ચાલે છે. સરકારી બજેટમાં અપાયેલી કોઈ વિશિષ્ટ છૂટછાટને લીધે અથવા તો આકરા ભાવવધારાને લીધે કંપનીએ પોતાનો માલ ઓછી સંખ્યામાં વેચ્યો હોવા છતાં નફો તો થઈ શકે. કમનસીબે બહુ ઓછા ઉદ્યોગપતિઓ અને તેમના હિસાબનીશોને આ ભ્રમનો ખ્યાલ હોય છે. ધનલક્ષી કે નફા-આધારિત અભિગમ સાચું ચિત્ર ઉપસાવી શકે નહીં.

વાણિજ્યસંચાલનમાં વેદાન્તના સિદ્ધાંતોને આત્મસાત્ કરવા સેવા અથવા તો જનલક્ષી અભિગમ પર આધારિત એક વૈકલ્પિક પદ્ધતિ નીચે આપી છે, તે તપાસીએ, આ નવા અભિગમનું પાકું સરવૈયું કંઈક આવું લાગે:

૧) ગ્રાહક સંખ્યા – ગત વર્ષ/ આ વર્ષ –

ગ્રાહક સંખ્યા સંદર્ભે વધારો/ઘટાડો

૨) ગ્રાહક દીઠ સરેરાશ આવક જાવક

૩) હાલના સોદાઓની સંખ્યા

૪) કૉન્ટ્રેક્ટની સંખ્યા

૫) લક્ષ્યજૂથનું પૃથક્કરણ – બજારના કુલ ગ્રાહકોમાંથી કેટલા ટકા ગ્રાહકોને કંપની પોતાના ગ્રાહક બનાવી શકે? તેનો પરિચય

૬) સંભાવિત ગ્રાહકો:

અ) હાલની બજારના

બ) અજાણ બજારના

૭) ગ્રાહકોના સંતોષની માત્રા –

૮) ગ્રાહકોના અસંતોષની માત્રા – (ક્યા ક્ષેત્રમાં?)

૯) ગ્રાહકસેવાને બેવડાવવી હોય તો તેમ કરવા માટે કંપનીનું આંતરમાળખું અને વ્યવસ્થાતંત્ર કેટલે અંશે સક્ષમ છે?

ધનલક્ષી પાકું સરવૈયું ગૌણ છે, જનલક્ષી પાકું સરવૈયું – તેનું ઉદાહરણ ઉપર આપ્યું છે – કંપનીનું સાચું ચિત્ર ઉપસાવી શકે.

ઉત્પાદન અને વેચાણ બાબતમાં તો આ જનલક્ષી અભિગમ વધુ સારો છે. કંપનીની પરિસ્થિતિ તેના અર્થકારણ કે ઉત્પાદકતા ઉપર નભતી નથી, પણ તે પોતાના ગ્રાહકોને મહત્તમ સંતોષ કઈ રીતે આપી શકે તે સૌથી મહત્ત્વના મુદ્દા ઉપર અવલંબે છે. જ્યારે કોઈ કંપની પોતે જે સમાજની સેવા કરતી હોય તેના હિતમાં કામ કરે છે, ત્યારે તેનો વિકાસ થાય છે. મદ્રાસના ઍલૅક્રીટી ફાઉન્ડેશનના અમોલ કર્નાડને હું રાજકોટ ખાતે સંચાલન અંગેના પરિસંવાદમાં મળ્યો હતો. તેમના જનલક્ષી અભિગમે તેમને કેટલો બધો ફાયદો કર્યો હતો અને એ દ્વારા પોતે મદ્રાસના અગ્રણી બિલ્ડર કેવી રીતે બની ગયા હતા, તેની ત્યારે તેમણે વિષદ્ છણાવટ કરી હતી. એક્સેલ ઈન્ડસ્ટ્રિઝના ચૅરમૅન અને મૅનૅજિંગ ડાયરેક્ટર શ્રી શ્રોફ એ આનું બીજું ઉદાહરણ છે.

સમાજને મદદ કરવાના લક્ષ્યમાં જ કંપનીનું વ્યક્તિગત હિત નિહિત છે. (આત્મનો મોક્ષાર્થમ્, જગત્ હિતાય ચ-નો સિદ્ધાંત અહીં ચરિતાર્થ થાય છે.) ઉત્પાદિત માલ, લોકો, કંપનીઓ વગેરે જેવાં બાહ્ય પરિબળોને મિત્રો અને મદદગારોમાં પરિવર્તિત કરવાનો આનો હેતુ છે. સંઘર્ષની ભૂમિકાએ હવે જે તે કંપની અને સમાજ વચ્ચેની શાંતિમય અને હાથોહાથના સહકારની ભૂમિકા લાવવી પડશે. (સ્પર્ધા તો હીન લોકો માટે હોય. આ આપણે હવે પછી ચર્ચીશું.) આખા મુદ્દાનું હાર્દ તો એટલું જ છે કે વ્યક્તિનાં અને સમષ્ટિનાં હિતનું સંયોજન થવું જોઈએ. કોઈ કંપની જેમ જેમ લોકોની પાયાની જરૂરિયાતમાંથી ગમે તે એક ઉપર પોતાનું ધ્યાન વધુને વધુ કેન્દ્રિત કરે, તેમ તેમ તે પોતાના પ્રશ્નો વધુને વધુ સારી રીતે હલ કરી શકે.

સેવાનો આદર્શ અને ‘સ્થૂળ કરતાં સૂક્ષ્મ વધુ મહાન છે’ એ સિદ્ધાંત કંપની માટે ખૂબજ ફળદાયી થઈ શકે તેમ છે. લોકોનાં રસ અને રુચિ એટલી ઝડપથી બદલાતાં રહે છે કે અમર્યાદ સમય માટે કોઈ એક જ વસ્તુનું ઉત્પાદન કાર્ય કરવું લાંબા સમય માટે લાભકારક નથી, એ જ રીતે બધી કાચી ધાતુ, યંત્રો અને બજારની પરિસ્થિતિ, વધુ સારા માલ, યંત્રો અને પરિસ્થિતિમાં પરિવર્તિત થતી જાય છે. એટલે ઉત્પાદિત માલ પાયાનો મુદ્દો નથી પણ મૂળભૂત જરૂરિયાત અને લોકોનાં સાંપ્રત પ્રશ્નો મૂળગત મુદ્દો છે.

એકની એક વસ્તુ બજારમાં મૂકવાનું ચાલુ રાખવાથી તીવ્ર સ્પર્ધા અને અનિશ્ચિત ભાવિનો કંપનીએ સામનો કરવો પડે છે. તેનાથી વિપરિત, જો કોઈ કંપની લોકોની પાયાની જરૂરિયાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને સાંપ્રત સમસ્યાને હલ કરે તો માલ વેચવાનું વધુ સહેલું પડે. આમ કરવાથી કોઈ વ્યક્તિ કે કંપની બીજા કોઈ સાથે હરીફાઈ કરતી નથી, પણ લોકોના પ્રશ્નો હલ કરીને તેમનું શ્રેય સાધે છે અને આમ સમાજમાં એક અર્થપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

(ક્રમશ:)

Total Views: 108

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.