શ્રી ચૈતન્ય મહાપ્રભુ જયંતી (૧૭ માર્ચ) પ્રસંગે

યુગાયિતં નિમેષેણ ચક્ષુષા પ્રાવૃષાયિતમ।

શૂન્યાયિતં જગત્સર્વં ગોવિન્દવિરહેણ મે।।

ગોવિંદના વિરહમાં મારે માટે એક પળ એક યુગ જેવડી બની જાય છે. આંખો વર્ષાનો ધોધ બની જાય છે. આખું જગત શુન્ય બની જાય છે.

શ્રી ચૈતન્ય વિરચિત શિક્ષાષ્ટકના આ એક શ્લોકમાં તેમનો ભક્તિભાવ હૃદયસ્પર્શી રીતે પ્રકટ થયો છે. ચૈતન્યભક્તો શ્રી ચૈતન્યને રાધા અને કૃષ્ણના યુગલ અવતાર રૂપ માને છે.

કવિરાજ ગોસ્વામી નામના એક ભક્ત કવિએ શ્રી ચૈતન્યના આવિર્ભાવની એક શ્લોકમાં સુંદર કલ્પના કરી છે. શ્લોકનો ભાવ આવો છે:

“શ્રી રાધાનો પ્રણય મહિમા કેવો છે, શ્રી રાધાએ મારી દ્વારા જે પ્રેમ માધુર્યનું આસ્વાદન કર્યું છે, તે કેવું છે અને મારા માધુર્યના આસ્વાદનમાં શ્રી રાધાને કેવું સુખ મળે છે – એ જાણવા શ્રી હરિએ શચિદેવીને પેટે ગૌરાંગ રૂપે અવતાર લીધો.”

શ્રી ચૈતન્ય આપણા દેશની એક મહાન વિભૂતિ છે. કેટલાક વિદ્વાનોનો એવો મત છે કે શ્રી ચૈતન્ય દ્વારા બંગાળી લોકો પંખીની જેમ ઈંડુ ફોડી બહાર નીકળી દિગન્તમાં ઊડતાં શીખ્યા હતા. તેમનો આ પ્રભાવ માત્ર બંગાળ પૂરતો સીમિત રહ્યો હતો, એવું નહિ કહેવાય. આપણા દેશની ભક્તિચેતના ૫૨ શ્રી ચૈતન્યનું મહાન અવદાન છે.

પંદરમી સદીમાં ભારતમાં ભક્તિના એક પ્રચંડ જુવાળે આખા દેશને આપ્લાવિત કરી દીધો હતો. આ જુવાળ દક્ષિણ દિશાએથી આવ્યો હતો:

‘ભક્તિ દ્રાવિડ ઉપજી, લાયે રામાનંદ’

નાતજાતના ભેદભાવ રહિત ભક્તિનો પ્રસાર રામાનંદે ઉત્તર ભારતમાં કર્યો. કબીર જેવા તેમના શિષ્ય હતા. એ વખતે બીજા એક સંત માધવેન્દ્ર પુરીએ બાલગોપાલાની પૂજા શરૂ કરી. સૈકાંઓથી ચાલી આવતી વાસુદેવ કૃષ્ણની પૂજા અને ગોપકૃષ્ણની પૂજાને નવો વળાંક આપ્યો.

એ વખતે દેશમાં મુસલમાનોનું શાસન સ્થપાઈ ચૂક્યું હતું. પરંતુ ભક્તિધારા અક્ષુણ્ણ વહેતી રહી. કદાચ પ્રતિક્રિયા રૂપે પ્રબળ બની. સૂફી સંપ્રદાયનો પણ સંસ્પર્શ મળ્યો. આ ભક્તિની ધારાએ સમગ્ર દેશને એક નવી ચેતના પૂરી પાડી. ભારતવર્ષની જુદી જુદી ભાષાઓમાં કવિતા મહોરી ઊઠી. આ સમગ્ર પ્રવૃત્તિના ઉત્સ રૂપ ગ્રંથ હતો શ્રીમદ્ ભાગવત. ચૈતન્યનો જન્મ થયો તે વખતે ભાગવતનું અધ્યયન બંગાળના શાન્તિપુર અને નદિયા-નવદ્વીપમાં પહોંચી ગયું હતું. આ જ સમય છે મહાપ્રભુ વલ્લભાચાર્યના આવિર્ભાવનો. અસમના મહાન સંત શંકરદેવ પણ આ વખતે થઈ ગયા. આ ત્રણે સંતોએ વૈષ્ણવ ભક્તિધારાને પોતપોતાની રીતે પુષ્ટ કરી છે. આ ત્રણે સંતો એકબીજાને કંઈ નહિ તો એકાદ વાર મળ્યા હોવાના સંદર્ભો મળી આવે છે. શ્રીમદ્ વલ્લભાચાર્યે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવધારા, શ્રી શંકરદેવે એક શરણીયા વૈષ્ણવધારા અને શ્રી ચૈતન્યે ગૌડિય વૈષ્ણવધારાનું પ્રવર્તન કર્યું.

શ્રી ચૈતન્યનો જન્મ આજથી ૫૦૦ વર્ષ પહેલાં એટલે કે ૧૪૮૬માં બંગાળના નદિયા જિલ્લામાં થયો હતો. નદિયા એટલે નવદ્વીપ. વ્યાકરણ અને નવ્યન્યાયની વિદ્યાનું એ વખતે મહાન કેન્દ્ર હતું નવદ્વીપ.

ચૈતન્યના પિતાનું નામ જગન્નાથ મિશ્ર. માતાનું નામ શચી દેવી. ચૈતન્યનું જન્મનામ વિશ્વંભર. પણ નાનપણથી કહેવાયા નિમાઈ. કહે છે કે નીમ – લીમડાના ઝાડ નીચે જન્મ થયો હતો, એટલે નિમાઈ. નદિયાના માયાપુ૨માં ગંગાની પૂર્વ હજી પણ એ લીમડાના સ્થળે ઊગેલો લીમડો બતાવાય છે. કોઈ વિદ્વાન કહે છે કે નિમાઈ એટલે મા વગરના. મા તો હતી, પણ જન્મથી એટલા રૂપાળા હતા કે દૈવને પણ ઈર્ષ્યા આવે. એના પર કોઈ આપત્તિ ન આવે એટલે ‘મા વિનાના નિમાઈ’ એવું અભાગી નામ આપ્યું. એ નામે ઓળખાતા રહ્યા. એ સાથે બીજું લોકપ્રિય નામ તે ગૌરાંગ, ગૌરહરિ, એ નામ તે એમના રૂપવર્ણને લીધે. પછી ગૌરાંગ નામ અધિક પ્રિય બન્યું.

નિમાઈ નાનપણથી જ ખૂબ તોફાની હતા. એમના ભક્તો બાળપણનાં એમનાં તોફાનો અને  અવળચંડાઈઓને બાલકૃષ્ણની લીલા સાથે સ૨ખાવે છે. કૃષ્ણ યમુના તીરે જન્મ્યા હતા. કૃષ્ણ શ્યામ, યમુના શ્યામ. ગૌરાંગ જન્મ્યા હતા ગંગાતીરે. ગૌરાંગને ગંગા બહુ પ્રિય. ગંગા એટલે કે જાહ્નવી, જનની અને જન્મભૂમિને સંન્યાસી થયા પછી પણ વિસરતા નહોતા.

નિમાઈનો એક મોટો ભાઈ તે વિશ્વનાથ. વિદ્વાન હતા. આ વિદ્વાનપુત્ર ૫૨ માબાપે ઘણી આશાઓ રાખી હતી, પણ તેઓ એકાએક ઘર છોડી ચાલ્યા ગયા અને સંન્યાસી થઈ ગયા. આથી માબાપે નક્કી કર્યું કે નિમાઈને ભણાવવો જ નથી.

પરંતુ નિમાઈએ ભણવાની જિદ લીધી. નિશાળ જવા છતાં તેમનાં તોફાનો વધતાં ચાલ્યાં, શચીદેવી આગળ, જેમ જશોદા આગળ બાલકનૈયાની આવતી – નિમાઈની અનેક ફરિયાદો આવતી. પણ તે સાથે તે, સૌમાં પોતાના ગૌરવર્ણ અને મનમોહક રૂપથી અત્યંત પ્રિય પણ થઈ પડ્યા હતા.

પિતાના મૃત્યુ પછી નિમાઈ ગંભીર બન્યા. એકદમ ભણવામાં લાગી ગયા અને જોતજોતામાં વ્યાકરણ અને ન્યાયના વિષયોમાં પારંગત થઈ ગયા. ન્યાય વિષે એક ગ્રંથની રચના પણ શરૂ કરી. પણ એથી તેમના એક સહપાઠી રઘુનાથને થયું કે હવે પોતાના ગ્રંથનો કોઈ ભાવ નહિ પૂછે – એ જાણી નિમાઈએ પોતાનો ગ્રંથ ગંગામાં પધરાવી દીધો!

સોળમે વર્ષે લક્ષ્મીપ્રિયા સાથે નિમાઈનું લગ્ન થયું. એ પછી એમણે પોતાની પાઠશાળા શરૂ કરી. વ્યાકરણ, અલંકાર અને ન્યાયના લોકપ્રિય અધ્યાપક બની ગયા. તેમ છતાં તેમના સ્વભાવમાં એક પ્રકારની ચંચળતા તો રહી.

બાપદાદાઓના મૂળ વતન પૂર્વબંગાળના સિલ્હરની યાત્રા દરમ્યાન અહીં નદિયામાં લક્ષ્મીદેવીનું અવસાન થયું. એ પછી માતાના આગ્રહથી વિષ્ણુપ્રિયા સાથે તેમનું બીજું લગ્ન થયું. પરંતુ હવે કોઈ અદૃષ્ટ બળથી કે પૂર્વના સંસ્કારોથી તેમના સ્વભાવમાં પરિવર્તન આવવા લાગ્યું. કોઈ કોઈ વાર હવે તે ભાવાવેશમાં આવી જતા – કહેતાઃ “હું સાક્ષાત્ વિષ્ણુ છું. મારી પૂજા કરો.”

પિતાના શ્રાદ્ધ માટે ગયા ધામની યાત્રા કરી. ત્યાં વિષ્ણુનાં પાદપદ્મનાં દર્શન કરતાં જ આત્મવિસ્મૃત બની ગયા. શરીર કંપવા લાગ્યું, આંસુની ધાર વહેવા લાગી. અહીં તેમણે માધવેન્દ્રપુરીના શિષ્ય ઈશ્વરગિરિ પાસેથી વૈષ્ણવધર્મની દીક્ષા લીધી અને આ મહાન નૈયાયિક અને વૈયાકરણી ભાવુક ભક્ત બની ગયો.

નવદ્વીપમાં ચૈતન્યે શ્રીપ્રભુના નામસ્મ૨ણરૂપે સંકીર્તનનો આરંભ કર્યો:

હરે હરયે નમઃ કૃષ્ણ યાદવાય નમઃ।

ગોપાલ ગોવિંદ રામ શ્રી મધુસૂદન।।

હવે તેમનું ચિત્ત કૃષ્ણમય બની ગયું. વિદ્યાપતિ, ચંડીદાસ આદિએ રચેલાં કૃષ્ણવિરહનાં પદો ગાતા, સાંભળતા, રાધાભાવનો અનુભવ કરવા લાગ્યા.

ચૈતન્ય અને તેમના સાથીઓએ ઈશ્વરની ઉપાસના માટે સામાન્યમાં સામાન્ય જનના અધિકારનો સ્વીકાર કર્યો અને એ નામે નામ સંકીર્તનનો ઉપાસના માર્ગ પ્રચલિત કર્યો. ચાંદ કાજીએ લોકોના ચઢાવવાથી સંકીર્તનની મનાઈ ફરમાવી, પણ ચૈતન્ય તો સંકીર્તન કરતા વિરાટ સરઘસ સાથે નવદ્વીપની શેરીઓ વચ્ચે નીકળ્યા અને કાજીને નમાવ્યો. ચૈતન્યનો પ્રભાવ વિસ્તરવા લાગ્યો.

હવે તેમનું મન સંસારમાં રહ્યું નહિ. ૨૪મે વર્ષે તો તેઓ સંન્યાસી થઈ ગયા. નવદ્વીપ ત્યજીને તેમણે જગન્નાથપુરીમાં પોતાનો નિવાસ કર્યો. પરંતુ તે સાથે તેમણે છ વર્ષ સમગ્ર ભારતમાં ભ્રમણ કર્યું. વૃન્દાવન વિસ્તારમાં ફરીને તેમણે કૃષ્ણલીલાનાં સ્થાન નિર્ધારિત કર્યાં અને પોતાના ગૌડીય વૈષ્ણવમતની સ્થાપના કરી.

ગૌડીય વૈષ્ણવધારામાં શ્રીરાધાનું અધિક મહત્ત્વ છે. શ્રીરાધા અહીં પરકીયા છે. એ ભાવનાં અનેક વૈષ્ણવપદ આ પૂર્વે રચાયેલાં હતાં, તે કીર્તનનું સ્થાન પામ્યાં. ગીત ગોવિંદનો પણ આગવો મહિમા થયો. બંગાળમાં અને પૂર્વભારતમાં સાહિત્યમાં એક નવી પ્રેરણાનો ઉદય થયો.

વૃન્દાવનમાં ચૈતન્ય વારંવાર ભાવાવેશમાં આવી જતા. તેમના આ લોકાતીત દિવ્યોન્માદમાં તેમના ભક્તોને ચૈતન્ય અવતારી રૂપે દેખાયા અને કેટલાકે ગૌરાંગના રૂપે તેમની પૂજા પણ શરૂ કરી દીધી.

ચૈતન્યે પોતાની ઉત્તરવયનાં અઢાર વર્ષ જગન્નાથપુરીમાં વિતાવ્યાં. અહીં સતત તેઓ ભાવાવેશમાં રહેતા. જગન્નાથના મંદિરમાં ગરુડસ્તંભ પાસે કલાકો સુધી ઊભા રહી જગન્નાથ પ્રભુ સામે અશ્રુપૂર્ણ આંખે એકીટશે જોયા કરતા. ઘેર આવી શ્રી કૃષ્ણ વિરહનાં પદો, ગીતગોવિંદ કે ભાગવત સાંભળતા અને રાતોની રાતો ભાવસમાધિમાં પસાર કરતા. શ્રીકૃષ્ણને કેવી રીતે પામું? શ્યામ ક્યાં મળશે? – એવો પ્રલાપ કરતા રાધાભાવમાં નિમગ્ન રહેતા.

યમુનાના નીલ તરંગોનું સ્મરણ કરતા એક વાર પુરીના નીલ જલધિજલના તરંગોમાં દોડી ગયા હતા. સાગર તેમને માટે નીલકૃષ્ણનું સ્વરૂપ બની ગયો હતો.

ભક્તોનું કહેવું છે કે જેમ મીરાં દ્વારકાધીશની મૂર્તિમાં વિલીન થઈ ગયાં હતાં. તેમ શ્રી ચૈતન્યે પણ જગન્નાથ પ્રભુની મૂર્તિમાં વિલીન થઈ જઈ પોતાની લીલા સંકેલી લીધી હતી.

પછી તો વૈષ્ણવ પરંપરાના આ મહાન સંત દેવ બની ગયા. શ્રીકૃષ્ણની જેમ તેમના ૫૨ અનેક કીર્તનો અને ચરિત્રગ્રંથો રચાયા. કીર્તનનો આરંભ ગૌરવચંદ્રિકા-ગૌરાંગવંદનાથી જ થાય છે. ગૌરાંગ શ્રીકૃષ્ણનો અવતાર બની પૂજાવા લાગ્યા. આ રહી તેમના વિષે સૌ પ્રથમ લખાયેલા કીર્તનની એક કડી:

શ્રી ચૈતન્યનારાયણ કરુણા-સાગર

દુ:ખિતેર બન્ધુ પ્રભુ મોરે દયા ક૨.

– હે શ્રી ચૈતન્યનારાયણ, કરુણાના સાગર, દુઃખી જનોના બંધુ, પ્રભુ મારા પર દયા કરો.

Total Views: 90

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.